" what ???" કહી અમોલે આકાંક્ષા તરફ નજર કરી અને એક ખોટું સ્મિત આપ્યું ; એવો અહેસાસ કરાવવા કે બધું ઠીક છે. પરંતુ અંદર થી તો હ્દય ને જોર નો ઝટકો લાગ્યો હતો. આગળ કશું બોલી પણ ના શક્યો. " બાય " કહી ફોન મુકી દીધો.
" શું થયું ? કાંઈ પ્રોબ્લેમ થયો છે ? " આકાંક્ષા એ અમોલ ને પૂછ્યું.
" એની કોઈ ચાવી ખોવાઈ ગઈ છે. એની વાત કરતી હતી. " અમોલે વાત ને સંભાળી લેવા ની નાકામ કોશિશ કરી.
" તો એમાં આટલું ગભરાવા નું કેમ ? એની સોસાયટી ની નજીક જ તો છે ; ચાવી બનાવવા વાળો. સિક્યુરિટી ગાર્ડ ને કહી ને બોલાવી લેતાં કેટલી વાર? " આકાંક્ષા એ કહ્યું.
" એજ ! એ નાહક ની ગભરાય છે. " અમોલ હા માં હા ભેળવી બોલ્યો અને ઉમેર્યું , " હું ઓફિસ જવું છું . બાય . "
" બાય . ધ્યાન થી જજો. " આકાંક્ષા એ કહ્યું.
અમોલે એક ફિક્કી સ્મિત આપી અને ઑફિસ જવા નીકળ્યો.
કાર માં થી તન્વી ને કૉલ કર્યો.
" હલો! જાનુ! " તન્વી બોલી.
" પાગલ થઈ ગઈ છે? એમ કેમ ખોવાઈ ગઈ નથણી ? " અમોલે તન્વી પર ગુસ્સે થતા કહ્યું.
" મને ખબર હોત તો થોડી ખોવાવા દેત! પણ હવે શું કરીશું ? નવી ખરીદવા માં મને તારી મદદ જોઈશે. મારો ચેક ત્રણ મહિના થી આવ્યો જ નથી . ભાડું પણ આ મહિને જેમ તેમ ભર્યું છે. તને તો ખબર જ છે ને ! સોના ની વસ્તુ ખરીદી કરવા નાં પૈસા નથી અત્યારે !! પ્લીઝ , અમોલ મદદ કર ! " તન્વી એ આજીજી કરી.
" ઑકે સાંજે કૉલ કરું છું. અત્યારે મિટિંગ છે. જલ્દી પહોંચવા નું છે." અમોલે કહ્યું.
" સારું! બાય ! લવ યુ ! " તન્વી થોડો હાશકારો અનુભવી રહી હતી.
"લવ યુ " કહી અમોલે ફોન મૂક્યો..
ઑફિસ જઈ ઑફિસ નાં કામ અને મિટિંગ માં વ્યસ્ત થઈ ગયો.
કૃતિ કૉલેજ થી જલ્દી આવી ગઈ હતી. બા ની રુમ માં થી મોટે થી અવાજ આવી રહ્યો હતો. બા શું વાંચે છે એની આતુરતા થી એણે દરવાજો ખોલ્યો. બા એ એને અંદર બોલાવી અને રામાયણ સાંભળવા આગ્રહ કર્યો. પરંતુ કૃતિ એ ના પાડી દીધી અને કહ્યું , " બા તમને રામાયણ ગમે છે તો તમે વાંચો ; મને નથી ગમતું!!! "
" બેટા ! એવું ના કહેવાય ! ભગવાન શ્રી રામ ની વાત છે . " બા એ કૃતિ ને સમજાવતા કહ્યું.
" ભગવાન ?!!!! બા ! મને હજુ સુધી એ નથી સમજાતું કે જે પુરુષ એવા સમયે સ્ત્રી નો ત્યાગ કરે , જ્યારે એ એમનાં બાળક ને જન્મ આપવા ની હોય ! એમને ભગવાન નો દરજ્જો કેમ આપવા નો? હું એ વાત સાથે જરા પણ સહેમત નથી. અને જે રાવણ ને આપણે બદનામ કરીએ છીએ એમણે અપહરણ ચોક્કસ કર્યું હતું પરંતુ સીતા માતા સાથે બળજબરી તો નહોતી કરી ને? એક સ્ત્રી ની ઈચ્છા ને રાવણે માન આપ્યું હતું. તો આપણા શ્રી રામે કેમ નહીં ? "
આકાંક્ષા રસોડા માં થી બા અને કૃતિ વચ્ચે નો વાર્તાલાપ સાંભળતી હતી. કામ પતાવી એ પણ બા ની રુમ માં ગયી . કૃતિ એ એને પૂછ્યું. " તમે શું કહો છો ભાભી ? તમને પણ શ્રી રામ નો આદેશ કે ' માતા નગર છોડી ને વનવાસ જાય ' એ યોગ્ય લાગે છે ? " કૃતિ એ તરુણાવસ્થા ના જ્વલંત તર્ક વિચાર પ્રસ્તુત કર્યા.
