KALAKAR TO PRAGAT THATA HOY in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | કલાકાર તો પ્રગટ થતાં હોય...!

Featured Books
Categories
Share

કલાકાર તો પ્રગટ થતાં હોય...!

કલાકાર તો પ્રગટ થતાં હોય..!

નથી ઈમાનની આ દુનિયા નથી પ્યારની આ દુનિયા

નથી ભાવના ને કર્તવ્યના એ વ્યવહારની આ દુનિયા

બધું લીલામ થાય છે અહીં તો દિલ અને દીમાગથી

ચારેય કોર અહીં વેપાર-ધંધા ને વ્યવહારની દુનિયા

આ ચાર લીટી વાંચીને, હું જિંદગીથી પરવારી ગયેલો હોય એવું તો નથી લાગ્યું ને..? વાસ્તવમાં એવું નથી. કલાકારને જ્યારે કલાના મુખડાની માયા લાગે, સાવ અલગારી બની સન્યાસી બનવાનો ફાંટો કાઢે ત્યારે, આવી ચાર લીટી નીકળે. પ્રત્યેક જીવ એની સંવેદનાનો માલિક છે દોસ્ત..! વેદનાઓનો જાગીરદાર છે. સંવેદના એને હસાવે, રડાવે, ક્રિયાશીલ બનાવે, સંબંધોનું સંવર્ધન કરે કે નવનીત સર્જન કરે એ જ એની ખુશી ને એ જ એની જીવન શૈલી. માણસ મટીને જ્યારે સંવેદનાનો પુજારી બંને છે, ત્યારે પણ એ ઈશ્વરની નજીક જ રહે. સંવેદના એટલે ઈશ્વર તરફથી મળેલી અમુલ્ય ભેટ. વેદના અને સંવેદનાના સરોવર ઉભરાવા લાગે, ત્યારે એની મૂળભૂત ભૂમિકામાંથી બહાર આવી એ મુઠ્ઠી ઊંચેરો બનવાની ફિરાક શોધે. દુન્યવી કોઈ વાતે એ સમાધાન નથી કરતો. ક્યાં તો કવિના રવાડે ચઢી જાય, ક્યાં તો કલાકાર બનીને કોઈપણ કલાના રવાડે ચઢી જાય...! સંવેદનાને અમીરી ગરીબીની આભડ છેટ જ નથી હોતી. પૈસા ખર્ચો તો બીજું કંઈ પણ બની શકાય, પણ એક મા નહિ બનાય ને કવિ કે કલાકાર નહિ બનાય. બાકીના ભલે જનમ લેતાં હોય, પણ જાણે આ લોકો અવતાર લેતાં હોય. આત્મ પ્રશંસાની વાત નથી પણ કવિ અને કલાકારની રચના અને રજુઆતમાં એટલે જ તો ક્યારેક ઈશ્વરીય દર્શન થતાં હોય છે દાદૂ...! કલાકાર થવું એટલે, દૂધમાંથી માખણ કે ઘી બનાવવા જેટલું સરળ નથી. આ બધાં ભાગ્યના ફાંટા છે. જેને કળાના વાઈબ્રેશન મળ્યાં છે, એ આ જગતનો શ્રેષ્ઠ માનવી છે. એ પછી બંધિયાર મલકનો હવાલદાર નથી બનતો. સરિતાની માફક અનેક અંતરાયો તોડી-ભાંગી ને ભેદીને નિરંતર વહેવા માંડે. નામના મેળવવાની ચટપટી એવી જાગે કે, આખી ઉમર કાઢી નાંખે. ઉમર વધી જાય છતાં, ઉમર લાયક નહિ લાગે, એવો એનો પ્રભાવ છે. કલાકાર થવું કે નામી કવિ થવું એટલે, કીડીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા જેટલું અઘરું..! સમય અને સંજોગના ખેલ છે દાદૂ.?

