Kishor Kumar - Biography in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | કિશોર કુમાર - બાયોગ્રાફી

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કિશોર કુમાર - બાયોગ્રાફી

કિશોર કુમારની કૌતુક કથા:

શોહરતની બુલંદી પર જે વ્યક્તિ ઊભો હોય. જેના અવાજે દુનિયાની કાયલ કરી હોય. પોતે વર્સેટાઈલ હોય અને ખૂબ કામ કર્યું હોય. કરોડો ચાહકો, ભાવકો અને પ્રેમીઓ હોવા છતાં એક વ્યક્તિને પોતાના જન્મસ્થળ પાછું જવું છે. મધ્યપ્રદેશમાં ખંડવા જવું છે. તેને એકલું લાગે છે.

જિંદગીનાં છેલ્લા દિવસો તે ઘરમાં વિતાવવા ઇચ્છતા હતા. તેમને મુંબઈ ક્યારેય તેમના ઘર જેવું નહોતું લાગ્યું. તેમને બધું જ છોડી દેવું હતુંં. તેઓ એકલતા અનુભવતા હતા. તેમને લાગતું હતુંં કે તેમનો કોઈ દોસ્ત નથી. તેઓ ગાયક હતા, એક્ટર હતા, ગીતકાર હતા, સંગીતકાર હતા, નિર્માતા હતા અને સ્ક્રિપ્ટ રાઇટર પણ હતા. એક શબ્દમાં કહેવામાં આવે તો તેઓ જિનિયસ હતા, પરંતુ લોકો તેમને દીવાના માનતા હતા, પાગલ માનતા હતા, અક્કડ માનતા હતા. આ વ્યક્તિ એટલે આભાસ કુમાર ગાંગુલી ઉર્ફે કિશોર કુમાર.

બે જ સપનાનું જીવન:

આભાસ કુમાર ગાંગુલીનું બાળપણમાં એક જ સપનુ હતું. તેઓ પોતાના મોટાભાઈ કરતા વધારે પૈસા કમાવવા અને કે. એલ. સહગલની જેમ ગીતો ગાવા ઇચ્છતા હતા. મધ્યપ્રદેશનાં ખંડવામાં 4 ઑગસ્ટ 1929નાં દિવસે આભાસ એટલે કે કિશોર કુમાર ગાંગુલીનો જન્મ થયો હતો. કેવી રીતે માની શકાય છે કે કિશોર કુમાર જેવા વ્યક્તિ એકલા હોઇ શકે છે?

  • 1948માં આવેલીજિદ્દીફિલ્મમાં કિશોર કુમારે પોતાનું પ્રથમ ગીત ગાયું
  • એક સમય હતો જ્યારે તેઓ ફિલ્મનાં ડાયરેક્ટર-પ્રોડ્યુસરથી બચવાનાં પ્રયત્નો કરતા, પરંતુ જેવું કહેવામાં આવે છે કે મુંબઈને તેઓ ભલે છોડવા ઇચ્છતા હતા, પરંતુ માયાનગરી તેમને છોડવા નહોતી ઇચ્છતી. છોડ્યા પણ નહીં. કિશોર કુમારનાં પિતા કુંજલાલ ગાંગુલી વકીલ અને મા ગૌરી દેવી ધનાઢ્ય પરિવારથી હતા. કિશોર 4 ભાઈઓમાંથી સૌથી નાના હતા. સૌથી મોટા અશોક, ત્યારબાદ સતી દેવી અને પછી અનૂપ. જ્યારે અશોક કુમાર મોટા અભિનેતા બની ગયા ત્યારે કિશોર બાળક જ હતા. ભાઇઓની સાથે કિશોરને પણ ફિલ્મો અને સંગીતનો શોખ જાગ્યો. તેઓ કે.એલ. સહગલનાં ફેન હતા. તેમના જેમ ગાવાનાં પ્રયત્ન કરતા હતા. ઇન્દૌરની ક્રિશ્ચિયન કૉલેજથી તેઓ ગ્રેજ્યુએટ થયા. તેઓ મુબંઈ આવ્યા ત્યારે તેમણે મુંબઈ ટૉકીઝ માટે કોરસ ગાવાનું શરૂ કર્યું. તેમણે નામ પણ બદલી નાંખ્યું. 1948માં આવેલીજિદ્દીફિલ્મમાં કિશોર કુમારે પોતાનું પ્રથમ ગીત ગાયુ-મરને કી દુઆએં ક્યોં માંગુ.

    પુરૂષ અને મહિલાનાં અવાજમાં ગાયું હતું ગીત

    આ ગીત ગાયા બાદ કિશોર કુમારને ગાયક તરીકે જ નહીં, પરંતુ અભિનેતા તરીકે પણ ફિલ્મો મળવા લાગી. ફિલ્મહાફ ટિકિટનાં ગીતઆકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા…’માં સલિલ ચૌધરી સંગીતકાર હતા. તેઓ ઇચ્છતા હતા કે કિશોર કુમાર અને લતા મંગેશકર ગીત ગાય. લતા મંગેશકર શહેરમાં નહોતા. સલિલ ચૌધરીને કોઇપણ હિસાબે ગીત રેકોર્ડ કરવું હતું. કિશોર કુમારે આ સમસ્યા દૂર કરી દીધી અને તેમણે પુરૂષ અને મહિલા બંનેનાં અવાજમાં ગીત ગાયું હતું.

    કિશોર કુમારે જ્યારે ખોલ્યુ પોતાના 4 લગ્ન પાછળનું રહસ્ય

    બોલીવુડની ફિલ્મોમાં પોતાના ગીતોના જાદૂથી લોકોના દિલોમાં રાજ કરતા કોઈને આવડતુ હોય તો તે ફક્ત કિશોર કુમાર હતા. તેમના ગીત આજે પણ દિલ અને મગજને પોતાના વશમાં કરી લે છે. કિશોર કુમારે પોતાના ગાયકીથી શ્રોતાઓના દિલ જીતવા ઉપરાંત પોતાને સંગીતના એક લેંજડ પણ બનાવી દીધા હતા. કિશોર કુમારે એક બે નહી પણ 4 લગ્ન કર્યા હતા. જો કે તેમના એક પણ લગ્ન ટકી શક્યા નહોતા.

