Bewafa - 9 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 9

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બેવફા - 9

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 9

ભાંડો ફૂટ્યો

કાશીનાથ તૈયાર થઈને બહાર નીકળવા જતો હતો ત્યાં જ સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

આ ફોનનું એકસ્ટેન્શન આનંદની રૂમમાં હતું.

બે-ત્રણ પળો બાદ ઘંટડી વાગતી બંધ થઈ ગઈ.

આનંદે પોતાની રૂમમાં રિસિવર ઊંચકી લીધું છે, એ વાત તરત જ તેને સમજાઈ ગઈ.

એણે ઝડપભેર આગળ વધી, ડ્રોંઈગરૂમમાં રહેલા એકસ્ટેન્શન ફોનનું રિસિવર ઊંચકીને કાને મૂકયું.

‘આનંદ...!’સામે છેડેથી કોઈકનો સ્ત્રીસ્વર તેને સંભળાયો, ‘હું ઓપેરા

ગાર્ડનના ઉપરના રૂમમાં સવા સાત વાગ્યે તારી રાહ જોઈશ. હું બરાબર સવા સાત વાગ્યે ત્યાં પહોંચી જઈશ.’

‘પણ સાત વાગ્યે તો એ ગાર્ડન બંધ થઈ જાય છે.’આ અવાજ આનંદનો હતો.

‘ગાર્ડનનો ચોકીદાર ખૂબ જ લાલચુ માણસ છે. પચીસ-પચાસ રૂપિયા આપીને મનાવી લઈશ.’

‘ઓ.કે...હું ત્યાં પહોંચી જઈશ...’ વળતી જ પળે સંબંધ વિચ્છેદ થઈ ગયો.

કાશીનાથ પણ રિસિવર મૂકી, બહાર નીકળીને પોતાની કાર પાસે પહોંચી ગયો. એ ક્રોધથી દાંત કચકચાવી, કારમાં બેસીને બંગલામાંથી બહાર નીકળી ગયો.

બીજી તરફ ફોન સાંભળીને આનંદની આંખોમાં ચમક પથરાઈ ગઈ. અત્યારે તે આઝાદ હતો. કાશીનાથના બંધનથી બે દિવસમાં જ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આશાને મળવાની ઈચ્છા તેના રોમે રોમમાં વ્યાપી ગઈ. એની પાસેથી મળેલું શારિરીક સુખ તે ઈચ્છા હોવા છતાંય ભૂલી શકે તેમ

નહોતો. વિચારતાં વિચારતાં જ તે થાકી ગયો હતો.

એના પિતા એટલે કે કાશીનાથ, આશાના ખૂનનો મક્કમ નિર્ણય લઈ ચૂક્યો હતો. આશા વગર આનંદ કોઈ કાળે રહી શકે તેમ નહોતો. આશાનો વાળ પણ વાંકો થાય એમ તે નહોત ઈચ્છતો. આશા વગર જીવવાની કલ્પના માત્રથી જ તે ધ્રુજી જતો હતો.

શું કરવું ને શું નહીં, એ તેને કંઈ સમજાતું નહોતું: છેવટે, પોતે આશાને નહીં મરવા દે એવા મક્કમ નિર્ણય પર તે આવ્યો હતો. આશાના યૌવન પાછળ તે જાણે કે પાગલ થઈ ગયો હતો. આશા તેને ધંધામાં બાગીદાર બનાવીને જિંદગીભર તેની જ બનીને રહેવાની હતી. આ બધા વિચારોની સાથે તે પોલીસને પણ નહોતો ભૂલી શકતો. લખપતિદાસનું ખૂન કોણે કર્યું છે, તેની એક ને એક દિવસ જરૂરથી પોલીસને ખબર પડી જવાની હતી. સાથે જ પોલીસ પોતાને પણ પકડી લેશે એ વાત પણ તે જાણતો હતો. કિશોરના નિર્દોષ જાહેર થયા પછી એ કેસ સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. આ કેસની નવેસરથી તપાસ કરવા માટે સી.આઈ.ડી. વિભાગે પોતાનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. કોઈ પણ ઘડીએ આશાની ધરપકડ થવાની શક્યતા હતી. એ વખતે પોતે પણ તેના પંજામાંથી નહીં બચી શકે. જો પોતાના તથા આશાની સંબંધનો ભાંડો ફૂટી જશે તો એ સંબંધ પોતાનું મોત બનીને તૂટી

પડશે એ વાત પણ તે જાણતો હતો. આશાની સાથે પોતાને પણ ફાંસીના માંચડે લટકવું પડશે અથવા તો પછી જેલના સળીયા ગણવા પડશે. કદાચ પોતાન બાપ પોતાને સજામાંથી બચાવી લે તો પણ આશા સાથેના સંબંધને ભાંડો તો જરૂર ફૂટી જશે. એ સંજોગોમાં સાધના પોતાનું મોં પણ નહીં જુએ !

આવા આવા વિચારો તેને અકળાવતા હતા.

કાશીનાથ આશાને ઠેકાણે પાડવાનો નિર્ણય લઈ ચૂક્યો છે. હવે...હવે... આનંદની આંખોમાં નશો હતો. તે આશાના જ વિચાર કરતો હતો. માલતીનું યૌવન કે જેને કારણે તેની જિંદગી બરબાદ થતી હતી, એ તેનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ તરવરતું હતું, ના...પોતે આશાને ભૂલવી પડશે... એના ખૂન પછી જ પોતે શાંતિ મેળવી શકશે...પોતે સાધના સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કરશે...!

પરંતુ અત્યારે ફોન પર આશાનો અવાજ સાંભળીને આનંદ તરફડી ઊઠ્યો. ઓપેરા ગાર્ડનમાં એકાંતમાં આશા સાથે એકલા હોવાની કલ્પના માત્રથી જ તેના શરીરમાં મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ. તેની આંખો સામે ફરીથી આશાનું આગ જેવું યૌવન ઉપસી આવ્યું. એ આગમાં પોતે સળગી જશે તો પણ દુ:ખ નહીં થાય એમ તે વિચારતો હતો.

