Check and Mate - 17 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચેક એન્ડ મેટ 17

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-17

ડેવિડ નાં પ્લાન મુજબ આકાશ સહાની નાં ઘરે રોબરી નું નક્કી થાય છે. નફીસા આકાશ સાથે રાત ગુજારવાનું બહાનું કરી એનાં ફાર્મહાઉસ પર આવે છે. ડ્રગ્સ વાળું ઈન્જેક્શન લેતાં જ આકાશ બેહોશ થઈ જાય છે.. બિરજુ ડોકટર ને બોલાવે છે.. ડોકટરના સ્વાંગમાં સુમિત, સોનુ અને સોનાલી આવી સિફતપૂર્વક રોબરી ને અંજામ આપે છે.. એ લોકોનાં નીકળ્યાં પછી નફીસા પણ ગોવિંદ ને પોતાને એરપોર્ટ મૂકી આવવાનું બહાનું કરી ત્યાંથી નીકળી જાય છે.. પણ રસ્તામાં ગોવિંદ જોવે છે કે પોલીસ એમનો પીછો કરી રહી હોય છે... હવે વાંચો આગળ... !!

***

ગોવિંદ અત્યારે કારને ફૂલ એક્સીલેટર મોડ પર ચલાવી રહ્યો હતો.. પોલીસ ની જીપ પણ બિલકુલ એમની કારની પાછળ પાછળ આવી રહી હતી.. ગોવિંદ જાણી ગયો હતો કે આ લોકો એમનો પીછો છોડવાનાં નથી.

આકાશ સહાની નાં ફાર્મહાઉસ પરથી નીકળી ગોવિંદે કારને પાલઘર તરફ મારી મૂકી હતી.. હવે એ ખંડાલા હાઇવે થઈને ઓમ જ્યાં ઉભો હતો એ લોનાવાલા તરફ જવા માંગતો હતો.. પણ પોલીસ ની જીપ એનો પડછાયા ની જેમ પીછો કરી રહી હતી.. એક બે વાર તો હમણાં હમણાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોય એવું ગોવિંદને લાગ્યું.. હવે કાર શીલફાટા થઈ મુલગોન પહોંચવા આવી હતી હતી.

"નફીસા લાગે છે આ લોકો આપણને પકડીને જ રહેશે.. "ગોવિંદે નફીસા ને ઉદ્દેશીને કહ્યું.

"તો હવે શું કરીશું.. ?"નફીસા એ પૂછ્યું.

"એક કામ કરૂં.. હું આગળ એક જગ્યાએ ટર્ન લઈને કારને બીજાં રસ્તે વાળી ને એ લોકો ને થોડાં છેતરી દઉં.. અને એ સમયે તમે કારમાંથી ઉતરી જજો.. એતો હું આગળ જઈને એ લોકો ને ગમે તે કરી ચકમો આપી દઈશ.. "ગોવિંદે આટલું કહી ને કારને એક રોડ ની સાઈડ પર યુટર્ન લઈને વાળી લીધી. ગોવિંદ ની આ તરકીબથી પોલીસની જીપ એમની કારથી પાછળ રહી ગઈ... અને જેવું ગોવિંદ ને લાગ્યું કે એ થોડાં સેફ ડિસ્ટનસે પહોંચી ગયો છે એને નફીસા ને કહ્યું.

"નફીસા તું અહીં ઉતરી જા.. "

ગોવિંદ ની વાત સાંભળી નફીસા નીચે ઉતરી ગઈ.. અને કહ્યું..

"તમે પણ સાચવજો.. "નફીસાનાં ઉતરતાં જ ગોવિંદે પાછી કારને રોડ પર ભગાવી મૂકી. જેવો ગોવિંદ કાર લઈને નીકળ્યો પાછળ પાછળ નફીસા એ પોલીસ ની જીપ ને પણ એની પાછળ જતી જોઈ.

