Bhool - 1 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભૂલ - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

ભૂલ - 1

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 1

ચારિત્ર્યહિન પત્ની......!

ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી.

પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર નીકળી.

એણે મીટર જોઈને ભાડું ચુકવ્યું. ટેક્સી આગળ વધી ગઈ.

યુવતીના હાથમાં આશરે બે વર્ષનું એક નાનું બાળક હતું.

એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.

સાંજના પોણાસાત થયા હતા.

એણે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી.

થોડે દૂર પાનની દુકાન પાસે બે-ત્રણ ગ્રાહકો ઊભા હતા. પરંતુ તેમનું ધ્યાન યુવતી તરફ નહોતું. તેઓ પાન ચાવતા વાતોના ગપાટા મારવામાં મશગુલ હતા.

યુવતી આગળ વધી, મકાનમાં પ્રવેશી, પગથિયાં ચડીને પહેલાં માળ પર પહોંચી.

પહેલા માળનું બારણું બંધ હતું.

એણે બારણા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ બારણું ઉઘડ્યું અને એક આકર્ષક યુવાનનો ચ્હેરો ડોકાયો.

યુવતીને જોઈને એ તરત જ એક તરફ ખસી ગયો.

એ અંદર પ્રવેશી ગઈ.

યુવાને ફરીખી બારણું બંધ કરી દીધું.

‘કેમ મોડું થયું કંચન...?’ યુવાને નરમ અવાજે યુવતીને ઉદ્દેશીને પૂછ્યું.

આ દરમિયાન યુવતી એટલે કે કંચને તેના હાથમાં રહેલ બાળકને પલંગ પર સૂવડાવી દીધું હતું.

‘ખર્ચને કારણે મારા પતિ વિનોદ સાથે બોલાચાલી થઈ ગઈ હતી.’ કંચને જવાબ આપ્યો.

‘વધુ પડતો ઝઘડો તો નથી થયો ને?’ યુવાને ચિંતાતુર નજરે તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘ના... મધુકર....!’ કંચન બોલી, ‘પણ...’

‘પણ.. શું...?’ યુવાન કે જેનું નામ મધૂકર હતું, એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘હવે જે કંઈ કરવું હોય, તે જલ્જીથી કર મધુકર! આ ગુંગળામણભરી જિંદગીથી હું કંટાળી ગઈ છું.’

મધુકર મુંબઈનો વતની હતો. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે વિશાળગઢ આવીને સ્થિર થયો હતો. કંચને કોલગર્લના બિઝનેસમાં પગ મૂક્યો, ત્યારથી જ તે એને ઓળખતો હતો. કંચને, મધુકરમાં કોણ જાણે શું જોયું કે એ તેને મનોમન ચાહવા લાગી. જ્યારે એણે મધુકરે આ વાત જણાવી, ત્યારે મધુકરે પણ એના પ્રેમની સ્વીકાર કર્યો હતો.

‘કંચન...’ મધુકર ગંભીર અવાજે બોલ્યો, ‘હવે તારે બહુ રાહ નહીં જોવી પડે! હું જ વખતની રાહ જોતો હતો, તે આવી પહોંચ્યો છે. વિનોદ પહેલાં તો માત્ર બેંકમાં કલાર્ક તરીકે જ ફરજ બજાવતો હતો. પરંતુ હવે તો એ કેશિયરનું કામકાજ પણ સંભાળે છે.’

‘પરંતુ હું વિનોદને ઓળખું છું. મધુકર...! એ બેંક અને પોતાના સિદ્ધાંતો સાથે ક્યારે ય દગો નહીં કરે! એ ખૂબ જ સિદ્ધાંતવાદી છે.’ કંચને કહ્યું. ‘તે આપણને બેંક લૂંટવામાં મદદરૂપ નીવડશે એવું મને નથી લાગતું. એ ખૂબ જ સ્વમાની છે. એ ક્યારે ય પોતાના સિદ્ધાંતો નહીં તોડે!’

‘આ વાત સમજવા માટે તું હજુ નાની છો. કંચન...!’ મધુકરે આગળ વધીને તેના ગાલ થપથપાવતાં કહ્યું. ‘સ્વમાની અને સિદ્ધાંતવાદી માણસોને સહેલાઈથી વિશ્વાસઘાતી બનાવી શકાય છે! જ્યારે માથા પર ભાર આવી પડે છે, ત્યારે માણસ આ સ્વમાન અને સિદ્ધાંતને નેવે મૂકી દે છે? વિનોદને પણ બેંક સાથે વિશ્વાસઘાત કરવો પડશે....! પોતાના સિદ્ધાંતો તોડવો પડશે.’ કહીને મધુકરે એક સિગારેટ સળગાવી.

‘વિનોદ સ્વમાની અને સિદ્ધાંતવાદી છે એની મને ખબર છે. એની નસોમાં વહેતાં લોહીના એક એક ટીપામાં ઈમાનદારીભરી છે. પરંતુ આવા લોકો દબાણમાં આવીને તૂટી જાય છે. જ્યારે પૈસા ચુકવવાનો ભાર એના માથા પર આવી પડશે ત્યારે પોતાની આબરૂનો ધજાગરો થવાનો ભય પણ તેને લાગશે. કોઈ પણ રીતે આબરૂ બચાવવા ખાતર તે પ્રયાસો કરશે. એના ઘરમાં તે જ ફ્રીઝ, ટી.વી. તેમ જ અન્ય વસ્તુઓ હપ્તેથી ખરીદી છે, એ વસ્તુઓની હરરાજ થવાનો વખત આવશે ત્યારે એ પોતાના સિદ્ધાંતો ભૂલી જશે. સિદ્ધાંત અને ઈમાનદારી કોને કહેવાય, એ પણ તેને યાદ નહીં રહે.’

‘હૂં....’ કંચનના ગળામાંથી હૂંકાર નીકળ્યો, ‘પછી...?’

‘પછી શું....?’

‘પછી શું કરવાનું છે?’

‘એ થાકી જશે... તૂટી જશે.... ભાંગી પડશે, નિરાશ થઈ જશે ત્યારે આપણે તેની સામે ચારો ફેંકી દેશું....!’ મધુકરે એક ઊંડો કસ ખેંચીને લુચ્ચાઈભર્યું સ્મિત ફરકાવતા કહ્યું.

