Khukh - 8 in Gujarati Classic Stories by RAGHAVJI MADHAD books and stories PDF | કૂખ - 8

Featured Books
Categories
Share

કૂખ - 8

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૮

એક ખાનગી ન્યુઝ ચેનલ પર જાહેરાત લખાઈને પ્રસારિત થઇ હતી.સ્ક્રીન પર નાનકડી પટ્ટીમાં લખ્યું હતું :‘કૂખ ભાડે જોઈએ છીએ.કૂખ ભાડે રાખનાર એનઆરઆઇ મહિલા છે.અંગેનો યોગ્ય વળતર આપવામાં આવશે.’ નીચે પ્રકાશનો મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો.

સંપર્ક નંબર પોતાનો આપવામાં આવ્યો હતો તેથી પ્રકાશ પર આ અંગેની પૃચ્છા કરતા ફોન આવવા લાગ્યા હતા.સૌથી પહેલો ફોન એક પુરુષનો હતો.તેણે પૂછપરછ કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં જિજ્ઞાસાવશ પણ પ્રકાશે સામે સવાલ કર્યો હતો:‘આપ આવું કરવા સોરો,પત્ની પાસે કરાવવા કેમ તૈયાર થાય છો ?’પ્રકાશ માટે આ વિગત જ નવી હતી. વળી દીકરી દત્તક લેવાની વાત એકબાજુ રાખીને સેરોગેટ મધરવાળી વાતને પકડી હતી. સામે પૃચ્છા કરનારે જવાબ આપવામાં પ્રથમ થોડો ખચકાટ અનુભવ્યો. પણ પ્રકાશે કહ્યું હતું : ‘સ્પષ્ટ કહેશો તો આગળ વધવાનું ઠીક રહેશે.’

‘આર્થિક જરૂરિયાતના લીધે આમ કરવા માંગીએ છીએ.’ પછી આગળ બોલી જ ગયો હતો : ‘મંદીનો માહોલ છે. શેર-બજાર તૂટ્યું છે. વળી દિવાળીના દિવસો છે...’

પ્રકાશને વાત બરાબર ગળે ઉતરી ગઇ હતી. પછી પેલા ત્વરિત પૂછી જ લીધું હતું :‘એડવાન્સ કેટલા ને ક્યારે આપવાના છો ?’ પ્રકાશ મૂંઝાયો હતો. આમતો આ અંગેનો કોઈ ખ્યાલ, અનુભવ જ નહોતો તે શું જવાબ આપે ? અને અંજુને પૂછવું પડે...જવાબ વાળતા કહ્યું હતું : ‘એ બધું, જાણી-પૂછીને કહું !’

‘કોને પૂછવાનું ? તો તમે કોણ છો...’આવા સવાલો સામે આવ્યા પણ જવાબ દીધા વગર ફોન કટ કરી નાખ્યો હતો.પછી ક્ષણભર આંખો બંધ કરી પોતે વિચારવા લાગ્યો હતો:‘આમાં હું કોણ છું તેનીતો ભાઈ મનેય ખબર નથી..’

બીજો ફોનમાં વ્યક્તિએ જવાબ આપવાનું ટાળી સીધું એજ કહ્યું હતું કે, ‘આપણે બેઠક કરીએ !’

પ્રકાશ માટે આ નવું ને નવતર હતું. જાહેરાત આપવાનું નક્કી થયું હતું તે પ્રમાણે આપી, આવી. પણ કોઈ પૂછે તો જવાબ શું આપવો, કેવા પ્રકારનો આપવો...તે કોઈ ચર્ચા-વિચારણા થઇ નહોતી.વળી પોતે તો એક વચ્ચેનો માણસ હતો. અંજુને પૂછ્યા વગર જવાબ આપી શકે નહી. તેથી કહ્યું હતું : ‘હું આપનો પછીથી સંપર્ક કરું છું.’

પછી અંજુનો સંપર્ક કરી ફોનની વિગતોથી વાકેફ કરી હતી.

પણ સામે અંજુ ડીસ્ટર્બ હોય એવું એના અવાજ પરથી લાગતું હતું.પણ ખાસ લક્ષ આપ્યું નહી. હોય.. માણસોના જાત-જાતના પ્રશ્નો હોય છે...મનને અંજુમાંથી વાળી લીધું હતું.

પ્રકાશ પથારીમાં આડો પડી, સામયિકના પાના ફેરવવા લાગ્યો.પણ જોવા-વાંચવામાં ચિત ચોંટ્યું નહી. સામયિકમાં કલરફૂલ એડ.માં ઉપસી આવતા સ્ત્રીના અંગ-ઉપાંગો પર નજર પડી ન પડીને પાના ફેંદી નાખ્યા. પછી આંખો બંધ કરી પથારીમાં એમ પડ્યો રહ્યો.

-પૈસા માટે માણસ કેવું કેવું કરે છે...

-જાત પણ વેંચે છે...આવા વિચારો પરપોટાની જેમ ઉપસવા લાગ્યા હતા.

પહેલાં તો પ્રકાશને જાહેરતના જાદુએ અચંબામાં મૂકી દીધો હતો. તરત જ પરિણામ ભલે ન આવ્યું પણ પ્રતિભાવતો આવવા લાગ્યા હતા. તેનો અર્થ એ હતો કે જાહેરાતની લોકો નોંધ તો લે છે.

-મૂરતિયો ભાડે જોઈએ છીએ...અંજુ આવી જાહેરાત પણ આપી શકી હોત !

પ્રકાશની આંખો ઉઘડી ગઇ. તે સફાળો બેઠો થઇ, ધીમું ધીમું હાંફલવા લાગ્યો.

‘ના, અંજુ આ હદે તો ન જાય...’વળી થયું કે જાય...કંઈ કહેવાય નહી. જુઓને બે સ્ત્રીઓતો કૂખ ભાડે આપવા તૈયાર પણ થઇ છે...

-પોતાના પેટમાં બાળક પકાવીને આપી દેશે, કુંભાર નીંભાડામાંથી વાસણ પકાવીને આપી દે તેમ !

