VISHAD YOG- CHAPTER-17 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-17

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-17

વિષાદયોગ-17

‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

વિરમ નસામાં બબડતો હતો ત્યારે સુરસિંહ વીસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ખોવાઇ ગયો હતો. જ્યારે સુરસિંહને હૉસ્પિટલમાંથી ખસેડી કાચાકામના કેદી તરીકે જેલમાં રખાયો હતો ત્યારે એક દિવસ વિરમ તેને મળવા આવ્યો હતો. વિરમને જોઇ તેને રાહત થઇ હતી કે ચાલ આતો ફસાયો નથી. વિરમની હાલત જોઇ તેને થોડું દુઃખ તો થયેલું પણ એક રાહત હતી કે વિરમ તેની જેમ જેલમાં નહોતો. સુરસિંહે વિરમની હાલત જોઇ પુછ્યું “તને કેમ છે? અને આ તારા મોઢા પર નિશાન શેના પડેલા છે?” આ સાંભળી વિરમ રડી પડ્યો અને બોલ્યો “ આ પોલીસવાળાએ માર મારેલો તેના નિશાન છે.” આટલું કહી તે સુરસિંહની એકદમ નજીક આવી ગયો અને બોલ્યો “તને ખબર છે? આપણા શક્તિસિંહનું કોઇએ ખૂન કરી નાખ્યું છે. અને એજ લોકો હવે આપણને પણ મારી નાખશે.”

આ સાંભળી સુરસિંહ ખૂબ ગભરાઇ ગયો પણ તેણે ગભરાટ છુપાવવાં પૂછ્યું “પણ આપણને કોઇ શું કામ મારી નાખે? તું કંઇ સમજાઇ એવી વાત કર.” આ સાંભળી વિરમે કહ્યું “મને પણ આમા તો કંઇ પૂરું સમજાયું નથી, પણ કાલે પોલીસવાળાએ મને કહેલું કે તારા મિત્રને કહે એ કબૂલ કરી લે કે તેણેજ શક્તિસિંહનું પણ ખૂન કરેલું છે. નહીંતર તમારા બંનેનુ એન્કાઉન્ટર કરી નાખીશું. તમને ખબર નથી કે આમાં કોણ કોણ પડેલું છે. જો તારો મિત્ર કબૂલ નહીં કરે અને તું તેની વિરુદ્ધ ગવાહી નહીં આપે તો બે દિવસ પછી તમારી લાસનું પોસ્ટમોર્ટમ થશે.” વિરમ આ બોલતો હતો ત્યારે સુરસિંહ તો ડરને લીધે જડ બની ગયો હતો. તેને સમજાઇ ગયું હતું કે તે બંને હોળીનું નાળિયેર બની ગયા હતા. અને હવે તેની પાસે આ લોકો કહે છે તે કર્યા વિના કોઇ છૂટકોજ નથી. આટલા દિવસમાં એક પણ વાર કૃપાલસિંહ તેને મળવા આવ્યો નહોતો એટલે તેની પાસે પણ આશા રાખવી નકામી હતી. વિરમની વાત પરથી એ પણ સમજાઇ ગયું હતું કે જરૂર શક્તિસિંહનું ખૂન કૃપાલસિંહેજ કરાવેલું હોવું જોઇએ. આ વાત મગજમાં આવતાજ તેના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું અને તે વિચારવા લાગ્યો કે જે તેના સગા ભાઇનું ખૂન કરી નાખે તેને અમારું ખૂન કરતા શું વાર લાગે? આ વિચાર સાથેજ તેણે નિર્ણય કરી લીધો કે હવે આ લોકોની વાત સ્વિકારી લેવી અને આમપણ બચવાનો બીજો કોઇ રસ્તો નથી. તેણે વિરમને શાંત પાડ્યો અને કહ્યું “ હું તારી વાત સમજુ છું મિત્ર. તું ચિંતા છોડી દે. જા હું સ્વિકારી લઇશ કે શક્તિસિંહનું ખૂન મેજ કરેલું છે અને તું સાક્ષી આપીને મુક્ત થઇ જજે. “ આ સાંભળતાજ વિરમ સુરસિંહને ભેટી પડ્યો હતો. આ વાત યાદ આવતા અત્યારે પણ સુરસિંહના હાથની મુઠ્ઠીઓ વળી ગઇ અને આંખમાં ખૂન ધસી આવ્યું હતું. સુરસિંહે મનમાં નિર્ધાર કરી લીધો કે આ કૃપાલસિંહને તો હું છોડીશ નહી. ભલે મારે તેના માટે જાન આપી દેવી પડે. તેણે નક્કી કરી લીધુ કે હવે ચોક્કસ કંઇક કરવુ પડશે. પણ શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી? આ બધુ વિચારતી વખતે સુરસિંહને ક્યાં ખબર હતી કે કુદરતેજ તેનો ન્યાય કરવાની શરૂઆત કરી દીધી છે. અને તે પણ ટુંક સમયમાં તેમાં જોડાઇ જવાનો છે.

