Vevishal - 22 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 22

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

વેવિશાળ - 22

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૨૨. સાણસામાં સપડાયા

પોલીસ-ઓફિસરે વાત આદરી:

“વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી-ગ્રૅજ્યુએટ પોતાના વિવાહની લાલચમાં સારાં સારાં કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાઓનાં માતાપિતાઓ પાસેથી પરદેશ અભ્યાસ કરવા જવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક સંબંધી સ્ત્રીને ઘેર શિક્ષણના બહાને તેડાવે છે. એ બાઈ એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યૂશન આપતી હોવાનો દેખાવ કરે છે.”

“ત્યારે તો—” ચંપક શેઠ એટલું બોલે ત્યાં તો એને ચૂપ કરી દેવાને માટે ખુશાલે વચ્ચે ઘોડો કુદાવ્યો: “કરે એ તો. મુંબઈનું પેટ મોટું છે. સૌને મુંબઈ સંઘરે છે, રાવસાહેબ!”

બોલતો બોલતો ખુશાલ સોફા પર ટોપી પછાડતો હતો. કોઈ પણ ઈલાજે એને ચંપક શેઠની જીભ દબાવી રાખવી હતી.

ચંપક શેઠના મોં પર લોહીનો છાંટો પણ રહ્યો નહોતો. પોલીસ-અફસરે આગળ ચલાવ્યું:

“એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મૅરેજ કરવાની જાળ આ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયેલું હતું. છોકરીની વિધવા માતાને જાણ થવા દીધા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવીને વિજયચંદ્ર અને એની ‘ધર્મની બહેન’ કાલે રાતે ક્યાંઈક ચાલ્યાં ગયાં હતાં. આજે સાંજે એ પકડાયાં છે. હું તમને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વેવિશાળ થયું છે; ને એણે આ બીજી કન્યાનાં ઘરેણાં તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યાં છે, એવો શક પડવાથી હું આંહીં આવેલ છું. એ છોકરીનો મરહૂમ પિતા મારો મિત્ર હતો.”

“હં, હં, સાહેબ!” ખુશાલે હસતે હસતે માથા પર હાથ ફેરવીને જવાબ વાળ્યો: “મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે તેનો આ ફક્કડ નમૂનો છે.”

બોલતો બોલતો પોતાની સામે પણ ન જોનાર ખુશાલ આ પોલીસ-અધિકારીને પોતાના ખાતાનો ઊંડો જાણભેદુ લાગ્યો. ખુશાલ તો ખરી રીતે આ અમલદારની આંખોમાંથી છટકવા ખાતર જ આવી લાપરવાહી ધારણ કરી રહ્યો હતો, પણ અમલદારના મન પર તો ખુશાલની છાપ કોઈ ‘મોટા પુરુષ’ની પડી.

“આપ એમ કેમ બોલી નાખો છો?” મુંબઈના પોલીસખાતાનો સડો સમજનારા અમલદારે અપરાધીભાવે પૂછ્યું.

“આપે જે પગ-માથા વગરની બાતમી મેળવીને આંહીં સુધી આવવાની તસ્દી લીધી તે પરથી હું બોલું છું. કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં આંહીં મૂકતા નથી, તેને જ પરિણામે આવા ફજેતા થાય છે ને!”

“હું કાંઈ સમજતો નથી.”

“એ તમને મારા આ મોટા ભાઈ સમજાવશે. કહો, ચંપકભાઈ,” ખુશાલ બાઘા બનેલા મોટા શેઠ તરફ ફર્યો: “બેન સુશીલાનું વેવિશાળ કર્યે કેટલાં—દસ વરસ તો થયાં હશે ને?”

સાણસામાં સપડાયેલા સાપ જેવા ચંપકલાલે જવાબ આપ્યો: “અગિયારમું જાય છે.”

“કહો, આ સામે બેઠા એ સુખલાલ જ તમારા જમાઈ કે બીજા કોઈ?”

“એ જ,” જખ મારીને ચંપક શેઠે હા કહી. એકાદ કલાક પૂર્વે જેના નામ પર પોતે ચંપલ પછાડતો હતો, જેને પોતાના ઘરની દિશામાં પણ ન આવવા દેવાની પોતે પ્રતિજ્ઞા કરી હતી, જેને પોતાના માર્ગમાંથી કાંટાની માફક ચૂંટાવી કઢાવવા પોતે પોલીસખાતાને મળવા જવાના હતા, જેના દીદાર સરખાય સહન કરી લેવાની તૈયારી નહોતી, તે જ સુખલાલને પોતાના દસ વર્ષના જૂના જમાઈ તરીકે ખુદ પોલીસની સામે જ સ્વીકારવો પડ્યો!

