"અરે કોણ છે ?" પ્રાર્થનાએ બેડરૂમના બાથરૂમનો દરવાજો ખોલી બેડરૂમમાંથી જ બૂમ મારી. એના આલીશાન 3 બીએચકે ફ્લેટનો બેલ કોઈએ સળંગ બે ત્રણ વાર બજાવી મુક્યો હતો. આવનારાની ધીરજ ઓછી હશે એમ લાગતું જ હતું. એ દરવાજા સુધી આવી અને ફરી એકવાર બેલ વાગ્યો.
આગળની જાળી બંધ હતી એટલે આવનાર વ્યક્તિ તાત્કાલિક અંદર તો આવી શકે એમ ન હતું. મનમાં પ્રચંડ ગુસ્સા સાથે એણે દરવાજો ખોલ્યો.
"શું કામ છે ? ક્યારના બેલ મારો છો ?" સામે ઉભેલો વ્યક્તિ કોઈ 35-40 વર્ષનો સીધોસાદો વ્યક્તિ હતો.
"બેલ મેં માર્યો હતો." એક ઓછો જાણીતો પણ પરિચિત અવાજ આવ્યો. અવાજની સાથે પેલા ભાઈની પાછળથી એક ચહેરો પ્રગટ થયો. એ ચહેરાએ પેલા ભાઈને ઉદ્દેશીને કહ્યું, "રહીમભાઈ તમે જાઓ હવે. હું રિંગ કરું એટલે નીચે આવી જજો."
"જી મેડમજી." કહીને પેલો ભાઈ પાછળ ફર્યો અને સીડી ઉતરીને ચાલતો થયો.
પ્રાર્થના એકદમ ચોંકી ગઈ. એ ચહેરો બીજું કોઈ નહીં પણ પૂજામેડમ હતાં. એના બોસ, અગમ દેસાઈની પત્ની.
"ઓહ... મેડમ તમે ?! અંદર આવોને પ્લીઝ." પ્રાર્થનાએ શક્ય એટલો વિવેક તો કર્યો પણ એમાં ડર સ્પષ્ટ જણાઈ આવતો હતો.
----- * -----
ડર... કેવો ડર અને શેનો ડર ?? એની વાત હવે માંડીએ.
અગમ દેસાઈ... ઉંમર 40 વર્ષ. ડાયનેમિક એસોસિયેટ્સના એમડી. અમદાવાદનું એક રૂઆબદાર વ્યક્તિત્વ. જ્યાં ઉભા હોય ત્યાં છવાઈ જાય એવી પ્રતિભા.
પૂજા દેસાઈ... ઉંમર 38. કોઈ અભિનેત્રીને ટક્કર મારે એવા રૂપ રંગ. બુદ્ધિ ચાતુર્ય પણ એટલું જ. અગમ દેસાઈના પત્ની કરતા 'પૂજા દેસાઈ' તરીકે શહેરમાં એ વધુ જાણીતા. કારણ ? શહેરની ટોચની સ્કૂલ - વિદ્યાલક્ષ્મીના સર્વેસર્વા. અને શહેરની ખાસ્સી એવી સામાજિક સંસ્થાઓમાં અનેક મોભાદાર માનદ હોદ્દાઓ.
પ્રાર્થના દાભોલકર... ઉંમર 28 વર્ષ. મૂળ વડોદરાની. પૂજા દેસાઈને ટક્કર આપી શકે એવું રૂપ. બે વર્ષ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાંથી અહીં આવેલી. શરૂઆતમાં ફાયનાન્સ કોર્ડીનેટર તરીકે જોડાઈ. અને ત્યાંથી સીધી એમડીની પીએ.
બે જ વર્ષમાં આટલી ઝડપી પ્રગતિ માત્ર આવડતના જોરે નહોતી મળી. પ્રાર્થનાનો ઉદેશ્ય બહુ જ સ્પષ્ટ હતો, "કોઈ પણ કિંમતે પ્રગતિ થવી જોઈએ." અને એના માટે કરવા પડેલા તમામ સમાધાન એને સ્વીકાર્ય હતા. અને એણે એ કરેલા પણ ખરા.
