Lila vatanani vangio - 2 in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | લીલા વટાણાની વાનગીઓ - 2

Featured Books
Categories
Share

લીલા વટાણાની વાનગીઓ - 2

લીલા વટાણાની વાનગીઓ

- મિતલ ઠક્કર

*વટાણા બટાકાના સમોસા*

સામગ્રી: બટાકા, 6 લીલા વટાણા, 1/2 કપ ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન આમચૂર, 2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર.

રીત: બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા. તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો. આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો. આ સમોસાને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.

*લીલા વટાણાની ક્રિસ્પી પૂરી*
સામગ્રી: 1 વાટકી લીલા વટાણા, 1 વાટકી ઘઉંનો લોટ, 1/2 વાટકી સોજી, મીઠું સ્વાદ અનુસાર, 1/2 ચમચી આદુ મરચા-લસણની પેસ્ટ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર, તેલ તળવા માટે, પાણી જરૂર અનુસાર.

રીત: વટાણા ને મિક્સરમાં ક્રશ કરી લો. લોટમાં મીઠું, હળદર, લાલ મરચું, આદુ મરચા લસણની પેસ્ટ, વટાણા, ધાણા જીરું પાઉડર, મોણ નાખી લોટ બાંધી લો. તેની પૂરી વણી તેલમાં કડક તળી લો. આ પૂરી કેચપ સાથે સરસ લાગે છે અને 2-3 દિવસ સુધી સારી રહે છે.

*લીલા વટાણાના પરાઠા*

સામગ્રી: બે કપ ઘઉંનો લોટ, મીઠું, તેલ, અડધી ચમચી જીરું, 7-8 કળી લસણ, એક આખુ સૂકું લાલ મરચું, એક મિડિયમ સાઇઝની ડુંગળી, એકદમ ઝીણી સમારી લેવી, મીઠો લીમડો, પોણો બાઉલ વટાણા, બે બાફીને મેશ કરેલાં બટાકાં, કોથમીર.

રીત: સૌપ્રથમ એક મોટા બાઉલમાં બે કપ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું અને એક ટેબલસ્પૂન તેલ નાખી મિક્સ કરી દો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી રોટલી કરતાં થોડો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરો. લોટને ઉપરથી થોડો તેલવાળો કરીને ઢાંકીને 10 મિનિટ માટે સેટ થવા મૂકી દો. હવે ફિલિંગ બનાવવા માટે એક પેન ગરમ કરો અને પેનમાં એકથી દોઢ ચમચી તેલ નાખો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર જીરું અને લસણની કળીઓ નાખો. ત્યારબાદ લાલ મરવાના બે ટુકડા કરીને નાખો અને થોડું સાંતળો. ત્યારબાદ ડુંગળી નાખી સતત હલાવતા જાઓ અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી ચઢવો. ત્યારબાદ અંદર મીઠો લીમડો નાખો અને મિક્સ કરી 10 સેક્ન્ડ્સ માટે ચઢવી લો. હવે અંદર વટાણા એડ કરવા. તાજા વટાણા હોય તો સાથે અડધો કપ પાણી પણ એડ કરવું અને ઢાંકીને ચઢવવા અને ફ્રોજન વટાણા હોય તો માત્ર તેલમાં જ થોડીવાર સાંતળી લો. વટાણા ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ કરી મિક્સર ઝારમાં લઈ ક્રશ કરી દો. ત્યારબાદ અંદર બાફેલાં બટાકાંનો માવો, સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર એડ કરી બધું જ બરાબર મિક્સ કરી દો. તૈયાર છે ફિલિંગ. આ દરમિયાન લોટ પણ સેટ થઈ ગયો હશે. હવે લોટનો એક મિડિયમ સાઇઝનો લુવો બનાવી લો અને અટામણવાળો કરી પૂરી કરતાં થોડો મોટો વણો. ત્યારબાદ વચ્ચે એક એક ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો. સ્ટફિંગ પર થોડો કોરો લોટ ભભરાવો, જેથી સ્ટફિંગ પરાઠાને ચોંટી નહીં જાય અને પરાઠો એકદમ સરસ ફૂલશે. ત્યારબાદ હળવા હાથે પરાઠાને વણી લો. શેકવા માટે તવી ગરમ કરી પહેલાં પરાઠાને બંને બાજુ થોડો-થોડો શેકી લેવો, પછી જ ઘી કે બટરનો ઉપયોગ કરવો, જેથી તેલનો ઉપયોગ વધારે પડતો ન થઈ જાય. બંને બાજુ આછી બ્રાઉન ટપકી પડે ત્યાં સુધી શેકી લો. આ જ રીતે બાકીના બધા જ પરાઠા બનાવીને તૈયાર કરો અને ચટણી અને દહીં સાથે સર્વ કરો.

