Check and Mate - 7 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચેક એન્ડ મેટ 7

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની

ભાગ ૭

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં લકી ગેસ્ટહાઉસ ના મેનેજર સુમિત અને સમલૈંગિક એવા સોનુ ની જીંદગી વિશે સાંભળ્યા પછી ત્યાં હાજર યુગલ અને ઓમ નામનો યુવક વારાફરથી પોતપોતાની લાઈફ નું સત્ય ઉજાગર કરે છે. ઓમ ની વાત પૂર્ણ થતાં ત્યાં હાજર નફીસા નામ ની યુવતી પોતાનાં ભુતકાળ વિશે જણાવે છે કે એના હાથે કઈ પરિસ્થિતિ માં એક વ્યક્તિ ની હત્યા થઈ ગઈ હતી..હવે વાંચો આગળ...!!

***

"સપનાં ને સિદ્ધ કરવાં તો દૂર ની વાત રહી પણ મુંબઈ માં આવ્યાં પછી ખબર પડી કે અહીં કઈ રીતે જીવવું અને ટકવું મુશ્કેલ થી અતિ મુશ્કેલ છે..દૂર થી દેખાતી દરેક સુંદર વસ્તુ તમે ધારો એવી ના પણ નીકળે એવું મને ફિલ્મ ઇન્સ્ટ્રી થી અવગત થયાં પછી ખબર પડી.."

"મારાં જેવી હજારો યુવતી ઓ ભારત ના જુદાં જુદાં શહેરો અને ગામડાં માં થી પોતાની કિસ્મત ફિલ્મ લાઇન માં અજમાવવા મુંબઈ આવતી..એમાં થી આંગળી ના વેઠે ગણાય એટલી યુવતી ઓ થોડે ઘણે અંશે સફળ થતી પણ મોટાભાગ ની બીજી યુવતી ઓ ગુમનામી ના અંધારા માં ખોવાઈ જતી..જેના માં થોડી ઘણી હિંમત હોય એ પાછી પોતાનાં ઘરે જતી રહેતી જ્યારે બાકીની મારાં જેવી યુવતીઓ એડજસ્ટ કરીને મુંબઈ માં પોતાની લાઈફ સેટ કરવામાં લાગી જતી..!"

"હું પણ શરૂવાત ના દિવસો માં નાનું મોટું કામ મેળવવા અહીં તહીં ભટકતી રહેતી..કોઈ સારું કામ મળી જવાની આશા એ મેં ઘણા પ્રોડક્શન હાઉસ ના ચક્કર લગાવ્યા,ઘણા ઓડિશન આપ્યાં પણ બધે મને નિષ્ફળતા જ હાથ લાગી..ઘણા બધાં પ્રયાસો પછી પણ મુંબઈ માં મારા હાથ કંઈ કામ ના લાગ્યું, જોડે લઈને આવી હતી એ બધાં રૂપિયા પણ ખર્ચ થઈ ગયાં હતાં..હવે પાછું બિકાનેર જતું રહેવું એજ એક વિકલ્પ વધ્યો હતો મારા જોડે..પણ અબ્બુ નો સામનો કરવાની હિંમત મારા માં નહોતી. નાની મોટી નોકરી શોધી જીવનનિર્વાહ કરવાના વિચાર થી મેં જોબ શોધવાની શરૂ કરી દીધી.

"હું જોબ ની તલાશ માં આમ તેમ ભટકતી હતી ત્યારે મારી એક દોસ્ત અનુ દુબે કે જે "ઊડતી ચીડિયા" નામ ની સિરિયલ માં નાનકડો રોલ કરતી હતી એનો કોલ આવ્યો..એને મને જણાવ્યું કે એક ફેસ વોશ ની એડ છે..જો તું ઇચ્છતી હોય તો તને એના માટે થઈ રહેલાં ઓડિશન માં સિલેક્ટ કરી આપવાની જવાબદારી મારી કેમકે એ સિલેક્શન મારો બોય ફ્રેન્ડ જ કરી રહ્યો છે..એની વાત સ્વીકારવા સિવાય મારાં જોડે બીજો કોઈ વિકલ્પ વધ્યો જ નહોતો..ડુબતા ને તરણું પણ સહારો..એમ વિચારી મેં તુરંત હામી ભણી દીધી..!!

