Sumudrantike - 21 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | સમુદ્રાન્તિકે - 21

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સમુદ્રાન્તિકે - 21

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(21)

તે રાત્રે હું અને પરાશર લગભગ ઊંઘ્યા નથી. કવાર્ટરની અગાસી પર ક્યાંય સુધી બેસી રહ્યા. અને કેટકેટલાં સંસ્મરણો તાજાં કર્યાં. મોડી રાતે નીચે ઊતર્યા પછી બિછાનામાં પડ્યા પડ્યા પણ કેટલીએ વાર સુધી વાતો કર્યા કરી.

સવારે પગીને કવાર્ટર પર જ રોકીને હું કામ પર નીકળ્યો. પરાશર હજી ઊંઘતો હતો. મુસાફરી અને ઉજાગરાથી થાક્યો હશે.

‘પગી, પરાશરભાઈ જાગે ત્યારે ચા બનાવી આપજો. હું બપોર સુધીમાં પાછો આવીશ.’ કહીને હું નીકળ્યો.

બપોરને બદલે સાડાદશ અગિયારે તો પાછો આવી ગયો. પરાશરે કવાર્ટર પર ન હતો. પગીએ કહ્યું ‘વિષ્ણા હાર્યે દરિયે ગ્યા છ.’ ફાઈલો પગીને ભળાવીને હું દરિયે ગયો, જોઉં છું તો પરાશર પેડલપંપ ચલાવે છે અને હોડી ફૂલતી જાય છે. વિષ્નો રેતીમાં ગોઠણભેર બેસીને ઉત્સુકતાથી પ્લાસ્ટિકની કોથળીને હોડીનો આકાર ધારણ કરતી જોઈ રહ્યો છે, હું પણ ત્યાં જઈને ઊભો.

‘બોલ ભાઈબંધ, બની ગઈને હોડી?’ પરાશરે વિષ્નોને કહ્યું. વિષ્નો એકદમ આનંદિત થઈ ઊઠ્યો. ઊભો થઈને તેણે હાથ હવામાં વીંઝ્યા અને કૂદકો મારીને બોલ્યો ‘જય હડમાન!’

પરાશરને હસવું આવી ગયું. આ બાળકને ખુશ થતો જોઈને અમને મજા પડી.

પરાશરે હોડી ઊંચકી અને દરિયામાં ફેંકી. તરત જ મોજાં સાથે તણાતી તે પાછી રેતી પર આવી ગઈ.

‘અંદર પાણીમાં જઈને પકડી રાખવી પડશે,’ મેં કહ્યું.

‘તું અંદર જા. આપણે તો દરિયો જોયો જ આજે. ત્યાં વળી અંદર જવાનું આપણું કામ નહીં’ પરાશરે હોડી ઊંચકીને મને આપતાં કહ્યું.

‘ચાલ મારી સાથે.’ પહેરેલ કપડે જ પાણીમાં પ્રવેશતાં મેં પરાશરને સાથે ઘસડયો. ગોઠણભર પાણીમાં ઊભા રહીને મેં હોડી પકડી રાખી. ‘બેસી જા અંદર.’

‘પહેલાં વિષ્નોને બેસારીએ, એને મજા પડશે.’ પરાશરે કહ્યું અને વિષ્નોને લઈ આવ્યો. વિષ્નો થોડો ડર્યો; અચકાયો પણ પછી બેઠો.

‘હવે તું જાતો રહે અંદર’ મેં પરાશરને કહ્યું. પરાશર ગોઠવાયો પછી મેં હોડીને વધુ અંદર ખેંચી અને પાછા ફરતાં મોજાં સાથે હોડીને ધકેલીને હું પણ અંદર કૂદી ગયો. તરત હલેસાં મારીને હોડી દરિયામાં ખેચીં.

‘ચાર જણા આરામથી બેસે ખરું?’ પરાશરે કહ્યું.

‘અરે જબરદસ્ત છે. કેવી મજા પડે છે’ મેં ઉત્સાહથી કહ્યું.