-------------------****-----------********---------****------------------------------

દાદાએ વાત આગળ વધારતા કહ્યું “તમને લાગતું હશે, ડોશો આ ખોટી રામાયણ ચાલુ કરીને બેસી ગયો છે પણ આ બધી વાત એટલે કહું છું કે તમને આગળ ઉપયોગી થશે.” એમ કહી તેણે ફરીથી વાતના મુદ્દા પર આવતા કહ્યું “ ઇન્સ્પેક્ટર રઘુવિરભાઇને લઇ જવા લાગ્યા એટલે મે પણ તેને સાથે લઇ જવા વિનંતી કરી. અને હું પણ પોલીસ જિપમાં ગોઠવાઇ ગયો. અમે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે જે છોકરી ગાયબ થઇ ગઇ હતી તે ત્યાં બેઠી હતી. તેને જોઇને અમને રાહત થઇ. અમે પહોંચ્યા એ સાથેજ ઇન્સ્પેક્ટરે કહ્યું “રઘુવિરભાઇ, સોરી મારે તમને અરેસ્ટ કરવા પડશે.” આ સાંભળી અમે બંને ચોંકી ગયા, અને પેલી છોકરી સામે જોયું. તે છોકરી તો નજર નીચે કરીને જ બેઠી હતી. રઘુવિરભાઇએ પુછ્યું “હું એ જાણી શકુ કે તમે કયા ગુના હેઠળ મારી ઘરપકડ કરવા માંગો છો?” આ સાંભળી ઇન્સ્પેક્ટરે કહ્યું “ આ છોકરીએ ફરિયાદ કરી છે કે તમે તેનું જાતીય શોષણ કર્યું છે તેના લીધેજ તે અનાથાશ્રમ છોડીને ભાગી ગઇ હતી. આ છોકરીએ તમારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.” આ સાંભળી અમારી બંનેના પગ નીચેથી ધરતી ખસી ગઇ હોય એવુ લાગ્યું. રઘુવિરભાઇ તો જાણે ભાન ગુમાવી બેઠા હોય એમ સુનમુન થઇ ગયા. તેને આમ ઊભેલા જોઇ મે પેલી છોકરીને સમજાવવાની કોશિષ કરી અને કહ્યું “દીકરી, તું આવો ખોટો આરોપ શું કામ નાખે છે? રઘુવિરભાઇ તો તને દીકરીની જેમ રાખતા હતા. તને ખબર છે તારા આ આરોપથી રઘુવિરભાઇની શું હાલત થશે? તું જે કંઇ પણ થયું હોય તે સાચું કહી દે. તું શું કામ અનાથાશ્રમમાંથી ભાગી ગઇ હતી.” મે બનતી આજીજી કરી પણ છોકરીએ તો પોતાની નજર ઊંચી ન કરી. ત્યાં રઘુવિરભાઇ બોલ્યા “ભીમસિંહ, તું તેને સમજાવવાનું રહેવા દે તે છોકરીનો કોઇ વાંક નથી તે તો આપણી વિરૂઘની સાજીસમાં મહોરું છે. તે બિચારીને પણ મજબૂર કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. હું મારા વકીલને બોલાવી લઉં છું.” એમ કહી તેણે ઇશારો કરી મને પાસે બોલાવ્યો અને પછી જે કહ્યું તે સાંભળી મને સમજાઇ ગયું હતુ કે હવે આ આશ્રમના દિવસો પુરા થઇ ગયાં છે. રઘુવિરભાઇની આખી વાત સાંભળી હું ત્યાથી નીકળી ગયો અને આશ્રના બધાજ કામ જે વકીલ સંભાળતા હતા તેની પાસે ગયો.તે વકીલને બધીજ વાત કરી તો તેણે તરતજ તેના એક મિત્ર ને ફોન કર્યો અને ઝડપથી પોલીસ સ્ટેશન પહોંચવા કહ્યું. પોલીસ સ્ટેશન પહોંચી તે લોકોએ રઘુવિરભાઇની જમાનતની પ્રક્રિયા કરી પણ ત્યાં સુધીમાં કોર્ટનો ટાઇમ પુરો થઇ ગયો અને બીજા દિવસે રવિવાર હોવાથી રઘુવિરભાઇએ ત્યાં પોલીસ સ્ટેશનમાંજ રહેલ કોટડીમાં બે દિવસ કાઢવા પડ્યાં. પણ ત્યાં સુધીમાં તો બધાજ છાપામાં આ સમાચાર છપાઇ ગયાં અને રઘુવિરભાઇની ઇજ્જત પર કાળો ડાઘ લાગી ગયો જે માણસે પોતાની આખી જિંદગી આ અનાથાશ્રમના બાળકો પાછળ ખર્ચી નાખી તેના ચારિત્ર્ય પર આવું કલંક લાગતા તે અંદરથી હચમચી ગયા. બે દિવસ બાદ તે છુટયાં પણ તેને અનાથાશ્રમમાં આવવાની મનાઇ હતી એટલે તેણે મને બોલાવ્યો અને કહ્યું “મે તને પોલીસ સ્ટેશનમાં જે કહ્યું હતું તે કરવાનો સમય આવી ગયો છે. તું જા અને પેલા સબૂત લઇ આવ.”