"એ એડ કરવાથી મને થોડાં ઘણાં પૈસા મળી ગયાં જેને મને હજુ બૉલીવુડ માં હજુપણ કોશિશ કરવાની હિંમત પુરી પાડી..ત્યારબાદ નાની મોટી એડ અને આલ્બમ માં એક્સ્ટ્રા નો રોલ કરી ને હું ગમે તેમ કરીને મુંબઈ માં ટકી રહી..ત્રણ વર્ષ આમ ને આમ વીતી ગયાં..એમ કહું કે મેં આ ત્રણ વર્ષ સંઘર્ષ કરી વિતાવ્યાં તો એ ખોટું નહીં કહેવાય.."

"સમય જેમ જેમ પસાર થતો ગયો એમ એમ હિરોઈન બનવાનું મારું સપનું ચકનાચૂર થઈ જતું મને લાગી રહ્યું હતું..પણ ઘણી વાર એવાં ચમત્કાર ઉપરવાળો કરી દેતો હોય છે જેની કલ્પના સામાન્ય મનુષ્ય નથી કરી શકતો..આવો જ એક ચમત્કાર મારી સાથે થયો..એક આલ્બમ નું હું લોનાવાલા શૂટિંગ કરી રહી હતી ત્યારે મારાં નમ્બર પર એક અનનોન નમ્બર પર થી કોલ આવ્યો.."

"Hello.. કોણ વાત કરો..?"મેં ફોન ઉપાડતાં જ કહ્યું.

"Hi..હું mr. સાનિધ્ય શર્મા વાત કરું..રાજવી ફિલ્મસ માં થી..તમે મીસ નફીસા વાત કરો..?"સામે થી એક વ્યવસ્થિત અવાજ સંભળાયો.

રાજવી ફિલ્મસ બૉલીવુડ માં બહુ મોટી ફિલ્મ પ્રોડક્શન કમ્પની ગણાતી.. એમાં થી આવેલો કોલ મારી લાઈફ ની સૌથી મોટી ખુશી લઈને આવ્યો હતો..એટલે બે ઘડી તો હું વિશ્વાસ જ ના કરી શકી કે મારાં પણ રાજવી ફિલ્મસ માં થી કોલ આવ્યો..થોડી કળ વળ્યાં બાદ મેં હળવેક થી પૂછ્યું..

"હા..હું નફીસા વાત કરું..બોલો શું કામ હતું..?"

"નફીસા જી અમારી અપકમિંગ મુવી "બડે ભૈયા કી શાદી" માટે તમે ઓડિશન આપ્યું હતું..તો તમને એ જણાવતાં આનંદ ની લાગણી થાય છે કે તમારું સિલેક્શન થઈ ગયું છે.congrats.."મારી લાઈફ ની સૌથી મોટી ખુશખબર આપતાં mr. સાનિધ્ય એ કહ્યું.

"Thanks so so much.."હું આનંદ ના અતિરેક માં ધન્યવાદ ના સુર માં બોલી.

"એમાં thanks શેનું..એતો તમારી મહેનત અને લગન ના લીધે આ બધું શક્ય બન્યું છે..પણ તમારે એક કામ કરવાનું રહેશે.."સાનિધ્ય એ કહ્યું.

"હા બોલો.."મેં કહ્યું.

"તમારે એક ફાઈનલ ઓડિશન આપવાનું રહેશે ત્રણ દિવસ પછી સાંજે પાંચ વાગે.એડ્રેસ છે વિરાની બંગલો,વિલે પારલે ઈસ્ટ.."સાનિધ્ય એ જણાવ્યું.

"વિરાની બંગલો ના માલિક તો આશુતોષ વિરાની છે ..એજ વિરાની બંગલો.?"મેં સવાલ કર્યો.

"હા..mr.. આશુતોષ જ આ ફિલ્મ ના પ્રોડ્યુસર છે અને એમનાં કહેવાથી જ તમારું સિલેક્શન થયું છે.."સાનિધ્ય એ કહ્યું.