    આજે તેમની પુણ્યતિથિ પર આવો જાણીએ તેમના વ્યક્તિગત જીવનની કેટલીક અજાણી અને ન સાંભળેલી વાતો વિશે...

    રુમા ગુહ ઠાકુરતા - તેમની પ્રથમ પત્ની રુમા ગૃહ ઠાકુરતા ઉર્ફ રુમા દેવી હતી. તે ખૂબ જ પ્રતિભાશાળી મહિલા હતી પણ તે વધુ દિવસ સુધી કિશોર કુમાર સાથે રહી ન શકી. કારણ કે તે બંને જીંદગીને જુદા જુદા નજરથી જોતા હતા. કિશોર કુમારે કોઈ ઈંટરવ્યુ દરમિયાન બતાવ્યુ હતું કે રુમા દેવી કેરિયર બનાવવા માંગતી હતી જ્યારે કે તે ઈચ્છતા હતા કે કોઈ તેમના ઘરની દેખરેખ કરે.

    તેથી એક દિવસ બંને પોતાના જુદા જુદા રસ્તે ચાલી નીકળ્યા..

    મધુબાલા - સ્ટાર મધુબાલા માટે કિશોર કુમાર કરીમ અબ્દુલ બન્યા. બોલીવુડ અભિનેત્રી મધુબાલાના મામલે બધુ અલગ હતું. તેમણે લગ્ન કરતા પહેલા જ કિશોર કુમાર જાણતા હતા કે તે ખૂબ બીમાર છે. પણ વચન તો વચન હોય છે. તેથી તેમણે પોતાની વાતનુ માન રાખ્યુ અને પત્નીના રૂપમાં તેને પોતાના ઘરે લઈ આવ્યા. ત્યારે પણ તેઓ જાણતા હતા કે મધુબાલા હ્રદયની જન્મજાત બીમારીથી મરી રહી છે.

    9 વર્ષ સુધી કિશોર કુમારે તેમની સેવા કરી. તેમણે મધુબાલાને પોતાની આંખો સામે મરતા જોઈ.

    યોગિતા બાલી - કિશોર કુમારે એક ઈંટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે યોગિતા બાલી સાથે તેમના લગ્ન એક મજાક હતા. તેમને નહોતુ લાગતુ કે યોગિતા લગ્નને લઈને ગંભીર હતી.

    તે બસ પોતાની માતાને લઈને ઓબ્સેસ્ડ હતી. યોગિતા અહીં રહેવા બિલકુલ માંગતી નહોતી. તે કહેતી હતી કે તમે આખી રાત જાગો છો અને પૈસા ગણો છો. તે બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા.

    લીના ચંદાવરકર - ત્યારબાદ કિશોર કુમારે લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા. કિશોર કુમારના પોતાના પત્ની લીના વિશે કહેવુ હતું કે તે એક જુદા પ્રકારની વ્યક્તિ હતી. જ્યારે પોતાના પતિને મારી નાખવામાં આવે તો તમે બદલાય જાવ છો. તમે જીંદગીને સમજવા લાગો છો. તમે વસ્તુઓની ક્ષણભંગુરતાને અનુભવ કરવા માંડો છો. લીના બિલકુલ એવી જ હતી.

    પણ લીના સાથે લગ્ન કર્યા પછી કિશોર કુમાર પોતે વધુ દિવસ રહ્યા નહી અને તેમનુ મોત થયુ. તેમના અંતિમ સમય સુધી લીના ચંદાવરકર જ તેમની ચોથી પત્ની હતી.

    મધુબાલા અને કિશોર

    મધુબાલાને 'ચલતી કા નામ ગાડી'ના સેટ પર કિશોર કુમારમાં પોતાના જીવનસાથી દેખાયા હતા. કિશોર કુમારનાં પ્રથમ લગ્ન જેમની સાથે થયાં હતાં તે રુમાદેવી સાથેના અલગાવ માટે ઘણા મધુબાલાને જવાબદાર ઠેરવતા હોય છે. પરંતુ, હકીકત તો એ હતી કે મધુબાલા તો કિશોરદાનાં પ્રથમ લગ્ન ટકી રહે તે માટે પ્રયાસ કરતાં હતાં. કિશોર કુમારે પોતે 'માધુરી'ના વિનોદ તિવારીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુંં કે "વહ હમારે દર્દ કો કિસી ઔર કે મુકાબલે ઇસ લિયે ભી જ્યાદા સમઝ સકતી થી, કિ ઉન દિનોં દિલીપ કુમાર કે સાથ ઉસકા સંબંધ ટૂટ ચૂકા થા ઔર કુછ ઝગડા ચલ રહા થા. રુમા સે મિલકર ઉસને હમારા મેલ કરાને કી કોશિશ કી. મગર ના રુમા સે મેરી બાત બન સકી ના દિલીપ કુમાર કે સાથ ઉસકે ઝગડે સુલઝે. તબ કિન્હી નાજુક ક્ષણોં મેં હમને એક હોને કા ફૈસલા કર લિયા...." કિશોર કુમાર સાથેના લગ્નની ઘટના તો ૧૯૬૦ની અને 'ચલતી કા નામ ગાડી' આવ્યું તેના બે વર્ષ પહેલાં ૧૯૫૮માં.

    એ પિક્ચરની પડદા પાછળની વાર્તા તો એવી કહેવાય છે કે તેનું નિર્માણ કિશોર કુમારે ખોટ ખાવા કર્યું હતુંં. એ નુકશાનીના પૈસા પોતાને ઇન્કમટેક્ષમાં રાહત અપાવશે એ ગણતરીએ કોમેડી ફિલ્મ બનાવી, જે પ્રકાર મોટેભાગે ફ્લોપ થતો. જો તમે 'ચલતી કા નામ ગાડી' જોઇ હોય તો તેના ટાઇટલમાં જે રીતે કાર્ટૂનની દોડાદોડથી કલાકારો અને કસબીઓનાં નામ પ્રસ્તુત થાય છે, તેનાથી જ કોમેડીનો માહોલ બંધાવો શરુ થઈ જાય છે. જ્યારે કોમ્પ્યુટર્સનું નામ-નિશાન નહોતું; એવા સમયે '૫૦ના દાયકામાં રેખાચિત્રોની મદદથી કરેલો એ પ્રયોગ પણ એક નોવેલ્ટી આઇટમ હતો. ફિલ્મમાં ત્રણેય કુમાર ભાઇઓની રમૂજી એક્ટિંગની સાથે સાથે મધુબાલાના અભિનય તથા રૂપનું ગ્લેમર અને એસ.ડી. બર્મનનું સંગીત મળીને એવી ફોર્મ્યુલા બની કે ટિકિટબારી પર અપેક્ષાથી ઉંધું થયું!

