TIME GAME. in Gujarati Moral Stories by NILESH MURANI books and stories PDF | ટાઈમ ગેમ

Featured Books
Categories
Share

ટાઈમ ગેમ

“ટાઈમ ગેમ”

વિજ ઉત્પાદિત વાતાનુકૂલિત વાતાવરણ સાથે ઓક્સિજનનું ઉત્પાદન કરતું યંત્ર મારા મકાનની છત ઉપર લાગેલું. ડાયનીંગ ટેબલ ઉપર બેસી હું એ યંત્રને તાકીતાકીને જોઈ રહ્યો, અને વિચારોમાં પડી ગયો કે હું ક્યાં આવી ગયો? અચાનક મને કોઈ વિચાર આવ્યો. હું અલમારી તરફ ગયો. અલમારીના દરવાજા ઉપર લાગેલું બાયોલોજીકલ લોક મારા ડાબા હાથના અંગુઠાથી ખોલ્યું. મેં સાચવીને રાખેલી એ લાકડાની પેટીને ફરી નીરખીને જોયું. અંદરથી એક નિસાસો નીકળી ગયો, એ પેટી ખોલી એ યંત્રને હું જોતો રહ્યો. કંઇક ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. મારા પામસેલની ઘંટડી વાગી. હથેળીમાં લાગેલા પામસેલ ને મેં “હેલ્લો વિડીયો” ના ઉચ્ચારણ સાથે સંચાલિત કર્યું. મારી છોકરી સંગીતાની આકૃતિ સામે આવતા સંગીતાએ વાત કરવાનું શરુ કર્યું.

“પપ્પા આજે રાત્રે હું અહીં ઓફિસમાં રોકાઈ જઈશ. ઘણું બધું કામ છે, મારા માટે જમવાનું ઓર્ડર નહી કરતા.” બીપ બીપના અવાજ સાથે મારી છોકરી સંગીતા સામેથી ગાયબ થઇ ગઈ.

મારા પરિવારમાં અમે ચાર જણા, હું મારી પત્ની અને મારા બે બાળકો. વિજય બત્રીસ વર્ષનો અને સંગીતા ઓગણત્રીસ વર્ષની, મારી ઉમર બોંતેર વર્ષ અને મારી પત્નીની ઉમર સીતેર વર્ષ. જોકે મારા માટે આ ઉમરના આંકડા અને આ અસ્તવ્યસ્ત થયેલું જન જીવન આભાષી અને એક સજા માત્ર હતું. એ સજા મારે એક મહિના માટે ભોગવવી રહી, કારણ? કારણ એટલુજ, કે મારો નવાનવા પ્રયોગો કરવાનો અભિગમ. આજે સવારે આઠ વાગ્યે હું અહીં પ્રગટ થયો, અને એ સવારે આઠ વાગ્યાથી કરીને સાંજના આઠ વાગ્યા સુધીના બાર કલાક મેં એક જેલના કેદીથી પણ ખરાબ હાલતમાં વિતાવ્યા છે. હજુ મારે કેટલા કલાક આ જેલમાં વિતાવવાના છે? ઓહ! એ તો મારે હિસાબ લગાવવાનો બાકી રહી ગયો? ખેર મારો ટૂંકો પરિચય મેં તમને આપી દીધો, અને હું અહી આ જેલમાં કેવી રીતે આવ્યો એ તમને જણાવું, પણ તેનાથી પહેલા હું હિસાબ લગાવી લઉં અને મારી અહીંની જીવન શૈલી વિષેની ઉપરછલ્લી જાણકારી આપી દઉં.