બસ આ જ તો વાત હતી. એની આ વીજળીવેગી 'પ્રગતિ' વિશે ઘણી વાતો થવા લાગી હતી. પણ વાતોનું તો કેવું હોય ? જેના વિશે વાત હોય એને છોડીને આખી દુનિયાને ખબર હોય. પણ આડકતરી રીતે પ્રાર્થનાના કાને આ વાતો આવવા લાગી હતી. પૂજા આ જ વાતના અનુસંધાને પ્રાર્થનાને મળવા આવી હોય એનો અણસાર મનમાં આવી જતા પ્રાર્થનાને ડર લાગ્યો હતો.
----- * -----
પૂજા અંદર આવી. એણે આખા ઘરને એ રીતે જોયું જાણે કે એ કંઈક શોધવા આવી હોય. પ્રાર્થનાએ બેસવાનું કહ્યું એટલે એ સોફામાં બેઠી. પોતાનો એક હાથ એણે સોફાના હાથા પર ટેકવ્યો અને બીજા હાથની કોણીને પગ પર ટેકવી, હાથેથી હડપચીને ટેકો આપ્યો. એની એ અંગભંગીમા (pose) પરથી એ હમણાં કંઈક સવાલ પૂછી લેશે એવું પ્રાર્થનાને લાગ્યું. આજે પણ એ સાડી પહેરીને આવી હતી. સાડીમાં એ અત્યંત જાજરમાન લાગતી હતી. સ્ત્રીનું રૂપ એના વસ્ત્ર પરિધાનને લીધે જ હોય છે, એવું ઘણીવાર અગમ કહેતો. અને પોતે એ માનતી પણ ખરી. જ્યારે પણ એ કોઈ પ્રસંગ અથવા મેળાવડામાં જતી ત્યારે અચૂક સાડી પહેરતી. સાડી એને શોભતી કે એ સાડીથી શોભતી એવી અસમંજસમાં કોઈપણ મુકાઈ જાય એવું એનું રૂપ હતું ! કોઈકવાર એનું સત્તાવાહી રૂપ સાડીને કારણે વધુ કરડું(tough) લાગતું તો કોઈકવાર એ જ સાડીમાં એ માતૃ-વાત્સલ્યની શોભા જણાતી. આજે એ તદ્દન ભાવશૂન્ય આંખોથી પ્રાર્થનાને બસ જોઈ જ રહી હતી.
"તમે બેસો હું પાણી લાવું" પૂજાની આંખોથી જાણે વીંધાઈ જતી હોય એમ અનુભવીને પ્રાર્થના છટકવા માટે બોલી.
"ના ના. બેસ ને. હું ઘરેથી જ આવી છું." એ જ ભાવશૂન્ય આંખો પણ રણકારભર્યો અવાજ.
"કેમ છો મેડમ ?" પ્રાર્થના બાજુના સોફા પર બેસતાં પૂછ્યું.
"હું તો....(એક લાંબો શ્વાસ ભરીને) મજામાં... તું બોલ. ઘણા સમયથી આપણે મળ્યા નથી." પૂજાએ કહ્યું.
"હા..." પ્રાર્થનાએ શક્ય એટલી ઉષ્માથી જવાબ આપ્યો પણ એમાં પેલો ડર જણાઈ આવતો હતો.
"તારું પ્રમોશન થયું એ પછી તો તું એકદમ વ્યસ્ત થઈ ગઈ. મારે તને મળવું જ હતું પણ આ સ્કૂલફી વધારાવાળા કોર્ટકેસમાં થોડું અટવાઈ ગઈ હતી."
"હમ્મ. કોઈ ખાસ કારણ હતું મેડમ ? મળવાનું ?".
"હા.... અને ના પણ. આમ તો તારું પ્રમોશન થયું એ પછી..."
"હું સમજી નહિ."
"એ બધું છોડ. તને ફાવે છે ને હવે અહીંયા ? આઈ મીન અમદાવાદમાં ?"
"હા. હવે તો લગભગ બે વર્ષ થયાં."
"ઘરની યાદ આવે છે ખરી ? ફેમિલી ? તારા પપ્પા મમ્મી ?"
"હા. યાદ તો આવે જ ને ! મળવાનું ઓછું બને છે."
"હા. સાચી વાત છે. કામનું પ્રેશર બહુ હશે ને !?" પૂજાના પ્રશ્નોમાં રહેલા શબ્દો એકદમ સામાન્ય હતા પણ એની આંખોમાં રહેલું તેજ, એ વેધકતા, એના સવાલને વધુ ધારદાર બનાવતી હતી. અને પ્રાર્થના દરેક સવાલ સાથે વીંધાઈ જતી હતી.
