Ajvadana Autograph - 11 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 11

Featured Books
Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 11

અજવાળાંનો ઓટોગ્રાફ

(11)

અભિવ્યક્તિનો ઓક્સીજન

એક બહુ જાણીતું બાળગીત છે. ‘ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ એને કેમ બોલાવું ?’ પોતાની ઢીંગલી કે ઢીંગલો બોલતો ન હોય, એનું દુઃખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ આપણને થનારા દુઃખ કરતા, ન બોલી શકવાનો અફસોસ આપણી ઢીંગલી કે ઢીંગલાઓને આપણા કરતા વધારે થતો હશે.

આ દુનિયામાં રહેલી તકલીફોથી એટલી પીડા નથી થતી, જેટલી પીડા એ તકલીફો કોઈને ન કહી શકવાથી થાય છે. ફક્ત પીડા જ નહિ, આનંદ અને ખુશીઓની એ દરેક ક્ષણ જે કોઈની સામે વ્યક્ત નથી કરી શકાતી, એ આપણી અંદર એક ખાલીપાનું સર્જન કરતી હોય છે.

ફક્ત બાળકના ઉછેર માટે જ નહિ, આપણા સૌના જીવંત રહેવા માટે પણ હવા, પાણી અને ખોરાક ઉપરાંત કોઈ વસ્તુ આવશ્યક હોય તો એ છે અભિવ્યક્તિ. પોતાની જાતને અભિવ્યક્ત કરી શકવી, એ આપણા પર રહેલા ઈશ્વરના આશીર્વાદ છે.

કેટલાક લોકો માટે સૌથી કપરું ચઢાણ ઓડિયન્સમાં રહેલી ખુરશીથી સ્ટેજ સુધીનું હોય છે. જો યોગ્ય ઉંમરે બાળકને સ્ટેજ આપવામાં ન આવે, તો એ આજીવન પોતાની જાતને અભિવ્યક્ત કરતા ડરે છે. આપણે જેને ‘સ્ટેજ ફીઅર’ કહીએ છીએ, એ ડર સ્ટેજનો નથી. એ ડર જાહેરમાં પોતાની જાતને અભિવ્યક્ત કરવાનો છે.

કોઈપણ જાતની વિશેષ આવડત વગર આપણે સ્ટેજ પર ચડી જઈએ અને છતાં લોકો તાળીઓ પાડે, આપણા દરેકમાં આ અનુભૂતિની શરૂઆત બાળમંદિર કે પ્લે-સ્કુલથી થતી હોય છે. બાળક બનીને સ્ટેજ પર જઈએ ત્યારે લોકો તાળીઓ એટલા માટે નથી પાડતા કારણકે આપણામાં કોઈ વિશેષ પ્રતિભા છે. લોકો તાળીઓ એટલા માટે પાડે છે કારણકે કોઈની પણ શરમ રાખ્યા વિના, આપણી નબળાઈઓ કે ભૂલોને ઢાંક્યા વગર પ્રમાણિકપણે આપણે પોતાની જાતને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.

અભિવ્યક્તિ પ્રાણ-પોષક છે. એ દરેક વ્યક્તિમાં નવો પ્રાણ ઉમેરે છે. સ્ટેજની ઉપર હોય કે પડદાની પાછળ, જાહેરમાં હોય કે કોઈ અંગત સ્વજનની હાજરીમાં પણ અભિવ્યક્તિ આપણા સહુનો ઓક્સીજન છે. આઈ.સી.યુમાં કોમામાં રહેલા કોઈ બ્રેન-ડેડ દર્દી અને આપણામાં તફાવત ફક્ત અનુભૂતિ અને અભિવ્યક્તિનો જ હોય છે. જો આપણી જાતમાંથી અનુભૂતિ અને અભિવ્યક્તિ બાદ કરીએ, તો આપણે પણ કોમામાં જ જીવીએ છીએ.

હાવભાવ કે પ્રતિક્રિયા વગરના કોઈ નગરમાં બેભાનાવસ્થામાં રહેલા આપણા માટે સભાન બનવાની એક જ તક છે, અભિવ્યક્તિ. એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. ગીત સંગીત નૃત્ય લેખન નાટક ચિત્ર કે પછી ફક્ત ગમતી વ્યક્તિને કાનમાં કહેલા શબ્દો. પણ અભિવ્યક્તિથી અળગો રહી ગયેલો માણસ, કેટલાય ચોમાસા પછી પણ કોરોધાકોર રહી જતો હોય છે.

ફક્ત વૃદ્ધિ પામવાને જ જો આપણે સજીવ હોવાનો પુરાવો ગણતા હોઈએ તો સજીવ તો વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ હોય છે. આપણે તેમનાથી અલગ પડીએ છીએ કારણકે ઈશ્વરે મનુષ્યને અભિવ્યક્તિનું વરદાન આપેલું છે.

દરેક વ્યક્તિને સ્ટેજ મળવું જોઈએ. પછી એ જાહેર પ્લેટફોર્મ હોય કે ઘરનો ઓટલો. કારણકે અભિવ્યક્ત ન કરી શકવાની ગુંગળામણ મૃતદેહોને ક્યારેય નથી થતી. એ સંવેદનાઓથી ઉભરાતા અને લાગણીઓથી ધબકતા જીવંત માનવ-શરીરને જ થતી હોય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા