Sumudrantike - 25 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 25

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સમુદ્રાન્તિકે - 25

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(25)

અવલને જ્યારે બાવાએ કહેલી અનંતમહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો. ‘છોકરાઓને તેડી લાવો. મુખી તેમને મોકલે ત્યાં સુધી રાહ નથી જોવી.’

દરિયો તો રોજના જેવો જ, શાંત, ગંભીર લહેરાય છે. પણ અવલની હલચલ વધી ગઈ. તે કવાર્ટર પર આવી. પહેલી જ વખત તે મારા ટેબલને અડી. કોરો કાગળ શોધ્યો. પેન્સિલ લીધી અને કંઈક લખવા માંડી.

થોડી વારે કાગળ મારા હાથમાં મૂકીને કહે: ‘કાલ ને કાલ આટલી વસ્તુ લાવી આપો.’

કાગળ વાંચીને મારાથી હસ્યા વિના ન રહેવાયું. મમરા, સેવ, ધાણી, ચણા, ગોળ, કેરોસીન, મગફળી. આ ચીજોનું વજન વાંચીને મારી આંખ પહોળી થઈ ગઈ. બધું પાંચ-પાંચ શેર.

‘ભલે, અવલ મંગાવે અને ન આવે એવી કોઈ ચીજ નથી. પણ તને લાગે છે કે દસ-પંદર છોકરાં ચાર-પાંચ દિવસમાં આટલો નાસ્તો કરી જાય?’ મેં કહ્યું, ‘કે પછી પછી જમવાના બદલામાં આ જ ખાવાનું છે?’

‘એ તો જેવી ઠાકર માં’રાજની ઈચ્છા’ અવલે કહ્યું.

‘બાવાજી હવામાનશાસ્ત્રી ગણાય કે જ્યોતીષી?’ મેં અવલને ચીડવી.

‘તમારે ન મંગાવવું હોય તો મારે તમારી અલમારી ખોલવી પડશે.’ આટલી સ્પષ્ટ ધમકી અવલ આપે તે જોઈને મારાથી હસી પડાયું.

‘ભલે, હસી લો, પણ આ બધું જ આવશે. તે પણ તમારા પૈસાથી. છોકરાં સાચવવાની જવાબદારી બાવાજીએ તમને સોંપી છે. મને નહીં.’ તેણે સ્પષ્ટતા કરી.

બાળકો બીજે દિવસે જ આવી ગયાં. પણ અવલ આખો દિવસ દેખાઈ નહીં. મારી બધી સગવડ સરવણ પગીએ સાચવી. પટવાનો પસાયતો મોટો બંદરે અવલે મંગાવેલી ચીજો લેવા ગયો.

‘અવલ ક્યાં છે?’ મેં પગીને પૂછ્યું.

‘ખબર નંઈ. રાતે આવીસ કઈને ગ્યા છ.’ પગીએ કહ્યું. અવલને તે શું કરે છે? તે વિશે કંઈ પણ પૂછવાનું કોઈ પણ માટે શક્ય નથી. પગી શું કહે?

રાતે આવવાને બદલે તે સાંજે જ આવી ગઈ. આવતાં વેંત તેણે સરવણને હવેલી તરફ મોકલ્યો પછી મારી પાસે આવી કહે, ‘મારી સાથે આવશો?’

‘ક્યાં?’ મેં પૂછ્યું.

‘હું લઈ જઉં ત્યાં’ અવલે બહુ ઉડાઉ જવાબ આપ્યો.

હુ ઊભો થયો. અમે બન્ને હવેલી તરફ ચાલ્યાં. રસ્તામાં ચાલતાં અવલ સ્વગત બોલતી હોય તેમ બોલી: ‘ખોળો પાથર્યો બાવાને, પણ માન્યા નહીં. બોલ્યા મોટા ‘અબ છત કે નીચે ક્યા રહેના?’  ’

‘બાવાજીને તેડવા ગઈ હતી?’

‘ત્યાંય ગઈ હતી અને...’ કહીને અવલ અટકી ગઈ. કદાચ તે બે-ત્રણ કામ, સાથે લેતી ગઈ હશે. ‘પણ બાવો આવ્યો નહીં. ગાંડો છે અડધો’ તે બોલી.