"હા. હમણાં હમણાંથી થોડું પ્રેશર વધારે રહે છે." પ્રાર્થનાએ શક્ય એટલા સ્થિર રહીને જવાબ આપ્યો.
"અગમ પણ હમણાં હમણાંથી એમ જ કહેતા હતા. કોઈક નવા પ્રોજેક્ટ પર કામ બહુ જોરશોરથી ચાલે છે." પૂજાએ કહ્યું.
"હમમ." પૂજાના પ્રત્યેક સવાલ જાણે પોતાના પરના આરોપ હતા અને એ સાચા પણ હતા એટલે જ પ્રાર્થના પાસે એનો કોઈ જવાબ નહોતો.
"બીજું બોલ. ફેમિલીમાં બધા કેમ છે ? મજામાં ?"
"હા એકદમ." પ્રાર્થનાના બને એટલા ટૂંકા જવાબ આપી રહી હતી.
"સરસ. અરે હા, મારે તારું એક કામ હતું. થોડુંક પર્સનલ છે. પણ તું અગમની પીએ છે એટલે તને જ પૂછવું મને યોગ્ય લાગ્યું." પૂજાએ એકદમ ભોળાભાવે કહ્યું.
"હા બોલોને મેડમ."
"થોડાક સમયથી અગમ નર્વસ લાગે છે. ઘેર આવે છે ને તરત જ કામમાં લાગી જાય છે. એકદમ પ્રેશરમાં હોય એમ... સરખું જમતા પણ નથી. મેં થોડુંક જાણવાનો પ્રયાસ કર્યો પણ..." પ્રાર્થનાએ વાક્ય અધ્યાહાર રાખ્યું.
"મને તો કોઈ ખ્યાલ નથી. ઓફિસમાં તો રૂટિન જ ચાલે છે. હા થોડુંઘણું કોઈ પ્રોજેકટમાં કંઈક અટવાયું હોય તો.. પણ એ તો બધું ઓફિસમાં જ અમે... આઈ મીન સર...મેનેજ કરી લે છે." પ્રાર્થનાએ જવાબ આપ્યો. એ જાણતી હતી કે ઓફિસમાં એની હાજરીમાં તો 'અગમ દેસાઈ' પોતાને 'ગમતા' દેસાઈ બની જતા હતા. અને ક્યારેય પણ એ ચિંતિત દેખાતા નહોતા.
"ઓહ... આઈ સી..." પૂજા એટલું બોલી નબોલી એટલામાં એનો ફોન રણક્યો.
એની આંખો પહોળી થઈ ગઈ. પ્રાર્થનાએ એ નિરીક્ષણ કર્યું.
"એક્સકયુઝ મી... તને વાંધો ન હોય તો હું કોઈ બીજા રૂમમાં જઈ શકું ? ઇટ્સ પર્સનલ..." પૂજાએ રિંગ વાગતી હતી એ દરમ્યાન જ પ્રાર્થના પૂછ્યું.
"અરે ચોક્કસ. આ રૂમમાં આવો." કહીને પ્રાર્થનાએ પૂજાને પોતાના બેડરૂમ તરફનો રસ્તો બતાવ્યો. પૂજા ત્યાં દોડી ગઈ. એણે અંદર જઈને દરવાજો લોક કર્યો.
પ્રાર્થના બહાર ઉભી હતી. બારણાને અડીને. એને કંઈ કામ નહોતું. સૂઝતું પણ નહોતું. ખબર નહિ શું સૂઝ્યું કે એણે દરવાજા પર કાન માંડ્યાં.
"તમે સમજો પપ્પા. પ્લીઝ.... અગમ ટ્રાય કરી રહ્યો છે."
પૂજાનો અવાજ પ્રાર્થનાને ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. પૂજા એના પપ્પાને અથવા અગમના પપ્પાને કંઈક સમજાવી રહી હતી એવું એના અવાજ પરથી લાગતું હતું. એ એકદમ કાકલૂદીભર્યા સ્વરે વિનવી રહી હતી એ સમજતા પ્રાર્થનાને વાર ન લાગી.
"એની આખી કેરિયર... એની પ્રેસ્ટીજ... આખું એમ્પાયર (સામ્રાજ્ય) અત્યારે દાવ પર છે. મને પણ એ કંઈ ચોખ્ખું કહેતો નથી. ઓફિસમાં પણ કોઈને કંઈ જણાવતો નથી. એની પીએને પણ ખબર નથી." પૂજા બોલી રહી હતી.
