PAKHAND in Gujarati Short Stories by NILESH MURANI books and stories PDF | પાખંડ

Featured Books
Categories
Share

પાખંડ

“પાખંડ”

=====

વિશાળ મંડપમાં બેઠેલા હજારો અનુયાયીઓમાંથી ટુટેલા ફાટેલા અને મેલાઘેલા જભ્ભા-લેંઘામાં માથે દેશી પાઘડી પહેરેલો દેવજી માતાને કુતુહલવશ આગળની હરોળમાં બેઠો નિહાળી રહ્યો. અત્યારે એ માતાના દર્શન કરવામાં લીન હતો. અચાનક એ સફાળો ઉભો થયો અને દોડીને સ્ટેજ ઉપર બિરાજમાન માતાના ચરણોમાં દંડવત પ્રણામ કરવાની ચેષ્ટા કરવા ગયો અને એને માતાના અંગરક્ષકોએ પકડી લીધો. અનુયાયીઓનું અભિવાદન કરતા માતાનું ધ્યાન સ્ટેજના પગથીયા ઉપર બનેલી ઘટના ઉપર પડ્યું. માતા જાણે એ ભક્તનું દિમાગ કળી ગયા હોય એમ માતાએ એના અંગરક્ષકોને હુકમ કર્યો.

“છોડી દો એને. એ શું કહેવા માંગે છે? આ માતાનો દરબાર છે, અહીં તો કેટલાય ભક્તો એની ફરિયાદ લઈને આવે છે. એને પણ કોઈ ફરિયાદ હશે, આવવા દો એને.”

“અંગરક્ષકોએ દેવજીને છોડી દીધો, દેવજીને જાણે સાક્ષાત માતાએ દર્શન કરવા બોલાવ્યો હોય એમ એની આંખમાંથી ખુશીના આંસુ દડદડ વહેવા લાગ્યા. અંગરક્ષકોએ એને નીચે પટકી દીધો હતો, જયારે અંગરક્ષકોએ માતાના હુકમથી એને છોડી દીધો એ તરત ઉભો થઈને માતાના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યો. માતાએ એના માથા ઉપર હાથ મુક્યો અને ઉભો કર્યો એના ખભા ઉપર હાથ મુક્યો. માતાના હાથમાં રહેલી સોટી દેવજીના માથા ઉપર ધીમેથી મારતા કહ્યું.

“શું તકલીફ છે બેટા? ખેતીવાડીમાં કશું ઉપજતું નથી એજ ફરિયાદ છે ને તારી?”

“હા માતા આપ અંતર્યામી છો, ખેતીવાડી તો ઘણી છે પણ અમારા પેટ ઘણા છે અને એ પેટનો ખાડો નથી પુરાતો. બીમારી પીછો નથી છોડતી.”

“બેટા માતાને બધી ખબર છે માતા એના દરેક ભક્તના હૃદયમાં વસે છે. તારી સમસ્યાનું સમાધાન માતા પાસે છે. તું સાંજે છ વાગ્યે મારા કક્ષમાં આવજે. તારી બધીજ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. મારા અન્ય ભક્તો પણ આવવાના છે.” માતાએ એના હાથમાં રહેલી સોટી દેવજીના માથા ઉપર મારતા કહ્યું.

“જો હુકમ માતા.” કહેતા દેવજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મંડપની બહાર નીકળી એને એના ડ્રાઈવરને વિનંતી કરી કે આજે રાત્રે કદાચ રોકાવું પડશે. એ રાજસ્થાનથી ખાસ વાહન બાંધીને માતાના દર્શન કરવા અહીં ગુજરાત આવ્યો હતો. દેવજી ખુબ વ્યથિત હતો ખેતીવાડીમાં કશું ઉપજતું ન હતું, ઉપરથી સતત બે વર્ષ દુકાળના ગયા અને નાના ભાઈના લગ્ન કર્યા એમાં દેવજી ગળાડૂબ કર્જામાં હતો. રાજસ્થાનના નાના એવા ગામડામાં એ સંયુક્ત પરિવારનું ખેતીવાડી કરીને ગુજરાન ચાલતું. એના ઘરમાં એના બે નાના ભાઈ અને બંનેની પત્નીઓ તેમજ એના પોતાના બે બાળકો હતા તૃપ્તિ પંદર વર્ષની હતી જે હોસ્ટેલમાં રહેતી અને એસએસસીમાં અભ્યાસ કરતી જયારે એનાથી નાનો છોકરો દસ વર્ષનો હતો જે પાંચમાં ધોરણમાં ભણતો હતો. એના નાના ભાઈને પણ એક બે વર્ષનું બાળક તેમજ એક પાંચ વર્ષની બેબી હતી. સૌથી નાના ભાઈના હજુ હમણાં જ લગ્ન થયા હતા. બે બાળકોનો ભણાવવાનો ખર્ચ તેમજ ઘરમાં હાજર નવ સભ્યોને ખવડાવવા તેમજ દવા દારૂના ખર્ચમાં પહોંચી નહોતો શકતો, એની પત્નીને અવાર નવાર તાવ આવી જતો. એના માટે એને કેટલીય માનતાઓ કરી પણ એને ખબર ન પડી કે એને ખરેખર શું થયું છે. અમુક જગ્યાએ બતાવતા એને એવી ખબર પડી કે એની પત્નીને કોઈની નજર લાગી ગઈ છે. એના માટે એને બધાજ સુટકા કરી લીધા હતા પણ કોઈ ફરક ન પડતા એને કોઈ મિત્રએ એને માતાનું સરનામું આપ્યું હતું, આજે એ એના મિત્ર પાસેથી પાંચ હજાર રૂપિયા ઉધાર લઈને રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો. આજે એને આશા બંધાઈ હતી કે હવે એનું બધું જ દુ:ખ દૂર થઇ જશે. માતાએ એને એની શરણમાં બોલાવ્યો છે. આજે એ મનોમન ખુબ ખુશ થઇ રહ્યો છે. ખુશી ખુશીમાં એને એની પત્નીને પણ ફોન કરીને કહ્યું કે હવે બધી જ મુસીબત દૂર થઇ જશે. માતાએ વચન આપ્યું છે કે હવે તમને કોઈ તકલીફ નહિ પડે.

એ જે ઉતારામાં રોકાયો હતો ત્યાંથી તૈયાર થઈને સાંજે છ વાગ્યે માતાના આલીશાન કક્ષમાં જાય છે. માતાના કક્ષમાં બીજા પણ દસથી પંદર અનુયાયીઓ બેઠા હતા. માતાએ લાલ રંગની આભલા જડિત સાડી પહેરી હતી. માતા મોટા સિંહાસન ઉપર બિરાજમાન હતા માતાના સિંહાસન સામે એક આદમકદનો થાળ પડ્યો હતો. એ થાળની અંદર હીરા, મોતી, ઝવેરાત તેમજ રોકડ રકમની થપ્પીઓ પડી હતી, એ ઉપરાંત એ થાળમાં એક નાની વાટકી હતી જેમાં કાળા રંગના દોરા લાલ કાગળમાં વીંટીને શણગારેલા પડ્યા હતા. દેવજી જેવો કક્ષમાં પ્રવેશ કરે છે માતા દેવજીને એની બાજુમાં બોલાવે છે. માતા ઉભા થઈને એના માથા ઉપર હાથ મુકે છે અને એને બેસવા કહે છે. દેવજી અન્ય અનુયાયીઓ બેઠા હતા ત્યાં જઈને બેસી જાય છે. માતા એની સામે બેઠેલા અનુયાયીઓમાંથી એક અનુયાયીને ઉભો કરે છે અને પૂછે છે.

“ વિશાલ શું થયું બેટા તારી તકલીફ દૂર થઇ?”

“હા માતે, તમે જે દોરો આપ્યો હતો એ દોરો મેં મારા ઘરમાં બાંધી દીધો અને જે પાંચસો રૂપિયાની નોટ આપી હતી એ તિજોરીમાં સાચવીને રાખી દીધી ત્યારથી મારી તિજોરી હંમેશા ભરેલી ને ભરેલી રહે છે. આશીર્વાદ આપો માતે.” એમ કહેતા એ માતાની બાજુમાં જાય છે અને માતા એને માથા ઉપર એના હાથમાં રહેલી સોટી હળવેથી મારે છે.

“રમેશ તારું શું થયું? ઘરે પારણું બંધાયું?”

“હા માતે તમારા આશીર્વાદ છે. તમે જે દોરો આપ્યો હતો એ મારી પત્નીના ગળામાં બાંધ્યો અને બીજા મહીને મારી પત્નીના સારા દિવસો શરુ થઇ ગયા.”

“માતા બધાંનું ભલું જ કરે છે.” એમ કહેતા માતા હળવું હસ્યા અને પહેલાની જેમજ રમેશના માથામાં પણ સોટી મારી અને એને એની જગ્યાએ બેસવા કહ્યું.”