    'ચલતી કા નામ ગાડી' ચાલ્યું અને એવું અણધાર્યું ચાલ્યું કે તે વરસની કમાણી કરાવનારી ટોપ ટેનમાં પ્રથમ નંબરે આવેલી દિલીપ કુમારની 'મધુમતી'ની પાછળ જ બીજા નંબરે આવી પહોંચી. ત્રીજું સ્થાન ફરી એકવાર દિલીપ સા'બની 'યહુદી'નું હતુંં. ટૂંકમાં, નંબર ગેમમાં મધુબાલા અને કિશોરકુમારની જોડી દિલીપ કુમારની લગોલગ હતી. 'ચલતી કા નામ ગાડી'નાં ગીતો આજે પણ એવરગ્રીન છે. તેના લોકપ્રિય ગાયન "ઇક લડકી ભીગી ભાગી સી....'માં મધુબાલા કશાય પ્રયત્ન વગર, સાવ સ્વાભાવિક રીતે, વગર મેકઅપે વરસાદના પાણીમાં ભીંજાઇને નીતરતા રૂપમાં આકર્ષક દેખાઇ બતાવે છે. મોટર ગેરેજ જેવા નિરસ બેકગ્રાઉન્ડમાં પણ જો એ હીરોઇન પોતાની કુદરતી ખૂબસુરતીથી ખીલી શકતી હોય, તો પછી અન્ય એક ગાયન "દે દો મેરે પાંચ રૂપૈયા બારા આના...." તો ડ્રીમ સિક્વન્સનું ગીત હતુંં! વળી તેમાં મધુબાલા માટે કિશોર કુમાર ''રૂપ કા તુમ હો ખજાના...." એમ ગાતા હોઇ નાયિકાને ગ્લેમરસ બતાવવાની સરસ તક હતી અને તેનો સરસ ઉપયોગ કરાયો હતો. તો અન્ય એક ગીત "હાલ કૈસા હૈ જનાબ કા?...... ક્યા ખયાલ હૈ આપકા?...." પણ કિશોર કુમાર સાથેની મધુબાલાની કેમેસ્ટ્રી કેવી જામી રહી હતી, તેની નિશાની હતી. મજરુહ સુલતાનપુરીએ લખેલા શબ્દો પડદા પર હળવાફુલ લાગી શકે. પરંતુ, જો તેને ભજવનારી જોડી પ્રેમમાં પડું પડું થઈ રહી હોય તો એક વધારાનો ધક્કો મારી શકે એવા અર્થપૂર્ણ અલ્ફાઝ જરૂર હતા.

    દાખલા તરીકે આ અંતરો.... 'પગલી, પગલી કભી તુને સોચા રસ્તે મેં ગયે મિલ ક્યૂં?' એમ પૂછતા કિશોર કુમાર અને સામો મધુબાલાનો જવાબ.... 'પગલે, પગલે તેરી બાતોં બાતોં મેં ધડકતા હૈ દિલ ક્યૂં?' જો એ સમયની મધુબાલા અને કિશોર કુમારની અંગત જિંદગીમાં આવેલા તોફાનનો વિચાર કરી શકીએ તો કલ્પના કરવી સરળ થશે. એ તો જાણીતી હકીકત છે કે બન્ને મુખ્ય કલાકારોના પોતપોતાના તે સમયના પ્રણય-સાથીઓ જોડેના સંબંધો તૂટી ચૂક્યા હતા. મધુબાલા સાથેના પોતાના પ્રેમપ્રકરણનો અંત અતાઉલ્લાહ ખાનની જીદને લીધે આવ્યો હતો, એમ દિલીપ કુમારે કહ્યું છે. વળી, તે સાચું હોવાની શક્યતા એટલા માટે વધારે છે કે કિશોર કુમાર સાથેની વધતી નિકટતા સામે પિતાએ વાંધો લીધાનું ક્યાંય નોંધાયું નથી. બલ્કે કિશોર દાએ લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે 'ખાન સાહેબે' સામેથી મધુબાલાની બીમારી અને તે માટે લંડન લઈ ગયા પછી શાદીની રસમ પૂરી કરવા સલાહ આપી હોવાના એકથી વધુ ઉલ્લેખો મળે છે.

    અતાઉલ્લાહને પોતાની દીકરી માટે, દિલીપ સા'બ પોતાના આત્મકથનના પુસ્તકમાં કહે છે - પતિ અને પોતાના પ્રોડક્શન માટે હીરો એવા 'ટુ ઇન વન'ની શોધ કદાચ કિશોર કુમારમાં પૂરી થતી લાગી હશે. કારણ કે તેમના ઘરના બેનર 'મધુબાલા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ'ના પિક્ચર 'મહલોં કે ખ્વાબ'ના હીરો તરીકે કિશોર કુમારને પસંદ કર્યા હતા. બાકી મધુબાલાને લગ્નની દરખાસ્ત તો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણે પણ કરી જ હતી ને? પ્રદીપ કુમાર સાથે મધુબાલાએ તે દિવસોમાં 'પોલીસ' ફિલ્મમાં કામ કર્યું હતુંં, જે હીરોના પોતાના બેનર 'દીપ એન્ડ પ્રદીપ પ્રોડક્શન' દ્વારા નિર્માણ પામી હતી અને જેના દિગ્દર્શક પ્રદીપ કુમારના ભાઇ કાલીદાસ હતા. પ્રદીપ કુમાર સાથેની તેમની ફિલ્મોનાં કેટલાંક ગાયનો આજે પણ સાંભળવાં ગમે એવાં સુરીલાં છે. એ બન્નેની જોડીનું 'રાજહઠ'નું સંગીત '૫૦ના દાયકાનાં શંકર-જયકિશનનાં યાદગાર આલ્બમોમાં ગણાય છે. તેનાં ગીતોમાં "યે વાદા કરો ચાંદ કે સામને, ભુલા તો ન દોગે મેરે પ્યાર કો...." (મુકેશ-લતા) અને "આયે બહાર બન કે લુભા કર ચલે ગયે...." (રફી સાહેબ) આજે પણ મધ મીઠાં લાગે છે. તો 'શીરીન-ફરહાદ'ના એક ગાયનની શાયર તન્વીર નકવીએ લખેલી આ પ્રમુખ પંક્તિ ભૂતકાળને વાગોળવા ઘણીવાર કામ લગાડાતી હોય છે, "ગુઝરા હુઆ જમાના આતા નહીં દુબારા.... હાફીઝ ખુદા હમારા...."! તેમાંનો આ એક અંતરો તો શીરીન અને ફરહાદ જેવા અમર પ્રેમીઓને જ નહીં વર્તમાન સહિતના કોઇપણ સમયના છુટા પડતા લવર્સને પોતાની વ્યથા-કથા જેવો લાગી શકે છે....