પ્રાર્થના બધું સાંભળી રહી હતી. એ વિચારી રહી કે એવું શું હોઈ શકે કે જેનાથી અગમની કેરિયર, એનો બિઝનેસ દાવ પર હોય. એને પણ ખબર ન હોય એવું શું હોઈ શકે ? સામે પક્ષે જે વ્યક્તિ છે એનો કહેવાનો અર્થ શું હોઈ શકે ? શું કારણ હોઈ શકે ? પૂજાનો અવાજ આવતો ન હતો, કારણકે સામેવાળી વ્યક્તિ કંઈક કહી રહી હશે.
"તો તમે પણ ગેરંટર (જામીનદાર) છો જ ને. હું પણ છું. બિઝનેસમાં આવું તો થતું જ હોય છે પણ એના માટે તમે આમ... પ્લીઝ પપ્પા..." અને એક મોટું ડૂસકું...
આ બધું પ્રાર્થનાને સંભળાતું હતું. એના મગજમાં કંઇક ચોકઠાં ગોઠવવા એ મથી રહી. એને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે પૈસાની કોઈ મોટી ભાંજગડમાં એનો બોસ ફસાયો છે અને પોતે એના વિશે કંઈ જાણતી નથી.
"હું જાણું છું કે રડવાથી કંઈ થવાનું નથી. પણ મને કંઈ સૂઝતું નથી. હું એની સાથે વાત કરીને તમને ફોન કરીશ અથવા રૂબરૂ આવી જઈશ. પણ ત્યાં સુધી કોર્ટ વોર્ટમાં કંઈ ન કરતા પ્લીઝ..." અને ફરીથી ડૂસકું.
"આટલી મોટી રકમ છે એટલે જ તો ! તો પણ ભેગી કરવા કંઈક તો કરીશું જ. થોડોક સમય આપો પ્લીઝ." ફરીથી પ્લીઝ.
પ્રાર્થના હવે સમજી શકી કે પૈસાનો કોઈ બહુ મોટો પ્રોબ્લેમ છે જેમાં વાત કોર્ટ સુધી જવાની તૈયારી છે.
"હું અત્યારે બહાર છું તમને ફરી ફોન કરીશ. પણ જ્યારે કરીશ ત્યારે કંઈક નક્કર પ્લાન સાથે જ કરીશ. It's a challenging time but we will be out of it. ઓકે. બાય." ફરી બે ત્રણ ડૂસકાંનો અવાજ અને શાંતિ...
પ્રાર્થના દરવાજા પાસેથી ખસી ગઈ. એને અણસાર આવી ગયો કે ફોનપરની વાતચીત પૂરી થઈ ગઈ છે. એ રસોડામાં જતી રહી અને ડબ્બાઓ ખખડાવવા લાગી.
દરવાજો ખુલ્યો. પૂજા બહાર આવી. પણ એની આંખો ! શ્રાવણ ભાદરવો હજુ ચાલુ જ હતો અને એને રોકવાનો વ્યર્થ પ્રયત્ન એણે કર્યો. બસ એ એટલું જ બોલી... "સોરી.. બાય"
અને ફટાક કરતી નીકળી ગઈ. "પણ મેડમ... મેડમ.. અરે ઉભા રહો.." કહેતી પ્રાર્થના એની પાછળ છેક દરવાજા સુધી ગઈ પણ ખરી ! પણ પૂજા લિફ્ટની પણ રાહ જોયા વગર જ સડસડાટ પગથિયાં ઉતરી પડી. પ્રાર્થનાએ એને જતા જોઈ, એ હજુ પણ રડતી હતી. ડૂસકાંનો અવાજ હજુ સુધી આવતો હતો.
પ્રાર્થના દરવાજા પાસેથી પાછી બેઠકરૂમમાં આવી. સોફા પર બેઠી. પણ ચેન ન પડ્યું. અંદર બેડરૂમમાં ગઈ. બેડ પર બેસી. મગજ વિચારે ચડ્યું. અને એટલામાં એનો મોબાઈલ રણક્યો.
સ્ક્રીન પર મમ્મીનું નામ હતું.
"हा आई ! कशी आहेत ?" એણે ફોન ઉપાડતાં જ પૂછ્યું.
સામેથી મમ્મીનું ડૂસકું સંભળાયું એટલે એણે તરત જ પૂછ્યું, "काय झाल आई ! तू का रडत आहेस ?"
