Pranioma pedhi jalvi rakhva mate marvani chitr vichitra rudhio - bhaag 01 in Gujarati Letter by Vishal Muliya books and stories PDF | પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦૧

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦૧

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ ભાગ ૦૧

જન્મ મૃત્યુની ફિલોસોફીની ચર્ચા કરતા તત્વચિંતકોની જાણ માટે કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ સજીવ સૃષ્ટિમાં અસ્તિત્વ ટકાવી રાખવું એટલે સ્વાર્થી મનુષ્યની જેમ પોતાનું અંગત અસ્તિત્વ નહી પણ સમગ્ર જાતીનું અસ્તિત્વ ટકાવી રાખવું. જાતીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે જરૂર પડે તો પોતાનું બલિદાન પણ આપી દેવું અને મોતને વહાલું કરી લેવું. પોતાની પેઢીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ઘણા પ્રાણીઓ છે પણ અહીં તેમાંના થોડા પ્રાણીને અહીં ન્યાય આપવાની કોશિશ કરાઈ છે.

બ્રાઉન એન્ટેકિનસ

આ અઘરું અઘરું નામ ધરાવતું પ્રાણી એક જાતનું ઉંદર છે. ઓસ્ટ્રેલીયાના રણ વિસ્તારમાં થતાં અને “Macleay's marsupial mouse” અથવા “Stuart's antechinus” જેવુ અંગ્રેજી નામ ધરાવતા આ ઉંદર છે તે વજનમાં ખાલી ૨૮ ગ્રામના હોય છે પણ તેનું વધારે વજન પડે તેવી બાબત નરનું પ્રજનન અને પ્રજનન પછી મૃત્યુ છે. નર છે તે પ્રજોત્પતિ માટે એટલી હદે મહેનત કરે કે જેની કોઈ સીમા ન હોય. તે મરણિયો થઈ જાય અને તે પણ કહેવત ના રૂપે નહીં પણ ખરેખર માં મરણિયો થાય. પ્રજનન દરમ્યાન આ ઓસ્ટ્રેલિયન ઉંદર એટલી હદે ઊર્જા વાપરી નાખે છે કે ગાલિબ ના શબ્દોમાં “ गो हाथ को जुम्बिश नहीं आँखों में तो दम है” ની જેમ અંહી ઓસ્ટ્રેલિયન ઉંદર પાસે બિલકુલ તાકાત ન બચી હોય પણ પ્રજનન માટે શક્ય હોય એટલું જોર કરે છે. પ્રજનનની લાય બળતરામાં આ બિચારો સ્ટુઅર્ટ એન્ટેકિનસ પૂરું એક વર્ષ પણ ન જીવે. સાડા અગીયાર મહિના પૂરા થવાના હોય ત્યાંજ તે માદા સાથે પ્રજનનમાં પોતાની પૂરે પૂરી ઊર્જા વાપરી નાખે. નરને બિચાળા ને ખૂબજ ઊર્જા વાપરવી પડે કેમ કે માદા એક સાથે અનેક નર સાથે પ્રજનન કરે છે અને અનેક નરના શુક્રાણુઓને સાચવી રાખે છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલેલ આ સમાગમની પ્રક્રિયામાં અનેક નર વચ્ચે સ્પર્ધા થાય છે અને નર શક્ય હોય તેટલો શુક્રાણુઓ નો જથ્થો માદાના ગર્ભાશયમાં ઠાલવી દેવા માટે દિવસ રાત મહેનત કરે છે અને ખાવા પીવા નું પણ ભૂલી જાય છે. નરને આ સખત પરિશ્રમપૂર્વક કરેલ પ્રજનનના ફળ સ્વરૂપે કે બદનશીબે તેને મોત મળે છે. તે માદા ઉંદર પ્રસૂતા બની છે કે નહીં તે જોવા પણ જીવતો રહેતો નથી. માદા છે તે સમાગમ પૂર્ણ થયે ભેગા કરેલ શુક્રાણુ માંથી જે યોગ્ય અને તંદુરસ્ત તથા સૌથી વધુ તાકાત વાળા શુક્રાણુ હોય તેનાથી પોતાના ઈંડાને ફલિત કરે (કોઈ પણ પ્રકાર ની લેબોરેટરી ટેસ્ટ વગર શુક્રાણુની ગુણવત્તા પારખી લે) એક સમયે તે એક સાથે આઠ થી દસ બાળકો ને જન્મ આપે છે અને કયારેક તો ૧૪ ને પણ જન્મ આપી શકે છે. એક સાથે જન્મેલ બાળકોને સૌથી આશ્ચર્યજનક બાબત એ હોય છે કે તેના પિતા તો કયારનાયે મૃત્યુ પામી ચૂક્યા હોય છે. તાજા જન્મેલ બાળક ખૂબ ઝડપથી વિકાસ પામે છે અને જે નર છે તે પ્રથમ જન્મદિવસને હજુ થોડા દિવસ ની વાર હોય ત્યાંજ તે તેના પિતાશ્રીની જેમજ માદા સાથે પ્રજનન કરી ને જીવન ટૂંકાવી નાખે છે. બિચારા એકેય બ્રાઉન એન્ટેકિનસને કયારેય તેના પિતાનું મુખ જોવા મળતું નથી અને બદનશીબ પિતાને પુત્રનું મુખ જોવા મળતું નથી. માનવ સમાજની નજરે તેને કુદરતની બલિહારી ભલે ગણાવી શકાય પણ પેઢી દર પેઢી સાતત્ય ટકાવી રાખવા માટે બ્રાઉન એન્ટેકિનસ પાસે આ એકજ ઉપાય છે કે નર પ્રજનન કરતાંની સાથેજ બધી તાકાત વાપરી ને મૃત્યુ પામે. જરાક બિન-વૈજ્ઞાનિક રીતે મૂલવીએ તો કહી શકાય કે કદાચ એમ પણ બન્યું હશે કે આ પ્રાણીએ મહાભારતમાં પાંડુરાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે વાંચી લીધું હશે અને તેને અનુસરે છે.