    ખુશીયાં થી ચાર દિન કી, આંસુ હૈં ઉમ્ર ભર કે, તન્હાઇયોં મેં અક્સર રોએંગે યાદ કર કે વો વક્ત જો કિ હમને ઇક સાથ હૈ ગુજારા હાફીઝ ખુદા હમારા.... તો મધુબાલાને લગ્નની ઓફર કરનાર બન્ને હીરો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ સાથેની ફિલ્મ 'ગેટવે ઓફ ઇન્ડિયા'માં રફી સા'બ અને આશાજીનું યુગલ ગાન "દો ઘડી વો જો સાથ આ બૈઠે, હમ જમાને સે દૂર આ બૈઠે...." સંગીતકાર મદન મોહન અને ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્નની જોડીનાં અવિસ્મરણીય ડયુએટ્સમાં સમાવિષ્ટ હોય છે. ભારત ભૂષણની સીધી સાદી પર્સનાલિટી સાથે તેમને ભાગે કેટલાંક સરસ સરસ ગાયનો આવ્યાં છે, તેની અલગ યાદી થઈ શકે. પરંતુ, મધુબાલા સાથેની બે ફિલ્મોનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. એક તો 'ફાગુન' જેનું ગીત ''ઇક પરદેસી મેરા દિલ લે ગયા, જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા...." તેની સપેરાના બીનની ટયુન માટે એક જમાનામાં અત્યંત લોકપ્રિય થયું હતુંં. 'ફાગુન' અગાઉ 'નાગિન'માં આપણા કલ્યાણજીભાઇએ ''મન ડોલે, મેરા તન ડોલે..."માં બીન બજાવીને જબ્બર સનસનાટી કરી હતી. તે પછી એવું જ લોકપ્રિય થયેલું 'ફાગુન'નું આ ગીત. ગામડાંમાં કે શહેરની શેરીઓમાં સાપ અને નાગના ખેલ બતાવતા મદારીઓની સૌથી ફેવરીટ બે ધૂનો 'નાગિન' અને 'ફાગુન'. મધુબાલા અને ભારત ભૂષણની બીજી યાદગાર ફિલ્મ 'બરસાત કી રાત'. 'બરસાત કી રાત'માં સૌ જાણે છે એમ, રોશન દાદા અને પરમ પ્રિય સાહિર લુધિયાનવી બન્ને ફુલ ફોર્મમાં હતા અને "ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફર કી તલાશ હૈ...." એ કવ્વાલીની સ્પર્ધાએ તો અમરત્વ પ્રાપ્ત કરેલું જ છે. પણ તે ઉપરાંત ટાઇટલ ગીત ''જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત...." છે, જે હીરો-હીરોઇન બેઉ ગાય છે. તે ઉપરાંત મધુબાલાનાં વખાણ શાયર ભારત ભૂષણ કરે છે તે બેમિસાલ કૃતિ "મૈંને શાયદ તુમ્હેં પહલે ભી કહીં દેખા હૈ....". આ શબ્દો તો જુઓ, પ્રશંસાની કેવી ઊંચાઇઓ સાહિર સર્જે છે, “અજનબી સી હો મગર ગૈર નહીં લગતી હો, વહમ સે ભી હો જો નાજુક વો યકીં લગતી હો, હાય યે ફુલ સા ચેહરા યે ઘનેરી ઝુલ્ફેં મેરે શેરોં સે ભી તુમ મુઝકો હસીં લગતી હો!એવો કોઇ શાયર હોય ખરો કે જેને કોઇ સ્ત્રીનું રૂપ પોતાની ગઝલના શેરો કરતાં પણ હસીન લાગે? એ ફિલ્મી 'શાયર' ભારત ભૂષણે મધુબાલાના ઇનકાર પછી 'બરસાત કી રાત'માં જ કામ કરનાર એક અન્ય અભિનેત્રી રતન સાથે લગ્ન કરીને પોતાની પ્રથમ પત્નીના દેહાંત પછીનું ગૃહજીવન થાળે પાડયું હતુંં. આમ, મધુબાલા માટે શાદીની દરખાસ્ત કરનાર પ્રદીપ કુમાર, ભારત ભૂષણ અને કિશોર કુમાર એ ત્રણમાંથી એક પણ ઉમેદવાર તેમના મજહબના નહોતા. તેમ છતાં તેમની પ્રપોઝલ્સ અબ્બાજાન સુધી પહોંચી શકી હતી; 'નયા દૌર'ના કોર્ટ કેસ પછી મધુબાલાના પરિવારમાં દિલીપ કુમારના દરજ્જા (સ્ટેટસ)ની નિશાની હતી. દિલીપ કુમારને 'બતાવી દેવા'ની કોઇ ક્ષણે કિશોર કુમાર જેવા ધારણા કરી ન શકાય એવા (અનપ્રિડિક્ટિબલ) વ્યક્તિ સાથેનું લગ્ન મંજૂર થયું હશે એમ માનવાનું મન થાય છે. વધારામાં અબ્બાજાનને ગમે તે પ્રમાણે કિશોર દાએ ધર્મ પરિવર્તન કરવાની પણ તૈયારી બતાવી હતી. મધુબાલાનાં કિશોર કુમાર સાથેનાં લગ્ન અને 'મુગલ-એ-આઝમ'ની રજૂઆત એ બન્ને ૧૯૬૦ની ઘટનાઓ. મોગલ ઇતિહાસના એ કહેવાતા પ્રેમપ્રકરણના પોતાના ભવ્ય સર્જનના પ્રિમિયર માટે કે. આસિફે કરેલી અભૂતપૂર્વ તૈયારીઓ સિનેમાની દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી; આજે પણ છે જ. આફ્ટર ઓલ, કેટલી ફિલ્મોની પ્રિન્ટ તે અગાઉ (કે ઇવન તે પછી પણ!) શણગારેલા હાથી પર મૂકીને થિયેટર પર લાવવામાં આવી હતી? મરાઠા મંદિર સિનેમાગૃહ વિશાળકાય કટ આઉટ્સ અને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. પ્રિમિયર શોમાં રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, ગુરૂદત્ત, બિમલ રોય, નૌશાદ, જયકિશન, લતા મંગેશકર, મીના કુમારી, વહીદા રહેમાન, નંદા, નૂતન, માલાસિન્હા, શ્યામા, નાદીરા એમ લગભગ ઇન્ડસ્ટ્રીના કેટલાય ધુરંધર સેલીબ્રીટી હાજર હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે 'અનારકલી' અને 'સલીમ' બન્ને ગેરહાજર હતાં. કારણ, મધુબાલા ઉપરાંત દિલીપ કુમારનો એક બહુ મોટો ઝગડો કે.આસિફ સાથે થયો હતો. આસિફે દિલીપ સા'બના પોતાના પરિવારના ભાઇઓ-બહેનોના સંબંધોમાં પણ એક બહુ મોટો ધરતીકંપ લાવી દીધો હતો!