અન્ય અનુયાયીઓના પણ એવાજ પ્રશ્નો અને જવાબ આપી માતાએ એમના અનુયાયીઓને સંબોધન કરતા કહ્યું.

“આજે મને મળવા મારો ખાસ ભક્ત દેવજી આવ્યો છે, આજે મારે એની મહેમાનગતિ કરવાની છે, માટે હવે તમે જાઓ.”

માતાનો હુકમ થતા જ દેવજી સિવાયના અન્ય અનુયાયીઓ જતા રહ્યા અને દેવજી માતાના ચરણોમાં દંડવત પ્રણામ કરીને જમીન ઉપર પડ્યો રહ્યો. માતાએ એને ખભે હાથ મૂકી ઉભો કર્યો.

“શું તકલીફ છે બેટા દેવજી?”

“માતે આપ તો અંતર્યામી છો, આપ તો બધું જ જાણો છો. હું ખુબ દુ:ખી છું માતા મારું દુ:ખ દૂર કરો, માતા મારું દુ:ખ દૂર કરો.” એમ કહેતા દેવજી ફરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.

“માતાએ એના માથા ઉપર સોટી મારીને કહ્યું.

“બેટા તારા ઉપર જમીનદોષ છે.”

“હું સમજ્યો નહિ માતા.”

“જમીનદોષ એટલે કે જે જમીન ઉપર તું ખેતી કરે છે એ જમીનમાં ગરીબની હાય છે. દુઃખીયારાઓની હાય છે.”

“માં મેં કોઈ ગરીબનું મારા ડાબા હાથેથી પણ ખરાબ નથી કર્યું.”

“દેવજી, હું સમજી શકું છું પણ એ જમીન તને વારસામાં મળી છે બરાબર?

“હા માતા મારા બાપાદાદાનો હું વારસ છું તો મને જ મળે ને?”

“તારા બાપા પણ સુખી ન હતા, બરાબર?”

“હા સાચી વાત માતા.”

“તમારું પરિવાર છેલ્લી છ પેઢીથી દુ:ખી થતું આવે છે અને હજુ પણ બીજી દસ પેઢી સુધી તમે સુખી થશો એવા કોઈ અણસાર નથી બેટા.”

“કોઈ ઉપાય બતાવો માતા.”

“સાતમી પેઢીએ તારા પરદાદાઓએ આ જમીન એક ગરીબના હક્કની હતી અને તારા પરદાદાએ છીનવી લીધી હતી. એ પરદાદાઓનું પાપ છે એ તારે ભોગવવું પડે છે. તારે એ જમીન ગરીબોને દાન કરવી પડશે.”

“માતા એ જમીન તો મારો સહારો છે.”

“એ જમીનમાં તારી બરબાદી છે બેટા. માતાની વાત માન.”

“જી માતા એના માટે હું શું કરું?”

માતાની સામે પડેલ થાળમાંથી એક મોટું નોટનું બંડલ ઉઠાવી અને દેવજીને આપે છે અને કહે છે કે.

“એક અઠવાડિયા પછી પુનમ છે. પુનમ સુધીમાં તું તારી જમીન વેચી આવ, અને હા આ જે હું રોકડ રકમ તને આપું છું એ હક્કની છે, પણ જમીન વેચીને જે રોકડ રકમ મળે એમાંથી એક રૂપિયો પણ ખર્ચ ન કરીશ એ રકમ લાવીને અહીં માતાનાં ચરણોમાં રાખી દે તારા પાપ ધોવાઇ જશે અને તારી સંપતિ હક્કની થઇ જશે, માતા વચન આપે છે.”

“જો હુકમ માતા.” કહેતા રોકડ રકમનું બંડલ લઈને દેવજી રવાનો થાય છે. જતા જતા માતાને પગે લાગે છે ત્યારે ફરી માતા એની આંખોમાં જોઇને કહે છે.

“બેટા દેવજી,, જો આ વાતની તારા ઘરમાં કોઈને ખબર પડશે તો તારા પૂર્વજોના પાપ નહિ ધોવાય એ વાત યાદ રાખજે અને પછી જે હાય લાગશે એમાંથી તને માતા પણ નહિ બચાવી શકે.”

“જો હુકમ માતા.” કહેતા દેવજી ચાલતો થયો.

****

આજે પુનમની રાત છે દેવજીએ એની બધી જ જમીન એંસી કરોડમાં વેચી દીધી, દેવજીના ખેતરથી થોડે દૂર એક મોટી ફેક્ટરી હતી અને એ ફેકટરીના કારણે જમીનના ભાવ ખુબ ઊંચકાઈ ગયા હતા, અને આજે ફરી એ માતા પાસે આવીને બેસી ગયો, આજે પણ માતા પાસે એના અનુયાયીઓ બેઠા હતા. માતાએ અન્ય અનુયાયીઓને વિસર્જન કરવા હુકમ કર્યો અને બધા જતા રહ્યા. માતાની દ્રષ્ટી દેવજી ઉપર પડી.

