Bewafa - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 2

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બેવફા - 2

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 2

ભાડૂતી ખૂની

કાશીનાથના આલિશાન બંગલામાં એક રૂમમાં અત્યારે કાશીનાથ અને આનંદ બેઠા હતા. રૂમમાં દૂધિયા બલ્બનો હળવો પ્રકાશ છવાયેલો હતો. આ રૂમનો ઉપયોગ બાર રૂમ તરીકે થતો હતો. દુનિયાની નજરતી રૂમ તદ્દન ખાનગી હતો. રૂમમાં ખૂબસૂરત કાઉન્ટર બનેલું હતું. કાઉન્ટરની પાછળના શો કૈસમાં અનેક જાતની શરાબની બોટલો ગોઠવેલી હતી.

અત્યારે કાઉન્ટર પર જોની વોકર બ્લેક લેબલની એક બોટલ તથા

બે બલ્જીયમની બનાવટના કટ ગ્લાસ પડ્યા હતા. બંને ગ્લાસ ભરેલા હતા.

કાઉન્ટર પાસે જ આઠ સ્કૂલ પડ્યાં હતાં. જેમાંથી છ સ્ટૂલ ખાલી હતા.

બાકીનાં બે સ્ટૂલ પર કાશીનાથ અને આનંદ બેઠા હતા

કાશીનાથ કીંમતી સૂટમાં સજ્જ હતો. એના વાળ કાન પાસેથી સફેદ

થઇ ગયા હતા. શરીરનો બાંધો મજબૂત હતો. એની ઉંમર પીસતાળીસ

વર્ષની હતી પરંતુ તે પોતાની ઉંમરથી દસ વર્ષ નાનો દેખાતો હતો. એનું

વ્યક્તિત્વ ખૂબ જ રૂઆબદાર હતું.

તેની સામે સ્ટૂલ પર બેઠેલો આંનંદ જાણે તેનો પુત્ર નહીં, પણ મિત્ર હોય એવું લાગતું હતું. બંને પિતા-પુત્ર હતા.આનંદ કાશીનાથનો એકનો એક પુત્ર હતો. બંને બાપ-દિકરા વચ્ચે એક બીજો સંબંધ પણ હતો...દોસ્તીનો...! આ રૂમમાં તેઓ બાપ-દિકરા તરીકે નહીં પણ મિત્રો તરીકે મળતા હતા. બંને મિત્રોની જેમ જ બેસીને શરાબ પીતાં ગપ્પા મારતાં હતા. આ રૂમમાં હોય ત્યારે તેઓ બાપ-દિકરાના સંબંધને ભૂલીજતા હતા.

કાશીનાથ રંગીન મિજાજ ધરાવતો માણસ હતો. વિશાળગઢમાં તેની ગણના સમાજ સેવક તરીકે થતી હતી. આલિશાન, વૈભવશાળી બંગલો હતો...! મોટા પાયા પર ધંધો હતો. પરંતુ છેલ્લા આઠ વર્ષથી તેનો ધંધો આલિશાન નહોતો રહ્યો. એની છમાંથી પાંચ ફેક્ટરીઓ વેંચાઇ ગઇ હતી.

હવે માત્ર કીચન વેર બનાવવાની જ ફેકટરી બાકી રહી ગઇ હતી અને તેમાંથી પણ ખાસ કોઇ આવક નહોતી થતી. તેના પર પણ ઘણું દેવું થઇ ગયું હતું. કાશીનાથનો આ વૈભવ માત્ર દેખાવનો જ હતો અને એ માંડ માંડ ટકાવી શક્યો હતો

કાશીનાથને રેસમાં જુગાર રમવાનો ખૂબ જ શોખ હતો અને શોખ પાછળ જ તે બરબાદ થઇ ગયો હતો. લખપતિદાસ અને કાશીનાથ બંને ગાઢ મિત્રો હતા. કાશીનાથ પોતાના એકને એક પુત્ર આનંદ માટે વર્ષો પહેલા જ સાધનાને પસંદ કરી ચૂકયો હતો. અને એ જ પસંદ હવે તેની જરૂરીયાત બની ગઇ હતી.

કાશીનાથની નજર લખપતિદાસની કરોડો રૂપિયાની મિલકત પર હતી, આનંદ લખપતિદાસનો જમાઇ બનવાનો હતો. લખપતિદાસની તમામ મિલકત સાધના મારફત આનંદને મળવાની હતી. આનંદની નસોમાં કાશીનાથનું લોહી વહેતું હતું. એ પોતાના પિતાની હાલતથી પરિચિત હતો. કાશીનાથની આ આર્થિક મુશ્કેલી માત્ર લખપતિદાસની મિલકતથી જ હળવી કરી શકાય તેમ હતી અને આ મિલકત, સાધનાને તેમના કુટુંબની વહુ બનાવીને લાવવાથી જ મળી શકે તેમ હતી.