    કિશોર કુમારે શમ્મી કપૂર માટે એક જ ગીત ગાયું, એ પણ ભારોભાર ડબલ મીનિંગવાળું!

    1956માં શમ્મી કપૂર અને કિશોર કુમારે એક્ટર તરીકે એક ફિલ્મમાં સાથે કામ કરેલું. તે ફિલ્મ હતીમેમ સાહિબ’. તેમાં કિશોરે પોતાનાં ગીતો ગાયાં, જ્યારે શમ્મીજીને અવાજ આપેલો તલત મહેમૂદે. પાછલી ઉંમરે શમ્મી કપૂરે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાની શરૂ કરી દીધેલી. એ પછી છેક 1982માં સુભાષ ઘાઈએ ડિરેક્ટ કરેલી ફિલ્મ આવીવિધાતા’. જેમાં શમ્મીજીની સાથે દિલીપ કુમાર અને નવા સવા હીરો બનેલા સંજય દત્ત હતા. અભિનેત્રી હતી પદ્મિની કોલ્હાપુરે.

    એ ફિલ્મના એક ગીતસાત સહેલિયાં ખડી ખડીમાટે કિશોર કુમારે પહેલીવાર શમ્મી કપૂર માટે અવાજ આપ્યો! પરંતુ આજની તારીખે એ ગીત સાંભળીએ તો ગીતના શબ્દો સાંભળીને અને ગીતમાં શમ્મી કપૂરની હરકતો જોઈને હાયકારો નીકળી જાય. કેમ કે, એ ગીત ભારોભાર દ્વિઅર્થી પંક્તિઓથી ભરપુર છે. ગીતકાર આનંદ બક્ષીએ લખેલા એ ગીતની પંક્તિઓ કંઈક આ પ્રમાણે છેઃ

    સાત સહેલિયાં ખડી ખડી ફરિયાદ સુનાયેં ખડી ખડી...

    એક સહેલી કા મિયાં થા ડૉક્ટર... રાત ભર મુઆ સોને ના દે, ઈન્જેક્શન લગાયે ઘડી ઘડી...

    એક સહેલી કા મિયાં થા ડ્રાઈવર, રાત ભર મોયા સોને ના દે, ભોપું બજાયે ઘડી ઘડી...

    એક સહેલી કા મિયાં થા દરજી, રાત ભર મુઆ સોને ના દે, ટાંકા લગાયે ઘડી ઘડી...

    એક સહેલી કા મિયાં થા ડાન્સર, રાત ભર મુઆ સોને ના દે, તા તા થૈયા કરાવે ઘડી ઘડી...

    એક સહેલી કા મિયાં થા શરાબી, રાત ભર માકા સોને ના દે, બોતલ દિખાયે ઘડી ઘડી...

    એક સહેલી કા મિયાં થા ડાકિયા, રાત ભર મુઆ સોવન ન દે, ઠપ્પો લગાવે ઘડી ઘડી...

    પહેલી નજરે આ લાઈન્સ એકદમ સામાન્ય લાગે, પરંતુ શાંતિથી વિચારીએ અને તેનું પ્રેઝન્ટેશન જોઈએ ત્યારે તેની અંદર રહેલો બીજો અશ્લીલ મીનિંગ સ્પ્રિંગની જેમ ઊછળીને બહાર આવી જાય.

    હજી આટલું પૂરતું ન હોય તેમ ખુદ શમ્મી કપૂરે, જી હા, શમ્મી કપૂરે ગીત પર્ફોર્મ કરતાં કરતાં કુલ ત્રણ વખતમિડલ ફિંગરબતાવીને અત્યંત ગંદો ચાળો પણ કર્યો છે.

    એ વખતના લિબરલ સેન્સર બૉર્ડમાંથી આ ગીત એઝ ઈટ ઈઝ પાસ થઈ ગયેલું અને ફિલ્મની સાથે ગીત પણ સુપરહીટ ગયેલું. એ વખતે ગીતકાર આનંદ બક્ષીની સાથોસાથ સંગીતકારો કલ્યાણજી-આનંદજીનો પણ સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભારોભાર અશ્લીલ દ્વિઅર્થી શબ્દો ધરાવતા આ સોંગમાં ફિમેલ અવાજ આપવા માટે એક-બે નહીં, બલકે સાત ગાયિકાઓ લેવામાં આવેલી. તેમાં અલકા યાજ્ઞિક, સાધના સરગમ, અનુરાધા પૌંડવાલ, હેમલતા, ખુદ પદ્મિની કોલ્હાપુરે, પદ્મિનીની બહેન શિવાંગી કોલ્હાપુરે અને કંચન સામેલ હતી.