વળી થયું કેએ વાસણ સાથે પણ ઘડનાર,પકાવનારની મમત જોડાયેલી હોય છે.વેંચતી વખતે ખાસ કાળજી રાખવાનું કહે છે:‘આ માટલામાં પેલા થોડું પાણી ભરજો,પાણીને રિઝાવા દેજો..પછીથી આખું ભરજો !’

‘માટીનાં વાસણ કરતા પણ પેટનો જણ્યો સસ્તો હશે !’

પ્રકાશ અંદરથી હાલકડોલક થવા લાગ્યો.તેને મા યાદ આવી ગઇ.ગામમાં પાણીની તંગીના લીધે દૂર પાણી ભરવા જવું પડતું.પોતે સાથે થતો. તે વેળા મા માથે પાણીનું બેડું હોય છતાંય પોતાને કેડમાં તેડી લેતી. કોઈ દવા કે ઓસડિયું પીવડાવવાનું હોય તો પહેલા મા પોતે ચાખી લે, અખતરો કર્યા પછી દીકરાને પીવડાવે....ને મોટો થયા પછી પણ માથા પર હાથ ફેરવીને સુવડાવે....

-સ્ત્રી બાળકને જન્મ આપી,એક વસ્તુના માફક તે બીજી સ્ત્રીને આપી દેશે ! સાથે પ્રેમ,લાગણી, મમત્વ પણ આપી દેશે,દઇ શકાશે..પ્રકાશ પાસે તો જાણે પાર વગરના પ્રશ્નો પઠાણી ઉઘરાણી કરવા આવ્યા હોય એમ સામે ઊભા રહ્યા..તે પીડાવા લાગ્યો. આળું મન,વણકથી વ્યથા અનુભવવા લાગ્યું.

‘ભાઈ પ્રકાશ સંભાળ !’ ક્યાંકથી અગોચરથી અવાજ આવ્યો.

‘અંજુને આ રસ્તે તે ચઢાવી છે. કૂખ ભાડે રાખવાનું તે કહ્યું છે ને પાછો તો સવાલો ઊભા કરે છે ?’

પ્રકાશ સરવા કાન કરી જૂગુપ્સાથી સાંભળવા લાગ્યો. પોતાનો પ્રતિધ્વનિ પડઘાતો હતો.

‘મેં કૂખ ભાડે રાખવાનો રસ્તો બતાવ્યો !’

‘હા..’ખુદે જવાબ આપતા કહ્યું:‘અને શું કરવા આવો સસ્તો રસ્તો બતાવ્યો એ પણ કહું !’પ્રકાશ સ્ત બ્ધથી સાંભળવા લાગ્યો:‘તને અંજુ પર વિશ્વાસ નથી.તેથી પતિ થવાના પત્રમાં કે કરારમા સહી કરવી ન પડે એટલે તે અંજુને આ રસ્તે વાળી...’

પ્રકાશથી સહન થયું નહી.નગ્ન સત્ય તન-મનને દઝાડવા લાગ્યું હતું.તેસડાક કરતો ઊભો થઇ ગયો.

‘કોઈ આપણા પર વિશ્વાસ મુકે તેને તું જીવનની સાર્થકતા સમજતો હતો...ને એકાએક વાંદરા જેમ ગુલાંટ મારી ગયો !’

પોતાની જાતને કોચતો તે પથારીમાં ધબ દઈને પડ્યો.

‘સાલુ આ શું છે ને શું કરવા છે ?’

તે પથારીમાં રીતસર આળોટવા લાગ્યો.ન સમજાય તેવા સવાલો ચારેબાજુથી અજગરના જેમ ભરડો લઇ, ભીંસવા લાગ્યા...થયું કે વધારે ભીંસે, જીવ નીકળી જાય...જીવવું મટે ! પણ પછી ‘ના...’ કહેતો બેઠો થઇ ગયો. અને સ્વગત બોલ્યો : ‘આમાં જીવવા ન જીવવાની વાત ક્યાં છે ?’

‘નથી જ પણ પણ આમાં મને સાચું તો સમજાવવું જોઈએ ને ?’

-શોભનાનો સંદર્ભ પણ વચ્ચે આવી ગયો હતો.તેણે અચાનક અથવા પોતાને જાણ કર્યા વગર રાજા ઓ શું કરવા મૂકી ? અને ખાસ તો અંજુના સાથેના સંપર્કથી તેનું કેમ બદલાયેલું વર્તન...

પણ આ બધી પળોજણ વચ્ચે અંજુને જે કહેવાનું હતું તે એકદમ યાદ આવી ગયું.તેને મોબાઈલ હાથ માં લીધો.અત્યારે જ કહી દેવું જોઈએ.આમ કરવામાં ઉતાવળો શું કરવા થયો તે અજાણ નહોતું-આ પળો જણ માં અલગ થવાનો એક વિકલ્પ...ઘડિયાળ સામે નજર કરી તો બંને કાંટા એકમેકને ભેટવા આતુર હતા.પણ સમાચાર આપ્યા વગર ચાલે એવું નહોતું.તેથી મોબાઈલ જોડી,સામે હાય હલ્લો કર્યા વગર સીધું જ કહ્યું:‘તું કાલે આવે છે ને ?આપણી એડ વાંચ્યા પછી એક-બે પાર્ટી તૈયાર થઇ છે,તેને મળવાનું છે...’ત્યાં અંજુએ સામે તેનાં ભાઈઓ સાથે થયેલી વાત કહી.પ્રકાશ હા,હું...કરતો સાંભળતો રહ્યો.તેમાંથી સૂર નીકળતો હતો કે ભાઈ ઓ આવી વાતે રાજી નથી.સારું...અંજુ જ ના પાડી દે તો પોતે આ પળોજણમાંથી છૂટે !

અને શોભનાનો પ્રશ્ન પણ હલ થઇ જાય.