" શ્રી રામ નાં આદેશ મુજબ સીતામાતા ને ફક્ત નગર માં સ્થાન નહોતું. પરંતુ એમના દિલ માં તો સદા માટે હતું . એ સ્થાન બીજું કોઈ લઈ જ નહોતું શક્યું. " આકાંક્ષા એ થોડા ગંભીર ભાવ થી કહ્યું.
" પરંતુ ભાભી ! મને એ નથી સમજાતું કે જે સ્ત્રી પોતાના પતિ પગલે મહેલ છોડી ને સ્વેચ્છાપૂર્વક વનવાસ પસંદ કરે , એ સ્ત્રી સાથે આવું વર્તન ? સીતા માતા સાથે તો હડહડતો અન્યાય થયો હતો. " કૃતિ એક પછી એક એના મંતવ્યો રજૂ કરી રહી હતી.
" શ્રી રામે રાજધર્મ ને સર્વોપરી ગણ્યો હતો ; અને સીતા માતા એ પતિ ની આજ્ઞા " બા એ સ્પષ્ટતા કરતાં કહ્યું.
" પરંતુ એવો કેવો રાજધર્મ જેમાં પત્ની ને આવા દિવસો માં પણ દેશવટો ? " કૃતિ બોલી.
" કૃતિ બહેન એવું નથી . જેમ રાવણે સીતાજી ની સંમતિ ને મહત્વ આપ્યું હતું તેમ જ શ્રી રામે પણ આપ્યું હતું . શ્રી રામે સીતામાતાને કહ્યું હતું કે એક રાજા તરીકે એમની મર્યાદા છે ; પરંતુ એક નારી તરીકે એ વાત નો વિરોધ જરુર થી કરવો જોઈએ. પરંતુ સીતા માતા માટે એમના પતિ નાં સન્માન થી વધારે કાંઈ જ નહોતું. એટલે એમણે વનવાસ નો નિર્ણય લીધો. " આકાંક્ષા એ ખૂબ જ સહજ શબ્દો માં કૃતિ ને સમજાવા નો પ્રયત્ન કર્યો.
" પરંતુ અગ્નિ પરિક્ષા પછી પણ … આવું લાંછન ! અને છેલ્લે પોતાના પુત્રો ને સ્વીકારવા માટે પણ પ્રજા ની સંમતિ ??" કૃતિ હજી પણ સંમત નહોતી થઈ રહી.
" એક રાજા તરીકે ની મર્યાદા ! એક રાજા એ પોતાના પરિવાર થી વધુ પ્રજા નાં મંતવ્યો અને હિત માન્ય રાખવા જોઈએ . બસ એજ વાત થી એમણે આવો કપરો નિર્ણય લેવો પડ્યો. " આકાંક્ષા એ કહ્યું.
" પરંતુ સીતામાતા એ બરાબર નિર્ણય લીધો. આવી લાંછન વાળી જિંદગી જીવવી એના કરતાં ધરતી માં સમાય જવું વધારે યોગ્ય હતું " કૃતિ એ કહ્યું.
" એમાં પણ એક સંદેશ છે જે આપણે કદાચ ચૂકી ગયા. " આકાંક્ષા એ કહ્યું.
" શું ચૂકી ગયા આપણે ? " કૃતિ એ જિજ્ઞાસા થી પૂછ્યું.
"એક સ્ત્રી પોતાના ચારિત્ર્ય ની પરિક્ષા આપે છે ; જરૂર આપે છે …..