    કિસ્સા-એ-કિશોર:

    કિશોરકુમારની અંતરંગ વાતો પણ એમના કંઠ જેટલી જ અનોખી છે. દોસ્તો માટે કંઈ પણ કરી છુટવાની તમન્ના રાખતા કિશોરકુમારનો કોઇ જવાબ નથી. પોતાની શાનદાર અવાજ ઉપરાંત કિશોર દાને વિચિત્ર વર્તનને કારણે પણ ઓળખવામાં આવતા હતા. તેમના વિચિત્ર વર્તન સાથે જોડાયેલા ઘણા કિસ્સા સાંભળવા મળે છે. જેમાં સામેનો વ્યક્તિ ભલે ગમે તેટલો હેરાન થયો હોય, પરંતુ આ કિસ્સા લાફટર ડોઝથી ઓછા નથી.

    કિશોર કુમારે 5 રૂપિયા 12 આના... ગીત કેમ ગાયું હતુંં?

    કિશોરને ઉધારીમાં નાસ્તો કરવાનો શોખ હતો. કૅન્ટીનવાળા સૂરજમલ જયપુરવાલાની ઉધારી હજુ બાકી છે. 5 રૂપિયા 12 આનાની ઉધારી બાકી હતી. જેને પગલે કિશોરે આ શબ્દોને પોતાના ગીતમાં કંડાર્યા હતા. ચલતી કા નામ ગાડીમાં આ ગીતને સ્વર આપી ઉધારીનું ઋણ ચુકવ્યું હતુંં.

    એક માઈકથી કામ નહીં ચાલે….

    આશા ભોંસલે કિશોરદા સાથેની મધુર યાદોને વાગોળતાં કહે છે કે

    કિશોરકુમાર અને મેં લગભગ સાથે જ કેરિયર શરૂ કરેલી. તેથી જ અમે એકમેકને આદર પણ આપતા અને શરારત પણ કરતા. આમ તો હું એમને કિશોરદા કે દાદાનું જ સંબોધન કરતી.

    ત્યારેની અને આજની રેકૉર્ડિંગ પ્રોસેસમાં જમીન આસમાનનું અંતર છે. ત્યારે તો ફિલ્મનું રેકૉર્ડિંગ કર્યા પછી એચ.એમ.વી.ની રેકૉર્ડ તૈયાર કરવા અમારે બીજીવાર રેકૉર્ડિંગ કરવું પડતું. મને યાદ છે કે અમે લોકો કેટલાંયે ગીતો રેકૉર્ડ કરવાં સાથે જ મલાડ જતા. જ્યાં બૉમ્બે ટૉકિઝનો સ્ટુડિયો હતો. એકવાર બૉમ્બે ટૉકિઝમાં રેકૉર્ડિંગ પતાવીને અમે એચ.એમ.વી. માટે ગીતનું બીજીવાર રેકૉર્ડિંગ કરતા હતા. એ જમાનામાં ડ્યુએટ માટે પણ એક જ માઈક રહેતું. કિશોરદા ઊંચા હતા અને હું થોડીક નીચી. તેથી મને એક સ્ટૂલ પર ઊભી રાખેલી જેથી અમે બન્ને માઈક સામે સરખી રીતે ઊભા રહી શકીએ.

    સૌ જાણે છે કે તેઓ કેવા અનોખા ગાયક હતા. દરેક ગીત તેઓ છેડછાડ કરીને અને ઉછળી ઉછળીને ગાતા. એમાંયે જો ગીત સાચે જ છેડછાડભર્યું રહેતું તો વાત જ ન પૂછો. સંજોગવશાત્ એ દિવસનું ગીત છેડછાડવાળું જ રેકૉર્ડ થઈ રહ્યું હતુંં. સંગીતકાર અને ફિલ્મનું નામ તો મને આજે યાદ નથી. બસ એટલું જ યાદ છે કે મુખ્ય સહાયક મ્યુઝિક અરેન્જર હતા ભોલા શ્રેષ્ઠાજી. ફાયનલ ટેકિંગ વખતે તેઓ પોતાના ઢંગથી આંખ મીંચીને છલાંગ મારતા ઉછળી ઉછળીને ગીત ગાઈ રહ્યા હતા. બન્યું એવું કે ઉછળ્યા પછી તેઓ જમીન પર પડવાને બદલે સીધા મારા પર પડ્યા અને હું ગબડી પડી તબલા પર તબલાવાળો કોઈ બીજા વાદક પર પડ્યો અને પછી તો આખું ઓર્કેસ્ટ્રા જ અસ્તવ્યસ્ત થઈ ગયું. જો કે તેઓ વારંવાર સૌને સૉરી કહી રહ્યા હતા પરંતુ સાથોસાથ ટકોર પણ કરતા હતા.માઈક જ્યાદા લગાની ચાહિયે, માઈક જ્યાદા લગાની ચાહિયે.

    મારું નાક ઘવાયું અને તબલું તૂટી જવાથી તબલાવાળો પણ થોડો ઘાયલ થઈ ગયેલો. છતાં અમે બધાં જ એમની આ હરકતો જોઈને પેટ પકડીને એવી રીતે હસી પડ્યા જાણે કોઈને કાંઈ લાગ્યું જ નથી.

