Hashtag LOVE - 6 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ ભાગ -૬

Featured Books
Categories
Share

હેશટેગ લવ ભાગ -૬

"હેશટેગ લવ" ભાગ-૬
ફોનમાં સામા છેડેથી અવાજ આવ્યો :
"હેલ્લો, કેમ છે બેટા તું ? તને બરાબર ફાવી તો ગયું ને ? કોઈ તકલીફ તો નથી ને ?"
પપ્પાના આટલા બધા પ્રશ્નોનો હું એક જ જવાબ આપી શકી "હા"
પપ્પા અને મમ્મી મને ખુબ યાદ કરતાં હોવાનું કહ્યું. મારી આંખોના આંસુ ભરાઈ આવ્યા. પપ્પાનો અવાજ પણ સામા છેડે ધીમો પડતો સંભળાયો પણ એ મારી આગળ રડવા નહોતા માંગતા એ મને સમજાઈ રહ્યું હતું. મારે મારી મૂંઝવણ વિશે પપ્પા સાથે વાત કરવી હતી અને મેં વાત આરંભી..
"પપ્પા, મારી કૉલેજ બપોરે છૂટી જાય છે, અને રૂમ પર આવ્યા બાદ હું એકલી થઈ જાવ છું, મારા રૂમમાં રહેતી છોકરીઓ કૉલેજથી આવી સીધી કોલસેન્ટરમાં જોબ માટે ચાલી જાય છે. એ લોકોએ મને પણ કહ્યું જોબ કરવા માટે પણ મેં એ લોકોને ના કહ્યું."
પપ્પા :"જો બેટા, તને મુંબઈ અમે માત્ર ભણવા માટે જ મોકલી છે, અમે તારી કમાણીની કોઈ આશા રાખતા નથી, અને તારા ખર્ચ તો હું પુરા કરી શકું એમ છું. તારે કોઈ જરૂર હોય તો તું મને જણાવી શકે, પણ જો તું એકવાર નોકરી કરવા લાગી જઈશ તો તારું ભણવામાં પણ મન નહિ લાગે.અને મુંબઈમાં જે લક્ષ સાથે તું ગઈ છું એ બાજુ પર મુકાઈ જશે."
"પપ્પા તમારી વાત સાચી છે. મારે તો માત્ર ભણવું જ છે, પણ આખો દિવસ કેમ કરી પસાર કરવો એ મને નથી સમજાતું. રૂમમાં આખો દિવસ હું એકલી જ હોઉં છું. આ થોડા દિવસ તો મેં જેમતેમ કરી પસાર કર્યા. અને છેવટે આજે મેં તમને ફોન કરવાનું નક્કી કર્યું." મારા મનની મૂંઝવણ હું પપ્પા સામે ઠાલવી રહી હતી.
પપ્પા : "હું સમજુ છું બેટા કે ત્યાં એકલા રહેવું એટલું સહેલું નથી, પણ આ બધું તો બનવાનું જ હતું. અહીંયા જ્યારે તું હતી ત્યારે તો તને તારી મમ્મી અને બહેનપણીઓનો સાથ મળતો. પણ હવે ત્યાં તારે એકલા રહેવાનું છે.માત્ર રહેવાનું જ નથી તારે એકલા લડવાનું પણ છે. તારી જાત સાથે. તારે પોતાની એક આગવી ઓળખ ઊભી કરવાની છે. જો હું તારી નોકરી કરવાના વિરોધમાં નથી. તું ઈચ્છે તો નોકરી કરી શકે, પણ નોકરી અને અભ્યાસ વચ્ચે બેલેન્સ બનાવવું પણ તારા હાથમાં છે. પછી ક્યાંક એવો સમય ના આવી જાય કે ના તું નોકરી પણ સારી રીતે કરી શકે કે ના તારો અભ્યાસ !"
પપ્પાની વાત મને સમજાઈ રહી હતી. અને પપ્પા મારા ઉજ્જવળ ભવિષ્ય માટે સાચું જ કહી રહ્યા હતા. મેં પપ્પાની વાત માની લીધી. અને નક્કી કર્યું કે મારે નોકરી નથી કરવી માત્ર ભણવામાં જ ધ્યાન આપવું છે. પપ્પાને મેં સારી રીતે ભણવામાં જ ધ્યાન આપીશ એમ જણાવ્યું. બીજી થોડી ઘરની વાતો કરી ફોન મુક્યો. STDનું બિલ ચૂકવી હું હોસ્ટેલ તરફ રવાના થઈ.
