SEARCH OF UNKNOWN in Gujarati Spiritual Stories by BHARATSINH GADHAVI books and stories PDF | અજ્ઞાતની ખોજ... એક અલૌકિક યાત્રા - અજ્ઞાતની ખોજ ભાગ-2

Featured Books
Categories
Share

અજ્ઞાતની ખોજ... એક અલૌકિક યાત્રા - અજ્ઞાતની ખોજ ભાગ-2

(ભાગ-1 નું અનુસંધાન)

નેતિ નેતિ બોલવાનું નથી કે વિચારવાનું નથી પણ એ વિવેકથી જાગૃત રહેવાનું છે નેતિ નેતિ એટલે કહ્યું છે કે તમારી સામે જયાં સુધી કંઇ પણ આવે છે, તમારે તે સ્વિકારવાનું નથી.. આ એક નકાર ભાવ છે. તેમાં ના તો ના પાડવાની છે નાતો પ્રત્યુત્તર આપવાનો છે,માત્ર નિરપેક્ષ રીતે સ્થિર રહેવાનું છે. જ્યારે મનની આ તમામ પ્રકારની ચાલો નિષ્ફળ જશે ત્યારે તે અચાનક શૂન્ય થઈ જશે. જે નિર્વિકલ્પ સમાધી છે. ( પણ આ વાંચ્યા પછી મન તમને થોડું શાંત થઈ એવું પણ કહેશે કે આ છે નિર્વિકલ્પ સમાધી- એમાં ના ફસાતા) આ સમાધી માં મન ના હોવાથી માત્ર આનંદ જ હોય છે. તે આત્મા છે. તે એક જ છે આથી તેના સીવાય કંઇ જોવા માટે,સાંભળવા માટે રહેતું ના હોવાથી તે માત્ર એક દિવ્ય અનુભવ જ હોય છે. આ સ્થિતિ માં જ્ઞાનના દરવાજા ખુલી જાય છે. આ જ્ઞાન શબ્દોમાં નથી આવતું. એવી રીતે આવે છે જેમ અંધારીયા રૂમ માં ટ્યુબલાઇટ ચાલુ કરતા આખો રૂમ જગમગી જાય પછી કંઇ છુપુ નથી તે રીતે (આ પણ સ્પષ્ટ ઉદાહરણ નથી. કારણકે એને શબ્દોમાં કહી શકાતું નથી. ) પણ જો અત્યારથી આ અનુભવની લાલસા લઈને ધ્યાનમાં બેઠાતો મન તમને ખેંચી તો જવાનું જ આથી જ ઇચ્છઓ ને ઓછી કરવાની ત્યાગની વાત યોગમાં છે. આમ વ્યવહાર માં તમારે આ ગુણો અપનાવવાના છે અને ધ્યાનમાં તેનાથી પવિત્ર થયેલા મન પર લગામ કસવાની છે. આ સિવાય પણ તમે કેવું જીવ્યા છો અથવા કઈ પરિસ્થિતિમાં છો એ તમારું મન જાણે છે. એ તમામ ઉપાયો થી મન તમને શક્ય એટલા જોર થી સાધના થી બહાર ખેંચવાની કોશિશ કરશે.

અહીં જો તમે ખુબ વાતોળિયા સ્વભાવના હશો તો આ યોગ થી તમે મૌન રહેતા શીખી જશો. કારણકે સઘળી વાતો મન ની ઉછાંછળી વૃત્તિઓનું પરીણામ છે. તમે જરૂર પુરતી જ વાત કરવા લાગશો. લોકો તમને કહેશેકે તમે બદલાઇ ગયા છો. ખુશ ના થશો... કારણકે જ્યારે તમે સાધના નથી કરી રહ્યા ત્યારે સાધના માં તમને હરાવવામાં ના ફાવેલું મન તમને અહંકાર લાવશે. અથવા તમને શરૂઆતમાં આનંદ અપાવી થોડા સમય પછી ઉદાસ રાખશે.. આપણે સંસારમા બધા કામ મન થી કરવાના હોઇ આ ઉદાસી અપાવી તે તમને એવું બતાડવા પ્રયત્ન કરશે કે તમે જે કંઇ કરી રહ્યા છો એ ખોટું છે, અથવા આમાં તમે પોતાનો સર્વનાશ કરી દેશો. ધ્યાન રાખો એ નાશ તમારો નથી એ મન નો છે. એટલે તે ભયભીત છે. તમે વધુ ધ્યાન કરશો ત્યારે તમને સમજતા વાર નહીં લાગે કે તમે મન નથી તમે કોઇ ઓર છો. પછી ધીરે ધીરે મનમાં અનેક જન્મોના પડેલા સંસ્કારો સમાપ્ત થતા તમને નિર્વિકલ્પ સમાધી લાગે છે.