કવિ કે કલાકાર થવું એટલે, ખોરાકને બદલે કલ્પનાઓનું જ સેવન વધારે કરવું. એમના શ્વાસની બાદબાકી થવાને બદલે, હંમેશ સરવાળા થતાં હોય. કલ્પના ટકોરા મારતી આવે. કલ્પનાને પ્રાપ્ત કરવા એને બાગ-બગીચા, નદી, તળાવ, સરોવર કે પર્વતની ટોચ ઉપર જવું પડતું નથી. ( એક્સક્યુઝ મી...! એક ચોખવટ કરી જ લઉં કે, આ ‘કલ્પના’ એટલે કોઈ છોકરીનું નામ સમઝતા નહિ...! : ચોખવટ સમાપ્ત...! ) આ કલ્પના એટલે હૈયાનું પોષણ. એ ના હોય તો, ભલે ને ગમે એટલું ભણ્યો હોય, પ્રેમિકાને પત્ર લખવો તો દુરની વાત, બે લીટીની ચિઠ્ઠી પણ નહિ ચીતરી શકે. ને બે લીટી લખવા પાછળ બે ઘા કાગળનો ખુરદો બોલાવી દે તે અલગ...! પુસ્તકો ગમે એટલા વાંચ્યા હોય, પણ હૃદયમાં પડેલી એક ચોટથી, પુસ્તકના પુસ્તક લખી આપે ના એ કલ્પનાની તાકાત છે મામૂ..! સંત તુલસીદાસ જુઓ, આદ્ય કવિ નરસિંહ મહેતા જુઓ, સંત તુકારામ જુઓ કે મીરાંબાઈની ઝેરનો પ્યાલો પીવાની હિમાતને જુઓ...! એમના જેવું ઊંચું, લૌકિક, ને આધ્યાત્મિક સાહિત્ય તો આપણા નહિ લખાય. આપણાથી આવું લખાય કે,

જનમ જનમની આપણી આ તે કેવી પ્રીત

તું છે મારી ગરોળી, ને હું છું તારી ભીંત..!

કપાળે કપાળે જુદી બુદ્ધિ, એમ માણસે માણસે કલ્પના પણ અલગ. કોઈની પાસે બાસમતી ચોખા જેવી કલ્પના હોય, કોઈની પાસે મઘમઘતી કોલમ જેવી કલ્પના હોય, તો કોઈની પાસે કડાના દેશી ચોખા જેવી બરછટ કલ્પના પણ હોય...! જેમ દુધમાં દહીં ભળેલું હોય, માખણ ભળેલું હોય, છે, ને ઘી ભળેલું હોય, એમ દરેક માણસના હ્રદયના ખૂણામાં કોઈને કોઈ કળા ભળેલી હોય. ખેંચીને બહાર કાઢવાનો માત્ર હોંશલો જોઈએ. પેટ્રોલવાળી ગાડીને જેમ સીએનજી કરાવવા માથાકૂટ કરવી પડે, એમ થોડું તરફડવું પડે. તો કોઈપણ માણસ નાનો, મોટો, નામી કે અનામી કવિ, કલાકાર કે લેખક બની જાય. જેવાં જેના નસીબ...!