‘તો તારી જાણ માટે... એ થાકી ગયો છે.... તૂટી ગયો છે..... નિરાશ થઈ ગયો છે....! ચારો ફેંકવા માટે અત્યારે આપણે માટે સોનેરી તક છે!’ કંચન ધીમા અવાજે બોલી.

‘ના....’

‘કેમ...?’

‘હજુ તેને આશા છે...! તેને ઊછીના પૈસા મળી મળી જશે એવા ભ્રમમાં એ રાચે છે!’ મધુકરે પૂર્વવત્ અવાજે કહ્યું. ‘પરંતુ આજના જમાનામાં કોઈનીય પાસે એવા ફાલતું પૈસા નથી કે તેને ઊછીના આપી દે! અત્યારે શેર બજારનું જોર ખૂબ જ વધી ગયું છે. એટલે તેના મિત્રો વિગેરે પૈસા એને આપવા કરતાં તો શેરનાં ફોર્મ ભરવાનું વધુ પસંદ કરે! કારણ કે વિનોદને પૈસા ઊછીના આપવાની કંઈ વળતર ન મળે જ્યારે શેરમાં તો તેમને રોકાણ કરતાં ત્રણચાર ગણું વળતર મળવાની આશા હોય છે.’

‘તારી વાત સાચી છે... આ જ વાત વિનોદ પણ કહેતો હતો. એણે તેના બે-ત્રણ મિત્રોને ઊછીના પૈસા આપવા માટે જણાવ્યું હતું. પરંતુ એ લોકોએ હમણાં શેરમાં બહુ રોકાણ થઈ ગયું છે એમ કહીને વિવેકથી તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. પરંતુ એક વાત છે....’

‘શું...?’

‘કદાચ વિનોદ વ્યાજે પૈસા લેવાનો પ્રયાસ કરશે....!’

‘એ વ્યાજે પૈસા લે તો તો એના જેવો ભગવાન પણ નહીં.’

‘કેમ.....?’

‘એ વ્યાજના ચક્કરમાં ફસાય એમ તો હું ઈચ્છું છું. મારી યોજનાનું પહેલું કારણ જ, વિનોદ વ્યાજે પૈસા લે એ છે...’ મધુકરે સિગારેટના ઠૂંઠાને એશ-ટ્રેમાં પધરાવતા કહ્યું.

‘શા માટે....?’

‘એટલા માટે કે વિનોદને મારો માણસ જ વ્યાજે પૈસા આપશે! એટલું જ નહીં. એ માણસ સાથે વિનોદની મુલાકાત પણ તારે જ કરાવવાની છે.’

‘મ...મારે..?’

‘હા...જ્યારે હપ્તો જમા કરાવવા ગઈ ત્યારે ત્યાં તારી ઓળખાણ વ્યાજે પૈસા આપનાર એ માણસ સાથે થઈ હતી, એવું બહાનું તું વિનોદ પાસે કાઢી શકે તેમ છે.’

‘પરંતુ આમ કરવાથી વિનોદને શંકા નહીં ઊપજે?’ કંચને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘એ તો હવે તું કઈ રીતે તારી વાતનો ઘૂટડો વિનોદના ગળે ઊતરાવી શકે છે, એના પર આધાર રાખે છે!’ કહીને મધુકરે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી.

‘મધુકર....તારે જે કરવું હોય તે કર..... પરંતુ મને જલ્દીથી એ નર્કમાંથી બહાર કાઢ!’ કંચન ધીમેથી બબડી, ‘ત્યાં મારો જીવ એકદમ ગુંગળાય છે...! તારે ખાતર મેં કેટલો ભોગ આપ્યો છે!’

‘હું સમજું છું કંચન....! તારા મનની હાલતથી હું જરા પણ અજાણ નથી. આપણા પ્રેમને ખાતર તું જે નર્કભર્યું જીવન પસાર કરે છે, એની મને ખબર જ છે. પરંતુ હવે થોડા દિવસોની જ વાર છે!’ મધુકર ભાવુક અવાજે બોલ્યો, ‘તારો ભોગ એળે નહીં જાય!’ મારી યોજના પૂર થાય પછી તને કોઈ જાતનું દુઃખ નહી રહે...! કશીયે તકલીફ નહીં પડે! હું દુનિયાભરનાં સુખો તારા ચરણે ધરી દઈશ!’

‘મ...ધુ...ક...ર...’ આનંદના અતિરેકથી કંચનનો અવાજ ધ્રૂજતો હતો.

‘હા, કંચન....! અન્ય સ્ત્રીઓ તારા નસીબની ઈર્ષા કરશે,.!’

કંચનના દેહમાં ધ્રૂજારી ફરી વળી.

એના કલ્પના ચક્ષુ સમક્ષ આલિશાન બંગલો, કાર, નોકર-ચાકર તેમન અન્ય સુખ-સમૃદ્ધિ તરવરી ઊઠ્યા.

‘શું વિચારે છે કંચન...?’

‘મધુકર...!’ એ તંદ્રામાંથી બહાર આવીને ગંભીર અવાજે બોલી, ‘તું મારી સાથે દગો તો નહીં કરેને?’

‘આ તું શું બોલે છે કંચન....? આવી હલકી વાત તારા મગજમાં આવી જ કેવી રીતે...? તારા વગર જીવવાની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી.’ મધુકર લાગણીભર્યા અવાજે બોલ્યો.

‘તારી વાત સીચ છે કંચન, તારો ભય સાચો છે... માટે ભાગે આમ જ બનતું હોય છે! પૈસા હાથમાં આવતાં છ માણસનું મગજ વિચારની દશા બદલી નાખે છે...! પરંતુ પ્રેમ પાસે આ પૈસા મહત્વહીન બની જાય છે! હીરો પોતાના પ્રેમ ખાતર બાપની કરોડો રૂપિયાની મિલકત છોડીને ચાલ્યો જાય છે, એવું તો તું ઘણી ફિલ્મોમા જોઈ ચૂકી હોઈશ!’

‘હા, જોયું છે.... પરંતુ એવું માત્ર ફિલ્મોમાં જ બને છે! વાસ્તવિક્તા સાથે તેને કંઈ સંબંધ નથી હોતો.’