‘શોભનાનો વળી શું પ્રશ્ન ?’ આ સવાલ પ્રકાશની ગડમથલમાં જગ્યા કરી શક્યો નહી

અંજુ તેનાં વિચાર પર મક્કમ હતી. તેણે કહ્યું:‘હું સ્વતંત્ર છું.મારા ભવિષ્ય માટે હું જાતે વિચારી શકું છું. જાણ કરવાની, અભિપ્રાય લેવાનો એ બધું ખરું પણ મારે શું કરવું અને મારે શું ન કરવું તે મારે જ નક્કી કરવાનું હોય છે.’

‘એટલે ?’

‘તે કહ્યું તેમ જ કરવાનું છે..’ પછી અંજુએ સહેજ હળવાશથી કહ્યું : ‘તું ભલેને રદ્દી નોટ રહ્યો !’

‘હે...’તો સામે અંજુ હસવા લાગી.પ્રકાશને સારું ન લાગ્યું.તેનાં ભાઈઓએ જે કહ્યું હતું તે અંજુએ પોતાને કહી દીધું હતું. ગુસ્સો આવ્યો હતો. સામે હોતતો કહી દેત : ‘તમે કેવા છો એની મને ખબર છે.’ પણ અંજુ ફરી યાદ કરી હસવા લાગી તે ઘાવ પર મીઠું ભભરાવ્યું હોય એવું લાગ્યું.

અંજુના આગમન સાથે જ આટલો ઉલ્ક્પાત સર્જાયો..તો અંજુના સ્થિર થયા પછી શું થશે ? વિચાર માત્રથી પ્રકાશ હચમચી ગયો. તે જાણે વાવાઝોડામાં ઉખડાયેલા ઝાડ માફક મૂળમાંથી ઉખેડાઇને દૂર ફેંકાઇ ગયો !

ને પછી પોતાને જ દયાભાવથી જોવા લાગ્યો.પછી પડખા ઘસતા ક્યારે ઊંઘ આવી ગઇ તેની ખબર રહી નહી.

બીજા દિવસે અમદાવાદમાં પાલડીના બસ સ્ટેન્ડ પર ઊભો રહ્યો. આવી રીતે ઘણીવાર શોભનાની પ્રતીક્ષા કરી હતી.એ સિવાય બીજો કોઈ અનુભવ નહોતો.પણ નવતર રોમાંચ અનુભવાતો હતો. રૂંવે રૂંવે કશુંક કૂંપળ માફક ફૂટતું હતું. શરીરમાં કશોક અજાણ ફેરફાર થઇ રહ્યો હતો. જેને વ્યક્ત કરવા માટે શબ્દોને શોધવા કરતા અબોલ રહેવામાં આનંદ આવશે એવું લાગતું હતું.

-પ્રતીક્ષા વિશેની કવિતાઓ વાંચી હતી, ગીતો સાંભળ્યા હતા...પણ અનુભવ તો આજે થયો હતો.

અંજુ એક બસમાંથી ઊતરી.સામાન સાથે,થોડી ચાલીને પાસે આવી.અને કશું જ બોલ્યા વગર પ્રકાશ સામે જોઈ રહી.પ્રકાશને ગમ્યું.પ્રતીક્ષાનો કદાચ અર્થ મળ્યો...અથવા આવું હોય એવું સમજાયું.પ્રકાશે લાગણી તરબોળ સ્વરે કહ્યું : ‘શું જુએ છે !’

‘પકલાને...!’પછી સહેજ નજીક આવીને કહે:‘વરસો પહેલા અમરેલી ને રાજકોટના બસસ્ટેન્ડ પર રાહ જોતા પકલાને !’

‘ખરેખર !’પ્રકાશ ભાવથી છલોછલ છલકાઈ ગયો.પછી ઊભરાતો હોય એમ બોલ્યો:‘હું પણ આ ભીડમાં ખોવાયેલી એ અંજુડીને શોધું છું !’

‘માનો કે મળી ગયાં પણ પછી શું ?’

એક સાથે બંનેને આ સવાલ થયો. પણ..ટાળ્યો....ને પછી બંને હસવાં લાગ્યાં.

અંજુને શું સૂઝી આવ્યું તે પૂછ્યું:‘લોકો રાહ શું કરવા જોતા હશે,સમયનો વ્યય શું કરવા કરતા હશે !’

પ્રકાશ હાથ ઉલાળતો કહે :‘લોકોને પૂછવું પડે,આપણે તો લોકો નથી.’

અંજુ મર્માળુ હસી. પછી કહે :‘આ ત્યાંના લોકોનો મત છે. લોકો કેમ સમજાવવું કે પ્રતીક્ષાની પળોનો જે આનંદ અને ઘૂંટાતું સંવેદન હોય છે,મનભાવન ઉચાટ છે તે અવર્ણનીયને આહલાદક હોય છે.’ સામે પ્રકાશ પણ બોલી ગયો : ‘વિરહની વ્યથા વગર મિલનની મજા ન આવે...’

‘ઝૂર્યા પછીનું મળવું...’

એકાદ ક્ષણ માટે અંજુએ વીજળીના ચમકારા માફક પ્રકાશ સામે ઝાંખીને જોઈ લીધું. મનને સાંત્વન સાંપડ્યું.સારું ને ન્યારું લાગ્યું.તેથી હસીને થોડા ઊંચા અવાજે બોલી:‘વાહ મારા રાજા...ક્યા બાત હૈ..નાઈસ, વેરી ફેન્ટાસ્ટીક !’

પ્રકાશે ચોંકીને એકદમ અંજુ સામે જોયું.અંજુનું કહેવું હાંસી હતી કે પ્રશંસા એ નક્કી ન થઇ શક્યું. તેણે ઝંખવાઈ ને ઝડપથી મોં ફેરવી લીધું.

માણસો અને વાહનોની ભારે ભીડ હતી. ધુમાડો,ગરમી...ને ઉકળાટ અસહ્ય હતો. સ્થિર ઊભા રહેવું મુશ્કેલ હતું. અંજુને હવે આ વાતાવરણ સહન કરવું મુશેકલ હતું. અંજુએ અકળાઈને કહ્યું : ‘શું પ્રોગ્રામ છે ?’