આમ યોગ માર્ગ શુરાનો માર્ગ છે અહીં કાયર નું કામ નથી. અને તમે કાયર છો જ નહીં સ્વામી વિવેકાનંદે કહ્યં તેમ તમે સિંહ ની સંતાન છો. પણ મનના વશ માં જે વ્યક્તિ વધુ છે. તે કાયર થઈ જાય છે અને આ માર્ગો પર યાત્રા નથી કરી શકતો.

આ માર્ગે દરેક ને જુદા જુદા અનુભવો થશે ક્યારેય પોતાનો અનુભવ સામાન્ય વ્યક્તિ ને ના કહેવો અને કોઇ તમને કહે તો એને પોતાના અનુભવ સાથે ના સરખાવવો કારણકે દરેક ના સંસ્કારો પ્રમાણે દરેક નો માર્ગ જુદો જ રહેશે. આમ પોતાના અનુભવ બીજાને કહેતા જ મન વધુ ચંચળ બની જાય છે. એની પાછળનું કારણ તો પ્રભુ જ જાણે, અને તમને મળતા દિવ્ય અનુભવો બંધ થઈ જાય છે. આમ તમારે યોગના અમુક રહસ્યો જે આગળ છતા થવાના છે તે માટે મૌન રાખતા અત્યારથી જ શીખવું પડશે. યોગના કેટલાક ઉત્તમ રહસ્યો ત્યાં સુધી છતા થતા નથી જ્યાં સુધી તમે તેને પચાવવા અને ગુપ્ત રાખવા જેટલા સક્ષમ ના થાઓ.

ઘણા લોકો દુકાનો ખોલીને બેઠા છે. કુંડલીની શક્તિ જગાડવા માટે ઓફરો હોય છે. ત્રણ મહીનામાં, છ મહીનામાં, આ બધામાં ફસાયા વગર માર્ગ આ રહ્યો.. શોધીલો એક ખુણો ઘરમાં બીછાઓ આસન અને સરી પડો પોતાનામાં....

8. તુરીય અવસ્થા: ગીતા માં ભગવાન ક્રિષ્ણ એ કહ્યું છે. કે યોગી રાત્રે જાગે છે. આ વાક્ય યોગીઓની તુરીય અવસ્થાના કારણે છે. વાસ્તવમાં તમે જ્યારે નિંદ્રામાંથી આંખ ઉઘાડો ત્યારથી સંસારી તરંગો થી ભરાઇ જાઓ છો, મનના ઉપયોગથી સંસારી ક્રિયાઓ કરો છો અને ફરી રાત્રે સુઇ જાઓ છો ત્યારે મન સ્વપ્ન જુએ છે. આમ આઠ કલાક ઉંઘમાં તમે સાત કલાક અને ૫૦ મિનિટ આસપાસ સ્વપ્ન જ જુઓ છો. માત્ર દસ એક મિનિટ એવી હોય છે જ્યાં આ ગતી કરતું મન સ્થિર થઈ જાય છે. અને એક ગહન અંધકાર માં તમે કોણ છો? તમે ક્યાં છો? તમે કોના પુત્ર? ક્યો ધર્મ? બધુ જ એ ગહન અંધકાર માં શૂન્ય થઈ જાય છે.વ્યક્તિ નું વ્યક્તિત્વ જાણે રહેતુંજ નથી. તે એક સુષુપ્ત જડ સમાધી જેવી સ્થિતિ છે. જેથી તે તાજગી આપે છે. અને શરીર વગેરેમાં તેજ નો સંચાર થાય છે. તે પ્રભુએ આપેલું વરદાન છે. પણ જો આ સ્થિતિમાં જાગૃતિ સાથે ઉતરવામાં આવે તો આ સ્થિતિ દરમ્યાનના સમયનો આનંદ ભોગવી શકાય છે.

