એવરગ્રીન ઓલ્ડી-2
સર ડ્રોપ કરી ગયા રાત્રે, રૂમ પર પહોંચીને સુતી પણ વિચારો સતત ચાલુ હતા. આવા સરસ સ્વભાવના વ્યક્તિનું લગ્નજીવન કેમ ટક્યું નહી હોય ? કેટલું મોટું ઘર.. એ પણ એક જ વ્યક્તિ માટે ! કેવું હાઈ-ફાઈ.. બાપ રે.. આમાં તો મને કાંઈ ફાવે એવું જ ન હતું. આટલા મોટા સરે જ બધું કર્યું. હું તો ડફોળની જેમ ઉભી જ રહી હતી. હા, પણ ઓફીસનું અને ઘરનું વ્યક્તિત્વ સાવ અલગ લાગતું હતું. ઓફીસમાં ફક્ત ટુ ધ પોઈન્ટ વાત કરનાર ડીસીપ્લીન્ડ સર.. ને ઘેર એકદમ ઘરેલુ. મારી સાથે વાત પણ કેટલી સહજતાથી કરતા હતા ! જરા પણ અતડાપણું નહી, તો લાઉડ બિહેવિયર કે ચીપનેસ નહી. બાકી અત્યારે કોઈનો ભરોસો કરાય ? બારમા માળે આવડા મોટા ફ્લેટમાં એ કાંઈ પણ કરત તો...! વળી ઊંચા હોદ્દાનો માણસ.. તો પણ.. રીઅલી.. સરસ માણસ. ઊંઘમાં પણ સર દેખાણા..
....
સવારે મોડી ઉઠી. આમ પણ રવિવાર હતો એટલે નિરાંત હતી. ઘરના કામ પતાવીને થોડું કાંઇક ખાઈને ફરી આરામ કર્યો. પાંચેક વાગે થોડી ખરીદી કરવા બજારમાં જવા નીકળી.
થોડી ગ્રોસરી અને બે-ત્રણ ટોપ્સ, જીન્સ લેવાં છે. આ પગારમાં હવે થોડું પોસાશે, એમ વિચારતી રીંગ રોડ પર જ મોલ હતો, ત્યાં પહોંચી ગઈ.
વળતાં આવતી વખતે સરનો ફ્લેટ હતો એ બિલ્ડીંગ દેખાણુ.. કાલની સાંજ યાદ આવી ગઈ.
***
સોમવારે પણ ઓટો ન આવી, એટલે બીજી ઓટો કરીને ઓફીસ પહોંચી ગઈ. આંખો દિવસ કામમાં જ ગયો. સાંજે નીકળતી વખતે સરને કહેવા ગઈ.. તો તેમણે મને ‘વેઇટ ફોર ફયુ મિનીટ્સ’ કહીને રોકી લીધી. અરે.. યાર.. મારે ઓટો પકડવાની છે.. ને સર પણ..
દસ જ મિનીટમાં સરનો ફોન આવ્યો..
કમ ટુ પાર્કિંગ...
???
પાર્કિંગમાં સર ઉભા હતા…કારમાં બેસતાં જ બોલ્યા.. કમ.. સીટ.. આઈ ડ્રોપ યુ..
....
ઓફીસના સર કરતાં બહારના સર અલગ રહેતા. કારમાં કાયમ એવરગ્રીન ઓલ્ડીઝ (મારા માટે કંટાળાજનક) વાગ્યા જ કરતાં. વાતો કરતાં કરતાં છેક સોસાયટીના કોર્નર પર આવીને કાર પાર્ક કરીને કહ્યું..
ધેર ઇઝ અ પાર્સલ ઓન બેકસીટ.. ટેઈક ઈટ..
વ્હોટ્સ ધેટ સર..!
અનબોક્સ એટ યોર હોમ.. એન્ડ સી..
....
ખાસું મોટું હતું પાર્સલ. ઘેર જઈને ઓપન કર્યું તો...!!! આ શું !! વાઆઆઆઉ.. સુપર્બ ડ્રેસીસ.. જીન્સ.. ટોપ્સ.. કુર્તીઝ..! મેં સરને તરત જ ફોન કર્યો.
સર.. આ બોક્સમાં તો...