ચમન ચક્કીને પણ વર્ષો પહેલાં કવિ કે કલાકાર બનવાની ખંજવાળ આવેલી. એવું ભૂત ધૂણેલું કે, બંદાએ ક્યાં તો કવિ બનવું છે, ક્યાં તો કોઈ કલાકાર..! એક પણ રચના લખવા પહેલાં તો એણે તખલ્લુસ શોધી કાઢેલું...! આ ‘ચક્કી’ એનું તખલ્લુસ છે. એ તો કોઈ સાહસિક ને નિર્ભય પ્રકાશક મળેલો નહિ, બાકી લખવા પહેલાં પ્રકાશક પણ ફીટ કરી દીધો હોત..! જેની પાસે સંવેદનાની મૂડી છે, એ કોઈપણ ભીડ તોડીને લાકડાની તલવાર લઈને નીકળી જ પડે. ભલે ને વેદનાના હપ્તા ભરતો હોય..! કોઈ માન આપે, સન્માન આપે, ને આદરભાવથી બુચકારો આપે એવી એને ઝંખના જ જોઈએ. લુખ્ખી ભીડ તો એટલી સોલ્લીડ છે કે, ‘ એઈઈઇ.... ડોબા ‘ કહીને બુમ પાડો તો, ૧૦-૧૫ જેટલાં પાછળ ફરીને જોવા માંડે કે, મને બોલાવ્યો કોણે..? એને ખબર છે કે, પોતે ડોબો નથી, છતાં નવરા જ એટલાં કે, એક ગાડી રીવર્સ લેવાની હોય તો, ચાર-પાંચ જણા એમ કહેવા માંડે કે, ‘ આવવા દે....આવવા દે ! ‘ આશ્ચર્ય તો ત્યારે થાય કે, સાધનાથી મેળવેલી ઓળખ કરતાં, લોક આપણને જુદી જ ઓળખથી પણ ઓળખતા હોય. અમસ્તા જ આપણે હરખાઇયે કે હું એક સીનીયર હાસ્ય કલાકાર છું. ગુગલ-યુ ટ્યુબનો આસામી છું. ઘરે શોખ પોષવા કુતરો બાંધ્યો હોય તો, સાલા કુતરાવાળા રમેશભાઈથી જ વધારે ઓળખે...? ત્યારે આપણને ખબર પડે કે, લોક આપણને કેટકેટલી ઓળખથી ઓળખે છે...?

ઇતના ભી તુ ગુમાન ન કર યે દોસ્ત

તુ કુછ ઔર હૈ, પહેચાન કુછ ઔર હૈ.

જગત લઘુકોણ શીખવે, ગુરુકોણ શીખવે, ચતુષ્કોણ શીખવે, બહિર્ગોળ શીખવે, અંતર્ગોળ શીખવે, પણ દ્રષ્ટિકોણ તો જાતે જ શીખવો પડે મામૂ...! પોતાના આકારની કીમતના ઝવેરી પોતે જ બનવું પડે. લંડનની એક ઈમારત ઉપર લખ્યું છે કે, જગતને જરૂરી હોય, એવી એક ચીજ શીખી લો, પછી જંગલમાં જતાં રહો. તમારે જગત પાસે જવાનું નહિ આવે. પણ જગત તમને શોધતું શોધતું તમારી પાસે આવે..! કલાકાર કોઈ ફેક્ટરીનો ઉત્પાદિત માલ નથી. પણ જેના ઉપર ઈશ્વરના હાથ ફરેલાં હોય, એની કલા અને કવન જ લોક હૈયે વસે. એટલે તો મર્યા પછી ભલે દુનિયામાં ના હોય, પણ પણ લોકોના હૈયામાં તો એ જીવતો જ હોય. આ તો એક વાત...!

હડકાયું કુતરું કરડવાથી કોઈ કલાકાર થતો નથી. એના માટે સાધના જોઈએ. ખમતીધર ગુરુના આર્શીવાદ જોઈએ. ત્યારે એ માણસ ઉપરાંત એક કલાકાર બને. જગતમાં બધાં જ માણસો કલાકાર નથી બની શકતાં, પણ બધાં જ કલાકારો, કલાકાર ઉપરાંત એક માણસ પણ બની શકે છે, એ એનો ચોખ્ખો હિસાબ છે. ગુરુકૃપા હિ કેવલમ....! પણ ક્યાંક ક્યાંક ગુરુ પણ એવાં ભટકાય જાય કે, પેલો માણસનું પોત પણ ગુમાવી બેસે...!