નિયમ પ્રમાણે મારે ૨૦૬૮ ની સાલમાં ત્રીસ દિવસ વિતાવવાના છે. જોકે આ ત્રીસ દિવસ ટાઈમ મશીન પ્રમાણે પાંચ મીનીટમાં વીતી જશે, પણ હવે મને એમ લાગે છે કે આ યાતનાઓ મારે સહન કરવી રહી. ત્રીસ દિવસ એટલે? ઓહ! સાતસોને વીસ કલાક? ઓહ માય ગોડ! આ મારી નવુંનવું જાણવાની જીજ્ઞાસા, અને કાંઇક નવુંનવું કરવાનો અભિગમ મને આ કાલકોઠરીથી પણ બદ્તર જિંદગી જીવવા માટે મજબુર કરી રહ્યો છે. આ સાતસો જેવા કલાકનો સમય કેમ પસાર થશે? તો પણ મને એક વિચાર આવ્યો. આવેજ ને! મારો અભિગમ એવોજ છે. હંમેશા મને ક્રાંતિકારી વિચાર તો જલ્દી આવી જાય. અરે, આજે મને મારી જાત ઉપર હસવું આવી રહ્યું છે. આ તે કેવી જિંદગી? જોકે હાલ હું નિવૃત જિંદગી જીવી રહ્યો છું. પણ આજે ખ્યાલ આવ્યો કે નિવૃત થવું એટલે આડકતરી રીતે માણસનું મોત થવું. હું એ જીવનમાં કેટલો એક્ટીવ હતો? વિજ્ઞાનના નવા નવા પ્રયોગો કરતો, એન્ટીક વસ્તુઓ ભેગી કરતો. અરે, આ અભિગમના કારણે મને કેટલું માન-સન્માન મળતું? કેટલા તો મને સર્ટીફીકેટસ મળ્યા! અઢાર વર્ષની ઉમરે મેં આ કાર્ય શરુ કરેલું, એન્ટીક વસ્તુઓ ભેગી કરવાની અને એની સાથે નવા નવા પ્રયોગો કરવાના ત્રણ વર્ષમાં હું કેટલો પ્રખ્યાત થઈ ગયો હતો. બાવીસ વર્ષની ઉમરે મારા હાથમાં ટાઈમ મશીન જેવું યંત્ર હાથમાં ક્યાં આવ્યું અને હું એક બટન દબાવતાની સાથે પચાસ વર્ષ આગળ આવી ગયો. કેવા મોટામોટા માણસો મને મળવા આવતા? એ બધુજ પાછળ રહી ગયું. હવે આ સાતસોને વીસ કલાકમાંથી મેં ફક્ત બાર કલાક વિતાવ્યા છે. હજુ બાકીના કલાક કેમ વીતશે? હું વચ્ચેથી પાછો ભૂતકાળમાં જઈ શકીશ? અરે હા! મને કાંઇક ક્રાંતિકારી વિચાર આવેલ, એ વિચારને અંજામ આપવા હું ફરી એજ અલમારી તરફ ગયો, જે અલમારી હું ખુલ્લી મુકીને આવ્યો હતો એ સ્વયંમ સંચાલિત અવસ્થામાં ફરીથી લોક થઇ ગઈ હતી. મેં ફરી તેમાં ડાબા હાથનો અંગુઠો લગાવી લોક ખોલ્યું, અને લાકડાની પેટીમાં પેક કરેલા એ યંત્રને ખોલ્યું, અને તપાસ્યું, તેમાં ડીજીટલ આંકડા બતાવી રહ્યા હતા. જેમાં સાતસો છ કલાક તેમજ અડતાલીસ મિનીટ અને ત્રીસ સેકન્ડનો આંકડો જોવાયો, અને એ આંકડો ઉંધી દિશામાં ઓછો થઇ રહ્યો હતો.