‘તે તને આજે છેક ખબર પડી?’ મેં અવલની મજાક કરી કે બાવાની તે વિચારતાં મેં અવલ સામે જોયું. પણ અવલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. અમે સરવણે ખોલેલા ખંડમાં પ્રવેશ્યાં.

અવલ આ વિશાળ મધ્યખંડની મોટી બારીઓ તપાસી આવી. પછી મને અને સરવણને ખંડના ખૂણામાં ભંડકનું ઢાંકણ બતાવતાં કહ્યું. ‘પેલો દરવાજો ખોલો.’

મેં અને સરવણે શ્રમપૂર્વક તે ઢળેલું પાટિયું ઊંચક્યું. કટાયેલા મિજાગરાએ અવાજ કર્યો અને નીચે પથ્થરની સીડીવાળું ભંડક નજરે પડ્યું.

‘બસ, તમે જાવ. સરવણ, છોકરાંવને મોકલ. સાવરણીઓ લેતાં આવે. ને તું પાછો આવ.’ અવલે જુદી જુદી સૂચનાઓ આપી. હું પાછો કવાર્ટર પર આવ્યો.

છોકરાંની ટોળી અને સરવણ-અવલે ભેગા થઈને ભંડક સાફ કર્યું. પટવાનો પસાયતો આવીને આપી ગયો તે ચીજો ભંડકમાં ઉતારી.

બાવાએ વાત કરી એને આજે ત્રીજો દિવસ ગયો.

ચોથે દિવસે સવારે બાળકોને આંગણમાં દોડાદોડી કરતાં જોવાની મજા માણતો હું બેઠો છું. સમુદ્ર શાંત, મધુર સ્વરે ગાતો રમે છે. બંગાળીનું ભાખેલું તોફાન કદી પણ આવવાનું નથી. બંગાળાના અખાતમાં સર્જાય છે તેવા ચક્રવાત અરબીસમુદ્રમાં ઉદ્ભવતા મેં ભાગ્યે જ સાંભળ્યા છે. હવે બાળકોને પાછા ખેરા મોકલી આપવાનું સૂચન અવલ સમક્ષ મૂકવાનું મને સૂઝે છે. સાંજે અવલ સાથે વાત કરવાનું નક્કી કરીને હું કામે વળગ્યો. બપોરે બાળકોનો કોલાહલ શાંત થયો. કદાચ બંગલાની પરસાળે સૂઈ ગયાં ગયા હોય કે બેઠાં બેઠાં કંઈક રમતા હશે. થોડી વાર પહેલાં અવલને હવેલી તરફ જોતાં જોઈ. સરવણ બહાર બેઠો છે.

અચાનક મને લાગ્યું કે વાતાવરણમાં આજે ઉકળાટ છે. પવન પણ થંભી ગયો છે. ઊભા થઈને મેં દરિયા તરફની બારી ખોલી. જ્યાંથી અનેકવાર મેં ભૂરા-ભૂખરા જલરાશિના સૌંદર્યને જોયું છે તે બારી ખૂલતાં જ જલધિનું હૃદયવિદારક રૂપ મેં જોયું. દરિયો તેના કિનારાના પથ્થરો જેવો જ સ્થિર પડેલો દેખાયો. પોતાની તમામ ગતિઓ થંભાવીને, બિલકુલ જડ થઈ ગયેલો દરિયો જોતાં જ હું હબકી ગયો. મોજાંનો જરા સરખો પણ ઉછાળ નથી. એકાદ માછલી કે દરિયાપંખીનો સળવળાટ પણ નહીં. તરત જ મેં બારી બંધ કરી દીધી અને બહાર આવી કચેરીનો દરવાજો બંધ કર્યો. પગી દોડીને કવાર્ટર બંધ કરી આવ્યો.

અવલ અને બાળકો પરસાળમાં ઊભાં રહીને દરિયો જુએ છે. હું અને સરવણ ઉતાવળે હવેલી તરફ ગયા. પગથિયાં ઊતરતાં મને ક્ષિતિજ પરના આકાશનો રંગ કંઈક જુદો લાગ્યો. જરા ધ્યાનથી જોયું તો સમજાયું કે તે આકાશનો રંગ નથી. પાણીની એક ઊંચી દીવાલ ઘસતી આવે છે.