‘બરાબર છે.... પરંતુ પ્રેમ ખાતર કરોડો રૂપિયાની મિલકતને માણસ ઠોકર મારતાં નથી અચકાતો એટલું તો તું સમજી જ ગઈ છો ને...? કંચન, પ્રેમમાં આવી તાકાત છે કે જેની સામે પૈસો ખૂબ જ વામણો અને ગૌણ બની જાય છે. એ બંનેને કદાપિ એક ત્રાજવામાં તોલવામાં નથી આવતા. અને કદાચ તોલવામાં આવે તો પણ હંમેશા પ્રેમનું પલ્લું જ નમેલું રહે છે. સામેના ત્રાજવામાં ગમે તેટલા પૈસા મૂકો તો પણ પ્રેમનું પલ્લું પોતાના સ્થાનેથી જરા ય ચસકતું નથી. એ સ્થિર અને અડગ જ રહે છે. કંચન, તું મહારાણી બનીને મારા હ્લદયના સમ્રાજ્ય પર રાજ કરે એમ હું ઈચ્છું છું.’

‘પણ તેમ છતાંય તુ મારી સાથે દગો કરીશ તો હું ક્યાંયની નહીં! કંચન ભયભીત અવાજે બોલી, ‘ કોણ જાણે કેમ ક્યારેક ક્યારેક મને તારાથી ખૂબ જ ડર લાગે છે...!’

‘મારાથી...?’ મધુકરે થોથવાતા અવાજે પૂછ્યું.

‘હા...’

‘એ તારો વહેમ છે કંચન...!’

‘તું...તું મને ચાહે છે ને મધુકર...?’ કંચને એનાથી મુક્ત થઈને ગંભીર અવાજે પૂછ્યું.

‘લે, કર વાત...! આ તો ચંદ્રમા જોઈને કોઈ પૂછે કે અત્યારે દિવસ છે કે રાત એના જેવી વાત થઈ!’

‘તો પછી આપણા પ્રેમની વચ્ચે આ પૈસો ક્યાંથી આવ્યો? શું તને પૈસા મારા કરતાં વધુ વ્હાલો છે?’ કંચને મધુકરની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું.

‘કંચન... હમણાં જ હું કહી ચૂક્યો છું તેમ પ્રેમને પૈસારૂપી ફૂટપટ્ટીથી નથી માપી શકાતો પરંતુ તેમ છતાંય જીવવા માટે પૈસો હોવો જરૂરી છે...! આપણે બજારમાં જઈને, આપણો પ્રેમ બતાવીશું તો વેપારી આપણને મફતમાં જ કોઈ ચીજવસ્તુ નહી આપી દે. એ આપણો પ્રેમ નહીં પણ આપણા પૈસા સામે જ જોશે, તે તો ભૂખની કાળી રાતો જોઈ છે. પૈસા વગરના પ્રેમને લોકો માત્ર મોંની વાતો કહે છે એ તો તું જાણતી જ હોઈશ! પ્રેમ તો માત્ર ભરેલા પેટવાળાઓના જ હોય છે...! ભૂખ્યાને માત્ર ભોજન પ્રત્યે જ પ્રેમ હોય છે....! ગરીબીના અંધકારમાં આપણો પ્રેમ મૃત્યુ પામે અને આપણને તેની ખબર ન પડે એમ હું નથી ઈચ્છતો!’

‘પરંતુ તું તો પુરુષ છો...’ તું જે કંઈ કમાઈ લાવીશ, હું ગુજરાન ચલાવી લઈશ!’ કંચને કંપતા અવાજે કહ્યું, ‘આપણાં પ્રેમ ખાતર તારે ગુનારૂપી કળણ (દલદલ)માં ઉતરવું એ કંઈ જરૂર નથી.’

‘મારી કમાણી...!’ મધુકર ફિક્કું સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘કેમ...તું કંઈ કમાતો નથી...?’

‘ઘણું કમાઉ છું....’

‘મારી કમાણી હજુ પણ બ્લેક બિઝનેસ, અર્થાત્ કાળા ધંધાઓ પર જ આધારિત છે....!’

‘એટલે...?’

‘એટલે એમ કે હું સોના-ચાંદી તેમ જ માદક પદાર્થોનો બિઝનેસ કરતી એક ગેંગનો સભ્ય છું!’

‘શું...?’ કંચને નર્યાનિતર્યા અચરજથી તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘હા...હું સાચું જ કહું છું કંચન...! તારાથી વળી શા માટે કોઈ વાત છૂપાવવી પડે? મારી જિંદગીની દરેક પળો જોખમ વચ્ચે જ પસાર થાય છે. કોઈપણ દિવસે... કોઈપણ ખૂણામાંથી પોલીસની ગોળી કે પોલીસનો હાથ આવીને આપણી જુદાઈનુ કારણ બની શકે તેમ છે. તું હંમેશને માટે મારી પાસે આવે ત્યારે પછી તારે દરરોજ, તારો પતિ એટલે કે, હું જીવતો પાછો ફરીશ કે નહીં, એવો ભયના ઓથાર નીચે જીવવું પડે એમ હું નથી ઈચ્છતો.’

‘ન...ના...પ્લીઝ... એવું બોલીશ નહીં...!’ કંચને ઝડપભેર એના હોઠ પર હાથ મૂકતાં કહ્યું.

‘એટલા માટે જ તો હું તને મારી પત્ની બનાવતાં પહેલાં તારું ભવિષ્ય સલામત બનાવી નાંખવા માંગું છું...’ કહેતાં કહેતાં ફરીથી મધુકરનો અવાજ એકદમ ગળગળો થઈ ગયો.

‘મધુકર... તું જેને ચાહે છે, એને દરરોજ પારકા પુરૂષની સાથે રહેવું પડે છે, એની તેને ઈર્ષ્યા નથી થતી?’

‘થાય છે... પરંતુ, એ જ્યાં છે, ત્યાં સલામત છે... કોઈકની પત્ની છે... કોઈ ધંધાદારી કોલગર્લ નથી... એવા વિચારે મને ઈર્ષ્યા નથી થતી. કદાચ કાલે ઉઠીને મારી આંખ હંમેશને માટે મીંચાઈ જાય તો મને એટલો તો જરૂર સંતોષ રહેશે કે તું કોઈકની પત્ની છો... વાસનાભૂખ્યા વરૂઓથી તું સલામત જ રહીશ....!’

મધુકરના આ વિચિત્ર તર્કનો કંચનને કોઈ જવાબ ન સૂઝ્યો. એ ચૂપ જ રહી.