મને એ યંત્રના નિયમોની આછી પાતળી જાણકારી હતી. હવે એ યંત્રમાં હું કોઈ પણ જાતનો ફેરફાર કરીશ તો ફરી એ આંકડો રીસેટ થઈને પાછો સાતસો વીસ કલાકનો થઈ જશે. મેં એ યંત્રને હાથમાં ઉઠાવ્યું, ત્રણ બટન હતા, જેમાં ડાબેથી પહેલા બટન ઉપર અંગ્રેજીનો “આર”, અને ત્રીજા બટન ઉપર અંગ્રેજીનો “એફ” લખેલો હતો, પણ વચ્ચેના બટનની મને કોઈ જાણકારી ન હતી, માટે મને આર નું બટન દબાવવા મારો હાથ આગળ વધાર્યો. હજુ તેર કલાક ઉપર થોડીક મિનીટ થઇ હતી, માટે સાહસ કરવામાં કોઈ વાંધો ન હતો, પણ ફરી મારું દિમાગ ફરવા લાગ્યું. જો હું એ બટન દબાવી દઈશ, અને કાંઇક ઊંધું વળી જશે તો? આ તેર કલાક મેં મહા મુસીબતે વિતાવ્યા છે, અને હવે તો મારું શરીર પણ વૃદ્ધ થઇ ગયું છે. એ બટન દબાવ્યા પછીની સજા આનાથી પણ આકરી હશે તો? એવું વિચારી ને મેં મન વાળી લીધું. ફરી એ યંત્રને પેટીમાં મૂકી અને અલમારીમાં સુરક્ષિત રાખી દીધું. અને હવે મેં નક્કી કર્યું કે આ બાકી રહેલા સાતસો જેવા કલાકની સજા હું ભોગવી લઈશ. પણ આ મારું જીવન કેવી રીતે વીતશે? સવાર પડે એટલે ઓક્સીજનના બાટલા અને ઓક્સીજન માસ્ક પાછળ લટકાવીને ફરવાનું, મો ખુલ્લું નહી રાખવાનું! જો મો ખુલ્લું રાખીએ તો ચામડીના નવાનવા પ્રકારના રોગ થતા હતા. બહાર નીકળતા કેટલો બધો ધુમાડો? ઓહ માય ગોડ ? એમેજોન ફ્લીપકાર્ટ અને પેટીએમ જેવી કંપનીઓ હવે ઓક્સીજનના બાટલા ઓનલાઈન સપ્લાય કરવા લાગી હતી. જીવન મકાનની છત ઉપર લાગેલા ઓક્સિજનના એક યંત્ર ઉપર ટકેલું હતું. જોકે સ્ટેન્ડબાયમાં બીજુ મશીન રાખેલું હતું, એકમાં કોઈ ખામી થાય તો બીજું સ્વયંમ સંચાલિત ચાલુ થઇ જાય.