*મેથી મટર મલાઈ*
સામગ્રી : 100 ગ્રામ કસૂરી મેથી, 150 ગ્રામ બાફેલા વટાણા, 1 કપ હુંકાળેલું પાણી, 1 આખું લાલ મરચુ, 1/2 કપ ટામેટા પ્યુરી, દોઢ કપ મલાઈ, 1/2 કપ દૂધ, 2 ચમચી અમુલ ક્રીમ, 1 ચમચી ખાંડ, 2 ચમચી કાજુ નો પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચી તેલ, 1/2 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી કાલી મરચા પાવડર.

રીત: કસૂરી મેથીને ઉકાળેલા પાણીમાં 5 મિનિટ પલાળીને છલનીમાં કાઢી લો. કડાઇમાં તેલ ગરમ કરીને આખું લાલ મરચું નાંખો. ટામેટા પ્યુરી નાંખીને 2 મિનિટ હલાવો. મલાઈ નાંખીને 3-4 મિનિટ શેકો. કાજુ પેસ્ટ નાંખીને 2 મિનિટ શેકો. બધા ઘટકો ઉમેરીને 5-7 મિનિટ પકાવો અને ગેસ બંધ કરી દો.

*મટર પનીર ખીચડી*
સામગ્રી : ૨ કપ ચોખા, ૧ કપ તુવેરદાળ, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ ટામેટું ઝીણું સમારેલું, ૧/૨ કેપ્સીકમ ઝીણું સમારેલું, ૧/૨ કપ વટાણા, ૩ ચમચી ઘી, ૧ ચમચી લસણ ની પેસ્ટ, ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ચપટી હિંગ, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ધાણજીરું, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

રીત: ખીચડી માટે દાળ-ચોખા પલાળી દેવાં અને શાકભાજી સમારી લેવા અને પનીર ખમણી નાખવું. કુકરમાં મીઠું અને હળદર નાખી ખીચડી બાફી લેવી. વટાણાને ઉકળતા પાણીમાં બાફી લેવા. કડાઈમાં ઘી મૂકી ગરમ કરવું. ગરમ થાય એટલે ચપટી હિંગ નાખીને ડુંગળી સાંતળવી. તેના લસણ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકવું. હવે તેમાં કેપ્સીકમ અને ટામેટું નાખવું. બધા મસાલા નાખી હલાવવું. સરખું શેકાય જાય મસાલા અને પનીર નાખી સરખું મિક્સ કરવું. હવે બાફેલી ખીચડી નાખી સહેજ પાણી નાખીને ઢીલી ખીચડી કરવી. બાફેલા વટાણા ઉમેરવા. કોથમીરથી સજાવવું. ગરમ ગરમ સર્વ કરવું.

* વટાણા ની કચોરી*

સામગ્રી : મેંદો, 1 વાટકી લીલા વટાણા, 1/4 ચમચી અજમો, 3/4 વાટકી હુંકાળેલું પાણી, રિફાઇન્ડ તેલ, 1/4 ચમચી જીરું, 1 ચમચી આદુ મરચા પેસ્ટ, 1/4 હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી આમચૂર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે.