"Sure.. હું પહોંચી જઈશ.."મેં આટલું કહ્યું એટલે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

"હું એ દિવસે ખૂબ ખુશ હતી..આખરે મારુ સપનું પૂરું થવા જઈ રહ્યું હતું..કેરિયર નો પહેલો બ્રેક પણ મને મળવાનો હતો રાજવી ફિલ્મસ તરફથી..જેમની દરેક ફિલ્મો બ્લોકબસ્ટર બની રહેતી..આખરે એ દિવસ આવી ગયો..હું સાનિધ્ય ના કહ્યા પ્રમાણે સમયસર વિરાની બંગલો પહોંચી ગઈ.."

"લગભગ દસ એકર માં ફેલાયેલા વિરાની બંગલો ની ભવ્યતા જોઈને જ આંખે વળગે એવી હતી..ધ્રુજતા પગલે હું બંગલા નો મુખ્ય ગેટ ખોલી અંદર પ્રવેશી..આરસપહાણ નો બનેલો મહેલ સમાન આ બંગલો ઘણી ફિલ્મો ના શૂટિંગ માટે પણ યુઝ થઈ ચૂક્યો હતો..જેવી હું અંદર આવી એટલે મેઈન હોલ માં રાખેલાં સોફા પર થી એક ત્રીસેક વર્ષ નો પુરુષ મારી તરફ આવ્યો અને પોતાનો હાથ હેન્ડશેક ની મુદ્રા માં લંબાવીને બોલ્યો..

"Hello.. મિસ નફીસા..મારુ નામ mr.સાનિધ્ય છે..રાજવી ફિલ્મસ ની સિલેક્શન ની બધી જવાબદારી મારી હોય છે..આ ફિલ્મ માં નાના ભાઈ ના રોલ માટે રિક્કી વર્મા ની પસંદગી થઈ ચૂકી છે..એની ઓપોઝિટ તમને સાઈન કરવાના છે.."

મેં પણ હાથ મિલાવીને અભિવાદન સ્વીકારતાં કહ્યું.."એ મારાં માટે ખૂબ ખુશી ની વાત છે.."

"આ છે mr.જયદીપ વિરાની..વિરાની ગ્રૂપ ના માલિક અને આ ફિલ્મ ના પ્રોડ્યુસર.."સોફા માં બેસેલા એક સજ્જન લાગતાં પચાસ પંચાવન વર્ષ ની ઉંમર ના વ્યક્તિ તરફ ઉદ્દેશીને સાનિધ્ય એ કહ્યું.

હું એમની તરફ ગઈ એટલે એ પોતાની જગ્યા એ ઉભા થયાં અને અમે એકબીજા સાથે હેન્ડશેક કર્યું.પછી એમનાં કહેવાથી મેં એમની સામે સ્થાન ગ્રહણ કર્યું..આખા બંગલા માં મારા, સાનિધ્ય ના અને mr. જયદીપ વિરાની સિવાય કોઈનું પણ હાજર ના હોવું મને થોડું વિચિત્ર તો લાગી રહ્યું હતું.

"હા તો મીસ નફીસા..તમે અહીં મુંબઈ ના કે પછી..?"mr. વિરાની એ પૂછ્યું.

"ના હું મૂળ બિકાનેર ની રહેવાસી છું..મુંબઈ માં ટોપ ની હિરોઈન બનવાનું સપનું લઈને આવી હતી..પણ ત્રણ વર્ષ ની સખત મહેનત પછી પણ હું બૉલીવુડ માં ખાસ કંઈ ઉકાળી શકી નહીં પણ આજે તમે આ ફિલ્મ માટે મારી ભલામણ કરી ને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.."મેં સસ્મિત કહ્યું.

"અરે એમાં ઉપકાર શેનો..એકબીજા ની હેલ્પ કરવી એતો આપણી ફરજ છે..મેં તમારી ખુશી માટે કંઈક કર્યું તો તમારે મારી ખુશી માટે કંઈક કરવાનું.."mr. વિરાની હસીને બોલ્યાં.

"એનો મતલબ..હું સમજી નહીં.."મેં કહ્યું.

"અરે તમે એટલા તો નાસમજ લાગતાં નથી કે તમને મારી વાત ના સમજાય..આ રીતે એકાંત માં મારાં પ્રાઈવેટ બંગલા પર બોલાવાનું કારણ તમે ના સમજો એ વાત માં માલ નથી.."

