Premchandjini Shreshth Vartao - 17 in Gujarati Short Stories by Munshi Premchand books and stories PDF | પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 17

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(17)

મુક્તિધન

આપણા દેશમાં ધીરધારના ધંધા જેવો બીજો કોઇ ધંધો નથી.

સામાન્ય રીતે વાર્ષિક વ્યાજનો દર રૂપિયા પચ્ચીસ હોય છે. આંટમાં લીધેલી

વસ્તુ ઉપર સેંકડે બાર રૂપિયા વ્યાજ લેવામાં આવતું. એથી ઓછા વ્યાજે

રૂપિયા મળવા અશક્ય હતું. વકીલ, ડાક્ટર, સરકારી અધિકારીઓ,

જમીનદાર તથા જેની પાસે વધારાનો પૈસો હોય એ ધીરધારનો ધંધો કરી

શકતા. એકઠી થયેલી મૂડીનો એ સૌથી સફળ સદુપયોગ થયો ગણાતો.

લાલા દાઉદયાળ આવો ધીરધારનો ધંધો કરનારા મહાજન હતા.

એમનો ધંધો વકીલાતનો હતો. એ ધંધામાંથી જે વધારાની આવક થતી હતી

તે સેંકડે ૨૫-૩૦ રૂપિયાના વાર્ષિક વ્યાજના દરે ધીરતા. ખાસ કરીને

સામાન્ય કક્ષાના માણસો સાથે એ ધંધો કરતા. ઉચ્ચવર્ણના લોકોથી એ

સાવધાન રહેતા હતા. એમનું માનવું હતું કે બ્રાહ્મણ, ક્ષત્રિય કે કાયસ્થને

રૂપિયા ધીરવા કરતાં રૂપિયા કૂવામાં નાખવા સારું છે. રૂપિયા પાછા આપતાં

એમને પેટમાં ચૂંક ઊપડે છે.

લાલા દાઉદયાળ એક દિવસ કોર્ટમાંથી ઘેર પાછા ફરી રહ્યા હતા.

રસ્તામાં એક અજબઘટના એમના જોવામાં આવી. એક મુસલમાન

એનીગાયનો સોદો કરી રહ્યો હતો. કેટલાક લોકો એની આસપાસ

વિંટળાઇને ઊભા હતા. કોઇ એના હાથમાં પૈસા પકડાવતું હતું, કોઇ ગાયનો

અછોડો ખેંચી લેવાની ચેષ્ટા કરતું હતું. પણ પેલો મુસલમાન ગ્રાહકોના સામે

જોઇ જાણે કંઇક કળી ગયો હોય એમ ગાયનો અછોડો મજબૂત પકડી ઊભો

હતો. ગાયનું રૂપ અજોડ હતું. નાની સરખી ગર્દન, ભારે શરીર અને દૂધથી

ચિક્કાર ભરેલું થાન. વળી જોડે જ એક ઉછળતું કુદતું બળવાન વાછરડું.

મુસલમાન દુઃખી અને ચિંતિત જણાતો હતો. એ વારંવાર દીન ભાવે ગાય

તરફ જોતો અને મનમારીને રહી જતો. દાઉદયાળે ગાય જોઇ અને એમના

મનમાં વસી ગઇ. એમણે પૂછ્યું - ‘‘કેમ ભાઇ, ગાય વેચે છે કે શું? શું નામ

છે તારું?’’

મુસલમાને દાઉદયાલ તરફ જોયું અને રાજી રાજી થતાં તેમની

પાસે જતાં કહ્યું - ‘‘હા, હુજુર, ગાય વેચવી છે.’’

‘‘ક્યાંથી લાવ્યો છે? શું નામ છે તારું?’’

‘‘રહેમાન, હુજુર! પંચૌલીમાં રહું છું.’’

‘‘દૂધ આપે છે કે?’’

‘‘એક ટંકે ત્રણ શેર દૂધ દોહિલ્યો.ને! હજુ તો બીજા વેતરની છે.

એટલી સુંવાળી છે કે નાનું છોકરુંય દોહવા બેસે તોય પગ ના ઊંચો કરે!

કોઇને માથું સરખુંય હલાવતી નથી.’’

‘‘કોઇ ઓળખે છે તને અહીં?’’

‘‘ના હુજુર! ગરીબ માણસ છું. મારે અહીં કોઇનીય ઓળખાણ

નથી.’’

દાઉદયાલના મનમાં શંકા ગઇ હતી કે કદાચ ચોરીનો માલ તો

નહીં હોય ને? પણ પછી પૂછ્યું -

‘‘કેટલામાં વેચવી છે?’’

‘‘પચાસ રૂપિયામાં, માલિક.’’

‘‘પણ માલ તો રૂપિયા ત્રીસનો જ જણાય છે.’’

બંન્ને વચ્ચે ગાયની કિંમત અંગે ઘણી રકઝક થઇ. એક ને

રૂપિયાની ગરજ હતી. બીજાને ગાયની ગરજ હતી. સોદો સહેલાઇથી પાર

ઉતરી ગયો. આખરે રૂપિયા પાંત્રીસમાં ગાય ખરીદાઇ ગઇ.

સોદો થઇ ગયો હોવા છતાં રહેમાનને ગાયની માયા છુટતી ન

હતી. એ ગાયનો અછોડો ઝાલી દાઉદયાલની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

એક જણે કહ્યું - ‘‘લ્યા. રે’માન! છત્રીસ રૂપિયા આપીશ. લે હેંડ્ય મારી

જોડે.’’

‘‘મારે નથી આલવી તમને ગાય.’’

‘‘હુ પૂરા પચાસ આલીશ. હવે તો રાજી છું ને?’’ બીજાએ કહ્યું -

અને રહેમાનના હાથમાંથી ગાયનો અછોડો ખેંચવા માંડ્યો. રહેમાન તો એના

નિર્ણયમાં અડગ રહ્યો. છેવટે બધા હાથ ઘસતા રહી ગયા.

થોડુંક અંતર કાપ્યાબાદ રહેમાને કહ્યું - ‘‘માલિક, આપ તો હિંદુ

છો. આપ એની પૂરી સેવા કરશો એની મને પૂરી ખાત્રી છે. પેલા બધા તો

કસાઇ હતા. એમને તો પચાસ રૂપિયામાંય હું ગાય ના આપત. આપ ટાંકણે

આવ્યા ના હોત તો આ લોકો પરાણે પરાણેય મારી પાસેથી ગાય ઝૂંટવી લેત.

મારે માથે આફત ના આવી હોત તો હું ઘરની લક્ષ્મી જેવી ગાયને વેચવા

તૈયાર ના થયો હોત! મેં પેટની દિકરીની જેમ પાળી પોષી છે એને. વધારે

પૈસાના લોભમાં કસાઇના હાથમાં શી રીતે સોંપી દેવાય મારાથી? આપ એનો

જેટલો ઠાઠો કરશો એટલું એ વધારે દૂધ આલશે. ભેંસનું દૂધથી હેઠ્ય હુજુર!

મારી આપને એક અરજ છે કે આપના નોકરને કહેજો કે એને મારેઝુડે

નહીં.’’

દાઉદયાળે આશ્ચર્યથી રહેમાન તરફ જોયું. આવા નીચી કોટિના

માણસોય આટલી બધી સજ્જનતા અને સહૃદયતા! પૈસાની લાલચે તો

ભલભલા મહાત્માઓય કસાઇના હાથમાં ગાય સોંપતાં અચકાતા નથી અને

આ ગરીબ મુસલમાન, કસાઇના હાથમાંથી ગાયને બચાવવા રૂપિયા વાનું

નુકસાન વેઠવા તૈયાર થયો છે!

ઘેર આવીને એમણે રહેમાનને રૂપિયા ગણી આપ્યા. રૂપિયા ગાંઠે

વાળી ફરી એકવાર ગાય તરફ પ્રેમભરી નજરે જોઇ લીધું. પછી દાઉદયાળને

સલામભરી એ ત્યાંથી ચાલી નીકળ્યો.