એ ઝપાટાબંધ તૈયાર થઈને સડક પર પહોંચ્યો.

સડક પર પહોંચતા જ તેને એક ખાલી ટેક્સી મળી ગઈ.

ડ્રાયવરને વરદી આપીને તે અંદર બેસી ગયો.

ડ્રાયવરે ટેકસીને ઓપેરા ગાર્ડન તરફ દોડાવી મૂકી.

આનંદ ફરીથી આશાના વિચારોમાં ગુમ થઈ ગયો.

થોડી વારમાં જ ટેક્સી ઓપેરા ગાર્ડન પાસે પહોંચીને ઊભી રહી ગઈ.

આનંદે નીચી ઉતરીને ભાડું ચુકવ્યું. પછી તે ગાર્ડનના ફાટક તરફ આગળ વધી ગયો. ચાલતાં ચાલતાં જ એણે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયા. સાત વાગીને ઉપર સોળ મિનિટ થઈ હતી. એ ઝડપભેર ફાટક ઉઘાડીને અંદર દાખલ થઈ ગયો.

ચોકીદારને ન જોઈને તેના ચહેરા પર સ્મિત ફરકી ગયું. આશાએ તેને લાંચ આપીને રવાના કરી દીધો હશે એમ એણે માન્યું.

પછી તે આગળ વધીને ઉપરના ભાગમાં લઈ જતી સીડી પાસે પહોંચ્યો. ત્યારબાદ સહસા તેની નજર પગથિયાં ચડીને ઉપર જતી આશા પર પડી. આનંદના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

આશાએ સફેદ સાડી પહેરી હતી. એ પોતાની સાડી પકડીને ઉપર ચડતી હતી. ઉપરના ભાગમાં અધૂરા ચણાયેલાં બે-ત્રણ રૂમો હતા. આ રૂમોમાં નતો બારણાં હતાં કે ન તો બારીઓ !

એ એક રૂમમાં પહોંચી.

આનંદ પણ તેની પાછળ પાછળ જ રૂમમાં પ્રવેશ્યો.

ઝપાટાબંધ પગથિયાં ચડવાને કારણે તેમને હાંફ ચડી ગઈ હતી.

આનંદને જોઈને આશાના ઉદાસ ચહેરા પર સ્મિત ફરકી ગયું.

આનંદે તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી.

‘આશા...!’આનંદ બોલ્યો, ‘હું તારા વગર રહી શકું તેમ નથી. કોઈક રસ્તો કાઢ ! હું તારા વગર જીવતા રહેવાની કલ્પના પણ કરી શકું તેમ નથી.’

આશાએ, જાણે તે કોઈક નાનો બાળક હોય એ રીતે તેના ચહેરાને પોતાની બંને હથેળી વચ્ચે લઈ લીધો. પછી ઉદાસ અવાજે બોલી, ‘આપણાં પ્રેમને કોઈકની નજર લાગી ગઈ છે, આનંદ...!

‘પણ...પણ હું તને ખૂબ જ ચાહું છું, આશા...!’

‘બરાબર છે...પણ આપણો પ્રેમ સાર્થક નહીં થાય !’

‘કેમ...? શા માટે નહીં થાય ? હું આ દુનિયાને આગ લગાવી દઈશ.’આનંદ ઉત્તેજનાભર્યા અવાજે બોલ્યો, ‘આપણે એવો તે કયો ગુનો કરી નાંખ્યો છે ?’

‘આપણે ખૂન કર્યું છે...!’આશાનો અવાજ ભાવહીન હતો, ‘આપણે ખૂબ જ ઉતાવળ કરી નાંખી છે. આપણે હવે નહીં બચી શકીએ એવું મને લાગે છે. મારા પર નજર રાખવામાં આવે છે. પૂનાથી આવેલા લખપતિદાસના મામાના દિકરાએ એક નવા નોકરને રાખ્યો છે. આ નોકર હંમેશા મારા પર નજર રાખે છે. આ તો હું મંદિરનું બહાનું કાઢીને આવી છું, નહીં તો...’

‘નહીં તો શું આપણે હવે મળી પણ નહીં શકીએ ?’

‘મને તો એવું જ લાગે છે. ખૂનનો આરોપ કિશોર પર આવશે એવું આપણે વિચાર્યું હતું. પણ એ બચી ગયો. આપણા કમનસીબે તે બચી ગયો. હવે મને પકડવામાં આવશે.’

‘મેં તો તને એ વખતે જ ના પાડી હતી આશા ! પણ તું કાયદાને કમજોર માનીને તેની સાથે રમત કરવા માંગતી હતી.

‘આનંદ...!’આશા તીવ્ર અવાજે બોલી, ‘મેં જે કંઈક વિચાર્યું હતું તે સાચું જ હતું. એ વખતે મેં જે યોજના બનાવી હતી, તેમાં કોઈક જ ખામી નહોતી. આપણે જે પહેલું ખૂન કર્યું. તેનાથી ગભરાવા જેવું કંઈ જ નહોતું. આ બધું બખડજંતર મારા રૂમના વોર્ડરોબમાંથી મળી આવેલા અનવરનાં મૃતદેહને કારણે જ ઊભુ થયું છે. એના કારણે જ આ બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. નહીં તો લખપતિદાસની ખૂનની શંકા આપણા પર ન આવત. લખપતિદાસના ખૂનના આરોપસર કિશોર ફાંસીના માંચડે લટકી જાત. પણ હવે કદાચ આપણે નહીં બચી શકીએ.’

‘આશા...તું મારા સમ ખાઈને કહે કે હવે હું તને જે સવાલ પૂછું છું એનો તું સાચો જ જવાબ આપીશ.’

આશાએ તેની આંખોમાં પોતાની આંખો પરોવી.