આજે મેં આ જેલથી પણ બદ્તર જીવનના પાંચ દિવસ વિતાવી દીધા હતા. આ પાંચ દિવસમાં મેં આ નર્ક જેવી દુનિયાની બધીજ જાણકારી મેળવી લીધી. મારા છોકરાની કાર લઈને હું ફરવા નીકળી જતો, અને જાણકારી મેળવી આવતો. મારી પત્ની વહેલી સવારે સાથે એક ઓક્સિજનનો બાટલો લઈને ઘરેથી નીકળી જાય અને અમારા ઘરની બાજુમાં એક વિશાળ હોલ હતો. ત્યાં બધાજ નિવૃત તેમજ વૃદ્ધ માણસો ભેગા થતા, અને રોજ સ્નેહમિલન જેવા કાર્યક્રમો કરતા. એ વિશાળ હોલમાં માનવ બનાવટી ઝાડ, ફળ અને ફૂલ હતા. પ્રાકૃતિક ફળ ફૂલ તો સપનામાં જોવા મળતા, વાતાવરણમાં કેમિકલનો દુષિત ધુમાડો, અને ખુબ ગરમી હતી. જેના કારણે અમુક ખાસ જગ્યાએ ફળ ફૂલ અને શાક બકાલાની ખેતી થતી, પણ એ શંકરણ કરેલા બીજમાંથી ઉગાડવામાં આવતા, એ બધીજ વસ્તુઓ લકઝરીયસ બની ચુકી હતી. મોટામોટા ઉદ્યોગપતિઓ આ પ્રકારના મોજ શોખ માણી શકતા. મેં નોંધ્યું, અહીં કોઈને માથામાં વાળ ન હતા, બધાજ ટકલા! એવું કેમ? એ પણ મને વિચાર આવ્યો. પછી મને જાણવા મળ્યું કે મહાનગરપાલિકા દ્વારા રોજ માણસ દીઠ ફક્ત પાંચ લીટર પાણી આપવામાં આવતું. બે લીટર પીવા માટે અને ત્રણ લીટર નાહાવા ધોવા માટે. જોકે ધોવા માટે ટીસ્યુ પેપરનો વિકલ્પ ઉતમ હતો. માથામાં વાળ હોય તો માથું ધોવાની ઉપાધિને? તો પણ અમુક બિલ્ડરો, ઉદ્યોગપતિઓ માથામાં વાળ રાખવાનો શોખ રાખતા. મધ્યમવર્ગ કે ઉચ્ચમધ્યમ વર્ગના માણસોએ તો બીજે ત્રીજે દિવસે શરીર ઉપરના બધાજ વાળ ઉતારી નાખવા પડતા. જો એવું કરવામાં ન આવે તો ચામડીના ભયંકર રોગ થવાની પૂરી શક્યતા હતી. મારા ઘરથી પાંચ કીલોમીટરના અંતરે દરિયા કિનારો હતો. એ દરિયાના કિનારા ઉપર એક વિશાળ ફેક્ટરી હતી. એ દરિયાનું પાણી બાસ્પીભવન કરી અને તેમાંથી પીવાલાયક પાણી બનાવતી, તેમજ પાણીમાં રહેલું ઓક્સિજન છુટું પાડી બાટલામાં ભરી અને ઘરેઘરે સપ્લાય કરવાનું કામ કરતી. મારા ઘરે જે ઓક્સીજનના બાટલા અને પાણી આવતું એ એ ફેકટરીમાંથી જ પૂરું પાડવામાં આવતું. એ ફેકટરીના સરકાર સાથે કરાર હતા. એક આધાર કાર્ડ ઉપર રોજનું પાંચ લીટર પાણી મળતું. પણ ઓક્સીજન તો ખરીદવુંજ પડતું. જયારે ઓફીસના કામથી કે અન્ય કામથી બહાર નીકળવાનું હોય ત્યારે બાટલો પીઠ ઉપર લટકાવી અને તેમાં રહેલું માસ્ક મોં ઉપર લગાવીને બહાર નીકળી શકાય. તેમજ ચામડીના રોગોથી બચવા ખાસ પ્રકારનો પોષાક પણ પહેરવો પડતો.

ખાવા માટે ફળ કે શાકભાજીનો તો આગ્રહ રાખીજ ન શકાય. દરિયાઈ માછલી કે પછી જમીનમાંથી નીકળતું સિન્થેટીક પદાર્થ ઓનલાઈન ઓર્ડર કરી અને ખાઈ શકાતું. માનવ બનાવટી ચોખા કે માનવ બનાવટી સિન્થેટીક પનીર, નુડલ, પીઝા, રોટલા, રોટલી મળી રહેતું, પણ એ બધું સિન્થેટીક મટીરીયલમાંથી બનાવવામાં આવતું. ભૂખ કે તરસ ન લાગે તેના માટે અવનવી દવાઓ પણ ઓર્ડર કરી શકાતી, નાહવાની જરૂર ન પડે, શરીરમાં સતત તાજગીનો અનુભવ થાય એવી ગોળીઓ પણ મળતી. વૃક્ષ, જંગલ, વરસાદ આ બધું તો સપનામાં જોવા મળતું. મારા પરિવારમાં બધાજ પોતપોતાની લાઈફમાં વ્યસ્ત હતા. મારી પત્નીનો સમય એટલા માટે પસાર થઇ જતો કે એ રોજ સવારે “સીનીયર સિટીજન ગેટ ટુ ગેધર” જેવા પ્રોગ્રામમાં ચાલી જતી. રાત્રે મોડે મોડે આવતી. મારો છોકરો વિજય અને સંગીતા બંને ચીનની એક કંપનીમાં નોકરી કરતાં, બંને સવારે વહેલા નીકળી જતા અને રાત્રે મોડે મોડે આવતા, બસ સાવ નવરો ધૂપ હું એકજ હતો એટલે મારા માટે સમય નર્ક સમાન બની ચુક્યો હતો. મારા માટે તો ઘરમાં રહેલ મ્યુજિક સીસ્ટમ અને થ્રીડી ગેમ ઝોન સમય પાસ કરવાનું એકમાત્ર સાધન હતું.

મને આઇન્સ્ટાઇનની સમયની સાપેક્ષવાદ થીયરી યાદ આવી ગઈ, કે સમય સાપેક્ષ હોય છે તેને પકડી શકાય છે, રબ્બર જેવો હોય છે, તેને રબ્બરની જેમ ખેંચીને મોટો પણ કરી શકાય અને પાછો નાનો પણ કરી શકાય. જોકે આ થીયરી મારા માટે તો વાહિયાત સાબિત થઇ. મારે હવે પછીનો સમય વિતાવવા કૈંક પ્રવૃત્તિ કરવી પડશે, નહીતો હું પાગલ થઇ જઈશ. મંદિર મસ્જીદ કે એવું કોઈ ધાર્મિક સ્થળ પણ આજુબાજુ ન હતું. માણસો પાસે એટલો સમય પણ ન હતો કે ધર્મ પાછળ માણસ સમય પસાર કરે. અને લગ્ન! લગ્નમાં તો કોઈ સમજતું પણ નહી. એ વળી શું? કોઈ જુના રીવાજ કે પરંપરા તરીકે પાઠ્ય પુસ્તકમાં લગ્ન નામનો શબ્દ વાંચવા મળતો. આ સમયમાં અહીં લીવ ઇન રીલેસનનું પ્રમાણ વધારે હતું. લીવ ઇન રીલેસન માટે પણ પડાપડી થતી. સોસીયલ મીડિયા ઉપર એક છોકરી જાહેરાત કરે કે, મારે લીવ ઇન રીલેસન માટે પાર્ટનર જોઈએ છે. બસ! પતી ગયું, કલાકોની ગણતરીમાં પાંચસોથી સાતસો છોકરાઓની રીક્વેસ્ટ આવી જાય. બસ એ એકજ કારણસર મારી પત્ની શિલ્પાને મારી છોકરી સંગીતાની ચિંતા ન હતી, પણ મારા છોકરા માટે વ્યવસ્થિત પાત્ર શોધવું પડશે એવી વાતો મારી પત્ની શિલ્પા અવારનવાર કરતી. પણ મને એ બાબતે કોઈ ફિકર ન હતી, કેમ કે હું તો મારો સમય પૂરો થશે એટલે એક બટન દબાવી અને મારી સ્વર્ગ સમાન જીંદગીમાં પાછો જતો રહીશ. પણ એ વાત મારે શીલ્પાને કેમ કહેવી? મારા બંને બાળકો શારીરિક રીતે પરિપક્વ થઇ ગયા હતા એ વાત હું સારી રીતે જાણતો હતો. એના માટે ઓન લાઈન મળતા સેક્સ ટોયસ પણ મેં જાતે ઓર્ડર કર્યા હતા.

****

આજે મને અહીં આ નર્કમાં ઓગણત્રીસ દિવસ પુરા થયા. મહામુસીબતે ઈલેક્ટ્રોનિક અને થ્રીડી યંત્રો સાથે વિતાવેલો સમય ખુબ કપરો પસાર થયો. પરિવાર સાથે ખુબ ઓછો સમય વિતાવ્યો હતો. એ ઓગણત્રીસ દિવસમાં પણ પરિવાર પ્રત્યે થોડીઘણી આત્મીયતા બંધાઈ ગઈ હતી. મારે પરત જવાનો સમય થઇ ગયો હતો એટલે મેં બાકી રહેલા ચોવીસ કલાક પરિવાર સાથે વિતાવવા નિર્ણય કર્યો. વિજય અને સંગીતાને આજે ઓફિસમાં રજા રાખવા કહ્યું, અને મારી પત્નીને પણ બહાર ન જવા દીધી. આજે મને વિચાર આવ્યો કે એમને ચોખવટ કરીને બધુજ સાચે સાચું જણાવી દઉં. મારા પરિવારના સભ્યો મારી સામે હોલમાં આવીને બેસી ગયા. સંગીતાએ મને પૂછ્યું.

“કેમ પપ્પા આજે તમે અમને ઓફિસે ન જવા દીધા?”

“બેટા વાત એવી છે એટલે, આજે આપણે છુટા પડવાના છીએ.”

“પપ્પા એવું કેમ કહો છો.” વિજયે પૂછ્યું.

“બેટા આવતીકાલે વહેલી સવારે હું અહીંથી ચાલ્યો જઈશ. અને આપણે ફરી મળીશું પચાસ વર્ષ પછી.”

“એવું કેમ બોલો છો?” મારી પત્નીએ પૂછ્યું..

“જુઓ આપણે અત્યારે એક આભાષી દુનિયામાં છીએ. આવતીકાલે સવારે હું એક બટન દબાવીસ અને હું બાવીસ વર્ષનો થઈ જઈશ. અને બેટા તમારે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તો હજુ પેદા પણ નથી થયા. અને શિલ્પા આપણે કોલોનીમાં મળીશું, કદાજ જિંદગીની આ ક્ષણો આપણે યાદ રહી ગઈ તો, પણ મને લાગે છે કે અહીંથી નીકળ્યા પછી કદાચ મારી મેમરી ફ્લેશ પણ થઇ જાય.

હું ચેર ઉપર થી ઉભો થયો અને અલમારી તરફ ગયો, એ પેટીમાં સુરક્ષિત રાખેલું યંત્ર મેં બધાને બતાવતા કહ્યું...

આ જુઓ હવે આમાં બાવીસ કલાક બતાવે છે. બાવીસ કલાક પછી હું આ “આર” ના બટનને એક એક સેકન્ડ ના અંતરે પાંચ વખત દબાવીસ એટલે હું પાછો જ્યાં હતો ત્યાં પહોંચી જઈશ, અને ભૂલથી પણ જો આ બટન સાત વખત દબાઈ ગયું તો હું બાર વર્ષનો થઇ જઈશ.”

“અને પપ્પા જો તમે આઠ વખત કે નવ દબાવશો તો શું થશે?” સંગીતાએ ઉત્સુકતાવસ પૂછ્યું..

અને મને વિચાર આવ્યો કે મારી છોકરી પણ મારા જેવી જીજ્ઞાસા વૃતિવાળી જ છે. મને પેલી કહેવત યાત આવી ગઈ કે “મોરના ઈંડા ચીતરવા ન પડે.” મને મારી છોકરીના સવાલ ઉપર ગર્વ થયો, અને મેં એને જવાબ આપ્યો.

“જો હું આઠ વખત દબવીસ તો બે વર્ષનું નાનું બાળક બની જઈશ પણ નવ વખત દબાવીશ તો શું થશે એ મને ખબર નથી, કેમકે હું એવું કરીશ તો મારે પેદા થવાને બીજા આઠ વર્ષ બાકી રહેશે, એટલે મારે આ બટન દબાવવામાં ખુબ સાવચેતી રાખવી પડશે. મને ખબર નથી કે આપણી વચ્ચે જે વાતચીત થઇ એ ફરી આપણે યાદ રહેશે, પણ મારી પાછલી જીંદગીમાં જઈને ઘણા બધા કામ કરવાના છે. મેં શિલ્પા તરફ જોઇને કહ્યું..

“શિલ્પા તું તો વીસ વર્ષની જ હોઈશ, કદાચ તને યાદ નહી હોય, આપણે પડોશી હતા.”

શિલ્પા મારી સામે અનિમેશ જોઈ રહી.

મેં વાત આગળ વધારતા કહ્યું..

“જો શિલ્પા મારી મેમરી ફ્લેશ ન થઇ તો હું તને આ બધીજ ઘટનાઓ જણાવીશ અને તારે મને એક અભિયાનમાં સાથ આપવો પડશે.”

“કેવું અભિયાન?” શિલ્પા એ ઉત્સુકતાવસ પૂછ્યું..

“મારી જે ટેવ છે એન્ટીક વસ્તુઓ ભેગી કરવાની, એ છોડી દેવી છે, અને મારે પાણી બચાવો તેમજ વૃક્ષો વાવો નું અભિયાન ચાલુ કરવું છે. બોલ તું સાથ આપીશ ને?”