સામેથી બીજું ડૂસકું આવ્યું. અને મમ્મીએ કહ્યું, "बाबाचा अकस्मात झाला! मोठी जखम नाही पण मला भीती वाटते ! "
પ્રાર્થનાને પણ હવે ડર લાગ્યો. "ક્યારે થયું ? ક્યાં ક્યાં વાંગ્યું છે ? "
મમ્મીએ કહ્યું, "હમણાં જ.. 5 મિનિટ પહેલા. અહીં બહાર ચાર રસ્તે જ. વળવા જતા હતા ને એક ગાડીવાળો અડાડી ગયો. હું દવાખાને લઈ જઉં છું. વધારે વાગ્યું તો લાગતું નથી. પણ મને ડર લાગે છે. "
પ્રાર્થનાને હાશ થઈ. એ મમ્મીને જાણતી હતી. એની મમ્મી થોડી ઢીલી અને ભીરુ પ્રકારની હતી. કંઈક નાનો ઘસરકો પણ પડ્યો હોય તો એને ચિંતા ચિંતા થઈ જતી. લોહી નીકળ્યું તો તો પત્યું !
એણે પપ્પા સાથે જ ફોન પર વાત કરી. એમણે તો આવવાની ના પાડી. પણ મમ્મી ? એમને સાચવવા તો જવું જ પડે. એટલે એણે ગાડી બહાર કાઢી અને તાત્કાલિક નીકળી.
લગભગ અઢી કલાકમાં ત્યાં પહોંચી ગઈ. રસ્તામાં મમ્મીનું કાઉન્સેલિંગ તો ચાલુ જ હતું. અને બીજી બાજુ અગમ સરના વિચારો પણ !
પગમાં બેઠો માર વાગ્યો હતો એટલે પાટો હતો. પપ્પા થોડા ઢીલા પડી ગયા હતા. હાથ પર છોલાયું પણ હતું. મમ્મી તો પપ્પાને જોઈને જ ઢીલા થઈ ગયા હતા. પ્રાર્થનાને ત્રણેક દિવસ રોકાવું પડ્યું. અગમને એણે ફોન કરીને જણાવી દીધું.
બીજી બાજુ અગમે પણ એને કંઈ વધારે મહત્વ ન આપ્યું. એને મન પ્રાર્થના એક ઉપવસ્ત્ર જ હતી. 'જસ્ટ ફોર અ ચેન્જ '
મોજ કરવાનું એક સાધન. એની વાત કરવાની છટા અને એનું શરીર સૌષ્ઠવ એ એક માત્ર આકર્ષણ હતું. એવું નહોતું કે આ બધું પૂજા પાસે નહોતું, પણ એક પુરુષ તરીકે એ માનતો હતો કે જો સામેથી જ આમંત્રણ મળતું હોય તો કેમ ન સ્વીકારવું ? બે ત્રણ દિવસ પ્રાર્થના ન આવી એ એના મનમાં ક્યાંય ન ખટક્યું. આમેય એ ક્યાં પ્રાર્થના સાથે કોઈ બંધનથી જોડાયેલો હતો ? પોતાની ભૂખ એણે પૂજા પાસેથી સંતોષી લીધી.
પણ પૂજા... એની હાલત કંઈક વિચિત્ર જ હતી. તે દિવસે એ પ્રાર્થનાને ઘેર ગઈ ત્યારે એણે જોઈ લીધેલું કે અગમના સ્લીપર્સ ત્યાં પડ્યા હતા. એના બેડરૂમમાં જ્યારે પોતે વાત કરવા ગઈ ત્યારે તરત જ અગમના પરફ્યુમની સુગંધ એણે મહેસુસ કરેલી. અગમના હેડફોન પણ ડ્રેસિંગ ટેબલ પર જ પડેલા હતા... અગમના સ્લીપર્સ, પોતે ગિફ્ટ કરેલું પરફ્યુમ, પોતે જ ગિફ્ટ કરેલા હેડફોન... બધું જોઈને એના હૃદયમાં એક ભયાનક ચિત્કાર ઉઠ્યો. એણે વાત કરતા કરતા જ દર્પણમાં પોતાને જોઈ હતી. એ વિચારી રહી હતી કે પોતાનામાં એવું શું નહોતું જે આ *** એને આપતી હતી. એના મનમાં સ્વાભાવિક રીતે જ ગુસ્સો ભભૂકી ઉઠ્યો. પણ પોતાની એ સમયની પરિસ્થિતિ પર એને પોતાની જ દયા આવી. અને કદાચ ડૂસકાં એટલા માટે જ પ્રબળ બન્યા હતા. ત્રણ દિવસના અગમ સાથેના સહવાસમાં એને ગૂંગળામણ થતી હતી. ખાસ તો પેલી પરફ્યુમની સુગંધ એનું માથું ફાડી નાખતી હતી. મનથી એ બળવો પોકારવા ઇચ્છતી હતી પણ શરીરથી માત્ર એક મડદું બનીને પડી રહી.