આમ સામાન્ય મનુષ્ય જાગૃત, સ્વપ્ન, નિંદ્રા સુધી સિમિત છે અને યોગી આ ઉપરાંત તુરિય અવસ્થાને ભોગવે છે. જે ચોથી સ્થિતિ છે. આ સ્થિતિમાં પ્રવેશ માટે મન ને સાક્ષી ભાવથી ભરી ને તૈયાર કરવાનું હોય છે. આ માટે શરીરની ક્રિયાઓ માટે સજાગ થવાનું છે. આપણી જે પણ ક્રિયાઓ યાંત્રિક થઈ ગઈ છે તે પ્રત્યે સહજ ભાવે જોવાનું શરૂ કરવાનું છે.

નહાવું, શરીર લુછવું, ખાવું વગેરે પુરા ધ્યાનથી કરવાનું છે કે એક પણ મુવમેન્ટ તમારા ધ્યાન બહાર ના થાય દિવસમાં જેટલુ બને તેમ થોડુ થોડુ કરી આ ધ્યાન ભેગુ કરતા જવાનું છે. તમે કોઇ મિત્ર જોડે વાત કરો છો અને તમને માંથામાં ખંજવાળ આવી ત્યારે વાતોમાં ધ્યાન હોવાથી તમને ખબર જ નથી કે તમારો હાથ જઈ ખંજવાળી આવ્યો, અહીં એ સુધીની જાગૃતી કેળવવાની શરૂ કરવાની છે. બસ કોઇ પણ ક્રિયા તમારા જોયા વિનાની ના થવી જોઇએ. વળી હાલ તમે આ પુસ્તક વાંચો છો ત્યારે વાંચવા વાળાને જોવા વાળુ એક તત્વ ઉભુ કરવાનું છે. જેમ તોફાની છોકરાઓના ક્લાસમાં મોનિટર ઉભો કર્યો હોય તેમ. આ તત્વ તમારું મન આ વાંચન સાથે બીજી કેટલીક ક્રિયાઓ કેટલાક અન્યવ વિચારો સાથે સંલગ્ન થાય છે એ દેખવા લાગે છે. અને મોનિટરની નજર પડતા જ તોફાની છોકરાઓ જેવું મન વધુ ને વધુ વર્તમાન માં રહેવા લાગે છે.

વાહન ચલાવીને ઓફીસ જઇ રહ્યા છો. તો વાહન ચલાવવા સાથે મન ઘણુ ઘણુ કરી રહ્યુ છે જે નજર બહાર છે. આમ અર્ધમૃત જેવું જે આપણું જીવન થઈ ગયું છે તે સમયે પણ મન પર નજર રાખવાની જાગૃતિ જેટલી વધુ આવતી જાય તેટલું મન વર્તમાન માં સ્થિર થતું જાય છે. અને વર્તમાનમાં જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એવા વાક્યો તમે સાંભળ્યા હોય તો એનો અર્થ એ થાય છે કે, તેનાથી Super Consciousness પેદા થાય છે. આ જાગૃતિ પેદા કરવા મહર્ષિ પતંજલીએ અષ્ટાંગ માર્ગ આપ્યો છે. જેમાં સદગુણો નું આચરણ, બ્રહ્મચર્ય, મિતાહાર (જરૂર કરતા ચોથા ભાગનું ભોજન કરવું- ઉપવાસ ન કરવો), અપરિગ્રહ(ધન ભેગુ ન કરવુ) વગેરે આપ્યા છે. પણ એક ગૃહસ્થ માટે આ નિયમો પાળવા કપરું કામ છે. ત્યારે ભગવાન બુધ્ધ વ્હારે આવે છે. એક ગૃહસ્થ આ બધુ જ સમ્યક રીતે કરે એટલેકે ના ખુબ વધુ ના ખુબ ઓછું મધ્યમાં રહેવું જેને મધ્યમ માર્ગ કહ્યો છે.

મિતાહાર દ્વારા ચૈતન્ય માં વધુ રહી શકાય છે જાગૃતિ પ્રબળ થાય છે. કારણકે તમે જોયું હશે કે જમ્યા બાદ ઉંઘ આવતી હોય છે આમ વધુ ખોરાક પચાવવા વધુ શક્તિનો વ્યય થાય છે જે સુષુપ્તિ તરફ ધકેલે છે. તેને ગૃહસ્થ પાળી શકે છે. ચોરી ના કરવી વગેરે પણ ગૃહસ્થ પાળી શકે છે. ત્યારબાદ પ્રાણાયામ પણ આ જાગૃતી અને ચેતનાને શરીરના કોષ કોષ સુધી પહોંચાડી દે છે. આથી જ ઓક્સિજનને પ્રાણવાયુ કહ્યો છે. તે જીવન ચેતના સ્વરૂપ છે.

આ પ્રકારે ૧૦ મિનિટ પ્રાણાયામ યોગ માર્ગે અને ભૌતિક માર્ગે બન્ને માર્ગે લાભ કારી છે.

આ પહેલા એક આસન પર બેસી જાઓ આ સમગ્ર ક્રિયા દરમ્યાન આંખો બંધ જ રાખવાની છે. ઉંડા ધીરે ધીરે શ્વાસ લો અવાજ ના આવે તે રીતે એકદમ સહજતાથી શાંતી પુર્વક અને પુરો શ્વાસ લીધા બાદ રોક્યા વિના તરત શાંતી પુર્વક છોડતા જાઓ આવું ૫ મિનિટ કરો ત્યારબાદ ક્ષમતા પ્રમાણે વધારી શકાય. આ દરમ્યાન શ્વાસ નાકથી લેવો અને લેતી વખતે શરીરના કોઇ એક અંગ ને કડક કરતા જાઓ જેમકે શ્વાસ લેતા લેતા ડાબા હાથને કડક કર્યો આખા ડાબા હાથની ઉપર નીચે બધુ જ અનુભવાય છે. પંખો ચાલુ છે તો પવનથી ફરકતા ડાબા હથની રુંવાટી પણ અનુભવાય એવી રીતે જાણે બીજું શરીર છે જ નહીં તમે ડાબો હાથ જ છો. ત્યારબાદ શ્વાસ નાકથી નહીં પરંતુ મોઢેથી "આહ્હ....." ઉદગારે છોડવાનો છે. જેમ આપડે હાશ... કરીએ છે તે મુજબ સાથે સાથે ડાબા હાથને શિથિલ મુકી દો હવે ફરી શ્વાસ લો ત્યારે જમણો હાથ, ડાબો પગ , પીઠ વગેરે કર્યા બાદ હવે આખુ શરીર શિથિલ છોડી દો અને હવે ખાલી શ્વાસ લેવાનું છોડવાનું ચાલું છે. ત્યારે તમારા શરીરમાં જે હલન ચલન કરવાનું કે વગેરે હરકતો થાય તેને રોકશો નહીં મુક્ત રીતે થવા દો ઓક્સિજન વધુ મળતા ક્યારેક માથુ ભારે લાગી શકે જેની ચિંતા ના કરવી..આમ વધુ પડતો શ્રમ ના પડે તેમ આનંદ પુર્વક જે થતું હોય થવા દો તમે શ્વાસ લીધે રાખો.. ત્યારબાદ શાંત ચીત્તે બેસી રહો.. ૫ થી ૧૦ સેકંડ કંઇ ના કરો આંખો ના ખોલશો બસ બેઠા છો.

હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના રહે છે,આ પહેલા કેટલીક ટર્મિનોલોજી સમજી લઈએ.

મુલબંધ: ગુદામાર્ગને અંદર તરફ ખેંચી બંધ કરવો તે મુલ બંધ

જાલંધર બંધ: પેટનો નાભી વાળો ભાગ બને ત્યાં સુધી કરોડરજ્જુ તરફ અંદર ખેંચવો તે.

ઉડ્ડિયાન બંધ: હડપચી (દાઢી) ને છાતી એ અડાડી દેવી

આમ અનુલોમ વિલોમ પ્રાણાયામ જ્યારે આ ત્રણબંધ એકસાથે કરીને કરવામાં આવે ત્યારે અત્યંત લાભકારી છે. પરંતુ આ પ્રાણાયામ ૩ થી ૪ ની સંખ્યામાં જ કરવા જ્યારે પુર્ણ મહારથ આવી જાય ત્યારે એકાદ વર્ષે એક વધારી શકાય.