“સા…રી વાત.” ખુશાલભાઈ પૂરભભકામાં દુન્યવી અનુભવની ‘બારિસ્ટરી’ ચલાવી રહ્યા હતા: “કહો ચંપકભાઈ, આ સાહેબને ચોખવટ કરીને સમજાવો કે આ જમાઈને આંહીં તમે જ દેશમાંથી તેડાવ્યા છે કે નહીં? તેડાવીને ધંધે લગાવ્યા છે કે નહીં? ને અત્યારે આ જમાઈને છેવટની બધી વિગતો જ નક્કી કરવા તેડાવેલ છે કે નહીં?”

એ વખતે બાજુના ખંડમાં ટેલિફોનની ઘંટડી વાગી. ભાભુ પાસે બેઠેલી સુશીલા—જેને કાને ખુશાલભાઈના હાકોટાભર્યા બોલ રજેરજ અથડાતા હતા તે—ટેલિફોન પર ગઈ. એના રણકતા જતા રુવાબી શબ્દો સંભળાતા હતા:

“કોણ છો તમે? અત્યારે કામમાં છે; જે કહેવું હોય તે કહો. હું કોણ છું તેનું તમારે શું કામ છે? હા, જે કહો તે હું શેઠને કહી દઉં. બંધ કરો, બંધ કરો! આવા ટેલિફોન આંહીં ન કરશો. બેશરમ! નફ્ફટ!”

એવા છેલ્લા શબ્દો સાથે સુશીલાએ ટેલિફોન પર રિસીવર મૂકી દીધું.

ફરી ઘંટડી બજી, ફરી ફરી બજવા લાગી. એકબે વખત સુશીલાએ જઈને કાન માંડ્યા, તો એનો એ અવાજ નીકળ્યો. એ જવાબ વાળ્યા વગર જ પાછી આવીને બેસી ગઈ.

ટેલિફોન પર સુશીલાએ આવો જવાબ કોને આપ્યો? ચકિત બનેલાં ભાભુએ પૂછ્યું: “કોણ હતું?”

“હતો હરામી!”

“કોણ?” પોતાની શબ્દસંયમી ભત્રીજીના મોંમાં ‘હરામી’ શબ્દની કચરડાટી ભાભુને અકળાવી રહી.

“વિજયચંદ્ર!”

“શું કહે છે?”

“મારા મોટા બાપુજીનું તાકીદે કામ છે, મુશ્કેલીમાં છું—એમ કહેતો હતો. આંહીં ટેલિફોનમાંય હુકમ ચલાવવા આવ્યો’તો હરામી!”

ફરી વાર ઘંટડી ચીસો પર ચીસો પાડવા લાગી.

ચંપકલાલ શેઠના તો કાન લગભગ બહેરા બની ગયા હતા. પોલીસ-તપાસ વધુ ને વધુ બારીક બનતી હતી. એના ભેજામાં તો પોલીસકચેરીમાં થનાર સવાલ-જવાબની જ સ્વરચંડિકાઓ રાડો નાખતી હતી. પોતાના ઘરના ટેલિફોન પ્રત્યે એ બેધ્યાન બનીને બેઠો હતો. એનું ધ્યાન જાય તે પૂર્વે ખુશાલે જ સુખલાલને કહ્યું:

“જો તો ભાઈ, ટેલિફોન કોનો છે?”

પેટમાં વીંટ આવતી હોય તેને દબાવીને માણસ જેમ રાજદરબારમાં બેસી રહે, તેવી અદાથી ચંપક શેઠ આ પોતાના સંસારની માલિકી લઈ રહેલા બે જણાને સહેતો બેઠો રહ્યો. એને ઊઠવા જતો રોકીને ખુશાલે કહ્યું: “તમે બેસો, આ સાહેબને પાછું એમ ન થવું જોઈએ કે આપણે કાંઈ ઢાંકોઢુંબો કરી લઈએ છીએ.”

સુખલાલ દીવાનખાનાની બહાર ટેલિફોન પર ગયો ત્યારે સુશીલા એ ગાજતા રિસીવરને ફોનથી અલગ નીચે મૂકતી હતી. ભાભુ અંદર બેઠાં હતાં: ફોન વરંડામાં હતો.

સુશીલા સમજી કે સુખલાલ પોતાનો ટેલિફોન કરવા આવ્યો છે. નજીક આવવા દઈને પછી એ બોલી ઊઠી: “હમણાં ન લેતા.”

“કેમ?”