ઓસ્ટ્રેલિયન રેડબેક કરોળિયો

ઑસ્ટ્રેલિયામાં જોવા મળતા આ કાળારંગના અને લાલ પીઠ ધરાવતા કારોળિયાને “Australian black widow” એટલે કે “ઓસ્ટ્રેલિયન કાળી-વિધવા” પણ કહે છે. આગળ જતાં જાણ થઈ જશે કે આવું વિચિત્ર નામ શા માટે મળ્યું. આ ઓસ્ટ્રેલિયન રેડ બેક કરોળિયા એટલા ઝેરી હોય છે કે તે અમેરિકા ના દવાખાનાઓમાં વરસે દહાડે લગભગ અઢી હજાર જેટલા દર્દીઓએ ઓસ્ટ્રેલિયન રેડ બેક કરોળિયાના કરડવાથી દવા લેવા જવું પડે છે. તેના કરડવાથી, ત્વચા પર કોઈએ માત્ર ટાંચણી ખૂંચાડી હોય તેવું લાગે તો ક્યારેક સ્નાયુઓમાં તીવ્ર પીડા ઉપડે છે. કોઈકને ક્યારેક ખેંચાણ અનુભવાય, ઉબકા આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડે. માનવને કરડે તો તેણે ઇશ્વરનો પાડ માનવો કે ઈશ્વરનો કે તે માનવ છે અને ઓસ્ટ્રેલિયન રેડ બેક કરોળિયાનો નર નથી અને તેનો જીવ તો બચી ગયો. આ જાતિના નરની જે હાલત થાય છે તે તેનું તાદશ ચિત્રણ કોઈ નિહાળે તો નર ને નર કહેવો કે નરબંકો કહેવો તે નક્કી ન કરી શકે.

