Chintanni Pale - Season - 3 - 46 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 46

Featured Books
Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 46

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

46 - જિંદગી નફરત અને અફસોસ માટે નથી

છુપાવી શકાતી નથી વાત અંદર, બરફ છું છતાં પણ અગન નીકળે છે,

હવે ચાલ મૂંગા રહી વાત કરીએ, નિયત શબ્દની બદચલન નીકળે છે.

અશોકપુરી ગોસ્વામી

એ માણસે મારી સાથે રમત કરી છે, તેણે મારો ભરોસો તોડયો છે મને તેની પાસેથી આવી અપેક્ષા ન હતી, મેં એને કેવો ધાર્યો હતો અને એ કેવો નીકળ્યો, આવું તો દુશ્મન પણ ન કરે! કોઈ વ્યક્તિ આપણું દિલ દુભાવે ત્યારે આવી ફીલિંગ આપણને થાય છે. પછી શરૂ થાય છે જોઈ લેવાની અને બતાવી દેવાની લાગણી. હવે તેને ખબર પડશે કે દુશ્મની કે બેવફાઈ કોને કહેવાય! હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી જ સારો છું. ખરાબ અને નાલાયક થતાં મનેય આવડે છે. હવે તો કાં એ નહીં અને કાં હું નહીં ! માણસ પોતે જ ઘૂંટાયા રાખે છે અને પીડાયા રાખે છે.

કોઈ વ્યક્તિ આપણી સાથે બેવફાઈ કરે ત્યારે પહેલો દોષ કદાચ તેનો હોય છે. પણ પછી આપણે જે કરીએ છીએ તેના દોષી આપણે હોઈએ છીએ. કોઈ તો એક વખત બેવફાઈ કરે છે પણ આપણે તેને આપણામાં જ સતત ઘૂંટે રાખીએ છીએ.

એક સાધુ હતા. તેના બે શિષ્યો. રમત રમતમાં એક શિષ્યે બીજા શિષ્યને નદીમાં ધક્કો માર્યો. બીજો શિષ્ય ભીનો થઈ ગયો. ભીનાં કપડાં સાથે એ ગુરુ પાસે ગયો અને ફરિયાદ કરી કે તેના સાથી શિષ્યએ તેને નદીમાં ધક્કો માર્યો. ગુરુ કંઈ ન બોલ્યા અને કહ્યું કે હશે, જવા દે. બીજા દિવસે શિષ્યે ગુરુને કહ્યું કે તેણે મને ધક્કો માર્યો તો પણ તેને તમે કંઈ ન કહ્યું. ગુરુએ કહ્યું કે હશે, જવા દે. ત્રીજા દિવસે શિષ્યે પાછું કહ્યું કે તમે તો તેને કંઈ કહેતા જ નથી, હવે હું પણ તેને એક વાર નદીમાં ધક્કો મારવાનો છું. એ પછી ગુરુએ કહ્યું કે તું નદીમાંથી ભીનો થઈને નીકળ્યો પછી એક કલાકમાં તો સુકાઈ ગયો હતો, પણ તું વારંવાર તારા વિચારોથી એ નદીમાં ભૂસકો મારીને ભીનો થઈ જાય છે. પહેલાં તું નક્કી કર કે તારે ભીના જ રહેવું છે કે સૂકા થવું છે? આ ઘટના કપડાં સુકાઈ જાય પછી ભૂલી જવાની હોય. જિંદગીમાં ઘણી આવી ઘટનાઓ બનતી રહે છે પણ આપણે તે ભૂલવી જ હોતી નથી. નફરત એટલે કોઈની બેવફાઈની સજા આપણે ભોગવવી. કોઈ માણસ એક કે બે વખત જુલમ કરી શકે પણ એ વાત વાગોળીને આપણે આપણી જાત ઉપર વારંવાર જુલમ કરતા રહીએ છીએ.

