22 single - 21 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - ૨૧

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - ૨૧

૨૨ સિંગલ

ભાગ ૨૧

અનુ અને અક્ષત ની રીલેશનશીપ ને પાંચ વર્ષ પુરા થયાની ખુશીમાં બંને એ એક દિવસ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ‘બેગાની સાદી મેં અબ્દુલ્લા દિવાના’ એમ હર્ષ પણ આ પ્લાન માં ગોઠવાઈ ગયો. અક્ષત પહેલા તો બહુ ગુસ્સે થયો પણ અનુ એ એને સમજાવી દીધો.

ફરવા જવાના દિવસે નક્કી કરેલી જગ્યા એ ત્રણે ભેગા થયા. ત્યાં અક્ષત ને હર્ષ ફરી લડવા લાગ્યા.

અક્ષત (હર્ષને) : “આટલા બધા બેગ લઈને કેમ આવ્યો?”

હર્ષ : “બે જ છે.”

અક્ષત : “હા પણ બે કેમ? તું ચાર દિવસે તો એક કપડા બદલે છે. આજે એક જ દિવસ માં ચાર બદલવાની ઈચ્છા છે કે શું?”

હર્ષ : “ના, આમાં થોડો નાસ્તો છે.”

અક્ષત : “હે ભગવાન, આ માણસ ને ખાવા સિવાય કઈ સૂઝતું જ નથી.”

અનુ (અક્ષતને) : “અક્ષત, તું એમ વિચાર ને કે એણે પહેલી વાર પોતાના માટે વિચારીને ખાવાનું લઈને આવ્યો છે. બી પોઝીટીવ. બેબી.”

અક્ષત (હર્ષને) : “અને આ કપડા કેમ આવા પહેરીને આવ્યો?”

હર્ષ : “કેમ ? હવે કપડા સાથે શું પ્રોબ્લેમ છે તને?”

અક્ષત : “દોસ્ત, આપણે ફરવા જઈએ છીએ, બરાબર. કઇંક તો સરખા કપડા પહેરીને આવ. એક તો આમ પણ તારી ૩૪ ની સાઈઝ છે, એમાં તું બર્મુડો પહેરીને આવ્યો એ તો ઠીક પણ આ પગ ઉપર જે જંગલ ઉગ્યું છે એનો દેખાડો કરવાની શું જરૂર છે? લોકો દુર થી જ ઓળખી જશે કે આટલી મોટી સાઈઝ વાળો છોકરો જ હશે.”

હર્ષ : “જા ને, ‘કંઈ પણ’ બોલે.”

અક્ષત : “જો આ ‘કંઈ પણ’ શબ્દ ફરીથી બોલ્યો છે ને તો હું તને ખરેખર ‘નારીજાતિ’ નું સર્ટીફીકેટ આપી દઈશ.”

અનુ (અક્ષતને) : “યાર, તમે પાછા લડો નહી. આજનો દિવસ મસ્ત છે. મારે બગાડવો નથી.”

અક્ષત : “તો તું જ સમજાવ આને.”

અનુ (હર્ષને) : “હર્ષ, તારે કપડા ચેન્જ કરવા જ પડશે. કારણકે આપણે પહેલા લોંગ ડ્રાઈવ પર જઈશું, વચ્ચે રસ્તામાં એક મંદિર આવશે ત્યાં દર્શન કરવા જઈશું. અને મંદિર માં બર્મુડો પહેરીને પ્રવેશ નથી આપતા. એટલે તું કપડા ચેન્જ કરી આવ ફટાફટ.”

હર્ષ : “હા તો સારું હું મંદિર માં નહિ આવ. પણ આ બર્મુડો મને બહુ ગમે છે, પરફેક્ટ સ્યુટ થાય છે મારા પર.”

અક્ષત : “સાઈઝ ઓછી કર બીજા ડઝન કપડા પરફેક્ટ સ્યુટ થશે. અને આ નીચે શું પેરાગોન ના પટ-પટ કરે એવા ચપ્પલ પહેરીને આવી ગયો.”

અનુ : “હર્ષ, તારે ચપ્પલ પણ બદલવા પડશે.”

હર્ષ : “હા હવે, એ તો મારા સેન્ડલ તૂટી ગયા એટલે પહેરવા પડ્યા.”