અચાનક પવનની લહેરખી આવી. અમે બંગલાનાં પગથિયાં ચડીએ ત્યાં તો પાછળ દેખાતો સમુદ્ર પેટાળ સહિત ઊંચકાતો ભાસ્યો. પાણીની એક વિશાળકાય દીવાલ રચાઈને બંગલા પાછળની પાષાણપંકિત પર અતિવેગથી પછડાઈ. ધસી આવેલા પાણીએ ખડકોના પોલાણમાંથી હવાને બહાર નીકળવાનો માર્ગ રૂંધી દીધો. હવા ભીષણ દબાણના કારણે ધરતીના પોલાણ પાર કરતી અમારા ચોકના કૂવામાંથી, ગડગડાટ કરતી બહાર નીકળી.

એકાદ ક્ષણમાં જ આ બધું બની ગયું. અમે દોડીને કમરામાં પહોંચીએ ત્યાંજ મહામરુતે બંગલાના છાપરાને ઊંચકીને મેદાનમાં વેરણછેરણ ફેંકી દીધું. ખારાપાટમાં આંધી ઊઠી. કમરો બંધ કરીને અમે ભંડક તરફ ગયાં.

‘સું થાય છે?’ એક ગભરાયેલા બાળકે પૂછ્યું.

‘કાંઈ નથી, જોરુકો વાવડો નીકળ્યો છ’ અવલે તેને સમજાવ્યો.

થોડી ક્ષણોમાં અંધકાર છવાઈ ગયો. આ અસીમ બ્રહ્માંડના એક અજાણ્યા સ્થાને આવેલી મંદાકિનીના એક નાનકડા ખૂણે ફરતી સૂર્યમાળાના ટપકાં જેવડા આ ગ્રહના એક જરાક જેટલા ભાગમાં આ તે કેવું ભયાનક વાવાઝોડું સર્જાયું છે! લાગે છે જાણે સમગ્ર બ્રહ્માંડ રમણે ચડ્યું છે. ક્યાંથી ઉદ્ભવે છે આ શક્તિઓ અને ક્યાં સમાઈ જતી હશે?

ભંડક એક વિશાળ કમરો છે. એક તરફની દીવાલે લાંબું પ્લૅટફૉર્મ, તેના પર ચણેલો ચૂલો. ધુમાડો લઈ જતી, દીવાલમાં ચણેલી ચીમની. નળ, ચિનાઈ માટીની કૂંડી, તેના સામેની દીવાલે બે બારણાં ખોલીને જોયાં તો આરસ જડેલો બાથરૂમ અને પાયખાનું. પૂરેપૂરી સગવડ ધરાવતો આ કક્ષ ધરતી તળે પંદર-ફૂટ ઊંડે છે. અવલે તેના ચણા-મમરાના પોટલાં પ્લૅટફૉર્મ પર હારબંધ ગોઠવીને મૂક્યાં છે. ફાનસના અજવાળે દીવાલો પર મોટા પડછાયા પાડીને બાળકોએ ગમ્મત શરૂ કરી.

‘અવલ, પાણી આંય આવસે તો?’ પેલો ભટૂરિયો હજી ગભરાટમાં જ હતો.

‘નંઈ આવે હો.’ અવલે તેને પોતાની પાસે લીધો અને બાળકો વચ્ચે બેસતાં બોલી ‘તું શું લેવા બીવે છ. હું છું ને તારી હારે.’

હું દાદરના પગથિયે બેસીને અવલને જોઈ રહ્યો હતો. પડછાયાની રમત રમતાં મોટાં બાળકોને પણ ભયની ખબર પડી. રમત પડતી મૂકીને તે અવલ પાસે ટોળે વળ્યાં. સહેજ મોટી ઉંમરની એક છોકરીએ કહ્યું ‘મારી બા કેતી’તી દરિયો માજા મૂકે તો સંધુય તાણી જાય.’

‘ઈ તો તારી મા તને અમથી બીવરાવે.’ અવલે હસીને કહ્યું ‘એમ કાંય દરિયો માઝા નો મૂકે. આપણે એનું કાંઈ બગાડ્યું છ?’

