Safar - 5 in Gujarati Adventure Stories by Ishan shah books and stories PDF | સફર ( એક અજાણી મંજિલની) - 5

Featured Books
Categories
Share

સફર ( એક અજાણી મંજિલની) - 5

( તો આપણે જોયું કે હીરા અને એમેઝોન ના જંગલોની વાત કરતા અને ભેદી લાગતા વ્યક્તિઓનુ પગેરુ દાબવાનું નક્કી થાય છે , હવે જોઈએ આગળ શું થાય છે )

                       વિમાન સવારે પેરુ ઉતર્યું. અમારો હાથ સામાન લઈ અમે નીચે ઉતર્યા. મારી નજર સતત પેલી વ્યક્તિ પર હતી અને એની નજર પણ જાણે કોઈને શોધી રહી હતી. અમારી બેગ લઈને અમે એની પાછળ ચાલી રહ્યા. બંને માણસો જે વિમાનમાં એકબીજા સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા તેઓ ગેટ પાસે ઉભા રહી ટેક્સી ડ્રાઈવર સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા અને પછી ગાડીમાં બેસી નીકળવાની તૈયારી કરી રહ્યા .

                       હવે અમે મુંઝાયા કે તેઓ ખરેખર ક્યાં જઈ રહ્યા હશે. પોલ સાથે મેં વાતચીત કરી હતી તો એનું સૂચન હતુ કે અમારે પણ ટેક્સીમાં બેસી એમનો પીછો કરવો જ રહ્યો અને તેઓ જ્યાં જતા હોય ત્યાં એમનું પગેરુ દાબવુ. મને એની વાત યોગ્ય જ લાગી. અમારે બે ગાડી કરવી પડે એમ હતુ. સાથે સામાન પણ હતો . હવે હું અને દેવ એકમાં બેસીને જઈ શકીએ તેમ નહોતુ  કારણ કે બંને પ્રદેશથી ભોમિયા નહોતા. તેથી એક ગાડીમાં હું અને પોલ બેઠા અને બીજામાં દેવ અને એલ. દેવના ચેહરા પરની ચમક હું જોઈ રહ્યો.

                   હવે અમે ગાડીમાં બેસી તેનો પીછો કરી રહ્યા હતા. મારા મનમાં સતત એક જ શંકા હતી કે જે વ્યક્તિઓનો અમે ગાંડાની જેમ પીછો કરી રહ્યા હતા , જેમના વિશે અમે કંઈ જ જાણતા નહોતા , શું આમ કરવુ યોગ્ય હતુ ? મારા મોબાઈલમાં મેં દક્ષિણ અમેરિકાનો નકશો ખોલ્યો. પેરુ વિમાનમથક કે જ્યાં અમે ઉતર્યા અને એમેઝોનના વરસાદી જંગલોને ગાઢ કર્યા. સાથે જ એટલુ તો ચોક્કસ પણે યાદ કરી શક્યો કે એના ટેબ્લેટ માં જોયેલો નકશો બ્રાઝિલ ના એમેઝોન જંગલોનો જ હતો. પણ ત્યાં સીધુ તો પહોંચી શકાય એમ નહોતુ એ માટે નદી પાર કરવી આવશ્યક હતી. પણ મારુ મન ચોક્કસ માની રહ્યુ હતુ કે તેઓ જઈ તો જંગલ તરફ જ રહ્યા હતા. મેં આ વિશે એલને પણ જણાવ્યુ. અમે સૌ સતત વિચારી રહ્યા હતા કે હવે પછીનુ એમનુ પગલુ કયુ હશે.

                   સવારથી અમે તેનો પીછો કરી રહ્યા હતા અને હવે લગભગ સાંજ થવા આવી હતી. એમની ગાડી એક જગ્યાએ ઊભી રહી. ત્યાં આસપાસ ઘણી હોટેલ જોવા મળતી હતી. કદાચ કંઇક ખાવાપીવા માટે તેઓ રોકાયા હતા. અમે બિલકુલ એમની સામેના ટેબલ પર ગોઠવાયા. અમારી પર એમને શંકા ન જાય તેનુ ધ્યાન રાખવુ આવશ્યક હતુ. પેલા વ્યક્તિને કોઈકનો ફોન આવ્યો. તે ફોન પર હીરા , એમેઝોન , જંગલો , વગેરે નો ઉલ્લેખ કરી રહ્યો હતો. અંતમાં એણે જોન નામના કોઈ માણસ અને શિકાગો નો ઉલ્લેખ કર્યો અને ફોન મૂકી દીધો.