“રઘુવિરભાઇ તમને એવી પાકી ખાતરી છે કે આની પાછળ વિકાસ ગુપ્તા છે. તમે એકવાર ફરીથી વિચારી લો. તમારા આ પગલા પછી અનાથાશ્રમને તાળા લાગી જશે. સરકાર અનાથાશ્રમની મંજૂરીજ પાછી ખેંચી લેશે.” મે રઘુવિરભાઇને સમજાવવાનો એક પ્રયાસ કર્યો.

“હા, આ પગલુ વિકાસનુંજ છે. તે લોકોનો ધંધો મે બંધ કરાવી દીધો એટલે તે હવે બદલો લેવા માંગે છે. હવે જે થવું હોય તે થાય પણ હું તે લોકો ને નહીં છોડું. તુ જા અને પેલા સબૂત લઇ આવ.” રઘુવિરભાઇએ એકદમ સપાટ સ્વરમાં કહ્યું. આ સાંભળી મને સમજાઇ ગયું હતું કે હવે તેને રોકવા શક્ય નથી. અને મને તેની મનોદશા પણ સમજાતી હતી એટલે મે બીજી કોઇ દલીલ કરી નહી.

“પણ ઑફિસ તો સીલ કરી દીધી છે આપણે કઇ રીતે આ મેળવશું?” મે તેને યાદ કરાવતા કહ્યું.

“આ ચાવી ઑફિસની નહીં પણ સ્ટોર રૂમની છે તેમાં એક લીલા કલરનો કબાટ છે તેના ઉપરના ભાગમાં એક પોલાણ છે તેમા એક પેકેટમાં આ બધાજ સબૂત પડ્યા છે. ત્યારબાદ હું તે સબૂત લઇ આવ્યો અને પછી રઘુવિરભાઇના કહેવાથી મે પોલીસ સ્ટેશનમાં વિકાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેના પગલે વિકાસની ઘરપકડ થઇ. આ ઘરપકડના બીજાજ દિવસે પેલી છોકરી રઘુવિરભાઇને મળવા તેના ઘરે આવી ત્યારે હું પણ રઘુવિરભાઇને ત્યાં હાજર હતો. તે આવીને રઘુવિરભાઇના પગમાં પડી ગઇ અને રડવા લાગી. રઘુવિરભાઇએ તેને ઊભી કરી અને કહ્યું “દીકરી મને ખબર છે કે મારી વિરુધ્ધ ફરિયાદ કરવા માટે તને બ્લેકમેઇલ કરવામાં આવી હતી. તુ ચિંતા નહીં કર મને તારી સામે કોઇ ફરિયાદ નથી.” તે છોકરી સામે ખુરશીમાં બેઠી અને પછી બોલી “બાપુ તે લોકો મને અહીથી ઉઠાવીને લઇ ગયા હતા અને પછી મારા એકદમ નિર્વસ્ત્ર ફોટા પાડ્યા અને મને કહ્યું કે જો હું તમારા વિરુધ ફરિયાદ નહીં કરુ તો તે મારા ફોટા જાહેરમાં લગાવી દેશે. આને લીધે મારે તમારી સામે ફરિયાદ કરવી પડી હતી.” આટલુ બોલી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ત્યારબાદ સરકારે અનાથાશ્રમને બંધ કરી દીધો અને ત્યારથીજ તે ખંડેર થઇ ગયો છે.”

