Aakrand ek abhishaap - 15 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | આક્રંદ એક અભિશાપ 15

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

આક્રંદ એક અભિશાપ 15

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-15

7175 નું રહસ્ય જાણવા હસન USA પ્રોફેસર કરીમ ને કોલ કરે છે..હસન નતાશા ને કહી લવ સ્પેલ ખતમ કરાવી દે છે.કાસમાનાં કહેવાથી નૂર અને હસન રહમત ગામનાં રહેતાં ઈલિયાસ ને મળવા જાય છે..ઈલિયાસ જોડેથી એ લોકો રહમત ગામ સાથે જોડાયેલ રહસ્ય ની જાણકારી મેળવે છે જેમાં નૂર નાં અબ્બુ દ્વારા એક શિરીન નામની જિન ની હત્યા થતાં એનાં કબીલાવાળા બધું કરી રહ્યાં છે એની ખબર પડે છે..ઈલિયાસ ની પત્ની જહુરિયત પણ જિન હોય છે જે હસન અને નૂર ની મદદ કરવા માટે કંઈક કહેતી જ હોય છે એટલામાં સુદુલા કબીલા નાં જિન આવી પહોંચે છે...હવે વાંચો આગળ ની કહાની.

અચાનક શાંત સમુદ્રમાં કોઈ પથ્થર નાંખે અને પાણીમાં વમળ પેદા થાય એમ અત્યારે ઈલિયાસ નાં ઘરમાં ગેબી અવાજો અને ધરતીકંપ જેવી સ્થિતિ પેદા થઈ હતી..આ સ્થિતિ નું કારણ ઈલિયાસ ની જિન પત્ની જહુરિયત મુજબ સુદુલા કબીલાનાં જિન હતાં.

"સુદુલા નાં કબીલાનાં જિન આવી પહોંચ્યા લાગે છે..તમે આ પુસ્તક લઈને જેમ બને એમ જલ્દી જલ્દી અહીંથી નીકળી જાઓ."વિનવણી નાં સુરમાં જહુરિયત બોલી.

"હા હસન,જહુરિયત સાચું કહી રહી છે..તું અને નૂર જેમ બને એમ આ ગામ છોડીને નીકળી જાઓ..ખબર નહીં આ સુદુલા કબીલાનાં જિન તમારી શું હાલત કરશે. "ઈલિયાસ પણ ગભરાતાં ગભરાતાં બોલ્યો.

"સારું અમે અહીંથી નીકળીએ છીએ..તમે અમારી જે મદદ કરી એ માટે તમારો આભાર..તમે તમારી જાત ને સાચવજો.."ઈલિયાસ ને આટલું કહી હસને જહુરિયત જોડેથી પેલું પુસ્તક લઈ લીધું અને નૂર ની સાથે ઈલિયાસ નાં ઘરમાંથી નીકળી ગયાં.

ઘરનાં દાદરા ઉતરી હસન અને નૂર ફટાફટ ઘર ની સામે રાખેલી કારમાં બેસવા માટે આવી પહોંચ્યા.. એમનાં કાને અત્યારે જિન નાં ટોળાંનો ગેબી અવાજ પડઘાઈ રહ્યો હતો..જે સાંભળી નૂર ડરી રહી હોવાનું સમજાઈ રહ્યું હતું.

"હસન જલ્દી કારનો દરવાજો ખોલ.. અહીંથી જલ્દી માં જલ્દી ભાગી જવું પડશે."નૂરે હસન ને ઉદ્દેશીને કહ્યું.

નૂર ની વાત સાંભળી હસને ડ્રાઈવર સાઈડ નો દરવાજો ખોલ્યો અને કારની ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાઈ ગયો..હસને નૂર ની તરફ નો દરવાજો ખોલી એને અંદર આવી જવા કહ્યું. નૂર હજુ તો કાર નો દરવાજો બંધ કરી અંદર આવી એટલામાં તો દરવાજા સાથે કોઈ વસ્તુ અથડાવવાનો અવાજ આવ્યો અને દરવાજાની ઉપરનાં કાચ પર લોહી વાળો પંજો ઉપસી આવ્યો જે જોઈ નૂર ખૂબ ડરી ગઈ.

હસને તાત્કાલિક કારનાં એક્સીલેટર પર પગ રાખી દીધો અને કારને પુરપાટ ઝડપે ત્યાંથી ભગાવી મુકવા સ્ટેયરિંગ ઘુમાવ્યું..હસન હજુ તો કાર ને દૂર લઈ જાય એ પહેલાં તો કાર નાં ફ્રન્ટ મિરર પર પણ સેંકડો ની સંખ્યામાં લોહી ભર્યા પંજા ઉપસી આવ્યાં.. કાર ની બોનેટ પર પણ કોઈની મોજુદગીનો અહેસાસ થઈ રહ્યો હતો.

અચાનક એક પંજો જોરદાર વેગે કાચ સાથે અથડાયો અને કાચમાં તિરાડ પડી ગઈ..હસને એક્સીલેટર પર દબાવીને પગ રાખ્યો અને કાર ને ટોપ ગિયરમાં નાંખીને રહમત ગામ ની બહાર જતાં રસ્તા તરફ ભગાવી મૂકી..થોડીવારમાં તો એ લોકો રહમત ગામ ની સરહદની બહાર પહોંચી ગયાં..સંભળાઈ રહેલાં ગેબી અવાજો હવે બંધ થઈ ગયાં હતાં.

હસને કાર ને થોડો સમય રોકી અને ફટાફટ એક કપડાંનો ટુકડો લઈને ડ્રાઈવર ની આગળનો કાચ સાફ કર્યો જેથી આગળનો રસ્તો સાફસાફ જોઈ શકાય.

"હાશ બચી ગયાં.."રાહત નો શ્વાસ લેતાં નૂર બોલી.આટલાં બધાં જિન હોવાં છતાં એ લોકો ત્યાંથી બચીને આવ્યાં એ વાત માટે નૂર ખુદાનો આભાર માની રહી હતી.નૂરની ને હવે ખુદા પ્રત્યેની શ્રદ્ધા વધુ બળવત્તર થઈ રહી હતી.

"હા નૂર અત્યારે તો આપણે સુદુલા કબીલાનાં જિન ની પકડથી દુર છીએ પણ નક્કી નહીં એ લોકો ક્યારે આપણી સુધી પહોંચી જાય.."હસન નો ચહેરો હજુપણ એની અંદર ફેલાયેલાં ડરની ચાડી ખાઈ રહ્યો હતો..કેમકે એક જિન થી તો મુકાબલો કરવો સરળ છે પણ જ્યારે સામે જિન નો આખો કબીલો હોય ત્યારે હથિયાર હેઠાં મૂકી મોત ને ગળે લગાવી લેવું જ ઉચિત હોય છે.

હસન નાં ધ્યાન માં ઈરાન નાં વિહુબન નામનાં એક ગામનો એવો કિસ્સો હતો જ્યાં ગામનાં લોકો દ્વારા રબીકા કબીલાનાં ત્રણ માસુમ જિન ને મારી નાંખવાનો ગુનો કર્યો હતો..જેનાં લીધે રાતોરાત રબીકા કબીલાનાં હુમલામાં 600 લોકોનાં મોત થયાં હતાં અને આખું ગામ રાતોરાત લાશોનાં ઢેર માં બદલાઈ ગયું હતું..માટે જિન કબીલા નો ગુસ્સો ભયંકર હોવાની વાત હસન ઓમર ને ખબર હતી અને એજ એનાં ડરનું કારણ પણ હતી.

એ લોકો હજુ આ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યાં હસન નાં મોબાઈલ ની રિંગ વાગી..આવાં સમયે મોબાઈલની રિંગ નો અવાજ પણ હસન અને નૂર ને ડરાવી ગયો હતો એ એમનાં હાવભાવ જોઈ સમજી શકાતું હતું. હસને ગળામાં અટકી ગયેલું થૂંક મહામહેનતે ગળાની નીચે ઉતાર્યું અને મોબાઈલ ને પોતાનાં ખિસ્સામાંથી બહાર કાઢી એની ડિસ્પ્લે તરફ નજર કરી.એ જોતાં જ હસન નો ચહેરો ખીલી ઉઠ્યો.

***

હસન પર આવેલો કોલ હતો ટેકસાસ યુનિવર્સિટીનાં પ્રોફેસર ઈબ્રાહીમ કરીમનો..પ્રોફેસર કરીમ ને હસને રહમત ગામ અને 7175 નંબર જોડે જોડાયેલ રહસ્ય વિશે જાણકારી મેળવવાનું કહ્યું હતું..પ્રોફેસર કરીમ સામેથી કોલ કરે એનો મતલબ હસનને ખબર હતી કે ચોક્કસ પ્રોફેસર ને કંઈક તો માહિતી મળી છે.

"હા બોલો ઈબ્રાહીમ ભાઈ..શું માહિતી મળી છે..?"ફોન રિસીવ કરતાં ની સાથે હસન બોલ્યો.

"હસન ભાઈ પહેલાં તો હું રહમત ગામ વિશે જણાવવા માંગુ છું..એ ગામનાં લોકો ને કોઈ રહસ્યમયી બીમારી થઈ ગઈ હતી જેનું નિવારણ કોઈ ડોકટર કર વૈજ્ઞાનિકો જોડે નહોતું એટલે જે લોકો બચી ગયાં એમને તાત્કાલિક ગામ ખાલી કરી દેવું ઉચિત સમજ્યું..એ વખતે ત્યાં પેદા થતાં બાળકોનાં ફોટો જોઈ એવું લાગ્યું કે એ કોઈ શ્રાપ નો ભોગ બન્યાં હોય.."ઈબ્રાહિમે કહ્યું..રહમત ગામ વિશે પોતે પણ હવે ઘણું બધું જાણતો હોવાથી હસન ને રહમત ગામ વિશેની વાતમાં વધુ રસ નહોતો.

"અને પેલાં 7175 નંબર વિશે તમને કોઈ માહિતી મળી કે નહીં..?"હસન 7175 નંબર નું રહસ્ય જાણવા ઉતાવળો બન્યો હતો.કેમકે જ્યારથી હસન સોનગઢ આવવા નીકળ્યો હતો ક્યાંક ને ક્યાંક આ નંબર એની નજરે જરૂર ચડ્યો હતો..એ ઉપરાંત રેશમા નાં મોંઢે પણ એને આજ નંબર સાંભળ્યો હતો.

"7175 નંબર વિશે મેં ઘણું રિસર્ચ કર્યું જેનાં ઉપરથી હું જે તથ્ય પર આવ્યો છું એ સાંભળ.."આટલું કહી પ્રોફેસર ઈબ્રાહીમ કરીમે 7175 નું રહસ્ય કહેવાનું શરૂ કર્યું.

"7175 નંબર ને જો અરેબિક માં લખવામાં આવે તો એને લખાય છે VIVO.. ખ્રિસ્તી ધર્મ અનુસાર લોર્ડ જીસસ ને ક્રોસ પર લબડાવીને મારી નાંખવામાં આવ્યાં હતાં..પણ ઈસ્લામમાં એનાંથી ઊલટું છે..VIVOનો અરેબિક માં અર્થ થાય 'I AM ALIVE' મતલબ હું જીવિત છું.."

"જ્યારે કોઈ જિન ને મારી નાંખવામાં આવે અથવા તો એમની સાથે કંઈપણ ખોટું થયું હોય તો એ જિન 7175 નંબર વડે દુનિયાને એ જણાવવા માંગે છે કે એ હજુ પણ જીવે છે..મતલબ એમનો ખાત્મો થયો નથી.મને લાગે છે તું કોઈ શક્તિશાળી જિન કબીલા નો સામનો કરી રહ્યો છે.."7175 નંબર વિશેનું રહસ્ય ઉજાગર કરીને ઈબ્રાહીમે હસન ની પરિસ્થિતિનો ક્યાસ લગાવતાં કહ્યું.

ઈબ્રાહીમ નાં સવાલ નાં જવાબમાં હસને અત્યાર સુધી સોનગઢ માં આવતી વખતે અને અહીં આવ્યાં પછી જે કંઈપણ ઘટિત થયું હતું એનો ટૂંકમાં વૃતાંત આપતાં ઈબ્રાહીમ ને બધું જણાવી દીધું.આ ઉપરાંત એ લોકો સુદુલા નામનાં જિન કબીલાની નજર હેઠળ છે એ પણ જણાવી દીધું.

હસન ની સઘળી વાત જાણ્યાં બાદ ઈબ્રાહિમે હસન ને એક સવાલ કર્યો.

"હસન તને જહુરિયતે જે પુસ્તક આપ્યું એનું નામ હું જાણી શકું..?"

હસને ઈબ્રાહીમ કરીમ નો સવાલ સાંભળી એ પુસ્તક હાથમાં લીધું અને એનાં કવર પર રહેલ નામ વાંચવાની કોશિશ કરી..પુસ્તક ઘણું જુનું હોવાથી એની ઉપર લખેલ નામ સ્પષ્ટ દેખાતું નહોતું..હસને પ્રયત્ન કરી થોડાં અનુમાન સાથે કહ્યું.

"આ પુસ્તક નું નામ લગભગ ફિતરત-એ-જિન છે.."

"બહોત ખૂબ..બહોત ખૂબ..હસન ભાઈજાન તમારાં હાથમાં પુસ્તક નથી પણ કોઈપણ પ્રકારનાં જિન ને કાબુમાં લેવાની ચાવી છે..કહેવાય છે આ પુસ્તક ખુદા નાં ફરિશ્તાઓ એ જિન દ્વારા અમુક નિર્દોષ લોકોને હેરાન કર્યા બાદ લખ્યું હતું..આ પુસ્તક હાલ ક્યાંય ઉપલબ્ધ નથી.."ઈબ્રાહીમ કરીમે હસન જોડે રહેલ પુસ્તક નું રહસ્ય ઉજાગર કરતાં કહ્યું.

"તો શું આ પુસ્તકમાંથી મને રેશમા ને એ જિન દ્વારા મુક્ત કરવા માટેનો ઉપાય મળી જશે..?"હસન નાં સવાલમાં એક આશ હતી.

"હા હસન..આ પુસ્તકમાં ચોક્કસ બતાવાયું હશે કે એક માસુમ જિન ની હત્યા પછી એની આત્મા ની મુક્તિ માટે શું કરવું જોઈએ..જો તું એમ કરવામાં સફળ થઈશ તો સુદુલા કબીલા નો ગુસ્સો ચોક્કસ શાંત થઈ જશે."પ્રોફેસર ઈબ્રાહીમે કહ્યું.

"શુક્રિયા ભાઈજાન..ખુદાની મરજી રહી તો હું ચોક્કસ રેશમા ને બચાવી લઈશ.."હસને આભારવશ સુરમાં કહ્યું.

"ખુદાહાફિઝ.."આટલું કહી ઈબ્રાહીમે કોલ ડિસકનેક્ટ કરી દીધો.

ફોન મુકતાં ની સાથે હસને નૂર ની તરફ જોઈને કહ્યું.

"નૂર આ કોઈ મામુલી કિતાબ નથી..મારાં એક દોસ્ત ઈબ્રાહીમ કરીમ નો કોલ હતો એમને મને 7175 નંબર નું રહસ્ય જણાવ્યું સાથે આ પુસ્તક સાથે જોડાયેલી રોચક વાતો પણ જણાવી.."

આટલું કહી હસને ઈબ્રાહીમ કરીમ સાથે જે કંઈપણ વાતચીત થઈ હતી એ વિશે અક્ષરશઃ જણાવી દીધું.

***

હસન દ્વારા એ પુસ્તક નું રહસ્ય અને પ્રોફેસર ઈબ્રાહિમે જણાવેલી વાતો વિશે કહેતાં ની સાથે નૂર ખુશ થઈને બોલી.

"તો પછી જલ્દી આ પુસ્તક ખોલીને અંદરથી શિરીન ની મુક્તિ નો માર્ગ શોધી કાઢ..જો શિરીન ની આત્મા મુક્ત થઈ જશે તો સુદુલા કબીલાનાં જિન નો ગુસ્સો શાંત થઈ જશે અને એ રેશમા ને છોડી દેશે."

"હા તો તું ડ્રાઈવિંગ સીટ પર આવી જા..હું પુસ્તકમાં શિરીન ની આત્માની મુક્તિનો માર્ગ શોધું.."હસને નૂર ની વાત સાંભળી કહ્યું..અને પછી કાર ને બ્રેક મારી થોભાવી દીધી.

હસન અને નૂર પોતપોતાની સીટમાંથી હેઠે ઉતર્યા..નૂરે ડ્રાઈવિંગ સીટ માં સ્થાન લીધું અને હસને ડ્રાઈવર ની બાજુની સીટમાં.ત્યારબાદ નૂરે કાર ને પેલાં સોનગઢની તરફ ભગાવી મુકી.. કાર ની અંદર ની લાઈટ નો પ્રકાશ ઓછો પડતાં હસન પોતાની મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી પોતાની જોડે રહેલ પુસ્તકનાં પાનાં ફંફોસી રહ્યો હતો.

પુસ્તકમાં જિન સમુદાય જોડે જોડાયેલાં ઘણાં રહસ્યો હસને વાંચ્યા પણ ક્યાંક કોઈ જિન ને દફનાવ્યાં પછી એની આત્મા ની મુક્તિ માટે શું કરવું જોઈએ એની માહિતી નહોતી મળી રહી..હસન નાં ચહેરા પર આવેલી તંગ રેખાઓ એનાં મનોમંથન ને દર્શાવી રહી હતી.

અચાનક હસન ની નજરે કંઈક આવ્યું જે વાંચી હસન નો ચહેરો ખીલી ઉઠ્યો અને એ હરખભેર બોલ્યો.

"નૂર,મળી ગયો શિરીન ની મુક્તિનો માર્ગ.."

હસન ની વાત સાંભળી નૂરે એની તરફ જોયું અને પૂછ્યું.

"શું કહ્યું..પુસ્તકમાં લખેલું છે કે શિરીન ની મુક્તિ માટે શું કરવું?"

"હા નૂર..અહીં લખ્યું છે કે કોઈ માસુમ જિન ને મારીને દફનાવી દેવામાં આવે તો એની આત્મા ભટકતી રહે છે..એની મુક્તિ માટે એની લાશ ને જ્યાં દફનાવવામાં ત્યાંથી બહાર નીકાળી એને પુનઃ વ્યવસ્થિત રીતે દફનાવી દેવામાં આવે તો એની આત્મા ને મુક્તિ મળી જાય છે અને એનું શરીર એનાં કબીલાનાં જિન આવીને અંતિમવિધિ માટે લઈ જાય છે.."હસને પુસ્તકમાં લખેલી વાત શબ્દશઃ વાંચી સંભળાવી.

"ઈલિયાસ મોમીન નાં કહ્યા મુજબ મારાં અબ્બુ અને મામા એ શિરીન ની લાશ ને ખંડેરની પાછળ આવેલાં evil tree નીચે દફનાવી દીધી હતી..હા એટલે જ ત્યાં એ રહસ્યમયી આક્રંદ સંભળાતું હતું."નૂર કંઈક યાદ આવતાં બોલી.

"હા મેં પણ ત્યાં રેશમા ને બચાવવા ગયો ત્યારે એક સ્ત્રી નું આક્રંદ સાંભળ્યું હતું..શાયદ એ શિરીન નો જ અવાજ હતો.."નૂર ની વાત સાથે પોતાની સહમતિ દર્શાવતાં હસન બોલ્યો.

"તો હવે આગળ શું કરીશું..?"નૂરે પૂછ્યું.

"શું કરવાનું હોય યા અલ્લાહ કરીને નીકળી પડીએ એ ખંડેરની તરફ.."હસન જુસ્સા સાથે બોલ્યો.

હસન ની વાત સાંભળી નૂર નાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને મક્કમ ઈરાદાનાં ભાવ સાથે નૂર એ કાર ને યુટર્ન લઈને ખંડેર તરફ જતાં રસ્તા તરફ ભગાવી મુકી..!!

***

વધુ આવતાં અંકે.

નૂર અને હસન રેશમા ને કઈ રીતે બચાવશે..?? પુસ્તકમાં દર્શાવેલી વિધિ મુજબ સુદુલા કબીલાવાળા જિન નો ગુસ્સો શાંત થઈ જશે..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ: એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)