              હવે અમે બરાબર મુંઝાયા હતા. જો આ વ્યક્તિઓનો ખરેખર નક્સલવાદીઓ સાથે સબંધ હોય તો તેમને પકડવા જ રહ્યા. પરંતુ કોઈ પુરાવા વગર તેમની સામે આંગળી ચીંધી શકાય તેમ નહોતુ. અમે અમારુ ભોજન ખાતા ચિંતામાં બેઠા હતા. થોડી વારમાં તેઓ બિલ ચૂકવી ઉભા થયા , અમે પણ એમની પાછળ નીકળી પડ્યા. આ વખતે અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ ત્રણ લોકો હતા.રાત બરાબર જામી ચૂકી હતી.અમેરિકાના રસ્તાઓ પર ગાડી સારી એવી ગતિથી ચાલી રહી હતી. હું ગાડીની બહાર જોઈ રહ્યો હતો , પોલ કદાચ સૂઈ ગયો હશે ને ડ્રાઈવર એક ચિત્તે ગાડી હાંકી રહ્યો હતો. મનમાં સતત વિચારો ચાલી રહ્યા હતા. ક્યાંક ઊંડે ઘરના લોકોની પણ યાદ આવી રહી હતી. વાતાવરણમાં ભેજ જણાતો હતો. કદાચ હમણાં જ વરસાદ પડ્યો હતો.રસ્તા ભીના હતા , ગાડીના કાચ પર વરસાદના બુંદો હું સહજ જોઈ શક્યો. ધુમ્મસ ખાસુ હતુ , આગળ ચાલતી ગાડી સિવાય બીજુ કંઈ પણ દેખાતુ નહોતુ. ગાડીની હેડ લાઈટ ના કારણે દૂર વસ્તુઓ પર પડેલી બુંદો ઝળહળી ઉઠતી.

                 એટલામાં મારો ફોન વાઈબ્રેટ થયો હમણાં કોને ફોન કર્યો હશે ? જોયુ તો એલ હતી કદાચ મારા જેમ એ પણ જાગતી હતી!!!. એણે મને કહ્યું , એના અવાજમાં કંઇક ગજબ ઉત્સાહ હતો :
" દેવ મને સમજાઈ ગયુ છે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે !!!"  

સાંભળીને હું પણ સફાળો જાગી ઉઠ્યો તે આગળ બોલી:

 "જો દેવ આ વ્યક્તિ કોણ છે એ તો ખબર નહિ પરંતુ એ જે પ્રમાણે વાત કરી રહ્યો છે એના પરથી સ્પષ્ટ છે કે તેઓ ચોક્કસ માને છે કે હીરા ક્યાંક એમેઝોનના વરસાદી જંગલોમાં જ છે. પણ જેમ તુ જાણે છે કે આ જંગલો ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલા છે , હવે ગાડી તેઓ જે દિશા માં હંકારી રહ્યા છે તે મુજબ અને નકશો જેમ દર્શાવે છે તે મુજબ આ લોકો ચોક્કસ " મનાસ " તરફ આગળ વધી રહ્યા છે ".

" મનાસ શું છે ? " મેં પૂછ્યું.

" મનાસ શહેર બ્રાઝિલમાં આવેલુ છે. બ્રાઝિલની શહેરીગત સંસ્કૃતિમાં ઉત્તમ મનાય છે. આપણા માટે મહત્વની વાત એ છે કે આ શહેર " હાર્ટ ઓફ એમેઝોન " અને " સિટી ઓફ ધ ફોરેસ્ટ " ના નામે ઓળખાય છે. મનાસ શહેર એમેઝોન જંગલોના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. અહીંથી જ આ જંગલોમાં પ્રવેશી શકાય છે. એટલે જો આ માણસ  હીરા માટે બ્રાઝિલિયન એમેઝોન તરફ જઈ રહ્યો છે તો ચોક્કસપણે એ મનાસ જ જશે અને નકશો પણ એ જ તરફ નિર્દેશ કરી રહ્યો છે ."

( તો શું આવનારી સફર  " મનાસ " એટલે કે એમેઝોનના  પ્રવેશદ્વાર પર દસ્તક દઈ રહી છે ? તો શું આગળનો પથ ખરેખર વિશ્વ ના એજ ભેદી  જંગલો તરફ આંગળી ચીંધી રહ્યો છે !!? જેના વિશે ઘણુ ખરુ લખાયુ છે , પરંતુ તેનો ભેદ  હજુ પણ  વણઉકલ્યો છે !! )