· હવે એક પ્રાણાયામ કોને કહેવાય? ડાબી નાસિકા થી શ્વાસ લીધો, રોક્યો, જમણી નાસિકા થી છોડ્યો, જમણીથી લિધો, ડાબે છોડ્યો આ એક પ્રાણાયામ કહેવાય.

હવે ડાબા નાક થી શ્વાસ લો હવે તેને રોકો અને ત્રિબંધ કરો આ ક્રિયાથી વધુ પરસેવો વળી શકે તે નિકળવા દો.. ત્યારબાદ જમણે થી છોડો અને બહાર જ રોકો, ખાલી પેટ અંદર લઈ જાઓ, મુલ બંધ, હડપચી છાતીએ અ‍ડાડી દો. સહાય માટે હાથથી નાસિકા દ્વાર આ સમયે બંધ કરી શકો છો. આજ પ્રમાણે પાછા આમ ૩ પ્રાણાયામ કરો

આ દરમ્યાન તમારી આંતર દ્રષ્ટિ મુલાધાર ચક્ર ( જ્યાં મુલ બંધ કરવામાં આવે છે એ દિશામાં રાખો) આ ક્રિયા બાદ ચત્તા સુઈ જાઓ બસ કંઇ જ વિચાર કર્યા વિના શવાસન કરો બે ત્રણ મિનિટ આરામ બાદ એક ઉંડો શ્વાસ લઈ છોડીને, જમણું પડખુ ફરીને ધીરેથી ઉભા થાઓ. આ પ્રાણાયામ સામાન્ય પ્રાણાયામ કરતા વધુ તિવ્ર છે. જે ત્વરિત સ્વાસ્થ્ય આપે છે. હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર, હર્નિયા જેવા દર્દ ધરાવતા લોકોએ આ પ્રાણાયામ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

આ ક્રિયાથી પ્રાણ અને શરીર વચ્ચે તાલમેલ વધે છે અને ચોથું વ્યક્તિત્વ ખીલવવામાં મદદ મળે છે.

હવે મુખ્ય ધારામા પ્રવેશવાનો સમય આવે છે.

સાક્ષી ભાવ પ્રબળ થતા આખા દિવસના જુદી જુદી ક્રિયાઓ તરફી અભ્યાસથી અભ્યસ્થ થયેલા મનથી હવે આ ક્રિયાને નિંદ્રામાં ઉતારવાની છે. હવે જ્યારે સુઓ ત્યારે શરીર શિથિલ કરી ફાવે એ રીતે સુખાસનમાં સુવાનું છે. અને આંખ બંધ કરી, કોઇ જ વિચાર વિના સાક્ષી ભાવે જે કાંઇ પણ થાય છે તે જોવાનું છે. વિચાર આવે તો તે પણ જોવાના છે. તેમાં પરોવાનું કે લડવાનું નથી આમ કરવાથી નિંદ્રા આવે જ નહીં અથવા અર્ધકચરી આવે એવું પણ બને. આથી સાક્ષી ભાવ મહત્વનો છે. સાક્ષી થઇ જોઇ રહેતા નિંદ્રા કેવી રીતે પોતાનો કબજો જમાવે છે તે પણ તમે જોઇ શકશો. ધીરે ધીરે સ્વપ્ન શરૂ થશે પરંતુ હવે તમે અંદરથી જાગ્રત દીવાની પેઠે જાગો છો. આથી સ્વપ્નમાં જે કંઇ પણ સ્થિતિ આવે તમને ભાન રહેશે કે આ સ્વપ્ન છે.