હમમ.. ધોઝ આર ફોર યુ. બાય ધ વે.. કાલ હું મોલમાં જ હતો.. આઈ સો યુ બાયિંગ ડ્રેસીઝ... સો આઈ ટુ બોટ સમથીંગ ફોર યુ..
...પણ...
કેમ... ન પસંદ પડ્યા ?
ના ના સર.. પણ..
ધેન.. વ્હોટ પણ.. સિમ્પલી ટ્રાય ઈટ.. ઇફ નોટ ફીટીંગ પ્રોપરલી.. ઓર યુ વોન્ટ સમ અનધર કલર ઓર પેટર્ન.. તો યુ કેન ચેન્જ...
સર.. પણ..
નો પણ.. નો બટ..
....
એક એકથી ચઢીયાતા બ્રાન્ડેડ ડ્રેસીઝ હતા.. મેં તો ક્યારે’ય વિચાર્યું પણ ન હતું કે આવા ડ્રેસીઝ હું લઇ શકીશ.. એથી પણ મોટું સરપ્રાઈઝ એ હતું કે જાણે દરેક ડ્રેસ ખાસ મારું માપ લઈને બનાવ્યો હોય એટલી હદે પરફેક્ટ ફીટીંગમાં આવી ગયો.
રાત્રે સુતી વખતે દસ વાર વિચાર કરીને સરને એક વ્હોટ્સએપ મેસેજ લખ્યો..
સર.. ઓલ ધ ડ્રેસીઝ આર ફેન્ટાસ્ટિક. થેન્ક્સ અ લોટ.. બટ.. આઈ એમ ફીલિંગ ઓડ.. હાઉ કેન આઈ એસેપ્ટ ધીઝ....
હવે મોકલું.. સેન્ડ કરું.. કે ન કરું.. એવી અવઢવમાં.. અંતે હિંમત કરીને મેસેજ સેન્ડ તો કરી દીધો. હૃદયમાં થડકારો પણ થયો.
મેસેજ વાંચી લીધો એ બતાવતી બ્લ્યુટીક થઇ ગઈ હતી. થોડી વાર રાહ જોઈ, પણ સરનો રીપ્લાય ન આવ્યો. રીપ્લાયની રાહ જોતાં જોતાં જ ઊંઘ આવી ગઈ.
મોડી રાત્રે ઊંઘ ઉડી એટલે ફરી એક વાર મોબાઈલ ચેક કર્યો. રીપ્લાય ન હતો.. પણ આ સમયે સર ઓનલાઈન !! નવાઈ લાગતી હતી. ઓનલાઈન છે તો રીપ્લાય કેમ નથી કરતા ? ખરાબ લાગ્યું હશે ? મેં પહેલાં ક્યારેય કોઈ જાતના મેસેજ કરેલ નથી. મારો મેસેજ જોઈને એમને નહી ગમ્યું હોય ! વિચારો બહુ આવ્યા.. મોસ્ટલી નેગેટીવ જ વિચારો હતા. ફરી એ જ વિચારોમાં ને વિચારોમાં ઊંઘ પણ આવી ગઈ. પણ વળી સપનાંમાં એનું એ જ.. સર દેખાયા કર્યા.
સવારે ઉઠીને પણ પહેલાં વહેલાં મોબાઈલ જોઈ લીધો.. અરે.. હજી નો રીપ્લાય..! સરનું લાસ્ટ સીન સ્ટેટસ.. ૩:૪૫ AM..! રાત્રે ઓનલાઈન તો હતા જ.. રીપ્લાય ન કરવાનું શું કારણ હશે ?
….
સરે આપેલ ડ્રેસીસમાંથી જ એક ટોપ ને જીન્સ પહેરીને ઓફીસ ગઈ પણ મનમાં એક વિચિત્ર પ્રકારની ફડક હતી. સર પૂછશે.. કાંઈ કહેશે.. મેસેજની કાંઈ વાત કરશે.. હું શું કહીશ.. શું જવાબ આપવો.. પણ ઓફીસ પહોંચીને નવાઈ એ વાતની લાગી કે સર એની ચેમ્બરમાં જ નહોતા. થોડીવાર રાહ જોઈ, પણ સર દેખાયા નહી. ટેબલ પણ એમનું એમ જ પડ્યું હતું. સર આવ્યા જ નથી કે શું ?
