Dhartinu Run - 3 - 3 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | ધરતીનું ઋણ - 3 - 3

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

ધરતીનું ઋણ - 3 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

રેગિસ્તાનની યાતના

ભાગ - 3

આખી બપોરે તેણે તે ઝાડની નીચે જ બેસીને વિતાવી અને ત્યારે પહેલીવાર ચામડાની બેગ ખોલી અંદરના સોનાના ઘરેણાં ચેક કર્યા. બે વખત ઝાડ પર ચડીને તેણે પાંદડાં ખાધા. ત્યારબાદ તેને વિચાર આવ્યો કે આ બેગ ભેગી લઇને ફરવા કરતાં ઝાડની નીચે દાડી દઉં તો, તેને ઉપાય સારો લાગ્યો અને તરત તેણે તે વિચાર પ્રમાણે ખાડો ખોદીને સોના ભરેલી ચામડાની બેગને ઝાડની નીચે દાડી દીધી. સાંજ પડવાની તૈયારી હતી. સૂર્ય પશ્ચિમ તરફ આથમી રહ્યો હતો. ક્ષિતિજમાં ડૂબતા લાલચોળ સૂર્યને લીધે વ્હાઇટ ડેઝર્ટમાં ચારે તરફ લાલ, ગુલાબી, જાંબલી જેવા અનેરા રંગ છવાયા. અનવર હુસેન પોતાની જિંદગીમાં ધરતી પર કલરની આવી રંગોળી પહેવા વાર જોઇ, તે જોતો જ રહી ગયો.

ધીરે-ધીરે ક્ષિતિજ પર સૂર્ય ડૂબતો ગયો અને ચારે તરફ અંધારું છવાતું જતું હતુ.

કેટલાંય સુરખાબ પક્ષીને ઊડતાં જતાં તે નિહાળી રહ્યો.

સૂર્ય આથમી જતાં જ ધરતી પર ગાઢ અંધકાર પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું.

અનવર હુસેને સિગારેટનો છેલ્લો કશ ખેંચી અને તેના ઠૂંઠાને ઘા કરી ઊભો થયો અને હાજીપીરની સરહદ તરફ આગળ વધી ગયો. ચંદ્ર હજી આકાશમાં દેખાયો ન હોવાથી સર્વત્ર કાળો ડિબાંગ અંધકાર છવાયેલો હતો. તેણે ખિસ્સાં ફંફોસીને જોયું પણ તેની ટોર્ચ ક્યાંક પડી ગઇ હતી.

ઠીક છે...ટોર્ચ વગર ચાલશે...વિચારી તે ચાલવા લાગ્યો.

હવે તે નિરાંતે ચાલતો હતો. તેને ખ્યાલ જ હતો કે તને હવે વધુ કિલોમીટર કાપવાના નથી અને થેલાને દાટીને છુપાવી દેતાં તેના હાથનું વજન પણ ઓછું થયું હતું.

સુકાયેલા હોઠ, બાવળના કાંટા વાગવાથી તરડાયેલો ચહેરો, નિસ્તેજ આંખો, હાથ પર બાવળથી છોલાઇને પડેલા ચીરા અને તેમાં બાઝેલા લોહીના રેલા અત્યારે તેની હાલત સારી ન હતી, એટલું સારું હતું કે શરીરમાં તાવ કે માથામાં દુ:ખાવો ન હતો. ચાલી-ચાલીને પગ સૂઝી ગયા હતા, છાલાં પડી ગયા હતાં. પણ તેની તેને પરવા ન હતી. ધીરે ધીરે ચાલતો આગળ વધી રહ્યો હતો. થાકી જતો ત્યારે થોડીવાર બેસી જતો. સિગારેટ પીતો અને ખિસ્સામાં ભરેલ થોડાં ઝાડનાં પાંદડાં ચાવતો, પછી ફરીથી આગળ વધી જતો. આમ ને આમ આખી રાત ચાલતો રહ્યો. ‘‘વ્હાઇટ ડેઝર્ટ’’ પૂરું કરી આગળ સૂકી અને રેતાળ રણમી કાંટાળી ઝાડવાળી મરુ ભૂમિ પર તે ચાલ્યો જતો હતો. ચંદ્રમાની ચાંદનીનો આછો પ્રકાશ તો ફેલાયેલો હતો પણ અત્યારે તે ક્યા રસ્તે જઇ રહ્યો છે તેની તેને ખબર ન હતી. છતાં પણ ક્યાંક તો તે નીકળશે જ એમ વિચારીને ચાલતો રહ્યો. અંધકારમાં અથડાતો-કુટાતો રણમાં ભૂલા પડેલ માનવીની જેમ આગળ ને આગળ વધતો રહ્યો.