‘પૂછ...હું તારા સમ ખાઈને કહું છું કે તું જે કંઈ પૂછીશ તેનો સાચો જવાબ જ આપીશ.’એણે આનંદના માથાં પર હાથ મૂકતાં કહ્યું.

‘શું તું ખરેખર જ અનવરના મૃતદેહ વિશે કંઈ જ નથી જાણતી.?’

‘ના...’આશાએ ક્રોધભર્યા અવાજે જવાબ આપ્યો, ‘મારે તને કેટલી વાર કહેવું કે એ બાબતમાં હું કંઈ જ નથી જાણતી. તને મારા પર ભરોસો ન હોય તો કંઈ નહીં. મેં તને પ્રેમ કર્યો છે આનંદ ! અને એ પ્રેમના સમ ખાઈને જ કહું છું. કે તારું કંઈ જ બગડવા નહીં દઉં. હું બધા આરોપો મારા પર ઓઢી લઈશ.’

‘આપણને કંઈ જ નહીં થાય !’આનંદ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘આપણે કંઈ જ નથી કર્યું. અનવરનું ખૂન કોઈક બીજાએ જે કરીને તેના મૃતદેહને તારી રૂમના વોર્ડરોબના ગોઠવી દીધો અને તે વોર્ડરોબને સાફ કરીને પોલીસને જુદી જ વાત સંભળાવી દીધી.’

‘તો હું બીજું શું કરું ? શું મારે પોલીસને એમ કહેવું કે અમે બંને લખપતિદાસના મૃતદેહને ઠેકાણે પાડવા માટે ગયા હતા અને આનંદને વિદાય કરીને હું મારી રૂમમાં પહોંચી હતી. તથા તથા વસ્ત્રો બદલવા માટે મેં વોર્ડરોબ ઉઘાડ્યો તો અનવરનો મૃતદેહ મારા પર આવી પડયો હતો. જો હું આમ કહું તો પહેલાં ખૂનનો ગુનો પણ આપમેળે જ કબૂલાઈ જાય તેમ હતું.’

‘એ ખૂન આપણે નથી કર્યું.’

‘ક્યું ખૂન...?’

‘અંકલનું...!’

‘શું...?’આશાએ આશ્ચર્યથી પૂછ્યું.

‘હા...’આનંદે જવાબ આપ્યો, ‘મારા ડેડીએ મને જણાવ્યું. છે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ અંકલનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણે થયું છે નહીં કે ખોપરી ફાટી જવાને કારણે !’

‘ઊંઘની ગોળીઓથી ?’

‘હા...પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આ વાત પુરવાર થઈ ચૂકી છે. એ વખતે આવી નાની નાની વાતો પ્રત્યે આપણે ધ્યાન નહોતું આપ્યું. આપણે પથ્થર તથા લોખંડના સળીયાથી જે પ્રહારો કર્યા હતા, તે અંકલના મૃતદેહ પર જ કર્યા હતા. અંકલના દેહને ઉછળતો જોઈને તેઓ તરફડાટને કારણે ઊછળે છે એમ આપણે માનતા હતા પણ વાસ્તવમાં ડનલપના ગાદલાને કારણે જ તેમનો મૃતદેહ ઉછળ્યો હતો.’

‘પછી તો પછી તેના મૃતદેહમાંથી લોહી કેવી રીતે નીકળ્યું. ?’

‘ડેડી પાસેથી મને જાણવા મળ્યું છે કે માણસના મૃત્યુ પછી તેના શરીરમાં વહેતા લોહીનું પાણી થવા માંડે છે. પરંતુ મૃત્યુ પછી તરત જ લોહીનું પાણી નથી થતું. તેમાં થોડી વાર લાગે છે. આપણે પ્રહારો કર્યા તેની થોડી વાર પહેલાં જ અંકલ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરી ચૂક્યા હતા.’’આ...આ વાતની તને...તેં આપણા સંબંધ વિશે તો કોઈને કંઈ નથી કહ્યું ને?’

‘ના...હું ગાંડો નથી થઈ ગયો સમજી ? આ લોહીનું પાણી થવું વગેરે તો મેં વાતવાતમાં જ ડેડીને પૂછ્યું હતું.’

‘ઓહ...’સહસા આશા ચમકીને બોલી, ‘હવે મને યાદ આવે છે કે મેં ઉંઘની ગોળીઓની શીશી પલંગની બાજુમાં ટેબલ પર પડેલી જોઈ હતી. ઉફ...આ આપણે શું કરી નાખ્યું ! આપણે ખૂની નથી. આપણેતો માત્ર મૃતદેહની ખોપરી જ ફાડી નાખી હતી.’

‘પરંતુ આ બધી વાતો પણ આપણે માટે જોખમરૂપ નીવડે તેમ છે.

ઉપરાંત અનવરનો મૃતદેહ પણ માથાના દુ:ખાવા જેવો બની ગયો છે. હું તો વિચારીને થાકી ગયો છું. હમણાં મારા દિમાગની નસ ફાટી પડશે એવું મને લાગે છે. હે ઈશ્વર...હું શું કરું...?’

‘આનંદ...હું જલ્દી પાછી જવા માગું છું.’

‘એટલે...?’આનંદ ખમચાયો, ‘આટલી જલ્દી...?’

‘હા...હું વધુ વખત સુધી બંગલાની બહાર રહેવા નથી માંગતી હજુ વાતાવરણ...’

‘પણ...પ્લીઝ...હું...આનંદે આશાના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.

આશા મનોમન ધ્રુજી ઊઠી. એણે આનંદના કાન પાસે હોઠ લઈ જઈને ધીમા પણ વાસનાભર્યા અવાજે કહ્યું, ‘હું રાત્રે રાહ જોઈશ...બંગલાની પાછળ...દરિયાકિનારે...!’