‘કંચન...!’ એને ચૂપ જોઈને મધુકર ફરીથી બોલ્યો, ‘હું તને અનહદ ચાહું છું...!’ ખરા હ્લદયથી ચાહું છું...! બસ, હું તને દુઃખી જોઈ શકતો નથી. તારે ફરીથી દેહનો વેપાર શરૂ કરવો પડે એ મારાથી જોઈ શકાય તેમ નથી. મને મારી જાત કરતાં પણ તારી ફિકર વધુ થાય છે!’ એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.

મધુકર સાચું કહે છે. એવું કંચનને લાગતું હતું. એ તેને સાચો પ્રેમ કરે છે, એટલા માટે જ તો એણે તેનું ભવિષ્ય સલામત કર્યું છે.

શંકાનું એ બી એના મનમાં ઊગ્યું હતું, એનું સ્થાન દૃઢ વિશ્વાસે લઈ લીધું.

મધુકર જેવો માણસ પર શંકા કરવા બદલ એ મનોમન ભોંઠપ અનુભવવા લાગી.

‘કંચન... હું તને નથી ચાહતો એવી કોઈ શંકા હજુ પણ તારા મનમાં રહી ગઈ છે?’ મધુકરે વ્યાકુળ અવાજે પૂછ્યું. પૂછતી વખતે એની આંખોમાં નિરાશા વ્યાપેલી હતી.’

‘ના, મધુકર...!’ એ પીડાભર્યા અવાજે બોલી, ‘મને માફ કરી દો...!’

‘તેં એવો તે ક્યો ગુનો કર્યો છે કે જેના કારણે તું મારી માફી માંગે છે?’ મધુકરે પૂછ્યું.

‘મેં મનોમન તારા પર શંકા કરી હતી...!’

‘અરે, ગાંડી.. એમાં માફી ન માંગવાની હોય...!’ મધુકર લાગણીભર્યા અવાજે બોલ્યો, ‘એમાં તારો કંઈ જ વાંક નથી. તારે સ્થાને બીજી કોઈ હોય તો તે પણ આવી જ શંકા કરે...! આમ જ વિચારે! અને તારી શંકા ખોટી પણ નહોતી. હું કેવા ખતરનાક ધંધામાં છું એની તને ખબર જ નહોતી. ખેર, એક મોટો હાથ માર્યા પછી આપણે આ શહેરથી ક્યાંક દૂર બીજાં શહેરમાં જઈને શાંતિથી શરીફ માણસની જેમ રહેશું. આપણાં ભાવિ જીવનમાં આપણે બંને આરામથી રહેશું.’

સુખમય ભવિષ્યની કલ્પના કરતાં જ કંચનના ચહેરા પર રોનક ફરી વળી. એની આંખો અનાયાસે જ બીડાઈ ગઈ.

પોતે સમયને પાર કરીને ખરેખર જ મહારાણી બની ગઈ હોય એવો તેને ભાસ થયો.

‘તું શું વિચારમાં ડૂબી ગઈ છો?’

‘હેં...?’ એણે ચમકીને આંખો ઉઘાડી.

‘હું એમ પૂછું છું કે તું શું વિચારે છે...?’

‘કંઈ નહીં...’ એ બોલી, ‘તારા પ્રેમનો અનુભવ કરતી હતી.’

‘આંખો બંધ કરીને...?’

‘હા...’

‘એક વાર મારો હેતુ પાર પડી જવા દે...! પછી તું જોઈ લેજે...!’

‘પછી શું થશે...?’

‘એ હું અત્યારથી કેવી રીતે કહું...?’

‘કેમ...?’

‘ઠીક છે... ચાલ, તુ આગ્રહ કરે છે તો કહી નાખું છું...!’ મધુકરે શરારતભર્યા અવાજે બોલ્યો, ‘સાંભળ.... પછી હું ક્રિકેટની આખી ટીમ ઊભી કરીશ. હું એ ટીમનો કેપ્ટન બનીશ અને તું વાઈસ કેપ્ટન... બનીશ અને તું વાઈસ કેપ્ટન...!’

‘તું મોટો બદમાશ છે...!’ કંચને લજ્જાભર્યું સ્મિત ફરકાવતાં કહ્યું.

‘એ તો શંકા વગરની વાત છે! એક પરિણીત સ્ત્રીને ફસાવી રાખી છે એ કંઈ મામૂલી પૂરાવો છે?’ મધુકરના અવાજમાં મજાકનો સૂર હતો.

‘તારી યોજનામાં કંઈ ગરબડ તો ઊભી નહીં થાય ને?’ કંચને ગંભીર અવાજે પૂછ્યું.

‘ના... મારી યોજના એકદમ ફૂલપ્રૂફ અને જડબેસલાક છે. એમાં ક્યાંય ચૂક થવાની કોઈ શક્યતા નથી.’ મધુકર પણ ગંભીર બની ગયો.

‘કામ પતી ગયા પછી તું વિનોદનું શું કરવા માંગે છે...?’

‘હું એનાથી છૂટકારો મેળવી લઈશ...!’

‘એટલે...?’

‘છૂ઼ટકારો એટલે છૂટકારો...!’

‘તું એનું ખૂન કરી નાખીશ...?’

‘ના...’

‘તો પછી...?’

‘પોલીસ વિનોદની ધરપકડ કરી લેશે...! મારે શા માટે લોહીમાં હાથ રંગવા જોઈએ?’

‘પરંતુ ધરપકડ થયા પછી એ તારો ભાંડો પણ ફોડી શકે તેમ છે!’ કંચને ગભરાતા અવાજે કહ્યું.

‘ના... એ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ મારો ભાંડો નહીં ફોડી શકે!’

‘કેમ...?’

‘એટલા માટે કે તે મધુકરનો નહીં, પણ અવિનાશનો સાથીદાર-સહાયક હશે. એ મને અવિનાશ જ સમજતો રહેશે.’

‘બરાબર છે... પરંતુ એ તારા દેખાવનું વર્ણન તો પોલીસને જણાવી જ શકે તેમ છે ને?’