હું એમના બદઈરાદા સમજી ચુકી હતી..ફિલ્મ માં સિલેક્ટ થવા માટે માટે mr. વિરાની નો બેડ ગરમ કરવાનો હતો એ મને રહી રહી ને સમજાઈ ગયું હતું..હું એમની વાત સાંભળી તરત જ ઉભી થઈ અને ગુસ્સા થી બોલી..

"સાલા.. હરામીઓ.. તો તમારા આ સજ્જન લાગતાં ચહેરા પાછળ એક હવસખોર શૈતાન છુપાયેલો છે એની આજે જ ખબર પડી..મારે નથી કરવું તમારી કોઈ ફિલ્મ માં કામ .હું આ નીકળી. "

હું મારું પર્સ લઈને ત્યાંથી નીકળવા જતી હતી.એટલા માં સાનિધ્ય એ મારાં માથા ના વાળ ખેંચી મને સોફા પર પટકી દીધી અને કહ્યું..

"Miss.. નફીસા..તારા માં મગજ નથી લાગતું કે શું..તારા જેવી ઘણી છોકરીઓ માત્ર પાંચ દસ મિનિટ ના રોલ માટે કેટલીયે રાતો પસાર કરવા તૈયાર થઈ જાય છે જ્યારે તને તો લીડ એક્ટ્રેસ ના રોલ માટે ખાલી આજ ની રાત સર જોડે ગુજારવાની છે..એમાં આટલા બધાં નખરાં શેનાં કરે છે.."

"ફિલ્મ લાઇન માટે અબ્બુ ની નારાજગી નું કારણ મને સમજાઈ ગયું હતું..સાનિધ્ય અને વિરાની ની આંખો માં મને વાસનાનું ભુત સાફ સાફ દેખાઈ રહ્યું હતું..મારાં જોડે બે જ રસ્તા હતાં.. એમની વાત માની લેવી કે પછી એમનો સામનો કરવો..હું કોઈ પણ કાળે આ હવસખોરો ની હવસ નો શિકાર બનવા નહોતી માંગતી.."

"જેવા એ બંને મારી નજીક આવ્યાં એજ સમયે મેં મારાં પર્સ માં સલામતી ખાતર રાખેલો પેપર સ્પ્રે નીકાળી એ બંને ની આંખો માં છાંટી દીધો..તીવ્ર પીડા ના લીધે એ બંને એ ચીસાચીસ કરી મૂકી અને જોર જોર થી.."આ છોકરી ને પકડો.."એવી બુમો પાડવા લાગ્યાં"

"મોટાં વિસ્તાર માં બંગલો ફેલાયેલો હોવાથી ગેટ જોડે બહાર ઉભેલા ચોકીદારો ને એમનો અવાજ ન સંભળાયો પણ બંગલા માં હાજર એક નોકર દોડીને મારી પાછળ આવ્યો અને મને પકડી લીધી..મેં એને ધક્કો માર્યો પણ એ મને છોડી નહોતો રહ્યો..અચાનક મારા હાથ માં સજાવટ માટે બંગલામાં ગોઠવેલી મેટલ ની બનેલી એક મૂર્તિ આવી ગઈ જે મેં એ નોકર ના માથા માં જોર થી ફટકારી દીધી અને એનું ઢીમ ઢાળી દીધું..પછી હું દોડીને બંગલા ની બહાર નીકળી ગઈ."

"ત્યાં થી નીકળી હું સીધી મારાં રૂમ પર આવી અને જરૂરી સામાન લઈને બિકાનેર જવાનો મક્કમ નિર્ધાર કરી ને ત્યાંથી નીકળી ગઈ..પણ નસીબ ની બલિહારી કે રાજસ્થાન માં ચાલતાં ગુર્જર આંદોલન નાં લીધે રાજસ્થાન જતી બધી ટ્રેઈન કેન્સલ હતી એટલે હું જ્યાં સુધી તોફાન શાંત ના થાય ત્યાં સુધી છુપાઈને રહેવા માટે લકી ગેસ્ટ હાઉસ માં રોકાઈ જ્યાં પોલીસ ની રેડ થઈ અને હું તમારી સાથે જેલ ના સળિયા પાછળ ધકેલાઈ ગઈ.."