દેવજીના મોઢા ઉપર આજે ચમક હતી આજે એ બધી જ જમીન વેંચીને તમામ રકમનું એક પોટલું વાળીને માતાના ચરણોમાં ધરી દીધું. માતાએ એના માથા ઉપર ત્રણ વખત સોટી મારતા કહ્યું..

“હવે કેવું લાગે છે દેવજી?”

“સારું લાગે છે માતા. એમ લાગે છે કે એક મોટો બોજ ઉતરી ગયો.”

“હવે આ રકમ હું એ ગરીબો સુધી પહોંચાડીશ જે ગરીબોની તારા દાદા અને પપરદાદાઓને હાય લાગી છે અને જેના કારણે તારા પરિવાર ઉપર ગ્રહણ લાગ્યો છે. અને જેના કારને આજે પણ તારા પૂર્વજોને મુક્તિ નથી મળી.”

“જી માતા.”

“તું આ રકમ અહીં લઇ આવ્યો કોઈને ખબર નથીને?”

“મારા પરિવારમાં મારી પત્નીને એટલી ખબર છે કે તમને મળવા આવ્યા પછી મેં જમીન વેચવાનો નિર્ણય લીધો હતો અને મારા ભાઈઓને ખબર છે કારણ કે મારે જમીન વેચવી હોય તો ભાઈઓને તો જાણ કરવી જ પડે ને? એમની સહીઓ વગર તો હું જમીન ના વેચી શકું.”

“તો શું તારા ભાઈઓ જમીન વેચવા તૈયાર થઇ ગયા?”

“હા માતા મારા ભાઈઓ મારા એક અવાજ ઉપર જીવ આપી દે તો આ જમીન શું ચીજ છે?”

માતા જોર જોરથી હસવા લાગ્યા અને કહ્યું.

“હવે તારું પરિવાર સ્વર્ગમાં જશે. તને પણ સ્વર્ગમાં આગવું સ્થાન મળશે. કારણ કે તે સાત પેઢીના પાપ માતાના ચરણો માં મુક્યા છે.” એમ કહીને માતા તાળી પાડે છે અને એમનો એક માણસ એક સ્ટીલની બરણી લાવીને માતાના ચરણોમાં મુકે છે. માતા એ બરણીનું ઢાંકણું ખોલીને એમાં એનો હાથ જબોડે છે અને આંખ બંધ કરીને બે મિનીટ મંત્રોચ્ચાર કરે છે.

“લે આ બરણીમાં ઘી છે, ઘરે જઈને આ ઘીમાંથી મોતીચુરના લાડવા બનાવજે અને આજથી પાંચ દિવસ પછી આવતી પાંચમના દિવસે આ લાડવાની પ્રસાદી તારા પરિવારમાં બધા સભ્યોને ખવડાવજે. એટલું યાદ રાખજે આ પ્રસાદી તારા પરિવાર સિવાય બીજું કોઈ ન ખાવું જોઈએ નહિતો અનર્થ થઇ જશે. અને કોઈને ખબર પણ ન પડવી જોઈએ કે આ પ્રસાદી માટે ઘી માતાએ આપ્યું છે. ખવાય એટલી જ બનાવવી વધવી ન જોઈએ. પહેલા માતાની આરતી કરવી અને પછી પાંચમનો સુરજ ડુબે એનાથી પહેલા આ પ્રસાદી ખતમ થઇ જવી જોઈએ. એક દાણો પણ ન વધવી જોઈએ આ માતાની પ્રસાદી છે, સમજ્યો? પ્રસાદ આરોગી લીધા પછી પાંચ કલાક સુધી કોઈને પણ મોઢું નહિ બતાવવાનું અન્યથા અનર્થ થઇ જશે.”

“જો હુકમ માતા.” કહેતા દેવજી ચાલતો થયો આજે એ ખુબ ખુશ હતો એને એની સાત પેઢીનું પાપ ધોઈ નાખ્યું હોય એવી અનુભૂતિ થતી હતી. ઘરે જઈને એ ઘીની બરણી એની પત્નીને આપે છે અને માતાએ કહ્યા મુજબ એને પાંચમના દિવસે મોતીચુરના લાડવા બનાવવાનું કહે છે.