આમ તો ન જનરલી એવું બનતું હોય છે કે એ ન આવવાના હોય તો આગલા દિવસે જ ઇન્ફોર્મ કરી દેતા હોય છે. આજ નથી કોઈ મેસેજ.. કે નથી સર પોતે.. કેમ ન આવ્યા ? શું થયું હોઈ શકે ? ઓફીસમાં કોને પૂછું ? ઉલટું પીયુન આવીને મને પૂછી ગયો, રીસેપ્શનમાંથી પણ ફોન આવ્યો.. સર નથી આવવાના ? શું જવાબ આપવો ? હું પોતે જ સરની પી.એ. છું તેથી ‘ખબર નથી’ એમ કહું તો પણ ખરાબ લાગે ! પછી બહુ વિચારીને સરને મોબાઈલ કર્યો. રીંગ જ ગઈ… નો રીપ્લાય !
મનમાં વિચાર ઘણા આવતા હતા.. કામ તો શરુ કરી દીધું, પણ મન કામમાં નહોતું. સરનો કાલ કોઈ મેસેજ પણ ન આવ્યો, સર પોતે આવ્યા પણ નથી, ન આવવા બાબતનો કોઈ મેસેજ પણ નથી. વળી આજ ફોન પણ નથી ઉપાડતા.. શું થયું હશે ? રાત્રે મારાથી મેસેજ ક્યાં થઇ ગયો ? ખરાબ લાગ્યું હશે ? ભારે અકળામણ વચ્ચે આખો દિવસ કામમાં માંડ પસાર કર્યો.
લંચ ટાઈમમાં એક રીંગ કરી જોઈ હતી. પણ તો’ય સરે ફોન ઉપાડ્યો તો ન જ હતો ! હવે ચિંતા પણ થવા લાગી હતી. પૂછવું પણ કોને ? આમ પણ એવું લાગતું હતું કે, ઓફિસમાં પણ કોઈને કાંઈ ખબર નથી લાગતી.
સાંજે છ થયા એટલે હું ઓફીસ પેક કરીને નીકળી. ઓટો આજ પણ નહોતી આવી. ચાલતાં-ચાલતાં ફરી એકવાર વ્હોટ્સએપ જોઈ લીધું. વ્હોટ્સએપમાં પણ સરનું લાસ્ટ સીન ૩:૪૫AM જ હતું.
મેઈન રોડથી શેરીંગ ઓટો મળી. ઓટોમાં બેઠાં બેઠાં પણ એક વાર રીંગ કરી જોઈ, હવે તો મોબાઈલ જ સ્વિચ્ડ ઓફ્ફ !! બહુ કરી !
....
ઓટોમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગી જ હતી ને અચાનક વિચાર આવ્યો. સરના ઘેર જવાય ? જસ્ટ જાણવા માટે ?
જવાય કે નહી એની હા.. ના.. હા.. ના.. મનમાં ચાલુ હતી એ ‘હા-ના’ માં જ પગ યંત્રવતએ તરફ વળી ગયા. ચાલીને જવામાં થોડું દૂર કહી શકાય પણ તો’ય વિચારોમાં અંતરનો ખ્યાલ ન આવ્યો. છેક એમના બિલ્ડીંગના ગેઈટ સુધી ગયા પછી પગ અટકી ગયા. મન અવઢવની સ્થિતિમાં હતું. શું કરવું? જાઉં કે ન જાઉં ?
....
બે-ત્રણ વાર બેલ મારી. અંદર કાંઇક સળવળાટ થતો લાગ્યો. થોડીવારે બહુ ઊંડેથી અવાજ આવ્યો.. કમ ઇન. દરવાજાને જરા અમથો ધક્કો માર્યો, ને દરવાજો ખૂલી ગયો. મેઈન રૂમમાં મધ્યમ અજવાળું હતું. એકદમ સામે સોફા પર સર બેઠા હતા અને એમના પગ પર પિંક બેન્ડેજ હતો.
ઓહ.. સર.. આ શું થયું ?
કાલ રાત્રે બાથરૂમમાં સ્લીપ થઇ ગયો..
પણ.. પછી.. શું.. કોઈ હેલ્પ.. મને ફોન કર્યો હોત તો.. ઓફીસમાં પણ કોઈને કાંઈ ખબર નથી. મેં પણ ફોન કરી જોયા તમને સર..