ઘણા કિલોમીટર ચાલી ગયા પછી હવે તેને અહેસાસ થતો હતો કે ચોક્કસ તે ભટકી ગયો છે, સાચો રસ્તો ભૂલીને આડે રસ્તે ચડી ગયો છે. નહીંતર અત્યાર સુધીમાં હાજીપીર પહોંચી ગયો હોત.

લગભગ ત્રણ વાગ્યા પછી જ્યારે ચંદ્રમાં આકાશમાં દેખાતો બંધ થયો ત્યારે તો ગાઢ અને ભયાનક અંધકાર છવાઇ ગયો. સૂન અને ભેંકાર વાતાવરણમાં તે એકલો અટૂલો ચાલ્યો જતો હતો, જાણે કોઇ અલગ ગ્રહ પર તેને ફેંકી દેવામાં આવ્યો હોય, તેવું લાગતું હતું. આ વેરાન અને બંજર રણની ભૂમિમાં કાંટાળા બાવળના ઝાડ તેને મિત્ર જેવા લાગી રહ્યા હતા. હવે વાગતાં કાંટાથી પણ તે ટેવાઇ ગયો હતો.

રાત વીતી ગઇ. ધીરે ધીરે અંજવાસ ફેલાતો જતો હતો. દૂર દૂર સુધી વેરાન રણ સિવાય કાંઇ જ દેખાતું ન હતું.

સૂર્ય ભગવાનનું પહેલું કિરણ ધરતીના પટ પર પડતાં પુલકિત થયેલી ધરતી જાણે ખીલી ઊઠી હોય તેવું લાગતું હતું. મંદ મંદ મધુર ઠંડો પવન વાઇ રહ્યો હતો. થોડા થોડા વખતે પક્ષીઓ ઊડતાં દેખાતા હતાં.

ચોક્કસ નજીક કોઇ ગામ હોવું જોઇએ. દૂરથી આછા ધાબા જેવું દેખાતાં અનવર હુસેન વિચારી રહ્યો. થોડું આગળ ચાલતાં તે એક નાના ગામમાં આવી પહોંચ્યો.

ગામના ચોરાયા પાસે એક વડના ઝાડ પર સિમેન્ટનો ઓટલો બનાવેલો હતો. બાજુમાં લાકડાની કેબિન પર એક ચાની હટડી હતી. ચાની હટડી પાસે પહોંચીને ત્યાં પડેલ માટલામાંથી તે બે ગ્લાસ પાણી પી ગયો. છત્રીસ કલાકથી પાણીના તરસ્યા અનવર હુસેનને જાણે કોઇએ અમૃત આપી દીધું હોય તેવો તેને ભાસ થયો, તેને નવાઇ લાગતી હતી કે 36 કલાક પાણી વગર કેમ રહી શક્યો. પાણી પી તૃપ્તિ મેળવી તેણે હોટલવાળા કાકાને ચા બનાવવાનો ઓર્ડર આપ્યો અને એક પારલે બિસ્કિટનું પેકેટ ખરીદી તે વડના ઓટલે બેસી ખાવા લાગ્યો. ચા સાથે બિસ્કિટ ખાધા પછી તેની ઉદરની પ્રજવળ અગ્નિ શાંત થતાં તેની આંખો ઘેરાવા લાગી અને તે ઓટલા પર સૂઇ ગયો.

ચાર-પાંચ કલાકની ઊંઘ ખેંચી જ્યારે તે જાગ્યો ત્યારે તેના શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી ગઇ હતી. હાથ-મોં ધોઇને તેણે ચા પીધી, પછી સિગારેટ સળગાવી ઓટલા પર બેસીને આરામથી પીવા લાગ્યો.

