Budhvarni Bapore - 26 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 26

Featured Books
Categories
Share

બુધવારની બપોરે - 26

બુધવારની બપોરે

(26)

પ્રેમપત્રો.....ક્યાં ગયા?

એ જમાના તો હવે ગયા. ઊફ....કેવા રસભર્યા પ્રેમપત્રો આપણે એક જમાનામાં લખતા હતા, ભલે એને વાંચનારીઓ નહોતી મળતી પણ એકાદી ઝપટમાં આવી જતી, તો એની તો લાઇફ બની જતી ને? હવે ફૅસબૂક અને વૉટ્‌સઍપના જમાનાની આજની પેઢીને ખબરે ય ન હોય કે, સ્કૂલમાં ભણવાની લિટીવાળી ઍક્સરસાઇઝ નૉટબૂકના છેલ્લા પાનાનો કેવો માદક ઉપયોગ આપણે કરતા હતા - ક્લાસરૂમની પાટલી લૂછવા માટે નહિ, ક્લાસની કોઇ મનલૂભાવન છોકરીને પ્રેમપત્ર લખવા માટે! ભલે, લખ્યા પછી આપી કોઇને ન શકીએ, એ જુદી વાત છે, પણ લખતા’તા તો ખરા! કાગળ ઉપર ચોકઠું દોરીને શૂન-ચોકડીની રમત રમવામાં ખોટો ટાઇમ બગાડતા નહોતા. મોટી સંખ્યામાં અને જેને ને તેને પ્રેમપત્રો લખવાને કારણે આ સાહિત્ય ઉપર આપણો હાથ સારો બેસી ગયેલો અને પછી તો યોગ્ય વળતરો લઇને યારદોસ્તો માટે ય પ્રેમપત્રો લખી આપતા. મને યાદ છે, પચ્ચીસ-પચ્ચીસ પૈસાનું માતબર ભાડું લઇને હું યારદોસ્તોને પ્રેમપત્રો લખી આપતો.....હાસ્યલેખક એમને એમ બન્યા હોઇશું કાંઇ...? (ઓહ.....આજની જનરેશનને ‘પચ્ચીસ પૈસા’ એટલે કેટલા રૂપિયા, એ સમજાવવાનું મને નહિ ફાવે. તમે ત્યારે એમ કહેજો કે, આજના ભાવ પ્રમાણે એ પચ્ચીસ પૈસા એટલે સમજો ને, અઢી સો રૂપીયા થયા!)

પ્રેમપત્રોની ય એક લઝ્ઝત હતી. એમાં અક્ષરો સુંદર કાઢવાની જરૂરત નહિ. ઑન ધ કૉન્ટ્રારી, પેલી ય માંડ વાંચી શકે, એવા અક્ષરે એ લખાતા, જેથી કાલ ઉઠીને એ ખીજાય ને એની મમ્મીને વંચાવવા જાય તો ‘ધી બૅનેફિટ ઑફ ડાઉટ’ના ધોરણે આપણાથી ફરી જઇ શકાય કે, ‘મેં તો એને બહેન સમજીને ‘વહાલી’ લખ્યું હતું. બીજો કોઇ ઈરાદો નહિ.’ એમાં ય, આપણા કરમ ફૂટલા નીકળતા. એની મમ્મી આપણો લૅટર વાંચીને ખુશ થઇ હોય....પણ એ ખુશ થાય, એમાં આપણે શું લાટા લેવાના? અલબત્ત, સારા હોય તો ય અક્ષરો સારા નહિ કાઢવાના. ઈમ્પ્રેસ થવાને બદલે આપણાવાળી એમ સમજે કે, ‘આ છોકરો સારો પૅન્ટર બની શકે એવો છે, પતિ નહિ!’

ઍક્ચ્યૂઅલી, પ્રેમપત્ર લખવો એક કળા છે, એવું વિદ્વાનો કહી ગયા છે.