આખી વાત સાંભળી ત્રણેય થોડીવારતો એમજ બેઠા રહ્યા અને પછી કશિશે પુછ્યું “દાદા તો હવે અમને જોઇતી માહિતી ક્યાંથી મળશે?”

“તમે રઘુવિરભાઇને મળો કદાચ તે તમને મદદ કરી શકશે.” એમ કહી દાદાએ અંદરથી એક ડાયરી મંગાવી અને તેમાથી એક કાર્ડ કાઢી નિશીથને આપ્યું જેમાં રઘુવિરભાઇનું સરનામું હતું. નિશીથે કાર્ડ ખીસ્સામાં નાખ્યું ઊભો થતા બોલ્યો “હવે દાદા તમે કહો આ માહિતીના બદલામાં તમારે શું જોઇએ છે?” આ સાંભળી દાદાના ચહેરા પર એક દુઃખની લાગણી આવી ગઇ અને બોલ્યા “તમારા દેખાવ પરથી મને સમજાઇ ગયું હતું કે તમે કોઇ ઘનવાન પરિવારમાંથીજ આવો છો. એટલેજ મે તમારી સામે શરત મુકેલી. મારી માંગણી એ છે કે આ છોકરી કંચનને કોઇ સારી જગ્યાએ નોકરી પર રખાવી દો. તે મને છોડીને જતી નથી અને બિચારીનું ભવિષ્ય મારા લીધે જ બગડી રહ્યું છે.” આ સાંભળી નિશીથે કહ્યું “દાદા, મારા પપ્પા મોટા બિઝનેસમેન છે. જો તે રાજકોટ જવા માટે તૈયાર થઇ જાય તો તેની નોકરીની અને બીજી બધીજ જવાબદારી મારી.” નિશીથે બોલવાનું પૂરું કર્યું ત્યાં પેલી છોકરી આવીને બોલી “અદા, હું તમને છોડીને ક્યાંય નહીં જઉં.”

“અરે, દીકરી હું તો ખરતું પાન છું ગમે ત્યારે જતો રહીશ. તારે તો હજુ લાંબી જિંદગી કાઢવાની છે. આ છોકરા સારા ઘરના છે તે તને જરૂર મદદ કરશે.” પછી નિશીથ તરફ ફરીને કહ્યું “તે જરૂર રાજકોટ જશે. તમે તેની વ્યવસ્થા કરી આપો.” ત્યારબાદ નિશીથે તેના પપ્પાને ફોન કરી આખી વાત કરી અને આ છોકરીની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું. નિશીથે તેના અને સુમિતભાઇના નંબર દાદાને આપ્યા અને રાજકોટની તેની ઑફિસનું સરનામું પણ લખાવ્યું. છેલ્લે બધા બહાર નીકળ્યા અને પેલી છોકરી કંચન ઘરમાં જતી રહી. નિશીથ અને તે લોકો ગાડીમાં ગોઠવાયા એટલે દાદાએ કહ્યું “આ છોકરી કંચન એજ છોકરી છે જેને અનાથાશ્રમમાંથી વિકાસ ઉઠાવી ગયો હતો. મે તેને મારી દીકરીની જેમ રાખી છે. આ છોકરીને લીધેજ મારા દીકરા મારી સાથે નથી બોલતા અને આ ગામના લોકો પણ મારી સાથે સંબંધ નથી રાખતા. તમારે ક્યારેય કોઇ પણ કામ હોય અહીં આવી જજો.” આ સાંભળી ત્રણેય ચોંકી ગયા. થોડીવારબાદ નિશીથે દાદાની રજા લઇ કારને આગળ જવા દીધી. થોડા આગળ ગયા એટલે નિશીથે કાર ઉભી રાખીને ખીસ્સામાંથી દાદાએ આપેલુ કાર્ડ કાઢ્યું અને એડ્રેસ જોયું. એ સાથેજ બોલ્યો ચાલો હવે નવા પ્રકારની મુસાફરી કરવાની છે. આટલું બોલીને તેણે કારને આગળ જવા દીધી ત્યારે તેની પાછળ એક બીજી કાર તેનો પીછો કરી હતી તે આ લોકોને ખબર નહોતી. આ લોકો જેવા આગળ વધ્યાકે તરતજ પાછલી કારમાં રહેલા માણસે એક ફોન જોડ્યો અને કહ્યું “તે લોકો હવે ભાવનગર તરફ જઇ રહ્યા છે. કદાચ હવે તે કોઇ હોટેલમાં રોકાશે. તે લોકોએ અત્યાર સુધીમાં તો કંઇ ચિંતાજનક નથી કર્યુ. “ પછી સામેથી કંઇ કહેવાયું તે સાંભળી તે બોલ્યો “હા, હું તેની પાછળ જ રહીશ અને કંઇ પણ જાણવા મળશે તો તમને તરતજ જાણ કરીશ.” આટલુ કહી તેણે ફોન મૂકી દીધો અને પછી નિશીથની કાર દેખાય તે રીતે તેનો પીછો કરવા લાગ્યો.

