Black Island - Ek rahashy in Gujarati Detective stories by KulDeep Raval books and stories PDF | બ્લેક આઇલેન્ડ : એક રહસ્ય

Featured Books
Categories
Share

બ્લેક આઇલેન્ડ : એક રહસ્ય

નૉંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી.

બ્લેક આઇલેન્ડ : એક રહસ્ય

          સવારે સાત વાગ્યા, ઘડિયાળ નું અલાર્મ વાગ્યું ને મેક્સ પોતાના બેડ પરથી ઊભો થયો. મેક્સ દેખાવે સફેદ વર્ણ, કાળા વાળ, આંખોમાં ચશ્મા શરીર એક દમ સ્ફૂર્તિલું. એક અમેરિકન હોવા છતાં દેખાવમાં તે એક ભારતીય જેવો લાગતો હતો. મજાની સવાર હતી. મેક્સ આજે ખુશ હતો કારણકે આજે તે કામ પર નથી જવાનો. જે ઓફિસ માં કામ કરે છે ત્યાં આજે રજા છે. તેણે વિચાર્યું કે આજે ક્યાક ફરવા જવાનું થાય તો કેટલું સારું? એવામાં જ પોસ્ટમેન મેક્સ ના ટપાલ બોક્સ માં એક કવર મૂકીને ગયો. મેક્સ આવીને તે કવર ખોલે છે અને તે કવર માં લખેલું લખાણ વાંચે છે. કવરમાં એક પત્ર અને સાથે કેટલીક ટિકિટો હતી. સામાન્ય પણ અજીબ લાગતી આવી જ ઘટના અમેરિકા ના ન્યુયોર્ક માં રહેતા મિસ્ટર હોલ્ટર, મિસ મેરી, મિસ જાસ્મિન, ડોક્ટર મોર્ગન, નિવૃત્ત પાઇલટ જોનાથન, એમિલી અને માર્કસન સાથે પણ બની. તેમને પણ આવો જ પત્ર અને ટિકિટોથી ભરેલું એક કવર મળ્યું.

          મેક્સ ઘરેથી નીકળી પડ્યો એ ખાસ સ્થળે જવા માટે જ્યાં જવાની ટિકિટો પેલા કવરમાં હતી. ઘણી લાંબી મુસાફરી કર્યા બાદ તે એક બંદર પાસે પહોચ્યો. હવે પછીની ટિકિટ એક પ્રાઈવેટ સ્ટીમર માં મુસાફરી કરવા માટેની હતી. મેક્સ ત્યાં આવીને ઊભો રહ્યો. સામે કેટલાક લોકો ઊભા હતા. મેક્સ તે સૌથી અજાણ હતો. થોડીક જ વારમાં એક સ્ટીમર આવી જેમાથી બે વ્યક્તિ ઉતર્યા. તેમાંથી એકે કહ્યું કે , “હેલ્લો, મારા ખ્યાલ થી તમારું નામ મેક્સ છે, એમ આઇ રાઇટ?“ મેક્સે પ્રત્યુત્તર આપ્યો, ”એકદમ સાચી વાત પણ મને એમ કહો કે આ મિસ્ટર બ્લેક કોણ છે જેમનો મને પત્ર મળ્યો છે અને મને અહી બોલાવ્યો છે?” પેલા બે વ્યક્તિ માંથી બીજા વ્યક્તિ એ જવાબ આપ્યો, “તમે ચિંતા ના કરશો બધુ જ ખબર પડી જશે જ્યારે તમે પહોંચશો બ્લેક આઇલેન્ડ પર.”

              બ્લેક આઇલેન્ડ નું નામ સાંભળતાજ એમીલી ખુશ થઈ ગઇ તેણે કહ્યું, “શું ખરેખર બ્લેક આઇલેન્ડ પર જવાનું છે? મે એના વિષે ઘણું સાંભળ્યુ છે. ત્યાનું સૌંદર્ય અપાર છે.” પેલા બે વ્યક્તિ કાંઈજ ન બોલ્યા અને બધાનો સમાન લઈને સ્ટીમર માં જતાં રહ્યા. મેક્સ હજી વિચારમાં હતો કે આ બધુ શું થઈ રહ્યું છે. ક્યાં છે આ બ્લેક આઇલેન્ડ અને કોણ છે મિસ્ટર બ્લેક? બધાજ લોકો સ્ટીમરમાં બેસી ગયા. દરેક જણ એકબીજા થી અજાણ હતા એકબીજા સાથે વાતો પણ કરતાં નહતા. તેમાં સૌથી મોટી ઉમ્મર ના દેખાતા હોલ્ટરે કહ્યું, “જુઓ મને આ લેટર મળ્યો છે, કોઈ મિસ્ટર બ્લેકનો, એમાં લખ્યું છે કે તમને સાત દિવસ માટે એક ખાસ જગ્યા એ ફરવા જવાની તક આપવામાં આવે છે અને સાથે ટિકિટ પણ ફ્રી માં આપવામાં આવે છે.” આટલું સાંભળતાજ બધા એક સાથે બોલી ઉઠ્યા, “અમને પણ આવી જ ટિકિટ મળી છે અને આવો જ પત્ર.” મેક્સે કહ્યું , “આ મિસ્ટર બ્લેક છે કોણ અને બેલ્ક આઇલેન્ડ પર જવા તેમણે ફ્રી માં આપણને કેમ ઓફર કરી હશે?” કોઇની પાસે કોઈ જ જવાબ નહતો. માર્કસને પેલા સ્ટીમર વાળા બે વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો મિસ્ટર બ્લેક અંગે. પરંતુ તે બે જણ પણ તેનાથી અજાણ હતા. તેમને પણ પત્ર મળેલો આ આઠ જણ ને બ્લેક આઇલેન્ડ પર લઈ જવા અને સાત દિવસ પછી બધાને પાછા લેવા આવવું.