આ જાતિના કારોળિયામાં નર કયારેય પોતાને રહેવા માટે જાળ બનાવતા નથી પણ માદા બનાવે છે. ઘર જમાઈ બનવાની કોશિશ કરતો નર જ્યારે માંગુ લઈને જાય ત્યારે માદા જો ભૂલથી તેને શિકાર ગણીલે તો આવી બન્યું. બિચારા નર કારોળિયા ને વાંઢે વાંઢા મરવું પડે. પરણ્યા વગર ન મરવું હોય એટલે પરણવા માટે નર બહુ મોટી ભેટ સોગાદની ઓફર કરે. એવી ભેટ રજૂ કરે કે જેથી માદા લલચાય અને સંવનન માટે તૈયાર થઈ જાય અને તે ભેટ એટલે પોતાનું જીવન. નર પોતાનું પેટ આગળ ધરી ને માદાને ઇશારાથી જણાવે કે લે મને ખાઈ જવો હોય તો ખાઈજા પણ મને પરણ. માદા સંવનન કરતી જાય અને સાથે સાથે નરના દેહને ખાતી જાય. જીવવિજ્ઞાનના નિષ્ણાંતોના મત મુજબ માદાને ગર્ભ ધારણ કરવા માટે જે પ્રોટીનની જરૂરિયાત હોય છે તે પૂરી કરવા તે નરને ખાઈ જાય છે. સંવનન થાય અને બીજી પેઢી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી નર પોતાના જીવનનું બલિદાન આપી દે. હું તો મરતા મરુ પણ તને વિધવા કરું જેવો ખેલ પૂરો ત્યારે થાય છે જ્યારે ભૂખી માદા નરને પૂરેપૂરો ખાય જાય છે. નર બસ એક નિરાંત સાથે મરે છે કે હવે તેની પેઢી જળવાઈ રહેશે. પરણતાની સાથેજ નર ને ઓહિયા કરનાર માદા હવે સગર્ભા તો છે પણ સાથે સાથે વિધવા પણ છે. “Australian black widow spider કે ઓસ્ટ્રેલિયન કાળી-વિધવા કારોળિયા” નામ સાર્થક કરતી માતાનું એકેય બાળક બિચારું ક્યારેય તેના પરમ પૂજનીય પિતાશ્રીનું મોઢું જોઈ શકતું નથી. કોઈ એ બાળકને પૂછે કે તારા પપ્પા ક્યાં?, તો બિચારો શું જવાબ દે! મારા મમ્મીના પેટમાં..! પ્રજનન કરવા માટે અને પેઢી જાળવી રાખવા આ ઓસ્ટ્રેલીયન કરોળિયાના નર ની જીવ ગુમાવવાની ઘટનાને ગાંડપણ ગણો કે ઘેલછા ગણો પણ બાળકોને જન્મ આપવા માટે તેને આ પદ્ધતિ અપનાવવીજ પડે છે અને નર કરોળિયાએ હમેંશા પોતાનું બલિદાન આપવુંજ પડે છે.

એન્ગ્લર ફીશ

જયારે જોવો ત્યારે ગુસ્સામાં હોય તેવી દેખાતી એન્ગ્લર ફીશને જોવી હોય તો મઝધારે ઊંડી ડૂબકી મારવી પડે. કિનારે બેસી ને છીપલાં વીણતા લોકો માટે આ માછલી કેટલી દુર્લભ છે તે સમજવું હોય તો નોંધો કે અત્યાર સુધીમાં તેની માત્ર ત્રણ કે ચાર સારી કહી શકાય તેવી વિડીયો ફૂટેજ મળી છે. ઊંડા દરિયામાં અગાઢ એકાંત અને અંધકારમાં રહેતી આ માછલી પોતે દૈદીપ્યમાન દેખાય તે માટે બેક્ટેરિયાનો સહારો લે છે અને તે ચમકતા બેક્ટેરિયાને સાથે રાખી ચમકે છે જેથી શિકારને આકર્ષિત કરી તેનો ઘડો લાડવો કરી શકાય. શિકાર કરવાની ક્ષમતા કહો કે તાકાત કહો તે માત્ર માદામાં જ હોય છે અને તેથી નરને પોતાનું જીવન ગુજારવા માટે બહુ વિચિત્ર માર્ગ અપનાવવો પડે છે.

કદમાં માદા કરતા ખુબજ નાનું કદ ધરાવતો નર જન્મતાની સાથેજ એકદમ પાવરફૂલ ઘ્રાણપીંડ (સુંઘવા માટેનું અંગ) ધરાવે છે અને તેની મદદથી તે દુરથી માદાને સુંઘી શકે છે. દુરથી સુંઘવાની આ ક્ષમતા એટલે કે દુરદેશી નહી પણ દુરંસુંઘી ધરાવતા નરને કુદરતે આંખો તો આપી છે પણ તે બહુ કામ કરતી નથી. જેમ તેમ કરી તે માદાને શોધી કાઢે છે અને જો જલ્દી માદા ન મળે તો બિચારાનું ભૂખ નું માર્યું આવી બન્યું કેમ કે તે પોતાની જાતે શિકારી કરી શકતો નથી. "નબળો ધણી પત્ની પર શૂરો" કહેવતને અનુસરતો નર જેવી માદા મળે કે તરતજ તે માદાની ચામડી સાથે ચોટીને ગમે તેમ કરી માદાના શરીરને બટકું ભરી, માદામાંથી લોહી કાઢવાની કોશિશ કરે છે કે જેથી લોહી પી ને પોતાની ભૂખ મિટાવી શકે. વધુ ને વધુ લોહી પી શકે તે માટે તે પોતાનું આખું મો માદાના શરીરમાં ઘુસાડી દે. આમ કરવા જતા પોતે પણ જખ્મી થાય અને નર તથા માદાનું રુધિર એક સાથે વહેવા માંડે. નરે ધીમે ધીમે કરીને પોતાના એક એક અંગને ગુમાવવા પડે અને છેક છેલ્લે સુધી બચી જાય તો માત્રને માત્ર તેનું શુક્રપીંડ. ગમે તેમ કરી ને તે શુક્રપીંડને સક્રિય રાખી જેવી માદા અંડકને મુક્ત કરે કે તરતજ ફલન થાય તે માટે નર શુક્રકોષો મુક્ત કરે. ફલન થાય અને બાળક જન્મેજ તેવું કશું જોવા માટે નર જીવંત રહેતો નથી. તેનું શરીર જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી માદાના રુધિરમાંથી પોષણ મેળવતું રહે છે પણ વિવિધ અંગો ગુમાવવી તે જલ્દી મૃત્યુ પામે છે. સામાન્યતઃ નર લાંબુ જીવી શકતા ન હોવાથી એક માદા સાથે એક સમયે સાતથી આઠ નર જોડાયેલ રહે છે, તેના શરીરમાંથી પોષણ મેળવે છે અને પ્રજનન પૂરું કરતા સુધીમાં પરલોક પહોંચી જાય છે. નર અને માદાના હૃદય મળેલ હોય કે ના હોય પણ રુધિર અને વિવિધ અંગો મળેલ હોય તેની કિંમત સ્વરૂપે નર પોતાનો જીવ ગુમાવે છે પણ બીજી પેઢી જળવાઈ રહેશે તેની તેને ખાત્રી હોય છે.

દરિયાના ઊંડા અંધકારમાં એન્ગ્લર ફીશની જીવન શૈલીને ટેકનોલોજીના પ્રકાશની મદદથી તેમજ ઘનઘોર જંગલમાં જીવ ના જોખમે પ્રવાસ ખેડી આપણા સુધી આવી માહિતી ઉજાગર કરનાર સાહસવીર વૈજ્ઞાનિકોને આ લેખ સમર્પિત છે.