-------------------*********------------------*****************------------------

વિલીએ ઘરે પહોંચી તેની પત્ની રિયાને કહ્યું “ચાલ આજનો દિવસ તારો, કાલથી પછી ક્યારે આવીશ તે નક્કી નહીં.” આ સાંભળી તેની પત્નીએ કહ્યું “શુ તમે પણ હવે. ક્યારેક તો અમારા માટે અઠવાડિયાનો સમય કાઢો.”

“જાન, જે સમય તમારી સાથે નથી ગાળતો તે પણ તમારા માટેજ હોય છે. મને જે પણ નથી મળ્યું તે બધુજ મારા દીકરાને મળવું જોઇએ.” વિલીએ કહ્યું.

“પણ હવે તો આપણી પાસે બધુજ છે, તો પછી શું કામ તમે આટલા બધા હેરાન થાવ છો.” રિયાએ કહ્યું.

“જો જાન મે તને લગ્ન પહેલાજ કહ્યું હતું ને કે મારો ધંધો થોડો ટાઇમટેબલ વિનાનો છે. હવે થોડોજ સમય તારે સહન કરવાનું છે, પછી આ બધૂજ છોડીને તારી પાસેજ આવી જઇશ” એમ કહી તે રિયા પાસે ગયો અને રિયાને ઉંચકીને બેડરૂમમાં લઇ ગયો અને બંનેએ પ્રણયથી તરબતર સાયુજ્ય માણ્યું. રિયાની આંખોમાં તે જ્યારે પણ જોતો ત્યારે તેને પોતાના કર્મો પર શરમ આવતી. આટલો વિશ્વાસ કરનાર પત્નીને તે કેટલી બધી રીતે છેતરી રહ્યો હતો પણ હવે આમાંથી બહાર નીકળવાનો કોઇ રસ્તો નહોતો. કર્મ કોઇને છોડતુ નથી. વિલીના કર્મોનું ફળ પણ તે ટુંક સમયમાંજ ભોગવવાનો હતો. વિલીની જિંદગી ટુંક સમયમાંજ એક કલાઇમેક્સ પર આવવાની હતી. એક એવી ઘટના બનવાની હતી જેને લીધે વિલીની જિંદગીમાં એક જોરદાર તોફાન આવવાનું હતુ અને તેના દોસ્તી અને દુશ્મનીના બધાજ સમીકરણો બદલાઇ જવાના હતા.

-------------*********--------*******-----------------*******-----------------------

આ વિલી કોણ છે? તેનો કૃપાલસિંહ સાથે શું સંબંધ છે? આ રઘુવિરભાઇ ક્યાં રહેતા હશે? નિશીથનો પીછો કોણ કરી રહ્યું છે? વિલી આ બધાજ સાથે કઇ રીતે જોડાશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે અને શું કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિંહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM