(0૪)
ત્રિકોણ
“શિક્ષણ થી રાજકારણ દૂર રાખવું જરુરી છે. સરકારી કાર્યક્રમો ને શિક્ષણ સાથે ન સાંકળવા. સમય – શ્રમ – માનવ કલાક નો વ્યય થાય છે. હું તો કહું છું કે વસતી ગણતરી,ઈલેક્શન ડ્યુટી, અને બુઉથ લેવલ ઓફિસર – બી.એલ.ઓ. ની જવાબદારી પણ શિક્ષકો પાસેથી લઇ લેવી જોઈએ.....” ભાષણ લાંબુ હતું,પણ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લેવાયું.નીડર અને સ્પષ્ટ વક્તા ગણાતા પટેલ સાહેબ આચાર્ય-સંમેલન માં ગરજી રહ્યા હતા. અને શિક્ષણ મંત્રી સહિત બધા મંચસ્થ મહાનુભાવ સાંભળી રહ્યા હતા. દરેક મુદ્દા પર ખુબ ઝીણી સમજાવટ રજુ કરતા મોતીભાઈ પટેલ સાહેબ પુરા આત્મ વિશ્વાસ થી ચાળીસ મિનીટ બોલ્યા. પણ એમના ભાષણ ના એક પણ મુદ્દા નો કોઈએ વિરોધ ન કર્યો.
“શિક્ષણ સમાજ ઉદ્ધાર નો પાયો છે. ઈર્ષા – પ્રપંચ અને વ્યક્તિગત સ્વાર્થ થી એને ખરડાવા ના દેવાય.” .... આવાં કેટલાંય વાક્યો પટેલ સાહેબ ના ભાષણ ને સંતવાણી બનાવી દેતા. અને અવાર-નવાર જાહેર ભાષણ વખતે કે શિક્ષક મિત્રો સાથે સામાન્ય વાત માં પણ તેમના આચાર-વિચાર પ્રગટ થતા અને તેનાથી તેમની સંત છબી બની ગઈ હતી.
રાજ્ય કક્ષા નું આચાર્ય સંમેલન પૂરું થયું. ઉપસ્થિત આચાર્ય ગણ તરફથી તેમને અભિનંદન ની વણઝાર મળી. પટેલ સાહેબ ને મંત્રી પોતે ભોજન દરમ્યાન મળીને અભિનંદન આપી ગયા. અને ખુશખુશાલ પટેલ સાહેબ રાત્રે ફ્લાઈટ લઇ ઘર ભેગા થયા.
બીજે દિવસે સ્કૂલ માં જવું ફરજીયાત હતું કારણકે એ વર્ષ નો છેલ્લો દિવસ હતો. વિદ્યાર્થીઓને પરિણામ પણ અપાઈ ગયું હતુ. ત્યાર બાદ સવા મહીના નું ઉનાળાનું વેકેશન હતું. પટેલ સાહેબ આનંદિત મુદ્રા માં સમયસર શાળાએ પહોચ્યા. આગલા દિવસ ના સમારંભ ની પોતાની ભાષણ ની સફળતા જે આનંદ અને આત્મવિશ્વાસ આપી ગઈ એ હજી એમના ચહેરાની ચમક બની મઢાઈ રહી હતી. અને એ દિવસે નવા સત્ર નું ટાઈમ-ટેબલ, ક્લાસ ટીચરશીપ, અને અન્ય ડ્યુટી લીસ્ટ આપવા સિવાય કોઈ ખાસ કામ બાકી નહતું. અને .... સ્ટાફ ને ઓફીસ માં બોલાવી ખુશખુશાલ ચહેરે પોતાના તરફથી મંગાવેલ ચા-નાસ્તો ખવડાવતાં મોતીભાઈ પટેલે અગાઉ થી બનાવી રાખેલ ટાઈમ ટેબલ આપ્યું. પોત પોતાના ટાઈમ ટેબલ જોવા માટે બધા નાં માથાં નમેલાં હતાં. સામાન્ય રીતે પોતાનો વિષય નક્કી હોઈ ખૂટતા પીરીયડ પુરા કરવા – કાર્યભાર સમતોલ કરવા અપાયેલ અન્ય વિષય જ જોવાનો હોય. કોઈ વાર ધોરણ માં અદલા-બદલી હોય. આઠમું ભણાવનાર ને નવમું અપાય ને નવમું ભણાવનાર ને આઠમું. કોઈ વાર સારા દેખાવ બદલ સેકન્ડરી ના શિક્ષક ને એકાદ ક્લાસ હાયર માં અપાય – અલબત્ત માસ્ટર ડીગ્રી હોય તો જ . પણ ....આજે .....