“અરે ચોક્કસ જીવન મરણના કોલ આપ્યા છે તમને, તો ભૂતકાળમાં તમને એટલો સાથ તો આપીશ જ.”

એટલું કહીને શિલ્પા રડી પડી અને સંગીતા અને વિજય પણ મને ભેટી પડ્યા, અહીં વિતાવેલા અઠ્યાવીસ દિવસમાં આજનો દિવસ મારા માટે ખાસ સાબિત થયો, કેમ કે મારો આખો પરિવાર મારા બંને હાથમાં સમેટાયેલો હતો. પણ આજે મને એક નવો વિચાર પણ આવ્યો કે શું ભૂતકાળને રીપેર કરી શકાય? જરૂર કરી શકાય. હું મારી અંગત વાત કરું તો જે મોજ શોખ મને નથી મળ્યા એજ મોજ શોખ હું મારા બાળકોને કરાવું તો! અને હું મારા બાળકોમાં જ હું મને પોતાને જીવું તો! તો મને મારા ભૂતકાળને રીપેર કર્યાની અનુભૂતિ જરૂર થશે. મેં ઘણાજ વડીલોના મોઢે સાંભળેલી એક સમય વાત.

“અમે ભલે નથી ભણ્યા, પણ અમે અમારા બાળકોને ભણાવીશું.”

ખેર, આ રીતે ભૂતકાળને રીપેર કરવા માટે પણ ભવિષ્યકાળની કલ્પના તો કરવીજ રહી.

બાકી રહેલા કલાકો મેં પરિવાર સાથે વિતાવ્યા, અને ભવિષ્યને ઉજવળ બનાવવા પાછળની જિંદગી કેમ જીવવી એ વિશે ચર્ચા કરી અને સવારે સાત વાગ્યે અને પચાસ મીનીટે મેં અલમારીમાં રાખેલ એ પેટી બહાર કાઢી, અને સમય નોંધ્યો, આઠ મિનીટ બાકી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં મને એક વિચાર આવ્યો કે હજુ એક મહિનો પરિવાર સાથે વિતાવી લઉં? પણ એ વિચાર આવીને ચાલ્યો ગયો, અને મારા પરિવારના ત્રણેય સદસ્યો મારી સામે ઉભા હતા, મારી પત્ની શિલ્પાને માથામાં એક ચુંબન કર્યું, તેમજ વિજય અને સંગીતાને પણ મેં હગ કરી. આજે પહેલી વાર મને એવું લાગી રહ્યું હતું કે મારા હાથમાં રાખેલું એ યંત્ર જેમાં ફક્ત હવે પાંચ મિનીટ બાકી હતી તે જાણે ફૂલ સ્પીડમાં ઊંધું ચાલી રહ્યું હતું. આ સમયની માયાજાળ પણ ગજબની છે.

કદાચ આ અનુભૂતિ આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ થઇ હશે! એટલેજ એને ટાઈમ રીલેટીવ થીયરી આપી હશે. સમય સમયની વાત છે, પ્રેયસીની આગોશમાં સમયની ગતી વધારે હોય છે, પણ એજ પ્રેયસીની રાહ જોતા હોઈએ તો એ સમય જાણે ધીમી ગતિએ ચાલતો હોય એવી અનુભૂતિ થવી એ એક સામાન્ય બાબત છે.

એ પાંચ મિનીટ વીતી ગઈ અને તે યંત્રમાં બધાજ આંકડા સુન્ય થઇ ગયા. બીપ. બીપ. બીપ. જેવો અવાજ આવવા લાગ્યો, અને મેં ખુબ કાળજી પૂર્વક અંગ્રેજીના “આર” ના બટનને પાંચ વખત દબાવ્યો.

મારા દિમાગમાં એક જોરદાર ઝટકો લાગ્યો, અને મારી આંખો બંધ થવા લાગી, જોરદાર વિજળી જેવા પાંચ ફ્લેશ મને બંધ આંખે દેખાયા, અને મેં આંખ ખોલી તો હું મારા ઘરમાં મારા બેડરૂમના સ્ટડી ટેબલ ઉપર એ ભેદી યંત્ર સાથે ચેર ઉપર બેઠો હતો. મેં ઘડિયાળમાં નજર કરી તો ફક્ત પાંચ મિનિટ થઈ હતી. ઓહ માય ગોડ! પાંચ મીનીટમાં એક મહિનાની સફર!