    મૈં સબ સંભાલ લૂંગા

    એકવારબાપ રે બાપમાટે મસ્તીભર્યું ગીત હું કિશોરકુમાર સાથે રેકૉર્ડ કરી રહી હતી.પિયા પિયા મેરા જીયા પુકારે, હમ ભી ચલેંગે સૈંયા સંગ તુમ્હારે.ફિલ્મ કારદાર પ્રોડક્શનની હતી અને આ ગીત લખેલું જાં નિસાર અખ્તર સાહેબે. સંગીતકાર ઓ. પી. નય્યરે અમારું રિહર્સલ પૂરું કરાવ્યું ત્યારે અમે બન્ને ફાઈનલ ટેકિંગ માટે તૈયાર થઈ ગયા. ખૂબ જ ધ્યાનપૂર્વક ગાયા પછી પણ બન્યું એવું કે હું એક જગ્યાએ રાગ આલાપવા લાગી. હકીકતમાં મારે ચૂપ રહેવાનું હતુંં. ગીતના અંતરામાં જ્યારે કિશોરકુમાર ગાય છે-

    યે રૂત મન ભાતી

    યે દિન મદમાતે

    વો દેખો ગોરી હમ તુમ

    ચલે હૈ હંસતે ગાતે

    (અહીં આશા ભોસલે એક રાગ ગાય છે. પરંતુ વાસ્તવમાં એમણે કિશોરકુમાર આ પંક્તિઓ ફરી દોહરાવે પછી જ આલાપવાનો હતો)

    હું તરત જ અપરાધી ભાવે નૈયર સાહેબને કહેવા જતી હતી કે ફરી શરૂ કરો ત્યારે તરત જ કિશોરદાએ મારા મોંઢા પર હાથ રાખીને ઈશારો કર્યો કે આનેઆમ જ છોડીને આગળ વધો.મેં એવું જ કર્યું અને થોડી જ વારમાં ગીત રેકૉર્ડ થઈ ગયું. મેં એમને કહ્યું:દાદા જોયું મેં કેવી મોટી ભૂલ કરી. ફરી રેકૉર્ડિંગ કરી નાંખીએ.પરંતુ એમણે મને અને નૈયર સાહેબ બન્નેને સમજાવ્યું કે અમારે હેરાન ન થવું.

    પછી બોલ્યા:જુઓ ફિલ્મનો હીરો તો હું જ છું ને. મારા ગાયા પછી હીરોઈન જ્યારે ખોટી જગ્યાએ રાગ આલાપશે ત્યારે હું એના મોઢાં પર મારો હાથ મૂકીશ જેથી એવું આગશે કે રેકૉર્ડિંગમાં આટલી ઝીણવટનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

    અમે ચૂપ થઈ ગયા. કિશોરદાએ સાચે જ એ વાત કરી દેખાડી પડદા પર સાચે જ હીરો કિશોરકુમાર હીરોઈન ચાંદ ઉસ્માનીના મોંઢા પર હાથ મૂકી દે છે.

    બચ્ચન માટે ગાવાનું છોડી દીધું...

    કિશોર કુમાર લીડ સિંગર બનતા પહેલાબૉમ્બે ટૉકીઝમાં એક કોરસ સિંગર હતા. કિશોર કુમારનીયૂડલિંગઘણી ફેમસ હતી. તેમણે પોતાના ભાઈ અનૂપ કુમારના ઓસ્ટ્રિયન રિકાર્ડ્સથી તેની પ્રેરણા લીધી હતી. કિશોર કુમારે 70-80ના દાયકામાં અમિતાભ બચ્ચન માટે ઘણા ગીતો ગાયા. પરંતુ 80ના દાયકાના મધ્યમાં કિશોર કુમારા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી એક ફિલ્મમાં કામ કરવાનો અમિતાભે ઈન્કાર કરતા તેમણે અમિતાભ માટે ગાવાનું જ છોડી દીધું.

    જ્યારે હ્રીષિકેશ મુખર્જીને કિશોર દાના વોચમેને અપમાનિત કરી કાઢી મૂક્યા

    એક પ્રોજેક્ટ માટે જાણીતા ડિરેક્ટર કિશોર કુમારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ વોચમેને તેમને ઘરમાં એન્ટ્રી આપી નહીં તથા અપમાનિત કરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા. જોકે, આ ઘટના એક કનફ્યૂઝનને કારણે બની હતી. કિશોર કુમારે એક બંગાળી ઓર્ગેનાઈઝરનો શો કર્યો હતો જેણે તેમને પૈસા ચૂકવ્યા નહોતા. રોષે ભરાયેલા કિશોર દાએ પોતાના વોચમેનને સૂચના આપી હતી કે, ‘કોઈ બંગાળી બાબૂ ઘરે આવે તો તેને ભગાવી દેજે.હ્રીષિકેશ મુખર્જી પણ બંગાળી હતા અને વોચમેન તેમને બંગાળી ઓર્ગેનાઈઝર સમજી બેઠો હતો.

    ઘરની બહાર લગાવી રાખ્યું હતુંંકિશોર કુમારથી સાવધાનનું બોર્ડ

    લોકો ઘણીવાર ઘરની બહારકુતરાથી સાવધાનનું બોર્ડ લગાવતા હોય છે પરંતુ કિશોર કુમારે પોતાના ઘરની બહારકિશોર કુમારથી સાવધાનનું બોર્ડ લગાવી રાખ્યું હતુંં. એકવાર પ્રોડ્યૂસર-ડિરેક્ટર એચએસ રવૈલ કિશોર દાને પૈસા આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. પૈસા આપ્યા બાદ જ્યારે તેઓ કિશોર દા સાથે હાથ મળાવી રહ્યાં હતા ત્યારે કિશોર કુમાર રવૈલનો હાથ મોઢામાં નાખી બચકા ભરવા લાગ્યા હતા. આ જોઈ રવૈલ ચોંકી ગયા તો કિશોર કુમારે કહ્યું હતુંં કે,‘શું તમે બહાર સાઈનબોર્ડ વાંચ્યું નથી?’

    સીન પૂર્ણ થયા બાદ કલાકો સુધી કારમાં બેઠા રહ્યાં

    કિશોર કુમારની વિચિત્ર હરકતોને કારણે પરેશાન એક ડિરેક્ટરે કોર્ટની મદદ માગી હતી. તેણે કોર્ટ પાસે એક કરાર તૈયાર કરાવ્યો હતો જેથી શૂટિંગ દરમિયાન કિશોર દા તેમની વાત ન માને તો ડિરેક્ટર તેમની પર કેસ કરી શકે. તે પછી કિશોર કુમાર જ્યારે શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા ત્યારે ડિરેક્ટરે જેવું કહ્યું તેવું તેઓ કરતા રહ્યાં હતા. એક શૉટ દરમિયાન તેઓ કલાકો સુધી માત્ર એટલા માટે કારમાંથી ન ઉતર્યા કારણ કે ડિરેક્ટરે તેમને આમ કરવા કહ્યું નહોતું.