         આખરે સ્ટીમર બ્લેક આઇલેન્ડ પર પહોચ્યું. સ્ટીમરમાંથી બધા ઉતર્યા અને પેલા બે વ્યક્તિઓએ કહ્યું કે, “મજા કરો આ આઇલેન્ડ પર. સાત દિવસ પછી અમે તમને લેવા આવી જઈશું.” અને પછી બધાએ આઇલેન્ડ પર નજર નાખી. ખુબજ વાદળછાયું વાતાવરણ હતું. બપોર નો ત્રણ વાગ્યાનો સમય હતો છતાં પણ સાંજ જેવો નજારો જોવા મળતો હતો. સમુંદરની લહેરો નો અવાજ દૂર દૂર સુધી સાંભળી શકાતો હતો. જંગલ વિશાળ દેખાતું હતું. સૌથી દૂર એક મોટો પર્વત દેખાતો હતો. બધા લોકો ડરી ગયા કારણકે આ આઠ જણ સિવાય અહી દૂર સુધી કોઈ જ વ્યક્તિ દેખાતો નહતો. મેક્સની નજર મેરી પર પડી. મેરી ને જોઈને મેક્સે કહ્યું કે,”તમને ક્યાંક જોયેલા છે.” મેરીએ હસતાં હસતાં જવાબ આપ્યો,” શું તમને પુસ્તકો વાંચવાનો શોખ છે?” મેક્સે કહ્યું, “વધારે નહીં પણ વાર્તાઓ વાંચવી મને બહુ જ ગમે. અરે તમે તો? તમે તો એજ પ્રસિદ્ધ વાર્તા લેખિકા મેરી છો ને?” મેરી એ આછું સ્મિત આપી ને હુંકારો ધર્યો.

          બીજી બાજુ માર્કસન ની નજર મિસ જાસ્મિન પર હતી. પિન્ક ડ્રેસમાં મિસ જાસ્મિન એકદમ પરી જેવી લાગતી હતી. માર્કસને થોડી વાત કરવાનો પ્રયાસ કર્યો જાસ્મિન સાથે પણ જાસ્મિને વાત જ ન કરી. બધા સીધા ઉત્તર દિશા તરફ ચાલતા રહ્યા. આશરે બે કિલોમીટર નું અંતર કાપ્યા બાદ બધાની સામે એક કાળો પર્વત દેખાયો એ પર્વત પર મોટી આલીશાન મહેલ જેવી હોટેલ દેખાતી હતી. ડોક્ટર મોર્ગને કહ્યું, “લાગે છે આજ આપણું ડેસ્ટિનેશન છે.” બધા ધીમે ધીમે પર્વત પરની સીડીઓ પર ચડવા લાગ્યા. “સુંદર પણ ખૂબ જ સૂમસામ વિસ્તારમાં આવી આલીશાન હોટલ? વાહ, મજા આવી જશે”, માર્કસને મનમાં વિચાર્યું. બધાજ લોકોમાં હોલ્ટર મોટી ઉમ્મરના હતા એટલે એમને સીડીઓ ચડવામાં વાર લાગી. એમીલી પણ એમને સાથ આપતા હતા. આશરે બસો સીડીઓ ચડીને બધાજ લોકો આ પર્વત ની ઉપર આવી પહોચ્યાં. સ્વપ્નરૂપી એક સુંદર રાજમહેલ જેવી હોટલ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. ડોક્ટર મોર્ગને ડાબી તરફ જોયું તો વિશાળ માનવ પ્રતિકૃતિઓ દેખાણી. જે આશરે વર્ષો પહેલા બનાવવામાં આવી હશે. નજીક આવીને જોનાથને હોટલ નો પ્રવેશદ્વાર ખટખટાવ્યો. દરવાજો ખોલવા એક વ્યક્તિ બહાર આવ્યો. સ્વભાવે રમૂજી દેખાતો અને હસતાં ચહેરા વાળા વ્યક્તિએ કહ્યું કે, “આપ સહુનું અહી સ્વાગત છે બ્લેક આઇલેન્ડ ની આ હોટેલ માં. હું છુ આ બ્લેક આઇલેન્ડ નો બટલર.” બધાજ હોટેલમાં ગયાં. હોટેલ અંદરથી ખુબજ વિશાળ હતી. રાજા- મહારાજા ના ઠાઠમાઠ વાળી આ હોટલ બે માળની હતી. બટલરે દરેકને તેમના રૂમ બતાવી દીધા. અને સામાન પણ તેમના રૂમમાં ગોઠવી આપ્યો. દરેક જણને બટલરે કહ્યું કે, “અંધારું થવા આવ્યું છે. આ હોટેલના ટેરેસ પર સનસેટ નો નજારો ખુબજ સરસ દેખાય છે. તમે લોકો તેનો આનંદ માણો હું ડ્રિંક લઈને આવું છુ.” બધાજ હોટેલના ટેરેસ પર ગયાં અને સનસેટ નો સુંદર નજારો નિહાળ્યો. માર્કસનને તો બસ પીવામાં જ રસ હતો. અંધારું થઈ ગયું. બટલરે કહ્યું, “આપ સહુ પોત પોતાના રૂમમાં આરામ કરો હું ડિનર ની વ્યવસ્થા કરું છુ.” આટલું બધુ થઈ ગયું હોવા છતાં હેરાની ની વાત એ હતી કે હોટેલ નો નજારો જોવામાં બધા મિસ્ટર બ્લેક ને તો ભૂલી જ ગયાં.

            બધા પોતપોતાના રૂમમાં જતાં રહ્યા. મનમાં વિચાર્યું કે કદાચ મિસ્ટર બ્લેક કાલે આવાના હશે. મેક્સ પહેલા હોલ્ટર ના રૂમ પાસે આવ્યો અને દરવાજાના કી-હોલ થી અંદર જોયું તો મિસ્ટર હોલ્ટર પોતાના બેડ પર બેઠા બેઠા ‘ક્રાઇમ સીન : એક કહાની’ નામનું પુસ્તક વાંચી રહયા હતાં. પછી મેક્સ આગળ વધ્યો. હવે પછી નો રૂમ હતો એમીલી નો. મેક્સે દરવાજા ના કી-હોલમાં જોયું તો અંદર રૂમમાં એમીલી પોતાના વાળ ઓળી રહયા હતા. મેક્સે આગળ  જાસ્મિન, મિસ મેરી, જોનાથન અને માર્કસન ની પણ દરવાજાના કીહોલ થી હિલચાલ જોઈ અને અંતે પોતાના રૂમમાં આવી જાય છે. થોડીક જ ક્ષણોમાં ડિનર બની ગયું અને બટલરે ડિનર-બેલ વગાડયો એટલે સહુ નીચે ડાઈનિંગ ટેબલ પર આવીને ગોઠવાઈ ગયાં. બધાના મનમાં એકજ પ્રશ્ન હતો કે મિસ્ટર બ્લેક કોણ છે ને ક્યારે આવશે?