‘પેટમાં ગલગલિયા થાય છ કાં?’ વિષ્નો બેવડ વળી હસતો હસતો બોલ્યો.

ઘણે દૂર કહેવાય ત્યાં સુધી હું હોડી લઈ ગયો. પછી હલેસા મારવાં બંધ કર્યાં. ભરતીનાં મોજાં પર સવાર થતી હોડી પાછી કિનારા તરફ ખેંચાઈ. છેલ્લું મોજું તેને ઘસડીને કિનારા પર મૂકી ગયું.

હવા કાઢીને હોડી સંકેલી. વિષ્નોને હોડી પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. ‘હું ઊંચકી લઉં?’ તેણે પૂછ્યું, તેની ઈચ્છાને અમે માન આપ્યું. અડધી ઊંચકાયેલી અડધી ઘસડાતી થેલી રેતીનો પટ પૂરો થાય ત્યાં સુધી વિષ્નોએ ઊંચકી, પછી સરવણ આવી જતાં તેને આપી દીધી.

‘આ હોડી હોય તો ભેંસલે જવાય,’ મેં કહ્યું. ‘અથડાય તો યે તૂટવાની બીક નહીં.’

‘ભેંસલે તું જજે. મારું ગજું નહીં’ પરાશર બોલ્યો. ‘પણ બેટ પર તો જવું જ છે બને તેટલું જલદી. પછી મારે પાછા જવાનું થશે.’

‘કાલે જ.’ મેં કહ્યું. ‘અને ભેંસલે પણ જવાનું.’

કવાર્ટર પર પહોંચીને મેં પગીને વરાહસ્વરૂપ રવાના કર્યા.

‘મછવો ભાડે કરી લાવો. બંગલા પાછળ ઊંડે દરિયે ઊભો રાખે. અમ આ હોડીમાં મછવે પહોંચીશું.’

સરવણ ગયો ને થોડી વારે અવલ આવી. પહેલાં તેણે પરાશર સામે જોયું. કોઈ ઔપચારિક વ્યવહાર ન થયો. પછી મારા તરફ જોતાં કહ્યું. ‘ભેંસલે ન જાઓ તો સારું, ત્યાં માણસથી નથી જવાતું.’

‘સરવણ તો મછવો બાંધવા ગયો પણ ખરો.’ મેં કહ્યું, ‘તને કોણે વિષ્નોએ વાત કરી?’

‘અત્યારે વરસાદનું ટાણું ગણાય. આવા વખતે જ તમને બેટ જવાનું શેં ઉપડે છે?’ અવલે મારી વાતને ગણકારી નહીં.

‘મછવો તો મશીનવાળો હોય. એને વાંધો ન આવે.’ મેં દલીલ કરી.

‘તો પણ ભેંસલાને નામે નથી જવાનું. બેટ પર ભલે ફરી આવો.’ અવલ પાળી પર બેસતાં દૃઢતાથી બોલી.

પરાશરના દેખતાં એક સ્ત્રી આટલો સ્પષ્ટ આદેશ આપે તે મારાથી સહન ન થયું. ‘અમે નક્કી કરી લીધું છે. સરવણ મછવો લેવા ગયો છે. કાલે અમે નીકળશું‘ મેં પણ એવો જ સ્પષ્ટ ઉત્તર આપ્યો. ‘અને ભેંસલે જવામાં વાંધો શું છે?’

‘સારું,’ અવલ થોડી ઝંખવાઈ પછી તરત તેની આદત મુજબ ભેદભરેલું બોલતી હોય તેમ કહ્યું, ‘માણસ પોતે નક્કી કરે તે બધું જ કરી શકે એટલી શ્રદ્ધા છે?’ તેણે ટોણો પણ મારી લીધો.

‘ક્રિષ્ના પણ ત્યાં જઈ આવ્યો છે.’ મેં પાંગળી દલીલ કરી. પરાશર ખુરશીમાં બેઠો બેઠો અમારો વાર્તાલાપ સાંભળી રહ્યો હતો.

અવલ પાળી પરથી ઊતરી, પગથિયાં તરફ વળી અને જતાં જતાં કહ્યું ‘ક્રિષ્ના તો ખારવો છે.’