રીત: મેંદામાં મીઠું, અજમો, 3 ચમચી તેલ અને ઉકાળેલું પાણી મેળવીને નરમ લોટ બાંધી લો. વટાણા ને ચોપર માં ક્રશ કરો. કડાઇમાં 2 ચમચી તેલ ગરમ કરીને તેમાં જીરું અને આદુ મરચા પેસ્ટ ઉમેરો. વટાણા નાંખીને 3-4 મિનિટ શેકો. મીઠું અને બધા મસાલા મેળવીને 5 મિનિટ શેકો અને ગેસ બંધ કરીને આ પૂરણ ઠંડુ થવા દો. લોટના લુવા લઈને તેમાં 1 ચમચી પૂરણ ઉમેરો અને બોલ બનાવીને કચોરી બની લો. ગરમ તેલમાં સોનેરી તળીને કાઢી લો. રાયતા અને છોલે સાથે પીરસો.

*લીલાં વટાણાનો રગડો*
સામગ્રી : 250 ગ્રામ લીલાં વટાણા, 2-3 બાફેલાં બટેટા, ટમેટા સમારેલા, ઝીણી સેવ, કોથમીર, લસણ ની પેસ્ટ, મીઠુ, મરચુ, ગોળ, લીંબુ.
રીત: બટેટા અને વટાણા બાફી લો. એક કડાઇમાં તેલ મૂકી જીરુ, હિંગ, લીમડાનો વઘાર કરી લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા ટમેટા સાંતળો. પછી બાફીને માવો કરેલા બટેટા અને વટાણા મિક્સ કરી મીઠું, મરચુ, હળદર, લીંબુ, ગોળ, ગરમ મસાલો ઉમેરો. પાણી નાંખી 5-7 મિનિટ ઉકળવા દો. રગડો રેડી છે. પ્લેટમાં લઈ ઉપર કોથમીર અને સેવ ભભરાવીને ગરમ ગરમ પીરસો.

*લીલા વટાણાની ઇડલી*

સામગ્રી: એક વાટકી લીલા વટાણા, એક મિડિયમ સાઇઝનું ગાજર, અડધુ કેપ્સિકમ, એક ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, બે-ત્રણ લીલાં મરચાં, એક કપ સોજી, સ્વાદ અનુસાર, મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, ચપટી જીરું, અડધી ચમચી લાલ મરચું, અડધો ઈંચ આદુ, બે-ત્રણ કળી લસણ, અડધો કપ દહીં, અડધી ચમચી ખાવાનો સોડા, એક ઈનો, એક ચમચી તેલ, એક ટેબલસ્પૂન પનીરના નાના-નાના ટુકડા, એક ચમચી રાઇ, બે લીલાં મરચાં, મીઠો લીમડો, કોથમીર.

રીત: મિક્સર જારમાં લીલા વટાણા લો અને પીસી લો. વટાણાની સોફ્ટ કરતાં થોડી કકરી પેસ્ટ બનાવવી પણ અધકચરી ન રાખવી. જરૂર લાગે તો થોડું પાણી નાખી શકાય છે. ત્યારબાદ આ પેસ્ટને એક મોટા બાઉલમાં લઈ લો. અંદર ગાજર, ટામેટું, કેપ્સિકમ, ડુંગળી અને લીલું મરચું ઝીણું-ઝીણું સમારીને નાખો. સાથે જ આદુને પણ છોલીને છીણી લો અને આ જ મિશ્રણમાં નાખો. ત્યારબાદ અંદર સોજી અને દહીં નાખી મિક્સ કરી લો. હવે અંદર હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું, ધાણાજીરું અને ચપટી જીરું નાખો અને બધું જ બરાબર મિક્સ કરી લો. હવે અંદર પનીર નાખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા મૂકી દો. 15 મિનિટ બાદ જરૂર લાગે તો પાણી ઉમેરી અપ્પમના ખીરા જેવી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ અંદર ઈનો નાખો અને મિક્સ કરી લો. ત્યારબાદ ઈડલી કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો. આ દરમિયાન ઇડલી સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી અંદર આ ગ્રીન પેસ્ટ મૂકો અને ચમચીથી દબાવીને સેટ કરી દો. કૂકરમાં પાણી ઉકળવા લાગે એટલે ઇડલી સ્ટેડને અંદર ગોઠવી દો અને ઢાંકી દો. સ્લો ટુ મિડિયમ આંચ પર 10-15 મિનિટ ચઢવા દો. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવું. નીચેથી કાચુ લાગે તો થોડું ચઢવી દો. ચઢી જાય એટલે સ્ટેન્ડ બહાર કાઢી 5-7 મિનિટ ઠંડુ પડવા દો. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો. એક પેનમાં એક ચમચી તેલ કે ઘી ગરમ કરો. અંદર એક ચમચી રાઇ, બે લીલાં મરચાં (મરચાના મોટા ટુકડા કરી લેવા) અને થોડો મીઠો લીમડો નાખો. રાઇ તતડવા લાગે એટલે અંદર ઈડલી ગોઠવી દો. થોડીવાર બાદ બધી જ ઇડલી પલટી દો. ત્યારબાદ ઉપર લીલી કોથમીર ભભરાવો. ગરમાગરમ જ લીલી ચટણી સાથે સર્વ કરો.

*લીલા વટાણાની બરફી*

સામગ્રી: ૨૫૦ ગ્રામ લીલા વટાણા, (ફ્રોઝન વટાણા પણ લઈ શકાય), ૨૫ ગ્રામ દૂધનો મોળો માવો, ૧૫૦ ગ્રામ ખાંડ, ૮ થી ૧૦ દાણા એલચી (પાવડર), ૧ ટેબલ સ્પૂન, કોપરાનું છીણ, ૨ ટેબલ સ્પૂન ઘી.

રીત: સૌપ્રથમ લીલા વટાણાને મિક્સરમાં ક્રસ કરો. ક્રસ કરેલા વટાણાને વરાળી લો. એક કડાઇમાં ઘીને ગેસની ધીમી આંચે ગરમ કરો ઘી ગરમ થઇ જાય પછી તેમાં ક્રસ કરેલા વટાણાને નાખી પાંચ મિનિટ હલાવીને વટાણાને ઘીમાં શેકી લો. શેકાયેલા વટાણાના માવાને એક વાસણમાં કાઢી લો. પછી દૂધના માવાને ગેસની મધ્યમ આંચે શેકી લો. અને એક તરફ રાખી લો. એક કડાઇમાં ખાંડ લઇને ખાંડ ડુબે તેટલું પાણી લઇ ખાંડને ગેસની મધ્યમ આંચે ગરમ કરો. ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલે તેમાં બાફેલા વટાણાનો માવો તથા સેકેલા દૂધનો માવો નાખી ગેસની ધીમી આંચે હલાવતા રહો. બન્ને વસ્તુઓ ખાંડમાં સારી રીતે એકરસ થઇ જાય અને ઘી છુટુ પડે એટલે ગેસને બંધ કરો. એક છીછરા વાસણમાં(થાળીમાં) ઘી લગાવી એકરસ કરેલી બરફીને પાથરી દો તેની ઉપર એલચી પાવડર છાંટો. પાથરેલું બરફીનું મિશ્રણ થોડું ઠરે એટલે મનગમતા પીસ કરો અને ઉપર કોપરાનું છીણ છાંટો અને સજાવો.