‘તો ભલેને જણાવે...! એનાથી મને કશો યે ફર્ક નથી પડવાનો! કારણ કે હું મારા વાસ્તિવક રૂપમાં નહીં પણ મેકઅપ કરીને જ તેને મળીશ! એ જિંદગીભર એવા અવિનાશને યાદ કરતો રહેશે કે જેનું કોઈ અસ્તિત્વ જ નહીં હોય! મેકઅપ દૂર કર્યા પછી સાચા રૂપમાં જઈને જો હું જ અવિનાશ છું. એમ કબૂલ કરીશ તો પણ તેને મારી વાત પર ભરોસો નહીં બેસે! એટલે એણે જણાવેલા વર્ણનના આધારે પોલીસ મને પકડી શકશે એવો ભય તું તારા મનમાંથી કાઢી જ નાખ! પોસી લાખ પ્રયાસો પછી પણ મારા સુધી નહીં પહોંચી શકે!’ મધુકરે ગર્વભર્યા અવાજે કહ્યું.

‘કમાલ કહેવાય...!’ કંચન આશ્વર્યચક્તિ અવાજે બોલી, ‘આવું પણ બની શકે છે?’

‘આ દુનિયામાં કશું જ અશક્ય નથી કંચન...! બસ, તું જે થાય, તે જોયો રાખે...!’ કહીને એણે કંચનને પોતાના બાહુપાશમાં જકડી લીધી.

--અને ત્યાર પછી રૂમમાં એ રમત શરૂ થઈ ગઈ કે જે પ્રેમની અંતિમ માંગણીના રૂપમાં રમવામાં આવે છે.

એકાદ કલાક પછી કંચન ઘેર પહોંચી ત્યારે વિનોદ હજુ પાછો નહોતો આવ્યો.

ત્રણે છુટકારાનો શ્વાસ લીધો.

અલબત્ત, વિનોદ નામું કરીને નવ વાગ્યા પહેલાં નથી આવવાનો એ વાત તે જાણતી હતી. પરંતુ ગુનો કરનાર માણસ હંમેશા ભયના ઓથાર નીચે જ જીવતો હોય છે.

કદાચ વિનોદ આજે દરરોજ કરતાં વહેલો આવી ગયો હશે એવો ભય કંચનને લાગતો હતો.

એનો પુત્ર રાજી રસ્તામાં જ ઊઠી ગયો હતો અને ભૂખને કારણે રડતો હતો.

કંચને એના મોંમા દૂધની બોટલ મૂકીને પલંગ પર સૂવડાવી દીધો.

ત્યારબાદ ઝપાટાબંધ વસ્ત્રો બદલીને તે રસોડામાં કામે લાગી ગઈ.

પોતા ક્યાંય બહાર ગઈ હતી એવી શંકા વિનોદને ન આવે એટલા માટે તે એના આગમન પહેલાં જ રસોઈ બનાવી નાંખવા માંગતી હતી.

વિનોદના આગમન પહેલાં જ એણે રસોઈ બનીવી નાંખી.

આમે ય એ સાડા નવ વાગ્યે આવ્યો હતો.

એણે આવ્યા પછી ચૂપચાપ વસ્ત્રો બદલ્યા.

આ દરમિયાન કંચને ટેબલ પર થાળી મૂકી દીધી.

‘આજે તો તને આવતાં બહું મોડું થઈ ગયું...?’ કંચને તેની બાજુમાં બેસતાં ઉત્સૂક અવાજે પૂછ્યું.

‘હા... પૈસા મળવાની આશા હતી, એવી એક-બે જગ્યાએ ગયો હતો.’ વિનોદે નિરાશાભર્યા અવાજે કહ્યું.

‘શું થયું...? પૈસાની વ્યવસ્થા થઈ....?’

‘ના...’

વિનોદનો જવાબ સાંભળીને કંચને મનોમન રાહત અનુભવી.

‘આમ કહેવાથી કંઈ નહીં વળે વિનોદ...!’ પ્રત્યક્ષમાં એ બોલી, ‘લેણીયાતોને પૈસા જોઈએ છે, બહાના નથી જોઈતા! ખાસ કરીને દૂધવાળો અને ધોબી તો અઠવાડિયાની જ મુદત આપી ગયા છે. જો અઠવાડિયામાં તેમને પૈસા નહીં, આપીએ તો તેઓ અહીં જ અડ્ડો જમાવીને બેસી જશે. હું તેમને વાયદા કરી કરીને થાકી ગઈ છું. હવે તેઓ કોઈ સંજોગોમાં માને તેમ નથી. માંડ માંડ હાથે-પગે લાગીને મેં તેમની પાસેથી અઠવાડિયાની મુદ્દત લીધી છે.’

‘કંચન... મેં તને કેટલી વાર કહ્યું કે હું જમવા બેઠો હોઉં ત્યારે આવી વાત તારે ન કરવી! પરંતુ કોણ જાણે ક્યારે મારી વાત તારા મગજમાં ઊતરશે! હું સવારથી મહેનત કરું છું.... આખો દિવસ રખડપટ્ટી કરું છું, એનું તને કંઈ નથી થતું?’ વિનોદ વેદનાભર્યા અવાજે બોલ્યો, ‘તું મારી પત્ની છો... મારા સુખદુઃખની ભાગીદાર...! તારે મારી સાથે નરમાશભર્યું વર્તન દાખવવું જોઈએ વાત ક્યારે તને સમજાશે...?’

વિનોદના અવાજમાં કોણ જાણે શું હતું કે કંચનનું કાળજું કંપી ઊઠ્યું.

ઈશ્વર અને કુદરતે બક્ષેલા નારી સંસ્કાર થોડી પળો માટે જાગૃત બની ગયા.

એ મનોમન પોતાની જાત પ્રત્યે ગ્લાનિ અનુભવવા લાગી.

પછી કંઈ ન સૂઝ્યું, તો તે રાજુને લઈને શયનખંડમાં ચાલી ગઈ.

એણે ટી.વી. ચાલુ કર્યું.

અંગ્રેજીમાં સમાચાર આવતા હતા.

વીસેક મિનિટ પછી વિનોદ પણ શયનખંડમાં આવ્યો.

ટી.વી. પર એ વખતે બીજા દિવસના કાર્યક્રમોની વિગતો આવતી હતી.

ટી.વી.ની સ્વીચ ઓફ કરીને તે ચૂપચાપ પલંગ પર આડો પડ્યો.

‘તું જાગે છે કંચન...?’ જાણે કોઈક ગુનો કરતો હોય એવા અવાજે એણે પૂછ્યું.

કંચનના હ્લદય પર જાણે કે છૂરીની ધાર ફરી વળી. વિનોદની માફી માગીને ગુનો કબૂલી લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી.

પરંતુ મધુકરે એને જ સુખદ ભવિષ્યનું સપનું બતાવ્યું હતું. એણે તેના મોં પર તાળું મારી દીધું.