અવલનું આ વાક્ય એટલું ધારદાર આવ્યું કે મને સાવેસાવ સોંસરવું ઊતરી ગયું. દરિયામાં તરી શકવું, હોડી ચલાવવાનો અનુભવ લેવો, સારી સલામતી હોડી હોવી, બે અઢી વરસ દરિયાકિનારે રહેવું અને આ અસીમ જળરાશિને હૃદયપૂર્વક પ્રેમ કરવો, આ બધું જ હોવા છતાં હું ખારવો નથી. અવલના શબ્દોએ મને મારી સાચી સ્થિતિનું ભાન કરાવી દીધું. હું આ દરિયાતટે જન્મો નથી. અહીં ઊછર્યો નથી. સમુદ્ર મારા દેહમનમાં વણાઈ ગયો નથી. ક્રિષ્ના દરિયા સાથે કરે એટલાં ચેડાં કરવાની કોઈ પાત્રતા, કોઈ અધિકાર મારી પાસે નથી.

હું મમત છોડી દેત, પણ પરાશરની હાજરીમાં આ સ્ત્રીથી મારે હારવું નથી. ‘તું ખોટી ચિંતા ન કરીશ. પરમદિવસે અમે પાછા આવી જઈશું.’

અવલ જવાબ આપ્યા વગર ચાલી ગઈ. મને શંકા પડી કે તે કદાચ સરવણને રોકી રાખીને આવી હશે અને મછવો લેવા નહીં જવા દે. તેને તેવું ન કરવાનું કહેવા જઉં ત્યાં જ હું અટકી ગયો. ઊંડે ઊંડે મનમાં મને થયું કે અવલ મછવો લાવવાની ના પડાવી દે તો ભલે.

પણ બીજે દિવસે મછવો આવ્યો. દૂર દરિયામાંથી મછવાના નાવિકે કપડું ફરકાવ્યું, અમે તેમને જોયા છે તે કહેવા મેં પણ અગાસી પરથી કપડું ફરકાવ્યું. અને દરિયામાં લંગર નાખીને મછવો રોકાઈ ગયો.

સરવણ વરાહસ્વરૂપથી પાછો ફર્યો ત્યાં સુધી અમે રોકાયા. પછી હું અને પરાશર દરિયે ગયા. થોડો ઘણો સામાન પગી દરિયે મૂકી ગયો. મેં પગીને પાછો રવાના કર્યો ‘તું જા. અમે પરમ દિવસે આવી જઈશું. તે પછીના દિવસે પટવાનું ગાડું બંધાવી લાવવાનું છે. મહેમાનને જવાનું છે.

સરવણ હવેલી પર ગયો. અડધા કલાકમાં હોડીમાં હવા ભરાઈ રહી. પરાશરે બધા વાલ્વ ચેક કર્યા. મેં પાણીમાં જઈને હોડી પકડી રાખી. પરાશર થેલા લઈને આવ્યો.

અમે સામાન ગોઠવ્યો અને હોડીમાં બેસવાની તૈયારી કરીએ છીએ ત્યાં મારી નજર ઢોળાવ ઊતરીે દોડતાં આવતા પગી પર પડી. બૂમો પાડીને કંઈક કહેતો હતો, પરંતુ મોજાંનો ઘૂઘવાટ અને દરિયા પરથી તેના તરફ વહેતો તોફાની પવન તેના અવાજને અમારા કાન સુધી પહોંચવા નહોતા દેતા. પરાશર પણ પગીને અને મને વારાફરતી જોયા કરતો ઊભો. હજી કંઈ વિચારીએ તે પહેલાં અવલ આવતી દેખાઈ. તેણે વિષ્નોને કાંખમાં તેડ્યો હતો અને શ્વાસભેર દોડતી હતી.

‘પકડ તો’ હોડીની દોરી પરાશરના હાથમાં પકડાવીને મેં દોટ મૂકી.