           જોનાથને બટલર ને પુછ્યું, “આ મિસ્ટર બ્લેક કોણ છે, તું ઓળખે છે?” બટલરે ના પાડી અને કહ્યું કે,”મને એક પત્ર મળેલો અને સાથે થોડાક ડોલર હતા. પત્રમાં લખ્યું હતું કે તમારે આઠ જણ માટે સેવા આપવાની છે અને એમ પણ લખ્યું હતું કે કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું. એ આઠ જણ મારા મહેમાન છે, હું ધારીશ તેમ જ થશે.” ડિનર પતાવી ને સહુ પોતપોતાના રૂમમાં ગયા. અડધી રાતે આશરે બાર વાગ્યે કોઈ ગીત સંભળાયું. કોઈક છોકરીના અવાજમાં ચારે દિશાઓમાંથી ગીતનો અવાજ સાંભળતો હતો. મેરી અને એમિલી તો ડરી ગયા અને બટલર પાસે આવીને કહ્યું, “કોણ છે આ જે ગીત ગાય છે?” બટલરે કહ્યું કે,”મને તો નથી ખબર પણ મે સાંભળ્યુ છે કે વર્ષો પહેલા એક છોકરી આ આઇલેન્ડ પર મૃત્યુ પામી હતી. હોઇ શકે કે તેની આત્મા ભટકતી હોય.” એમીલી અને મેરીના ડર માં વધારો થયો.

           બીજા દિવસે સવાર પડી. સહુ ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે પોતપોતાના રૂમમાંથી નીચે ડાઈનિંગ ટેબલ પર આવ્યા. પરંતુ જોનાથન ક્યાય દેખાતો નહતો. બટલરે કહ્યું, “લાગે છે કાલે રાતે મિસ્ટર જોનાથન ને ઊંઘ નહીં આવી હોય. હું તેમને બોલાવીને લાવું છુ.” બટલર જોનાથન ના રૂમ પાસે જઈને દરવાજો નૉક કરે છે પણ રૂમનો દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હોય છે. અંદર જઈને બટલરે જોયું તો મિસ્ટર જોનાથન ની લાશ. ખૂન થી લથપથ શરીર દેખાતું હતું તેમનું. ગળા પર ચપ્પાના ઘા મરવામાં આવ્યા હતા. અને તેમની લાશની પાસે એક રેકોર્ડિંગ ટેપ પડી હતી. બટલરે જોરથી બૂમ પાડી. બટલરની બૂમ સાંભળીને બધા ઉપર આવી ગયા અને જોનાથન ની લાશ જોઈ. બધા જ એકદમ ડરી ગયા હતા. પણ હવે કરવું શું અહીથી બહાર નિકળવાનો કોઈજ રસ્તો નહતો. ડોક્ટર મોર્ગને લાશની તપાસ કરતાં કહયુ કે, “મિસ્ટર જોનાથનના ગળામાં ચપ્પા વડે ખુબજ ઊંડા ઘા મારવામાં આવ્યા છે જેના કારણે તેમનું મોત થયું.” એમીલીએ કહ્યું કે ,”કોઈ તો છે આ બ્લેક આઇલેન્ડ પર જેણે મિસ્ટર જોનાથનનું ખૂન કર્યું.” બટલરે કહ્યું,” ના, તમે આઠ અને હું એક એમ કુલ મળીને નવ લોકો જ છે આ આઇલેન્ડ પર.” માર્કસને કહ્યું,”તો જરૂર ખૂન આપણાં માંથી જ કોઇકે કર્યું હશે. કેમ બટલર? મને ખબર છે તે જ માર્યા છે મિસ્ટર જોનાથન ને. તારા હાથમાં પણ ચપ્પુ છે.” બટલરે કહ્યું,” હું સાચું કહું છુ મે મિસ્ટર જોનાથન નું ખૂન નથી કર્યું. આ ચપ્પુ તો ત્યારનું મારા હાથમાં છે જ્યારનો હું કિચન માં બ્રેડ પર બટર લગાવતો હતો.” ડોક્ટર મોર્ગને કહ્યું,” મને નથી લાગતું કે બટલરે ખૂન કર્યું હશે, કારણ કે લાશની હાલત જોઈને લાગે છે કે પાંચ કલાક પહેલા તેમનું ખૂન થયું છે. એટલે કે રાત્રે જ્યારે ભર નીંદર માં તે સૂતા હતા ત્યારે. પરંતુ આ કેસેટ શેની છે?”

            મિસ્ટર હોલ્ટર જે સહુથી ઉમ્મર લાયક વ્યક્તિ હતા તેમણે કહ્યું કે,”આપણે આ રેકોડિંગ કેસેટ ને લગાવીને સાંભળવી જોઇએ હોઇ શકે કે તેમાંથી કોઈ સબૂત મળી જાય?” બધા તૈયાર હતા રેકોર્ડિંગ કેસેટ ને સાંભળવા માટે. બટલર ટેપ રેકોર્ડર લઈને આવ્યો અને તેમાં કેસેટ નાખીને વગાડી. તેમાંથી અવાજ સાંભળતો હતો મિસ્ટર બ્લેકનો. ....” હેલ્લો મારા વહાલા દોસ્તો કેમ છો? આ સ્થળ ગમ્યું ને તમને ? મને માફ કરશો હું નથી આવી શક્યો પણ તમને જરૂર મજા આવશે આ આઇલેન્ડ પર. તમે વિચારતા હશો કે આ મિસ્ટર બ્લેક છે કોણ? હું કોણ છુ? આ એક રહસ્ય છે જે તમારા દરેકના જીવન સાથે સંકળાયેલું છે. તમે બધાજ વિચારો કે જીવન માં એવી કઈ પરિસ્થિતી હતી જેમાં તમે કઈક ખોટું કામ કર્યું હોય? જરા વિચારો પોતાના ભૂતકાળ ને વગોળો તો તમને ખ્યાલ આવી જશે કે હું કોણ છુ. હું બાળપણમાં ભણવામાં ખુબજ હોશિયાર હતો પરંતુ હું પ્રથમ નંબર મેળવી શકતો નહતો કારણકે મારા વર્ગનો એક છોકરો હમેશા પ્રથમ નંબરે આવતો. તેને નોકરી મળી ગઇ અને હું રહી ગયો તેના કારણે મને નોકરી ન મળી. એ વ્યક્તિ બીજો કોઈ નથી પણ જોનાથન હતો એટલે મે તેને મારીને તે વાત નો બદલો લીધો છે. જેવા હાલ મિસ્ટર જોનાથનના થયા તેવા તમારા પણ થઇ શકે છે.”