‘પણ હું તો અત્યારનું વિચારીને આવ્યો હતો.’આનંદ ઉતાવળા અવાજે બોલ્યો.

‘આટલો આકળો ન થા...હું ક્યાંય નથી ભાગી જવાની ! પ્રેમમાં મોત મળશે તો હું તેને પણ હસતા મોંએ વધાવી લઈશ.’

‘ભલે...થોડા કલાક જ રાહ જોવાની છે...હું જરૂર આવીશ.’આનંદ ધીમા અવાજે કહ્યું, ‘આજે રાત્રે મારે તારી સાથે એક બીજી પણ જરૂરી વાત કરવાની છે.’

ત્યારબાદ તેઓ આવ્યા હતા, એ જ રીતે રવાના થઈ ગયા.

નાગપાલની ઓફિસમાં શાંત વાતાવરણમાં ટેપરેકોર્ડરમાંથી આવતો અવાજ ગુંજતો હતો.

ઓફિસમાં દિલીપ સિવાય ઈન્સ્પેક્ટર વામનરાવ તથા સબઈન્સ્પેક્ટર અમરજી, અને વાઘજી પણ બેઠા હતા.

ટેપરેકોર્ડરમાંથી આશા તથા આનંદનો અવાજ આવતો હતો.

સૌ ચૂપચાપ એ અવાજ સાંભળતા હતા.

કહેવાની જરૂર નથી કે ઓપેરા ગાર્ડનમાં રૂમમાં માઈક્રોફોન ગોઠવીને નાગપાલે જ આ વાતો ટેપ કરાવી હતી.

છેલ્લા વાક્યની સાથે જ ટેપમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો.

‘પણ...પ્લીઝ...હું...’

‘ત્યારબાદ ધીમા સાદે વાતોનો જે અવાજ સંભળાયો, તે ધ્યાનથી સાંભળ્યા પછી પણ કોઈ નહોતું સમજી શક્યું.

‘છેલ્લે...’નાગપાલે ટેપરેકોર્ડરનું બટન બંધ કરતાં કહ્યું, ‘એ લોકોએ સેક્સને લગતી જ વાતો કરી હશે, અને આ વાતોનું આપણે માટે કોઈ જ મહત્ત્વની નથી. એ બંનેએ જ શેઠ લખપતિદાસ પર લોખંડના સળીયા અને પથ્થરથી પ્રહારો કર્યા હતા, એનો પુરાવો આપણને મળી ગયો છે. પરંતુ સાથે જ શેઠ લખપતિદાસનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણે થયું હતું., એ વાત પણ સાચી છે. આનો અર્થ એ થયો કે તેઓ પહેલાંથી જ આપઘાત કરી ચૂક્યા હતા. છતાં પણ આ આઈ.પી.સી. ત્રણસો સાત નંબરનો કેસ છે. ભલે મરનાર અગાઉથી જ મૃત્યુ પામેલી હાલતમાં પડ્યો હોય, પરંતુ ખૂન કરનાર, પોતે મૃતદેહનું ખૂન કરે છે. એ વાત નહોતા જાણતા. હવે રહ્યો સવાલ અનવરના મૃતદેહનો ! તો આ કેસેટમાં થયેલી વાતચીત મુજબ અનવરનો મૃતદેહ વોર્ડરોબમાં હતો. વામનરાવ, તેં વોર્ડરોબમાં તપાસ ન કરી, એ તારી મોટામાં મોટી ભૂલ હતી. જોકે કેસેટમાં આનંદના જણાવ્યા પ્રમાણે આશાએ વોર્ડરોબને સાફ કરી નાંખ્યો હતો. પરંતુ તેમ છતાં ય જો તેં તપાસ કરી હોત તો, કેસમાં આગળ વધી શકાય તેવાં કોઈક ચિન્હો જરૂરથી મળી આવત, ખેર, જે થયું તે થયું ! તને પલંગ નીચેથી મળી આવેલી બત્રીસ કેલીબરની રિર્વોલ્વર લખપતિદાસની હતી. અનવરના મૃતદેહમાંથી જે ગોળી મળી આવી છે, તે પણ બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી જ છોડવામાં આવી છે. પરંતુ તે પલંગ નીચેથી મળી આવેલી એટલે કે શેઠ લખપતિદાસની રિર્વોલ્વરમાંથી છોડવામાં નથી આવી. આનંદ અને આશા વચ્ચે બત્રીસ કેલીબરની બીજી રિર્વોલ્વરનો ઉલ્લેખ થશે એવી આપણને આશા હતી. પરંતુ આવો કોઈ ઉલ્લેખ તેમની વચ્ચે નથી થયો એટલે અનવરના ખૂનમાં તેમનો હાથ હોય એવું નથી લાગતું.

‘નાગપલ સાહેબ...!’સબ-ઈન્સ્પેક્ટર અમરજી બોલ્યો, ‘હવે એ બંનેની ધરપકડ કરી લેવી જોઈએ.’

‘ના...એ બંનેની ધરપકડ કરવાથી કંઈ જ નહીં વળે ! આપણે હવે સાચા ખૂનીને શોધવાનો છે. કોઈક બીજો માણસ પણ આ ષડ્યંત્રમાં સામેલ છે, એ તો સ્પષ્ટ જ છે. આપણે બંગલાની બહાર પૂરતૂં ધ્યાન આપીશું તો જ ખૂની કોણ છે તે જાણી શકીશું. સૌથી પહેલાં તો આપણે સાધના સાથે બહાદુર નામનો ચોકીદાર ક્યાં ને શા માટે જાય છે તેની તપાસ કરવાની છે. બંને સવાલોના જવાબ મેળવ્યા પછી જ આપણે આગળ શું પગલાં ભરવાં તેનો વિચાર કરીશું. વાઘજી...!’નાગપાલે વાઘજી સામે જોયું.

‘જી, સાહેબ...!’