શું બ’ઇની ઝાલર કળા છે? આમાં દિવાળીની જેમ રંગોળા પૂરવાના ન હોય, ફૂલો ચીતરવાના ન હોય, રીક્ષાની પાછળ લખેલી શાયરીઓ ઉઠાવવાની ન હોય, ફક્ત ‘આઇ લવ યૂ’ લખી દો, એમાં વિશ્વનો સર્વોત્તમ ગ્રંથ આવી ગયો. ‘તારી આંખો હંસ જેવી છે ને તારા વાળ ક્વિન કોબ્રા જેવા છે...’ એવી બધી લમણાઝીંક કરવાની ન હોય. હા. આ ત્રણ શબ્દો લખ્યા પછી જે તે છોકરીનું નામ યાદ રાખીને પરફૅક્ટ લખવું પડે. આપણે સાલો રોજનો એક આવો લૅટર લખવાનો હોય, એમાં છોકરીઓના નામોનો ક્રમ વ્યવસ્થિત જળવાવો જોઇએ. આવતી કાલવાળીનું આજે લખાઇ જાય તો આગળ પતી ગયેલીઓમાંથી ય કોઇ પાછી ન આવે. ખોટી વાત છે?

અલબત્ત, ગુજરાતી સાહિત્યકારો પ્રેમપત્રોને કળા કહેતા હશે, હું નહિ. પત્રમાં સાહિત્ય ઉમાશંકર જોશીની કક્ષાનું હોય તો મૅક્સિમમ, પેલી એના નાના ભાઈને ગુજરાતીના ટ્યુશન માટે આપણને બોલાવે, પૈણવા માટે નહિ. આમાં તો, પેલીના ય ગળે ન ઉતરે એવા એના વખાણો કરવાના હોય કારણ કે, સ્ત્રીની મોટી વીકનૅસ એની પ્રશંસા છે. એક તબક્કે એને ખબર પડી ય ગઇ હોય કે, આ મને ઉલ્લુ બનાવે છે, તો ય એને ગમવાનું તો છે જ. પણ ઉચ્ચ સાહિત્યિક ભાષામાં પ્રેમપત્ર લખ્યો હોય તો એને સમજવા માટે એ આપણો લૅટર લઇને બીજા પંદરને બતાવવા જાય કે, ‘આમાં આ ભાઈએ શું લખ્યું છે, તેની સમજ પડતી નથી....એ શું કહેવા માંગે છે?’ તારી ભલી થાય ચમની....તું મને ‘ભાઈ’ કઇ કમાણી ઉપર બનાવે છે? આમ બધાને ‘ભાઇ’ બનાવતી રહીશ તો વિધવા ય કૂંવારી બનીશ.

પ્રેમપત્ર ઉચ્ચ કોટિનો લખાયો હોય તો પણ મોટી મુશ્કેલી પેલીને હાથોહાથ આપવાની છે. પાટલૂનના પાછલા ખિસ્સાના લૅટર સંતાડ્યો હોય ને ખૂબ હિમ્મત રાખી હોય, છતાં પેલી સામે દેખાય ત્યાં બધી હિમ્મતો ખલાસ થઇ જતી. બાજુમાં કોક ઊભું હોય તો બેસુધ અવસ્થામાં એના ખિસ્સામાં હાથ જતો રહે. (આજે એટલું અઘરૂં નથી. કાગળ ઉપર લખેલા પત્રને બદલે સીધો ‘વૉટ્‌સઍપ’ મોકલી દેવાનો....કૉપી સૅન્ટ ટુ.....જેને મળે એ!)

ખુદ, મેં લખેલો પહેલો (સંખ્યાની ભૂલચૂક લેવીદેવી) પ્રેમપત્ર હકી (મારી એ વખતની અને હાલની પત્ની)ને આપતા મારૂં શરીર જ નહિ, મારી આસપાસની આખી ધરા ધ્રૂજવા માંડી હતી. મને વિશ્વાસ હતો કે, હું તો એ હિમ્મત નહિ કરી શકું. એ એની સખી સાથે કૉલેજની સામેના બસ-સ્ટૅન્ડ ઉપર ઊભી હતી. એક નોટબૂકમાં એ લૅટર મૂકી એક દોસ્તને દૂરથી હકી બતાવીને લૅટર આપી દીધો. દૂરથી એટલા માટે કે, કાંઇ ઊંધુ પડ્યું તો આપણને ભાગતા ફાવે ને પેલો આસાનીથી છટકી શકે કે, ‘વો મૈં નહિ...!’