અને પ્રાર્થના ? ત્રણ દિવસ જાણે ઓફીસ અને દુનિયાથી દૂર. કોઈની પાસે એનો મોબાઈલ નંબર નહોતો. અગમે જ તો આપવાની ના પાડી હતી. ઓફિસમાંથી કોઈનો ફોન આવ્યો નહિ. ત્રણ દિવસ બસ એ અને મમ્મી. કેટલી બધી વાતો કરી. મમ્મીએ એને ભાવતું બધું જ બનાવ્યા કર્યું અને એણે ખાધા કર્યું.
ચોથા દિવસે સવારે મમ્મીએ અચાનક જ એને કહ્યું, "બેટા, તું કોઈના પ્રેમમાં છે ?"
પ્રાર્થના માટે આ સવાલ અણધાર્યો હતો. એની આંખો પહોળી થઈ ગઈ. એણે કહ્યું, "ના રે ના. તને કેમ એવું લાગ્યું ?"
"તું કોઈની સાથે રહે છે ?"
"ના આઈ. એકલી જ. કેમ આવું પૂછે છે ?"
"બેટા, હું પણ એક સ્ત્રી છું. તારું શરીર કંઈક અલગ કહે છે. તારા શરીરમાં મને પુરૂષની ગંધ આવે છે. હું જાણું છું કે જમાનો આગળ વધી ગયો છે. તું ઈચ્છે એની સાથે લગ્ન કરી લે. પણ... આવું... ?"
મમ્મીએ વાક્ય અડધું રાખીને એક બૉમ્બ ફેંક્યો હતો. પ્રાર્થના પાસે એનો કોઈ જવાબ નહોતો. એ ગમે તેટલો અસ્વીકાર કરે પણ શરીર ચાડી ખાતું હતું. એ બસ હસીને "શું આઈ તું પણ !!" એમ કહીને વાત ટાળીને નીકળી ગઈ. એ હાસ્ય પણ પોતાના પર જ હતું ને !
ઓફીસ પહોંચી. અગમને મળી. પણ એની આંખોમાં કંઈ ઉષ્મા નહોતી. ફક્ત ઉપરછલ્લો સવાલ પૂછ્યો "કેમ છે તારા પપ્પા ને ?". પૂછતી વખતે પણ એનું ધ્યાન તો ફાઇલમાં જ હતું. જવાબ આપીને પ્રાર્થના પોતાના કામે લાગી. એણે વૉશરૂમમાં જઈ પોતાને ધારીને જોઈ. એવા ક્યાં ચિહ્નો હતા જે આઈ પારખી ગઈ હતી ? પણ એને કંઈ ખ્યાલ ન આવ્યો. જે શરીરને એ રોજ જોતી હતી એ શરીરમાં રોજેરોજ કંઈક ફેરફાર તો થતો જ હોય, પણ એ લાંબા સમય પછી જ જોનારને જ ખ્યાલ આવે. કદાચ પૂજા મેડમને પણ આ ખ્યાલ આવી જ ગયો હશે ? એ વ્યાકુળ બની ગઈ.
એણે આડતકરી રીતે અગમને કોઈ ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ વિશે પૂછ્યું. અગમે એને એક સણસણતા તમાચા જેવો જવાબ આડકતરી રીતે જ આપ્યો, "તું તારું કામ કર. કંપનીના ફાયનાન્સમાં માથું ન માર. એ હું જોઈ લઈશ. You are on my Personal Payroll, not on company. (તું મારા અંગત કામ માટે છે કંપનીના નહિ !)" એની શંકા વધુ પ્રબળ બની. એની શંકાના જવાબમાં અગમે પ્રાર્થનાને એની ઔકાત બતાવી દીધેલી.