           બસ આટલું સાંભળતાની સાથે જ બધા એક દમ સ્તબ્ધ થઈ ગયા. મિસ્ટર હોલ્ટરે કહ્યું કે,"મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને એક બીજા વિશે જાણવું પડશે. યાદ કરો કોઈ એવી ઘટના જે તમારા સાથે ઘટી હોય ને તમે કઈ ખોટું કર્યું હોય. બની શકે કે બધાની વાત સાંભળ્યા પછી કોઈક હિંટ મળે તો આપણે આ મિસ્ટર બ્લેક ને પકડી શકીશું. હાલ મેક્સ અને માર્કસન, તમે બંને જવાન છો. જાઓ આખો આઇલેન્ડ ખૂંદી વળો. તમે બંને આ પૂરા આઇલેન્ડની ચકાસણી કરો બની શકે કે આ આઇલેન્ડ પર જ મિસ્ટર બ્લેક ક્યાંક સંતાયેલ હોય. અને મિસ જાસ્મિન, મિસ મેરી અને ડોક્ટર મોર્ગન, તમે આ હોટેલના એક એક રૂમની તલાશી લો. બની શકે કે મિસ્ટર બ્લેક આ હોટેલમાંજ ક્યાંક છુપાયેલ હોય?.” આમ માર્કસન અને મેક્સ આઇલેન્ડ ની ચકાસણી કરવા બહાર ગયા અને બાકી લોકો મેરી, જસ્મિન અને ડોક્ટર હોટેલના બધાજ રૂમ તપાસવા ગયા. હાલ મિસ્ટર હોલ્ટર ની સાથે મોટી ઉમ્મરના એમીલી બેઠા હતા. મિસ્ટર હોલ્ટરે બટલર ને બોલાવ્યો અને કહયુ કે ,”ભાઈ થોડી ડ્રિંક ની વ્યવસ્થા કરીશ?” અને પછી બટલર તરતજ ત્યાંથી કિચનમાં ડ્રિંક લેવા ગયો. અચાનક હોટલ ની બહાર કંઈક અવાજ સંભળાયો. કોઈ છોકરી ગીત ગાઈ રહી હોય તેમ લાગ્યું. એમીલી ગભરાઈ ગયા. હોલ્ટરે કહ્યું,” તમે ગભરશો નહીં હું બહાર જોઈને આવું છુ. જોવું તો ખરો કોણ છે?” અને પછી થોડી જ વાર માં બટલર આવ્યો. બટલરે એમીલી ને કહ્યું, “ અરે ડ્રિંક મંગાવીને આ મિસ્ટર હોલ્ટર ક્યાં ચાલ્યા ગયા?” એમીલીએ તેમના જવાનું કારણ જણાવ્યુ અને પછી કહ્યું કે , “મારા માટે એક કપ કોફી લઈ આવીશ બટલર?” બટલરે કહ્યું ,” આપકા હૂકુમ સર-આંખો પર મેડમજી” અને તે કોફી બનવા જતો રહ્યો. થોડીક જ ક્ષણોમાં મેરી, જાસ્મિન અને ડોક્ટર આવ્યા અને જોયું તો એમીલી મૃત હાલત માં હતા. તેમનો ચહેરો નીલો પડી ગયો હતો. તેમની લાશ ને જોઈને મેરી અને જાસ્મિને ચીસ પાડી. બટલર તરતજ કિચનમાંથી દોડી ને બહાર આવ્યો. મિસ્ટર હોલ્ટર પણ બહાર થી અંદર આવ્યા. મિસ્ટર હોલ્ટરે કહ્યું, “ અરે રે આ શું થઈ ગયું? હું થોડી વાર બહાર ગયો એમાં?” વીસેક મિનિટ પછી માર્કસન અને મેક્સ પણ આવ્યા અને કહ્યું કે,” આખા આઇલેન્ડ પર આપના આઠ જણ સિવાય કોઈ જ નથી. અરે? આ શું એમીલી મેડમ પણ???” એટલુ કહેતા જ બંને ચિંતિત થઈ ગયા. ડોક્ટરે કહ્યું,” એમીલીનું ખૂન કરવામાં આવ્યું છે પોઇસન વાળી ટાંકણી તેમના ગાળામાં કોઇકે ભોંકી દીધી છે.” મિસ્ટર હોલ્ટરે કહ્યું, “બટલર તું ક્યાં હતો આ ઘટના બની ત્યારે?” બટલરે કહ્યું, “ હું કિચનમાં હતો મેડમ એમીલીએ મને કોફી બનાવવાનું કહ્યું હતું.” એવામાં મેરીની નજર ટેબલ પર પડી અને કહ્યું કે, “જુઓ પેલી વખતની જેમ આ વખતે પણ એક કેસેટ પડી છે. જેના પર નંબર 2 લખેલ છે.” હોલ્ટરે બટલર સામે જોયું. બટલર સમજી ગયો. તે ટેપ રેકોર્ડર લઈને આવ્યો અને કેસેટ નાખીને ચેક કરે છે...તેમાંથી મિસ્ટર બ્લેકનો અવાજ સંભળાય છે...”હેલો મારા પ્યારા મિત્રો કેમ છો? આટલા ચિંતિત કેમ છો? મરવાનું તો દરેકને છે આજે નહી તો કાલે મરવું તો પડશે જ...હા હા હા ..મને કોલેજમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો મે મારો સાચો પ્રેમ તેની સામે પ્રગટ કર્યો પણ તેણે મારા સાચા પ્રેમ ને ન ઓળખ્યો અને મારી મજાક ઉડાવી. તે યુવતી એટલે એમીલી આજે તેને મોતને ઘાટ ઉતારીને મે બદલો લીધો છે....તેને મારવા માટે જરૂરી પોઇસન મને ડોક્ટરના રૂમમાંથી મળી ગયું. થેન્ક યુ ડોક્ટર...”

            ડોક્ટરે કહ્યું, “ મારી બીજી દવાઓ ની સાથે ભૂલમાં હું પોઇસન પણ લઈને આવ્યો એ મારી ભૂલ. ઓહ માય ગોડ આ શું થઈ રહ્યું છે બધુ?” હોલ્ટરે કહ્યું, “હોટેલ માં આપણા સાત જણ સિવાય કોઈ નથી અને આ ટાપૂ પર પણ આપણે સાત જણ જ છીએ. મારે બધાને ઓળખવા પડશે બધા જ જણ મારી સામે બેસી જાઓ બટલર તું લંચનું આયોજન કર. હવે એક પછી એક જણ મને કહો પોતાના વિશે જણાવો કે તમારાથી શું ભૂલ થઈ છે કે મિસ્ટર બ્લેક તમને મારવા માંગે છે?” બધા સહમત થયા. મેક્સે કહ્યું કે,” મિસ્ટર હોલ્ટર તમને કોઈક નો અવાજ સંભળાયો એટલે તમે બહાર ગયા હતા ને? મહેરબાની કરીને જણાવશો કે એ કોનો અવાજ હતો અને તમે શું જોયું?” ડોક્ટરે કહ્યું, “હા, બિલકુલ બોલો મિસ્ટર હોલ્ટર..” મિસ્ટર હોલ્ટરે જવાબ આપ્યો,”પેલી છોકરી નું ગીત સંભળાયું હતું જે આપણે ગઇકાલે રાતે સાંભળ્યુ હતું. હું તે અવાજ ની દિશા માં ગયો પણ મને કોઈ મળ્યું નહિ એટલે હું પાછો આવતો રહ્યો. મને તો લાગે છે કે આ કામ પણ મિસ્ટર બ્લેકનું જ હશે મને એમીલી થી દૂર કરવા માટે એટલે તેને મોકો મળી જાય એમીલીને મારવાનો."