જયેશ વ્યાસ – ભાષા શિક્ષક ના હાવ ભાવ જોવા મોતીભાઈ આતુર હતા. ......એમને અંગ્રેજી ને હિન્દી સિવાય ખૂટતા પિરીયડ માટે કોઈવાર ચિત્ર અપાતું કારણ કે ચિત્ર માં તે પારંગત હતા. પણ આજે .....બધા નિયમ નેવે મૂકી પટેલ સાહેબે તેમને આઠમાં ધોરણ નું ગણિત આપ્યું હતું. અલબત્ત દસમા નું અંગ્રેજી બીજા ભાષા શિક્ષક ને અપાયેલું. જયેશ વ્યાસે એક પણ શબ્દ બોલ્યાં વિના ટાઈમ ટેબલ વાળી ને ખીસા માં મુક્યું. મીટીંગ પુરી થયા બાદ બહાર જઇને પોતાના મિત્ર હેમંત શાહ ના હાથ માં આપ્યું. અને ...હેમંત ના મોઢા માં થી ચીસ નીકળી ગઈ. ....સમજે છે શું એ પોતાની જાતને.....લાવ મને જઈને પૂછવાદે. બોલી હેમંતભાઈ ઓફીસ તરફ જાય એ પહેલાં જયેશ વ્યાસે રોકી લીધા.
બીજે દિવસે હેમંતભાઈ વહેલા સ્કુલે પહોચી ગયા અને ઓફીસ માં બેઠેલા મોતીભાઈને શાંતિથી પૂછ્યું, “સાહેબ, જયેશે તો ના પાડી છે પણ મારે તમને પૂછ્યા વગર નથી રહી શકાતું કે તમે એક ભાષા શિક્ષક જે એમ.એ.વિથ અંગ્રેજી છે તેને સીધું ગણિત કેમ આપી દીધું?”
“આઠમા ધોરણ નું ગણિત તો દરેકને આવડે એવુંજ હોય ને શાહ સાહેબ? – મોતીભાઈએ ખંધા સ્મિત સાથે જવાબ આપ્યો.
“અને વળી જયેશ તો હોશીયાર છે., આ વખતે થોડો ચેન્જ કર્યો.” – મુત્સદ્દી ની અદાથી મોતીભાઈએ ઉમેર્યું.
“પણ સાહેબ, એનું દસમાનું અંગ્રેજી તમે બીજાને આપ્યું. એનો વિષય બીજાને અને બીજાનો એને? તમે આમ નિયમ વિરુદ્ધ ના કરી શકો.અને તમારા આ નિર્ણય થી મોટી ખોટ તો વિદ્યાર્થીઓને જ જશે ”- છેલ્લે જયેશભાઈ થી બોલી જવાયું.
“પણ આજવાત જો જયેશ આવી ને કહે તો હું હાલ એનું ટાઈમ ટેબલ બદલી આપું. અને તમે કેમ એના વકીલ થઈને આવ્યા છો?” – મોતીભાઈ નો પ્રશ્ન
“કારણ કે જયેશ કઈ બોલતો નથી.”- હેમંત શાહ
“એ બોલશે પણ નહી. તમે ભૂલી ગયા છો કે શું? છેલ્લે વિષય વહેચણી માં તકરાર થયેલી ત્યારે એ બોલેલો, - અગિયાર થી પાંચ માં ગમેતે ધોરણ ગમેતે વિષય આપજો , હું નહી બોલું.”- મોતીભાઈ ના મન માં ભરાયેલો કીડો આખરે નીકળી ગયો. હેમંત શાહ ને યાદ આવ્યું. ગયા વર્ષે ધોરણ વહેચણી માં સામાન્ય મન દુખ થયેલું ને જયેશ કંટાળી ને આમ ગમે તે વિષય આપજો એવું બોલી ગયેલો. પણ આમ આવેગ થી બોલી ગયેલા શબ્દો પકડી હંમેશા સંત વાણી ની ગંગોત્રી વહાવતા મોતીભાઈ પટેલ તદ્દન જુદો વિષય આપી પજવણી સાથે બાળકો ના ભવિષ્ય જોડે ચેડા કરવા નું દુ સાહસ કરશે તેવી કોઈને ધારણા પણ નહતી.
શાહ સાહેબ ઉભા થતાં બોલ્યા,”સાહેબ આજે તમે સત્તા નો દુરુપયોગ કરો છો પણ યાદ રાખજો આ પાડા ના વાંકે પખાલી ને ડામ ...બગડશે તો મારું કે તમારું નહી પણ છોકરાઓનું.....”
મોતીભાઈ નું ધ્યાન શાહ ના શબ્દો માં હતું જ નહી. એમની આંખો સમક્ષ તો છેલ્લી સત્રાંત સ્ટાફ મીટીંગ માં થયેલી બબાલ હતી. જયેશ વ્યાસ ખુબ સારા શિક્ષક એ વાત અંદરખાને મોતીભાઈ પણ સમજતા. મોતીભાઈ પોતે ગણિત-વિજ્ઞાન ના માણસ – એમ.એસ.સી. થયેલા. જયેશ વ્યાસ સાથે વિષય વહેચણી ની તકરાર નો તેમને કોઈ અવકાશ જ નહી. પોતે જયારે શિક્ષક હતા ત્યારે તેમને જયેશ વ્યાસ સાથે ફાવતું પણ સારું. તે સમયે દસમા ધોરણ માં અંગ્રેજી લેવું એક લ્હાવો ગણાતો. મોટા માં મોટો ફાયદો એ થાય કે વર્ષાન્તે દસમા ધોરણ નાં પેપર તો તપાસવા ના હોય નહી એટલે બંડલ ઓછાં હા,પરિણામ ધાર્યું ન આવે તો નામોશી આવે પણ ભાષા ના શિક્ષકો ને એટલી ચિંતા નહી. જયેશ એક ઉમદા શિક્ષક. બંડલ ઘટાડવા દસમું લે એવો સ્વાર્થ તેના મનમાં પણ નહી.પણ કોઈ પોતાનાથી ચડિયાતું ન હોવા છતાં દસમું લે ને પોતે આઠમાં-નવમામાં ભણાવવાનું એ કેમ ચલાવે? મોતીભાઈ ના નાનાભાઈ નો સાળો પ્રશાંત એજ શાળા માં ભાષા શિક્ષક એય વળી અંગ્રેજી મુખ્ય વિષય વાળો. એટલે મોતીભાઈ નો થોડો પક્ષાપાત પ્રશાંત તરફ રહેતો. અને એકવાર દસમું ધોરણ લેવાની બે ભાષા શિક્ષકો ની માથાકૂટ ના અંતે જયેશ વ્યાસ ના બોલાયેલ શબ્દો ‘અગિયાર થી પાંચ માં ગમેતે ધોરણ,ગમે તે વિષય આપજો ....’ આચાર્ય બનેલા મોતીભાઈ ના સ્વમાન ને અડી ગયા. નકારાત્મક ભાવ ના ત્રિકોણ નો એક ખૂણો પ્રપંચ થી ભરાયો અને મોતીભાઈએ ખરેખર જયેશ ને આઠમાનું ગણિત પકડાવી દીધું.
મોતીભાઈ ની નાની દિકરી એ વર્ષે આઠમા ધોરણ માં આવી. નાનકડી મમતા મોતીભાઈ ની લાડકી. પ્રેમથી રોજ એને પોતે સમય કાઢી ને ભણાવતા. પણ આચાર્ય થયા પછી વ્યસ્તતા વધી ગયેલી. અને સમય પુરતો નહતો ફાળવી શકાતો. મમતા માટે બીજા સાહેબ નું ટ્યુશન રાખી લેવાનું વિચારતા હતા. પણ કોનું ટ્યુશન રખાવવું એ વિચાર માં એકાદ મહિનો નીકળી ગયો. મમતા આમતો હોશિયાર હતી એટલે શરૂઆત ના મહિના નો વાંધો ના આવે. પછી જયારે નિર્ણય કરી ને મોતીભાઈએ મમતા ને પોતાના એક મિત્ર ને ત્યાં ગણિત-વિજ્ઞાન માટે ટ્યુશન જવાનું જણાવ્યું ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે મમતા એ ટ્યુશન જવાની ના પાડી. મમતા ને ક્લાસ માં ગણિત ભણાવતા જયેશ વ્યાસ ની ભણાવવાની રીત એટલી તો ફાવી ગઈ હતી કે તેને હવે પપ્પા ના માર્ગદર્શન ની પણ જરૂર ન પડતી. મોતીભાઈ નું આત્મ સમ્માન ફરી થી ઘવાયું,