આમ પણ અગમ સાથેના 'અંગત' સંબંધોનું કોઈ નામ ક્યાં હતું ? ઓફિસમાં છાનેછપને થતી વાતોમાં પોતાના માટે કયા શબ્દો પ્રયોજાતા હશે ? કેવી કેવી ગંદી ભાષાનો પ્રયોગ થતો હશે ? આ બધા સવાલો એને ઘેરી વળ્યા. કોઈપણ ભોગે આગળ વધવાની એની ફિલોસોફીનું સ્થાન હવે એક છૂપા અપરાધભાવે લઈ લીધું.
બીજા દિવસે જ્યારે અગમનો 'એ' ઈશારો થયો ત્યારે પોતે થોડીક સભાન થઈ ગઈ. જેમતેમ કરીને ઇનકાર કર્યો પણ અગમનો અણગમો એકદમ સ્પષ્ટ બનીને ઉપસી આવ્યો. એ બંને એના ફ્લેટ પર જ ગયા. ચૂપચાપ... રસ્તામાં કોઈ વાત નહિ. ફ્લેટ પર જઈને પણ એણે મજબૂત રીતે પોતાનો ઇન્કાર જણાવ્યો. પણ હવે અગમ જાણે હિંસક બની ગયો. અને સાથે સાથે એણે એવા અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો કે પોતાનું રહ્યુંસહ્યું આત્મસન્માન પણ તૂટી ગયું. પોતાના એક ઈન્કારની આટલી આકરી પ્રતિક્રિયા મળશે એ એની કલ્પના બહાર હતું. એ હિચકારો હુમલો એણે સહન કરી લીધો. કોઈ ઉષ્મા વગર જ... અગમ એનું 'કામ' પતાવીને ગુસ્સામાં જ બબડાટ કરતો નીકળી ગયો.
એ વખતે જ... બેડમાં જ... એ જ અવસ્થામાં... એણે એક નિર્ણય લીધો.
પછીના દિવસે ઓફિસમાં જઈને એણે રાજીનામું ધરી દીધું. અગમે એને કારણ પૂછ્યું. પપ્પાની તબિયતનું બહાનું એણે આગળ ધર્યું. અગમ પારખી ગયો કે પોતાની ગઈકાલની હરકતનું આ પરિણામ છે. એણે સમજાવવાનો પ્રયાસ કર્યો. એ સમજાવટ દરમ્યાન પણ એ પોતાને 'ટચ' કરી રહ્યો હતો, પણ એ સ્પર્શ હવે અસહ્ય બનતો જતો હતો. આ સમજાવટ દરમ્યાન અગમે 'સોરી'નો પ્રયોગ કર્યો પણ એ ઉપરછલ્લો જ હતો એ સમજતાં વાર ન લાગી. પોતાની બધી જ સમજાવટ નિષ્ફળ થતી જોઈ અગમે છેલ્લો દાણો ચાંપી જોયો.
"આટલા જલસા તને ક્યાં કરવા મળશે ?" એક આંખ મારીને એણે આટલું પૂછ્યું. બસ પછી શું હતું ? એક સણસણતો તમાચો એના ગાલ પર પડ્યો. અને એ બહાર નીકળી ગઈ. ફરી ક્યારેય એને ન મળવાના અફર નિર્ણય સાથે !!
----- * -----
દસ વર્ષ પછી...
પોતાના આઠ વર્ષની દીકરી 'પિહુ' ને લઈને પ્રાર્થના વિદ્યાલક્ષ્મી સ્કૂલના પેરેન્ટ્સ રૂમમાં હતી. એના પતિની ટ્રાન્સફર અમદાવાદ થઇ હતી અને પિહુના એડમિશન માટે એ અહીંયા આવી હતી. એ રાહ જોતી હતી કે પ્રિન્સિપાલ એને મળવા બોલાવે.
પ્યુન બોલાવવા આવ્યો. એ એક મીટિંગ રૂમમાં લઈ ગયો. એ અને પિહુ જઈને બેઠા. એ ટેબલની સામેની બાજુએ બેઠી હતી એટલે રૂમમાં પ્રવેશ કરનાર વ્યક્તિ એને સામે જ દેખાય એમ હતું. એ બંને આવ્યા એની લગભગ બે જ મિનિટમાં દરવાજો ખુલ્યો.
"હાય પ્રાર્થના." પૂજા દેસાઈનો એ જ જાણીતો અવાજ.
