Parnelu Shiyad in Gujarati Children Stories by Ashq Reshammiya books and stories PDF | પરણેલું શિયાળ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પરણેલું શિયાળ

પરણેલું શિયાળ...

એક વખતની વાત છે.

એક હતું શિયાળ.એ બહું ચતુર હતું.

એક વખત આ શિયાળને બહું જ ભૂખ લાગી હતી. બહું રખડ્યું પણ ખોરાકનો કોઈ મેળ બેઠો નહી.

એવામાં એ ખોરાકની શોધમાં ભટકતું ભટકતું ગામની ભાગોળે આવી ચડ્યું. આખરે થાકી-પાકીને લોથપોથ થઈ પાદરે આવેલ વડના વિશાળ વૃક્ષ નીચે આવીને બેઠું.

ઉનાળના કાળઝાળ દિવસો હતા. બપોરની વેળા હતી.સર્વત્ર શૂનકાર છવાયેલ હતો. સૂરજદાદા 'દાદા' તરીકેનું વહાલ વીસરીને મુશળધાર તાપ વરસાવી રહ્યાં હતાં.

ભૂખથી રિબાતા શિયાળને નીંદર તો આવી નહી પણ અચાનક એક વિચાર આવ્યો.એ મનમાં બબડ્યું:'ભાઈ..! જંગલના ભોજન તો રોજ જમીએ છીએ પણ આજે અમસ્તા જ ગામને પાદરે આવી જવાયું છે તો કેમ ન આજે ગામલોકોની મીઠી વાનગી આરોગીએ!' વિચારતાં-વિચારતાં એના મોં માંથી લાળ ટપકવા લાગી.

એટલામાં ક્યાંકથી ઢોલનો અવાજ શિયાળના કાને ઊતર્યો.એણે પહેલીવાર આવો અવાજ સાંભળ્યો હતો.એ વિચારમાં પડી ગયું કે આ તે વળી શાનો અવાજ!એને થયુ ચાલ ગામમાં જઈને જોઈ તો આવું કે આ છે શું ?

એ તો કૂતરાથી અને લોકોથી લપાતું છુપાતું ઢોલ વાગતો હતો ત્યાં આવી ચડ્યું.

ગામમાં કોઈના લગ્ન હતાં.જમણવાર ચાલું હતું.જાતજાતના અને ભાતભાતના ભોજન જોઈને શિયાળ તો રાજીના રેડ બની ગયું. એ છાનું માનું લપાતું લપાતું જમવાના ટેબલ નીચે જઈને બેઠું.પછી ચૂપકેથી મોહનથાળ, બુંદી, શીખંડ, હલવો, શીરો વગેરે હોંશેહોંશે પેટ ભરીને ખાધું.ત્યારબાદ છાશના કેન પાસે જઈને ઠંડી-ઠંડી છાસ પીધી!

એણે તો આનંદના ઓડકાર લીધા.

થોડીવારે એ લગ્નમંડપમાં પહોચ્યું. ત્યાંની ભવ્ય જહોજલાલી જોઈને શિયાળ તો આભું જ બની ગયું! ઘડીકવાર એને લાગ્યું જાણે એ સ્વર્ગમાં મહાલી રહ્યું છે.લગનમંડપમાં એણે બધું જ ફરી ફરીને જોયું.આ બધો ભપકો જોઈને એ ઘેલું ઘેલું બની ગયું.

શિયાળને હવે સમજાઈ ગયું હતું કે આ બધું શું છે!

એ મનમાં જ બબડ્યું:'અચ્છા, તો અહી કોઈ બે પાંદડે થાય છે! પરણવાની લીલાઓ છે આ બધી! એની જ આ બધી રુઆબદારી છે હો!'

પાછું થોડું અટકીને ફરીવાર બોલ્યું:'વાહ રે! માનવજાત વાહ!તું કેટલી ભાગ્યશાળી કે તારે આવા જલસા જ જલસા છે. જીંદગી તો ખરેખર તું જ જીવી જાણે છે હો!બાકી અમે તો વનમાં ભટકનારા, ભૂખ્યા ભમનારા અમારા ભાગ્યમાં આવી મિજબાની, આવા મહોત્સવ શાના?'

એવામાં એક જગ્યાએ એણે એક બોર્ડ જોયું. એમાં લખ્યું હતું : શાદી મુબારક!

આ વાંચીને શિયાળ ફરી નવાઈ પામી ગયું.

આમ બબડતું શિયાળ મંડપમાંથી નીકળી જંગલમાં જવા રવાના થયું.

લગનમંડપના દરવાજે જ એણે વરરાજાને જોયો.એમનો ઠસ્સો જોઈને શિયાળને પણ પરણવાનું મન થઈ આવ્યું!લગન કરવાના વિચારે આનંદમાં આવીને એ ફેર ફુંદરડી ફરવા લાગ્યું. એવામાં કેટલાંક બહાદુર કૂતરાઓની નજર શિયાળ પર પડી.

શિયાળે કૂતરાઓને આવતા જોયાં ને એ જંગલની વાટે થયો!

શિયાળ હેમખેમ જંગલ પહોચ્યું!

બીજા દિવસે એણે પણ પોતાના લગનની તૈયારી કરવા માંડી.એના ઉરમાં આનંદ નહોતો સમાતો.લગનના ઉમળકામાં એ ફૂલીને ફાળકું થઈને ફરવા લાગ્યું.એણે આખા જંગલમાં કંકુતરી વહેંચવા માંડી.

પળભરમાં તો આખા જંગલમાં વાત વહેતી થઈ કે શિયાળ પરણે છે!

એક શુભ સવારે શિયાળના લગનનો મહામાંડવો રોપાયો.ચારેબાજું લીલાછમ્મ તોરણો બાંધ્યા હતાં.ચારેકોર પુષ્પોની ફોરમ રેલાવા લાગી.

મહેમાનોનું સ્વાગત કરવા મુખ્ય દરવાજે વનલતાઓને બેસાડી રાખી હતી.આમંત્રિતોને નહાવા માટે નદીઓના નીર લાવી રાખ્યા હતા.પાણી પીવા માટે ડુંગરદાદા પાસેથી ઝરણાઓને તેડાવી લીધા હતાં.જાત-જાતના ને ભાત-ભાતના ભોજનની તૈયારીઓ થઈ ગઈ હતી.આખું જંગલ જાણે લગનની વેદીએ ચડવા થનગની રહ્યું હતું.

વહેલી સવારે શિયાળનો વરઘોડો નીકળ્યો.

દૂર દૂરથી આવેલ મહેમાન પ્રાણીઓ- પક્ષીઓ એમાં જોડાયા.

કોયલબેન મધુર સંગીત રેલાવી રહી હતી.

બપૈયાભાઈ શરણાઈના સૂર રેલાવી રહ્યાં હતાં.

કાબરબેન અને ચકલીબેન લગનગીત ગાઈ રહી હતી.

મોર અને ઢેલ ફેરફુંદરડી ફરી રહ્યાં હતાં.

સિંહ, વાઘ અને દીપડો ત્રાડ નાખી-નાખીને જાણે ફટાકડા ફોડી રહ્યાં હતાં.

રીંછ, હાથી, હરણ, સાબર, ઝીબ્રા, જિરાફ વગેરે પ્રાણીઓ ડિસ્કો-ડાન્સ કરીને સૌના મન મોહી રહ્યાં હતાં.

આખું જંગલ લગનની ધુમધામમાં આનંદ-આનંદ કરી રહ્યું હતું.

શિયાળના આનંદનો કોઈ પાર રહ્યો નહી.પોતાના લગનની આવી જહોજલાલી જોઈને એ મનમાં ને મનમાં ખૂબ જ હરખાતું હતું. એ સ્વગત બોલ્યું:'અરે, માનવજાત! તારા તે વળી લગન કેવાં? તારા લગનમાં તો ફક્ત તારા સગાસંબંધીઓ જ મહાલે છે.જ્યારે અહીં જો, મારા લગ્નની જહોજલાલી! અહીં કેવું સઘળું વન ઉમટ્યું છે!'

આમ બબડતું એ મનમાં બહું જ હરખાયું.

શિયાળ રંગે ચંગે પરણી ગયું.

શિયાળના લગનનો ઉમળકો અને વૈભવ જોઈ સિંહ અને વાઘને પણ પરણવાના કૉડ જાગ્યા!

પરણ્યા પછી શિયાળ જંગલમાં વટભેર ફરવા લાગ્યું.પોતાની ચતુરાઈ અને હોશિયારી પર બેવડ વળીને એ સાતમાં આસમાને વિહરવા લાગ્યું.

એ જંગલમાં રોજ એક કઠિયારો લાકડા લેવા આવતો હતો.

એકવાર લાકડા વીણતો-વીણતો કઠિયારો શિયાળની ઝુંપડી પાસે આવી પહોચ્યો.પહેલા તો કઠિયારો વિચારમાં પડી ગયો, પરંતું નજીક આવીને દરવાજા પરનું બોર્ડ વાંચ્યું તો એ આભોજ બની ગયો!બોર્ડમાં અગ્રેજીમાં લખ્યું હતું:'A married fox's house.'(લગ્ન કરેલ શિયાળનું ભવન)

વિચાર કરતો-કરતો કઠિયારો શિયાળની ઝુંપડીની પાછળ આવેલ ઝાડ કાપવા લાગ્યો.

શિયાળે અવાજ સાંભળ્યો.એ દોડતું બહાર આવ્યું.એના હાથમાં લાકડી હતી.

એણે બૂમ પાડી:'અલ્યા!આ ઝાડને કોણ કાપે છે?'

કઠિયારાએ સાંભળ્યું ન સાંભળ્યું કરીને ઝાડ કાપવાનું ચાલું જ રાખ્યું.

શિયાળને ક્રોધ ચડ્યો.એણે ગુસ્સામાં બીજી બૂમ પાડી, 'અલ્યા...! કહું છું કોણ ઝાડને કાપે છે ?સંભળાતું નથી?'

કઠિયારાએ ધીમેથી ઉત્તર વાળ્યો:'અરે, શિયાળભાઈ ! એ તો હું કઠિયારો.'

' અરે, કઠિયારો હોય કે બઠિયારો! ઝાડ કાપવાનું રહેવા દે હવે.'

'કેમ ઝાડ તે કંઈ તારા બાપનું છે?'હવે કઠિયારો પણ ગુસ્સે થયો.

આ સાંભળીને શિયાળ લાલપીળું થઈ ગયું.એ લાકડી ઉગામી ક્રોધાવેશમાં બોલ્યો:'હા..હા… આ ઝાડ તો શું પણ આ આખું જંગલ મારું ને મારા આખા જંગલના પ્રાણીઓના બાપનું છે.હવે જા.ચાલ્યો જા.ને કાલથી આ બાજું આવતો નહી.નહી તો તારી ખેર નહી રહેવા દઉં.' આમ કહેતું શિયાળ કઠિયારાની પાછળ દોડ્યું. ભેગી એની શિયાળવી પણ હાથમાં વેલણ લઈને દોડી!

કઠિયારાએ જીવ બચાવવા ગામ ભણી દોટ મૂકી.દોડતો-દોડતો એ ગામને ગોંદરે આવી ગયો.ત્યાં આઠ-દશ માણસો ટોળટપ્પા મારી રહ્યાં હતાં.એમણે કઠિયારાને લાકડા વગરનો અને દોડતો આવેલ જોઈ પૂછવા માંડ્યું:'કેમ ભાઈ, આજે લાકડા વગરનો? અને પાછો દોડતો? કંઈ ખરાબ તો બન્યું નથીને?'

થાક ઉતારીને કઠિયારાએ પોતાની વીતક કથની કહી સંભળાવી.વાત આખા ગામમાં ફેલાણી. ગામલોકોએ એ જ ઘડીએ પોતાના કામ મૂકીને જંગલમાં શિયાળની ઝુંપડી તરફ દોટ મૂકી.

શિયાળ હજી ઝુંપડીની બહાર જ બેઠું હતું.

ગામ તરફથી માણસોનો કાફલો આવતો જોયો.એટલે એ બીકનું માર્યું ઝુંપડીના ખૂણામાં ભરાઈ બેઠું?

શિયાળવી ઝુંપડીના દરવાજે જ બે હાથ જોડીને ઊભી હતી.

ઝુંપડી આવતાં જ ટોળામાંના એકે બૂમ પાડી, 'એય.… શિયાળવી...!ક્યા છે તારો શિયાળ?બહાર કાઢ! મૂવા મગતરાને જમીનદોસ્ત કરી નાખીએ!'

હાથ જોડતી શિયાળવીએ નમ્રતાથી કહ્યું:'મહારાજ તો જંગલમાં ભ્રમણ કરવા ગયા છે.એ તો મોડા આવશે કિન્તું એમની ભૂલ બદલ હું માફી માગી લઉં છું.હવે અમને માફ કરી દો.'

'કેવો તારો મહારાજ ને કેવી તારી વાત! સાલું શિયાળવું અંદર જ હશે!' બોલતાંક ને લોકોએ ઝુંપડી ઉખેડવા માંડી.પેલા બોર્ડના ટુકડા કરીને ફેંકી દીધા. એટલામાં કોઈએ ઝુંપડીને આગ ચાંપી.

ડરી ગયેલું શિયાળ કાકલુદી કરતું ઝપાટાભેર બહાર દોડી આવ્યું.એણે સાષ્ટાંગ પ્રણામ કરી કઠિયારાની અને લોકોની માફી માંગી.

કઠિયારાએ શિયાળાનો કાન આમળતાં કહ્યું:'કેમ બેટા...! હવે આવ્યો ને રસ્તે? તું તો જંગલનો રાજા થયો છે ને જંગલ તારું અને તારા બાપનું છે તો હવે કેમ આમ ઘુંટણિયે પડ્યો છે?'

એક જણે વળી પૂંછડી ખેંચતાં બોલવા માંડ્યું:'કાં....! શિયાળવા...! સાલા અમારી જ નકલ કરીને અમને જ ડરાવવા બેઠો છે?બોલ, હવેથી આ નાટક કરીશ?'

શિયાળ અને શિયાળવીએ કાન પકડ્યા.

પવનવેગે જંગલમાં વાત ફેલાઈ.બધાં પ્રાણીઓ શિયાળના ખબરઅંતર પૂછવા આવ્યા.

શિયાળની હાલત જોઈને સિંહ અને વાઘભાઈએ પણ પરણવાના વિચારને સળગતી ઝુમપડીમાં બાળી મૂક્યાં.

આમ, શિયાળને ચાલાકી ભારે પડી.