એક મૌલવી, એક કૂતરીના બંને કાન પકડીને ઉભેલો. એ નહિ કુતરી છોડે કે, નહિ કૂતરીના કાન છોડે...! એ જ સમયે ત્યાંથી એક કલા પિપાસુ પસાર થયો. એણે જોયું કે, આ મૌલવીસાહેબ ક્યારના કૂતરીના કાન પકડીને ઉભાં છે, પણ એનું કારણ જાણવા મળતું નથી. નથી કુતરીને ટસથી મસ થવા દેતો, કે નથી મૌલવી ટસથી મસ થતો. નજીક જઈને મૌલવીને પૂછ્યું કે, “ મૌલવીસાહેબ, ક્યારના તમે કૂતરીના બંને કાન પકડીને ઉભાં છો..? એનું કારણ શું..? મૌલવી કહે, ‘ ભાઈ, આ એક જાદુઈ કૂતરી છે. એના બંને કાન પકડીને એક કલાક સુધી ઉભો રહેનારો માણસ, ધારે તે ફેકલ્ટીનો કલાકાર બની શકે, એવો આ કુતરીમાં જાદુ છે. બોલ તારે કોઈ કલાકાર બનવાની ઈચ્છા છે...? તો લે આ એના આ બંને કાન પકડ. કલાપિપાસુને તો ભાવતું હતું ને વૈધે કહ્યું. એણે કલાકાર જ બનવું હતું. એટલે તરત મૌલવી સાહેબને પૂછ્યું કે, આપનું જો પતી ગયું હોય તો, એક કલાક મને કાન પકડવા આપો ને..? આટલું કહેતાંવેંત જ મૌલવીએ કૂતરીના બંને કાન પેલાં કલાપિપાસુને પકડાવી દીધાં. કહેવાની જરૂર નથી કે, એ કલાપિપાસુ હું જ હતો. પેલી કૂતરીના બંને કાન મેં પકડી લીધાં. પછી પેલો મૌલવી બોલ્યો, ‘ તુ હવે એના કાન છોડતો નહિ. કારણ કે આ કૂતરી હડકાયેલી છે...! એના કપાળમાં કાંદા ફોડું, એ કાન પકડીને હું ૫૦ વર્ષથી ઉભો છું...!”

કલાકાર થવું આકરું છે દાદૂ...? જે માણસ હાથ પગ ચલાવે એ કામદાર કહેવાય, જે હાથપગ સાથે પોતાનું મગજ ચલાવે એ કારીગર કહેવાય, પણ જે માણસ હાથપગ ચલાવે, સાથે પોતાનું મગજ ચલાવે, ને હૈયું નીચોવી નાંખે એ જ આવી હડકાયેલી કૂતરીના કાન પકડ્યા વગર કલાકાર થઇ શકે. ને પછી તો....

હમ તો ચલતે રહે રોતે હુએકો હસાને કે લિયે

લોગ હમે મિલતે ગયે ઔર કાંરવા બનતા ગયાં.

ઈંગ્લેન્ડના જગવિખ્યાત અભિનેતા ‘જ્હોન ગિલગુડે કહે છે એમ, “કોમેડી ઈઝ એન આર્ટ ઓફ ટાઈમિંગ...! “ જેને આપમેળે હાસ્ય લાધ્યું છે, એને એની વાઈફ પણ ડેન્જર લાગતી નથી. ઘણા તો એરહોસ્ટેસના હાસ્ય ઉપર એવાં ‘કુરબાન’ થઇ જાય કે, પોતાનું ડેસ્ટીનેશન આવી જાય તો પણ અફસોસ કરે કે, “ સાલ્લાઓએ થોડુંક વધારે ઉડાડીયું હોત તો..? એર હોસ્ટેસના હાસ્યમાં લપ્પુક થઇ જાય...! એવાં ઘેલાં થઇ જાય કે, વિમાનવાળા જો વિમાનમાં વગર માંડવે મંગળફેરા ફરવા દે તો, એરહોસ્ટેસ સાથે જ મંગળફેરા પણ ફરી નાંખે...! એવાં કાનખજુરાને કોણ સમજાવે કે, એરહોસ્ટેસને તો હસવાના પૈસા મળે છે....!

હાસ્યકુ :

કોને કહ્યું કે

હસે તો ઘર વસે

વસાવી તો જો

----------------------------------------------------------------------------------------------------------------------