            ડોક્ટરે કહ્યું, “ઠીક છે હવે હું મારા વિશે તમને બધાને જણાવું છુ. મારૂ નામ છે ડોક્ટર એલબર્ટ મોર્ગન. હું એક સર્જન છુ. ઘણા બધા ઓપરેશન કરીને મે લાખો લોકોના જીવ બચાવ્યા છે. સાન-ડિએગોમાં હું મારી પત્ની ક્લારા અને બેટી નતાશા સાથે રહું છુ. મે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. પણ હાલ જેવા હાલત છે તેને ધ્યાનમાં રાખીને મને એકજ કિસ્સો યાદ આવે છે. મિસ્ટર આલ્ફ્રેડ નો.”  હોલ્ટરે જિજ્ઞાશા સાથે કહ્યું, “મિસ્ટર આલ્ફ્રેડ? એવું તે શું બન્યું હતું? પ્લીસ અમને જણાવો ડોક્ટર.” ડોક્ટરે કહ્યું,” મિસ્ટર આલ્ફ્રેડ મારા પેશન્ટ હતા. તેમનું ઓપેરશન મારે જ કરવાનું હતું. તેમના ઓપરેશન પહેલાજ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ મે તે વાત તેમની પત્નીથી છુપાવી રાખી અને ઓપરેશનના ડૉલર લીધા અને ઓપરેશનનું નાટક કર્યું હતું. હા, હું માનું છુ એ બહુ જ ખોટું કર્યું મે પણ હું જુગારમાં કેટલાક રૂપિયા ગુમાવી ચૂક્યો હતો તેનું દેવું ભરવા મારે પૈસાની સખત જરૂર હતી. એ પછી આજ સુધી મે કોઈનું ખોટું કર્યું નથી કે જુગાર પણ રમ્યો નથી.”

            મિસ જાસ્મિને કહ્યું,” ડોક્ટર સાહેબ તમે બહુ જ ખોટું કામ કર્યું એના કારણે જ તમે અહી છો એટલે જ મિસ્ટર બ્લેક તમને મારવા માંગતા હશે કદાચ” માર્કસને કહ્યું,”પેલા તો એ જાણવું પડે કે મિસ્ટર બ્લેક અને મિસ્ટર આલ્ફ્રેડ વચ્ચે સંબંધ શું હોઇ શકે અને બીજી વાત મિસ્ટર બ્લેકે મેડમ એમીલી ને પ્રેમ નો પ્રસ્તાવ મૂકેલો તો એમીલી મેડમે મિસ્ટર બ્લેક વિશે કેમ આપણને કઈ જણાવ્યુ નહીં. તે તો જાણતા જ હતા ને?” હોલ્ટરે કહ્યું, “હા, બિલકુલ તારી વાત માં દમ તો છે.” મેક્સે કહ્યું,” જો તે જાણતા હોત તો અહી આવ્યા જ ના હોત. મને લાગે છે કે આ મિસ્ટર બ્લેક એ કોઈ નકલી નામ છે. આ માણસ નું અસલી નામ કઈક ઑર જ છે.” ડોક્ટરે કહ્યું,” બેશક હોઇ શકે. પણ મેક્સ તું એમ જણાવ કે તે ક્યારે કોઈ ખોટું કામ કર્યું છે?” મેક્સે કહ્યું ,” જરા પણ નહીં મે ક્યારેય કોઈ જ ખોટું કામ નથી કર્યું. અને જીવન માં પણ ક્યારેય કોઈ જ ખોટું કામ કરીશ નહીં.” હોલ્ટરે કહ્યું,”તો એનો મતલબ એ જ થયો કે તું જ છે મિસ્ટર બ્લેક રાઇટ ને?” ત્યારે જાસ્મિન હસી પડી અને બોલી,”હા હા હા.. મિસ્ટર હોલ્ટર જરા મેક્સ ની ઉમ્મર તો જુઓ ક્યાં મેક્સ અને ક્યાં એમિલી મેડમ. આમ જોવા જઇયે તો તમારી ઉમ્મર એમીલી મેડમ જોડે સારી સેટ થશે.” હોલ્ટરે કહ્યું,” જવાદો હું કોઈ ખૂની નથી. હવે મિસ જાસ્મિન તમે જ કહો તમારા વિશે. તમે કોઈ ખોટું કામ કર્યું છે ક્યારેય?”મિસ જાસ્મિને જવાબ આપ્યો,” હા હું એક સારી સ્વિમર છુ. મે ઘણા બધા લોકોને સ્વિમિંગ સિખવાડી પણ છે. મને યાદ છે કે આજ થી ચાર વર્ષ પહેલા એક નાનો છોકરો જેનું નામ હતું ટોમ એ મારી પાસે સ્વિમિંગ શીખવા આવ્યો હતો. મે તેને સારી રીતે સ્વિમિંગ શીખવ્યું હતું. એક દિવસ એને જીદ પકડી કે એ એક કિનારા થી બીજા કિનારા સુધી સ્વિમિંગ કરીને તેની મમ્મી ને સરપ્રાઇસ આપવા માંગે છે. આખો કિનારો પાર કરવા માટે તે હજી નાનો હતો. છતાં પણ તેની જીદ ને વશ થઈ મે તેને હા પડી અને અધ વચ્ચે દરિયા કિનારે જ તે ડૂબી ગયો. તેના મોતનું અસલી કારણ હુ જ હતી પણ મે આ વાત લોકો થી છુપાવી રાખી હતી કોઈને પણ કહયું નહતું.” મેક્સે કહ્યું કે,” હોય શકે કે એ ટોમી સાથે મિસ્ટર બ્લેક ને કઈક લેવાદેવા હોય? અરે માર્કસન તું બતાવ તે કોઈ ખોટું કામ કર્યું છે?” માર્કસને કહ્યું ,”હું કરોડપતિ બાપ નો એકનો એક દીકરો છુ. નાનપણ થી જ હું મોટર સાઇકલ ખુબજ સ્પીડમાં ચલાવતો. અને પછી પપ્પાએ મારા માટે નવી કાર લાવી આપી. એ કાર થી મે કુલ દસ થી પણ વધારે અકસ્માત કરેલા છે અને દર વખતે પપ્પાએ ડોલર આપી આપીને મને બચાવી લીધો. બની શકે કે એ દસ લોકોમાંથી કોઈ મિસ્ટર બ્લેક નું સગું હોય?” હવે વારો હતો મિસ મેરી નો. મિસ મેરીએ કહ્યું,”હું એક પ્રાથમિક શાળાની શિક્ષિકા છુ અને સારી લેખક પણ અત્યાર સુધી મે ઘણી બધી વાર્તાઓ લખી છે. મે કોઈજ ભૂલ નથી કરી મારા જીવનમાં. પણ એક વાર એક અકસ્માત જોયેલો એમાં જે વ્યક્તિ ગાડી ચલાવનાર હતો તેના વિરુદ્ધ મે કોર્ટમાં જુબાની આપી હતી. બની શકે કે એ વ્યક્તિ સાથે મિસ્ટર બ્લેક ને કોઈ રિલેશન હોય.” મેક્સે કહ્યું,” તમે પેલા રિનસીન રોડ વાળા કેસ ની વાત તો નથી કરી રહ્યા ને જેમાં બે વ્યક્તિઓનું મોત થયું હતું?” મેરીએ કહ્યું,” હા એ જ અકસ્માત ની હું વાત કરું છુ.” મેક્સે કહ્યું,” હવે મને સમજાયું. કે મારૂ નામ આ બ્લેક આઇલેન્ડ ની લિસ્ટ માં કેમ છે. એ આખા અકસ્માત નો રિપોર્ટ ન્યૂજ પેપર માં છાપનાર હું જ હતો. તે ગાડીનો નંબર પણ મે જ ન્યૂજ પેપર માં આપ્યો હતો. માફ કરજો હું જણાવાનું ભૂલી ગયો હું એક ન્યૂજ રિપોર્ટર છુ.” એટલમાં બટલર આવ્યો અને કહ્યું કે,”ચાલો ભોજન તૈયાર છે.” બધા ફ્રેશ થઈને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. હવે બધાએ પેટ ભરીને જમી લીધું. હોલ્ટરે કહ્યું,”અરે બટલર તારા વિષે તો જણાવ?” બધા બટલરની સામે જોવા લાગ્યા અને બટલરે પોતાના વિષયમાં જણાવતા કહયુ કે,”હું અલગ અલગ ટાપુ પર જઈને નોકરી કરું છુ. મે અત્યાર સુધી કોઈનું પણ ખોટું કર્યું નથી. હા મારી બહેન સાથે ખુબજ ખોટું થયું હતું. મારી બહેન ના લગ્ન પહેલાજ તેના થનાર પતિનું એક કાર અકસ્માતમાં અવસાન થયું. તે આ આઘાત સહન ન કરી શકી અને પાગલ જેવી થઈ ગઇ. થોડા દિવસો પહેલા મને આ પત્ર મળેલો જેના અંગે મે તમને પહેલા પણ જણાવ્યુ છે. હું સાચું કહું છુ હું નથી જાણતો મિસ્ટર બ્લેક ને. મને તો માત્ર પૈસા ચૂકવાયા હતા કુરિયર મારફતે.” હોલ્ટરે કહ્યું, “માનો કે ના માનો ખૂની આપણાં માંથી જ કોઈ એક છે.”