‘તારે લખપતિદાસના બંગલામાં નોકર તરીકે જ રહેવાનું છે. પણ હવે આશા પર નજર રાખવાની જરૂર નથી. આમે ય આશાને પહેલાંથી જ તારી ચિંતા છે. તારે હવે માત્ર સાધના પર જ નજર રાખવાની છે. આજે રાત્રે સબ-ઈન્સ્પેક્ટર અમરજી ટેક્સી લઈન, ટેક્સી-ડ્રાયવરના રૂપમાં સાધનાને લઈને એ ક્યાં જાય છે, તેની તપાસ કરી આવશે.’

‘ભલે સાહેબ ! બંગલામાં સાધના પર નજર રાખવા સિવાય મારે બીજું કંઈ કરવાનું છે ?’

‘ખાસ તો તારા પર કોઈને શંકા ન આવે તેનું ધ્યાન રાખવાનું છે આપણે ખાસ તો સાધના ક્યાં જાય છે તેની તપાસ કરવાની છે.’

‘નાગપાલ સાહેબ...!’સહસા અમરજી બોલ્યો, ‘એક માણસનો ચહેરો મને યાદ આવે છે. જે વખતે હું સીવીલ ડ્રેસમાં, ઓપેરા ગાર્ડનની બીજી તરફ આંટા મારતો હતો, ત્યારે મેં કાશીનાથને ત્યાં જોયો હતો.

‘તું આનંદના પિતા કાશીનાથની વાત કરે છે. ?’

‘હા, સાહેબ !’

‘આ વાત તેં મને પહેલાં શા માટે ન જણાવી ?’

‘હું કહેવાનો જ હતો. કાશીનાથની કાર ગાર્ડનના પાછળના ભાગમાં ચાલી ગઈ હતી. પછી ફરીને તેની કાર હું આંટા મારતો હતો. ત્યાં આવીને ઊભી રહી ગઈ હતી. તેની કારની આ હિલચાલને કારણે જ મારી નજર તેના પર પડી હતી. એ ખૂબ જ ક્રોધમાં હોય એવું લાગતું હતું. એ કારમાં જ બેસી રહ્યો હતો. પણ બહાર નહોતો નીકળ્યો.’

‘ઓહ...!’વામનરાવ બોલ્યો, ‘આનો અર્થ એ થયો કે પોતાનો દિકરો શું પરાક્રમ કરે છે, એ વાત કાશીનાથ પણ જાણતો હતો.’

‘ખેર, જે હશે તે આપણી સામે આવી જ જશે.’નાગપાલે કહ્યું.

ત્યારબાદ વામનરાવ અને વાઘજી રવાના થઈ ગયા. જ્યારે અમરજી નાગપાલને ત્યાં જ રોકાઈ ગયો.

રાતના દસ વાગ્યા હતા અને બરાબર સાડા અગિયાર વાગ્યે તેને ટેક્સી સાથે લખપતિદાસના બંગલા પાસે પહોંચવાનું હતું.

કહેવાની જરૂર નથી કે ભાડૂતી ટેક્સીના વ્યવસ્થા નાગપાલે કરી લીધી હતી.

દીવાલ પર લટકતી ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા.

ગઈ કાલની જેમ આજે પણ સાધના જાગતી હતી. એણે ગરદન ફેરવીને ગાઢ ઊંઘમાં સૂતેલી સવિતા સામે જોયું.

ગઈ કાલની જેમ જ સાવચેતી રાખીને તે રૂમમાંથી બહાર નીકળીને લોબીમાં પહોંચી.

એણે ચપ્પલ કાઢીને હાથમાં પકડી લીધા. ત્યારબાદ તે દબાતે પગલે આગળ વધી.

આશાના રૂમ પાસે પહોંચીને તે અટકી. એણે તેની રૂમના બારણાં પર કાન માંડ્યા. પણ તેને અંદરથી કોઈ જાતનો અવાજ ન સંભળાયો.

પછી કંઈક વિચારીને તે પાછી ફરી. હવે એના પગ બંગલાના પાછળના ભાગ તરફ આગળ વધતા હતા. પાછળના ભાગનું બારણું માત્ર ઓડકેલું જ હતું. તે બારણું ઉઘાડીને પાછળના ભાગમાં પહોંચી ગઈ. વાતાવરણમાં દરિયાનાં ઉછળતાં મોજાં નો શોર ગુંજતો હતો. તે પાછળની દિવાલની ઓથે ચાલીને થોડી આગળ વધીને તાડના વૃક્ષ પાસે પહોંચી ગઈ.

એની નજર દીવાલની બીજી તરફ દરિયાકિનારા પર ફરવા લાગી. પછી ફરતી તેની નજર તેની રેતી પર એકબીજાને વળગીને સૂતેલી બે આકૃતિઓ પર સ્થિર થઈ ગઈ. વળતી જ પળે તેનાં જડબાં એકદમ ભીંસાઈ ગયાં. એ આકૃતિઓના રૂપમાં તે આશા અને આનંદને ઓળખી ચુકી હતી.

એની આંખો લાલઘુમ થઈ ગઈ. ક્રોધના અતિરેકથી તેનો દેહ કંપવા લાગ્યો.

એ કેટલીયે વાર સુધી એમ ને એમ ઊભી રહીને તેમની હિલચાલ તાકી રહી. એણે ક્રોધ અને લાચારીથી હોઠ કરડ્યો. પછી સ્હેજ સ્વસ્થ થઈને પુન: આવી હતી, એ જ માર્ગેથી બંગલામાં દાખલ થઈ ગઈ. પાછળના બારણાંને એણે ઉઘાડું જ રહેવા દીધું હતું.

લોબી વટાવીને તે વરંડામાં પહોંચી. એનો ચહેરો હજુ પણ ક્રોધથી લાલઘુમ હતો. એ પગથિયાં ઊતરીને ફાટક પાસે પહોંચી.

બહાદુર પોતાની કેબિનમાંથી બહાર નીકળીને ઝડપથી તેની નજીક પહોંચ્યો. એણે પોતાના ગજવામાંથી ચાવીનો એક ઝૂડો કાઢીને તેની સામે લંબાવતાં કહ્યું, ‘કાર બહાર જ ઊભી છે. મેં અંધારું થતાં જ કારને બહાર પાર્ક કરી દીધી હતી.’

સાધનાએ ચૂપચાપ તેના હાથમાંથી ચાવીનો ઝૂડો લઈ લીધો.

‘હું સાથે આવું દિકરી ?’બહાદુરે પૂછ્યું.

‘ના...આજે કારમાં જઉં છું. એટલે તમારે સાથે આવવાની કંઈ જ જરૂર નથી કાંકા !’કહીને સાધના ફાટક તરફ આગળ વધી.

‘દિકરી...’પાછળથી બહાદુરે બૂમ પાડી.

‘શું વાત છે કાકા ?’એનો અવાજ સાંભળી, પીઠ ફેરવીને સાધનાએ પૂછ્યું.

‘મને આજે કંઈક શંકા આવે છે.’

‘કેવી શંકા ?’

‘સાહેબના મામાના દિકરાએ રાખેલો નવો નોકર મને નોકર જેવો નથી

લાગતો.’

‘એટલે...? હું સમજી નહીં. !’

‘મેં હમણાં થોડી વાર પહેલા તેને વરંડામાં ઊભેલો જોયો હતો. અત્યારે રાતના સમયે તો તેને પોતાની રૂમમાં હોવું જોઈતું હતું. કોણ જાણે એ શા માટે ત્યાં ઊભો હતો !’

‘તમે એને આ બાબતમાં કંઈ પૂછવું નહોતું ?’

‘મેં પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે હું ઊંઘ ન આવવાને કારણે અમસ્તો જ આંટા મારું છું. પણ એ ખોટું બોલતો હોય એવું મને લાગ્યું હતું. મને પૂછપરછ કરતો જોઈને જાણે ચોરી કરતાં રેડ હેન્ડ પકડાઈ ગયો હોય, એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા હતા.

‘મને પણ તેના પર શંકા છે.’સાધના બોલી, ‘તે અવાર-નવાર મારી રૂમ પાસે આંટા મારે છે. પણ અને મામાના દિકરાએ નોકરીએ રાખ્યો છે. એટલે તેના પર કેવી રીતે શંકા કરવી !’

‘હું પણ એનો જ વિચાર કરતો હતો.’બહાદુરે કહ્યું, ‘ખેર, તું જેમ બને તેમ જલ્દીથી પાછી આવતી રહેજે.’

સાધના હકારમાં માથું હલાવી, ફાટક ઉઘાડીને બહાર નીકળી ગઈ. એની મારૂતીની ચાવી તેના હાથમાં હતી. એની કાર સામે જ ફૂટપાથ પાસે એક વૃક્ષના અંધકાર નીચે ઊભી હતી. સાધનાને બહાર નીકળેલી જોઈને થોડે દૂર ટેક્સીમાં તૈયાર બેઠેલા અમરજીની આંખોમાં ચમક પથરાઈ ગઈ. વળતી જ પળે એણે ટેક્સી સ્ટાર્ટ કરીને તેની ધીમી ગતિએ લખપતિદાસના બંગલા તરફ આગળ ધપાવી. ટેક્સીનો હેઠલાઈટનો પ્રકાશ સાધના પર પડ્યો. પણ એણે હાથ ઊંચો કરીને તેને થોભાવવાનો પ્રયાસ ન કર્યો. અમરજીને થોડી નવાઈ લાગી. એની ગણતરી મુજબ સાધનાએ ટેક્સી ઊભી રાખવા માટે હાથ ઊંચો કરવો જોઈતો હતો. પરંતુ એણે તો ટેક્સી તરફ નજર સુધ્ધાં નહોતી કરી.

અમરજીએ ટેક્સીની ગતિને એકદમ ઓછી કરીને હોર્ન વગાડ્યું. પરંતુ તેમ છતાંય સાધનાએ ટેક્સી તરફ ન જોયું. તે પૂર્વવત્ રીતે ફૂટપાથ તરફ આગળ વધતી રહી.

છેવટે અમરજીએ તેની બાજુમાં પહોંચીને ટેક્સી ઊભી રાખી દીધી.

સાધનાએ પીઠ ફેરવીને ટેક્સી સામે જોયું.

‘મેડમ...!’અમરજીએ વિવેકભર્યા અવાજે પૂછ્યું, ‘ટેક્સીની જરૂર છે ?’

‘ના...’સાધનાએ ભાવહીન અવાજે જવાબ આપ્યો.

એનો જવાબ સાંભળીને અમરજીના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા. બીજી વખત પૂછવાનું તેને યોગ્ય ન લાગ્યું., એણે ટેક્સીને આગળ ધપાવી, થોડે દૂર અંધકારમાં પહોંચીને ઊભી રાખી દીધા. ટેક્સીની બધી બત્તીઓ એણે બૂઝાવી નાખી. પછી તે બારણું ઉઘાડીને નીચે ઊતર્યો. એણે

સડક પર નજર દોડાવી. સાધના તેને ક્યાંક ન દેખાઈ. પછી સહસા થોડે દૂર તેને કોઈક કારની હેડ લાઈટનો પ્રકાશ દેખાયો. આજે સાધનાએ બહાર જવા માટે પોતાની કારનો ઉપયોગ કર્યો. છે. એ વાત તરત જ તે સમજી ગયો. એ ટેક્સીમાં બેસીને સાધનાનો પીછો કરવા માટે તૈયાર થઈ ગયો સાધનાની મારૂતી તેની બાજુમાંથી પસાર થઈને આગળ વધી ગઈ. અમરજીએ પીછો શરૂ કરી દીધો. સાધનાના ચહેરા પર હજુ પણ ક્રોધના હાવભાવ છવાયેલા હતા. ટેક્સી ડ્રાયવરથી પોતે પરિચિત છે એવું તેને લાગતું હતું. પોતે અગાઉ ક્યાંક આ ટેક્સી ડ્રાયવરને મળી ચુકી છે છે એવો ભાસ તેને થતો હતો. પછી વિચારતાં વિચારતાં જ તેની નજર સામે થોડા દિવસ પહેલાનો ભૂતકાળ ઉપસી આવ્યો.

સાંજનો સમય હતો.

લખપતિદાસે ઓફિસેથી આવીને ડ્રોંઈગરૂમમાં પગ મૂક્યો.

સાધના ડ્રોંઈગરૂમમાં એક સોફા પર બેઠી હતી.

‘સાધના...’લખપતિદાસે સ્મિત ફરકાવતું કહ્યું, ‘હમણાં હમણાં તું ખૂબ જ જ જમે છે. જમવા પર કાબૂ રાખ નહીં તો જાડી થઈ જઈશ.’

‘પણ પિતાજી, મેં તો સવારથી અત્યાર સુધીમાં માત્ર બે કપ ચા, એક ગ્લાસ સફરજનનો જયુસ અને ગાજરનો હલવો જ ખાધાં છે. ભોજન તો હું તમારી સાથે જ કરવાની છું.’

‘બરાબર છે... પણ તેમ છતાં ય મને તારી તબિયતની ચિંતા થાય છે, જો તારું વજન વધી જશે તો હું કાશીનાથને શું જવાબ આપીશ ?’

‘પિતાજી...!’સાધનાએ લાગણીભરી નજરે લખપતિદાસ સામે જોયું.

‘જો દિકરી, હું તને ખાવા-પીવાની ના નથી પાડતો. હું તો બસ, જયારે તને વિદાય કરું, ત્યારે તારો સસરા પક્ષના માણસો તારી સુંદરતા પર ગર્વ કરે અને વહુ તો જાડી છે એમ ન કહે એટલું જ ઈચ્છું છું.’

‘હું તમને જોડી દેખાઉં છું. ?’સાધનાએ કૃત્રિમ રોષથી પૂછ્યું.

લખપતિદાસે બૂટ તથા કોટ કાઢી નાખ્યા. થોડી વાર પછી બંને ડીનર ટેબલ પર બેઠા હતા.

‘લે, દિકરી...આપણો રસોયો પાઉંભાજી તો ફસ્ટ્ કલાસ બનાવે છે.’

‘ના, હું તો માત્ર સૂપ જ પીવા માગું છું.’

‘ઓહ...તું તો નારાજ થઈ ગઈ...! જો તું નહીં ખા તો પછી હું પણ આમ ને આમ જ ઊભો થઈ જઈશ.’લખપતિદાસે પોતાની પ્લેટ એક તરફ સરકાવતાં કહ્યું, ‘ચાલ, ચૂપચાપ ભોજન શરૂ કર !’

સાધનાએ જમવાનું શરૂ કર્યું.

‘પિતાજી...!’સહસા અને લાગણીભર્યા અવાજે બોલી, ‘જો મારી જીવતી હોત તો પણ મને તેની પાસેથી આટલો પ્રેમ ન મળત !’

‘દિકરી...!’લખપતિદાસે સ્નેહથી તેની સામે જોતાં કહ્યું, ‘મને અત્યારે ફક્ત તારી જ ચિંતા થાય છે. જો તારા હાથ પીળા કર્યા પહેલાં જ મારી આંખો મીંચાઈ જશે તો શું થશે એવો વિચાર પણ મને ક્યારેક ક્યારેક આવે છે.’

‘પિતાજી...’સાધના રોષથી ટેબલનાં ટોપ પર ચમચી અફાળતાં બોલી, ‘જો ભવિષ્માં તમે ક્યારેય આવી વાત ઉચ્ચારશો તો પછી હું ઝેર પી લઈશ.’

‘અરે...હું તો માત્ર મજાક જ કરતો હતો. ખેર, તું તારે નિરાંતે જમ ! હું તારી સાથે થોડી જરૂરી વાતો કરવા માગું છું.’લખપતિદાસનો અવાજ એકદમ ગંભીર હતો.

એના અવાજમાં રહેલી ગંભીરતાને પારખીને સાધના ચમકી ગઈ.

એણે ચૂપચાપ ભોજનકરી લીધું.’

ભોજન કર્યા પછી બંને બાપ-દિકરી કોફીના ઘૂંટડા ભરતાં ડ્રોઁઈગરૂમમાં બેઠા હતા.

‘જો દિકરી, હવે મારે વસીયતનામું કરી નાંખવું જોઈએ એમ હું માનું છું. માણસની જિંદગીનો કોઈ ભરોસો નથી.ક્યારે પોતાના શ્વાસની દોરી તૂટી જશે એ કોઈ જ નથી જાણતું.’

‘પિતાજી...વળી પાછી તમે આવી વાતો શરૂ કરી દીધી ?’

‘ના, દિકરી...હું તો માત્ર હકીકત જ જણાવું છું અને આમે ય મારે ક્યારેક તો વસીયતનામું કરવું જ પડશે ને ? હું બધું જ તારા નામ પર કરી નાંખીશ અને આ બધું તારું જ છે ને ?’કહીને લખપતિદાસે સાધના સામે જોયું. સાધના ધ્યાનથી તેની વાતો સાંભળતી હતી.

‘દિકરી, તારા સિવાય મારી મિલકતને કોઈ હાથ પણ ન લગાવી શકે એ રીતે હું મારું વસીયતનામું કરીશ. આ મિલકતનો તું ઉપયોગ જરૂર કરી શકીશ પણ વેંચી તો તું ય નહીં શકે ! એ જ રીતે તારો ભાવિ પતિ આનંદ આ મિલકતનો ઉપયોગ કરી શકશે. પણ એ તેને વેંચી કે ક્યાંય ગિરો નહીં રાખી શકે. આ પ્રકારનો કોઈ પણ જાતનો હક તમને નહીં મળે !’

‘ના, પિતાજી...તમને મારામાં ને આનંદમાં કોઈ ફર્ક લાગે છે ? તમારે અમને એકસરખો જ હક આપવાનો છે.’

‘દિકરી, પૈસાની લાલચ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એ તું નથી જાણતી.’

‘ના, પિતાજી...તમે...’

‘પહેલાં મારી વાત પૂરી થઈ જવા દે. પછી તારે જે કહેવું હોય તે કહેજે.

સૌથી પહેલાં તો તું મારી એક વાતનો જવાબ આપ.’

સાધનાએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘માણસને જીવવા માટે શું જોઈએ ?’

‘માત્ર બે ટંક ભોજન...!’સાધનાએ માસૂમ અવાજે જવાબ આપ્યો.

‘તારી વાત સાચી છે. બે ટંક ભોજન, શરીર ઢાંકવા માટે વસ્ત્રો અને રહેવા માટે મકાન. માણસ પાસે જો આ ત્રણ ચીજ હોય તો તે આરામથી પોતાનું જીવન પસાર કરી શકે છે. પરંતુ માણસ જેમ જેમ પૈસાદાર થતો જાય છે. તેમ તેમ વધું પૈસો મેળવવાની તેની લાલચ પણ વધતી જાય છે. તે ચોવીસે ય કલાક ક્યાંથી પૈસો મેળવવા એનો જ વિચાર કરતો રહે છે. ઘડીભર માટે માની લે કે ભવિષ્યમાં તારે ક્યારે ય આનંદ સાથે ઝઘડો થાય અથવા તો તો પછી એના પગ લપસતા દેખાય અને એ તને છોડીને બીજે ભાટકે તો એ વખત માત્ર પૈસા જ તને કામ લાગશે. મારી વાત યાદ રાખજે દિકરી... પૈસાને હંમેશા તારા કાબૂમાં રાખજે. સાંભળ, આપણા નૂર મહેલનું કામ ચાલે છે એ રીતે જ ચાલ્યા કરશે. મેં ત્યાંના સ્ટાફની એક મેનેજમેન્ટ ટીમ બનાવી છે. તારે ત્યાં માત્ર ચેક, બેલેન્સ શીટ વગેરે પર સહી કરવાની છે. તું અને આનંદ જે કારનો ઉપયોગ કરશો એ બધી નૂર મહેલની માલિકીની હશે. નૂર મહેલ જ આપણા બંગલા, નોકરો, સરકારી બીલો વગેરનું પેમેન્ટ કરશે. રોજબરોજની તમામ ચીજોનું બીલ નૂર મહેલ કરશે. મારી સંપત્તિનો આ ઉપયોગ તમે કરી શકો છો. પરંતુ જો તને ક્યારેય ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો તેની પણ મેં જુદી વ્યવસ્થા કરી રાખી છે. મેં તારા નામથી યુનિટ ટ્રસ્ટના વીસ લાખ રૂપિયાના શેર ખરીદી લીધા છે. આ શેર સર્ટિફિકેટ અને અન્ય જરૂરી કાગળો આપણા વકીલ ધરમદાસ પાસે પડ્યા છે. તે જ આ તમામ કામકાજ સંભાળશે. તેમની ફી મેં અગાઉથી ચુકવી દીધી છે. વાત એમ છે સાધના કે, ધરમદાસે થોડા વખત પહેલાં આનંદને એક શંકાસ્પદ ચરિત્રની યુવતી સાથે જોયો હતો. એ બંને કારમાં બેસીને જતા હતા. દેખાવ પરથી એ યુવતી કોલગર્લ જેવી લાગતી હતી. પરંતુ ધરમદાસ એ બંનેનો સંબંધ જોડી શક્યો નહોતો. સાધના, આ બાબતમાં તારે આનંદને કંઈ જ નથી જણાવવાનું ! હું જે કંઈ કહું છું. કરું છું, તે તારા હિત માટે જ છે. જો તું આ બાબતમાં આનંદને કંઈ કહે તો તને મારા સમ છે...!’

‘પિતાજી...તમે તો જાણે અત્યારે જ મને છોડીને ચાલ્યા જવાના હો એવી વાત કરો છો.’

‘દિકરી, ગ્રાહક, દુશ્મન ને મોત આ ત્રણમાંથી કોણ, ક્યારે આવી ચડે તેનું કંઈ જ નક્કી નથી હોતું. એક ને એક દિવસ તો સૌએ મરવાનું જ છે. આ દુનિયામાં કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યુ.’લખપતિદાસે સ્નેહથી સાધનાના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘દિકરી, મેં તારે માટે વીસ લાખ રૂપિયા યુનિટ ટ્રસ્ટનાં જે સર્ટિફિકેટો ખરીદ્યા છે એ વાત તારે કોઈ કરતાં કોઈનેય નથી જણાવવાની ! આ ‘કોઈ’આનંદનો પણ સમાવેશ થઈ જાય છે. તારા પર કોઈ સંકટ આવી પડે તો તારે એ વખતે મુંઝાવું ન પડે એટલા માટે જ મેં આ વ્યવસ્થા કરી છે અને આ બાબતમાં તું કોઈનેય કંઈ નહીં કહે તેની મને ખાતરી કરાવવા માટે તારે મારા સમ ખાવા પડશે.’

‘પિતાજી, હું તમારો સમ ખાઈને કહું છું કે આ બાબતમાં કોઈને ય કંઈ નહીં જણાવું.’કહીને સાધના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

‘શાબાશ...દિકરી, આજે તેં મારા માથા પરથી એક ભાર ઓછી કરી નાંખ્યો છે.’ કહીને લખપતિદાસ સ્નેહથી તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. સાધના માસૂમ બાળકની જેમ તેને વળગી પડી

***