“ગરમ છે.” સુશીલાએ વિનોદ કર્યો. એ વિનોદમાં ન સમજેલો સુખલાલ સહેજ ખસિયાણો પડી જઈ પૂછતો હતો:

“કોનો હતો ફોન? શેઠ પુછાવે છે.”

“કોઈનો નહીં, મારી બેનપણીનો હતો.”

એ બોલતાં બોલતાં સુશીલાના ગાલો પર પડેલા ગલ વરતાયા.

“ફોન ઉપાડશો નહીં, બેનપણી લહુ લપી છે,” કહેતીકને સુશીલા ભાભુ પાસે જવા લાગી.

“તમને પોલીસ-અમલદાર પાસે હમણે જ બોલાવવાનાં છે.” સુખલાલે સુશીલાને એક દમ છાંટ્યો.

“પુરુષો જવાબ નહીં આપી શકતા હોય…” એટલું સંભળાવતી સુશીલા ગઈ અને ભાભુ પાસે બેઠી બેઠી દીવાનખાનામાં ચાલતી વાતો સાંભળવા લાગી.

થોડી વાર પછી અમલદારની વિદાય થઈ ગઈ. ખુશાલ જઈને એને લિફ્ટ સુધી પહોંચાડી આવ્યો. પાછા આવીને એણે રજા માગી: “લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા તે તો હજુ બાકી રહે છે.”

“પણ મારે બાકી રાખીને જવું નથી,” એમ કહેતો સુખલાલ આગળ આવ્યો: “હું બે વાતો માગવા આવ્યો છું: એક તો મારા બાપે કરી આપેલી ફારગતી પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતી કરી દેવા તૈયાર છું. ને બીજું, મને બતાવો દાકતરી સર્ટિફિકેટ, જે તમે મારા શરીર માટે લખાવી લીધું છે.”

ખુશાલને આ બેઉ વાતોમાં નવું, અજાણ્યું રહસ્ય લાગ્યું.

“બેસો, ચંપકભાઈ. બેસ ભાઈ સુખલાલ; ઉશ્કેરા નહીં, સુખા!” એમ કહીને બેસાડી ખુશાલે પૂછ્યું:

“શેની ફારગતી? શેનું સર્ટિફિકેટ?”

“સર્ટિફિકેટ શેનું? પૂછો ને એને! મારી તો કહેતાં જીભ તૂટી પડે છે. એણે ઊભું કરેલ છે મારી નામર્દાઈનું દાકતરી સર્ટિફિકેટ! એનાં હું ચિરાડિયાં કરવા ને કાં એ દાકતરનું નામ લેવા આવેલ છું.”

“નામર્દાઈ? નામર્દાઈનું સર્ટિફિકેટ? દાકતરી સર્ટિફિકેટ?” ખુશાલે ચંપક શેઠ તરફ જોયું: “ને ફારગતી શેની?”

“મારા વેવિશાળની! મારા બાપને રાતે પાણીએ રોવરાવી એ સર્ટિફિકેટની ડરામણી દઈને લખાવી લીધેલ.” સુખલાલના હોઠ બોલતાં ધ્રૂજતા હતા.

“તું ધીરો થા, ભાઈ!”

“હું ધીરો નથી રહી શકતો. હવે હું આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું. આ માટે મારા બાપાને આંસુ પડાવ્યાં? મને પીલી પીલી દવાખાને કૂતરાને ઢરડે એમ ઢરડી નખાવ્યો હતો, તેથી શું ધરવ નહોતો થયો?”

સુખલાલને આ નવી જીભ ફૂટી હતી. ચંપક શેઠનું અપમાનિત અને લજ્જિત મોં નીચું ઢળ્યું હતું. સુખલાલનો ઉશ્કેરાટ સાંભળતાં સાંભળતાં ભાભુ છેક બારણામાં આવી ઊભાં હતાં.

સૌએ એકાએક સુખલાલને ધ્રુસકા ભરતો ભરતો રુદન કરતો જોયો સાંભળ્યો. સાચો રોષ યૌવનમાં રુદન કરાવે છે ને પ્રૌઢાવસ્થામાં આંસુ સૂકવી નાખે છે.

“ક્યાં છે એ કાગળિયાં, હેં ચંપકભાઈ? હવે કાંઈ આ વાતુંના ભવાડા શોભશે, બાપા?”

એમ કહીને ખુશાલે સુખલાલનો હાથ ઝાલ્યો; કહ્યું: “તું શાંત રહે, ભાઈ સુખલાલ! શેઠ એ બેઉ કાગળો આંહીં રજૂ કરે. તું તારે હાથે એનાં ચિરાડિયાં કર. પછી શેઠની મરજી ફારગ જ થવાની હોય તો તું તારે હાથે જ ફારગતી લખી દે.”