‘ઓલી કવલી દરિયાને પાણકે ને પાણકે મારતી’તી’ અવલને જવાબ દેતાં એક નાનો છોકરો બોલ્યો. ‘બોલ, હું ના પાડુ તોય મોટા ને મોટા પાણકે મારે.’

‘કાંય વાંધો નંઈ‘ મેં અવલની જેમ બાળકોની બોલી બોલવા પ્રયત્ન કર્યો. ‘દરિયાને પાણકા નો વાગે. એમ તો આપણે હલેસા મારીએ ઈ કાંઈ દરિયાને વાગે?’

અવલ મારા સામે જોઈને થોડું મલકી. પછી બોલી: ‘હાલો, ગોળ ફરતા બેસો. આપણે પાંચીકે રમીએ.’ તેણે કેટકેટલી જરૂરિયાતોનો વિચાર કરી રાખ્યો છે.

બંધ દ્વારોની આરપાર પણ અનરાધાર, વેગીલા મરુત અને ભયાનક મેઘગર્જનાઓ સંભળાયા કરે છે, બહાર રાત્રી જેવો ઘનઅંધકાર છવાયો છે તેથી રાત ક્યારે પડી તે ખબર નથી પડી. ભૂખ લાગી ત્યારે અવલે ગોળ, મગફળી અને સેવમમરા ખાવા આપ્યા.

બાળકો પેટ ભરીને ખાધા પછી ઊંઘમાં પડવા લાગ્યાં. હું હાથ ધોવા બાથરૂમ તરફ ગયો. અંદર જતાં ટૉર્ચ સળગાવી ત્યાં જ હું ચીસ પાડતા રહી ગયો અને તરત બહાર આવ્યો. સામેની દીવાલ પર મોટો લીલો વીંછીં ચોંટી રહ્યો છે. બારણું ખુલ્લું મૂકીને હું પાછો પગથિયા પાસે ગયો. મારો બૂટ હાથમાં લઈને ધીમે પગલે બાથરૂમ તરફ ચાલ્યો.

‘એવું ન કરશો’ અડધી ઊભી થઈ જતાં અવલ બોલી. તેને ખ્યાલ આવી ગયો કે હું નિર્મમ હત્યાના ઈરાદે જઉં છું.

‘પણ અંદર..’ મેં આંગળી વાળીને આંકડાની નિશાની કરી.

‘એ જે હોય તે. અત્યારે આપણે આશરે છે. એના ઘરમાં પાણી ભરાણા હશે.’

‘કોના ઘરમાં?’ સૂવા માંડેલા બાળકોમાંથી એકે પૂછ્યું.

‘જીવડાંના ઘરમાં. તું હવે સૂઈ જા’ અવલે કહ્યું.

સરવણ ખૂણામાં બેઠો હતો. તેણે કહ્યું ‘તમે તમારે ચિંતા નો કરતા. બારે ભેગાં થાય તયેં જુદું ને અટાણે જુદું. ઈ જીવે ય હમજે કે બધાંની દસા એક થઈ છ.’

વગડે વસતા ખેડૂતો, ઘાસ-માટીમાં રમતાં તેમનાં બાળકો, ઘટાટોપ જંગલોમાં વસતા આરણ્યકો અને આ વિશાળ ધરા પર એકાંત ખૂણા શોધીને રહેતા વૈરાગીઓ આવા કેટકેટલા ઝેરી જીવો સાથે સહજીવન ગાળે છે. તે છતાં આવા જીવોએ તેમને નુકસાન કર્યુ હોય તેવા દાખલા કેટલા ઓછા સાંપડે છે!

ધરતી પર જન્મ આપતાં પહેલાં સર્જનહારે જાણે કહીને મોકલ્યા હોય ‘જાવ મારા વહાલાં, જાવ તમારા જીવંત સંચારથી પૃથ્વીને સજીવન કરો. મુક્ત, આનંદી અને નિર્ભય થઈને ઈચ્છો ત્યાં વિચરો. બીજાના કામમાં દખલ નહીં કરો ત્યાં સુધી આ પૃથ્વી તમને જીવવા જેવી લાગશે.’

***