અક્ષત : “સારું, જા ફટાફટ. કપડા અને ચપ્પલ બંને બદલીને આવ અને આ નાસ્તા ની બેગ પણ લેતો જા. આપણે રસ્તામાં ખાઈ લઈશું, તું ભૂખો નહી રહે.”

અનુ : “હર્ષ, ટી-શર્ટ પહેરીને આવજે. સારું લાગશે.”

અક્ષત : “સાલું બધું જ કહેવાનું. ૨૨ ની ઉમરનો છે પણ 2+2=4 વર્ષ નો હોય એમ ટ્રીટ કરવો પડે છે.” “નોનસેન્સ છે એકદમ.”

હર્ષ : “બોલી લીધું? તો જાવ હવે?”

અક્ષત : “હા તો જા ને, હજી મુહુર્ત કાઢી આપું?”
અનુ : “હર્ષ, ફટાફટ જઈને આવ. આપણને લેટ થાય છે.”

હર્ષ કપડા ને ચપ્પલ બદલવા જાય છે.

અક્ષત (અનુને) : “મારો તો મૂડ બગડી ગયો.”

અનુ (આંખ મારીને) : “કઈ નહી, હું સુધારી આપીશ.”

અક્ષત : “પણ તે આને આવા માટે હા કેમ પડી?”

અનુ : “હા તો આવા દે ને, ક્યાં નડે છે.”

અક્ષત : “નડતો નથી આ તને એવું? જો આ નીકળવામાં જ અડધો કલાક મોડું કરી દીધું. હવે રસ્તા માં જરાક આગળ જઈશું એટલે ‘ભૂખ લાગી’ ના રાગડા શરુ. અને એક વાર જમવા બેસે એટલે રાક્ષસ ની જેમ ખાઈ.”

“આપણા હનીમૂન પર પણ સાથે આવશે જો જે. એને તો આ સુખ મળે એ આવતા સાત જન્મ માં પણ લખેલું નથી.”

અનુ : “ના બેબી, જેનું કોઈ નથી એનું ‘એરેન્જડ મેરેજ’ છે. એના પણ દિવસો આવશે, એને પણ મળશે.”

અક્ષત : “યાર, એના વિષે બધું ખબર હોવા છતાં તમને એના પર હજી વિશ્વાસ છે કે એને કોઈ મળશે.?”
અનુ : “હા. કારણકે, હું એક છોકરી છું અને છોકરી શું વિચારે એ મને ખબર છે. આજકાલ લોકો ભલે એવું કહે કે છોકરીઓ માત્ર પૈસા અને હેન્ડસમ છોકરા પાછળ જ ભાગે છે. પરંતુ ખરેખર તો છોકરી ને એવો છોકરો જોઈએ કે જે એને સાંભળે, એની કેર કરે, એને પ્રેમ કરે.” “ જોજે, હર્ષને બહુ જ સારી છોકરી મળશે. એ દિલ નો બહુ જ સાફ છે. તું આટલો ગુસ્સો કરે છે, આટલા ટોન્ટ માટે છે પણ એને કોઈ ક્યાં ફર્ક જ પડે છે!!”

અક્ષત : “હા, એ તો છે. મારી ગાળ એની જાડી ચામડી ને વીંધીને આગળ જઈ જ નથી સકતી.”

અનુ (અક્ષત નો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં): “હા અને વાત આપણા હનીમૂન ની. તે કંઇક વિચાર્યું લાગે છે??”

અક્ષત : “હા, સરદાર સરોવર ડેમ જોવા જઈશું. ચાલશે ને? એ પણ જયારે.......”

અનુ (મો બગાડીને) : “જા ને. એકદમ દેશી!!!!”

ત્યાં જ હર્ષ આવ્યો. એના શ્વાસ ફૂલી ગયા હત. ગધેડો જેમ હાંફે એમ હાંફતો હતો.

હર્ષ : “ચાલો હું આવી ગયો.”

અક્ષત (અનુને) : “છે ને જેવો રોમેન્ટિક બનવાનો પ્રયત્ન કરું છું ને આ ટપકી પડે છે.” “મને તો ડાઉટ છે. તારા પાપા એ આને જોબ પર રાખ્યો હશે. હું તારાથી નજીક ના આવ ને એટલે આ વચ્ચે ટપકી પડે.”

અનુ : “પણ એમાં મારા પાપા ને વચ્ચે કેમ લાવે છે?”

અક્ષત (હર્ષની સમાઈ જોઇને) : “ફરી આ શું પહેરીને આવ્યો?”

હર્ષ (ખુદની સામે જોતા) : “હવે શું પ્રોબ્લેમ છે? પરફેક્ટ ટી છે?”

અક્ષત અનુને ઈશારો કરીને સમજાવાનું કહે છે.

અનુ : “હર્ષ, પહેલા સેન્ડલ સાથે જે આખા મોજા પહેર્યા છે ને એ કાઢી નાખ. ખાલી સેન્ડલ ચાલશે.”

હર્ષ : “પણ આ પાપા ના પહેરીને આવ્યો છું. તો આંટણ પડી જાય છે.”
અક્ષત : “સાવ બૈરી છે.”

અનુ : “ના બોલાય એવું બેબી.” (હર્ષને) હર્ષ તું મોજા કાઢી નાખ, કઈ નહી થાય. અને મેં તને ટી-શર્ટ પહેરવાનું કહ્યું હતું તો શર્ટ પહેરીને કેમ આવ્યો? અને શર્ટ પહેરીને આવ્યો એ તો ઠીક પણ સાથે એને ‘ઇન’ કેમ કર્યું? તું કઈ ઈન્ટરવ્યુ આપવા નથી જતો. એ પણ કાઢ.”

અક્ષત (હર્ષને) : “અને ઘડિયાળ ડાબા હાથે પહેરાય. જમણા હાથે છોકરીઓ પહેરે.”

હર્ષ (ગુસ્સામાં) : “ડાબોડી પણ પહેરે.”

અક્ષત : હા પણ તું જમણેરી જ છે. તું તો સાલા ધોય પણ જમણા હાથ થી જ છે. હવે વધારે બોલવ નહી.”

અનુ : “હર્ષ, તું અક્ષત નું ના સંભાળ. ચાલો આપણે નીકળીએ. ઘણું મોડુ થઈ ગયું છે.”

હર્ષ અનુએ કીધા પ્રમાણે તૈયાર થયો અને ત્રણે ગાડી માં ગોઠવાયા. અક્ષત એના પાપા ની ગાડી લઈને આવ્યો હતો. હર્ષ આગળ બેસવા ગયો ત્યાં ઈશારા થી જ અક્ષતે એને ના પાડી અને પાછળ બેસવા કહ્યું. હર્ષે જોરથી દરવાજો બંધ કરીને પાછળ બેઠો. ફાયનલી, ત્રણે ફરવા ઉપડ્યા. હાઈ-વે પર પહોચતા જ ફૂલ વોલ્યુમે રોમેન્ટિક સોંગ ચાલુ કરીને સાંભળતા હતા (સાથે હર્ષના રાગડા તો ચાલુ જ હતા).

થોડી વાર માં હાઈ-વે પરના શંકર દાદા ના મંદિરે પહોચ્યા. દર્શન કર્યા. અક્ષતે ૨૫૧ રૂપિયાની ભેટ લખાવી અને એમના રિલેશનશીપ માં કોઈ પ્રોબ્લેમ ના આવે એવી પ્રાર્થના કરી. હર્ષે અક્ષતને જોઇને ૧૦૧ રૂપિયાની ભેટ લખાવી, પોતાની રીલેશનશીપ બને એટલા માટે. મંદિર માં થોડી વાર બેસીને નજીક ના દરિયા કિનારે ગાડી મારી મૂકી. બાકીનો આખો દિવસ ત્યાં જ કાઢવાનો અક્ષત અને અનુ નો વિચાર હતો.

દરિયાકિનારે પહોચીને થોડી ફોટોગ્રાફી કરી અક્ષતે હર્ષને એકલા ફરવાનું કહ્યું. અનુ અને અક્ષતની પાંચમી રીલેશનશીપ એમને એકાંત માં માણવી હતી પણ હર્ષ સાથે હતો. હર્ષને બહુ ઊંઘ આવતી હતી એટલે એ અંદર થી લોક કરીને ગાડીમાં જ સુઈ ગયો. અક્ષત અને અનુ દરિયાકિનારે લટાર મારવા નીકળ્યા.

લગભગ બે કલાક પછી અક્ષતે હર્ષને નજીકની દુકાને નાસ્તો કરવા બોલાવવા ઘણા ફોન કર્યા. પણ ફોન જ ના લાગ્યા. અનુ એ તરત અક્ષતને ત્યાં જોવા જવાનું કીધું અને બંને ગાડી પાસે પહોચ્યા. દુર થી તો બધું ઠીક લાગતું હતું પણ ગાડી ની અંદર નું દ્રશ્ય જોવા જેવું હતું.

હર્ષ ગાડી ની પાછળની સીટ પર ગેંડા ની માફક એનું ૮૦ કિલો વજનવાળું શરીર લઈને સુતો હતો. હાઈટ વધારે હોવાથી પગ ડ્રાયવીંગ સીટ ની ઉપર ટેકવ્યા હતા. મોબાઈલ સીટની નીચે પડ્યો હતો. અક્ષત તો આ જોઇને જ ગુસ્સે થઇ ગયો.

અક્ષત (ગાડી નું લોક ખોલતા): “જો, આ આપણી સાથે ફરવા આવ્યો છે.”

અનુ એ પાછળ નો દરવાજો ખોલીને હર્ષને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. ગાલ પર બે લાફા પણ મારી દીધા તો પણ હર્ષ ના હાલ્યો. ત્યાં સુધી અક્ષતે એના બે પગ ડ્રાયવીંગ સીટ થી નીચે ફેંક્યા. પણ હર્ષ એટલે જાણે કુંભકરણ નો બીજો અવતાર. એ એવો જ હજી ઊંઘતો હતો.

અક્ષત : “પાણી નો બોટલ લાવ, અનુ. આને આ જ રીતે ઉઠાડવો પડશે.”

અનુ : “ના બેબી, સીટ ભીની થઇ થશે.”

અક્ષત : “તો તું એનું માથું પકડ, હું પગ પકડું, એને ગાડી ની બહાર કાઢીને જમીન પર ફેંકી દિયે. પછી પાણી રેડિયે.”

અનુ : “જા ને, આ ગેંડા ને હું કેમ ની ઊંચકું?”

“મને કોણ ગેંડો બોલ્યું?” અનુ અને અક્ષત વાત કરતા હતા ત્યાં સુધી માં હર્ષ ઉઠીને સીટ પર બેસી ગયો.

હર્ષનો અચાનક અવાજ સાંભળીને અનુ ડરી ગઈ અને ગાડી થી દુર ઉંધા સ્ટેપ લેવા જતા પડી ગઈ. અક્ષતે હર્ષને એક જોરથી મારી અને અનુ પાસે ગયો. અનુને કઈ વાગ્યું નહોતું એટલે એણે હર્ષને મોઢું ધોઈને બહાર આવવા કહ્યું.

હર્ષ ફ્રેશ થાય ત્યાં સુધી અક્ષત નજીક ની દુકાનમાંથી થોડો ગરમ નાસ્તો અને કોલ્ડડ્રીન્કસ લઈને આવ્યો. ત્રણે નાસ્તો કરતા વાતે વળગ્યા.

અનુ ( હર્ષને) : “તું અઘોરી જેવું ઊંઘે છે સાવ.”

હર્ષ : “એ છોડ ને. તમે લોકો ક્યાં ગયા હતા?”

અનુ : “તારે શું કામ છે. છોડ ને એ વાત,”
હર્ષ : “ના બોલ ને. મને પણ કોઈ દિવસ કામ લાગે.”

અક્ષત : “પહેલી વાત તારા એવા દિવસો કોઈ દિવસ આવવા ના જ નથી. અને આવે તો પણ અમે જે કરીએ એવું જ તારે કરવાનું એવું કઈ જરૂરી પણ નથી.”
હર્ષ (અચાનક સેન્ટી થઈને ) : યાર, મારા દિવસો ક્યારે આવશે.”

અનુ : “આવું કરશે તો કોઈ દિવસ નહિ આવે.”

હર્ષ : “હવે મેં શું કર્યું?”

અનુ : “કોલ્ડડ્રીંક ની બોટલ આખી તું એકલો ગટગટાવી ગયો. કોઈ પણ છોકરી સાથે વાત કરવાની, એની સાથે બહાર ફરવા જાવ તો એની કોઈ રીતભાત હોય એ આવડવી જોઈએ.”

હર્ષ : “હા તો મને શીખવાડ ને.”

અક્ષત : “એ શીખવાડવાનું ના હોય. એ જાતે જ આવી જાય. એના માટે પહેલા છોકરી માટે સમ્માન હોવું જોઈએ.”

હર્ષ : “ એમાં સમ્માન ની ક્યાં વાત આવી?”

અક્ષત : “ હમણાં તને ઉઠાડવા જતા અનુ પડી ગઈ. તું આખી કોલ્ડડ્રીંક ની બોટલ પી ગયો છતાં તને કઈ છે? તું બસ એમ જ બિન્દાસ મારા પૈસા નું ખાય છે.”

હર્ષ : “હા તો જા ને, બીજી બોટલ લઇ આવ. હું પૈસા આપું.”

અક્ષત : “પૈસા ની વાત નથી જાડ્યા. પહેલા તો તારે અનુ અને મને સોરી કહેવું જોઈએ. અને ખાલી કહેવા માટે નહી દિલ થી. અને જો તને એ ફીલ થતું હોય તો ઉભો થઈને જાતે કોલ્ડ ડ્રીંક ની બોટલ લઈને આવ.”

હર્ષ : “ઓકે, સોરી. બસ હું ફરી ધ્યાન રાખીશ.”

અનુ : “ઇટ્સ ઓકે.”

હર્ષ : “બીજું શું ધ્યાન માં રાખવાનું એ કહે ને.”

અક્ષત : “બાબાઓ ના ચક્કર માંથી બહાર આવવું પડે. અને ‘મર્દ જાતિનો’ જે ‘સિમ્બોલ’ લઈને તું ફરે છે ને એ કાઢવો પડે.”

હર્ષ : “હા હવે નહિ કરું એવું કંઈ.” “હવે કોઈ એક છોકરી પાછળ બરાબર પડવું પડશે.”

અનુ : “જો પાછો. છોકરી ની પાછળ ના પડાય એનું દિલ જીતાય. છોકરી સામેથી જ જાતે આવે.” “અક્ષતે મને એવી રીતે જ તો મારું દિલ જીત્યું હતું.”

અક્ષત (હર્ષ સામે) : “હા હા, હર્ષ સમજી ગયો એ એવું જ કરશે ફરીથી. જા હર્ષ તારે જે ખાવું હોય એ લઇ આવ.”

હર્ષ (અક્ષતને) : “ના બોલવા દે ને અનુ ને. પાછુ હું એનો જવાબ આપું. પાંચ વર્ષની રીલેશનશીપ અહિયાં જ પતિ જશે.”

અનુ : “એવી તો શું વાત છે?”

અક્ષત : “કઈ નથી બેબી.”

અક્ષત હર્ષને સાઈડ પર ખેંચીને લઇ ગયો અને પગે પડતા કહ્યું, “ભાઈ તારે જે બોલવું હોય એ બોલ, જે માંગવું હોય એ માંગ. પણ એ વાત કોઈ દિવસ અનુ ને ખબર ના પડવી જોઈએ કે ડ્રીંક કરતી વખતે મેં વગર કોઈ ફીલિંગ્સ એ એને પ્રપોસ કરી દીધું હતું. તું મારો અસલી દોસ્ત છે. તારા માટે મેં બધું કર્યું છે હવે તારો વારો.”

હર્ષ (મૂછ ને તાવ દેતાં) : “સારું, જા અત્યારે એક કોલ્ડડ્રીંક લઇ આવ ભાઈ માટે.”

અક્ષત (ગુસ્સામાં) : “હા જાવ છું. અને આ મૂછ ઉગે ને પછી તાવ આપજે, હમણાં નહી.”

બસ પછી ત્રણે અખો દિવસ દરિયા કિનારે ફરીને પાછા આવ્યા. અનુને ના કહેવાનું વચન તો અક્ષતને આપ્યું છે પણ હર્ષ નું બીજું નામ ‘નારદમુની’ છે. બસ કોઈ ‘લોચો’ ના મારે તો સારું.

ત્યાં સુધી તમતમારે ખાવ ઘરે ગરમાગરમ “સુરતી લોચો” આ ઠંડી ની સીઝન માં........