આથી સ્વપ્નમાં ભલેને તમારી પાછળ હડકાયા કુતરાં પડ્યા હોય અને તમે દોડતા હોય, એ પણ તમારા માટે ફીલ્મ જેવું બની જશે... આમ કરતા કરતા જ્યારે એ સમય આવે છે જ્યારે સ્વપ્ન વિલિન થઈ મનનો ઓરડો અંધારિયો થાય છે, આ સમયે તમે અંદરથી જાગૃત છો ત્યારે મન ના રહેતા સ્વયં એકલા જ પ્રકાશમાન અનંત આનંદ રૂપમાં પ્રવેશી જાઓ છો તમે તમારા શરીર, મન વગેરેને તમારાથી અલગ જોઇ શકો છો.(આંખો થી નહીં બોધાત્મક અનુભવથી જે સમાધી હોવાથી એ અનુભવ શબ્દોમાં કહી ના શકાય) આમ આવી નિંદ્રામાં માત્ર એક વાર ઉતર્યા બાદ તમે ભલેને જગતના કોઇ પણ કાર્ય કરો, તમે પ્રબુધ્ધ છો, હવે તમે જાગતી જ્યોત છો. શિવ સ્વરૂપ છો. અને એ બોધ સતત રહે છે, કે તમે કોણ છો ત્યારબાદ સંસારી ઉતાર ચઢાવ તમને અસર નથી કરી શકતા, શારીરિક પીડાઓ અસર નથી કરતી આમ અહીંથી તમે મુક્ત છો. આજ છે તુરિય અવસ્થા. આ વિષે ગુગલ સર્ચ કરી વિકિપીડિયા વગેરે પરથી તેની વ્યાખ્યા જોઇ શકો છો પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ આ છે.

9. ભક્તિ અને મંત્ર યોગ:

ઇશ્વર પ્રત્યે જેને અનન્ય શ્રધ્ધા છે, જે પોતાના ઇષ્ટ દેવને પ્રેમ કરે છે. અને તેમની છબી તેના મન મગજમાં છપાઇ ગયેલ છે. તેને હવે મનની પાર જતા પહેલા મનના તમામ ખુણાઓને જેમ પોટલુ વાળીયે તેમ પકડી ને એક જગ્યાએ ભેગા કરવું પડે અને એ પોટલાને અનંત અવકાશમાં ફેંકી દેવું પડે એ નિર્ગુણ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટે આ પણ એક રસ્તો છે.

આ માટે મનનું કામ છે. જે ઇષ્ટ કે દેવી વગેરે તરફ પહેલેથીજ જેનું મન ઢળેલુ છે. અને નિરંતર જેનું સ્મરણ થઈ શકે તેમ હોય તે ઇષ્ટના નામ અથવા મંત્રનો ઉપયોગ મનને એક જગ્યાએ એકાગ્ર કરવા કરીશું.

મન ના તમામ વિચારોને પાડીને નિર્ગુણમાં પ્રવેશવાનો માર્ગ જોયો. તેમ હવે મનના અન્ય તમામ વિચારો ને છોડી એક જ વિચાર પર કેંદ્રિત કરવાનો માર્ગ જોઇએ અને એ છે મંત્ર યોગ

મંત્ર એટલે એ શબ્દ જે એ અજ્ઞાતનું સ્મરણ કરવા વપરાય છે. પછી એ કૃષ્ણ હોય કે રામ કે શિવ..

દરેક શબ્દો એ અજ્ઞાતના જ છે. બસ એ શબ્દ જે તમને એ પરમ શક્તિનું સ્મરણ કરાવે એ જ તમારા માટે મંત્ર રહેશે. આથી મંત્ર દેખાદેખીમાં નિર્ધારીત ન કરવો જોઇએ. ઘણા લોકો કહે છે કે ગુરૂ વિના મંત્ર દિક્ષા કોણ આપે?

આ હળાહળ કળયુગમાં કોઇ સિધ્ધને શોધવો કઠીન છે. અને એ યોગ્યતા કેળવ્યા વીના સામે આવતા પણ નથી. આથી એ ચિંતા કર્યા વિના ભગવાન કૃષ્ણને, અથવા ગુરુ દત્તાત્રેયને અથવા ગુરૂ ગોરખનાથને પોતાના ગુરૂ તરીકે માની ને તેમનું સ્મરણ કરી સાધના શરૂ કરી દેવી જઇએ. યોગ્યતા આવતા જ જરૂર સિધ્ધો જરૂરી માર્ગદર્શન આપે છે. એના અનેક દાખલા છે.

તો મંત્ર યોગનું વિજ્ઞાન એ કહે છે: કે મનમાં સતત એ શબ્દ ગુંજાવો ઉદાહરણ તરીકે રામ નો ભક્ત રામ.. રામ....રામ...રામ... એવો શબ્દ ગુંજાવશે. પણ મનમાં આ શબ્દ રોપિત કરવા માટે માર્ગ છે.