"બસ આ હતી મારી લાઈફ ની કોયડા જેવી કહાની..જેમાં થી નીકળવાનો રસ્તો હવે મને દેખાતો નથી.."નફીસા રડમસ અવાજે બોલી.

"જો અંધકાર હોય તો એનો મતલબ એવો તો ના જ થાય કે હંમેશા અંધકાર જ રહેશે..ઉમ્મીદ નો સૂર્યોદય તમારી રાહ જોઈને બેઠો પણ હોય..એટલે તું ચિંતા ના કર બધું સારું થઈ જશે.."ઓમ એ સાંત્વના ના સુર માં કહ્યું.

"Thanks.."નફીસા એ ઓમ તરફ જોઈ સ્મિત સાથે કહ્યું.

નફીસા અને ઓમ પરસ્પર કોઈ ખેંચાણ અનુભવી રહ્યાં હતાં..ત્યાં હાજર બધાં લોકો ની જીંદગી માં ઘણી બધી પ્રોબ્લેમ હતી પણ બધાં એકબીજા ને સહાનુભૂતિ આપી રહ્યાં હતાં..એ માનવસહજ પ્રકૃતિ દર્શાવતું હતું.

"બસ હવે પાંચ તો વાગવા આવ્યાં.. બીજા બે ત્રણ કલાક અને આપણી જીંદગી પાછી પોતાની જગ્યા એ સેટ થઈ જશે.."સુમિતે કહ્યું.

"હા બસ અહીં થી નીકળીએ એટલી વાર છે.."સોનુ એ પણ સુમિત ની વાત માં સુર પરોવ્યો.

બધાં જેલ માં થી નીકળી ને નવી જીંદગી ની નવી સવાર ની કલ્પના કરી રહ્યાં હતાં ત્યાં જ બેરેક ના ખૂણા માં કંઈક સળવળાટ થયો અને પેલો ચાદર ઓઢીને સૂતેલો માણસ જેને ગાયકવાડે લંગડો કહી ને સંબોધ્યો હતો એ પોતાની ચાદર ને દૂર કરી ઉભો થયો અને ટાળીઓ પાડવા લાગ્યો..બધાં એની આ હરકત થી નવાઈ સાથે એની તરફ જોઈ રહ્યાં.

"શું કહ્યું..સુમિત..બધું સેટ થઈ જશે.. તને સારી નોકરી મળી જશે અને આસાની થી તારી પ્રેમિકા તારી સાથે પરણી જશે..અને સોનુ તું બહાર નીકળીશ તો સીધી મેન્ટલ હોસ્પિટલ ભેગી જ થઈશ..બાકી વિદેશ જવા પૈસા જોઈએ.."કટાક્ષ કરી રહ્યો હોય એમ એ વ્યક્તિ બોલ્યો.

"પણ તારે એ બધાં થી શું મતલબ.."ગોવિંદ તાડુકીને બોલ્યો.

"તારું નામ ગોવિંદ છે ને...અને આ છોકરી સોનાલી..તમે શું વિચાર્યું જોહરાબાઈ ને તમે ઉલ્લુ બનાવી ભાગી જશો..તો એ તમારાં મન નો વહેમ છે..આજ નહીં તો કાલે તમે એના હાથે તો ચડી જ જશો..હાથ આવેલો શિકાર આમ છટકવા દે એ જોહરાબાઈ નહીં.."એ વ્યક્તિ એ ગોવિંદ ની તરફ જોઈને કહ્યું..એ વ્યક્તિ ની આંખો માં ગજબ નો તેજ હતો..એનો અવાજ પણ કોઈને પણ મંત્રમુગ્ધ કરવા કાફી હતો.

"પણ તને આ બધી કઈ રીતે ખબર..શું તે અમારી બધાની વાતો..?"ઓમે કહ્યું.

"હા ઓમ પટેલ મેં તમારી બધા ની વાત સાંભળી છે..અને તું અને નફીસા તો એક જ નાવ પર સવાર છો..બંને પોલીસ ની ફાઈલ માં એક મર્ડરર છો.."એ વ્યક્તિ બધાં ની વાત સાંભળી ગયો હતો એમ એની વાતો પરથી લાગી રહ્યું હતું.

"પણ તું કોણ છે..અને તારે અમારી વાતો થી શું મતલબ..?"સોનાલી એ કહ્યું.

"મારું સાચું નામ ડેવિડ છે..ડેવિડ જોસેફ ફર્નાન્ડીઝ... તમારાં બધાં ની જેમ મારી લાઈફ ની પણ એક કહાની છે..એક એવી દાસ્તાન છે જેમાં દર્દ નો દરિયો છે..હતાશા ની ખીણ છે..એક હસતો ખેલતો ડેવિડ કઈ રીતે આ જેલ ની દીવાલો પાછળ કેદ થઈ ગયો એની વાત છે"અચાનક આટલું બોલતાં ડેવિડ ની આંખો ભરાઈ આવી..અને એની વાત ગળા માં જ અટકી ગઈ.

ઓમ અને સુમિતે એકબીજા ની તરફ જોયું અને આંખો ની સહમતિ થી બંને ડેવિડ જોડે ગયાં અને એની જોડે બેસી ને એનાં ખભે હાથ રાખી ને બેઠાં.. પછી થોડી ક્ષણો બાદ સુમિતે કહ્યું.

"જોવો..અમે અહીં ઉપસ્થિત બધાં એકબીજા ને ઓળખતાં નથી..છતાંપણ એકબીજા ની જીંદગી ની પ્રોબ્લેમ શેર કરીને હળવાશ અનુભવી રહ્યાં છીએ..તમે ચાહો તો પોતાની દાસ્તાન અમને કહી શકો છો.."

"હા એનાથી એવું બને કે તમારા દિલનો ભાર હળવો થઈ શકે.."ઓમે કહ્યું.

સુમિત અને ઓમ ની વાત સાંભળી ડેવિડે બેરેક માં હાજર બધાં ની તરફ એક દ્રષ્ટિ નાંખી અને પછી પોતાની દાસ્તાન કહેવાની શરૂવાત કરી.

"મારો જન્મ ભારત ના સૌથી મોટા ટુરિસ્ટ પ્લેસ ગોઆ માં થયો હતો..હું પણ સમય ની સાથે જેમ યુવાની માં પ્રવેશ્યો એમ એમ ગોઆ ના રંગે રંગાવા માંડ્યો..શરાબ,શબાબ,કબાબ,ડ્રગ્સ અને દરિયાકિનારો આજ લાઈફ સ્ટાઇલ હતી ગોઆ ની અને એજ મેં મારી નસે નસ માં ઉતારી લીધી.મારો એક પગ અત્યારે જેમ લંગડાય છે એવો પહેલાં નહોતો..પહેલાં તો હું દરિયા માં સર્ફિંગ કરતો અને બાઈક કે કાર રેસ માં મને હરાવી શકવાનું આખા ગોઆ માં કોઈ વિચારી પણ નહોતું શકતું"

"નોકરી કરવી આપણી ફિતરત માં હતી નહીં એટલે આવક ના સાધન તરીકે મેં ગાઈડ નો ધંધો પસંદ કરી લીધો..વિદેશ થી આવતાં ટુરિસ્ટો ને આખા ગોઆ થી વાકેફ કરાવવું અને એના બદલામાં સારા એવા પૈસા મેળવવા એ મારી લાઈફ ની રોજ ની કહાની બની ગઈ હતી..મારી ફેમિલી માં ફક્ત મારી મધર જ હતી..જે મને રોજ ટોકતી રહેતી કે દીકરા થોડાં પૈસા નું સેવિંગ કર..આગળ જતાં કામ લાગશે પણ હું રોજ ના પૈસા રોજ ખર્ચ કરી દેતો..ક્યારેક કેસીનો માં તો ક્યારેક ડ્રગ્સ માં..ક્યારેક શરાબ માં તો ક્યારેક શબાબ માં..!!"

"બસ આમ જ મારી જીંદગી ની સફર ખુબજ સરસ રીતે ચાલી રહી હતી..આ સરસ ચાલતી જીંદગી ને ખુબસુરત બનાવવા મારી લાઈફ માં આવી એલીસ..એલીસ નિકોલસ.."