“કોઈની ઈચ્છા હો ન હો, મારે તો ફારગતી જ આપવી છે, ને ફારગતી જ મેળવવી છે.” સુખલાલના ગળામાં દર્દનો ચંબુ છલકતો હતો.

“પે’લા નંબરની વાત. સૌ પોતપોતાના દરજ્જા ને સંસ્કારને બંધબેસતો સંસાર માંડે એમાં જ સુખ છે. તું તો શાણો જુવાન છો, ભાઈ સુખા! લ્યો, ચંપકભાઈ, હવે અત્યારે ટાણું સાચવી લ્યો. ત્રણ ઉપરાંત ચોથું ચકલુંય જાણશે નહીં. એ દસ્તાવેજોના નાશના આપણે ત્રણ જ સાક્ષી રહેશું. જાવ, લઈ આવો જ્યાં મૂક્યા હોય ત્યાંથી.”

ખુશાલે એ કાળમુખા દસ્તાવેજો લાવવાનું કહ્યું ત્યારે ચંપક શેઠ છોભીલે મોંએ ફક્ત સામે જ જોઈ રહ્યા, પણ ઊઠ્યા નહીં.

“કાંઈ નહીં, અત્યારે ને અત્યારે કાંઈ ઉતાવળ નથી,” એમ કહીને ખુશાલે ટોપી પહેરી, વાળ સરખા કર્યા. પછી છેક અરધા કપાળને ઢાંકેલી ટોપી એણે ઊંચકીને ગુંડાશાહી અદાથી માથાની એક બાજુએ ટેડી કરતે કરતે કહ્યું: “કાલે પાછા રાતે અમે આંહીં આવશું; ત્યાં સુધી તમે નિરાંતે વિચાર કરી શકશો. ઉતાવળ નથી. હાલો સુખાભાઈ, સારા માણસના મકાનમાં મારા જેવા નાગા ગણાતા આદમીને આ બાપડા જીવ ક્યાં સુધી સંઘરીને બેસશે?”

બંને ઊઠીને ચાલ્યા ત્યારે ભાભુ બારણામાં જ ઊભાં હતાં. એણે કહ્યું; “અરેરે, ભાઈ, એવું શીદ બોલો છો? આંહીં જ બેય જણા રાત રહી જાઓ ને!”

“ના, ઘેલીબેન, હું જૂઠું નથી બોલતો,” એણે કહેતે કહેતે ટોપી ટેડી હતી તેને પાછી સંપૂર્ણ સભ્યપણે શિર પર ઢાંકી. “તમે ન જાણો, ઘેલીબેન! તમે કલ્પીયે ક્યાંથી શકો, કે તમારી બેનપણી હેમીબાઈ સાધવીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક ‘નાગો આદમી’ ગણાતો હશે? પણ વાત ખરી છે. કોઈ આબરૂદારના ઘરમાં મારો રાતવાસો ન જ હોય. એમાં કાંઈ નવાઈ પામવા જેવુંય નથી, ઘેલીબેન! સાપનો ગુણ જ એની કોથળીનું ઝેર છે, એનું દૈવત પણ એ ઝેર છે; તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાઈ જ છે. નીકર પોલીસ-અમલદાર ગામડિયા કાઠિયાવાડીથી થોડો બીવાનો હતો? આવજો, બેન! કાલે પાછો મારે આંટો રહ્યો. કાલે બધું પતવ્યે જ છૂટકો છે ને, બેન!”

ખુશાલને ભાભુ સાથે થયેલી એટલી રોકાણ દરમિયાન સુખલાલ બહાર સીડી સુધી પહોંચી ગયો હતો. ખુશાલ સીડી પાસે પહોંચ્યો ત્યારે સુખલાલને વળાવીને પાછી ફરતી સુશીલાના મોંમાં આ બોલ હતા: “કાગળો ફડાવજો—પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!”

ખુશાલને જોતાં એ અદબ ધારણ કરે તે પૂર્વે તો એકાક્ષી ખુશાલની પાતાળ-વેધક આંખે સુશીલાના મોં પરનો ઉકળાટ વાંચી લીધો. ઘૂમટાનો પડદો સુશીલાના મોંની એક બાજુએ પડી ચૂક્યો ને એ બારણામાં પ્રવેશ કરી ચૂકી.