    આ જ ફિલ્મના એક સીનમાં ડિરેક્ટરે તેમને સમજાવ્યું હતુંં કે, ‘તમારે કારથી થોડા અંતરે પહોંચ્યા બાદ ઉતરી જવાનું છે અને સીન કટ થઈ જશે.જોકે કિશોર દા ઉતર્યા નહીં. બીજી તરફ ડિરેક્ટર રાહ જોતા રહી ગયા. બીજા દિવસે ખબર પડી કે કિશોર દા કારથી ખંડાલા જતા રહ્યાં હતા.

    ઘરમાં લગાવી રાખી હતી ખોપરી અને હાડકાં

    કિશોર દાને લાઈમલાઈટમાં રહેવું અને મીડિયા એટેન્શન મેળવવું જરાય ગમતું નહોતું. તેઓ ઘરમાં એકલા રહેવાનું પસંદ કરતા અને ઈન્ટરવ્યૂ આપવાની બાબતથી નફરત કરતાં. લોકો તેમને મળવા ઓછું આવે તે માટે લિવિંગ રૂમમાં ખોપરી અને હાડકાં લગાવી રાખ્યા હતા. આ સાથે જ રૂમમાં રેડ લાઈટ લગાવી રાખી હતી જેનાથી લોકો ડરના માર્યા ઘરે જ ન આવે.

    રશોકી રમાકુ

    અટપટી વાતો ને પોતાના ચટપટા અંદાજમાં કહેવી કિશોર કુમારનો સ્વભાવ હતો. ખાસ કરીને ગીતોની પંક્તિને જમણેથી ડાબી બાજુ ગાવામાં તેમની નિપુણતા મેળવી હતી. નામ પૂછવા પર તેઓ કહેતા હતા કે - રશોકિ રમાકુ.

    મનોરંજન-કર

    બાર વર્ષની વય સુધી કિશોરે ગીત-સંગીતમાં નિપુણતા મેળવી લીધી. તેઓ રેડિયો પર ગીતો સાંભળીને તેની ધુન પર થિરકતા રહેતા હતા. ફિલ્મી ગીતોના પુસ્તકો જમા કરીને તેને મોઢે કરી ગાતા હતા. ઘર આવનારા મહેમાનોને અભિનય સાથે ગીતો સંભળાવતા હતા, અને 'મનોરંજન કર' ના રૂપે ઈનામ પણ માંગી લેતા હતા.

    મહેમૂદ સાથે લીધો બદલો

    ફિલ્મ 'પ્યાર કિયે જા' માં કોમેડિયન મહેમૂદે કિશોર કુમાર, શશિ કપૂર અને ઓમપ્રકાશ પાસેથી વધુ પૈસા વસૂલ્યા હતા. કિશોરને આ વાત ખૂંચી ગઈ. તેનો બદલો તેમણે મહેમૂદની ફિલ્મ 'પડોશન'માં લીધો - ડબલ પૈસા લઈને.

    ખંડવાવાળાની રામ-રામ

    કિશોર કુમારે જ્યારે જ્યારે સ્ટેજ શો કર્યો, હંમેશા હાથ જોડીને સૌને પહેલા સંબોધિત કરતા હતા - મેરે દાદા-દાદીઓ. મેરે નાના-નાનીઓ. મેરે ભાઈ-બહેનો, તુમ સબકો ખંડવાવાલે કિશોર કુમાર કા રામ રામ. નમસ્કાર.

    એક ડઝન બાળકો

    કિશોર કુમારને પોતાની બીજી પત્ની મધુબાલા સાથે લગ્ન કરી મજાકમાં કહ્યુ હતું - 'હું એક ડઝન બાળકોને જન્મ આપી ખંડવાના રસ્તાઓ પર તેમની સાથે ફરવા માંગુ છું'.

    ગીતોના જાદુગર

    કિશોર કુમારનુ બાળપણ તો ખંડવામાં વીત્યુ, પરંતુ જ્યારે તેઓ કિશોર વયના થયા, તો ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાં ભણવા આવ્યા. દરેક સોમવારે સવારે ખંડવાથી મીટરગેજની છુક-છુક રેલગાડીમાં ઈન્દોર આવતા અને શનિવારે સાંજે પાછા ફરતા. યાત્રા દરમિયાન તેઓ દરેક સ્ટેશન પર ડબ્બો બદલી લેતા અને યાત્રીઓને નવા-નવા ગીતો સંભળાવી તેમનુ મનોરંજન કરતા હતા.

    સૌથી મોંઘા બોલિવૂડ સિંગરમાંથી એક હતા કિશોર કુમાર, પહેલાથી જ મળી ગયા હતા મૃત્યુ અંગેના સંકેત

    એવું કહેવામાં આવે છે કે, કિશોર કુમારને પહેલાથી સંકેત મળી ગયો હતો કે તેઓ ટૂંકસમયમાં મૃત્યુ પામવાના છે. કિશોર કુમારના દીકરાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુંં કે, ‘તે દિવસે તેમણે સુમિત (સાવકા ભાઈ)ને સ્વિમિંગ માટે જતા અટકાવ્યા અને આ વાત અંગે ચિંતિત હતા કે કેનેડાથી મારી ફ્લાઈટ યોગ્ય સમયે લેન્ડ થશે કે નહીં. તેમને હાર્ટ અટેક સંબંધિત લક્ષણો તો પહેલા જ દેખાય રહ્યાં હતા પરંતુ એક દિવસ તેમણે મજાક કર્યો કે- જો આપણે ડૉક્ટરને બોલાવીશું તો મને સાચેજ અટકે આવી જશે. બીજી જ ક્ષણે તેમને વાસ્તવમાં અટેક આવ્યો હતો.

    નિધન બાદ કિશોર કુમારના અંતિમ સંસ્કાર ખંડવામાં જ કરવામાં આવ્યા હતા.

    ***