‘પ્રોગ્રામમાં તો...’પ્રકાશ સહેજ સંકોચાઈને બોલ્યો:‘જાહેરાત વાંચી જે સ્ત્રી તૈયાર થઇ છે...તેને અને તેનાં પતિ ને મળવાનું છે...’

‘મળવું તો પડે...’અંજુ બોલી:‘તેની સાથે ટર્મ એન્ડ કન્ડીશન નક્કી કરવા પડે.’

વાત તો સાચી છે...એમ વિચારતા બંને એક રેસ્ટોરન્ટમાં આવ્યાં.ફ્રેશ થયાં.નાસ્તો કર્યો. પછી ત્યાંથી કૂખ ભાડે આપવા રસ દાખવ્યો તે સ્ત્રી...પુરુષનો સંપર્ક કર્યો. રૂબરૂ મળવા માટે કહ્યું તો ખચકાટ અનુભવવા લાગ્યા.અંજુએ ભારપૂર્વક કહ્યું:‘આ બાબત જ એવી છે,મળવું પડે વિચારવું પડે, યોગ્ય લાગેતો...આગળની વિધિ પણ કરવી પડે..’સામે પુરુષ મળવા તૈયાર થયો પણ ક્યાં...એ પ્રશ્ન પણ મૂંઝવવામાં આગળ રહ્યો. તેથી અંજુએ કહ્યું :‘હોટલમાં મળવાનું રાખવું હોય તો અમને વાંધો નથી.’

પણ પછી તે સ્ત્રી-પુરુષના ઘેર જ મળવાનું નક્કી કર્યું.એડ્રેસ લીધુંને કહ્યું:‘અમે લોકો આવીએ છીએ...’

ત્યાં જવા પૂર્વે પ્રશ્ન થયો :‘આપણે ત્યાં જઇ શું વાત કરીશું, કેવી રીતે....સવાલો પૂછીશું.’

‘આમાં શું પૂછવાનું હોય એની જ મને તો ખબર નથી.’ પ્રકાશે જાણે હાથ ઊંચા કરી દીધા.

વિષય સાવ નવો ને પાછો સંવેદનશીલ...સંભાળી, સંભાળીને બોલવું, પૂછવું પડે.

એક પ્રકારનો સોદો જ કરવાનો હતો...સોદામાં જે આવે તે કરવાનું હતું. ખાસ તો શરતો મૂકવાની હતી.અથવા એ સ્ત્રી-પુરુષ જે કહે તે અનુકૂળ આવે તો સાંભળવાનું ને સ્વીકારવાનું હતું. વળી આવું બધું હોવા છતાં કશું જ ન હોય તેમ વર્તન કરવાનું હતું.બંને પક્ષે બિનઅનુભવી હતાં છતાંય વાત તો ચલાવવાની હતી.

‘એક ડોક્ટર મિત્ર સાથે ચર્ચા થઇ હતી. તેની સલાહ પ્રમાણે...’

‘પણ અત્યારે જઈને શું કહેવાનું, પૂછવાનું ?’

‘જોવાનું...’પ્રકાશે કહ્યું : ‘પછી ભાવતાલ નક્કી કરવાના ?’

‘ભાવતાલ તો ઠીક પણ જોવાનું શું ?’

‘જમીન !’

‘જમીન !?’ અંજુને અચરજભર્યું લાગ્યું. થયું કે આમાં જમીન ક્યાં આવી ?

‘હા...’ પ્રકાશને સઘળું સમજાય ગયું હોય એમ ભારપૂર્વક કહ્યું : ‘જમીન કેવી ફળદ્રુપ છે તે...’

અંજુ હજુ પણ મોં વકાસીને પ્રકાશ સામે જોઈ રહી.

‘આપણે તો જમીનમાંથી પાક ઉગાડવાનો છે ને !’

અંજુ ધડાકાભેર સમજી ગઇ. જમીન વાવવા માટે ભાડે રાખવાની છે, પાક લેવાનો છે...મોંમાંથી જીભ બહાર નીકળી ગઇ. થોડીવાર બોલી : ‘આટલી વાત પણ હું સમજી ન શકી...’

પ્રકાશ મનોમન હરખાવા લાગ્યો.

પણ પછી અંજુ કહે : ‘સ્ત્રીની જમીન સાથે સરખામણી...!’

‘તો બીજું કહેવાનું. સરખાવવાનું ?’

અંજુને સારું ન લાગ્યું. તેનું મોં પડી ગયું. લાગણી દુભાણી. પીડા ઉમટી...તે આડું જોઈ ગઇ.

‘શું થયું ? ‘ અંજુના મોં પરના બદલાયેલા ભાવ જોઈને પૂછ્યું : ‘કોઈ પ્રોબ્લેમ ?’

પણ અંજુ કશું બોલી નહી. તેણે ઊભા થઇ જવા-નીકળવા માટેનો ઈશારો કર્યો.

રોડ પર આવી બંને રિક્ષામાં બેઠાં.રિક્ષાવાળાએ સરનામું જોઈ,મીટર ઝીરો કરી..રિક્ષા ચાલવી. સહેજ ધક્કો આવ્યો.એકબીજા અથડાયા.કાચના વાસણ અથડાયા પછી જે રવ પેદા થવો જોઈએ એવું કશું થયું નહી. અથવા એવી કોઈ અસર થઇ નહી.પ્રકાશ અને અંજુ સાવ બાજુમાં બેઠાં હતાં છતાંય હજારો કિલોમીટર દૂર હોય એવો અનુભવ થતો હોય એવું બંનેને લાગતું હતું.

અંજુ મૌન હતી.તેનું મૌન હોવું પ્રકાશને થોડું ખૂંચ્યું. કામ તેને છે છતાંય કેવી નફિકર બેઠી છે !

રાજપુર-ગોમતીપુર વિસ્તારની એક ચાલીના નાકે રિક્ષા ઊભી રહી. ભાડું પ્રકાશે ચૂકવ્યું. કશાક વિચાર કે અવઢવ સાથે બંને ઊભાં રહ્યાં. પછી ઘર નંબર અને નામ પૂછી ચાલીમાં પ્રવેશ્યાં.