ઘણી વખત તો આપણે એટલી બધી નફરત કરવા માંડીએ છીએ કે સામા માણસને દિલગીરી વ્યક્ત કરવાની તક પણ આપતાં નથી. સીધી એના નામ પર ચોકડી જ મૂકી દઈએ છીએ. કોઈ એક વ્યક્તિની ભૂલને પણ એક ચાન્સ આપવો જોઈએ. માણસને જ્યાં સુધી પોતાની ભૂલનો અહેસાસ ન થાય ત્યાં સુધી એ બદલાતો નથી. દરેક માણસને તેની ભૂલનો અહેસાસ અને અફસોસ થતો જ હોય છે. પણ આપણે તેને મોકો જ નથી આપતા કે એ વ્યક્ત થઈ શકે.

નફરતને ઘૂંટી ઘૂંટીને એટલી ઘાટી ન બનાવો કે એ ભૂંસી ન શકાય. ઘાને ખોતરતા રહીએ તો એ રૂઝાતો નથી. પીડાને પંપાળે રાખીએ તો એ શમતી નથી પણ વધુ ઉગ્ર બને છે. કોઈ દરિયો સીધે સીધો ઊંડો થઈ જતો નથી. પહેલાં તો એ કિનારે જ હોય છે. આપણે ધીરે ધીરે અંદર ઊતરતા જઈએ અને પછી ઊંડાઈની ફરિયાદ કરીએ છીએ. નફરતનું પણ એવું જ છે. ધીમે ધીમે આપણે જ એને એટલી બધી ઊંડી કરી દઈએ છીએ કે પછી આપણે જ તેમાંથી નીકળી શકતા નથી. બે મિત્રો હતા. એક મિત્રથી કોઈ ભૂલ થઈ ગઈ. બીજા મિત્રએ કહ્યું કે આજથી આપણી દોસ્તી ખતમ. તારે અને મારે કોઈ સંબંધ નથી. મિત્રો જુદા પડી ગયા. જેનાથી ભૂલ થઈ હતી એ મિત્ર થોડા દિવસ પછી પાછો આવ્યો. તેણે કહ્યું કે મારે તને એક વાત કરવી છે. હા, મારાથી ભૂલ થઈ હતી. મેં ભૂલ કરી હતી. મેં તો માત્ર ભૂલ કરી હતી પણ સંબંધ તો તેં તોડયો છે. મેં સંબંધ નથી તોડયો. આ તો તું મારી ભૂલની સજા તારી જાતને દે છે. હું દિલગીરી વ્યક્ત કરું છું પણ તું તારી નફરત ભૂલી શકીશ?

યાદ રાખો, આપણે જેટલી વખત નફરત કરીએ છીએ એટલી વખત પ્રેમ ગુમાવીએ છીએ. સંબંધોમાં ભૂલ થવી સ્વાભાવિક છે. જે બનતું હોય એ જ તૂટી શકે. સર્જન વગર વિસર્જન શક્ય નથી. પણ આપણે વિસર્જનને એટલું બધું મહત્ત્વ આપીએ છીએ કે નવા સર્જનને તક જ નથી મળતી. સંબંધો ક્યારેય ખતમ થતા નથી, આપણે તેને ખતમ કરી નાખતા હોઈએ છીએ.

હા, ઘણી વખત કેટલાક સંબંધો એવા હોય છે જે પૂરા થઈ જાય એ જ બહેતર હોય છે. પણ જે સંબંધ પૂરા થઈ જાય છે એને આપણે ભૂલી જઈએ છીએ? ના આપણે ભૂલતા નથી. આપણે બદલો લેવો હોય છે. પાઠ ભણાવવો હોય છે. આપણે પણ નાલાયક થઈ શકીએ છીએ તેનો પરચો આપવો હોય છે. અને આવું કરવામાં આપણે આપણું જ ગૌરવ ગુમાવતા હોઈએ છીએ. આપણે હંમેશાં જેવા સાથે તેવા થવાનો પ્રયત્ન જ શા માટે કરીએ છીએ? આપણે જેવા હોઈએ એવા જ શા માટે નથી રહેતા?

ઘણી વખત તો આપણે કોઈની મજબૂરીને બેવફાઈ સમજી લઈએ છીએ. દરેક વખતે વ્યક્તિ બધું જ ઇરાદાપૂર્વક કરે એવું જરૂરી નથી. એક ગઝલની પંક્તિ છે, કુછ તો મજબુરિયાઁ રહી હોગી, યું કોઈ બેવફા નહીં હોતા… આપણા દુઃખનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે કંઈ જ જતું નથી કરી શકતા, કંઇ જ ભૂંસી નથી શકતા. માણસ એક સમયે એક તરફ જ જોઈ શકે છે. કાં આગળ અને કાં પાછળ. આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે ક્યાં જોવું છે અને શું જોવું છે. જો પાછળ જ જોતાં રહેશો તો આગળ ક્યારેય જોઈ નહીં શકો.

એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને વચ્ચે વર્ષો સુધી સંબંધ રહ્યો અને એક બાબતે બંને વચ્ચે વાંધો પડયો. બંને જુદાં પડી ગયાં. પ્રેમીથી આ ઘટના સહન ન થઈ. તેણે બીજી એક છોકરી સાથે દોસ્તી કરી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. પ્રેમીના મગજમાંથી તેની જૂની પ્રેમિકાને બતાવી દેવાની લાગણી હટતી ન હતી. તેની એક જ દાનત હતી કે મારે કંઈ તારી જરૂર નથી. આ વાતથી તેની નવી પ્રેમિકા વાકેફ હતી. તેને હતું કે એક વખતે આ વાતનો અંત આવશે. પણ ન આવ્યો. એક દિવસ તેણે પ્રેમીને કહ્યું કે આપણે આપણા સંબંધનો અંત આણીએ એ જ વાજબી છે, કારણ કે તું મને પ્રેમ કરે છે એટલે પ્રેમ નથી કરતો પણ તારી જૂની પ્રેમિકાને નફરત કરે છે એટલે પ્રેમ કરે છે. પહેલાં તું નક્કી કર કે તારે પ્રેમ કરવો છે કે નફરત? તું બંને વસ્તુ એકસાથે ન કરી શકે!

નફરત અને અફસોસ જિંદગીને જીવવા જેવી રાખતાં નથી. ઘણી વખત માણસથી કોઈ ભૂલ થઈ જાય તો એ અફસોસ કરતો રહે છે. આપણને જો આપણી ભૂલનો અફસોસ હોય તો દિલગીરી વ્યક્ત કરી દેવી જોઈએ અને જો આપણી દિલગીરી ન સ્વીકારાય તો પછી કોઈ અફસોસ ન રાખવો જોઈએ.

ઘણી વખત કોઈની નફરતનું કારણ આપણે નથી હોતા પણ એ પોતે જ હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે મને ખબર છે કે મને કેટલાં લોકો નફરત કરે છે. એ બધાં જ મને નફરત કરીને મારો પ્રેમ ગુમાવે છે. મેં તો દિલગીરી વ્યક્ત કરીને તેની નફરત મિટાવવા પ્રયત્ન કરી જોયો પણ એને જ જો નફરત કરવી હોય અને પ્રેમ ન કરવો હોય તો હું કંઈ ન કરી શકું. આપણે કોઈને જબરજસ્તીથી પ્રેમ કરવા મજબૂર ન કરી શકીએ. આપણને ખબર હોય છે કે એ આપણાથી ખોટો નારાજ છે, આપણા મનમાં ઘણી વખત કંઈ જ હોતું નથી છતાં કોઈના મનમાં ઘર કરી ગયેલી વૃત્તિઓ આપણે દૂર કરી શકતા નથી. એનો અફસોસ કરવાનો પણ કોઈ મતલબ હોતો નથી.

માણસ પાસે દિવસો અને વર્ષો ઘણાં હોય છે, પણ જિંદગી એક જ હોય છે. તમારી આ જિંદગીનો આધાર તમે તમારામાં શું જીવતું રાખો છો તેના પર છે. તમારે નફરત જીવવી છે કે પ્રેમ? અફસોસ જીવવો છે કે અહેસાસ? જિંદગીમાં બનાવવા જેવો એક નિયમ છે, નો હેઈટ, નો કમ્પ્લેઇન એન્ડ નો રિગ્રેટ્સ.

છેલ્લો સીન :

જે આપણને ચાહે છે તેનો પ્રેમ મેળવવો એ કોઈ મોટી વાત નથી. પરંતુ જે આપણને ચાહતા નથી તેનો પ્રેમ પ્રાપ્ત કરવો એમાં જ ખરી મોટાઈ છે. - ખલીલ જિબ્રાન

***