‘કાકા...આ કયું ગામ છે.’

‘ભાઇ...તમે ક્યાંથી આવો છો...?’ તે હોટલવાળા કાકાએ સામે પ્રશ્ન પૂછ્યો, અને તેનો જવાબ સાંભળવા હોટલવાળા સિવાય ત્રણ ચાર માણસો ઓટલા પર બેઠા હતા. તેના કાન પણ સરવા થયા.

‘કાકા...હું કલકત્તાનો છું. અને કચ્છમાં ધરતીકંપ થતાં મારા એક મિત્રની ખબર કાઢવા આવ્યો હતો અને થયું કે લાવ કચ્છમાં આવ્યો છું તો હાજીપીર વલ્લીને સલામ કરતો જાઉં એટલે હાજીપીર આવ્યો હતો. હાજીપીરમાં રાત પડી જતાં અંધારામાં રસ્તો ભૂલી ગયો અને વગડામાં ખબર નહીં ક્યાં રસ્તે ચડી ગયો કે આખી રાત ભટકતો ભટકતો સવારના અહીં આવી પહોંચ્યો છું.’ સિગારેટનો ઊડો કસ લઇ વાત પૂરી કરતાં અનવર હુસેન બોલ્યો.

‘શુ વાત કરો છો...? તમે હાજીપીરથી ભટકતા-ભટકતા અહીં પહોંચી આવ્યા. તમને ખબર છે...? તમે ખાવડા બાજુના રણ વિસ્તારના એક નાનકડા ગામડામાં આવી ગયા છો. હાજીપીર તો અહીંથી બહુ દુર થાય.’ ઓટલા પર બેઠેલ એક બુઝુર્ગ આશ્ચર્ય સાથે બોલ્યો.

‘જે થયું તે પણ ભૂજ જવા માટે કોઇ વાહન મળશે કે નહીં, તે કહો.’ વાત પૂરી કરવા માટે અનવર હુસેન બોલ્યો.

‘હા, ભાઇ આ ગામમાં આખા દિવસમાં બાર વાગ્યે એક જ બસ આવે છે. તમે તેમાં ચાલ્યા જજો.’ હોટલવાળા કાકા બોલ્યા. અને સાડા બાર વાગ્યે એસ.ટી.ની એક ખખડધજ બસ આવી અને અનવર હુસેન તેમાં ચડી ગયો.

ખાડા-ટેકરા વાળા રસ્તામાં પછડાતી ધૂળોની ડમરીઓ વચ્ચે બસ ભુજ જવા રવાના થઇ.

બે કલાકની મુસાફરી પછી એક ગામ આવતાં બસ ઊભી રહી. એક મુસાફર બસમાં ચડ્યો, બસ આગળ વધી ગઇ. બસમાં ચડનાર વ્યક્તિના હાથમાં એક કાપડની થેલી હતી, થોડીવાર પછી તેમાંથી ભયાનક દુર્ગંધ આવવા લાગી. આજુ-બાજુ બેઠેલાં માણસો રૂમાલ દબાવી તે વ્યક્તિ તરફ જોતા હતા, દુર્ગંધ ધીરે ધીરે એટલી વધી ગઇ કે બસમાં બેઠેલ માણસોથી સહન થતી ન હતી. અને પછી બસમાં રાડા-રાડ થવા લાગી. ડ્રાઇવરની કેબિનમાં બેઠેલ કંડક્ટર રાડારાડના અવાજથી કેબિનમાંથી બહાર આવ્યો, ‘શું છે...?શું થયું ?’ સૌ સામે તાકીને તે બોલ્યો, પછી તેના નાકમાં દુર્ગંધ પ્રવેશતાં નાકને દાબી બોલ્યો, ‘આ દુર્ગંધ શાની આવે છે ?’

‘આ માણસની થેલીમાં કાંઇક છે, તેમાંથી દુર્ગંધ આવે છે.’ એક સાથે મુસાફરો બોલી ઉઠ્યા.

‘એ ભાઇ...તારા થેલામાં શું છે ?’ કડક અવાજે કંડક્ટર બોલ્યો.