કૂખ ભાડે આપનાર સ્ત્રી અને તેનો પતિ રાહ જોઇને જ ઊભાં હોય એવું લાગ્યું. આવકાર્યા...પછી તે સ્ત્રીનું મોં સહેજ ઝાંખું પડ્યું હોય એવું લાગ્યું.પણ તેવું કશું નોંધ્યા કે દાખવ્યા વગર બંને અલગ અલગ બેઠાં. ઘરમાં હતો તે પુરુષ સામેની ટિપોઈ પર બેઠો.

અંજુ ચકોર દ્રષ્ટિ બહુ ઓછી ક્ષણોમાં ચારેબાજુ ફરી વળી. સંકડાશવાળા ઘરનો અસબાબ ગરીબાઇની ચાડી ખાઈ રહ્યો હતો.

ઘરના બારસાખ પાસે ઊભી રહી સ્ત્રી ઘડીભર અંજુ સામે તો ઘડીભર પ્રકાશ સામે જુદી નજરે જોતી હતી. તેનાં મનમાં પ્રશ્ન હશે કે બંને સાથે ન બેઠાં એટલે પતિ-પત્ની નહી હોય ? અથવા તો મર્યાદાના લીધે...પણ વમળતો પેદા થયા હતા.

‘પાણી આપે ?’

પાણી માટે લગભગ કોઈ પૂછે નહી, આપે જ...પણ આમ પૂછવાનું કારણ સમજાય જાય એવું હતું.

‘ચાલશે...’ અંજુ જવાબ આપી દીધો.

કોઈ કશું બોલ્યા વગર અબોલ જ રહ્યાં.

આ સમયે અંજુએ, સામે ઊભેલી સ્ત્રીને પગથી લઇ છેક માથા સુધી જોઈ લીધી. કોઈ લોલુપ પુરુષ, સ્ત્રીના અંગ-ઉપાંગોની ઝડતી લે તેમ.

કોઈ પુરુષની નજર લાગ્યા પછી સ્ત્રી સતર્ક થઇ જાય તેમ તે સતર્ક થઇ ગઇ.

અંજુને ખ્યાલ આવી ગયો એટલે થોડા સંકોચ સાથે નજર ફેરવી લીધી.

બંને સ્ત્રીની નજરની સંતાકુકડી પ્રકાશથી અજાણ રહી નહી.કદાચ પેલો પુરુષ પણ સમજી ગયો હશે.

‘પાક સારો લેવો હોય તો જમીન ફળદ્રુપ જોઈએ...’ અંજુના મનમાં ચમકારો થયો હતો. સાવ નવો જ વિચાર ને વિસ્તાર ઉઘડી આવ્યો. તે એક સ્ત્રી હોવાનું ભૂલી જઇ, ખરીદદાર બની ગઇ !

તેણે ફરીવાર સ્ત્રી સામે જોયું.

-સ્ત્રીનું શરીર પ્રણામસર હતું. નાક-નકશો,નમણાશ અને રૂપ-લાવણ્ય પ્રથમ નજરે મનમાં વસી જાય એવું હતું. અંજુને જોતાં રહેવું ગમ્યું.

પણ અંજુનું આમ જોવું સામેની સ્ત્રીથી સહન ન થયું હોય તેમ તે હળવેકથી રૂમમાં સરકી ગઇ.તેને જીવનમાં પ્રથમવાર કોઈ સ્ત્રીની નજરનો તાપ લાગ્યો કે અનુભવ્યો હતો.

‘પ્રકાશ મારું નામ છે...’પ્રકાશે વાતની શરૂઆત કરતાં કહ્યું :‘આ અંજુ છે...’અંજુ પર નજર નાખીને કહ્યું : ‘જેમને બાળકની જરૂર છે...’

‘એટલે તમે...!’ પેલા પુરુષે આશંકાભરી નજરે પ્રકાશ સામે જોઈને ત્વરિત પૂછ્યું.

સવાલના જવાબ અર્થે પ્રકાશ અટવાયો.અચાનક આવેલું વંટોળ ઝાડને હચમચાવી જાય એવું પ્રકાશ માટે થયું. આમ છતાં સ્વસ્થતા દાખવીને કહ્યું : ‘મારા...મિત્ર છે !’

‘તમે પતિ-પત્ની નથી...’

પ્રકાશે ઘસીને, સાવ સાફ શબ્દોમાં કહી દીધું : ‘ના..’

પેલી સ્ત્રીમાં ખોવાઇ ગયેલી અંજુને ખ્યાલ આવ્યો કે, પેલા પુરુષ અને પ્રકાશ વચ્ચે કશોક સંવાદ ચાલી રહ્યો છે. તે સંપૂર્ણ સમજી નહોતી તેથી પ્રશ્નાર્થભરી નજરે પ્રકાશ સામે જોયું.

‘ભાઈ પૂછે છે કે તમે પતિ-પત્ની નથી...!’

અંજુનું મોં પડી ગયું.છાતીમાં સબાકો આવ્યો.થોડી પીડા થઇ.છતાંય બરાબરનો ગુસ્સો આવ્યો.તે મન માં બોલી :‘અમે કોણ છીએ એ તારે ક્યાં પંચાત કરવાની છે...જે વાત કરવાની છે એ કરને ભાઈ !’

એક વાર અંજુએ પ્રકાશને કહ્યું હતું :‘અહીં લોકોને પારકી પંચાત કરવાનું બહુ સૂઝે.છેક તળ અને મૂળ સુધીની ખણખોદ કરે. ત્યાં સૌને પોતાની દુનિયા પ્યારી...કામ - મતલબ પૂરતું જ..’

‘કામ પૂરતો જ મતલબ એ જ વાંધો ને !’પ્રકાશે મોં મરકાવી વ્યંગમાં કહ્યું હતું :‘અહીં ખણખોદ કરે એમ માણસની ખેવના પણ રાખે ને !’

‘એટલે ?’

‘પ્રેમ કરે તે નફરત પણ કરી શકે...’પ્રકાશે અંજુને સમજાવતા કહ્યું હતું :‘જે કશું જ ન કરતો હોય તેની પાસેથી શું કાઢી લેવાનું !?’