         હોસ્ટેલમાં આવી મારી રૂમમાં જઈ ડાયરી લખવાની શરૂઆત કરી. પપ્પાએ આપેલી આજની શિખામણ પણ મેં ડાયરીમાં લખી. પપ્પા સાચું જ કહેતા હતાં. હું મુંબઈ ભણવા માટે આવી છું, નહિ કે નોકરી કરવા.માટે મારુ લક્ષ સારા માર્ક્સ સાથે પાસ થઈ આગળ વધવાનું છે. નોકરી કરી હું થોડા પૈસા કમાઈ શકતી, અને સમય પસાર કરી શકતી પણ ભણવામાં હું પછી સમય ના જ આપી શકતી. સાંજે શોભના, સુસ્મિતા અને મેઘના સાથે જમ્યા બાદ મોડા સુધી વાતો કરી. રવિવારે એ લોકો સાથે જૂહુ બીચ ઉપર ફરવા જવા માટે નો પ્રોગ્રામ પણ બનાવી દીધો. 
       રવિવાર પહેલાના ત્રણ દિવસ પણ રોજની જેમ પૂર્ણ કર્યા. હોસ્ટેલથી કૉલેજ અને કૉલેજથી પાછા હોસ્ટેલ.ડાયરી લખવામાં મને હવે મઝા આવવા લાગી હતી. અગાઉના દિવસો વિશે વાંચવાનું પણ ગમતું. રોજ ડાયરી લખી એને વાંચતી. અને એ વાંચ્યા બાદ મને થયેલા કેટલાક અનુભવો હું નોંધતી. કેટલીક ગમતી લાઈનો નીચે હું લાલ કલરની પેનથી બીજી લાઈન દોરતી. 
       રવિવારે અમે ચાર જણ જૂહુ બીચ જવા માટે રવાના થયા. આ પહેલા એકવાર મમ્મી પપ્પા સાથે સોમનાથ દરિયો જોવાનો અવસર મળ્યો હતો. ત્યારબાદ આ બીજીવાર હું દરિયો જોવા જઈશ. મમ્મી પપ્પા સાથે સોમનાથ ગયા ત્યારે તો હું ખૂબ જ નાની હતી. સમજણ પણ ઓછી. છતાં એ દૃશ્યો હજુ મારા મનમાં કોતરાયેલા છે. હોસ્ટેલની બહારથી રીક્ષા લઈ અમે જૂહુ પહોંચ્યા. રોડના કિનારે રીક્ષા ઊભી રહી. અમે નીચે ઉતર્યા. નીચે ઉતરી ત્યાં જ અમારા માથા ઉપરથી એક વિમાન પસાર થયું. વિમાનને આટલા નજીકથી મેં પહેલા ક્યારેય જોયું નહોતું. હું ખૂબ જ ખુશ થઈ અને મેઘનાને વિમાન બતવવા લાગી. પણ એ ત્રણ મારી ઉપર હસવા લાગ્યા. અને મને કહ્યું : "અલી તું તો વિમાન પહેલી વાર જોતી હોય એમ કરું છું." મેં કહ્યું : "વિમાન તો જોયું છે, પણ આટલા નજીકથી આજે પહેલીવાર જોવા મળ્યું." શોભનાએ હસતાં હસતાં જવાબ આપ્યો : "અહીંયા થોડે જ દૂર એરપોર્ટ છે. એટલે બધા વિમાન અહીંયાંથી પસાર થાય. આખો દિવસમાં તને કેટલાય વિમાન જોવા મળશે. ચાલો હવે બીચ ઉપર જઈએ." હું એ જતાં વિમાનને જોઈ રહી. વિમાનને જોતાં એમ લાગતું કે હમણાં જ સામેની બિલ્ડીંગમાં જઈને અથડાઈ જશે. પણ એ વિમાન સામેની બિલ્ડીંગની અગાશી ઉપરથી જ ઊડી ગયું. જો અગાશીમાં ઊભા હોઈએ તો હાથ પણ અડકી જાય એટલું નજીક લાગતું. 
અમે રોડથી એક રસ્તા ઉપર ચાલવા લાગ્યા. થોડો ઢાળ વાળો રસ્તો હતો એ ચઢ્યા અને સામે જોયું તો એક અફાટ દરિયો વહી રહ્યો હતો. મારુ મન ખૂબ જ રોમાંચિત થઈ ઉઠ્યું. દોડીને દરિયામાં સમાઈ જવાની ઈચ્છા થઈ ગઈ. રસ્તાના છેડા ઉપર આવેલા પગથિયાં ઉતરી અમે દરિયાની રેતીનો સ્પર્શ કર્યો. મારા સેન્ડલ ઉતારી મેં હાથમાં લઈ લીધા. રેતીની ઠંડક મારા પગથી છેક માથા સુધી પહોંચી રહી હતી. મારુ તન મન રોમાંચિત થઈ ઉઠ્યું હતું. મારી આંખોમાં ગજબનો આનંદ વ્યાપી ગયો હતો. સુસ્મિતાનો હાથ પકડી દરિયા સુધી પહોંચી. સેન્ડલ અને અમારી બેગને અમે કિનારે મૂકી. દુપટ્ટાથી એ ઢાંકી અમે દરિયાના ખારા પાણીમાં મીઠો આનંદ લેવા માટે પહોંચી ગયા.  દરિયાના મોજાની જેમ ઉછડ્યા, મસ્તી કરી અને પાછા કિનારે આવ્યા. મુંબઈ આવ્યા પછી આ પહેલો દિવસ એવો હતો જ્યાં હું મનમૂકી ને મઝા કરી શકી હતી. મન તો હવે મને રોજ અહીંયા આવવાનું થાય એમ હતું. પણ એ શક્ય થઈ શકે એમ નહોતું. મેં સુસ્મિતાને કહ્યું : "આવતા રવિવારે પણ આપણે અહીંયા જ આવીશું !"  સુસ્મિતાએ જવાબ આપ્યો : "ડિયર. આ મુંબઈ છે, અહીંયા એક જગ્યા નથી એવી, ઘણી જગ્યાઓ છે જ્યાં મઝા આવશે. આવતા રવિવારે આપણે મરીન ડ્રાઈવ જઈશું. ત્યાં તો આના કરતાં પણ મઝા આવશે. આપણો દર રવિવારનો ફિક્સ પ્લાન. ગમે ત્યાં નીકળી જવાનું." 
મને આ જગ્યા ગમી ગઈ હતી. પણ સુસ્મિતાએ કહ્યું તો બીજી જગ્યા પણ મઝાની જ હશે. હવે તો મને રવિવારની જ રાહ જોવાનું મન થતું હતું. પણ રવિવાર સુધીના છ દિવસ કેમ કરી કાઢવા ? એ મોટો પ્રશ્ન મને સતાવતો હતો. બીચ ઉપર અમે સૌ ટોળું વળી ને બેઠા. સુસ્મિતાએ શોભનાના કાનમાં કંઈક કહ્યું. અને એ "હું લઈ આવું, ચાલ મેઘના" એમ કહી ઊભી થઈ. મેં પૂછ્યું પણ ખરું કે "શું લાવવાનું છે ?"  પણ એ ત્રણ મારી સામે જોઇને હસવા લાગ્યા. શોભના અને મેઘના બીચના છેડે રહેલી દુકાનો તરફ ચાલવા લાગી. મેં મનમાં વિચાર્યું કે કંઈક નાસ્તો લેવા માટે જતાં હશે. હું ને સુસ્મિતા એકલા બીચ ઉપર બેઠા હતાં. સુસ્મિતાએ મને પૂછ્યું :
"તારે કોઈ બોયફ્રેન્ડ નથી ડિયર ?"
સુસ્મિતાના પ્રશ્નથી તો પહેલાં હું ચોંકી ગઈ. બોયફ્રેડ કોને કહેવાય એની મને થોડીઘણી સમજ તો હતી. પણ સુસ્મિતા આમ અચાનક મને પૂછશે એવો અંદાઝો નહોતો. મેં "ના" માં જવાબ આપ્યો. પણ મારી ના સાંભળી એના પ્રશ્નો વધુ ગાઢ બનવા લાગ્યા .એને આશ્ચર્ય સાથે મારી સામે જોયું અને કહેવા લાગી :
"ખરેખર ?"
"હા, હું ગર્લ્સ સ્કૂલમાં ભણી અને ઘરની બહાર પણ મમ્મી પપ્પા સાથે જ જવાનું થાય, બોયફ્રેન્ડ તો શું મેં કોઈ બોય ને ફ્રેન્ડ પણ નથી બનાવ્યો."
મારો જવાબ સાંભળી સુસ્મિતા હસતાં હસતાં કહેવા લાગી.
"ખરી છે તું ડિયર. સમજુ છું કે આપણા ગુજરાતમાં એટલી આઝાદી નથી મળતી. પણ હવે તો તું અહીંયા મુંબઈમાં છે. અને આપણી ઉંમર પણ એવી છે કે બોયફ્રેન્ડ શોધવાનું મન થાય. કૉલેજમાં કોઈ ગમે તો ચક્કર ચલાવી લેવાનું."
હું માત્ર એની વાત ઉપર હસતી રહી. કઈ જવાબ ના આપી શકી.પણ એના બેડ નીચે રહેલા પેલા પુસ્તક વિશે મને પૂછવાનું મન થઇ ગયું. અને મેં સુસ્મિતાને પૂછ્યું :
"એક વાત પૂછું ?"
"પૂછને ડિયર " સુસ્મિતાએ જવાબ આપ્યો.
"થોડા દિવસ પહેલાં મેં તારા બેડની નીચે એક પુસ્તક લટકતું જોયું હતું. મારી નજર એના ઉપર પડી અને મેં એ જોયું. તું આવા પુસ્તકો કેમ વાંચે છે ?"
સુસ્મિતા મારી સામે જોઇને બરાબર હસવા લાગી. એને હસતી જોઈ મને નવાઈ લાગવા લાગી. મને એમ હતું કે એના પુસ્તક વિશે હું જાણી ગઈ છું તો એને આંચકો લાગશે પણ એ તો હસી રહી હતી. મેં એને પૂછ્યું :
"કેમ યાર તું હસે છે ?"
"હસું નહીં તો શું કરું ? તું બહુ ભોળી છે. હું એકલી નહિ મેઘના અને શોભના પણ આ પુસ્તકો વાંચે છે." એને જવાબ આપ્યો.
"ઓહઃ, પણ શું મળે આવા પુસ્તકો વાંચવાથી ?" મારા મનની મૂંઝવણ હજુ દૂર નહોતી થઈ અને મેં એને પૂછ્યું.
સુસ્મિતા :"ચાલ મને એકવાતનો જવાબ આપ. તે આ પુસ્તક વાંચ્યું ?"
"હા" મેં જવાબ આપ્યો.
"તો તને શું મળ્યું ? આ પુસ્તક વાંચીને ?"
એને મારો જ પ્રશ્ન મને સામે પૂછી લીધો. ક્ષણવાર તો હું પણ વિચારમાં પડી ગઈ. શું જવાબ આપવો મારે એને ? મને થયેલા અનુભવો હું એને ના જણાવી શકું ! મને લાગવા લાગ્યું કે મેં એને પુસ્તક વિશે પૂછીને જ ભૂલ કરી છે, પણ હવે જવાબ તો આપવાનો જ હતો. એટલે મેં કહ્યું :
"કેવું ગંદુ ગંદુ લખ્યું હતું એ પુસ્તકમાં ! વાંચતા પણ શરમ આવે એવું." 
મારો જવાબ સાંભળી એ વધુ હસવા લાગી. મને હવે એના ઉપર ગુસ્સો આવતો હતો. પણ હું કઈ બોલી ના શકી. આગળ એને જ કહ્યું :
"અરે ડિયર, તું ભોળી નહિ બુદ્ધુ પણ છે. યાર, આ બધા અનુભવોમાંથી આપણે પસાર થવાનું છે. અને આ પુસ્તકમાં જે બધું લખ્યું હોય એ આપણને બીજું કોઈ સમજાવવા નથી આવવાનું ! તારા લગ્ન થઈ જશે અને તને આ બધી બાબતોની ખબર નહિ હોય તો તું શું કરીશ ? તારો પતિ તને આ બધું કરવાનું કહેશે અને તને આ બધાની જાણ નહિ હોય તો ? આ બધું વાંચવાથી આપણને જ બધુ સમજાય છે. આપણી જાતે જ આપણે શીખવાનું છે. અને આજ ઉંમર છે આ બધું શીખવાની. આ પુસ્તકો દ્વારા જ આપણને બધું જાણવા મળે છે ડિયર."
સુસ્મિતાની વાત તો સાચી હતી એ મને સમજાઈ રહ્યું હતું. આજ પહેલા મને આવા અનુભવો કે આવા જાતીય સુખ વિશે ક્યાંય સમજ નહોતી. પણ એ પુસ્તક વાંચી મને પણ ઘણીખરી સમજણ મળી હતી. શોભના અને મેઘના સામેથી કેટલોક સમાન પ્લાસ્ટિકની બેગમાં લઈને આવતાં દેખાય. અમારી પાસે આવી એને એ પ્લાસ્ટિકની બેગ મૂકી તેમાંથી ભૂંગળાના પેકેટ, સિંગ ચણા અને બે કાચની બોટલ બહાર કાઢી જેના ઉપર હેવર્ડ 5000 લખ્યું હતું  મેં હાથમાં બોટલ લઈને જોયું ઝીણા અક્ષરે ઇન્ડિયન પ્રીમિયમ બિયર પણ લખેલું હતું. મને એટલો ખ્યાલ હતો કે બિયર એટલે દારૂ કહેવાય. મેં બોટલ ને નીચે મૂકી દીધી. અને પાછા એ ત્રણ મારી સામે જોઈ હસવા લાગ્યા...

(શું કાવ્યા હવે નશા તરફ પણ વળશે ? તેના પપ્પાની શિખામણને માનશે ? પોતાની એકલતા દૂર કરવા કાવ્યા શું કરશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણ.)

લે. નીરવ પટેલ "શ્યામ"