અરે.. બિલ્ડીંગના સિક્યોરિટીમેને હેલ્પ કરી.. રાત્રે જ હોસ્પિટલમાં પણ જઈ આવ્યો.. મરોડ છે, નથીંગ ટુ બી વરીડ.. રીલેક્સ.એન્ડ સોરી, આઈ શુડ હેવ ઇન્ફોર્મ્ડ યુ.. પણ મગજમાંથી નીકળી જ ગયું.
સર.. મેં કાલ રાત્રે પણ મેસેજ કરેલો હતો, આજ પણ આખા દિવસમાં ફોન ટ્રાય કર્યા.. પણ નો રીપ્લાય જ જતા હતા અને એમાં પણ સાંજે મોબાઈલ સ્વિચ્ડ ઓફ્ફ આવ્યો એટલે ચિંતા થઇ આવી એટલે આવી ચડી.. સોરી સર.. આઈ ડીડન્ટ હેવ આઈડિયા..
ઓહ.. નો નો.. ઇટ્સ ગૂડ ઓન યોર પાર્ટ.. એન્ડ આઈ એમ સોરી.. બીકોઝ, કાલ રાત્રે ડોકટરે પેઈનકિલર સાથે ટ્રાન્કવીલાઈઝર પણ આપી હતી, એટલે મોબાઈલ સાઇલેન્ટ કરીને સુતો રહ્યો. એમાં જ મોબાઈલ સ્વિચ્ડ ઓફ્ફ પણ થઇ ગયો હશે. તમે આવ્યાં એની બે જ મિનીટ પહેલાં હું જાગ્યો છું.
સર.. તમે જમવાનું શું કર્યું ?
એ તો સિક્યોરિટીને કહી રાખ્યું હતું, એણે પાર્સલ મગાવી રાખ્યું છે કે નહી.. એ પૂછવું પડશે.
સર.. હું કાંઈ કરી શકું ?
ઇફ યુ કેન, તો મારે ચા પીવી છે..
અરે.. એમાં શું સર.. તમે ફ્રેશ થાઓ.. હું ચા બનાવું...
પણ એટલું કહીને હું જરા અચકાણી. મોટા ઉપાડે કહી તો દીધું પણ ગેસ કેમ ચાલુ કરવો ? સર સમજી ગયા મારી પરિસ્થિતિ..
ચાલો, મારે પણ ફ્રેશ થવું છે, હું કિચનમાં આવી તમને બધું બતાવતો જાઉં.
સર મુશ્કેલીથી ઉભા થઇ શક્યા, ચાલી પણ નહોતા શકતા. મને લાગ્યું મારે એમને સપોર્ટ કરવો જોઈએ, એટલે જરા સામે આવીને એમને ટેકો આપ્યો. માંડ માંડ ચાલીને એ કિચન સુધી આવ્યા, ગેસ ચાલુ કરી દીધો, બાકીની વસ્તુઓ બતાવી દીધી. પછી તે પોતાના બેડરૂમ તરફ જવા ગયા. મેં ફરી તેમને ટેકો આપવા ટ્રાય કરી પણ એમણે ના પાડી, અને દીવાલ પકડી પકડી ને જતા રહ્યા.
સર ફ્રેશ થઈને પાછા આવ્યા ત્યાં સુધીમાં ચા તો બની જ ગઈ હતી, અને મને ડ્રોઅર્સ–કબાટ ખોલતાં પણ ફાવી ગયું હતું એટલે ચા સાથે થોડાં બિસ્કીટ વગેરે લઇને હું બહાર આવી. સર પણ હવે રીલેક્સ ફિલ કરતા હોય તેવું લાગ્યું.
ચા પીતાં પીતાં થોડી વાતો થઇ. ચા પીવાઈ ગઈ પછી મેં તેમને પૂછ્યું..
સર.. બીજું શું જરૂર છે ? તમે એકલા કેમ કરી શકશો ? મોડેથી કાંઈ જરૂર પડી તો શું કરશો ?
આમ તો ચાલે એમ છે.. પણ બસ.. એકલા અને એ પણ ફ્રી બેઠા રહેવાનો કંટાળો આવે.. ધેટ્સ ઈટ.
સર.. હું કંપની આપવા માટે થોડીવાર રોકાઉં ?
અરે.. સાડા સાત તો થયા.. તમે પછી એકલાં જશો કેવી રીતે !