પંચમના દિવસે સવારે દેવજીની પત્નીએ લાડવા બનાવ્યા. સાંજે ચાર વાગ્યે જ ઘરનો ડેલો બંધ કરી મુક્યો. બધા જ પરિવારના સભ્યો ભેગા થયા પણ એક તૃપ્તિ હોસ્ટેલમાં હતી, જેને બોલાવવી મુશ્કેલ હતી કારણ કે એની બોર્ડની પરીક્ષા ચાલુ થવાની હતી, એ ઉપરાંત માતાએ તૃપ્તિ માટે કોઈ ખાસ સૂચન પણ ન આપ્યું હતું. દેવજીએ વિચાર્યું કે તૃપ્તિ તો ચાર વર્ષથી હોસ્ટેલમાં રહે છે તો એને તો આ જમીનદોષ ન લાગે. સાંજે છ વાગ્યે બધા સભ્યોએ માતાની આરતી કરી અને માતાને પ્રસાદ ધરી બધાજ સભ્યોએ એ પ્રસાદ ખાધો..

***

દસ દિવસ પછી રાત્રે બાર વાગ્યે માતાના આશ્રમ ઉપર પોલીસ રેડ પડી એના અંગરક્ષકો અને ચોકીદારને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે માતા એના શયનખંડમાં આરામ કરી રહ્યા છે. અંગરક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં પોલીસને જણાવી દીધું કે માતાને મળવાનો સમય સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યાનો છે.

લોકલ પોલીસ ઉપર દબાણ વધતા ત્યાંના લોકલ અધિકારીએ એના ઉપરી અધિકારીને ફોન કર્યો..

“સર અહીં માતાના ચોકીદારો માતાને મળવાની ના પાડે છે. વધુ દબાણ કરતા કાયદો બતાવે છે કે મહિલાની પૂછપરછ રાત્રે ન થઇ શકે.”

“જુઓ ઇન્સ્પેકટર તમારી પાસે વોરંટ છે, તમારે એમની ધરપકડ સાંજે છ વાગ્યાથી પહેલા કરી લેવી જોઈતી હતી, રાત્રે બાર વાગ્યે તમે આ રીતે ધરપકડ કરવા જાવ તો હું શું કરી શકું? સવારે નવ વાગ્યે એમની ધરપકડ થઇ જવી જોઈએ, જરૂર પડે તો આપણો એક માણસ ત્યાં બેસાડી દો, એ ભાગી ને ન જવી જોઈએ, કારણકે નવ જણાએ એક સાથે આત્મહત્યા કરી છે અને એમનો આખો સમુદાય રોડ ઉપર ઉતરી આવ્યો છે. મારી નોકરીનો સવાલ છે, કાયદો હાથમાં લીધા વગર આરોપીની ધરપકડ કરવાની છે, સમજ્યો?”

“જી સાહેબ.” કહેતા ઇન્સ્પેકટર સ્વગત બબડ્યો..

“હજારો અનુયાયીઓની વચ્ચે ધરપકડ કરવી કોઈ નાનીમાનું ઘર છે? આ મોટા અધિકારીઓને ખાલી વાતો કરવી છે. બસ ફોન ઉપર હુકમ કરતા આવડે છે.”

“ચાલો ઓફિસર્સ સવારે નવ વાગ્યે આવીશું. અને સોલંકી તું નજર રાખજે આરોપી ભાગી ન જાય.”

પોલીસ કાફલો આશ્રમમાંથી ખાલી હાથે નીકળી ગયો.

*******

અત્યારે માતા એના શયનખંડમાં એના અનુયાયી સાથે વાત કરી રહ્યા હતા.

“બહાર શું અવાજ આવતો હતો?”

“કશું જ નહિ તું તારા કામમાં ધ્યાન આપ, એક તો ઘણા દિવસ પછી આવ્યો છો, બહાર થતા અવાજની તું શા માટે ચિંતા કરે છે? મારા અંગરક્ષકો છે ને? એમ કહેતા માતાએ એના શરીર ઉપરના એક પછી એક આવરણો હટાવવા લાગ્યા અને એનો ખાસ અનુયાયી પણ. અડધો કલાક પછી માતા નિર્વસ્ત્ર એના અનુયાયીના પગ ઉપર પગ ચડાવી તંદ્રાવસ્તામાં લીન.”

સવારે નવ વાગ્યે માતાના આગોતરા જામીન મંજુર થઇ ગયા. માતાની ફાઈલ ઉપર બે વર્ષની ધૂળ ચડી ગઈ.

=====

સમાપ્ત..

નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com