રહેમાન એક ગરીબ ખેડૂત હતો. જમીનદારે તેના પર ચઢેલા

મહેસૂલની વસૂલી માટે દાવો દાખલ કર્યો હતો. દાવો ચૂકવવા એને રૂપિયાની

જરૂર હતી. ઘરમાં બે બળદ સિવાય બીજું કશું જ હતું નહીં. ગાયને એ જીવ

કરતાંય વધારે વહાલી સમજતો હતો. પૈસાની કોઇ સગવડ ના થઇ શકવાથી

છેવટે લાચાર થઇ ગાય વેચવી પડી.

પંચૌલીમાં મુસલમાનોનાં થોડાંક ઘર હતાં. પશ્ચિમી મહાસાગરમાં કેટલાંક વર્ષોથી બંધ થઇ ગયેલો હજનો રસ્તો ફરી ખુલ્લો થયો હતો. ગામનાં કેટલાંક શ્રદ્ધાળું સ્ત્રી પુરુષો હજ કરવા જતાં હતાં. રહેમાનની માને પણ મરતા પહેલાં હજ કરવાની ઇચ્છા થઇ આવી. તેણે રહેમાનને કહ્યું - ‘‘બેટા, હવે આટલી જ ઇચ્છા અધૂરી રહી છે, એ ઇચ્છા પૂરી કર્યા વગર. અલ્લાના દરબારમાં શી રીતે જાઉં? ખુદા તને આ નેકીનું ફળ આપ્યા વગર નહીં રહે.’’ ગાયની સેવા એ ગામડાની સંસ્કૃતિની વિશેષતા છે. રહેમાનની પાસે માને હજ કરાવવા જેટલા પૈસા ક્યાં હતા? પણ માની આજ્ઞાનો અનાદર શી રીતે થઇ શકે? એણે પૈસા વ્યાજે લેવા વિચાર્યું. શેરડીની ઉપજમાંથી પૈસા ચૂકવવાનું મનોમન નક્કી કર્યું. ઇશ્વરની દયાથી આ સાલ શેરડીય સારી પાકી હતી. પણ રૂપિયા લેવા કોની પાસેથી? ઓછામાં ઓછા બસો રૂપિયા વિના ચાલે તેમ ન હતું. કોઇ મહાજનને એ ઓળખતો ન હતો. એક બે વાણિયા ધીરધાર કરતા હતા પણ એ તો લેણદારોનાં ગળાં કાપતા હતા. એણે છેવટે લાલા દાઉદયાળ પાસે જવા વિચાર્યું. એણે સાંભળ્યું હતું કે એ લોકોનાં ગળા કાપતાં નહીં. પણ વાયદા પ્રમાણે રૂપિયા વસૂલ કરતા. એમાં કોઇનીય શરમ ભરતા નહીં. ઉઘરાણી પહેલી, વાત પછી. હા; હિસાબ કિતાબ એમનો ચોક્ખો રહેતો. કોઇની આંખોમાં એ ધૂળ નાખતા નહીં. એમની પાસે જવું કે ના જવું એ બાબતે રહેમાન વિચારતો રહ્યો. દિવસો સુધી કદાચ વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવી ના શકાય તો? ફરિયાદ કર્યા વિના એ નહીં છોડે! ઘરબાર, વાસણકુંસણ અને બળદિયાઓને હરાજ કર્યા વગર ના રહે. પણ જ્યારે કોઇ અન્ય ઉપાય ના જડ્યો ત્યારે એ વિવશ થઇ દાઉદયાળ પાસે ગયો અને વ્યાજે રૂપિયાની માગણી કરી.

દાઉદયાળે તેને ઓળખી જતાં પૂછ્યું - ‘‘તેં જ મને ગાય વેચાતી આપી હતી ને?’’

‘‘હા, હુજુર!’’

‘‘રૂપિયા તો આપીશ તને. પણ વાયદા પ્રમાણે તારે મને પાછા આપી દેવા પડશે. વાયદા પ્રમાણે રૂપિયા પૂરા નહીં થાય તો તારી વાત તું જાણે! મને પછી જરાપણ દયા નહીં આવે. બોલ, ક્યારે પાછા આપીશ?’’

‘‘બે વર્ષની મુદતે આપો, સરકાર!’’

‘‘બે વર્ષમાં રૂપિયા પાછા નહીં આવે તો સેંકડે રૂપિયા બત્રીસ વ્યાજ થશે. તારી એટલી શરમ ભરીશ કે કદાચ ફરિયાદ નહીં કરું!’’

‘‘જે કરવું હોય તે કરજો. પણ હુજુર, આટલું કામ કાઢો, હું તમારા હાથમાં જ છું ને!’’

રૂપિયા વીસ વ્યાજના અગાઉથી કાપીને રૂપિયા ૧૮૦ દાઉદયાળે રહેમાનના હાથમાં મૂક્યા. ઘેર આવીને થોડોક વધેલો ગોળ વેચી નાખ્યો. પત્નીને સમજાવીને માને લઇ હજ કરવા ચાલ્યો.

મુદત વીતી ગયા બાદ પૈસાના આવતાં લાલાએ ઉઘરાણી કરી. એક માણસને રહેમાનને ઘેર મોકલી. બોલાવી મંગાવ્યો. રહેમાનના આવ્યા બાદ દાઉદયાળે કડક અવાજે કહ્યું - ‘‘હજુર, ભારે મુશ્કેલીમાં છું. મા હજ કરીને આવ્યા પછી માંદી જ રહે છે. એની દાવા દારૂમાં પૈસો પાણીની જેમ વપરાઇ ગયો. પેટનો ધંધો તો જિંદગી આખી છે, છે ને છે જ પણ મા જીવે ત્યાં સુધી એની સેવા તો કરી લઉં. આ વર્ષે પાકેય ઠીક થયો નથી. પાણી વગર, શેરડી સુકાઇ ગઇ. શણ તો ખેતરમાં પડ્યાં પડ્યાં જ સુકાઇ ગયું. રવિ પાક માટે ખેતર ખેડી શકાતું નથી. પડતર પડી રહ્યું છે. હું કેવી મુશ્કેલીમાં દિવસો વીતાવું છું એ તો મારું મન જાણે છે. આપના રૂપિયા પૂરેપૂરા ભરપાઇ કરી આપીશ. એક વર્ષની મુદત વધારે આપો. માની તબિયત સારી થશે એટલે મને કોઇ ચિંતા નહીં રહે.’’

દાઉદયાળે કહ્યું - ‘‘સેંકડે બત્રીસ રૂપિયા વ્યાજના થશે.’’

રહેમાને કહ્યું - ‘‘જેવી આપની મરજી.’’

રહેમાન વાયદો કરીને ઘેર આવ્યો ત્યારે માની અંતિમ ઘડી નજીક આવી પહોંચી હતી.એની ઇચ્છા પૂરી થઇ હતી. માએ દીકરા સામે છેલ્લીવાર નજર કરી આશીર્વાદ આપ્યા અને સદાને માટે આંખો બંધ કરી દીધી. રહેમાન આજ સુધી તો કેડપૂર પાણીમાં ડૂબેલો હતો પણ હવે એ માથાબોળ પાણીમાં ડૂબી ગયો.

પૈસો પાસે ન હોવા છતાં પડોશીઓ પાસેથી ઉછીનાપાછીના કરી માના અંતિમસંસ્કારની એણે વ્યવસ્થા કરી. પણ મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના અને દાનપુણ્ય કરવાનાં હતાં. કબર પણ તૈયાર કરાવવાની હતી. ગરીબોમાં ખેરાત કરવાની હતી. કુટુંબમાં ભોજન કરાવવાનું હતું. કુરાનનો પાઠ કરાવવાનો હતો અને એવા તો ઘણા રિવાજો અદા કરવાના હતા.

માની સેવા માટે આથી વધારે સારો સમય ફરી ક્યારે આવવાનો

હતો? કાશ, ઇશ્વરે મને ધનદોલત નથી આપ્યાં, નહીં તો કશી કસર ના

રાખત. પણ તોય હું પડોશીઓ કરતાં જાઉં એવો છું!

તેણે વિચાર્યું - ‘‘પણ રૂપિયા લાવવા ક્યાંથી? હવે તો લાલા

દાઉદયાળ પણ નહીં આપે. છતાં જાઉં તો ખરો એમની પાસે. કદાચ મારી

આવી પરિસ્થિતિમાં મારા પર દયા આવે પણ ખરી! દિલમાં દયા વરસી જાય

તો સો બસો વધારે એમને માટે કઇ મોટી વાત નથી.’’

એમ વિચારીને એ તો પહોંચ્યો. લાલાજી ને ઘેર. પણ મન

ચિંતાગ્રસ્ત હતું. શું કહેવું? વધારે રૂપિયા માગવા શી રીતે? એમને મારામાં

પતીજ નહીં પડે તો? કદાચ મને ધુત્કારી કાઢશે તો? હું શો જવાબ આપીશ?

લાલા દાઉદયાળ કોર્ટમાંથી આવી નોકરોને ધમકાવી રહ્યા હતા.

રહેમાનને જોતાં જ ગુસ્સામાં એ બોલ્યા - ‘‘તું પાછો શું કામ આવ્યો છે? શા

માટે મારી પાછળ પડ્યો છે? મને તારી સાથે વાત કરવાનીયે ફુરસદ નથી

હમણાં તો.’’

રહેમાન કશું બોલ્યો નહીં. એ તો લાલાજીની વાત સાંભળતાં જ

પાછો વળી ગયો. એને પાછો જતો જોઇ લાલાને કઇક દયા આવી. રહેમાનને

તેમણે પાછો બોલાવ્યો. વિનમ્રતાથી પૂછ્યું - ‘‘શું કામ આવ્યો હતો? કામ

હતું કંઇ?’’

રહેમાને નિરાશ થઇ કહ્યું - ‘‘ના રે સરકાર! મળવા જ આવ્યો

હતો અમથો.’’

‘‘મતલબ વગર મળવા આવતું હશે કોઇ?’’

રહેમાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. દાઉદયાળ વાત સમજી ગયા.

પૂછ્યું - ‘‘તારી મા જન્નતનસીન થઇ ગઇ કે શું?’’

‘‘હા, હજુર. આજ ત્રણ દિવસ થયા.’’

‘‘રડીશ નહીં, રડવાથી શું વળવાનું છે? જરા ધીરજ રાખ. ખુદાને

ગમ્યું એ થઇ ગયું. એવા મોત પર શોક કરવાથી શો ફાયદો? તારે હાથે એના

સંસ્કાર થયા પછી બીજું શું જોઇએ?’’

‘‘સરકાર એક અરજ ગુજારવા આવ્યો હતો. પણ જીવ નથી

ચાલતો. હજુ પાછળની રકમ ચૂકવવાની બાકી છે ત્યાં નવું લેણું શી રીતે

માગું? પણ, અલ્લાની કસમ! એક પૈસોય કોઇ ઠેકાણેથી મળે તેમ નથી. અને

કામ તોએવું આવી પડ્યું છે કે જો હાથ ધોઇ બેસું તો આખી જિંદગી

પસ્તાવાનો વારો આવે. આપને કશું કહી શકતો નથી. ગમે તેમ તોય આપ તો

માલિક છો. કૂવામાં નાખો છો એમ સમજીને પણ મદદ કરો. જીવતો રહીશ

તો પાઇપાઇ વ્યાજ સાથે ચૂકવી દઇશ. પણ આ વેળા ના પાડશો નહીં. મારી

લાજ તમારા હાથમાં છે.’’

‘‘ત્રણસો તો થઇ ગયા છે. ઉપરથી બસો વધારે માગે છે. બે

વર્ષમાં રૂપિયા સાતસો થઇ જશે. તને મારી વાત ગળે ઉતરે છે?’’

‘‘ગરીબ પરવર! અલ્લાહ આપવા ધારે તો બે વીઘાં શેરડીમાં

પાંચસો તો આમ ભરી દઇશ.’’

દાઉદયાળે રૂપિયા બસો રહેમાનના હાથમાં મૂક્યા.

ખેતી તો અનાથ બાળક જેવી ગણાય. વરસાદ પાણી માફક આવે

તો ધાનના ઢગલા ખડકાઇ જાય. અને વરસાદ દગો દે તો હરિયાળાં

ખેતરોમાં આગ ચંપાઇ જાય. હિમ, રેલ, દુકાળ, આંધી, રોગ વગેરે

આફતોમાંથી બચી જવાય તો ખળાં ધાનથી ઉભરાઇ જાય. રહેમાને પેટે પાટા

બાંધીને વૈતરું કર્યું. રાત દિવસ પણ એણે એક કર્યાં હતાં. ઘરનાં સૌ મન

લગાવીને મંડી પડ્યાં હતાં મહેનત કરવા. પરિણામ એ આવ્યું કે શેરડીના

મોલથી ખેતર ભરાઇ ગયું. શેરડી જોઇ સૌ મોંઢામાં આંગળાં ઘાલી જાય.

જોનારા - ‘‘રહેમાન! આ વખતે તારા પાસા પોબાર છે. નબળી પાતળી

તોય સાતસો આઠસોથી ઓછી શેરડી નહીં થાય. રહેમાન પણ ખુશ થતો

હતો.’’ વિચારતો હતો કે ‘‘ગોળના પૈસા હાથમાં આવશે એટલે લાલાજીની

પાઇ પાઇ દૂધે ધોઇને મૂકવી દઇશ.’’

પણ નસીબને કોણ જાણી શક્યું છે? માગશર મહિનાનો સમય

હતો. રહેમાન ખેતરના શેઢે બેસી ઊભા મોલની રખવાળી કરી રહ્યો હતો.

ઓઢવા માટે એક જૂની ચાદર હતી. ટાઢથી બચવા શેરડીનાં સૂકાં પાન એણે

સળગાવ્યાં હતા.ં પવનનો એક જોરદાર ઝપાટો આવ્યો. સળગતાં પાંદડાં

ઊડીને ખેતરમાં જઇ પડ્યાં. આખા ખેતરને દેવતા એ ઝડપી લીધું.

જોતજોતામાં આગના ભડકા ઊઠ્યા. ગામ લોકો અગનજ્વાળાઓ જોઇ

દોડ્યા. પણ એમ આમ કાબૂમાં આવે ખરી? જોતજોતામાં આખું ખેતર બળીને

ભસ્મ થઇ ગયું. રહેમાનની આશાઓ પણ બળીજળીને રાખ થઇ. ગરીબનું

સર્વસ્વ લૂંટાઇ ગયું. જાણે પીરસેલી થાળી કોઇકે ઝૂંટવી લીધી હતી! હતાશહૈયે

ઘેર આવ્યો તો દાઉદયાળના રૂપિયાની ચિંતા એને સતાવવા લાગી. એને

પોતાની કે બાળબચ્ચાની ચિંતા ન હતી. ભૂખે મરવું અને નાગા ફરવું એ તો

ખેડૂતને માટે નવાઇની વાત ન હતી. ચિંતા હતી એક માત્ર દેવાની. બીજું

વર્ષ પસાર થઇ રહ્યું છે. બે ચાર દિવસમાં જ લાલાજીનો માણસ ઉઘરાણીએ

આવશે ત્યારે એ શું મોં બતાવશે? એણે વધુ એક વર્ષની મુદત વધારવાની

અરજ ગુજારવા વિચાર્યું. પણ તો તો રૂપિયા નવસો થાય તેમ હતું. અને

લાલાએ ગુસ્સે થઇને ફરિયાદ કરી તો? પણ તેમ છતાં તેણે વિચાર્યું - ‘‘બાર

મહિનામાં શું ખાટું મોળું થઇ જવાનું હતું! અને લાલાજી તો કેટલા ભલા

માણસ છે!’’

ખેતરના શેઢે ઊભો ઊભો રહેમાન વિનાશનું વરવું રૂપ જોઇ રહ્યો

હતો. દૂરથી લાલાજીના નોકરને ખભે ડાંગ મૂકી આવતો જોયો. એનો જીવ

ઊડી ગયો જાણે! હે અલ્લાહ! હવે તું જ બચાવે તો સારું! એ બબડ્યો.