આંખ બંધ કરી સુખાસનમાં બેસી જાઓ આ પહેલા થોડા કુદકા ભરી લો રક્ત ભ્રમણ વધી જાય પછી શાંતી થી બેસી જાઓ ચડેલો શ્વાસ શાંત પડે પછી પ્રાણાયામ કરો અને ત્યારબાદ જ આ પ્રયોગ શરૂ કરો

આ માર્ગે સૌ પ્રથમ શ્રી ગણેશને યાદ કરો, પ્રણામ કરી લો .. જે શ્રી રામ મંત્ર જપતા હોય તેઓ શિવજીને અને ભગવાન હનુમાનને પણ યાદ કરે. કારણકે તેઓને આ મંત્ર પ્રિય છે. (કારણકે આ સગુણ બ્રહ્મ ઉપાસના છે આથી બ્રહ્મના ગુણો વિશે જાણકારી જરૂરી છે.)

હવે ગુરૂ જોડે મનોમન આજ્ઞા લઈ વાચિક જપ શરૂ કરો પોતાને સંભળાય તેમ જપતા જાઓ ૧૦ મિનિટ ૧૫ મિનિટ બાદ હવે જીભ થાકશે તેમ હવે ગળાથી અવાજ હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ..... થી એક નિયત ધુનમાં જપો જ્યાં મંત્ર હવે મનથી જપાશે અને ગળામાંથી ખાલી ગુંજન થશે... ત્યાં થાક પેદા થતા હવે મૌન થઈ જાઓ અને ચૂપચાપ અંદર ઉતરી જાઓ હવે અંદરથી જપ શરૂ કરો અને એ જુઓ કે અંદર ક્યાંથી આ અવાજ આવી રહ્યો છે. જેમ તેને જોશો તેમ મંત્ર સ્પષ્ટ થતો જશે. બસ એકાગ્ર થતા જાઓ અન્ય વિચાર આવે તો તરત સજગ થઈ જાઓ ફરી મંત્રને જોવા લાગો.

રૂંવાટી ઉભી થાય, શરીર માં ઝટકો લાગે, કે અચાનક પ્રકાશ દેખાય ભયભીત થયા વિના આંખો ખોલ્યા વિના એકાગ્રતાથી જપ ચાલું રાખો..અને ઘણાને આવો કોઇ અનુભવ ના પણ થાય. બસ નક્કી કરીલો કે આ નામ સિવાય હવે બીજું કંઇ નહીં.. મારે બીજું કંઈ જોઇતુ નથી આ નામ સતત ગુંજે એમાંજ હું ખુશ છું. કારણકે કઇ ઇચ્છાથી જપ કરવામાં માર્ગથી ભટકી જવાશે. જવાશે.અને માણસ કોઇ દિવસ મોટી ઇચ્છા કરી શકતા નથી બધી ઇચ્છા નશ્વરની જ હોય છે. આથી એકાદ કલાક જે તમારી પાસે છે તેમાં બધી ઇચ્છાઓ એક બાજુ મુકી શબ્દને સાધો. સાધનામાંથી જાગ્યા બાદ તમે તમારા કામે વળશો ત્યારે પણ એ ધૂન મા મંત્ર અંદર ગુંજતો રહેશે. અને એને ગુંજાવતા જ રહો.. દિવસમા જેટલા કલાક તમે ખેંચી શકો એ નાદ ચાલુ રાખો. કદાચ કોઇ એકાગ્રતા વાળા કાર્યમાં હોવ ત્યારે એ બંધ થઈ જાય .. એ કાર્ય પુરુ થાય કે સ્મરણ પૂર્વક ફરી એ નાદ જગાઓ.. રાત્રે સુતી વખતે પણ આ નાદ જગાઇ ને સુઇ જાઓ જેથી ઉંઘમાં પણ મનની ગતી આ દિશામાં થાય અને શબ્દ પ્રબળ પણે મનપર ઉતરતો જાય.