"ઓહ મેડમ... હેલ્લો..." પ્રાર્થનાની આંખો પહોળી થઈ ગઈ.
"હેલ્લો બેટા. What is your good name?"
"પિહુ... પિહુ કુલકર્ણી..." પિહુએ એકદમ નરમાશથી કહ્યું.
પૂજાએ બેલ મારીને પ્યુનને બોલાવ્યો. ચા નાસ્તો લાવવાનું કહ્યું. બીજા એક બહેનને બોલાવી એમને પિહુને સ્કૂલ બતાવવાનું કહ્યું.
"તો પ્રાર્થના કુલકર્ણી...કેમ છે ? કેટલા વર્ષે મળ્યા ? ક્યારે કર્યા મેરેજ ? બાય ધ વે, સરસ છે તારી દીકરી."
"બસ અહીંથી ગઈ એના સાતેક મહિનામાં. બે વર્ષ પછી પિહુ આવી. હમણાં મયુરની ટ્રાન્સફર થઈ એટલે એડમિશન માટે આવી છું. તમે કેમ છો ?"
"બસ મજામાં. અગમ વિશે કંઈ નથી પૂછવું ?" એટલું કહીને પૂજા હસી.. પૂજાના સવાલની ધાર દસ વર્ષ પછી પણ એ જ હતી.
"ઑફકોર્સ. એ તો દર મહિને ન્યૂઝમાં આવતા જ હોય છે ને ?" પ્રાર્થનાએ પણ હસીને કહ્યું. પણ અંદરથી એક છૂપો જખમ જાણે તાજો થઈ ઉઠ્યો.
"તને ખબર છે કે હું બધું પહેલા દિવસથી જ જાણતી હતી ?"
ચહેરાના એક પણ ભાવ બદલ્યા વગર પૂજાએ કહ્યું.
"મતલબ ?" પ્રાર્થના હવે ચોંકી ગઈ.
"મતલબ એ કે... અગમ મારો પતિ છે. એની આદત, એની હરકતો, એના પરફ્યુમની સુગંધ એ દરેકથી હું વાકેફ છું. જ્યારે હું તારા ઘેર આવીને... મને આવતાવેંત જ એ પરફ્યુમની સુગંધ આવી ગયેલી. એના સ્લીપર્સ પણ મેં ત્યાં જોઈ લીધેલા. અને પેલો ફોન...એ તો એક નાટક માત્ર હતું. હું તો તારા બેડરૂમના ફોટો લેતી હતી. કામમાં લાગે ને? અને પછી મેં શું કર્યું ખબર છે ?"
પ્રાર્થના અવાક બની ગઈ. એ માની ન શકી કે એ પૂજા મેડમના મોંએ આ બધું સાંભળી રહી છે. એની પાસે કંઈ જ જવાબ નહોતો. એ દસ વર્ષ પાછી જતી રહી. એની આંખો સામે એ આખો પ્રસંગ તરવરી ઉઠ્યો. એણે જાણે આંખોથી જ પૂછી લીધું,"પછી શું થયું ?"
"તારી મમ્મીને ફોટોઝ મોકલ્યા. એમને આ બધી વાત તો મેં ક્યારનીયે કરેલી. પણ એ માન્યા નહિ એટલે મારે સાબિતી લેવા આ બધું કરવું પડ્યું. તારા પપ્પાને વિશ્વાસમાં લઈને તને તાબડતોબ ત્યાં બોલાવવા માટે અકસ્માતનું નાટક કર્યું. તારી મમ્મીએ જે પણ કર્યું એ બધું મારી જ દોરવણી હતી. અને તું દોરવાતી ગઈ. મને એમ કે મારે હજુ વધુ બાજી ગોઠવવી પડશે પણ તું થોડામાં જ સમજી ગઈ. તું ગઈ એટલે તાત્કાલિક મેં ઓફીસ જોઈન કરી. એડમીન અને રિક્રુટમેન્ટ મેં જ લઈ લીધું. હવે તો હું ફાયનાન્સ અને એડમીન બંને જોઉં છું."
પ્રાર્થના હવે રડમસ બની ગઈ. એ નક્કી ન કરી શકી કે પહેલા એ પૂજાની માફી માંગે કે એમનો આભાર વ્યક્ત કરે. કારણકે કરવા યોગ્ય તો બંને હતું ને ! એ ઉભી થઈને પૂજાના પગે પડી અને પૂજાએ એને ગળે લગાવી લીધી !