*લીલા વટાણાની ખસ્તા કચોરી*

સામગ્રી: બે કપ મેંદો, પા કપ મેંદો, પા કપ ઘી, સ્વાદ અનુસાર મીઠું, દોઢ કપ લીલા વટાણા, અડધી ચમચી જીરું પાવડર, એક ચપટી હિંગ, એક ચમચી વરિયાળી પાવડર, બે-ત્રણ ઝીણાં સમારેલાં લીલાં મરચાં, એક ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી આમચૂર પાવડર, પા ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, પા ચમચી હળદર, જરૂર મુજબ તેલ, પા ચમચી ગરમ મસાલો.

રીત: સૌપ્રથમ એક બાઉલમાં બે કપ મેંદો લો. ત્યારબાદ અંદર બે ચમચી ઘી અને અડધી ચમમી મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી નાખી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરો. આ લોટ પરાઠાના લોટ કરતાં થોડો કડક હશે. ત્યારબાદ લોટને ઢાંકીને 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ કરો. અંદર બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટાલે અંદર હિંગ અને જીરું પાવડર નાખો. સાથે પા ચમચી હળદર નાખો અને લીલું મરચું, આદુની પેસ્ટ, એક ચમચી ધાણાજીરું, એક ચમચી વરિયાળી પાવડર નાખો અને મસાલા થોડા શેકી લો. ત્યારબાદ અંદર વટાણા નાખો અને મસાલા મિક્સ કરતા જાઓ અને ચઢવો. અંદર જ આમચૂર પાવડર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું એડ કરો કરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ બે-ત્રણ મિનિટ માટે ઢાંકીને ધીમી આંચે ચઢવો. ત્યારબાદ તાવેથાથી જ ભાગતા જાઓ અને થોડું ચઢવો. સ્ટફિંગ ચઢી જાય એટલે ગેસ બંધ કરી સ્ટફિંગને એક પ્લેટમાં કાઢી લો. આ દરમિયાન લોટ સેટ થઈ ગયો હશે. તેને થોડો મસળીને નાના-નાના લુવા બનાવી લો. ત્યારબાદ બચેલા ઘીમાં ચાર ચમચી લોટ મિક્સ કરો લોટ ઘીમાં બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક લુવાને અટામણવાળો કરી એક પાતળી ગોળ શીટ વણીને તૈયાર કરો. ત્યારબાદ ઉપર ઘી-લોટની પેસ્ટ લગાવો. ત્યારબાદ પૂરીને ત્રણ ભાગમાં ફોલ્ડ કરી લંબચોરસ પટ્ટી તૈયાર કરો. ત્યારબાદ ઉપર ફરી પેસ્ટ લગાવી ત્રણ ભાગમાં ફોડ કરી ચોરસ લુવો બનાવીને તૈયાર કરો. બધા જ લુવામાંથી આવી ચોરસ શીટ બનાવીને તૈયાર કરી દો, જેનાથી કચોરી લેયર્ડ બનશે. તેને 10-15 મિનિટ રેસ્ટ કરવા દો. ત્યારબાદ એક લુબાને ચોરસ જ થોડી જાડી પૂરી વણો. વચ્ચે સ્ટફુંગ ભરી પેક કરી લો. આકાર તમે તમારી પસંદ અનુસાર આપી શકો છો. આ જ રીતે બાકીની બધી જ કચોરીઓ ભરીને તૈયાર કરો.

*લીલા વટાણાની દાળ*

સામગ્રી: એક કપ લીલા વટાણા, બે ટામેટાં, બે લીલાં મરચાં, બે-ત્રણ ટેબલસ્પૂન સમારેલી કોથમીર, બે ટેબલસ્પૂન તેલ, એક ચમચી ઘી, અડધી ચપટી હિંગ, અડધી ચમચી જીરું, પા ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, પા ચમચી લાલ મરચું, પા ચમચી ગરમ મસાલો, પોણી ચમચી આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું.

રીત: સૌપ્રથમ કૂકર ગરમ કરી લો. ત્યારબાદ અંદર તેલ ગરમ કરવા રેડો. ત્યારબાદ અંદર પા ચમચી જીરું અને અડધી ચપટી હિંગ નાખો. ત્યારબાદ અંદર પા ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું નાખી થોડું સાંતળો. ટામેટાં લીલા મરચાની પેસ્ટ બનાવીને રાખવી અને મસાલા સાંતળ્યા બાદ અંદર અ પેસ્ટ, આદુની પેસ્ટ અને લાલ મરચું નાખો અને બધુ બરાબર મિક્સ કરી લો. લાલ મરચું વઘાર માટે થોડું સાઇડમાં રાખવા. મસાલા સંતળાય એ દરમિયાન મિક્સરમાં વટાણાને ક્રશ કરી લો. વટાણા અધકચરા જ પીસવા. મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે અંદર વટાણા નખી એક મિનિટ માટે મિક્સ કરીને સાંતળો. ત્યારબાદ અંદર અડધી ચમચી મીઠું અને એક કપ પાણી એડ કરી કૂકર બંધ કરી દો અને એક સીટી વાગે ત્યાં સુધી ચઢવો. એક સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી હવા નીકળી જવા દો. હવા નીકળી જાય એટલે તમારી પસંદ અનુસાર પાતળી કે જાડી કરી શકાય છે. સાથે ગરમ મસાલો અને લીલી કોથમીર એડ કરો. હવે આ દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લો. દાળને વધારે ટેસ્ટી બનાવવા ઉપરથી વઘાર કરવો. વઘારિયામાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર જીરું અને એક લીલું મરચું વચ્ચે કાપો કરી નાખો. થોડું સાંતળી ગેસ બંધ કરી અંદર વધેલું લાલ મરચું નાખો અને આ વઘારને દાળ પર રેડો. ઉપર થોડી કોથમીર ભભરાવી રોટલી, પરાઠા, ભાત કે નાન સાથે સર્વ કરો.

*વટાણાની કટલેટ*

સામગ્રી: બાફેલા વટાણા અડધો કપ, ચોખાનો લોટ એક કપ, આમચૂર પાઉડર અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણાજીરું અડધી ચમચી, કોર્નફલોર બે ચમચી, સમારેલાં લીલાં મરચાં ત્રણ નંગ, મીઠું સ્વાદ મુજબ, તેલ તળવા માટે, વરિયાળી પા ચમચી.
રીત: સૌ પ્રથમ એક વાસણમાં તેલ મૂકી તેમાં વરિયાળી, લીલાં મરચાં, ધાણાજીરું અને અન્ય મસાલા ઉમેરી શેકી લો. તેમાં કોર્નફ્લોર અને વટાણા ઉમેરી પાંચ મિનિટ શેકી લો. ચોખાના લોટને ગરમ પાણીથી ગુંથીને 20 મિનિટ ભીના કપડામાં રાખો. ત્યારબાદ તેની નાની પૂરી બનાવી તેમાં શેકેલી સામગ્રી ભરીને તેનાં ગોળા વાળી લો. હવે કઢાઈમાં તેલ મૂકી આ ગોળા તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બહાર કાઢી પ્લેટમાં સર્વ કરો.

*લીલા વટાણા તથા ચણાના નીમોના*

નીમોના ઉત્તરપ્રદેશના લખનૌની વાનગી છે. જે પુરી શાકની જેમ તથા ભાત સાથે ખાઈ શકાય છે. નીમોના ડીશ લીલા વટાણાથી બને છે,

સામગ્રી: ૧ કપ લીલા વટાણા (લીલા વટાણા ની જગ્યાએ ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરી શકાય છે), ૧ કપ દેશી ચણા, ૧ નંગ બટાકુ (મોટી સાઈઝ), ૧ નંગ ડુંગળી, ૧ નંગ ટામેટું, ૨ નંગ લીલા મરચા, ૧/૨ ટે.સ્પુન ઝીણું સમારેલુ આદુ, ૧ ટે.સ્પુન ધાણાજીરુ, ૧ ટે.સ્પુન લાલ મરચુ, ૧ ટે.સ્પુન હળદર, ૧/૨ ટે.સ્પુન ગરમ મસાલો, ૧/૨ ટે.સ્પુન આખું જીરું (વઘાર માટે), ૧/૨ ટે.સ્પુન આમચુર પાવડર, સ્વાદ અનુસાર મીઠું તથા હીંગ.

રીત: સૌપ્રથમ ચણાને ૮ કલાક માટે પલાળીને પ્રેશર કુકરમાં બાફી લો. ત્યારબાદ લીલા વટાણાને ૩ કપ પાણી લઈને ઉકાળીને સોફ્ટ કરવા (વટાણાને બાફવા નહીં.) ત્યારબાદ બટાકાના નાના ટુકડા કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. ત્યારબાદ એક પેન લઈને એક પરી તેલ લેવુ (વધારે સારા સ્વાદ માટે સરસીયુ લેવું) તેમાં આખા જીરા તથા હીંગનો વઘાર કરવો. વઘાર કર્યા બાદ સૌપ્રથમ ડુંગળીના ઝીણા ટુકડા કરી સાંતળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક ટામેટાને ઝીણું સમારીને સાંતળવું. સાંતળતી વખતે ઝીણું સમારેલુ આદુ તથા લીલા મરચાને ઉભા સમારીને નાખવા. ત્યાર બાદ પેનમાં હળદર, ધાણાજીરુ તથા આમચુર પાવડર નાખવું. ત્યારબાદ લીલા વટાણાને તથા બાફેલા ચણાને મેશ કરીને પેનમાં મીક્ષ કરવા, મીક્ષ કર્યા બાદ ૧/૨ કપ પાણી નાખીને વ્યવસ્થિત મીક્ષ કરવું. ત્યારબાદ તેમાં લાલ મરચુ, મીઠું તથા ગરમ મસાલો નાખીને હલાવવું. ત્યારબાદ મીક્ષમાં ફ્રાય કરેલ બટાકાને નાખીને મીક્ષ કરવું. ત્યારબાદ પ્લેટમાં કાઢીને લીલા ધાણા સાથે ગાર્નીશ કરવું અને પુરી સાથે સર્વ કરવું. (જો ભાત સાથે સર્વ કરવું હોય તો પાણી વધારે નાખીને ગ્રેવી વાળું બનાવવું અને સ્ટીમ રાઈસ સાથે સર્વ કરવું)

જાણકારી :

* લીલા વટાણામાં વિટામીન ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી હાડકાં મજબૂત થાય છે. આ ઑસ્ટિયોપોરોસિસ વિરુદ્ધ અસરકારક રીતે કામ કરે છે. એટલે કે લીલા વટાણા પાવર પેકનું કામ કરે છે અને હેલ્ધી લાઇફ મેળવવા માટે ઉત્તમ છે.

* વટાણામાં રહેલ આર્યન, ઝિંક, મેગેનીઝ શરીરને બિમારીઓથી દૂર રાખે છે. વટાણામાં એન્ટીઑક્સીડેન્ટ હોય છે. જો તમે પોતાનું વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો લીલા વટાણા તમારી મદદ કરી શકે છે.

* લીલા વટાણામાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અને આ ઉપરાંત તેમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલા છે. પેટના કેન્સરમાં પણ લીલા વટાણા એક અસરકારક ઔષધિ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વટાણામાં રહેલ કાઉમેસ્ટ્રોલ જે કેન્સર સામે લડવામાં ઉપયોગી બની શકે છે. આ સાથે જ લીલા વટાણાનું દરરોજ સેવન કરવાથી પેટનું કેન્સર થવાનું જોખમ ઓછું થઇ શકે છે.

* લીલા વટાણા આપણી બૉડીમાંથી બેડ કૉલેસ્ટ્રોલ ઓછુ કરવાની સાથે ગુડ કૉલેસ્ટ્રોલની માત્રા વધારવાનું કામ કરે છે, જેનાથી હૃદયની બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.