દોસ્તને નોટબૂક આપતા તો આપી દીધી પણ પછી ફફડાટ થયો કે, સાલો ભૂલમાં હકીને બદલે બાજુવાળીને આપી દેશે તો? હકીની એ સ્ટાઈલ હતી કે, એની બધી સખીઓ કચ્ચરઘાણ દેખાવની હોય, જેથી સાથે ગમે તે હોય, સુંદર એ લાગે! અને આ બાજુ, આપણે ભોળીયા...! જે પસંદ કર્યું હોય, એને જ ઉત્તમ માની લેવું!

સદનસીબે, આવા લૅટરો પહોંચાડવાનો પેલાનો અનુભવ તોતિંગ હશે એટલે મારો લૅટર હકીને જ આપ્યો, એવું કહીને કે, ‘આ નૉટબૂક અશોકે આપી છે....વાંચીને પાછી આપજો.....ઠ.ઠ. દ્દથ્.....!’

પછી તો....થવાનું હતું, એ થઇને રહ્યું! અમારી આખી બ્રાહ્મણ જ્ઞાતિમાં એ વખતે મારાથી વધારે સારો મૂરતીયો હકીને ન લાગ્યો. હું એની સોચ સાથે સહમત હતો....!

જે છોકરીની પાછળ છેલ્લા છ-બાર વર્ષથી પડ્યા હોઇએ, પણ નજીક જવાનો અવસર કે હિમ્મત ન ચાલી હોય, એની નજીક પહેલી વાર જવાનો ચાન્સ મળે ત્યારે ગળામાં નહિ, પેટમાં હેડકી આવી જાય કે, ‘સાલી બ્રશ-ફશ કરતી લાગતી નથી.....મોંઢામાં ન કરે તો પર્સમાં ટુથપૅસ્ટ રાખવી જોઇએ...’ ત્યાં ને ત્યાં જ, આપણા છેલ્લા છ વર્ષની સાધનાની કબાડી બની જાય એ તો ઠીક, પણ એ છ વર્ષોમાં આપણને જે મળતી હતી, એ બધીઓને બહેન બનાવી દેવાનો પસ્તાવો અત્યારે થાય!

આવા બે-ચાર માઠા અનુભવો થયા એમાં હું શીખ્યો કે, માત્ર દેખાવ જોઇને કન્યાની પસંદગી કરવી નહિ. હજાર-બે હજાર વખત મળી પણ લેવું જોઇએ, જેથી એ રેગ્યૂલર બ્રશ કરે છે કે નહિ, તેની ખાત્રી થાય. કાચી શરૂઆતમાં તો મને સાલી કોક બહેરી મળી ગઇ હતી. દરેક વાત મારી પાસે આઠ-દસ વખત બોલાવે. હું એને ‘આઇ લવ યૂ’ કહું તો જવાબ ન આપે. આપણને એમ કે નહિ સાંભળ્યું હોય, એટલે આગામી ૩-૪ વખત અવાજ થોડો મોટો કરીને ‘આઇ લવ યૂ’ કહેતા જઇએ.....કોઇ પ્રતિભાવ નહિ. કંટાળીને આપણે ઘાંટો પાડીને સદરહૂ ઓફર મૂકીએ ત્યારે ભાન થાય કે, હોટલના વૅઇટરથી માંડીને અન્ય ગ્રાહકોએ આપણી સ્પે.દિવાળી-ઑફર સાંભળી છે, પણ આ બહેરીએ નહિ. દેખાવમાં તો એ મારાથી ય સુંદર હતી (લગભગ બધીઓને આ લાગૂ પડતું....!) પણ મેં સલાહ આપી એમ, કેવળ દેખાવ ઉપર ન જવું. એક તો ગામ આખાના દેખતા/સાંભળતા ઘાંટો પાડીને આપણે ઑફર મૂકી હોય, એમાં નવી અરજીઓ સ્વીકારવામાં ય વાંધા પડે.