નોકરે પાસે આવી કહ્યું - ‘‘રૂપિયા આપવાની ઇચ્છા થતી નથી?

ગઇ કાલે મુદત પૂરી થઇ ગઇ છે. સરકારને તો જાણો છો ને? ફરિયાદ

કરતાં જરાય વાર નહીં કરે. સમજ્યો?’’

રહેમાન ધ્રુજી ગયો. બોલ્યો - ‘‘જુઓને ભાઇ, આ આખું ખેતર

બળીને રાખ થઇ ગયું.’’

‘‘મારે શું કામ છે તારું ખેતર જોઇને? સાતસો રૂપિયા લઇને

જલ્દીથી લાલાજીને ઘેર આવીજા છાનોમાનો.’’

‘‘પણ...પણ મારી બધી શેરડી બળી ગઇ. નહીં તો પાઇએ પાઇ

ચૂકવી દેવાનો હતો આ વખતે તો.’’

‘‘હું એ ના જાણું. તારી શેરડી ઉપર કઇ તને પૈસા નતા ધીર્યા.

હમણાંને હમણાં જ ચાલ. સરકારે તને બોલાવવા જ મોકલ્યો છે

મને.’’કહીને નોકરે રહેમાનનું બાવડું ઝાલી એને ખેંચ્યો.

રસ્તે ચાલતાં રહેમાન ખુદાની બંદગી કરતો રહ્યો. હવે એને ખુદા

સિવાય કોઇનો ભરોસો ન હતો. એના પગ લડખડાતા હતા. જીભ ‘યા અલી

મુશ્કિલ કુશા’ નો જાપ જપતી હતી.

રહેમાન લાલાજીને ઘેર પહોંચતાં જ એમનાં ચરણોમાં આળોટી

પડ્યો. કહ્યું - ‘‘ખુદાવંદ! મારે માથે ભારે વિપત્તિનાં વાદળો ઘેરાયાં છે.

ખુદાની કસમ, હું ક્યાંય નોય નથી રહ્યો.’’

‘‘શું બધી શેરડી બળી ગઇ?’’ લાલાજીએ પૂછ્યું.

‘‘આપે જાણ્યું, હજુર? જાણે ખેતરમાં કોઇએ ઝાડું ના ફેરવા દીધું

હોય! બધું જ સફાચટ! બધું સમુંસૂતર પાર ઉતર્યું હોત. હજુર! તો બીજું તો

કશું નહીં પણ આપના દેવામાંથી તો છૂટી જાત.’’

‘‘હવે શું કહેવું છે? પૈસા આપે છે કે પછી ઠોકી દઉં ફરિયાદ?’’

‘‘આપ તો માલિક છો, હજુર! મરજી પડે એ કરી શકો છો. હું તો

એટલું જ જાણું કે આપના રૂપિયા મારી આંખ માથા પર. પાઇએ પાઇ વખત

આવતાં વ્યાજ સાથે ચૂકવી દઇશ. મારું વિચારેલું કશું થતું નથી. બે વાર

વાયદો કર્યો અને બે વાર ખોટો પડ્યો. હવે વાયદો કરતો નથી. જ્યારે પણ જે

કઇ મળશે એ આપનાં ચરણોમાં મૂકી જઇશ કઠોર મહેનત કરીને પણ

આપનું લેણું ચૂકવી આપીશ.’’

દાઉદયાળ હસીને બોલ્યા - ‘‘તારા મનમાં આ સમયે કશી મોટી

ઇચ્છા છે?’’

‘‘હજુર, આપનું લેણું ચૂકવવાની. બીજી શું હોય! સાચું કહું છું,

માલિક. અલ્લાહ જાણે છે.’’

‘‘ઠીક. તો માની લે કે તારું લેણું ચૂકવાઇ ગયું.’’