‘આવા સંજોગોમાં તો કોઈક પાગલને જ ઊંઘ આવે!’ એ કઠોર અવાજે બોલી.

‘તું ફિકર ન કર! બધું બરાબર થઈ રહેશે!’ વિનોદે કોમળ અવાજે ક્હ્યું, ‘મેં એક માણસ સાથે વાત કરી લીધી છે. એ વ્યાજે પૈસા આપવા તૈયાર છે.’

‘તેં... તે વાત કરી લીધી છે?’ કંચનના અવાજમાં નિરાશાનો સૂર હતો.

એને મધુકરની યોજના પર પાણી ફરી વળતું દેખાતું હતું.

એનું દિમાગ ચકરાવે ચડી ગયું.

‘કેમ...? તે જ તો મને વ્યાજે પૈસા લેવાની સલાહ આપી હતી.’ એના મનોભાવથી અજાણ વિનોદે ચમકીને કહ્યું, ‘પૈસાની વ્યવસ્થા થઈ જશે એ વિચારે તો તારે ખુશ થવું જોઈએ.’

‘ના, એવું કંઈ નથી...?’ કંચન કચવાતે મને બોલી, ‘વ્યાજે પૈસા લેવાનું યોગ્ય છે કે નહીં એનો વિચાર હું કરતી હતી.’

‘એ તો તારે પહેલાંથી જ વિચારવું જોઈતું હતું. એ વખતે તો તું એક જ કક્કો ઘૂંટતી હતી કે ગમે તેમ કરીને પૈસા ચૂકવવા પડશે!’

‘એ તો હું હજુ પણ કહું છું.’

‘તો પછી...?’

‘વિનોદ... અત્યારે આપણે વ્યાજે પૈસા લાવીને ચૂકવી દેશું. તો વ્યાજ પણ ચૂકવવું પડશે! આપણી કુલ માસિક આવક સાતસો-આઠસો રૂપિયા જેટલી છે અને એમાંથી વ્યાજમાં પૈસા ચૂકવવા પડશે!’

‘ના, કંચન...! મારે એક પ્રાઈવેટ પેઢીમાં નામાની વાતચીત ચાલે છે! બેંકે તો મારે અગિયાર વાગે પહોંચવાનું હોય છે. સવારના સાતથી દસ વાગ્યા સુધી નવરો હોઉં છું. આ ત્રણ કલાક દરમિયાન હું નામું કરીશ. ત્રણ કલાકના મહિને સાડાચારસો રૂપિયા મળશે. એમાંથી વ્યાજનો ખર્ચ બારોબાર નીકળી જશે.’ વિનોદે તેને આશ્વાસન આપતાં કહ્યું.

‘તને આરામ કરવા માટે માંડ સવારનો વખત મળે છે!’ અનાયાસે જ ઈચ્છાન હોવા છતાં પણ કંચનથી કહેવાઈ ગયું, ‘સવારથી રાત સુધી આટલી મહેનત કરીશ તો તું બિમાર પડી જઈશ!’

‘કંચન, તું આવું કહીશ એ હું જાણતો જ હતો. પરંતુ તું ફિકર ન કર! રવિવાર સિવાય પણ બીજી ઘણી રજાઓ આવે છે. હું ઘરમાંથી ગેરહાજર રહું છું એનો તને આભાસ પણ નહીં થાય! અલબત્ત, થોડા દિવસો સુધી આ વાત થોડી અટપટી તો જરૂર લાગશે, પણ પછી આપણે ટેવાઈ જશું.’

‘ના... તારે આટલી મહેનત ન કરવી જોઈએ!’ કંચન રડમસ અવાજે બોલી, ‘તને કંઈ થઈ જશે તો મારું શું થશે?’

વિનોદે હાથ લંબાવીને તેને પોતાની નજીક ખેંચી લીધી. પછી હસીને બોલ્યો, ‘અરે... મને કંઈ જ નથી થવાનું. તુ નાહક જ મારી ચિંતા કરે છે! હજુ તો મારી ઉંમર ત્રીસ વર્ષની પણ નથી થઈ. એકદમ યુવાન અને સશક્ત છું. અત્યારનો વખત આરામનો નહીં, પણ કામ કરવાનો છે.’

‘મારે કારણે જ તારે આટલી તનતોડ મહેનત કરવી પડે છે! મેં હપ્તા પદ્ધતિથી આટલી મોંઘી ચીજવસ્તુઓ ખરીદીને ખરેખર ભૂલ કરી નાખી છે!’ કંચન ધીમેથી બોલી.

‘અરે ગાંડી....!’ વિનોદના અવાજમાં મીઠો ઠપકો હતો, ‘ઘરમાં ચીજ-વસ્તુઓ આવ્યા પછી તેને ન વગોવવી જોઈએ. જે થયું તે થયું! બગડેલી બાજીને સંભાળવામાં જ ડહાપણ છે. બસ, હવે એક મહેરબાની કરજ મારા પર!’

‘શું...?’

‘ભૂલચુકે ય હવે ક્યારે ય આ રીતે કંઈ પણ ખરીદી કરીશ નહીં!’

‘ના... હવે તો કાન પકડું છું...’

‘તું તારી નાદાનીયતમાં જ ભૂલ કરે છે તેની મને ખબર હતી. બાકી કોઈ જાણીજોઈને પોતાનાં જ સંસારમાં આગ બનાવે ખરું...? તું બહુ ભોળી છો કંચન!’

વિનોદની વાત સાંભળીને કંચનનું કાળજું ચીરાઈ ગયું.

પોતે પોતાનાં દેવતા સમાન પતિ સાથે વિશ્વાસઘાત કરે છે, એ વિચારથી જ તે મનોમન કંપી ઊઠી.

અનાયાસે જ એની આંખોમાં આંસુ ધસી આવ્યા.

એની આંખોમાંથી નીકળેલા ગરમ આંસુનો સ્પર્શ પોતાના દેહ પર અનુભવતાં જ વિનોદ ચમક્યો.

‘અરે... કંચન... તું રડે છે...? અરે ગાંડી, એમાં રડે છે શા માટે? પત્નીની ભૂલ પતિ ન સુધારે તો બીજુ કોણ સુધારશે? મને તારા પ્રત્યે જરા પણ નારાજગી નથી. ઊલટું હું તો ખુશ છું. કારણ કે તે ઘરમાં જરૂરી ચીજ-વસ્તુ વસાવી છે, કંઈ પૈસા બીજાં ફંક ફીતુર નથી વાપર્યાં!’