                બધા આરામ કરવા પોતાના રૂમમાં જતાં રહ્યા. સાંજ પડી સુરજ અદ્સ્ત થતીઓ દેખાતો હતો. જાસ્મિન પર્વત ની ટોચ પર આવેલા એક મોટા ખજૂરીના વૃક્ષ પાસે ઊભી ઊભી ડુબતા સુરજ ને જોઈ રહી હતી. માર્કસન ની નજર તેના પર પડી. માર્કસન એક નંબર નો બદતમીજ છોકરો હતો. જાસ્મિન દેખાવમાં ખૂબ જ સુંદર હતી, પવન સાથે તેના લાંબા કાળા વાળ લહેરાતા હતા. હાથમા એક ડાયરી હતી. માર્કસન તેની પાસે આવ્યો અને બળજબરી કરવાની કોશિશ કરી. જાસ્મિને તરત જ જોર થી ચીસ પાડી. એટલમાં જ મેક્સ ત્યાં આવી ગયો અને જાસ્મિન નો હાથ પકડી ને તેને બચાવી લીધી. માર્કસન અને મેક્સ વચ્ચે ખૂબ હાથાપાઇ થઈ. બીજા બધા પણ ત્યાં આવી પહોચ્યા અને બધુ શાંત પાડ્યું. જાસ્મિન ને મેક્સ ખૂબ જ સારો લાગ્યો અને તેને પસંદ પણ કરવા લાગી હતી. જાસ્મિને મનોમન વિચારી લીધું હતું કે જો બધા આ બ્લેક આઇલેન્ડ થી જીવતા બહાર નીકળશે તો તે મેક્સને પોતાના દિલ ની વાત કહી જ દેશે. અને આમ જ રાત પડી ગઇ. રાતે પણ પેલું મધુર ગીત સંભળાયું કોઈ છોકરી ના અવાજમાં. માર્કસન જાગી ગયો અને તે રાતે હોટેલ ની બહાર નીકળ્યો. તેણે બટલરને જંગલમાં જતો જોયો. બટલર નો પીછો કર્યો પણ ખબર નહીં ક્યાય ગાયબ થઈ ગયો બટલર.

             સવાર પડી અને હવે આઘાત ખુબજ મોટો હતો. મિસ્ટર હોલ્ટરની ડેડ બોડી સોફા પર પડેલી હતી. તેમના છાતીના ભાગ પર ગોળી મારવામાં આવી હતી. આ બધામાં હોલ્ટર પોતેજ બંદૂક લઈને આવ્યા હતા. તેમની જ બંદૂકથી તેમનું કત્લ થયું. ડોક્ટરે હોલ્ટરને તપાસતા કહ્યું કે,” ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયું છે.” મેક્સે કહ્યું ,” ઘણી અજીબ વાત છે મિસ્ટર હોલ્ટરના ખૂન પછી કોઈ કેસેટ નથી મૂકી ખૂનીએ.” ડોક્ટરે કહ્યું,” હા એની પાછળ પણ કોઈ રહસ્ય હોઇ શકે છે.” જસ્મિન અને મેરી બંને ગભરાયેલા હતા. બટલરે કહ્યુ,”ખૂની આપણાંમાંથી જ કોઈ છે મહેરબાની કરીને આ બધુ ના કરો.” પણ બધા લાચાર ચૂપચાપ ઊભા જ રહ્યા. ખબર નહીં કોણ હશે ખૂની એ અંગે વિચારતા હતા. એમ કરતાં કરતાં એ દિવસ પણ વીતી ગયો.