‘‘સરકાર! એમ તો શી રીતે માની લેવાય? અહીં નહીં ચૂકવાય તો

ત્યાં તો ચૂકવવું જ પડશે.’’ રહેમાને ઉપર આંગળી કરતાં કહ્યું.

‘‘ના,ના રહેમાન! સાચું કહું છું. હવે તું એની ચિંતા ના કરીશ. હું

તો તારી પરીક્ષા કરતો હતો.’’

‘‘સરકાર! એવું ના બોલો. માથે આટલો બધો બોજો લઇને હું મરી

જવાનો નથી.’’

દાઉદયાળે કહ્યું - ‘‘કેવો બોજો? મેં મારું લેણું માફ કરી દીધું છે.

હવે તું મારી એક પણ પાઇનો દેવાદાર નથી. ખરેખરતો મેં તારી પાસેથી જે

પૈસા લીધા હતા તે તને પાછા સોંપી રહ્યો છું. હું તારો કરજદાર છું, તું મારો

કરજદાર નથી. તારી ગાય આજેય છે મારી પાસે. એણે મને ઓછામાં ઓછું

આઠસો રૂપિયાનું દૂધ આપ્યું છે. અને બે વાછડાં નફામાં. જો તેં ગાય

કસાઇને વેચી દીધી હોત તો મને આ ફાયદો ક્યાંથી થાત? તે વખતે તેં પાંચ

રૂપિયાંની ખોટ ખાઇને પણ ગાય મને જ આપી હતી. તારી એ સજ્જનતા

મને યાદ છે. તારા એ ઉપકારનો બદલો ચૂકવવાની તો મારામાં શક્તિ નથી.

ગરીબ અને નાદાન હોવા છતાં તેં એક ગાયનો જીવ બચાવવા પાંચ

રૂપિયાની ખોટ વેઠી, તો તારાથી એનેક ઘણો સુખી હું પાંચસો રૂપિયા માફ

કરી દઉં તો એમાં કોઇ નવાઇ નથી. ભલે તેં જાણી બૂઝીને મારા પર ઉપકાર

કર્યો ના હોય. પણ હકીકતમાં તો એ મારા ધર્મ પરનો ઉપકાર જ ગણાય. મેં

પણ તને ધાર્મિક કામ માટે જ રૂપિયા આપ્યા હતા. બસ, હવે આપણો

હિસાબ સરખો થઇ ગયો. તારી ગાયનાં બંન્ને વાછરડાં અહીં મારી પાસે છે.

તારે જોઇતાં હોય તો તેમને તારી સાથે લેતો જા. તને ખેતીના કામમાં ખપ

લાગશે. તું તો ખરેખર સાચો અને નેકદિલ માણસ છે. હું તને મદદ કરવા

હમેશાં તૈયાર રહીશ. તારે આ સમયે પણ રૂપિયાની જરૂર હોય તો જોઇએ

એટલા લઇ જા.’’

રહેમાનને લાલાજીમાં ઇશ્વરી ફરિશ્તાનાં દર્શન થયાં. માણસ

ઉદાર હોય તો ફરિશ્તો, અને અધમ હોય તો શૈતાન. રહેમાન તો આભારના

બે શબ્દોય ના બોલી શક્યો. એની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યો.

છેવટે ઘણી મુશ્કેલી પછી આંખમાં આવતાં આંસુઓ રોકીને એણે કહ્યું -

‘‘હજુર! આપની આ ભલી લાગણીનો બદલો ખુદા અચૂક આપશે. હું તો

આજથી જ આપનો ગુલામ છું એમ સમજજો.’’

‘‘ના, રહેમાન! તું આજથી મારો દોસ્ત છે.’’

‘‘નાં, સરકાર! ગુલામ.’’

દાઉદયાળે કહ્યું - ‘‘ગુલામ મુક્તિ મેળવવા માટ જે રૂપિયા આપે

છે એને ‘મુક્તિધન’ કહેવાય છે. તું તો બહુ પહેલાં ‘મુક્તિધન’ ચૂકવી ચૂક્યો

છું. હવે ભૂલથીયે એવા શબ્દો મોંઢામાંથી કાઢીશ નહીં.’’

***