નો પ્રોબ્લેમ, આઈ વિલ મેનેજ સર..
... ઓકે.. લેટ અસ સી.. થોડીવાર રહી જાઓ ઇફ યુ રીયલી હેવ નો એની પ્રોબ્લેમ..
....
ટીવી ચાલુ કરીને આમ તેમ સર્ફ કરતાં વાતો શરુ કરી. હવે મને સર સાથે વાત કરવામાં સંકોચ કે ડર જેવું નહોતું લાગતું. એમણે ક્યારેય વર્તન તો ખરાબ નહોતું જ કર્યું, અરે મને તુંકારે પણ બોલાવી નહોતી. વાત વાતમાં જ મેં કહ્યું, સર.. આ જીન્સ-ટોપ...
હમમમ.. મેં જોયું.. લૂકિંગ નાઈસ.. હાઉ અબાઉટ ફીટીંગ એન્ડ કમ્ફર્ટ ?
એકદમ સરસ.. પરફેક્ટ.. કેવી રીતે અંદાજ આવ્યો સર ?
બસ.. આવી ગયો..
હું જોઈ રહી હતી, સર જરા મૂડ ઓફ્ફ જણાતા હતા. મને અચાનક જ ચમકારો થયો. રોજ પેલું પીવાની આદત.. અને અત્યારે એ જ સમય.. એ કારણ હશે ? પૂછવું કેમ ?
તોયે હિંમત કરીને પૂછી લીધું.. સર, તમારે તમારું રૂટીન.. પેલું લેવાનું છે ?
પેલું એટલે ?
સર.. વાઇન..
અહં.. એને વાઈન ન કહેવાય, લીકર કહેવાય.. ટુ બી પ્રિસાઇઝ્ડ.. વ્હીસ્કી.. અને હું દારૂડિયો નથી. બસ, રોજ થોડું લેવાની આદત છે, ઇટ્સ ગૂડ ફોર હેલ્થ... યુ નો..
હું આપી શકું ?
તમને વાંધો ન હોય તો હેલ્પ કરો.. પેલો કબાટ દેખાય છે.. હા.. એ.. દરવાજો નીચે તરફ ખેંચો.. આરામથી.. ગૂડ.. હવે એમાં ઉપરના શેલ્ફમાં ત્રીજા નંબરની બોટલ.. રાઈટ.. જુઓ.. નીચે ગ્લાસ.. ફાઈન.. અંદર ફ્રીજમાં બરફ.. અને થોડું સોલ્ટી.. એક ડીશમાં.. પ્લીઝ..
એ બધું સરની સામેના ટેબલ પર મુકીને હું ઉભી રહી. સરે પોતાની મેળે ગ્લાસમાં થોડું ડ્રીંક લીધું. બરફ નાખીને બેઠા.
થેન્ક્સ..
સર.. હવે જમવાનું ?
હું સિક્યોરિટીને પૂછી લઉં.. જો એણે કાંઈ અરેન્જ ન કર્યું હોય તો ઓર્ડર કરી દઉં.. તમે પણ સાથે જ જમી લો ને ! મને એકલા કંટાળો આવશે.. ને આમ પણ મોડું થયું જ છે તો તમારે પણ ઘેર જઈને કાંઈ કરવાની માથાકૂટ નહી.. ઓકે ?
અમ્મ્મ્મ.. ઓકે સર.. મને રોકવાની ઈચ્છા તો હતી જ એટલે હા પાડી દીધી.
....
જમવાનું આવી ગયું. આજે મેં જ મારી રીતે એમની સામે ડીશ ગોઠવવાની શરુ કરી દીધી. પણ કદાચ આજ સરનું પીવાનું હજી ચાલુ હતું. મને લાગ્યું કે કદાચ રોજ કરતાં વધુ કવોન્ટિટી લઇ રહ્યા છે. સર લગભગ કલાક સુધી પીતા રહ્યા.. પછી મને કહ્યું કે હવે જમી લેશું ?તમને અવનમાં ગરમ કરી લેવું ફાવશે ? તો પ્લીઝ કરી લો ને.. સરનો અવાજ જરા ભારે અને ઘેરો લાગતો હતો.