કંચન ધ્રુસકાં ભરવા લાગી.

‘શું વાત છે કંચન...?’ વિનોદ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘તારી તબીયત તો સારી છે ને? કોઈએ તને કંઈ કહ્યું છે? કોઈની સાથે ઝઘડો થયો છે...? તારાથી કંઈ નુકસાન થયું છે?’

‘ન...ના...’ કંચન માંડ આટલું બોલી શકી.

‘તો પછી શું વાત છે...?’ તું મને નહીં જણાવે તો કોને જણાવીશ? મારા સિવાય આ દુનિયામાં તારું બીજું છે પણ કોણ? તને યાદ છે કંચન, જ્યારે મેં પહેલી વાર તારી સાથે વાત કરી હતી, ત્યારે આ દુનિયામાં આપણાં બેયનાં કોઈ સગાંસંબંધી નથી એ વાત પર આપણે કેટલું હસ્યા હતા! યાદ છે આ વાત તને...?’

કંચન ખડખડાટ હસી પડી.

સાચો પૈસો આ સ્મિતમાં જ છૂપાયેલો છે એવું તેને લાગ્યું.

જિંદગીની ખુશી કાગળની નોટો પર જોવા માંગતા માણસો મૂરખ છે એવો તેને ભાસ થયો હતો.

આ ભાસ તેને ખૂબ જ વિચિત્ર લાગતો હતો.

‘ચાર વર્ષ પહેલાની એક એક પળો મને યાદ છે. વિનોદ! હું ધારું તો પણ તેને ભૂલી શકું તેમ નથી. તેં જ તો મને નર્કમાં જતી ઉગારી હતી.’ એ ધીમેથી બોલી.

‘એ બધી વાતને પડતી મૂક...! તારા ભૂતકાળ વિશે હું જાણું છું...!’ કહીને વિનોદે સ્નેહીથી એના કપાળ પર હોઠ મૂકી દીધા.

કંચન જોરથી કંપી ઊઠી.

વિનોદ એના ભૂતકાળ વિશે શું જાણે છે?

‘તું...તું મારા ભૂતકાળ વિશે શું જાણે છે?’ એણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવતાં પૂછ્યું.

‘હું જે કંઈ જાણું છું, એનું પુનરાવર્તન કરવું જરૂરી છે? સૂઈ જા... અગિયાર વાગી ગયા છે...!’ વિનોદે તેને ધમકાવી. પરંતુ આ ધમકાવવા પાછળ કેટલો પ્રેમ હતો, એ વાત કંચન જાણતી હતી.

‘ના...જ્યાં સુધી તું મારા ભૂતકાળ વિશે શું જાણે છે, એ નહીં કહે, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે! અને એમાં ય મેં તો તને મારા ભૂતકાળ વિશે કંઈ નથી જણાવ્યું, તો પછી તને એની કેવી રીત ખબર પડી એ જાણવા માટે મારું મન ખૂબ જ આતુર છે!’

‘કંચન... મેં તને કહ્યું તો ખરું કે મારે તારા ભૂતકાળ સાથે કશી યે નિસ્બત નથી. તો પછી હું જાણું છું કે નહીં, એનાથી શું ફર્ક પડવાનો છે?’

‘ઘણોબધો ફર્ક પડી શકે તેમ છે.’

‘શું?’

‘તુ મારો સાચો ભૂતકાળ ન જાણતો હો એ બનવાજોગ છે.’

‘હું તારો સાચો ભૂતકાળ જ જાણું છું.’

‘પણ તેમ છતાં ય તને કહેવામાં કંઈ વાંધો છે?’

‘ના, કંઈ વાંધો નથી. પણ...’

‘પણ, શું...?’

‘નાહક જ દાટેલાં મડદાં ઉખેડવાથી શું લાભ થવાનો છે? કોઠી ધોવાથી હંમેશા કાદવ જ નીકળે છે.’

‘પરંતુ તેમ છતાં ય તું કહે...!’ કંચન એના માથા પર હાથ ફેરવતાં બોલી, ‘જો કદાચ તું મારા ભૂતકાળ વિશે સાચી હકીકત નહીં જાણતો હો તો, એ હું તને જણાવીશ! આમે ય મને ઊંઘ નથી આવતી એટલે ટાઈમ પસાર કરવા માટે કંઈક બહાનું તો જોઈએ ને?’

‘તું નાહક જ હઠ પકડે છે!’

‘હજુ તો માત્ર મેં હઠ જ પકડી છે, પણ જો તું નહીં કહે તો...’

‘તો, તું શું કરીશ?’

‘તો હું તારી સાથે ઝઘડો કરી બેસીશ!’

‘અરે, બાપ રે...’ વિનોદ હસીને બોલ્યો, ‘એવું કરીશ નહીં... અત્યારે અડધી રાતે ઝઘડો કરીશ તો નાહક જ આજુબાજુમાં રહેતાં લોકોની મીઠી ઊંઘ બગડશે.’

‘તો પછી કેહ છે ને?’

‘હા...’

‘બોલ...’

‘તું રૂપાને તો ઓળખતી જ હોઈશ?’

વિનોદનો આ ધડાકો સાંભળીને કંચનની આંખો હેરતથી ફાટી પડી.

રૂપાએ જ તો તેને કોલગર્લનો બિઝનેસ અપનાવવાની સલાહ આપી હતી. એ પોતે પણ કોલગર્લ જ હતી. રૂપાએ વિનોદને શું જણાવ્યું હશે? આ વિચાર આવતાં જ એનું કાળજું કંપી ઊઠ્યું.

‘શું વાત છે કંચન?’ વિનોદના અવાજથી તે વિચારધારામાંથી બહાર આવી, ‘તું રૂપા નામની કોઈ યુવતીને નથી ઓળખતી?’

‘ઓળખું છું.... પરંતુ તું રૂપાને કેવી રીતે ઓળખે છે? એ તો એક કોલગર્લ છે!’

‘છે નહીં પણ હતી...’

‘એટલે શું...?’

‘એટલે એમ કે એણે એક કંપનીના પટાવાળા સાથે લગ્ને કરી લીધા છે.’

‘શું...?’ કંચનનું મોં આશ્વર્યથી પહોળું થઈ ગયું.