‘વિષ્નોને એરું કઈડી ગ્યો છ’ સરવણે હાંફતા હાંફતા કહ્યું. પરાશર હોડી બહાર લઈ આવીને અમારા તરફ આવતો હતો. તે અને અવલ અમે ઊભા હતા ત્યાં પહોંચ્યાં.

‘આને હોડીમાં લઈ લ્યો’ મૂંઝાયેલી અવલ બોલી. ‘દરગાહે લઈ જવો પડશે. ફકીરબાપુ સાપ ઉતારે છે.’

અવલ ઊઠીને સાપ ઉતારવાની વાતો કરે તેનાથી મને આશ્ચર્ય થયું. ‘દરગાહે શું કરીશું? ક્યાંક ડૉક્ટર પાસે જઈએ.’ મેં કહ્યું.

‘ક્યાંથી લાવું ડૉક્ટર?’ અવલ રુદન રોકતી હોય તેમ બોલી. મને યાદ આવ્યું કે આસપાસના ત્રીસ-પાંત્રીસ માઈલ સુધી ડૉક્ટર તો ઠીક, સારો વૈદ્ય પણ નથી.

‘તો મોટા બંદરે જઈએ’ મેં કહ્યું. ‘કે પછી ગાડું કરીને ક્યાંક લઈ જઈએ.’ ક્યાંક એટલે ક્યાં? તે હું પણ નથી જાણતો. અને મછવો મોટા બંદર જતાં છ-એક કલાક તો લે જ. અને મોજાં ઉછાળા મારતાં હોય તો વધુ વાર લાગે.

‘મારે બીજે ક્યાંય નથી જવું, દરગાહે જવું છે’ અવલે કહ્યું અને દરિયા તરફ ચાલવા લાગી. વિષ્નો વારે વારે પોતાનો પગ જોયા કરતો હતો. તે ગભરાઈ ગયો હતો, પણ ભાનમાં હતો.

હોડી પાણીમાં નાખીને અવલ, વિષ્નો અને પરાશરને ચડાવ્યા પછી ઠેલો મારીને હું અંદર ગયો. અવલ જાણી જોઈને દરગાહે શા માટે જાય છે? તે મને ન સમજાયું, હોડી ને વહાણ તરફ ધકેલતા મારાથી ફરી બોલાઈ ગયું. ‘ફકીર, ભૂવા શું કરી શકે? ખરી જરૂર દવાની છે.’

હવે અવલ છંછેડાઈ હોય તેમ ગુસ્સે થઈ. આટલો ક્રોધ કરતાં મેં તેને ક્યારેય જોઈ નથી. ‘શું જોઈને તમે એકને એક વાત બોલ્યા કરો છો? મને સમજ નહીં પડતી હોય? હું આની મા છું દુશ્મન નથી. નવ મહિના પેટમાં રાખ્યો છે એને મેં.’

મારા પર વીજળી પડી:

અવલથી રોવાઈ ગયું પણ તરત સ્વસ્થ થતાં તે બોલી ‘હું યે જાણું છું કે ડૉક્ટર પાસે જવું જોઈએ. પણ ડૉક્ટર સુધી પહોંચીએ નહીં તો જીવું ત્યાં સુધી મને મનમાં રહે કે મેં છોકરાને બચાવવા કંઈ ન કર્યું. જ્યારે દરગાહે તો પહોંચી જવાશે. જે થવું હશે તે તો ઈશ્વરના હાથમાં છે. પણ મને, એની માને એટલો આધાર તો રહેશે કે મારાથી થાય એટલું મેં કર્યું’તું’ અવલ પેલી તરફ જોઈ ગઈ.

મછવા પરના માણસોને ખબર પડી ગઈ કે કંઈક ગરબડ છે. બે ખલાસીઓ દોરડાની સીડી લટકાવીને પાણીમાં ઊતરેલા જ હતા. અમે પહોંચ્યા કે તરત તેમણે ટેકો કરીને એક પછી એક બધાને મછવે ચડાવ્યા. અમે ઉપર ગયા. ખલાસીએ એન્જિનને ચાલુ કર્યું. હોડીને મેં મછવા પર ખેંચી લીધી. અને શક્ય તેટલી ઝડપે અમે બેટ જવા ઊપડી ગયા. સરવણ કિનારેથી અમને જતાં જોઈ રહ્યો.

‘ભેંસલે જવાનું ન ગોઠવ્યું હોત તો સારું હતું’ મનોભાવના દબાણ હેઠળ મારાથી બોલાઈ ગયું.

‘એવું ન વિચારશો’ અવલે કહ્યું ‘ઊલટું સારું થયું કે તમે જવાના હતા તો મછવો હાજર હતો,’ તે અટકી વિષ્નો સામે જોતાં આગળ બોલી, ‘તમે તો આવી વાતોમાં માનતા નથી. ને માનીએ તોયે દેવ કંઈ ગાંડો થોડો છે કે તમારી સજા બાળકને કરે?’

‘બા, હું મરી જવાનો?’ વિષ્નોએ પૂછ્યું. આખા દરિયા પર સન્નાટો છવાઈ ગયો.

‘ના રે બેટા, તું તો હમણાં સાજો થઈ જવાનો. મેં છરીથી ડંખ કાપ્યો છે, દોરી બાંધી છે, પછી શું થવાનું? ને ફકીરબાબા તરત સાજો કરી દેશે.’ અવલ દરિયા ભણી જોઈ ગઈ.

મછવા પર અમે છ-સાત જણ છીએ. છતાં આ સમગ્ર વિશ્વમાં અવલ અત્યારે કેટલી એકલી છે તે તેના મુખ પર દેખાય છે. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તે એકલી ને એકલી પડતી જાય છે. હવે અવલે કોઈ સામે જોવાનું, વાત કરવાનું છોડી દીધું. તે શાંત સ્વરે ગજેન્દ્રમોક્ષનું સ્તોત્ર બોલવા લાગી. થોડી વારમાં તો મછવો સીધો દરગાહે લાગી ગયો.

અમે વિષ્નોને સીધો જ ફકીર પાસે લઈ ગયા. ત્યાં ચારેક યુવાનો, બે નાની નાની છોકરીઓ અને એક સ્ત્રી બેઠાં હતાં. અમને જોઈને તેઓ જવા ઊભાં થયાં. પેલી સ્ત્રીએ પૂછ્યું ‘શું થયું છે છોકરાને?’ અવલનો રઘવાટ તે પામી ગઈ.

‘સાપ કરડ્યો છે’ પરાશરે જવાબ આપ્યો.

‘ઓહ,’ કહીને તે સ્ત્રીએ તેની સાથેની છોકરીને કહ્યું ‘નેહા, બેટા, જા તો, નિખિલ અંકલને કહે જલદી દવાની પેટી લઈને આવે.’ છોકરી દોડતી દીવાદાંડી તરફ ગઈ.

‘નિખિલ અહીં છે?’ મેં પૂછ્યું.

‘હા, અમે ત્રણ દિવસનો કેમ્પ રાખ્યો છે. રૂરલ એજ્યુકેશનનો. આવે વખતે દવાઓ સાથે જ હોય એન્ટીવેનમ પણ છે.’ એણે કહ્યું, ‘તમે નિખિલને ઓખળો છો?’

‘હા, એક વાર અહીં જ મળ્યો છું.’

‘હું સરલા. નિખિલની પત્ની. અમે પંદરેક જણાં છીએ અહીં.’ એન્ટીવેનમ અને ડૉક્ટર અહીં છે તે જાણતાં જ અવલના મુખ પર હાશકારો દેખાયો. થોડી વારે નિખિલ આવ્યો ‘હલો.’ તેણે મારા સામે જોતાં કહ્યું અને તરત ઊભડક પગે બેસીને, અવલના ખોળામાં સૂતેલા, વિષ્નોને જોવા લાગ્યો.

‘નીચે સુવરાવી દો આને.’ તેણે અવલને કહ્યું. નિખિલે ઘા જોયો. ‘કેવો સાપ હતો?’

‘મેં જોયો નથી. એણે પોતે જ જોયો છે. પણ બાળક શું જાણે?’ અવલે જવાબ આપ્યો.

‘આ તમારો બાબો?’