‘કાઇ નથી ભાઇ...થેલો ગંદો છે. એટલે વાસ આવે છે, અકડાતા અવાજે તે વ્યક્તિ બોલી.’

અનવર હુસેન પણ બેઠે બેઠો આ તમાશો જોઇ રહ્યો હતો. ખરાબ દુર્ગંધથી તેને પણ ઉબકા આવતા હતા.

‘તારો થેલો ખોલીને બતાવ...’ ગુસ્સાભર્યા અવાજે કંડક્ટર બોલ્યો. અને ગાડી ઊભા રખાવવા માટે તેણે ઘંટડી વગાડી.

‘શું થયું ભાઇ...’ ગાડીને રોડની સાઇડમાં ઊભા રાખતાં ડ્રાઇવર બોલ્યો.

‘હરેન્દ્રભાઇ, જરા પાછળ આવજો...’ ડ્રાઇવરને ઉદ્દેશીને કંડક્ટર બોલ્યો.

‘ખોલ થેલો...’ ફરીથી કંડક્ટર તે વ્યકતિ સામે જોઇને બોલ્યો.

‘તમને મારો સામાન ચેક કરવાનો અધિકાર નથી. મારા થેલામા દુર્ગંધ આવતી હોય તો હું બસમાંથી ઊતરી જાઉં છું. મને પૈસા પાછા આપી દ્યો,’ તે બોલ્યો.

‘અબે ઓ અધિકાર વાળા...ચાલ નીચે ઊતર તને મારો અધિકાર બતાવું છું...’ કાંઠલો પકડી ઊભો કરતાં ગુસ્સાથી કંડક્ટર બોલ્યો.

એસ.ટી.માં રાડ-રાડ થઇ ગઇ પછી કંડક્ટર, ડ્રાઇવર અને પેસેન્જરોએ સાથે મળીને તે વ્યકિતને બસની નીચે ઉતારી. બસની નીચે ઉતારીને સૌએ ભેગા થઇને તે વ્યકિતને મેથીપાક જમાડ્યો અને ભેગા થઇને સૌ તેનો થેલો ખોલ્યો.

ભયાનક દુર્ગંધ સાથે સૌને ઉબકા આવવા લાગ્યા. સૌ સ્તબ્ધ થઇને થેલાની અંદર જોઇ રહ્યા.

થેલાની અંદર માનવ શરીરનાં કપાયેલાં અંગો હતાં.’

હાથની આંગળીઓ જેમાં વીંટીઓ પહેરેલી હતી. કાનની બુટીઓ હતી જેમાં એરીંગો પહેરેલી હતી.

હે...ઇશ્વર ! ધરતીકંપે માનવને કેવો શેતાન બનાવી દીધો. ધરતીકંપમાં મૃત્યુ પામેલા માનવોના શરીરનાં અંગોમાં પહેરેલાં ઘરેણાં માટે તે વ્યકિતએ તેનાં અંગો કાપી નાખ્યાં હતાં અને થેલીમાં નાખીને લઇ જતો હતો આને કહેવાય કળિયુગ...

ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરોએ તે વ્યકિતએ લાતોથી મારી મારીને ધોઇ નાખી. કંડક્ટરે પોતાની મોબાઇલથી પોલીસને આ બનાવની જાણ કરી અને લગભગ કલાક પછી પેટ્રોલીંગ વાહન સાથે પોલીસના ચાર યુવાનો આવ્યા અને તે વ્યકિતને ગિરફ્તાર કરીને લઇ ગયા.

અનવર હુસેનનું મગજ ફાટી ગયું હતું. આટલું ખરાબ ર્દશ્ય તેણે ક્યારેય જોયું ન હતું. યા અલ્લા...કહેતાં આંખો બંધ કરીને તે પોતાની સીટ પર બેસી ગયો. તેને અત્યારે ચોથા પાર્ટનરનો છુંદાયેલો ચહેરો યાદ આવતો હતો.

લગભગ સાંજના તે ભુજ પહોંચી ગયો. ભુજ પહોંચીને એક હોટલમાં તેણે કમરો બુક કરાવ્યો. પછી બજારમાં જઇ બે જોડી કપડાંની સાથે સાબુ, બ્રસ, ટોવલ વગેરે લઇને તે હોટલ પર આવ્યો.