આ અનુભૂતિ એકવાર શ્રી કૃષ્ણે સુદામાને કરાવી હતી. જયારે શ્રી કૃષ્ણ અને સુદામા નદીએ નાહવા માટે ગયા હતા, ત્યારે સુદામાએ શ્રી કૃષ્ણ પાસે જીદ્દ કરી હતી કે “તું બધાને તારી લીલા બતાવે છે, ક્યારેક મને પણ બતાવને.” અને ત્યારે શ્રી કૃષ્ણે સુદામાને ક્સહ્યું હતું કે “ફરી ક્યારેક.” ત્યારે સુદામા નદીમાં નાહવા માટે ડૂબકી લગાવે છે અને પાતાળલોકમાં પહોંચી જાય છે. પાતાળ લોકના માણસો સુદામાનું માનભેર સ્વાગત કરે છે, અને સુદામાને પાતાળલોકનો રાજા બનાવે છે, પાતાળલોકની રૂપસુંદરી સાથે સુદામાના લગ્ન થાય છે. સુદામાની પત્નીને બાળકો થાય છે, પાતાળલોકમાં સુદામા કેટલાય વર્ષો વિતાવે છે. સુદામા જયારે પાતાળ લોકની નદીમાં નાહવા માટે ડૂબકી લગાવે છે. ડૂબકી લગાવીને બહાર આવે છે ત્યારે શ્રી કૃષ્ણ સુદામાની રાહ જોતા હોય છે, અને સુદામાને કહે છે.

“અરે! સખા.. જલ્દી કર મિત્ર,, તારી ભાભીએ જમવાનું બનાવી રાખ્યું છે. એ આપણી રાહ જોતી હશે!”

બસ એવીજ રીતે મને પણ બહારથી અવાજ સંભળાયો.

“નિતીન...અરે ઓ નિતીન.. ચાલ મારી સાથે રમવા. આપણે બહાર બેડ મીંટન રમીએ.”

એ મારી ગર્લ ફ્રેન્ડ શિલ્પા હતી. થેંક ગોડ મને બધુજ યાદ છે.

હું બહાર ખુલ્લી હવામાં નીકળ્યો, આજુબાજુના વૃક્ષ અને હરિયાળી જોવા લાગ્યો. મારા ઘરની સામે બગીચામાં રહેલા ફુવારા સામે હું તાકીતાકીને જોઈ રહ્યો, એ ફુવારાની ઠંડી વાંછટ મારા ચહેરા ઉપર આવી રહી. હું વિચારોમાં ખોવાઈ ગયો, ત્યાં મારી પીઠ ઉપર જોરથી ધબ્બો મારતા શિલ્પા બોલી..

“ઓયે નિત્યા, ચાલને મારી સાથે, આપણે બેડ-મીંટન રમીએ.”

હું અનિમેશ શિલ્પાને જોતો રહ્યો, એજ આંખો, એજ ચહેરો, બસ ઉમરનો ફરક હતો. મારી ગર્લ ફ્રેન્ડ વીસ વર્ષની થઇ ગઈ હતી. એ મારું બાંવડુ પકડીને બહાર લઈ ગઈ અને કહ્યું.

“મારી સામે આવી રીતે કેમ જોઈ રહ્યો છે?”

“શિલ્પા તને કશું યાદ છે?”

“શું યાદ છે? અને તું ક્યારની વાત કરે છે? એમ કહીને શિલ્પાએ મને બેડ-મીંટનનું રેકેટ પકડાવ્યું અને કહેવા લાગી

“ચાલને મારી સાથે રમને પ્લીઝ..”.

સમાપ્ત..

લેખક :-નીલેશ મુરાણી.
ઈમેઈલ:- nileshmurani@gmail.com
મોબાઈલ:- 9904510999