અમને પ્રેમપત્ર લખતા રાજેન્દ્ર કુમારે ફિલ્મ ‘સંગમ’થી શીખવાડ્યું હતું. એણે વૈજ્યંતિમાલાને પ્રેમપત્ર લખવા ઉપરાંત પોતે ગાય છે કેટલું સારૂં, એ બતાવવા લખેલો પત્ર આપવા વૈજુને બગીચા સુધી ધક્કો ખવડાવ્યો હતો. વૈજ્યંતિમાલા અને મારી પસંદગીનું શ્રેષ્ઠ ગીત મુહમ્મદ રફીએ ગાયેલું અને ખાસ તો (શંકર) જયકિશને બનાવેલું ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ના હોના...’માંથી મેં લેવાય એટલી પ્રેરણા લીધી હતી. (ખાસ તો એમાં જયકિશનની વૉયલિન અને સિતાર મને મન મૂકીને નચાવે છે.) અલબત્ત, મને એ પણ ખબર કે, એ જ પ્રેમપત્ર ફિલ્મમાં રાજેન્દ્ર કુમારની પત્તર ઝીંકી નાંખે છે અને વાસ્તવમાં સંગીતકાર જયકિશનની. હું તો એ જ દિવસથી શીખી ગયો કે, સ્ત્રીઓને પ્રેમપત્રો લખાય જ નહિ. સાલી સાચવતી હોતી નથી અને એના લગ્ન પછી બખેડા આપણા માટે ઊભા કરે છે. લગ્ન રાજ કપૂર સાથે થયા હોવા છતાં કઇ કમાણી ઉપર વૈજુ રાજેન્દ્ર કુમારે લખેલો પ્રેમપત્ર સાચવી રાખે છે, પછી પકડાય એટલે ધોલાઇ થાય જ ને? એમાં કુમારે પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરવી પડે છે. (આપણે હોઇએ તો ગોળી વૈજુને ન મારી દઇએ....દર વખતે તો આપણે કેટલી વાર આપઘાતો કરવા?)

એવી જ કરૂણા જયકિશન માટે ઊભી થઇ હતી, પ્રેમપત્ર ફૂટી જવાને કારણે! એનો કે એની વાઈફ પલ્લવીનો પત્ર કોઇએ પકડી પાડ્યો નહતો, પણ ભ’ઇ પ્રેમના ઊભરામાં ને ઊભરામાં એક પત્રકાર સાથેના ઈન્ટર્વ્યૂમાં બોલી ગયા કે, ‘આ ગીતની ધૂન મેં બનાવી હતી....અમારા કોઇ ગુજરાતી ગીતમાં આ જ મતલબના શબ્દો હતા.’

પત્યું? શંકર અને જયકિશન વચ્ચે વણલખ્યો નિયમ હતો કે, ક્યું ગીત કોણે બનાવ્યું છે, એ કદી કોઇને કહેવું નહિ.

આ ભ’ઇએ ઉત્સાહમાં બાફી માર્યું અને શંકર-જયકિશન વચ્ચેની હાઇફન (નાનકડી લિટી) કાયમ માટે બહુ લાંબી થઇ ગઇ. બન્ને સંગીતકારો ઑન-પૅપર છુટા પડી ગયા. એક પ્રેમપત્રએ કેવી તબાહી સજીર્ મારી હતી!