નાહી-ધોઇ તે ફ્રેશ થયો. પછી હોટલના કમરામાં જમવાનું મંગાવીને જમી લીધું પછી તે પંખો ચાલુ કરીને સૂઇ ગયો. આજ આખી રાત તેને ઊંઘ ખેંચવી હતી, જેથી બીજા દિવસની સવારનો દોડધામનો થાક ઊતરી જાય.

પૂરી રાત તે ઘસઘસાટ ઊંઘ્યો. સવારના લગભગ અગિયાર વાગ્યાના સમયે તે ઊઠ્યો. સૂરજ ઉપર ચડી ગયો હતો. ચારે તરફ વાહનોના અવાજનો ભયાનક દેકારો થતો હતો. પૂરી રાત સારી એવી નીંદર તેણે ખેંચી હતી. સવારના તેને એકદમ સ્ફૂર્તિ જણાતી હતી. જલદી સવારનો નિત્યક્રમ પતાવીને રૂમ વોક આઉટ કરી હોટલ છોડી ગયો. ચા-નાસ્તો પણ તેણે બહાર કર્યો. ફરતા-ફરતા તે જ્યુબિલી ચોક પાસે આવ્યો. ભૂજમાં મોટા પાયે બચાવ કાર્ય ચાલુ હતું. ચારે તરફ એમ્બ્યુલન્સ દોડતી હતી. બચાવ ટીમો માથા પર લોખંડના હેલમેટ પહેરીને દોડી રહ્યા હતા. કેમ્પો શરૂ થઇ ગયા હતા. ચારે તરફ ધમાલ ધમાલ મચેલી હતી.

જ્યુબિલી ગ્રાઉન્ડમાં મોટા પાયે મેડિકલ કેમ્પ શરૂ થયેલો હતો. ભૂજની સરકારી હોસ્પિટલ તૂટી પડતાં તાત્કાલિક જ્યુબિલી ગ્રાઉન્ડમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. દોડાદોડી અને ધમાલ એટલી મચેલી હતી કે કોઇને કોઇની સામે જોવાનો ટાઇમ ન હતો.

અનવર હુસેન કેમ્પની સામેની સાઇડમાં રસ્તાની પેલી બાજુ ઊભો ઊભો સિગારેટના દમ ભરી રહ્યો હતો, અને હવે કોને શિકાર બનાવવો તે વિચાર કરતો હતો. તેને ભારતીય કરન્સીમાં ઇન્ટરેસ્ટ ન હતો. સરદહ પાર કરી પાકિસ્તાન ગયા પછી તે કશું કામ લાગવાની ન હતી. તેને તો સોનાનાં ઘરેણાં લૂંટવામાં જ ઇન્ટરેસ્ટ હતો.

‘એક સિગારેટ આપને ભાઇ...’ અચાનક એક માણસ તેની બાજુમાં આવીને ઊભો રહ્યો અને હાથ લાંબો કરીને સિગારેટ માંગતો હતો.

વિચારની હારમાળા તૂટી જતાં અનવર હુસેને ચિડાઇને તે વ્યકિત સામે જોયું પછી બોલ્યો. ‘સામે રેકડી દેખાય છે ને...? ત્યાંથી સિગારેટ લઇને પીને મારા ભાઇ મારું લોહી શું કામ પીશ...લે તને રૂપિયા આપું.’

‘મને સિગારેટ આપ હું તને રૂપિયા આપું’ તે બોલ્યો.

‘અરે ભાઇ તો સામેની કેબિનમાંતી લઇ લે ને...!’

તું સિગારેટના કેટલા લઇશ, સો રૂપિયા...બસો...પાચસો લે...જેટલા લેવા હોય તેટલા લે’ કહેતાં તે વ્યકિતએ સો સો...રૂપિયાની થોકડી કાઢી અને અનવર હુસેનના હાથમાં પકડાવી અને બોલ્યો, ‘લે...બધા રૂપિયા રાખ અને એક સિગારેટ આપ...’

અનવર હુસેન અવાચક બનીને ફાટી આંખે તેને જોઇ જ રહ્યો.

***