"એક દિવસ સવારે શિવમ રિસોર્ટ માં થી ફોન આવ્યો કે એક ઑસ્ટ્રેલિયન લેડી ને ગોઆ માટે ગાઈડ જોઈએ છે તો જલ્દી શિવમ રિસોર્ટ પહોંચી જાઉં..હું તાત્કાલિક મારી બાઈક લઈને શિવમ રિસોર્ટ પહોંચ્યો..જ્યાં બહાર લોન્જ એરિયા માં એક ખુબસુરત વિદેશી યુવતી ઉભી હતી.."

"આમ પણ વિદેશી છોકરી અને ગોરી ચામડી આપણે ઇન્ડિયનો ને આકર્ષતી રહી છે..પણ એ યુવતી ગજબ હતી..એકદમ લિસી ચમકતી ચામડી..માફકસર ની ઊંચાઈ અને હિરોઇન ને પણ શરમાવે એવું ફિગર.બ્લુ કલર નું ફ્રોક અને મેચિંગ સેન્ડલ,કાનમાં નાનકડી બ્લુ કલર ની જ ઈયરિંગ..ચહેરા પર કોઈ જાત નો મેકઅપ નહીં છતાંપણ એક ચુંબકીય સંમોહક શક્તિ..લહેરાતી બ્રાઉન ઝુલ્ફો..સાક્ષાત વિનસ ની પ્રતિમા હતી એ યુવતી..મેં અત્યારે સુધી હજારો વિદેશી યુવતીઓ જોઈ હતી અને ઘણી જોડે તો રંગીન સમય પણ પસાર કર્યો હતો પણ એ યુવતી હસીનો માં હસીન હતી..હું તો એને જોવા માં જ ખોવાયેલો હતો.."

"Hey David.."અચાનક શિવમ રિસોર્ટ માં જોબ કરતા સેન્ડી ના અવાજે મારું ધ્યાન ખેંચ્યું..સેન્ડી એ જ મને કોલ કરી ત્યાં બોલાવ્યો હતો..

"Hello.. sandy... ક્યાં છે તારી ટુરિસ્ટ..જેનો મારે ગાઈડ બનવાનું હતું..?"મેં સેન્ડી ને ગળે લગાવતાં કીધું.

સેન્ડી મને લોન્જ માં ઉભેલી યુવતી તરફ લઈ ગયો અને એને ઉદ્દેશીને કહ્યું..

"Meet miss Elise from Sydney Australia..And miss Elise he is David your guide for today.."

"આ યુવતી ને મારે આજે ગાઈડ કરવાની છે એ વિચારતાં જ મારું મગજ સુન્ન થઈ ગયું..અમે એકબીજા ને હેન્ડશેક કર્યા અને સેન્ડી ને bye કહી નીકળી ગયાં ગોઆ દર્શન માટે.."

"એલીસ ને ગાઈડ કરતાં કરતાં હું જ ક્યાંક ખોવાઈ જવાનો હતો એની મને ત્યારે ખબર નહોતી..એક હસીન સફર ની શરૂવાત થઈ ચૂકી હતી..આ સફર નો અંત મારી જીંદગી માં અર્થકવેક લાવવાનો હતો એની પણ મને ત્યારે ખબર નહોતી.."

ડેવિડ ની દર્દભરી દાસ્તાન ની શરૂવાત તો ખૂબ જ હસીન હતી તો એવું તો શું બન્યું કે અત્યારે ડેવિડ જેલ ના સળિયા પાછળ છે..એ જાણવાની ઈંતેજારી બેરેક માં હાજર દરેક વ્યક્તિ ના ચહેરા પર દેખાઈ રહી હતી.!!

***

To be continued....

ડેવિડ ની જીંદગી માં શરૂ થયેલ એલીસ ની કહાની નો એવો તે શું અંજામ આવ્યો કે ડેવિડ અત્યારે જેલ માં હતો..અને એના પગે લંગડાવાનું કારણ શું હતું.? આ ઉપરાંત આ અજાણ્યાં સાત લોકો ની બેરેક માં થયેલી આ મુલાકાત કયો નવો અધ્યાય લખવાની હતી એ જાણવા વાંચતા રહો રહસ્ય અને રોમાંચ થી ભરેલી થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું… હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું..તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો..આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