આજ મારી હિંમત થોડી ખુલી રહી હતી. અવન આમ તો જિંદગીમાં ક્યારે’ય ઓપરેટ કર્યું ન હતું, સામાન્ય માહિતી જ હતી, પણ તો’ય ભગવાનનું નામ લઇને એડજસ્ટ કરી લીધું. ફરીવાર સરને ઉભા કરવા યોગ્ય નહોતું લાગતું. પણ નસીબજોગે બધું સરસ સેટિંગ થઇ ગયું અને ગરમ કરીને પીરસ્યું પણ ખરું.
જમતાં જમતાં સરની વાતો શરુ થઇ ગઈ હતી. સરે કદાચ આજ થોડું વધુ પીધું એની અસર લાગી. પોતાના લગ્નની અને ડિવોર્સની વાત બોલવા લાગ્યા હતા. જાણે સ્વગત બોલતા હોય એમ જ...
...કોલેજમાં સાથે જ ભણતી એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો પણ લગ્ન પછી એ છોકરીનો અસલી સ્વભાવ સામે આવ્યો. અતિશય ગુસ્સો, શંકાશીલ અને ઝઘડાળુ સ્વભાવ, સાઇકિક બિહેવિયર, અગિયાર મહિનાના લગ્ન જીવનમાં ગણીને અગિયાર વખત પણ હસીને વાત ન થઇ, આખી પરિસ્થિતિનો અંત ડિવોર્સરૂપે આવ્યો. બસ, ત્યારથી એકલો જ છું.મારે શાંતિ જોઈએ છે, હું ઝઘડાથી દૂર ભાગું એવો માણસ છું.. મેં ક્યારે’ય તમારી સાથે પણ ઉગ્રતાથી વાત કરી છે ? જીવન ટૂંકુ છે.. લોકો કેમ નહી સમજતા હોય કે સાથે મળીને એકબીજાના પૂરક બનીને મસ્ત મજાની લાઈફ વિતાવી શકાય ? બાય ગોડ.. મેં મારી પત્નીની એક પણ જાતની ઈચ્છા પૂરી કરવામાં બાકી નહોતું રાખ્યું, પણ એક સમયે તો મારી પણ લિમિટ આવી જાય ને ! ડિવોર્સ પણ એણે જ માગ્યા.. ને મેં કોઈ જ આનાકાની વગર આપી પણ દીધા. એને સ્વછંદતા જોઈતી હતી.. મારે શાંતિ જોઈતી હતી. બસ.. હું અત્યારે મજામાં જ છું...
મને લાગ્યું કે સરની આંખો ભીની થઇ ગઈ છે. એ લાગણીને છલકતી રોકી રહ્યા હતા, મારી સામે નજર પડતાં એ બોલ્યા...
જમવામાં મરચું આવી ગયું...
હું તમને કાંઇક સ્વીટ આપું ?
એમણે તગતગતી આંખે મારી સામે જોયું. બોલાઈ ગયા પછી મને જરા સંકોચ થઇ આવ્યો. મારાથી કાંઇક જૂદી દિશામાં વાત બોલાઈ ગઈ હોય એવું લાગ્યું મને. સર પણ નીચે જોઈને જમવા લાગ્યા.
એક રીતે સરની પરિસ્થિતિ જરાક દયા આવે એવી હતી. આટલો સરસ માણસ, પૈસા, કાંઈ વાતની ખોટ નહી, પરિવાર પણ નહી, આવડું મોટું મકાન. આમાં કોઈ છોકરી કેમ સાથે જીવન વિતાવી ન શકે ? ખરેખર તો દરેક છોકરી લગ્ન પછી આવું જ ઘર ઈચ્છતી હોય છે ! પેલીનો સ્વભાવ અને સરનું નસીબ.. બંને ખરાબ.
....
સાડાદસ વાગવા આવ્યા હતા. સરે મારા વિષે પણ પૂછ્યું. મેં પણ કહ્યું કે હું મોટી, એક નાનો ભાઈ છે, ભણે છે. ઓછું ભણેલા પપ્પા નાનકડાં ગામમાં ફેક્ટરીમાં કામ કરતા, હવે ફેક્ટરી બંધ થઈ ગઈ. મમ્મી સાવ અભણ.. ઘરકામથી વિશેષ કાંઈ ન આવડે. ગામમાં સાવ નાનું મકાન છે. આવકનું બીજું કોઈ સાધન નથી એટલે મારી જ આવક પર આંખો પરિવાર નભે છે. ગામની સ્કૂલમાં ભણીને સ્કોલરશીપ લેતાં લેતાં, કરજ કરી કરીને, શહેરની હોસ્ટેલમાં રહી માંડ ગ્રેજ્યુએશન અને એમ.બી.એ. કર્યું.