પોતાના પરિવાર અને પતિ નાં સન્માન માટે કંઈ પણ કરી શકે છે . પરંતુ જ્યારે વારંવાર એણે પોતાના ચારિત્ર્ય ની પરિક્ષા આપવી પડે ત્યારે એ એવું પ્રમાણ રજુ કરે છે કે કોઈ ને એ સ્વીકાર્યા વગર વિકલ્પ નથી હોતો અને પ્રમાણ માગ્યા નો અફસોસ પણ રહે છે.…!!!!! અને એટલે જ શ્રી રામ ને સીતા માતા ને અનહદ પ્રેમ હોવા છતાં વિરહ વેઠવો પડે છે. પ્રમાણ તો મળી જાય છે પરંતુ એ સ્ત્રી પાછી નથી મળતી . " આકાંક્ષા એ પોતાના અંગત મંતવ્ય રજૂ કર્યા.
બા આકાંક્ષા તરફ એક અમી નજર થી નિહાળી રહ્યા. આકાંક્ષા નાં માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું , " આ ઉંમરે આટલી મોટી સૂઝ ! સાચું કહું ને તો અમોલ નસીબદાર છે એને તારા જેવી સુશીલ પત્ની મળી છે. "
આકાંક્ષા ની આંખ નમ હતી. બા એ દિલ ખોલી ને વખાણ કર્યા પરંતુ એ આનંદ કે ગર્વ થી નહોતી સ્વીકારી શકતી. મન માં બોલી , ' ના ! બા ! એવું હોત તો આજે અમોલ ની જિંદગી માં કોઈ બીજી સ્ત્રી ના હોત ! '
અમોલે આકાંક્ષા ને મોબાઈલ પર મેસેજ કર્યો , ' બપોર નાં જમણ માટે નહીં અવાય ' . અને પછી તન્વી ને કૉલ કર્યો , " તૈયાર રહેજે. નીચે આવી ને કૉલ કરીશ. જ્વેલર્સ માં જઈ ને ખરીદી લઈએ. પણ તેં ચોક્કસ બરાબર ચેક કર્યું ? ઘર માં ક્યાંય નથી ને ? "
" ના ! ત્રણ વાર ચેક કર્યું. કામવાળી બાઈ ને પણ પૂછ્યું. પણ નથી જ દેખાતી. ક્યાં ગુમ થઈ ગઈ શી ખબર ? " તન્વી એ કહ્યું.
" સારું ! હવે તો નવી જ લેવી પડશે. તું ફોટા માં થી ડીઝાઇન જોઈ ને રાખજે. મને ચોક્કસ ડિઝાઇન યાદ નથી. નહીં તો એને ખબર પડી જશે કે એ એની નથણી નથી . ઓકે ! મૂકું છું ફોન . " કહી અમોલે ફોન મૂકી દીધો .
તન્વી ફટાફટ તૈયાર થઈ ગઈ અને અમોલ નાં ફોન ની રાહ જોવા લાગી. એનું મન ક્યાંય લાગી નહોતું રહ્યું. શૂટિંગ પર પણ તબિયત ઠીક નથી નો ફોન કરી દીધો. સતત મન માં પકડાઈ જવા ની અને અસુરક્ષા ની લાગણી અનુભવી રહી હતી. અમોલ નો ફોન આવ્યો અને બન્ને જ્વેલર્સ માં ખરીદી કરવા ગયા. ફોટો બતાવી ને હૂબહૂ નથણી ખરીદી અને બન્ને એ મન માં હાશ અનુભવી. પછી લંચ કર્યું અને છુટાં પડ્યાં.
સાંજે અમોલ જલ્દી ઘરે આવ્યો અને આકાંક્ષા ને નથણી આપી અને કહ્યું , " તન્વી એ પૉલીશ કરાવી ને મોકલાવી છે. "
આકાંક્ષા એ પેકેટ માં થી બહાર કાઢી , ધ્યાન થી જોઈ અને કહ્યું ,
" પૉલીશ માં બદલાઈ ગઈ લાગે છે ! મારી નથણી આવી નહોતી ! ડિઝાઇન થોડી અલગ છે. એને પાછી આપી દેજો. જેની હશે એ પણ એની નથણી શોધતું હશે. "
અમોલ સ્તબ્ધ બની નથણી ને જોઈ રહ્યો. મન માં વિચારી રહ્યો,
' જબરી મુસીબત માં ફસાઈ ગયો છું એક તન્વી ની બેદરકારી નાં લીધે ? '
અને આકાંક્ષા અમોલ ને નિહાળી રહી મુખ પર માર્મિક સ્મિત સાથે…..
(ક્રમશઃ )