નફીસા પોતે તો બચી ગઈ હતી પણ એને ગોવિંદ ની સાથે પોતાનાં અન્ય સાથીદારોની ઘણી ચિંતા થઈ રહી હતી.. આ દોડાદોડમાં લગભગ કલાક નીકળી ગયો હતો.. સુમિત અને અન્ય લોકોનું આકાશનાં ફાર્મહાઉસ પરથી નીકળે દોઢેક કલાક થવા આવ્યો હતો.. એટલે એ લોકો જરૂર ઓમ ઉભો હતો ત્યાં પહોંચી ગયાં હોવા જોઈએ એમ વિચારી નફીસા એ ઓમ નો નંબર ડાયલ કર્યો.

"હેલ્લો.. ઓમ.. ક્યાં છે.. બધાં આવી ગયાં ને.. ?"ઓમ દ્વારા કોલ રિસીવ કરતાં જ નફીસા એ પૂછ્યું.

"અરે આ તો સવાલ હું તને કરવાનો હતો.. હું ક્યારનોય તમારાં બધાની રાહ જોઉં પણ કોઈ આવ્યું કેમ નહીં.. વધારામાં ડેવિડ, સુમિત, સોનુ અને સોનાલી દરેક નો નંબર બંધ આવે છે.. ?"ઓમે કહ્યું.

"મને લાગે છે એ લોકો કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગયાં લાગે છે.. નહીંતો બધાં નાં નંબર એક સાથે બંધ તો ના જ આવે.. "નફીસા એ કહ્યું.

"તો તું ક્યાં છે.. તું હજુ ફાર્મહાઉસ પરથી નીકળી નથી કે શું.. ?"સવાલ પૂછતાં ઓમ બોલ્યો.

"ઓમ.. ડેવિડ જેવો એમ્બ્યુલન્સ લઈને ફાર્મહાઉસ પરથી નીકળ્યો એની દસેક મિનિટ પછી હું અને ગોવિંદ પણ નીકળી ગયાં હતાં.. બધું પ્લાન મુજબ જ થયું હતું.. સુમિત, મેં અને સોનુ એ આકાશ સહાની ની પુરી તિજોરી ખાલી કરી દીધી હતી.. બધાં બહુ ખુશ હતાં.. પણ હું અને ગોવિંદ હજુ તો માંડ હાઇવે પર ચડ્યાં હતાં ત્યાં તો પોલીસ ની જીપ અમારી પાછળ પાછળ આવતી જણાઈ.. "નફીસા એ કહ્યું.

"શું.. પોલીસ ની જીપ.. મતલબ આપણો આ પ્લાન લીક થઈ ગયો લાગે છે.. પણ તું એ તો જણાવ તું અને ગોવિંદ ક્યાં છો.. ?"ઓમે ચિંતિત સુરે પૂછ્યું.

"મને ખોપોલી જોડે આવેલ હાઈવે પર આવેલાં રિલાયન્સનાં પેટ્રોલ પંપ નજીક ઉતારી ગોવિંદ નીકળી ગયો છે.. "નફીસા એ કહ્યું.

"તું ચિંતા ના કર હું અડધા કલાકમાં ત્યાં પહોંચું છું.. નજીકમાં કોઈ પબ્લિક પ્લેસ હોય તો ત્યાં બેસ.. હું પેટ્રોલ પંપ પર આવીને તને કોલ કરું.. "ઓમે આટલું કહી કોલ કટ કરી દીધો.

ઓમ ની રાહ જોતી નફીસા એક કાફેમાં જઈને બેસી.. સપનું ક્યારે પૂરું થઈ જાય અને પૂરું થયેલું સપનુ પણ ક્યારે ચકનાચુર થઈ જાય એ વાત અત્યારે નફીસા થી વધુ કોઈ સમજી શકે એમ નહોતું.. !!

***

ઓમ પણ બીજું બધું વિચારવાનું પડતું મૂકી પોતાની પ્રેયસી, પોતાની જાન નફીસા ને બચાવવાનું અત્યારે પોતાનું પ્રાધાન્ય સમજી લોનાવાલા સર્વિસ રોડ પર આવેલાં જંગલ જેવાં વિસ્તારમાંથી નીકળી ને નીકળી પડ્યો નફીસા એ કીધું હતું એ ખોપોલી સ્થિત રિલાયન્સના પેટ્રોલ પંપ તરફ.

ડેવિડ નો પ્લાન હતો કે રોબરી પતાવી સુમિત, સોનુ અને સોનાલી ને લઈ એ એમ્બ્યુલન્સમાં અત્યારે જ્યાં ઓમ હાજર હતો ત્યાં પહોંચી જશે.. એમનાં આકાશ સહાની નાં ફાર્મહાઉસ પરથી નિકળતાની સાથે નફીસા ને પણ કોઈ બહાનું કરી ગોવિંદને લઈને ત્યાંથી નીકળી ને ત્યાંજ પહોંચવાનું છે.

અહીં પહોંચી એ બધાં ઓમ જોડે જે ઈનોવા કાર હતી એમાં બેસી નીકળી જશે મુંબઈ થી દુર.. આગળ ક્યાં જવાનું એ ડેવિડે કહ્યું નહોતું.. પણ બધાં જાણતાં હતાં કે ડેવિડ જોડે કોઈ નક્કર આયોજન જરૂર હશે.

ઓમ નફીસા ને હશીશ ની પડીકી આપી સીધો ઈનોવા લઈને ત્યાં લોનાવાલા આવી પહોંચ્યો હતો પોતાની ઈનોવા કાર લઈને.. ઓમ વિચારતો હતો કે બધું સમસૂતરું પાર પડતાંની સાથે જ એમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને એ નફીસા સાથે બાકીની જીંદગી રાજીખુશીથી પસાર કરી શકશે.. પણ અત્યારે તો પોતાની અને નફિસાની જીંદગી બચાવવી એજ મુશ્કેલ થઈ પડશે એવું ઓમને લાગતું હતું.

વિચારો ની સાથે પોતાની કાર ને બ્રેક મારી ઓમે કારને ખોપલીનાં રિલાયન્સ પેટ્રોલપંપ પર ઉભી કરી.. નીચે ઉતરી ઓમે આમ તેમ નજર દોડાવી પણ નફીસા ક્યાંય નજરે ના પડી એટલે ઓમે પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને નફીસાનો નંબર ડાયલ કર્યો.

"હેલ્લો.. નફીસા હું તે કહ્યું હતું ત્યાં આવી ગયો.. તું ક્યાં છે.. ?"ઓમે પૂછ્યું.

"હું અહીં પેટ્રોલપંપ સામે આવેલાં એક કાફેમાં છું.. તું ત્યાં ઉભો રહે હું બે મિનિટ માં જ બિલ પે કરીને આવું છું.. "નફીસા એ આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કર્યો.

બે મિનિટ માં તો નફીસા ઓમ ઉભો હતો ત્યાં આવી પહોંચી.. ઓમ ને જોતાં જ એ લગભગ દોડીને એને આવીને ભેટી ગઈ.. ઓમ પણ એને ચુસ્ત વળગીને રડી રહ્યો હતો.. નફીસા ની આંખમાં પણ આંસુ હતાં.. એક તો જીવનમાં મુશ્કેલીઓની કમી નહોતી અને એ મુશ્કેલીઓ દૂર કરવા જતાં બમણી મુશ્કેલીઓમાં ફસાઈ જતાં એ બંને નું મગજ અત્યારે કામ નહોતું આપી રહ્યું.

"નફીસા તું ઠીક તો છે ને.. ?"પોતાનાં બે હાથ વચ્ચે નફીસાનો ચહેરો લઈ ઓમે પૂછ્યું.

"હા ઓમ હું ઠીક છું.. પણ આપણા અન્ય સાથીઓ પર કોઈ મોટું સંકટ ટોળાતું હોવાનું મને લાગે છે.. "નફીસા એ કહ્યું.

"હા મને પણ એવું જ લાગે છે.. હવે આગળ શું કરીશું.. ?"ઓમે કહ્યું.

"ઓમ મારી વાત માન તો અહીંથી દૂર નીકળી જઈએ.. વધુ સમય અહીં રહેવું આપણાં બંને માટે યોગ્ય નથી.. "નફીસા એ કહ્યું.