આનંદ અને સાધનાની સગાઇ થઇ ગઇ હતી અને લગ્નની તારીખને હજુ છ મહિનાની વાર હતી. આ છ મહિના પસાર કરી નાખવામાં પણ તેમને કોઇ મુશ્કેલી પડે તેમ નહોતી. બધા પાસાઓ વ્યવસ્થિત રીતે જ ગોઠવાયેલા હતા.

પરંતુ જ્યારે લખપતિદાસે બીજા લગ્નનો નિર્ણય કર્યો ત્યારે આ બધા પાસાઓ અવળા થઇ ગયા.

કાશીનાથને પરસેવો વળી ગયો. એ મનોમન ધ્રૂજી ઊઠ્યો.

લખપતિદાસ ઘરડે ઘડપણ લગ્ન કરતો હતો. જો તેના લગ્ન થઇ જાય તો પછી તેની મિલકતમાંથી આનંદને કંઇ જ મળી શકે તેમ નહોતું. એક રીતે ઝૂપડપટ્ટીમાં રહેતી આશાએ લખપતિદાસને પોતાના મોહપાશમાં ફસાવીને આનંદને કરોડપતિમાંથી રોડપતિ જેવો કરી દીધો હતો.

કાશીનાથનું તો જાણે કે દેવાળું ફૂંકાઇ ગયું હતું. કરોડપતિ બનવાનું તેનું સપનું પત્તાના મહેલની જેમ તૂટી ગયું હતું. અત્યારે પણ તેનો ચહેરો ઉતરેલો હતો.

અત્યારે સુધીમાં તે ત્રણ પેગ ગટગટાવી ચૂક્યો હતો.

આનંદ પોતાના પિતાને સાથ આપતો હતો.

કાશીનાથે કાઉન્ટર પરથી પેગ ઉંચકીને બે-ત્રણ ઘૂંટડા ભર્યા. પછી તે ઉદાસ નજરે આનંદ સામે તાકી રહ્યો.

‘તમે કશીયે પિકર કરશો નહીં ડેડી !’આનંદ બોલ્યો, ‘બધું બરાબર થઇ જશે.’

‘મને તારા પર પૂરેપૂરો ભરોસો છે દિકરા ! પણ છતાંય જે કંઇ થાય છે-થવાનું છે તે મારું નથી થતું સાલ્લા...લખપતિદાસને ઘરેડ ઘડપણ વળી પ્રેમનો ઊભરો ક્યાંથી ઊભરાયો ? એની તો સાઠે બુદ્ધિ નાઠી લાગે છે.’

‘તમે પણ તેમની સાથે વાતચીત કરી જ હશે ને ?’

‘હા, કરી હતી.તો એ લબાડે મને એમ કહ્યું કે-સાધનાના લગ્ન પછી હું સાવ એકલો થઇ જઇશ. ઘડપણમાં કોઇકનો આધાર તો જોઇએને ? તેની વાત સાંભળીને મારી તો બોલતી જ બંધ થઇ ગઇ. જો હું વધુ કંઇ કહેત તો નાહક જ તેને મારા પર શંકા આવત ! એ તો તે છોકરી પાછળ ગાંડો થઇ ગયો છે.’

‘ડેડી...!’આનંદ બોલ્યો, ‘આશાને જોઇને તો ભલભલા યુવાન પણ તેની પાછળ ગાંડા થઇ જાય તેમ છે તો પછી લખપતિદાસની વાત જ ક્યાં રહી ? હું પણ તેને જોઇ ચૂક્યો છું. એ ખરેખર જ ગાંડા કરી મૂકે તેવી છે. રાખ કરી નાંખે તેવી આગ છે.’

‘એ ગમે તે હોય...!’કાશીનાથે ધૂંધવાઇને કહ્યું, ‘પણ છે તો આપણા માર્ગનો કાંટો જ ને ?’

‘કાંટાનો નિકાલ પણ કરી શકાય તેમ છે ડેડી !’

‘ક્યારેક ક્યારેક આવા કાંટાઓના નિકાલ કરવા જતાં આપણાં ટાંટીયા આપણા ગળામાં જ ભેરવાઇ જાય છે દિકરા ! તારા પર કોઇ જોખમ આવે એમ હું નથી ઇચ્છતો.’

‘સાધના મારી સાથે છે ડેડી !’

‘એ હજુ નાની છે...!’સ્ટૂલ પર પાસુ બદલીને પેગ ખાલી કરતાં કાશીનાથે કહ્યું, ‘એ લાગણીના પ્રવાહમાં તણાઇને...’

‘ના, ડેડી...! એ નાની નથી ! આશા આપણા કરતાં તેને વધુ ખૂંચે છે. એનું ખૂન કરવામાં તેને આપણથી યે વધુ રસ છે. એ મને ચાહે છે. તે મારા પ્રભાવમાં છે.’

‘છતાં ય...!’કાશીનાથે વ્યાકુળ અવાજે કહ્યું, ‘તેં સારું

‘શું સારું નથી કર્યું ?’

‘સાધનાને આ બધું જણાવી દીધું છે તે ! આશાના ખૂનની યોજના જડબેસલાક છે. આપણે આપણાં માણસો મારફત આરામથી તેનું ખૂન કરાવી શકીએ તેમ છીએ. કોઇને ય આપણી ઉપર શંકા નહીં આવે. એનો પ્રેમી...શું નામ કહ્યું હતું તે એનું ?’

‘કિશોર...!’આનંદે જવાબ આપ્યો.

‘હા...આશાના ખૂનનો આરોપ કિશોર પર આવશે. આપણે સલામત રહેશું. પરંતુ તે સાધનાને આ બધું જણાવીને બહુ ખોટું કર્યું છે.’

‘એ લાગણીના પ્રવાહમાં તણાઇ જાય તેવી નથી ડેડી ! મેં તેને બધું જણાવીને કંઇ જ ખોટું નથી કર્યું. કદાચ જો આપણા પર પોલીસની નજર જશે તો સાધના આપણી જ તરફેણ કરશે કારણ કે મેં તેનો ખાતર જ આશાનું ખૂન કરાવ્યું છે એ વાત તે સારી રીતે જાણું છું. ઊલટું તેને મારા પર ગર્વ થશે. એ પોતે ખૂનમાં સામેલ થશે. તેની તરફેણથી આપણું પાસુ વધુ મજબૂત બનશે.’

‘છતાં પણ...’

‘તમારે આ બાબતમાં જરા પણ ચિંતા કરવાની જરૂર નથી ડેડી ! મને તેનાં પર પૂરો ભરોસો છે.’કહીને આનંદ એકી શ્વાસે પોતાનો પેગ ખાલી કરી નાંખ્યો.

‘મને એક બીજો ભય પણ સતાવે છે.’કાશીનાથે બંનેના પેગમાં વ્હીસ્કી રેડતાં કહ્યું.

આનંદે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘આશાએ પોતાની સલામતિ માટે કોણ જાણે કેવી જાળ બીછાવી હશે ! તે પૈસાની ભૂખી છે. એ તો નક્કી જ છે. પૈસા ખાતર જ તે લખપતિદાસ જેવા ઘરડા માણસ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ છે. જો એ લખપતિદાસની બધી મિલકત પોતાના નામ પર કરાવી લેશે તો...?’

‘આ તો લગ્ન પછીની વાત છે. ! એ લખપતિદાસની મિલકત પોતાના નામ પર કરાવી શકે એવી તક જ આપણને તેને નહીં આપીએ. એ પહેલાં તો આપણે તેને સ્વધામ પહોંચાડી દેશું.’

‘તને જેમ ઠીક લાગે તેમ કર ! મારી મતિ તો મુંઝાઇ ગઇ છે.ખેર, મેં આશા વિશે તપાસ કરાવી. તે તીવ્ર બુદ્ધિશાળી છે.’

‘બરાબર છે ડેડી !’આનંદે કહ્યું, ‘પરંતુ મોત એક એવી ચીજ છે કે જેને સામે જોઇને ભલભલા બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ પણ કુંઠિત થઇ જાય છે. તમે નાહક જ એ મામૂલી છોકરીને આટલું બધું મહત્ત્વ આપો છો, તમે તમારા કોઇક માણસને બોલાવ્યો હતો, તેનું શું થયું ?’

‘તે હવે આવવો જ જોઇએ.’કાશીનાથે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતાં કહ્યું, ‘દસમાં પાંચ મિનિટ બાકી છે. મેં તેને દસ વાગ્યાનો સમય આપ્યો છે. એટલું જ નહીં, એ આવે એટલે તરત જ અહીં લઇ આવવાની સૂચના પણ નોકરને આપી દીધી છે.’

‘ડેડી...!’આનંદની અવાજમાં શંકાનો સૂર હતો, ‘એ માણસ છે તો વિશ્વાસુ ને ?’

આનંદની વાત સાંભળીને કાશીનાથ હસી પડ્યો. પછી બોલ્યો,

‘તું ક્યારેક ક્યારેક નાના બાળક જેવી વાત કરી નાંખે છે. શું તને તારા બાપ પર ભરોસો નથી ? એ માણસ મારો જૂનો-જાણીતો, વફાદાર અને વિશ્વાસુ છે. એના દેખાવ પરથી તે શું ધંધો કરતો હશે એ કોઇ જ કલ્પી શકે તેમ નથી. વર્ષો પહેલાં એણે મારું એક બહુ મોટું કામ કરી આપ્યું હતું.’

‘કામ...?’ આનંદે સ્હેજ આગળ નમીને ધીમા અવાજે કહ્યું, તો શું અગાઉ પણ તમે કોઇ માણસનું...’

‘ના...ના...!’કાશીનાથ સ્મિત ફરકાવીને બોલ્યો, ‘માણસનું નહીં પણ જાનવરનું...! ચંદનગઢમાં મારો એક મિત્ર રહેતો હતો. એ જમાનામાં તેના ઘોડાને રેસનો બાદશાહ ગણવામાં આવતો હતો. એ જ અરસામાં રેસની દુનિયામાં એક નવો માણસ ટપકી પડ્યો અને તેનો ઘોડો ચેતક મારા મિત્રના ઘોડાઓ માટે આફતના પડીકા જેવો બની ગયો. મારો મિત્ર ક્યારેક રેસમાં નહોતો હાર્યો. બલ્કે જીતવાની જાણે કે તેને ટેવ પડી ગઇ હતી...’કાશીનાથ અટક્યો.

પોતાનો પેગ ઊંચકી તેમાંથી એક ઘૂંટડો ભરીને કાશીનાથે પોતાની વાત આગળ લંબાવી :

‘પરંતુ એ માણસનો ઘોડો મારા મિત્રની ટેવ પર જાણે કે વિજળી બનીને ત્રાટક્યો...હમણાં જે માણસ અહીં આવે છે એણે જ મારા મિત્રની ટેવને સહીસલામત રીતે જાળવી રાખી હતી.’

‘એટલે...? હું સમજ્યો નહીં...!’આનંદે મુંઝવણભરી નજરે તેની સામે જોતાં કહ્યું.

‘એ ઘોડાનું એટલે કે ચેતકનું ખૂન કરાવી નાંખવામાં આવ્યું હતું.’

‘ઓહ...તો હમણાં જે માણસ આવવાનો છે, એણે ચેતકનું ખૂન કરી નાંખ્યુ હતું ખરું ને ?’

‘હા...’

‘પણ જાનવરનું ખૂન કરવું એ કંઇ બહુ મોટી વાત નથી ડેડી !’

‘માણસ કરતાં ય મોટી વાત એ ઘોડાના ખૂનની હતી. ચેતકના ખૂનીને શોધવા માટે પોલીસે આકાશ-પાતાળ એક કરી નાંખ્યા હતા. ઘોડાનો માલિક તો શિકારી કૂતરાની જેમ એના ખૂનીને શોધતો હતો. પરંતુ તેના ખૂનીને શોધવામાં તેમને નિષ્ફળતા જ સાંપડી હતી. ખાસ વાત તો એ હતી કે ખૂની ચંદનગઢ રેસ જોવા માટે જતો હતો. એટલું જ નહીં, એણે ચેતકના માલિક પાસે જઇને તેને આશ્વાસન પણ આપ્યું હતું.’

સહસા કોઇકે રૂમનું બારણું ખટખટાવ્યું.

કાશીનાથે સ્ટૂલ પરથી ઊતરી, આગળ વધીને બારણું ઉઘાડ્યું. બહાર

આશરે પચાસ-પંચાવન વર્ષની વય ધરાવતો એક માણસ ઊભો હતો. એનો દાઢી-મૂછ વગરનો ચહેરો એકદમ કરૂણ અને ભોળો ભટાક દેખાતો હતો. દુનિયાભરની માસૂમિયત જાણે કે તેના ચહેરામાં જ સમાયેલી હતી. એણે ઝભ્ભો અને ધોતિયું પહેર્યાં હતા. એના ગળામાં પેન્ડલ વગરનો સોનાનો ચેન લટકતો હતો. એણે માથા પર કાળી, ઊભી દીવાલની ટોપી પહેરી હતી. પહેલી જ નજરે તે કોઇક મારવાડી વેપારી જેવો લાગતો હતો. ઉપરથી એકદમ ભોળો ભટાક દેખાતો આ માણસ અંદરખાનેથી એટલો ક્રૂર અને ઘાતકી હશે એવી તો કોઇને કલ્પના પણ આવી શકે તેમ નહોતી.

એણે ખૂન જ શિષ્ટાચારથી કાશીનાથ સાથે હાથ મીલાવ્યા. પછી અંદર દાખલ થયો.

‘બેસ પૂરણ...!’કાશીનાથ બારણું બંધ કરી, સ્ટૂલ પર બેસીને તેને પોતાની સામે બેસવાનો સંકેત કરતાં બોલ્યો.

પૂરણ તેનો આભાર માનીને બેસી ગયો.

આનંદ, જાણે પૂરણ કોઇ અજાયબી હોય એ રીતે તેની સામે તાકી રહ્યો હતો. કાશીનાથના કહેવા મુજબ પૂરણું ધંધાદારી ખૂની હતો.

‘આનંદ...આનું નામ પૂરણ છે...’કાશીનાથ બોલ્યો, ‘અને પૂરણ, આ મારો પુત્ર આનંદ છે.’

બંનેએ હાથ મીલાવ્યા.

‘તમારા સુપુત્રને પહેલી જ વાર મેં જોયો છે.’પૂરણે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘એને જોઇને, જાણે તમે જ મારી સામે યુવાન બનીને આવી ગયા હો એવું લાગે છે. આનંદનો દેખાવ બિલકુલ તમને મળતો આવે છે.’

‘હા, મને પણ એવું લાગે છે.’કાશીનાથે એક પેગ તૈયાર કરતાં કહ્યું, ‘મેં તને જે કહ્યું હતું, તે યાદ છે ને ?’

‘હા...’પૂરણે જવાબ આપ્યો, ‘આનંદના લગ્ન લખપતિદાસની પુત્રી સાથે જ થવાનાં છે ને !’

‘હા...લે આ પેગ સંભાળ !’કાશીનાથ પૂરણના હાથમાં પેગ મૂકતાં બોલ્યો, ‘અમે તો તારી રાહ જોવામાં ત્રણ ત્રણ પેગ ગટગટાવી ચૂક્યા છીએ.’

‘થેંક્યું...’ પૂરણે પેગમાંથી એક ઘૂંટડો ગળે ઊતારીને કહ્યું, ‘આજે વર્ષો પછી તમારા આ પર્સનલ બારમાં આવ્યો છું.

‘હવે હું તને શું કહું પૂરણ ! માંડ માંડ મેં આ રોનક જાળવી રાખી છે.’કાશીનાથ બોલ્યો.

‘કંઇ વાંધો નહીં વાત મારા સુધી પહોંચી ગઇ છે એટલે ભવિષ્યમાં પણ જળવાઇ જ રહેશે. શેઠ લખપતિદાસની કરોડો રૂપિયાની મિલકત તમને જ મળવાની છે ને ?’

‘હા...પણ તું કામ પાર પાડી દઇશ તો જ એ શક્ય બનશે.’

‘મારા કામથી તો તમે પરિચિત જ છો ! ખેર, એ છોકરીનો કોઇ ફોટો છે તમારી પાસે ?’

‘હા...’આનંદે પોતાન ગજવામાંથી એક કવર કાઢીને તેના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ કવરમાં તેનો ફોટો છે.’

પૂરણે કવરમાંથી ફોટો કાઢીને તેનું નિરીક્ષણ કર્યું. એ ફોટો એક ખૂબ જ સુંદર અને સુડોળ તથા લાવણ્યમી યુવતીનો હતો.

‘આમાં લખપતિદાસનો કંઇ વાંક નથી.’પૂરણ બોલ્યો, ખરેખર લોકોને ગાંડા કરી મૂકે એવું આનું યૌવન છે.’

‘હા...પણ હવે...’

‘હવે...’સહસા પૂરણે ઝભ્ભાના ગજવામાંથી છૂરી કાઢીને તેના ફણાની અણી ફોટાની વચ્ચોવચ્ચ ખુંચાડી દીધી.પછી હાથ ઊંચો કરીને છતરીની જેમ ફોટાને બોલ્યો, ‘હવે આ માદક યૌવન ઇશ્વરના દરબારમાં પહોંચી જશે. આવું માદક યૌવન પણ કોઇકન માર્ગનો કાંટો બની જાય છે. એવું તો મેં આજે પહેલી જ વાર જોયું છે.’

‘બરાબર છે પરંતુ તને આ માદક યૌવન નહીં પણ કાંટો જ દેખાવો જોઇએ સમજ્યો ?’કાશીનાથે કહ્યું, ‘આ કામ ક્યારે કરીશ ?’

‘તમે કહેશો ત્યારે...’

‘કાલે આ છોકરી નવવધૂ બનીને લખપતિદાસના બંગલામાં પહોંચી જસે. દસ દિવસ પછી...’

‘સમજ્યો...’પૂરણ બોલ્યો, ‘તમારા માર્ગનો કાંટો દસ દિવસ પછી આ દુનિયામાં નહીં હોય !’ કહીને એણે એકી શ્વાસે પેગ ખાલી કરી નાંખ્યો.

કાશીનાથે ગજવામાંથી સો રૂપિયા વાળી નોટોના બે બંડલ કાઠીને તેનાં હાથમાં મૂકી દીધાં.

‘આની શું જરૂર હતી ?’પૂરણે બંડલોને ગજવામાં મૂક્યા પછી કહ્યું. અત્યારે તેના ચહેરા પર લુચ્ચું સ્મિત ફરકતું હતું.

‘અત્યારે આટલા રાખ. પછી બીજાં આપીશ.’કાશીનાથ તેના સ્મિતનો અર્થ નહોતો પારખી શક્યો.

આનંદ એકીટશે પૂરણના ચ્હેરા સામે તાકી રહ્યો હતો.

થોડીવાર પછી પૂરણ વિદાય થઇ ગયો.

બંદર રોડ પર દરિયાકિનારે આવેલો શેઠ લખપતિદાસનો બંગલો રંગબેરંગી લાઇટોથી ઝગમગતો હતો. લગ્નમાં આવેલાં મહેમાનો ચાલ્યા ગયા હતા.

લખપતિદાસ સમાજની નજરથી વાકેફ હતો. આ ઉંમરે પોતે લગ્ન કર્યા છે એ કોઇનેય નથી ગમ્યું એ વાત તે જાણતો હતો. તેમને સમાજની ચિંતા હતી. પણ આશા પાસે સમાજનું પલ્લું હળવું બની ગયું હતું.

ખૂબ સાદાઇથી તેમણે આશા સાથે લગ્ન કર્યાં હતા.

બંગલાની અંદર લખપતિદાસે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બહુ થોડો લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બંગલામાં જાણે કોઇના લગ્ન નહીં પણ કોઇકનું મરણ થયું હોય તેવી ભારે ભરખમ ચુપકીદી છવાયેલી હતી. બંગલાના નોકરોને પણ લખપતિદાસનું આ પગલું વ્યાજબી નહોતું લાગ્યું મગજ અને પૈસાનો કોઇ સંબંધ નથી હોતો એની આજે તેમને પહેલી જ વાર ખબર પડી હતી. યુવાન પુત્રીની હાજરીમાં, તેના જેટલી જ ઉંમર ધરાવતી પત્નીને લાવવી એ વાતને દિમાગ સાથે કંઇ જ સંબંધ નહોતો. જે નોકરો લખપતિદાસને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનતા હતા, તેમને અત્યારે જાણે લખપતિદાસ ગાંડો થઇ ગયો હોય એવું લાગતું હતું.

સાધના સવારથી જ પોતાની રૂમમાં પડી હતી. એણે કંઇ જ ખાધું-પીધું નહોતું. એ કોઇ મહેમાનને પણ નહોતી મળી કે ન તો કોઇ મહેમાને તેને મળવાનો પ્રયાસ કર્યો કારણ કે સાધના પોતાના પિતાના આ લગ્નથી નારાજ છે એ વાત તેઓ જાણતા હતા. એક માત્ર આનંદ જ સાધનની રૂમમાં હાજર હતો. એ જ સાધનનું દુ:ખ હળવું કરતો હતો અથવા તો વધારતો હતો એમ કહીએ તો પણ ચાલે.

આનંદ અત્યારે પણ સાધનાની રૂમમાં હતો. એ સોફા પર બેઠો હતો. સાધના તેના ખોળામાં માથું મૂકીને સૂતી હતી. રૂમમાં ચુપકીદી છવાયેલી હતી. કલાકોથી તેઓ આ રીતે બેઠા હતા.

અચાનક બારણા પર ટકોરા પડ્યા. સાધનાએ આંખો ઉઘાડીને આનંદ સામે જોયું. આજે પહેલી જ વાર આ રીતે તે આનંદ સાથે પોતાની રૂમમાં પૂરાઇ રહી હતી. આજે કોણ જાણે કેમ તેને પોતાના પિતાનો ભય નહોતો લાગતો. ચોર...ચોરથી નથી ડરતો એ વાત સાધના માટે પૂરવાર થતી હતી.

એ ઊભી થઇને બારણા પાસે પહોંચી. પછી સ્વસ્થ થઇને એણે બારણું ઉઘાડ્યું.

‘અરે...તમે...?’તે એક તરફ ખસતાં આશ્ચર્યથી બોલી.

બહાર લખપતિદાસ ઊભો હતો. એણે નવું નકોર ધોતિયું અને રેશ્મી ઝભ્ભો પહેર્યા હતા. પગમાં મોજડી પહેરી હતી. એના વૃદ્ધ ચહેરા પર ચમક પથરાયેલી હતી. આ તેમનો કાયમનો પોષાક હતો. અલબત્ત, ચશ્માને સ્થાને આજે તેમણે પોતાની આંખમાં કોન્ટેક્ટ લેન્સ ફીટ કર્યા હતા.

લખપતિદાસને જોઇને આનંદ સન્માનસૂચક ઢબે ઊભો થઇ ગયો.

લખપતિદાસ માથું ધુણાવીને રૂમમાં દાખલ થઇ ગયો. પછી એણે સ્મિત ફરકાવતી નજરે સાધના સામે જોયું.

સાધનાના ચહેરા પર છવાયેલા નારાજગીનાં હાવભાવ એ સ્પષ્ટ રીતે જોઇ શકતો હતો. સાધના માથું નીચું કરીને ઊભી હતી. એ પગના અંગુઠાના નખથી રૂમની ફર્શ ખોદવાનો પ્રયાસ કરતી હતી.

‘અંદર આવ આશા...! લખપતિદાસનો અવાજ સાંભળીને સાધના તથા આનંદની નજર બારણા પર સ્થિર થઇ ગઇ.

વળતી જ પળે આશા રૂમમાં દાખલ થઇ. એ અંદર આવી તરત જ રૂમમાં અનેક જાતના કીમતી સેન્ટ અને અત્તરની મહેંક પથરાઇ ગઇ. એ નવવધૂના પોષાકમાં સજ્જ હતી. એની સુંદરતા જોઇને સાધના મનોમન ઇર્ષ્યાથી સળગી ઊઠી.

આશાની ઊંચાઇ આશરે સાડા પાંચ ફૂટ હતી. એનો ચહેરો જાણે દૂધમાં સિંદૂર ધોળ્યો. હોય, એવા આછા નારંગી રંગનો હતો. ગોરા ચીટ્ટા ખૂબસૂરત લલાટની નીચે સર્પાકારે ભવાં લાંબા અને અણિયાળાં હતા. ભવાંની નીચે તેની બંને આંખો, બીજી સ્ત્રીઓ કરતાં સ્હેજ વધુ નજીક હતી. ગોળ લાવણ્મય ચહેરો, પાણીદાર આંખો, આકર્ષક નાક અને પાતળા હોઠે...! હોઠ પર લીપ્સ્ટીક ન કરી હોવા છતાં પણ તે કુદરતી રીતે જ લાલ હતા. એનું યૌવન જોઇને પહેલી જ નજરે કોઇ પણ માણસ તેનાં પર મોહી પડે તેમ હતું.

આનંદ થોડી પળો સુધી કિંકર્ત વ્યવિમૂઢની જેમ આશાના ચહેરા સામે તાકી રહ્યો. આશાની પાંપણો ઊંચી થઇ, એણે સાધના સામે જોયું. પણ તે એની સાથે નજર ન મેળવી શકી.

આનંદ પાગલની જેમ આશા સામે તાકી રહ્યો હતો. અત્યારે આશા આગનો એવો દરિયો દેખાતી હતી કે જેની સામે સાધના તો ફક્ત એક તણખા સમાન જ હતી.

આશાના હોઠ પર હળવું સ્મિત ફરકતું હતું. એણે આનંદ સામે જોયું.

બંનેની નજર મળી.

યૌવનના આ દરિયામાં પોતે ડૂબી જશે એવું આનંદને લાગ્યું. આશા તેની સામે આકર્ષક સ્મિત ફરકાવીને નીચું જોઇ ગઇ હતી.

‘આશા...!’લખપતિદાસે કહ્યું, ‘ચાલ, આપણી પુત્રી સાથે હું તારો પરિચય કરાવું.’કહીને એણે સાધના તરફ સંકેત કર્યો, ‘આપણી દિકરી સાધના છે.’

સાધનાએ માંડ માંડ હાથ જોડ્યા. એનાં હોઠ ફફડયા. પરંતુ તે બોલી શકી નહીં.

આશાએ આગળ વધીને સાધનાના ખભા પર હાથ મૂક્યો. એના હાથનો સ્પર્શ ખૂબ જ કોમળ અને લાગણીભર્યો હતો. પરંતુ જોણે કોઇ નાગણીએ પોતાની ફેણ, ખભા પર મૂકી હોય એવું સાધનાને લાગ્યું.

‘દિકરી...!’આશાનો અવાજ એકદમ મધુર હતો. પરંતુ સાધનાને તે પીગળેલા સીસા જેવો લાગ્યો હતો, ‘તમે મારાથી નારાજ છો ?’

‘ન...ના...’સાધનાના કંપતા હોઠમાંથી આ એક શબ્દ બહાર નીકળ્યો.

‘મેં સાધનાને ખૂબ જ લાડકોડથી ઉછેરી છે આશા !’લખપતિદાસે લાગણીભર્યા અવાજે કહ્યું, ‘મેં તેને બાપની સાથે સાથે માનો પ્રેમ આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પિતા...પિતા તો બની શકે છે. માતા નહીં! આ કમી પૂરી કરવાની કેટલાય વખતથી મને ઇચ્છા હતી. તારે જ હવે સાધનાને માનો પ્રેમ આપવો પડશે. મા અને તારામાં કોઇ ફર્ક છે એવું તેને ન લાગવું જોઇએ.’

‘હું સાધનાની દરેક ખુશીનું પૂરેપૂરું ધ્યાન રાખીશ.’આશા સ્નેહથી સાધનાના માથાં પર હાથ ફેરવતા બોલી.

સાધના ચૂપચાપ જમીન સામે તાકી રહી.

-નીચ...કુલ્ટા...ઝેરીલી નાગણ...!એ મનોમન બબડી. તું મારી ખુશીને ડંખવા માટે આવી છે. તે મારા વૃદ્ધ પિતાજીને તારા મોહપાશમાં ફસાવીને અમારી મિલકત પર નજર નાંખી છે.

પરંતુ એ મનની વાત ન કહી શકી. બાકી તેનું ચાલત તો તે આશાને આંખો વડે જ સળગાવી નાંખત ! અનું મન રડતું હતું. ધૂંસકાં ભરતું હતું.

‘અને આ આનંદ છે...!’લખપતિદાસે આગળ વધીને આનંદનો ખભો થપથપાવતાં કહ્યું, ‘સાધનનો મંગેતર ! બંનેની સગાઇ થઇ ગઇ છે. હું પહેલાં જ એ બંનેના લગ્ન કરી નાંખવા માગતો હતો. પણ પછી મને એવો વિચાર આવ્યો કે માની હાજરીમાં જો દીકરી વિદાય થાય તો હું પણ તેની જુદાઇ સહન કરી શકીશ.’

આનંદે બંને હાથ જોડીને આશાને નમસ્કાર કર્યા. એની નજર આશાના લાલચટક હોઠ પર જ સ્થિર થયેલી હતી. આશાએ આગળ વધીને તેના નમસ્કારના રૂપમાં જોડાયેલા બંને હાથ પકડ્યા. એના સ્પર્શીથી આનંદના દેહમા મીઠી ઝણઝણાટી વ્યાપી ગઇ.

‘આનંદ...!’આશાએ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘તમારે મારી દિકરીનું ધ્યાન રાખવાનું છે. તમને મળીને મને ઘણો આનંદ થયો છે. ઇશ્વર તમારી જોડી સલામત રાખે એવા હું આશીર્વાદ આપું છું. વાહ...શું જોડી છે...!’

આનંદ મનોમન ધ્રુજી ઊઠ્યો. આશાએ છેલ્લું વાક્ય કોઇક જુદા જ અર્થમાં ક્હયું છે એવું તેને લાગ્યું કદાચ એણે છેલ્લા વાક્યમાં પોતાની અને આનંદની જોડી વિશે કહ્યું હતુ અને એવા જ હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા. આ વાતનો ખ્યાલ આવતાં જ આનંદે મનમાં મીઠી વેદના અનુભવી એત્રે ત્રાંસી નજરે સાધના સામે જોયું સાધના હજુ પણ માથું નમાવીને ઊભી હતી. આશાના આગમન પહેલા સાધનાનો જે માસૂમ ચહેરો આનંદને ચંદ્રમાં જેવો લાગતો હતો, એ જ ચહેરો આશાના આગમન પછી એટલો જ કદરૂપો અને બેડોળ લાગવા માંડ્યો હતો.

આશા અને લખપતિદાસે પરસ્પર એકબીજાની સામે જોયું.

આશાની ઘાયલ કરી મૂકનારી નજરથી લખપતિદાસની સૂતેલી યુવાની જાણે કે જાગૃત બની.

એજ વખતે એક નોકર રૂમમાં પ્રવેશ્યો.

એના હાથમાં ચાના કપ ભરેલી ટ્રે જકડાયેલી હતી.

ટ્રેને સ્ટૂલ પર મૂકીને તે ચૂપચાપ બહાર નીકળી ગયો.

લખપતિદાસ સોફા પર બેસી ગયો.

આનંદ પણ તેની બાજુમાં જ બેઠો.

‘સાધના...!’આશાએ સાધનાના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘મને ચા

નહીં પીવડાવે ?’

સાધનાની પાંપણો ઊંચી નહોતી થતી. એ ચૂપચાપ સોફા પર બેસી ગઇ.

આશાએ ટ્રેમાંથી એક કપ ઊંચકીને સાધનાના હાથમાં મૂકી દીધો.

લખપતિદાસે જાતે જ પોતાનો કપ ઊંચકી લીધો હતો.ત્યારબાદ આશાએ બીજો કપ ઊંચકીને આનંદ સામે લંબાવ્યો.

આનંદે કપ ઊંચકતી વખતે આશાની આંખોમાં પોતાની આંખોપરોવી. તેના ધબકારા એકદમ વધી ગયા હતા.

આશાના યૌવનની ગરમીમાં તે જાણે કે પીગળતો જતો હતો.

પછી સ્હેજ સ્વસ્થ થઇને તે ચા પીવા લાગ્યો.

ચાના ઘૂંટડા ભરતી વખતે પણ તેના દિમાગમાં આશા જ છવાયેલી હતી.

***