થોડા દિવસ પછી ક્લાસ ની બહાર ફરતાં તેમણે ગણિત ભણાવતા જયેશ ને જોયો.બારી પાછળ ઉભા રહી જયેશ ને ખ્યાલ ન આવે એ રીતે તેમણે આખો પીરીયડ પૂરો થાય ત્યાં સુધી જોયા કર્યું. જયેશ બોર્ડ પર આશરે જ ત્રિકોણ દોરી રહ્યો હતો. અને પછી દરેક ત્રિકોણ ના ત્રણેય ખૂણા માપી સરવાળો છોકરાઓ જોડે કરાવતો.. બધા છોકરાઓ ના આશ્ચર્ય વચે ત્રણેય ખૂણા નો સરવાળો દરેક ત્રિકોણ માં એક સરખો જ ૧૮૦ થતો હતો. પાંચ-સાત ત્રિકોણ ના માપ ની ખાતરી પછી જયેશે વિદ્યાર્થીઓને કહ્યું કે ત્રિકોણ ના ત્રણેય ખૂણા નો સરવાળો ૧૮૦ થાય. મોતીભાઈ મનોમન વિચારી રહ્યા,’આ છે તો અલગ માટીનો. સીધું ‘ત્રિકોણ ના ત્રણ ખૂણા નો સરવાળો ૧૮૦ થાય એવું ગોખાવાને બદલે પહેલાં દોરવી ને સાબિત કર્યું, ને પછી કહ્યું. દરેક છોકરાને યાદ રહી જવાનું. મને વર્ષોથી ગણિત ભણાવનારનેય આવો વિચાર કોઈ દિવસ ના આવ્યો.
પહેલી પરીક્ષા પૂરી થયા પછી પોતાના સારા માર્ક્સ થી ખુશ મમતાએ તેને પપ્પા સમક્ષ જયેશ વ્યાસ ના વખાણ કર્યા. “આવા શિક્ષક હોય ને તો મારે નવમામાં પણ ટ્યુશન ની જરૂર નહી પડે પપ્પા.”
“પણ બેટા જયેશ ભાઈ તો અંગ્રેજી ના શિક્ષક છે. એમણે આવતા વર્ષે તને નવમા માં ગણિત નથી ભણાવવાનું. એ તો અંગ્રેજી જ લેશે. આતો એક વર્ષ માટેજ એમને આપેલું.” – મોતીભાઈ નો જવાબ. અને મમતા નું પ્લીઝ પપ્પા, અમારા ક્લાસ માં તો ગણિત જયેશ સર ને જ આપજો .... ફરીથી મોતીભાઈ ને ડંખી રહ્યું.
વર્ષ પૂરું થયું. પોતાની દિકરી ના મોઢે જેના ખુબ વખાણ સાંભળી ચુકેલા એ જયેશ માટે મોતીભાઈ ને હવે નકારાત્મક ભાવ નહતો છતાં બીજા વર્ષે તેને આઠમા ધોરણ ને બદલે નવમા ધોરણ નું ગણિત આપ્યું. જયેશે ફરી એક વિષય ની તૈયારી કરવાની થઇ અને તેના મૂળ વિષય અંગ્રેજી ની વાત તો જાણે બાજુએજ રહી. દસમા નું અંગ્રેજી હજુ મોતીભાઈ ના ભાઈ નો સાળો જ લેતો. મોતીભાઈ માં રહેલા પિતા ના દિલ માં રચાયેલ ત્રિકોણ નો બીજો ખૂણો સ્વાર્થ થી ભરાયો
મમતા નવમા ધોરણ માં પણ હોશભેર ભણી સારું પરિણામ લાવી હવે દસમા ધોરણ ની વેકેશન બેચ શરુ થવાની હતી. દસમા ધોરણ માં તો મોતીભાઈ પોતે જ ગણિત લેતા. વેકેશન બેચ માં જ એકવાર મમતા થી તેની મમ્મી સામે બોલાઈ ગયું. “પપ્પા કરતાં તો નવમા માં જયેશ સર ગણિત વધારે સારું ભણાવતા”. અને ......સમય ના અભાવે નવું ટાઈમ ટેબલ ન બનાવ્યું હોવા છતાં જયેશ ને નવમા નું ગણિત નહી પણ અંગ્રેજી ભણાવવાનું થાય એ રીતના ફેરફાર મોતીભાઈ એ જાતે મથીને એક દિવસ માં કરી દીધા. ઈર્ષા થી ત્રિકોણ નો ત્રીજો ખૂણો ભરાઈ ગયો હતો. અને ઝડપથી મોતીભાઈ એરપોર્ટ તરફ નીકળ્યા. તેમને આચાર્ય સંમેલન માં ભાષણ - સંત વાણી માટે ખાસ આમંત્રણ હતું. .