‘હા... એના કહેવા પ્રમાણે તું પણ કોલગર્લનો વ્યવસાયમાં ઊતરી ચૂકી હતી. પરંતુ તને ગ્રાહકના રૂપમાં જે સૌથી પહેલો માણસ મળ્યો, તે ભલો હતો. એણે તને આ બિઝનેસમાં ન પડવાની સલાહ તથા થોડા પૈસા આપ્યા જેથી કરીને તું તારે માટે કોઈક યોગ્ય યુવક શોધી શકે! અને કહેવાની જરૂર નથી કે ત્યાર પછી તે મને શોધી લીધો. બોલ, રૂપાએ મને કંઈ ખોટું જણાવ્યું છે?’

‘ના...’ એ માંડમાંડ બોલી, ‘પરંતુ રૂપા વળી અહીં સુધી કેવી રીતે પહોંચી ગઈ?’

‘એક વાર એણે આપણને બંનેને આ ફ્લેટમાંથી બહાર નીકળતા જોયા હતા.’

‘આ વાત ક્યારની છે?’

‘દોઢ વર્ષ પહેલાંની...! એ વખતે તારા હાથમાં રાજુ પણ હતો. તને જોઈ ને એણે પણ કોલગર્લના બિઝનેસને છેલ્લી સલામ ભરી દેવનો નિર્ણય કર્યો. અને જેઓ નેક નિર્ણય કરે છે, તેને ભગવાન જરૂર મદદરૂપ થયા છે! ટૂંક સમયમાં જ રૂપાને એક ગરીબ, યુવાન માણસ સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધાં.’

‘આ...આ બધી વાતો તને રૂપાએ જણાવી હતી?’

‘હા...’

‘હું કોલગર્લ બનવા માટે તૈયાર થઈ ગઈ હતી, એ જાણીને તને ખોટું નહોતું લાગ્યું?’

‘જરૂર લાગ્યું હતું... પરંતુ રૂપા સાથે લગ્ન કરનાર પટાવાળાનો વિચાર આવતાં જ મારી બધી નારાજગી દૂર થઈ ગઈ. તું તો કોલગર્લ બનવા માટે તૈયાર થઈ હતી ને મેં તારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે એણે તો એક કોલગર્લ બની ચૂકેલી સ્ત્રી સાથે લગ્ને કર્યા હતા. ખરેખર એ માણસ ખૂબ જ મહાન છે! કંચન જો જિંદગીને સાચા અર્થમાં પસાર કરવી હોય તો દુઃખમાંથી સુખ શોધી કાઢવું જોઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ વાહન ન હોય અને ક્યાંક જવું હોય તો એ બહાને કસરત થઈ જશે એમ માનીને પગપાળા જ જોઈએ! વાહન ન હોવાના દુઃખ પાછળ કસરત થવાનુ સુખ છૂપાયેલું છે.’

‘ખેર, હું શા માટે કોલગર્લ બનવા માગતી હતી એ તારે નથી જાણવું?’

‘રૂપાએ મને જણાવી દીધું છે. તારા સાવકા કાકા-કાકીએ, તારા પિતાજીની મિલકત કબજે કર્યા પછી તને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે તારી મુલાકાત રૂપા સાથે થઈ હતી. તું ત્રણ દિવસથી ભૂખી હતી. પેટની ભૂખ સંતોષવા માટે જ તેં કોલગર્લનો વ્યવસાય અપનાવવાનો વિચાર કર્યો હતો.’

‘મને કોઈકના ઘરમાં આયા તરીકેનું કામ મળી જાય એવા પ્રયાસો મેં કર્યાં હતા. ત્યારે રૂપાએ મને કહ્યું હતું કે, યુવાન કામવાળીઓને પણ કોલગર્લની જેમ પોતાના સાહેબને સંતોષ આપવો પડે છે! પતન થવાનું જ છે તો પછી, તે મનને કબૂલ હોય એ રીતે થવું જોઈએ!’ કંચન ખચકાતા અવાજે બોલી, ‘પરંતુ મારા સદ્દનસીબે એક ભલા યુવાને પહેલા જ દિવસે મારી આંખો ઊઘાડી નાખી!’

‘એ યુવાને પોતે જ તારી સાથે શા માટે લગ્ન કરી લીધાં?’

કંચનની નજર સામે મધુકરનો ચહેરો તરવરી ઊઠ્યો.

‘એ ગેરકાયદેસર બીઝનેસ કરતો હતો. આ બીઝનેસમાં એના માથા પર મૃત્યુરૂપી જોખમની તલવાર હંમેશા લટકતી રહેતી હતી. એ ધીમા અવાજે બોલી, ‘પોતાના મૃત્યુ પછી જિંદગીભર એની વિધવા પત્ની તેને ભાંડતી રહે અને તેના બાળકો ઠોકર ખાતા અથડાતા રહે એમ તે નહોતો ઈચ્છતો.’

‘જરૂર એ કોઈક શરીફ અને ખાનદાન કુટુંબનો નબીરો હોવો જોઈએ!’ વિનોદે પ્રસંશાભર્યા અવાજે કહ્યું, ‘તારા નસીબ એટલા સારા કે તને એ મળી ગયો નહીં તો આજે ભગવાન જાણે તું કેવી હાલતમાં દિવસો પસાર કરતી હોત!’

‘એનાથીયે માર મને તારુ વધુ મહત્વ છે કારણ કે તેં મારા ભૂતકાળ વિશે જાણ્યા પછી પણ મને કંઈ જ નથી કહ્યું.... નફરત નથી કરી... તરછોડી નથી દીધી!’

‘કંચન... તને નફરત કરી શકાય... તરછોડવી પડે, એવું તારા ભૂતકાળમાં કશું જ નથી. કંચન, તું મારી પત્ની છો. અને જે માણસને પોતાની પત્ની પ્રત્યે નફરત હોય તે માણસ, માણસ નથી કહેવાતો!’

કંચનની નજર સામે ફરીથી મધુકરનો ચહેરો તરવરી ઊઠ્યો.

પરંતુ વિનોદના વ્યક્તિત્વ સામે તરત જ એ ચહેરો તેને વામણો લાગવા માંડ્યો.

‘હવે તો તને ઊંઘ આવી જશે ને?’

‘હા...’

‘તો સૂઈ જા...’

ત્યારબાદ બંને એકબીજાના માથા પર સ્નેહથી હાથ ફેરવતા ફેરવતા ઊંઘી ગયા.

***