પોતાના ઇષ્ટ પરની તમામ શ્રધ્ધા અને શક્તિ એ શબ્દ ની છે. એ હદે એને એક છોડવાની જેમ ભક્તિથી ઉછેરતા જાઓ તેને યાંત્રિક ના બનાવો.. આમ ધીરે ધીરે તમારી લગન મુજબ એ મંત્ર ગાઢ થઈ અને તમારા ધ્યાન બહાર પણ ગુંજતો થઈ જશે. ઉંઘમાંથી પણ ઉઠો ત્યારે ધ્યાને આવે કે એ શબ્દ ગુંજવાનું ચાલુ જ છે. ત્યારે હવે સમય પાકી ગયો છે. જે નોકરી કરતા હોવ તેમાં હવે તમારે ત્રણ ચાર દિવસની રજા મુકી સાધના ને આગળ લઈ જવાની છે. હવે તમારે આસન જમાઇને બેસી જવાનું છે અને આ પ્રગાઢ મંત્રની આસપાસના તમામ વિચારો ધ્યાન પૂર્વક દુર કરી દઈ એ મંત્ર એક જ રહેવા દેવાનો છે. આ સવિકલ્પ સમાધીની સ્થિતિ છે. આ સ્થિતિ લાવવા વર્ષો વિતી જાય જ્યારે પુર્વની સાધના અથવા મનની એકાગ્ર થવાની શક્તિ વધુ હોય તો ટૂંકા સમયમાં પાણ સ્થિતિ આવી જાય છે. તમારે આ સ્થિતિ કયારે આવશે એ વિચાર કર્યા વિના જ આ સાધના કરવી જઇએ તેને જ સાચી ધીરજ કહેવાય..

હવે તમે તમારા અંત: કરણમાં જે કાંઇ જોઇ રહ્યા છો, પ્રકાશ, મંત્રનો શબ્દ, ઇષ્ટદેવની છબી, વગેરે આ પ્રગાઢતા તમને જે પણ દેખાડતી હોય તેના તરફ ધ્યાનથી જોઇ હવે આ બધુ એક ઝાટકે છોડી દેવા માટે ત્યાંજ ઉપર અવકાશ છે તેમ કલ્પના કરી એ શૂન્ય અવકાશ તરફ દ્રષ્ટી જમાવી દો... જેવું આ છુટ્યુ તરત જ વ્યક્તિનો તમામ ભાવ ઓસરી જાય છે, બધું જ શુન્ય થઈ જાય છે ના હવે કોઇ ઇષ્ટ, ના કોઇ મંત્ર ના કોઇ દ્રશ્ય હવે અગાઉ સમજાવેલ નિર્વિકલ્પ સમાધીમાં પ્રવેશ પ્રાપ્ત થઈ ગયો.. પરમ જ્ઞાન , પરમાત્માના નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન થઇ જાય છે આ જ મોક્ષ છે. આ જ અજ્ઞાત મળી ગયો તેમ કહેવાય..આ જ સત્ય ની ખોજ થઈ ગઈ તેમ કહેવાશે..

આમ મૂળ વિજ્ઞાન, મુળ માર્ગ મનને શૂન્ય કરવાનો છે. કોઇ પણ ધર્મનો વ્યક્તિ કોઇ પણ માર્ગે અહીં જ પહોંચે છે. આથી ભગવાન કૃષ્ણએ કહ્યુ છે, કે સર્વ માર્ગો મારા સુધી જ પહોંચાડે છે. આમ વ્યક્તિએ દેખાદેખી થી નહીં આત્મમંથન કરી માર્ગ પસંદ કરવો જોઇએ. અનેક કહેવાતા ગુરૂઓ મહાપુરુષો જે માર્ગે પહોંચ્યા હોય તે માર્ગે શિષ્યોને દોડાવે છે. આ પહેલા શિષ્યનું ભાવાત્મક અને પર્શ્વભુમિ કેવી છે એ સમજવી પડે જે જ્ઞાન દ્રષ્ટિથી જ જોઇ શકાય આથી હાલ અનેક ગુરૂ શિષ્યના ટોળા ભટકે છે. વ્યક્તિએ પોતાનો અંતરઆત્મા જે માર્ગે મહોર મારે તે માર્ગે જવું જોઇએ. કારણકે તે જ તમને પુરા જાણે છે. અને એ જ તમને જન્મો થી પુકારે પણ છે. (ક્રમશ:)