નમસ્કાર વાચક મિત્રો,
આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણા અર્થતંત્રને પાયાથી સુધારવામાં અને વૈશ્વિક કક્ષાના ધારા-ધોરણો સાથે સુસંગત એવું સમૃદ્ધ અર્થતંત્ર ઊભું કરવા માટે અગત્યની છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ એ કોઇપણ અર્થતંત્ર સમૃદ્ધ થવાની પૂર્વશરત છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય છે અને રોજગારી વધતા માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રજાની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે અને ઘરેલું રોકાણ પણ વધે છે. આ પરિસ્થિતિને સર્વગ્રાહી રૂપે જે-તે દેશ, રાજ્ય કે વિસ્તારની આર્થિક સુખાકારી અને સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય.
કોઇપણ જવાબદાર સરકારે તેના દેશની આર્થિક સુખાકારી અને વિકાસ માટે સ્થાનિક નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)ને પ્રોત્સાહિત કરવા જોઇએ તથા તેને અનુકૂળ વ્યાવસાયિક નિયમનના કાયદાઓ અને નિયમો બનાવવા જોઇએ. અસરકારક ધંધાદારી નિયમન કાયદાઓ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને વિકસવા તથા નવીનીકરણ માટે આધારભૂત બને છે. આપણે જાણીએ જ છીએ કે, ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)નો સિંહફાળો છે.
વિશ્વભરમાં વિવિધ દેશોના વ્યવસાય માટેના નિયમનકારી વાતાવરણને સમજવા અને તેને સુધારવા તથા વૈશ્વિક કક્ષાના બનાવવાનો ઉદ્દેશ્ય પૂરો કરવાના મુખ્ય આશય સાથે વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા “ડુઇંગ બિઝનેસ” પ્રોજેક્ટ અંતર્ગત વ્યવસાયી નિયમનમાં સુધારાઓ માટે હેતુલક્ષી માપદંડો સુચવવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ દેશોના નક્કી કરેલા શહેરો (ભારતમાં દિલ્હી અને મુંબઈ)નો સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચકાંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચકાંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે. વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા નિયત કરવામાં આવેલા વિવિધ ૧૧ માપદંડો આ મુજબ છે:
૧. નવો ધંધો – વ્યવસાય શરૂ કરવો – નવો ધંધો – વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, સમય, ખર્ચ તથા ઓછામાં ઓછી મૂડીની આવશ્યકતા, વિવિધ પરવાનાઓ વગેરે.
૨. બાંધકામના પરવાના – બાંધકામના પરવાનાને લગતી જોગવાઈઓ જેવી કે, ગોદામ બાંધવાના પરવાનાની પ્રક્રિયા, સમય અને ખર્ચ.
૩. વીજળી મેળવવી – નવા ધંધાના મકાન-દુકાન માટે કાયમી વીજ જોડાણ મેળવવાની પદ્ધતિ, સમય અને ખર્ચ.
૪. મિલકતની નોંધણી – વ્યાવસાયિક હેતુથી નવી ખરીદવામાં આવેલ સ્થાવર મિલકતની નોંધણીની પ્રક્રિયા, સમય અને ખર્ચ.
૫. ધિરાણની ઉપલબ્ધિ – નવા સ્થાપવામાં આવતા ધંધા – વ્યવસાય માટે ધિરાણના ઉપલબ્ધ સ્ત્રોતો, પ્રક્રિયા, બાંહેધરીની આવશ્યકતા, ખર્ચ વગેરે.
૬. લઘુ રોકાણકરોની સુરક્ષા – ધંધાના માલિક/ડિરેક્ટરની જવાબદારી, શેરહોલ્ડરને દાવો દાખલ કરવાની સરળતા વગેરે.
૭. કર ચૂકવણી – કેટલા પ્રકારના કર ચૂકવવાના થાય છે? કરના પત્રકો ભરવામાં તથા અન્ય બાબતોમાં વ્યતીત થતો સમય, કાચા નફાના પ્રમાણમાં કરની ટકાવારી વગેરે.
૮. આયાત – નિકાસની સરળતા – આયાત – નિકાસ માટે જરૂરી દસ્તાવેજો, મંજુરીની પ્રક્રિયા, સમય અને ખર્ચ વગેરે.
૯. કરારની અમલવારી – દેવા કરારને અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા, સમય અને ખર્ચ.
૧૦. નાદારીનું નિરાકરણ – નાદારીના કિસ્સામાં પતાવટની કાર્યવાહી હેઠળ વ્યતીત થતો સમય, ખર્ચ અને વસૂલાતનો દર વગેરે.
૧૧. કામદારોને રોજગારી – રોજગારીની તકો, વેતન, કામના કલાકો, સુવિધાઓ વગેરે.
નોંધ – ઉક્ત ૧૧ માપદંડો પૈકી વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં પ્રથમ ૧૦ માપદંડોના અભ્યાસ તારણો ના આધારે ક્રમાંક આપવામાં આવેલ છે.
વિવિધ દેશોને તેઓના અર્થતંત્રમાં ધંધો સ્થાપવામાં ઉક્ત માપદંડોના પરીપ્રેક્ષ્યમાં કેટલી અનુકૂળતા પ્રદાન કરવામાં આવી છે? કે અનુકૂળ માહોલ ઉભો કરવા માટે કાયદાઓ અને નિયમોમાં કેવા અને કેટલા સુધારા-વધારા કરવામાં આવેલ છે? તેના આધારે ૧ થી ૧૯૦ મુજબ ક્રમ આપવામાં આવે છે. જે-તે દેશ કે અભ્યાસ એકમમાં સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા મુજબ ગુણ આપવામાં આવે છે. અહીં તમામ માપદંડોને સરખુ મહત્વ આપવામાં આવેલ છે. જેમ ગુણ વધુ તેમ સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા વધુ તેવું માનવામાં આવે છે. તમામ માપદંડો માટે મળેલ ગુણો મળી કૂલ ગુણ નક્કી કરવામાં આવે છે.
વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ ૧૬મા અહેવાલમાં વિશ્વના ૧૯૦ દેશો દ્વારા તા. ૨જી જુન, ૨૦૧૭ થી ૧લી મે, ૨૦૧૮ દરમ્યાન લેવામાં આવેલા સુધારાત્મક પગલાઓના અભ્યાસનો સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષ – ૨૦૦૩થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોએ મળી કુલ ૩૫૦૦થી વધુ સુધારાઓ કરેલ છે, જે પૈકી ૧૬મા અહેવાલના સમયગાળા દરમ્યાન ૧૯૦ માંથી ૧૨૮ દેશો દ્વારા ધંધા – વ્યવસાયની અનુકૂળતા વધારતા સર્વાધિક ૩૧૪ સૂધારાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ સૂધારાઓ પૈકી ૧/૩ સૂધારાઓ નવો વ્યવસાય શરૂ કરવા અને કરારની અમલવારીના ક્ષેત્રમાં કરવામાં આવેલા છે. વર્ષ – ૨૦૧૯માં રજુ થયેલ આ ૧૬મા અહેવાલમાં પ્રથમ ક્રમાંક પર ન્યુઝીલેન્ડ છે, જ્યારે ભારતનો ક્રમ ૭૭મો છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે. આ સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોમાં ભારતનું નામ સામેલ છે. વળી, ભારત અને જીબૌટી (આશરે ૧૦ લાખની વસ્તી ધરાવતો આફ્રીકાનો ટચૂકડો દેશ) સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં સતત બીજા વર્ષે પણ ચમક્યા છે.
વિશ્વના ટોચના ક્રમ ધરાવતા અને ૧૬મા અહેવાલના સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદી નીચે મુજબ છે.
અનુ. નં. વિશ્વના ટોચના ૧૦ ક્રમ ધરાવતા દેશો સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશો
૧ ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન
૨ સિંગાપુર જીબૌટી
૩ ડેનમાર્ક ચીન
૪ હોંગ કોંગ અઝરબૈજાન
૫ દક્ષિણ કોરિયા ભારત
૬ જ્યોર્જિયા ટોગો
૭ નૉર્વે કેન્યા
૮ યુનાઈટેડ સ્ટેટ્સ આઇવરી કોસ્ટ
૯ યુનાઈટેડ કિંગડમ તુર્કી
૧૦ મેસોડોનિયા રવાંડા
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ખ્યાલ અને તેના પરીપ્રેક્ષ્યમાં ભારત અને ગુજરાત વિશે કહેવું છે, જે હવે પછીના બ્લોગમાં આવરી લેવાનો પ્રયત્ન કરીશ. વાચક મિત્રો, અગાઉના બ્લોગને આપેલ પ્રતિસાદ માટે ફરીથી આપના આભાર સહ આ બ્લોગને વધુમાં વધુ કોમેન્ટ અને સુચનોના સ્વરૂપમાં પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા રાખુ છૂં તથા આગળ વધુને વધુ વાચક વર્ગ/મિત્રોને આ બ્લોગની લિંક મોકલવા આગ્રહભરી વિનંતી કરુ છૂં.