            બીજી એક સવાર પડી. બધા ડાઈનિંગ ટેબલ પર આવ્યા. મેરી, જાસ્મિન, ડોક્ટર અને માર્કસન પણ અહી હાજર હતા. મેક્સે કહ્યું,” ચાલો આજની સવાર સારી નીકળી કેમ કે આજે આપણે બધા જ સહી સલામત છીએ.” માર્કસને કહ્યું,”પણ મને બટલર ક્યાય દેખાતો નથી.” ડોક્ટરે કહ્યું,” અરે હા બટલર ક્યાં છે? ક્યાંક એનું તો?” બસ આટલું કહેતા જ ડોક્ટર ચૂપ રહી ગયા. મેક્સે કિચનમાં જઇ ને જોયું તો કુહાડી ના ઘા મારેલા હતા બટલરના શરીર પર. પૂરું શરીર લોહી થી ખરડાયેલી હાલતમાં હતું. મેરી અને માર્કસન તથા જાસ્મિન અને ડોકટર ના તો છક્કા જ છૂટી ગયા. મેક્સે કહ્યું કે,” આ ખૂની ને જલ્દીથી શોધવો પડશે નહીંતર આપણાં બધાની પણ આ હાલત નક્કી જ છે. એ દિવસ પણ એમનેએમ ગુજરી ગયો ને અંતે રાત પડી ને ફરી પેલી છોકરી ના ગાવા નો અવાજ સંભળાયો. આ વખતે મેક્સ કોઈ પણ ભોગે તેને પકડવા માંગતો હતો. તે હોટલ ની બહાર આવ્યો અને અવાજ ની દિશા માં આગળ વધ્યો. અવાજ હોટલ ની પાછળથી આવતો હતો. તે તરતજ દોડી ને ત્યાં ગયો. તેને એક દરવાજો દેખાણો. અને કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. મેક્સ ત્યાં છૂપાઈ ગયો અને જે બનાવ બન્યો તે તેની નજરે જોતો અને ત્યાંથી પાછો આવી ગયો.

             માર્કસન ઉદાસ હતો થોડો. તેને પોતાના ઘરની ખૂબ જ યાદ આવતી હતી. તેની ડેશિંગ બાઇક, સ્પોર્ટ્સ કાર અને આલીશાન બંગલો યાદ આવવા લાગ્યા. તેને લાગતું હતું કે અહી આવીને તેને જીવન ની મોટામાં મોટી ભૂલ કરી દીધી છે. ડોક્ટર ને પોતાની પત્ની અને દીકરી ની ખુબજ યાદ આવવા લાગી. ડોક્ટરને થયું કે જો એ અહી ના આવ્યો હોત તો જલસાથી એ પોતાના પરિવાર સાથે રજાઓ માણતો હોત. જાસ્મિન પણ પોતાના નાના ભાઈને મિસ કરતી હતી. શું થશે એ કંઇજ ખબર નહતી. કોણ જીવશે કે કોણ મરશે? હવે સવાર પડી અને મરવાનો વારો હતો ડોકટરનો. પોતાના રૂમમાં જ પંખા પર લટકીને આત્મહત્યા કરી ડોક્ટર મોર્ગને. આ માનવામાં ન આવે તેવી વાત હતી. માર્કસને કહ્યું,” મેક્સ આ આત્મહત્યા નથી જરૂર કોઈએ ડોક્ટરને મારીને જ આ પંખા પર લટકાવી દીધા હશે.” હવે તો મેરી અને જાસ્મિન વધારે ગભરાયેલા દેખાતા હતા. આમને આમ એ દિવસ પણ વીતી ગયો.

            ફરી એક સવાર પડી જે જાસ્મિન માટે મોટો આઘાત લઈને આવી. મેક્સ લાપતા હતો. મેરી અને જાસ્મિને કહ્યું,”માર્કસન, મેક્સ ને શોધી ને લાવ. હોય શકે કે એને આપણી મદદની જરૂર હોય?” માર્કસન હોટેલની બહાર ગયો પર્વત થી નીચે ઉતરી ને આવ્યો. સમુંદર માં મધ દરિયે મેક્સની ટોપી વહેતી જોવા મળતી હતી. માર્કસન સમજી ગયો કે મેક્સ પણ હવે નથી રહ્યો. તેણે આવીને બધી વાત જણાવી. જાસ્મિન ને વિશ્વાસ ન થયો. તે પોતે સમુંદરના કિનારે જઈને જુએ છે તો સાચે જ મેક્સ ની ટોપી તરતી દેખાતી હતી મધ દરિયામાં. એવામાં જોરદાર ધોધમાર વરસાદ ચાલુ થયો. બરફ ના ટુકડા પડવા લાગ્યા. હવામાન ખરાબ થયું. મેરી આવી અને જાસ્મિન ને અંદર હોટલમાં લઈ ગઇ. હોટલમાં જઈને જોયું તો માર્કસન ના ઉપર વિશાળ જૂમ્મર પડ્યું હતું ને માર્કસનના પણ અહી રામ રમી ગયા. મેરી અને જસ્મિન ખુબજ ડરેલા હતા. મેરી એ કહ્યું કે,” જાસ્મિન મને લાગે છે તું જ એ ખૂની છે.” જાસ્મિને કહ્યું,” હું નહીં તું જ ખૂની છે.” બંને જણ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા માંડ્યા. એવામાં અચાનક એક વ્યક્તિ તેમની સામે આવીને ઊભો રહ્યો. તેના હાથમાં બંદૂક હતી. મેરી અને જાસ્મિને જોયું તો તે હતા મિસ્ટર હોલ્ટર. જાસ્મિને કહ્યું,” મિસ્ટર હોલ્ટર શું તમે જીવિત છો? અને આ શું તમારા હાથમાં બંદૂક?”