‘હં...તો આપણે મૂળ વાત પર આવીએ..’પ્રકાશે વાતની શરૂઆત કરવા માટે પૂછ્યું:‘આપનું વતન..’

‘ઝાલાવાડ..પણ અહીં દસેક વર્ષથી રહીએ છીએ.’પછી આગળનો પરિચય આપતા કહ્યું:‘મારું અર વિંદ છે અને તેની નામ દયા છે. હું પ્રાઇવેટ નોકરી કરું છું ને સંતાનમાં એક દીકરી છે. ..’પછી થોડું અટકી સંકોચ સાથે કહ્યું : ‘આર્થિક તકલીફના લીધે...’

કોઈ પઢાવેલા પોપટની ફટાફટ બોલી ગયો.પણ આટલું બોલવા,કહેવામાં જે કષ્ટ પડતું હતું. અથવા તો સારું નહોતું લાગતું તે તેના અવાજ અને ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. આર્થિક સંકડામણે આ રસ્તો અખત્યાર કરવાનું સુઝાડ્યું હતું.

થોડી વાતચીત થઇ તે દરમ્યાન દયા ચા લઈને આવી.પ્રકાશે ચા પીતા અંજુ સામે જોયું.તેને કહેવું હતું, ત્યાં તારા પરદેશમાં આવું બને...અજાણ્યા માણસનું પણ ચા-પાણીથી સ્વાગત થાય ! પણ અંજુ ધ્યાન તો દયા પર જ હતું. તે દયાના અંગ-ઉપાંગોને ઝીણવટથી જોતી હતી.તે પરથી ભાવિ સંતાનના રૂપ-રંગ, દેખાવની મનોમન મનોહર કલ્પના કરતી હતી.

‘સ્ત્રીની જમીન સાથે સરખામણી કરી ત્યારે તો તારું હ્રદય ચીરાઇ ગયું હતું. નારી-સન્માનનું બરાબર લાગી આવ્યું હતું...ને તું અત્યારે શું કરી રહી છો !?’આવો સવાલ અંદરથી ઉદભવ્યો ને અંજુનું મોં સાવ

ઝાંખું પડી ગયું. તેણે નજરને ફેરવી લીધી.

‘તો શું તમારી અપેક્ષા છે અરવિંદભાઈ ?’

આવું સાંભળી અરવિંદ થોડો થથર્યો.તેના મોં રહીસહી તેજરેખા પણ બુઝાઇ ગઈ. તેણે લાચાર નજરે દયા સામે જોયું. પણ દયાએ સામે જોવાનું ટાળ્યું. તે અંજુની નજરના લીધે કોઈ જુદો ભાવ અનુભવી હતી.

અરવિંદ થોડો સરખો થઇ, માનસિક હિંમત કેળવીને, પોતાને એવું કશું નથી...એવું દર્શાવવા ખુલ્લા દિલે બોલ્યો :‘માગનારની અપેક્ષા ઓછી ન હોય...’ અરવિંદે આછ્ડતી નજરે દયાને શોધવાનો, તેનાં સામે જોવોનો પ્રયાસ કર્યો. પણ ન દેખાઈ તેથી થોડી રાહત અનુભવી ધડાકાભેર બોલી જ ગયો : ‘જે બજારભાવ ચાલતો હોય તે...’

‘બજાર ભાવ...!?’

ત્રણેય ચોંકી એકબીજાના મોં સામે ટકી રહ્યાં. આમ થવાનું કારણ સ્પષ્ટ હતું પણ સ્પષ્ટતા કરવાની જરૂર નહોતી. એકજાતનો આવો સોદો...ઉર પર ઉઝરડો કરી ગયો હતો.

‘આ અંગે જે લેવડદેવડ ચાલતી ચાલતી હોય તે...’ પ્રકાશે વાતને વાળી લેવાના પ્રયાસ સાથે કહ્યું : ‘અમારો કોઈ અનુભવ નથી, તમે જે કહેશો તે...’

‘ઠીક છે..’ અરવિંદ સઘળું જાણતો હોય એવી ઠાવકાઇથી બોલ્યો :‘આમાં ડોનર કોણ થાવાના છે ?’

વળી પ્રકાશ અને અંજુ માટે મૂંઝવણ ઊભી થઇ.બંનેએ દ્વિધાભરી નજરે એકબીજા સામે જોયું...જવાબ નહોતો અને ચહેરા પર અજાણતા ઉપસી આવી હતી.

અરવિંદને ખ્યાલ આવી ગયો કે બંનેમાંથી કોઈને આ વિષે ખબરની ખાસ જાણકારી લાગતી નથી. ધોયેલ મૂળા જેમ ચાલ્યા આવ્યા છે, સોદો કરવા !

રૂમમાં પંખો ફરતો હતો પણ ગરમી દાદ આપતી નહોતી.તેમાંય આ અઘરા ને તદ્દન અજાણ સવાલો અકળામણમાં ઉમેરો કરતા હતા.

‘આપને ખ્યાલ હશે જ...’ અરવિંદે ચાબૂક વીંઝતા હોય એમ કહ્યું : ‘અમારે ત્યાંથી મારા વાઇફ દ્વારા, ફિઝીકલ સેવા મળી શકે પણ...’

‘પણ બાયોલોજીકલ રીતે આપે શું વિચાર્યું છે...’એવું અરવિંદનું કહેવું વચ્ચેથી અટકી ગયું.

‘પણ...’આ પ્રશ્નાર્થ પૂર્વે પ્રકાશને થયું કે, ફિઝીકલ સેવાનો અર્થતો...બેઠક પર કશુંક અણીદાર પદાર્થ બરાબરનો ઘચરકો કરી ગયો હોય એમ ઉંહકારા સાથે ઊંચા થઇ જવાયુ.

-દેહવેપાર કરનાર તો નહી હોય ને ?

-આટલી ઝડપથી હા પાડી દીધી...ને પૂછે છે કેવું..!

પ્રકાશે અરવિંદ સામે જોયું, તેનો ચહેરો બુઝાઇ ગયેલો હતો. તેથી શંકામાં વધારો થયો. અંજુને ઈશારો કરી ઊભા થવા જેવું કર્યું...અડખેપડખેના લોકો કેવું ધારતા હશે ?

વળી થયું કે સાથે સ્ત્રી છે એટલે એવું ન વિચારે...

‘એટલે જ વિચારે..’પ્રકાશના મનમાં જાણે ધડાકો થયો :‘ભડવો સ્ત્રીને ધંધો કરાવવા લાવ્યો છે..’

આવો કોઈ અનુભવ નહોતો પણ આવું ચિત્ર-વિચિત્ર ઘણું સાંભળ્યું હતું...વહેલીતકે અહીંથી નીકળી જવું જોઈએ. આતો ધરમ કરતા ધાડ પડ્યા જેવું થયું છે.

સામે અંજુને આવી કોઈ ખબર કે દરકાર નહોતી. શાંતિથી બેઠી હતી.

તે એક વાતે બહુ સ્પષ્ટ હતી કે, લોકો શું કહેશે તે વિચારી જીવવાનું ન હોય..આપણે આપણી રીતેને મરજીથી રહેવા, જીવવાનું હોય છે.

પણ કોઈ તકલીફ...કહીને અરવિંદે બંનેને અટકાવી દીધા.ઘરે આવેલા ગ્રાહકને આમ છટકવા કે અટકવા દેવા નહોતા.

અરવિંદનું ઘર ગરીબ હતું પણ તેની સમજ ગરીબ નહોતી.તેણે બી.એ.સુધી અભ્યાસ કર્યો હતો. સર કારી નોકરી માટેના પ્રયત્નોમાં સફળ ન થયો તેથી આ પ્રાઇવેટ નોકરી સ્વીકારી હતી.પણ આર્થિક સંકડામણ દૂર કરવાનો આ સરળ ઉપાય હોય એમ સમજી અરવિંદે વિશેષ જાણકારી મેળવી લીધી હતી. જયારે જાહે રાત વાંચી ત્યારે સૌ પહેલા જાણકારી મેળવવાનું કામ કરી પછી દયાને પૂછ્યું હતું. પછીથી શાંતિથી આ અંગે ની રીત-પદ્ધતિ વિશે સમજાવ્યું હતું. શંકાઓ દૂર થયા પછી તે સહમત થઇ હતી.

‘ખાસતો સ્ત્રીબીજ વિશે કહેવાનું હતું.

‘શું ?’ પોતે સાવ અજાણ નથી તેવું દર્શાવવા ઉભડક પૂછી લીધું.

આ બાજુ અરવિંદે પોતાની જાતને બરાબર કેળવી લીધી હતી. સજ્જતા મેળવી લીધી લીધી હતી. તેથી પેઢી પર બેઠેલો કોઈ કાબો કે કાબેલ વેપારી ધંધાની ચોખવટ કરે એમ શાંતિથી પણ ગંભીરતાથી કહ્યું : ‘સ્ત્રીબીજનો ઉપયોગ અમારો જ કરવાનો હોય તો ભાવ...’

પ્રકાશ ચાલુ ગાડીએ ચઢી બેઠો. તેણે અરવિંદના મોંમાંથી વાતને છીનવી લઇ કહી દીધું : ‘ભાવ એ પ્રમાણે આપવો પડે એમ જ ને !?’

અરવિંદે મોઘમમાં હસી, માથું હલાવીને હા પાડી.

પ્રકાશની વત્તાઓછા અંશે અવઢવ દૂર થઇ. તેને સૌથી મોટી ચિંતા હતી કે આવો સાવ નવો, સ્ત્રીના શરીર અને લાગણીને સ્પર્શતો સંવેદનશીલ વિષય છેડવો કેમ ? અથવા સ્પષ્ટતા કેવી રીતે કરવી ? વળી અજાણતા એવું કશું ન બોલવા જેવું બોલાઇ જાય તો ગેરસમજ ઊભી થાય.કામ એક બાજુ રહે અને બીજા પ્રશ્નો પેદા થાય !

પણ અરવિંદનું, ખુદ ઘરધણીનું કહેવું, પૂછવું, બોલવાનું ને તેમાં પ્રગટતી જાણકારીના લીધે સઘળો ભાર કે સંતાપ શમી ગયો હતો. ભારેખમ વાતાવરણ હળવું બન્યું હતું.

‘ચોખવટ સારી ખરુંને અરવિંદભાઈ !’પ્રકાશે પોતે સાવ ખુલ્લા મનના છે..એવું દર્શાવવાના ડોળ સાથે કહ્યું : ‘છાશ લેવા જવાનું હોય અને દોણી પાછળ સંઘરવી એવું થોડું ચાલે !’

પણ ચાલે છે...એમ સમજી ત્રણેય હસવાં લાગ્યાં.

અંજુ કહે : ‘સ્ત્રીબીજ અંગેતો અમારા પર છોડી દ્યો ને !’

અંજુએ સેરોગેટ મધર અંગે નેટ પર સર્ચ કરી થોડીઘણી જાણકારી મેળવી લીધી હતી.

‘ઠીક છે,એ બધું તમારા પર...’અરવિંદે કહ્યું:‘એ અમારો સબ્જેક્ટ નથી. ડોનર કોઇપણ સ્ત્રી હોય ને કોઇપણ પુરુષ...’પછી બે-પાંચ ક્ષણો અટકી, અંજુ અને પ્રકાશ સામે બરાબર જોઇને કહ્યું :‘આપ હો તો પણ..’

અંજુ આ વિષયથી સાવ અજાણ નહોતી તેથી તેને બહુ અસર ન થઇ પણ પ્રકાશને ઝાટકો લાગ્યો. ડોક ટટ્ટાર થઇ ગઇ. આ વેળા દયા બરાબર સામે જ ઊભી હતી, સાંભળતી પણ હતી. તેથી બંનેની નજર સામસામે ટકરાઈ, અથડાઈ...ને તેમાંથી તણખા ઝર્યા...