"તું સાચું કહે છે.. પણ ક્યાં જઈશું.. ?"ઓમે સવાલ કર્યો.

"ઓમ મંજીલ જ્યાં લઈ જશે ત્યાં જવાનું.. હવે નિયતી જે કરે એ ખરું.. "ઓમ ની સાથે ઈનોવા ની આગળની સીટ પર બેસતાં નફીસા બોલી.

"પણ આપણે જે વિચાર્યું હતું.. જે સપનું જોયું હતું એ કઈ રીતે પૂરું થશે.. ?"ગાડીને સ્ટાર્ટ કરતાં ઓમે સવાલ કર્યો.

"ઓમ તું ચિંતા ના કર.. આપણાં બધાં સપનાં પુરા થઈ જશે.. તું બસ અહીંથી દૂર નીકળવાનું વિચાર.. "ઓમ નાં હાથ પર પોતાનો હાથ મૂકી નફીસા બોલી.

"પણ કઈ રીતે.. તે આપેલાં ડ્રગ્સનાં બે લાખ રૂપિયા સિવાય આપણાં જોડે શું છે.. આ ઈનોવા પણ ચોરી ની છે.. એટલે આને પણ ક્યાંક રસ્તામાં મૂકી દેવી પડશે.. "નિરાશ સુરમાં ઓમ બોલ્યો.

"ઓમ તારા આ સવાલનો જવાબ છે મારી આ હેન્ડ બેગમાં... "પોતાનાં ખભે રહેલી હેન્ડ બેગને ખોળામાં મૂકી એની તરફ ઈશારો કરતાં નફીસા બોલી.

"આમાં.. મતલબ.. "ઓમે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"જોઈલે.. ચોરી કરતી વખતે સુમિત અને સોનું જોડે રહેલી બેગ ફૂલ ભરાઈ જતાં મેં બાકીનાં દસેક કવર મારી આ હેન્ડ બેગમાં રાખી દીધાં હતાં.. "બેગની ચેન ખોલી અંદરના કવર બતાવતાં નફીસા એ કહ્યું.

"ખોલ તો ખરી કવર.. ખબર તો પડે અંદર કેટલી કેશ છે.. ?"ઓમે પૂછ્યું.

ઓમ ની વાત સાંભળી નફીસા એ કવર ફાડયું અને કવરનાં અંદર થી બે બે હજાર ની નોટનાં બંડલ ઈનોવાની આગળની ડેસ્ક પર રાખી ગણતરી શરૂ કરી.. એક.. બે.. ત્રણ.. એમ કરતાં કરતાં ગણતરી પચ્ચીસે પહોંચી ગઈ.

"ઓમ એક કવરમાં 2000 ની નોટનાં પચ્ચીસ બંડલ.. મતલબ પૂરાં પચાસ લાખ રૂપિયા.. બેગમાં દસ કવર છે એટલે કુલ રકમ પાંચ કરોડ.. "આંખોમાં ચમક સાથે નફીસાએ ઓમ તરફ જોઈને કહ્યું.

નફીસા ની વાત સાંભળી ઓમે એનો ચહેરો ચુમી લીધો.. અને ગાડી ને ભગાવી મૂકી મહારાષ્ટ્રથી ગુજરાત તરફ.. હવે ક્યાં જવાનું હતું એતો નસીબ જ નક્કી કરવાનું હતું.. પોતાનાં જોડે જેટલી કેશ હતી એમાં એમનું ભવિષ્ય તો સુરક્ષિત બની જ જવાનું હતું.. પણ ક્યાં સુધી એ લોકો પોલીસ ની પકડમાં નહીં આવે એનાથી એ બંને સાવ અજાણ હતાં.

***

હવે વાત કરીએ આકાશ સહાનીનાં ફાર્મહાઉસ પર શું બન્યું એની.. જેવાં સુમિત અને બીજાં લોકો એમ્બ્યુલન્સ લઈને ગયાં એનાં પછી નફીસા પણ બહાનુ બનાવી ગોવિંદ જોડે ભાગી ગઈ.. ત્યારબાદ બિરજુ આકાશ સહાનીનાં બેડ જોડે જ બેઠો હતો. બિરજુ આકાશનો સૌથી વફાદાર માણસ હતો.. અને બિરજુ પર આકાશનાં ઘણાં ઉપકાર હતાં.. એટલે એ બેહોશ આકાશનો ચહેરો તાકતો ત્યાં જ બેસી રહ્યો હતો.

અત્યારે 2:30 થવા આવી હતી. એમ્બ્યુલન્સ ફાર્મહાઉસમાંથી નીકળે થયે એકજેક્ટ બે કલાક થયાં ત્યાં પહેલાં માળે એક જોરદાર વિસ્ફોટ થયો.. જે સાંભળી બધાં એ તરફ દોડતાં પહોંચી ગયાં.. આ અવાજ સાંભળી આકાશ પણ બેહોશીમાંથી ઉભો થઈ ગયો.. અને બિરજુ ને પોતાની જોડે બેસેલો જોઈ ચમકી ઉઠ્યો.

"બિરજુ.. તું અહીં કેમ અને આ અવાજ શેનો હતો.. ?"પથારીમાંથી નીચે ઉતરતાં આકાશે કહ્યું.

"હું અહીં કેમ એ તમને પછી જણાવું.. પણ અવાજ ઉપરથી આવ્યો એવું લાગે છે.. અને તમે ભાનમાં આવી ગયાં એ માટે ભગવાનનો આભાર.. "બિરજુ એ કહ્યું.. બિરજુ ની વાત સાંભળી ના સાંભળી કરી આકાશ રૂમ ની બહાર દોડીને નીકળ્યો.. બિરજુ પણ એની પાછળ દોડતાં દોડતાં આવ્યો.

બંને પહેલાં માળે પહોંચ્યા જ્યાં અત્યારે બાકીનાં નોકરો અને બે ચોકીદારો ટોળે વળ્યાં હતાં.. આકાશ સહાની ને જોઈ એ લોકો થોડાં દૂર ખસી ગયાં.. એ લોકો જ્યાં એકઠાં થયાં હતાં એ જગ્યા બાથરૂમ ની જોડે આવેલ એક કેબિન હતી.. આ કેબિન માં CCTV કેમેરાની બધી ફૂટેજનું મોનીટરીંગ થતું અને એનો બધો ડેટા પણ સ્ટોર થતો. અહીં જ એ વિસ્ફોટ થયો હતો.

અહીં વિસ્ફોટ થવા પાછળનું કારણ ડેવિડે અહીં રાખેલો ટાઈમ બૉમ્બ હતો.. ડેવિડ જ્યારે પ્લમ્બર વેશ ધરી કેબિન ની જોડે આવેલાં બાથરૂમ માં ઘૂસ્યો ત્યારે બાથરૂમ અને કેબિન વચ્ચેનાં વેન્ટિલેટર નો ઉપયોગ કરી કેબિનમાં આવ્યો અને બૉમ્બ ત્યાં ગોઠવી દીધો.. જ્યારે એ લોકો 2 કલાક પહેલાં એમ્બ્યુલન્સ લઈને નીકળ્યાં ત્યારે ડેવિડે રિમોટ વડે એ બૉમ્બ એક્ટિવેટ કરી દીધો હતો.. જે બ્લાસ્ટ થવાનો ટાઈમ પ્રિયડ હતો બે કલાક.. આ સમય સુધી આકાશ ભાનમાં નહીં આવે અને એ લોકો સુરક્ષિત મુંબઈથી બહાર નીકળી જશે એવી ડેવિડ ની ગણતરી હતી.

"અહીં બ્લાસ્ટ.. પણ કઈ રીતે.. ?" આકાશે ગુસ્સેથી પૂછ્યું.. આકાશનાં સવાલનો કોઈ જોડે જવાબ નહોતો એટલે એ બધાં નતમસ્તક ઉભાં રહી ગયાં.

અચાનક મગજમાં કંઈક ઝબકારો થતાં આકાશ પોતાનાં રૂમ તરફ દોડ્યો.. બિરજુ પણ એની પાછળ જ દોડીને રૂમ માં આવ્યો.

આકાશે રૂમ માં આવતાં જ અલમારી ખોલી અને બધાં કપડાં બેડ પર ફેંકી દીધાં.. ત્યારબાદ અંદરનો સ્લાઈડિંગ ડોર ખસેડીને અંદર પ્રવેશ્યો.. આ બધું જોઈ બિરજુ તો આંખો ચોળતો રહી ગયો.. અંદર પ્રવેશી આકાશે લાઈટ કરી અને પછી વોલ્ટ ને પાસવર્ડ નાંખી ખોલ્યું.. તો વોલ્ટ બિલકુલ ખાલી હતું.. વોલ્ટ ને ખુલ્લું મૂકીને આકાશ ફટાફટ બહાર આવ્યો અને આવીને બિરજુ ને પૂછ્યું..

"બિરજુ તું કહે છે કે હું બેભાન થઈ ગયો હતો તો સાચું બોલ કે મારાં બેભાન થયાં પછી શું થયું.. ??અને મારી જોડે એક મોહતરમા હતી એ અત્યારે ક્યાં છે.. ?"આકાશનાં અવાજમાં ગુસ્સો સાફ જણાતો હતો.

બિરજુ એ આકાશને ત્યારબાદ એનાં બેભાન થયાં પછી શું થયું એ વિશે રજેરજની માહિતી આપી.. આકાશને હજુપણ એ ખબર નહોતી પડી રહી કે એ બેભાન કઈ રીતે થઈ ગયો હતો.. એને બિરજુ ની વાત સાંભળી એવું જ લાગતું કે સાચેમાં એ ડ્રગ્સ ઓવરડોઝ નો શિકાર બન્યો હતો.. પણ અદિતિ તો ત્રણ દિવસ પછી જવાની હતી તો એને આજે એવું કેમ કહ્યું કે આજે એની ફલાઈટ છે.

અચાનક આકાશ સહાની નું મગજ બુલેટ ટ્રેન ની સ્પીડે ચાલવા લાગ્યું.. અદિતિ નું કેરેકટર એને શંકાસ્પદ લાગવા લાગ્યું હતું.. બાકી ત્યાં આવેલાં બધાં ડોક્ટરો ફ્રોડ હોવાનું એ તરતજ સમજી ગયો હતો.. અને ગોવિંદે એ ડોક્ટર ને બોલાવ્યો હતો એટલે ગોવિંદ પણ એની શંકા ની સોય માં હતો.

"આકાશ શેઠ શું થયું.. મારી કોઈ ભૂલ થઈ ગઈ.. ?"બિરજુ એ આકાશનાં ચહેરાનાં હાવભાવ અને આ ગુપ્ત દરવાજો જોઈ કંઈક અજુગતું બની ગયું હોવાનું લાગતાં આકાશને પૂછ્યું.

"હા ભાઈ.. બહુ મોટી વસ્તુ બની ગઈ છે.. આપણી આટલી ટાઈટ સિક્યુરિટીમાં કોઈએ છીંડું પાડી આપણાં નાક નીચેથી 225 કરોડ ની માતબર રકમ ચોરી લીધી છે.. "આકાશે બિરજુ ને હકીકત થી વાકેફ કરતાં કહ્યું.

225 કરોડ ની વાત સાંભળતા જ બિરજુ ને તો ધ્રાસકો પડ્યો.. એની પછી ગુસ્સામાં કહ્યું.

"હે ભગવાન.. આટલી હિંમત એ લોકોની.. તમે હાલ જ પોલીસ ને કોલ કરો.. એ લોકો વધુ દૂર નહીં ગયાં હોય.. "

"ના બિરજુ પોલીસ ને કોલ કરાય એવો નથી.. તું બહાર જઈને બધું ઠીક કર અને બીજાં નોકરો ને એ કેબિન જોડેથી દૂર કરી.. હું ગુરુજી ને આ વિશે જાણ કરું.. કેમકે આ બધી કેશ એમની હતી.. "આકાશે આટલું કહી ગુરુજી ને કોલ લગાવ્યો.. આ ગુરુજી એટલે યોગેન્દ્ર ગુરુ.. આકાશની વાત સાંભળી બિરજુ બહાર નીકળી ગયો.

બિરજુ નાં બહાર જતાં જ આકાશે યોગેન્દ્ર ગુરુ ને કોલ કર્યો.. બે ત્રણ રિંગ વાગતાં જ યોગેન્દ્ર ગુરુએ આકાશનો કોલ રિસીવ કર્યો .

"આકાશ કેમ આમ અડધી રાતે કોલ કરવાની નોબત આવી.. ??બધું ઠીક તો છે ને.. ?"યોગેન્દ્ર ગુરુએ ચિંતિત સ્વરે પૂછ્યું.

"ગુરુજી ચોરી.. મારાં ફાર્મહાઉસ પર ચોરી થઈ ગઈ છે.. તમારી બધી કેશ અને આજે આવેલું પેલું પેકેટ બધું ચોરાઈ ગયું છે.. "આકાશે રડતાં રડતાં બધી વાત કરી.. અને આજે શું થયું એ વિશે ગુરુજી ને વિગતવાર જણાવ્યું.

"આકાશ તું જાણે છે ને એ પેકેટમાં શું હતું.. how can you be so Irresponsible.. ??.. પણ તને તો કંઈ થયું નથી ને.. "યોગેન્દ્ર ગુરુના અવાજમાં ગુસ્સો અને લાગણી બંને સ્પષ્ટ જણાતાં હતાં.

"Sorry.. આમાં મારી જ ભૂલ છે.. "આકાશે દિલગીર અવાજે કહ્યું.

"હવે જે થયું એ.. હવે કઈ રીતે એ ચોરો જોડે પહોંચવું એ વિશે વિચારવાનું છે.. અત્યારે તો રાતનાં 3 વાગ્યાં એટલે હું નથી આવતો પણ સવાર પડતાં જ હું ત્યાં આવું છું.. તું ચિંતા ના કરીશ.. "આટલું કહી યોગેન્દ્ર ગુરુ એ કોલ કટ કરી દીધો.

યોગેન્દ્ર ગુરુ નો કોલ કટ થતાં જ આકાશ સહાનીનાં ચહેરાના હાવભાવ સાવ બદલાઈ ગયાં.. એનાં ચહેરા પર ની ઉદાસી અત્યારે સ્મિત માં બદલાઈ ગઈ.. એ જોરજોરથી હસવા લાગ્યો.

ત્યારબાદ આકાશે એક નંબર પર કોલ લગાવ્યો પણ સામેથી કોઈએ કોલ રિસીવ ના કર્યો.. આ એજ નંબર હતો જેનાં પર કોલ કરી આકાશે પેકેટ વાળી વાત ની માહિતી આપી હતી. આકાશે બે ત્રણ વાર પ્રયત્ન કરી જોયો પણ કોઈએ કોલ રિસીવ ના કર્યો એટલે એ ગુસ્સામાં બોલ્યો.

"એની માં ને.. સાલો કોલ પણ નથી ઉપાડતાં.. લાગે છે ચોરી કરીને નસકોરાં બોલાવતો હશે.. હવે કાલે સવારે કોલ કરું.. પણ ગજબ છે સાલા ની કારીગરી મને પણ ખબર ના પડી અને મારાં ઘરે ચોરી કરી લીધી.. "આટલું કહી આકાશ હસતો હસતો તાળીઓ પાડવા લાગ્યો.

વધુ આવતાં અંકે.

ડેવિડનાં ફૂલપ્રુફ પ્લાન વિશે કઈ રીતે પોલીસ ને ખબર પડી ગઈ..?? ડેવિડ અને એની સાથે એમ્બ્યુલન્સમાં હાજર બીજાં ત્રણ લોકો નું શું થયું.. ?? આકાશે કોને કોલ લગાવ્યો હતો.. ?? આ પેકેટનું રહસ્ય શું હતું.. ?? નફીસા અને ઓમ પોલીસ થી કેટલો સમય બચી શકશે.. ?? આ સવાલોના જવાબ માટે વાંચતા રહો ચેક એન્ડ મેટ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.. મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર.. !!

-જતીન. આર. પટેલ