           હોલ્ટરે જવાબ આપ્યો,”મિસ્ટર હોલ્ટર નહીં મિસ્ટર બ્લેક કહો. હા હુ જ છુ મિસ્ટર બ્લેક જેણે આ બધા લોકોના ખૂન કર્યા છે.” મેરીએ કહ્યું,”પણ તમે જીવીત કઈ રીતે?” મિસ્ટર બ્લેકે કહ્યું,”મે અને ડોક્ટરે આ પ્લાન ઘડ્યો હતો. મે ડોક્ટર ને કહ્યું હતું કે હું મરવાનું નાટક કરીશ અને છૂપી રીતે ખૂનીને પકડીશ. ડોક્ટરને ખબર ન હાતી કે હું જ ખૂની છુ તેમણે મારા નાટક માં સાથ આપ્યો અને પછી મે તેમણે પણ મારી નાંખ્યા. ડોક્ટરે જે વ્યક્તિ નું ઓપરેશન કર્યું હતું તે પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા. તે મારા મોટા ભાઈ હતા. માર્કસને જે અકસ્માત કરેલા તેમાં મારી બહેનણને ઘણી ઇજાઓ થઈ તે ચાલી શકતી નથી. જાસ્મિન ટોમી મારો ભાણીયો હતો. જાસ્મિન અને મેરી હવે તમારો વારો છે.” જાસ્મિન કહ્યું,” મેક્સ નો શું વાંક હતો? મેક્સને કેમ માર્યો?” મેક્સે મારુ કાઇજ નહતું બગાડ્યું. પણ એ એક ક્રાઇમ રિપોર્ટર છે. તેણે મારા ઘણા માણસો ને પોલીસ દ્વારા પકડાવેલા છે બસ તેનો જ બદલો મારે લેવો હતો. પણ હુ તેને મારુ તે પહેલા જ તે દરિયામા ડૂબી ગયો.”

             મિસ્ટર બ્લેકે બંદૂક લીધી અને બંદૂક માં એક જ ગોળી સેટ કરી. અને એક રમત ચાલુ કરી. પહેલો પ્રયત્ન કર્યો જાસ્મિન પર અને જાસ્મિન બચી ગઇ પહેલા રોલમાં ગોળી નહતી. જેવી બંદૂક મેરી તરફ કરી એવો જ કોઇકે જોરદાર પ્રહાર કર્યો મિસ્ટર બ્લેકના માથા પર. પાછળ ઊભો હતો મેક્સ. મેક્સને જોઈને મેરી અને જાસ્મિન ખૂબ ખુશ થયા. જાસ્મિને કહ્યું,”મેક્સ તું જીવે છે? મને ખૂબ જ આનંદ થયો.” મેક્સે કહ્યું મારે મરવાનું નાટક કરવું પડ્યું આ ખૂની મિસ્ટર બ્લેક ને પકડવા માટે. જ્યાં સુધી મિસ્ટર બ્લેક હોશમાં આવે એ પહેલા આપણે અહીથી નીકળી જવું પડશે.” મેક્સ જાસ્મિન અને મેરી ને લઈને હોટેલની બહાર નીકળ્યો. પાછળથી બંદૂક ની એક ગોળી આવી અને મેક્સ ના ખભા પર વાગી. મેક્સે અને જાસ્મિને પાછળ ફરીને જોયું તો મેરી બંદૂક લઈને ઊભી હતી. મેરી જોર જોર થી હસવા લાગી અને કહ્યું કે,”મારૂ અસલી નામ છે મેરી બ્લેક. હા મિસ્ટર બ્લેક મારા પિતાજી છે. મારા પિતાજી જે જે લોકો ને મારવા માંગતા હતા તે દરેકના ખૂન માં મે તેમની મદદ કરી છે હવે તમે બંને આ આઇલેન્ડ પરથી બચીને નહીં જઇ શકો” મેક્સ અને જાસ્મિનનું બચવું હવે મુશ્કેલ હતું. મેરી એ બંદૂક મેક્સના નિશાના પર રાખી અને ટીગર દબાવી પણ ગોળી છૂટી નહીં. કારણકે બંદૂકમાં માત્ર એકજ ગોળી હતી જે તેણે મેક્સ ને ખભા પર મારી હતી. હવે જાસ્મિને પોતાનું સાહસ બતાવ્યુ. એક મોટો પત્થર લઈ મેરીના માથા માં માર્યો અને મેરી બેહોશ થઈ ગઇ. આમ જાસ્મિન અને મેક્સ બચી ગયા.

          મેક્સે કહ્યું,”હજી એક કામ બાકી છે. જો સામે સ્ટીમર આવી ગયું છે આપણ ને લેવા માટે. હું જ્યારે સમુંદરના કિનારે ગયો ત્યારે થોડાક જ સમય માટે મારા ફોનમાં થોડું નેટવર્ક આવ્યું અને મે તરત જ કોલ કરીને હેલ્પ મંગાવી દીધી. જાસ્મિન તું સ્ટીમર પાસે જા હું થોડી જ વારમાં આવું છુ હજી એક કામ બાકી છે. જાસ્મિને કહ્યું,” કયું કામ?” મેક્સે કહ્યું,” બટલર ની પાગલ બહેન. બટલરની બહેન તેના થનાર પતિ ની યાદ માં પાગલ જેવી બની ગઇ હતી. અને તેની યાદ માં સુંદર મધુર ગીતો ગાતી હતી જેને આપણે આત્મા સમજીને બેઠા હતા. બટલર ની બહેનને બટલરે હોટેલ ની પાછળ આવેલા એક સિક્રેટ ગોડાઉનમાં છુપાવી રાખી હતી. પત્ર માં જણાવ્યા પ્રમાણે બટલરે એકલાએ જ અહી બ્લેક આઇલેન્ડ પર આવનું હતું પણ તે તેની બહેનને પણ છૂપી રીતે લઈને આવ્યો તે બટલરની ભૂલ અને એ જ ભૂલના કારણે મિસ્ટર બ્લેકે તેને પણ મારી નાખ્યો. તેની બહેનને હું લઈને આવું છુ. “ જાસ્મિન કિનારા પાસે આવેલા સ્ટીમરમા બેસી ગઈ ને મેક્સ ની રાહ જોવા લાગી. મેક્સ થોડીક જ ક્ષણોમાં  હોટેલની પાછળ આવેલા એક સિક્રેટ ગોડાઉનમાંથી બટલરની બહેનને લઈને આવી ગયો. તે બંને પણ સ્ટીમર માં બેસી ગયા. ગોળી વાગવાથી મેક્સ નું ઘણું લોહી નિકળ્યું હતું. મેક્સને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને મેક્સ બચી ગયો. છેલ્લે અંતમાં જસ્મિને મેક્સને કહ્યું,” મેક્સ, આઈ લવ યુ.” અને મેક્સે આછું સ્મિત આપીને હા નો ઈશારો આપ્યો.

- કુલદીપ