એક તણખો જાણે અજાણ્યે અંજુ પર પણ પડ્યો.તેણે ત્વરિત પ્રકાશ સામે જોયું...તે નજર મેળવી ન શક્યો. તેથી બીજી બાજુ જોવા લાગ્યો.

દયા ઝડપથી રૂમમાં ચાલી ગઇ.

અંજુ કશું વિચારતી રહી.

તૂટેલા કાચ જેવી આ જથ્થાબંધ ક્ષણો ક્યાંય સુધી વેરવિખેર પડી રહી.

અરવિંદ થોડી અકળામણ થઇ. સમજાયું નહી પણ જે બન્યું તે સારું ન લાગ્યાનો ભાસ થયો. તેણે વાતનો દોર ફરી સંધવાના પ્રયાસ સાથે પૂછ્યું : ‘ડોક્ટર અંગે તો આપે વિચારી જ રાખ્યું હશે..’

અંજુને અકળામણ થવા લાગી હતી. તેને આ સંવાદમાં ચિત ચોંટતું ન હતું.

‘હા,હા...એ બધું અમારા પ્લાનમાં છે જ.’

અંજુ એકાએક ઊભી થઇ ગઇ.કોણ જાણે કેમ પણ તેના તનમાં કશુંક સળગવા લાગ્યું હતું.અંદરથી આગ લાગી ચૂકી હતી. વધારે બેસી શકાય અથવા બેસવું ફાવે એમ નહોતું તેથી ઊભી થઇ ગઇ હતી.

પ્રકાશે અંજુ સામે જોયું. અંજુનો મુખવટો બદલાઇ ગયો હતો. ક્ષણભર દ્વિઘામાં રહ્યો. પછી પોતે પણ ઊભો થઇ ગયો. અંતેતો...અંજુનું કામ હતું. તેને અનુકૂળ ન આવ્યું હોય તો આગળ વધવા કે અહીં બેસવાને કોઈ કારણ નથી. થયું કે અંજુને પૂછે : ‘શું થયું ?’ પણ અરવિંદ નજર સામે કશું થઇ શકે એમ નહોતું.

અરવિંદ પણ ચિંતા અને વિમાસણ સાથે મૂક બંને સામે તાકી રહ્યો હતો. તેની નજરમાં પણ સવાલ તો ઊભો જ હતો : ‘શું થયું...’

પછી સ્થિતિ સંભાળી લેવી હોય એમ પ્રકાશે જ કહ્યું : ‘અરવિંદભાઈ ! આપણી મીટીંગ સારી રહી.’ સામે કશા પ્રતિભાવની અપેક્ષા વગર જ આગળ ચલાવ્યું : ‘તમે અમારી ચિંતા જ ઓછી કરી નાખી એમ કહું તો પણ ચાલે. ઘણું બધું જાણો છો...’

અરવિંદને થયું કે ટીકા છે કે પ્રશંસા...તેણે માત્ર મોં ફરકાવ્યું.

‘બોલો, ફરી કયારે મળીશું ?’

આવું સાંભળતા અરવિંદના જાણે જીવમાં જીવ આવ્યો.તેનો સૂર કે સ્વર બદલાઇ ગયો.અતિ ઉમળકા થી કહ્યું : ‘આપ કહો ત્યારે..’

અરવિંદને જવાબ આપતા પૂર્વે ફરી એકવાર અંજુના સામે જોઈ લીધું. મુખમુદ્રા તપાસી લીધી. ગરમ સગડીને આંગળી અડાડી શકાય એમ નહોતી. વળી મૂંઝવણનો કાદવ ઉછળ્યો...છતાંય જવાબ આપી જ દીધો : ‘આ વીકમાં પાછા મળીએ..’

‘ઠીક છે...’ અરવિંદે માથું ધૂણાવી સંમતિ દર્શાવી.

પ્રકાશે પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું : ‘આમાં મારું સરનામું ને સંપર્ક છે.’

-જય શ્રી કૃષ્ણ કહીને વિદાય લીધી.

આ દરમ્યાન દયાએ બારીમાંથી ડોકિયું કરી લીધું હતું.

આગળ જઈને ઊભી રહેલી અંજુ પાસે પ્રકાશ સહેજ ઉતાવળા પગે પહોંચી ગયો.પછી બંને એક સાથે ચાલવા લાગ્યા.

‘કેવું લાગ્યું, કેવી રહી આપણી મુલાકાત ?’

અંજુએ સાંભળ્યું અણસાંભળ્યું કર્યું.તે એમ જ પગલાં ભરતી રહી.પ્રકાશને થોડો ગુસ્સો આવ્યો.તેણે તણાઇને કહ્યું :‘હું કહું છું તે...’હજુ આગળ બોલે તે પહેલા જ અંજુ પ્રકાશના આડે ઊભી રહી ગઇ.પ્રકાશ પણ સ્તંભ જેમ ખોડાઈ ગયો.

-આ રસ્તો છે, આજુબાજુ લોકો છે...આમ ઉરાઉર રહેવાતા હશે !

પણ પ્રકાશ આમ કહે એ પહેલા જ અંજુએ આંખો ઝીણી કરી,સાવ ધીમેકથી કહ્યું :‘આ બધું જોઈ, સાંભળી મને તો કંઇક બીજું સૂઝી આવ્યું છે.’

‘શું ?’ સ્વરમાં થોડો ગુસ્સો અને આક્રોશ પણ હતો.

‘બીજું સૂઝી આવે છે તો આ...’ તે અબોલ જ રહ્યો.

‘શું સૂઝી આવ્યું તે એમ અહીં ન કહેવાય ?’ અંજુ એ રમતિયાળ અને લલચાવે તેવી ભાષામાં કહ્યું : ‘એ કહેવા માટે તો એવું ઠેકાણું જોઈએ.’

‘એવું ઠેકાણું એટલે...?’

અંજુએ જવાબમાં, પ્રકાશની છાતીમાં હળવો મુક્કો મારી વ્હાલથી કહ્યું : ‘એટલુંય સમજાતું નથી...’

અંજુની આંખો સામે જોતા જ પ્રકાશની ઉંમરમાંથી એકાદ દાયકો પર્ણના જેમ ખરી પડ્યો...

***