‘હા.’

‘બીજુ કોઈ સાથે છે?’ નિખિલ આસપાસ જોતાં બોલ્યો, ‘હું એન્ટીવેનમ આપું છું જોખમ નહીં રહે પણ મોટા બંદરે તો લઈ જ જવો પડશે.’ કહી તેણે પેડ કાઢીને ચિઠ્ઠી લખી અવલના હાથમાં આપી. ચિંતા ન કરશો. સાપ કદાચ બિનઝેરી પણ હોય. અને મેં દવા તો આપી જ છે. પણ દવાખાને તો રહેવું જ પડશે.

ફકીરે ધૂપ સળગાવ્યો. નિખિલે ઈજેક્શન ભર્યું. ફકીર મોરપિચ્છની સાવરણી લઈને વિષ્નોના મસ્તકથી પગ સુધી ફેરવી કંઈક મંત્રો ભણતો રહ્યો. નિખિલે એક સોય ઘા પાસે, બીજી હાથ પર મારીને ઈજેક્શન આપ્યાં.

હું અને પરાશર એક જ સ્થળે, એક જ દરદી પર બે પ્રકારની સારવાર એકસાથે થતી જોઈ રહ્યા.

નિખિલે મને પૂછ્યું. ‘શી રીતે જશો? વહાણ છે?’

‘અમે આવ્યા તે મછવો જાય?’

‘જવો જોઈએ. તોફાન જેવું ખાસ નથી. અમે ગઈ કાલે જ આવ્યા. પણ લૉચ પાછી જતી રહી છે.’ નિખિલે કહ્યું.

‘કંઈ વાંધો નહીં’ અવલે કહ્યું ‘મછવો પહોંચી જશે.’ તે ઘણી અસ્વસ્થ થઈ ગઈ હતી. તેની આગવી વ્યવસ્થા શક્તિ જાગી ઊઠી.

‘તમે અને પરાશરભાઈ હવેલીએ જાઓ. પટવા વિષ્નોના મામાને ખબર આપજો સીધા મોટા બંદરે પહોંચે.’ તેણે મને કહ્યું.

તો વિષ્નોના પિતા નહીં હોય? પણ અવલને જોતાં તો એવું નથી લાગતું: મને ક્ષણેક માટે વિચાર આવ્યો. બીજી પળે પાછી વિષ્નોની ચિંતા ઘેરી વળી. ‘પણ તુ એકલી કેવી રીતે જઈશ? અમે સાથે જ આવીએ.’ મેં કહ્યું.

‘હું બેલીને સાથે લઈ જઈશ. ક્રિષ્ના બેટ પર હશે તો તે પણ આવશે. તમે હવેલીએ જઈને પટવા ખબર કરો. મોટા બંદરે તો મને બધા ઓળખે છે. તમે તમારે હું કહું તે જ કરો.’ અવલે કહ્યું.

હું અને પરાશર મછવામાં ખાડી ઊતર્યા અને બેલીને સંદેશો આપ્યો. ક્રિષ્ના ઘરે ન હતો પણ બેટ પર તો હતો જ.

બેલી પહેરેલે કપડે ખાડી તરફ દોડી. ‘તું ડક્કે પોગ. મનરભાઈ બેઠો હશે. ઈને કે’જે ટંડેલને ગોતી કાઢે.’ જતાં જતાં તેણે કહ્યું. અમે પગ ઉપાડીએ ત્યાં ફરી બેલીએ બૂમ પાડીને કહ્યું.‘ટંડેલ ડક્કે વાટ જુવે એમ કે’જે. પણ તું ઈને ગોતવા રોકાતો નંઈ. પટવે ખબર પોગાડ.’

અત્યારે હું સાચું કહું છું કે ખોટું તે વિચારમાં હું ન પડ્યો; પરંતુ ક્રિષ્ના જો બેટ પર હોય તો તે જરૂર અવલ સાથે જવાનો. એ જોતાં હું પટવા જઉં તે જ વધું સારું થશે. મનહરને સમાચાર આપીને અમે ડક્કા તરફ ગયા.

***