લગ્ન કેમ નથી કર્યાં તમે?
ઘણા કારણો છે.. સર. એક તો પરિવારની જવાબદારીઓ, બીજું ફ્રેન્કલી કહું તો.. લગ્નનો ખર્ચ પપ્પા ઉઠાવી શકે તેમ નથી, ને મારી પાસે એટલી બચત નથી. ઉપરાંત, જો લગ્ન કરી લઉં તો અત્યાર સુધીનું ભણતરમાં કરેલું કરજ કેમ ભરાય અને આવક બંધ થઇ જાય તો પપ્પા-મમ્મી-ભાઈનું શું ? ભાઈને પણ હજી ખૂબ ભણાવવો છે.
તમારા સગાં..
સર.. પહેલાં તો પ્લીઝ મને ‘તમે તમે’ ન કહો.. ઓડ લાગે છે.
ઓહહહ.. ઓકે.. પણ રીલેટીવ્ઝ નથી ? તમે.. તું.. અહી એકલી જ રહે છે ?
આર્થિક સ્થિતિ નબળી હોય એટલે સગાંઓ પણ ઓછાં જ હોય. બાકી સોળ વર્ષે SSC કર્યું ત્યારથી એકલી જ રહું છું, પહેલાં હોસ્ટેલમાં ને ભણવાનું પૂરું થઇ ગયા પછી એક પછી એક રૂમ્સ બદલી બદલીને. અગિયારમા ધોરણથી જ નોકરી ચાલુ કરી દીધી હતી. ઓહ.. સર.. સાડા અગિયાર થવા આવ્યા.. હું જાઉં હવે ? તમારે કાંઈ જોઈએ છે ?
ના ના.. પણ તમે.. સોરી.. તું જઈશ કેવી રીતે ? ઇટ્સ નોટ સેઈફ ટુ ગો અલોન બાય ધીસ ટાઈમ.. રસ્તો પણ સાવ લોનલી હશે ને !
ના સર.. નહી વાંધો આવે..
નો.. આઈ ડોન્ટ ફિલ ઈટ ઓકે.. પણ અત્યારે તો હું’ય આવી શકું એમ નથી.. વ્હોટ ટુ ડુ.. સર ચિંતા જતાવી રહ્યા હતા એ મને ગમ્યું.
નો સર.. પહોંચી જઈશ..
નો.. વેઇટ.. ડુ વન થિંગ.. કીપ યોર મોબાઈલ ઓન.. કીપ ઓન કન્ટીન્યુ ટોકિંગ ટુ મી, એઝ સૂન એઝ યુ આર ઓન વે.. ટીલ યુ રીચટુ યોર રૂમ.. ઓકે?
ઓકે સર.. એન્ડ થેન્ક્સ ફોર કન્સર્ન..
....
સર.. હું રસ્તા પર છું.. વાહનોની અવરજવર છે.. સાવ લોનલી નથી..
ગૂડ.. ડોન્ટ વરી.. કીપ ઓન ટોકિંગ.. એન્ડ વોક ફાસ્ટ..
..... ..... ..... વાતો થતી રહી.. ને હું મારી રૂમે પહોંચી ગઈ.
રૂમે પહોંચીને સરને કહી પણ દીધું કે સવારે વહેલી તમારા ઘેર આવીશ, ચા-પાણી-નાસ્તો કરાવીને જઈશ..
ઓકે.. ગુડનાઈટ..
....
ગુરુવાર સુધી આ સિલસિલો ચાલ્યો. સવારે વહેલા ઉઠીને સરને ત્યાં, ચા-નાસ્તો પતાવીને ઓફીસ, સાંજે છૂટીને પાછું સરને ત્યાં. રાત્રે એમની સાથે જમીને મારી રૂમ પર. શુક્રવારથી સર રેગ્યુલર થઇ ગયા. આટલા દિવસની એમની ગેરહાજરીમાં કામ પણ ઘણું ચડી ગયું હતું.
….