‘વૉટ્‌સઍપો’ આવ્યા પછી આ સાલી પકડાવાની બીક ઓછી થઇ નથી. દુનિયાભરની વાઇફો સૌથી પહેલા હસબન્ડોઝના મૅસેજો ચૅક કરે છે. અમારા વખતમાં લૅટરો લૉક કરવાની વૈજ્ઞાનિક શોધો થઇ નહોતી. આજે તો સ્ક્રીન-લૉક્સ પણ થાય છે. અમારી પોળમાં મારો એક મિત્ર પોળની જ એક છોકરીના સખ્ત પ્રેમમાં હતો અને રોજ પત્રો લખતો. પણ પત્રો લખાય છે, એટલા અપાતા નથી અને અપાય એટલા વંચાતા નથી. હાથોહાથ આપવામાં તો પેલીનો ફાધર ફટકારે એવો હતો, એટલે દિવસભરની મેહનત કરીને લખાયેલો પત્ર અડધી રાત્રે આખી પોળ સુઇ ગઇ હોય ત્યારે પોળના નાકે એક દુકાનના બૉર્ડની પાછળ મૂકી આવતો અને વહેલી પરોઢે પેલી ઉઠીને લઇ લેતી. આ રોજનો ક્રમ. શિયાળાની એક વહેલી પરોઢના અંધારામાં પેલી પત્ર કાઢવા ગઇ, તો હાથમાં મરેલો ઉંદર આવ્યો. બિચારી ગભરાઈને ચીસાચીસ કરવા માંડી, એમાં આખી પોળ તો પછી, પહેલા એના ફાધર ઉઠી ગયા. આવાઓમાં ફાધરો સખ્ત ગુસ્સાવાળા હોય, સાથે એના છોકરાઓ પણ. એની છોકરી કે અમારા દોસ્તને બદલે પેલા દુકાનવાળાને મનભરીને ફટકાર્યો. પેલો આટલું ઢીબાવા છતાં સમજી ન શક્યો કે, ‘મને માર શેનો પડી રહ્યો છે?’ સ્ટોરીનો સુખદ અંત આવ્યો. પ્રેમી પંખીડાઓ કાયમ માટે છુટા પડી ગયા.

આખી વાતનું દુઃખ એ છે કે, પ્રેમપત્રોની દુનિયામાં કોઇ વ્યવસ્થિત સાહિત્ય બહાર નથી પડ્યું. અમારા વખતમાં પ્લાસ્ટિકના પીળા જીલેટીન પૅપરમાં અત્યંત બિભત્સ પ્રેમપત્રોની ચોપડીઓ મળતી, જેને છીછરા ટેસ્ટવાળા છોકરાઓ પણ અડતા નહિ. જીવ બળે આપણા ઉત્કૃષ્ઠ સાહિત્યકારો માટે કે, એમણે નવલકથા, ગઝલો, નિબંધો કે અછાંદસો ય લખ્યા, પણ પ્રેમપત્રોનું સાહિત્યિકરણ કદી ન થયું. શું બગાડ્યું હશે પ્રેમીઓએ? એક પણ કવિ-લેખક કેમ જાણે આખી લાઇફમાં કોરોધાકોડ રહ્યો હોય, કોઇના પ્રેમમાં પડ્યો ન હોય એમ અનુભવને અભાવે આ વિષયનું કોઇ સાહિત્ય આજની તારીખે ય ઉપલબ્ધ નથી. આજના નવલોહીયાઓએ શું કંપનીઓના બૅલેન્સશીટ્‌સ કે ભૂગોળની ચોપડીઓ વંચાવીને આપણે પ્રેમપત્રો લખતા શીખવીશું? યે પૉઇન્ટ નૉટ કિયા જાય, મી લૉર્ડ....કે, આવનારી પેઢીઓને આપણે શું મોદી કે રાહુલના ભાષણો વારસામાં આપતા જવાનું છે? શું પધ્ધતિસરના પ્રેમપત્રોનું સાહિત્ય ઉપલબ્ધ કરાવી ન શકાય?

...નહિ તો પછી બીજો રસ્તો છે. ગુજરાતના કવિ-લેખકો ભલે નવું પ્રેમપત્ર સાહિત્ય ન સજર્ે, પણ એમની ઉપર લખાયેલા કે લખેલા પ્રેમપત્રો શું જાહેર-જનતા એટલે કે, જાહેર-પ્રેમી પંખીડાઓ માટે ઉપલબ્ધ કરાવી ન શકાય?

...યે પૉઇન્ટ ભી નોટ કિયા જાય, મી લૉર્ડ!

--------