સર્પાકારે વહેતી સીડી બેઉને પૃથ્વી પર લઈ જતી હતી. બબે પગથિયાંની ઠેક દેતે દેતે ખુશાલ બોલતો ગયો:

“નથી છોડવી, હો સુખા! હું વરતી શકું છું: કન્યામાં કહેવાપણું નહીં રહે. મુંબઈની વીફરેલ હોય તો નોખી જ ભાત્ય પડે એના વરતાવની. જોયું નહી—મારી એણે અદબ કરી ઘૂમટો ખેંચ્યો. મારો ભિખારી-રામનો ઘૂમટો… મુંબઈગરી હોત તો ચીપી ચીપીને કંઈક ચિબાવલી પોપટબોલી કરત! આ તો બે કલાક ઘરમાં રીયા પણ ગળું કેવું છે તેનો જ પત્તો ન મળ્યો. તારા બરની લાગે છે. એનેય બાપડીને સૂડી વચ્ચે સોપારી જેવું થયું લાગે છે.”

પાવલીમાં હનુમાન ગલ્લી પહોંચાડવા જતી વિકટોરિયાનો ઘોડો મુંબઈના ડામરિયા ભીના માર્ગો પર ડાબલા પટકતો હતો. તેની સાથે જાણ્યે કે અજાણ્યે ખુશાલની વાતો તાલ મેળવી રહી હતી.

મૂંગાં મૂંગાં ભાભુ-ભત્રીજી પથારીમાં પડ્યાં ત્યારે છ મહિનાનો મંદવાડ ભોગવીને ઊઠ્યો હોય તેવો ચંપક શેઠનો દેહ તિજોરીની સામે ઊભો હતો. ચાવી ફેરવતાં રોજ કરતાં વધુ શ્રમ પામેલા એના હાથમાં તિજોરીની અંદરથી કાઢેલા એ બેઉ દસ્તાવેજો—એક સુખલાલના પિતાનું લખત ને બીજું ડોકટર પાસેથી મેળવેલું બનાવટી સર્ટિફિકેટ—બંને ખુલ્લાં ફરફરતાં હતાં. થોડીવાર આની સામે તો ઘડીક પેલાની સામે શેઠ તાકતા હતા, ફરી ફરીથી વાંચતા હતા.

કાગળોની ઊઘડતી ને પાછી સંકેલાતી ગડીઓનો જે ખરખરાટ થતો હતો, તેનો પણ સ્પર્શ લેતા સુશીલાના કાન સુશીલાની આંખો સાથે સંગ્રામ મચાવી રહ્યા હતા. આ દસ્તાવેજો શાના છે, મોટા બાપુજી શાના એ કાગળો વારંવાર તેજુરીમાંથી કાઢમૂક કરતા હતા? તે દિવસ મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઊઠેલા આક્રંદ-સ્વરો શાને કારણ હતા, અને મારી સગાઈની નવી તજવીજો કરવા પાછળ કયું એવું પ્રચંડ બળ મોટા બાપુજીની પાસે હતું—તે સુશીલાએ અત્યારે સુખલાલની આવેગભરી વેદના-વાણી પરથી પકડ્યું હતું. ને એને થયું કે હિરણ્યકશ્યપના પાપે લોઢાનો તપ્ત થંભ જો ફાટ્યો હોય, તો આટલું પાપ સંઘરતી પિતૃઘરની તેજુરી કેમ હજુ સલામત છે? કાલે રાતે એ આવશે ત્યારે શું થશે? મોટા બાપુજીને સ્પષ્ટ કહેતાં જીભ ઊપડતી જ નથી. તોફાન-કજિયો થશે તે હું કેમ કરીને રોકી શકીશ?

“ભાભુ,” એણે અવાજ કર્યો. ભદ્રા પ્રકૃતિની એ સ્ત્રી ફક્ત પોતાના ધર્મનાં પાંચ સાદા નવકારના મંત્રો વડે જ આ સામટી ક્ષુબ્ધતાને ઓલવી નાખી શકી હતી, ઊંઘમાં પડી હતી. મનના કલેશના ગંજો ને ગંજો જરા જેટલા જળથી ધોઈ શકાય છે. ધર્મસ્ત્રોત્રનાં એ પાંચ વાક્યો, એકાદ રામધૂન, એકાદ માળા કે સૂવા ટાણાની એકાદ તસબી ડહોળાયેલા ચિત્તતંત્રને સ્વપ્નહીન નિદ્રાને શાંત ખોળે પોઢાડી દેવા જો સમર્થ હોય, તો એની એ પાર્થિવ ઉપયોગિતા જ શું પરમ ધાર્મિકતા નથી?

ઊંઘતાં ભાભુને ઉઠાડવા માટે ફક્ત શરીર પર હાથ અડાડવો જ બસ થયો. જાણે સૂતાં જ ન હોય તેવી સ્વસ્થતાથી એણે હોંકારો દીધો: “કેમ ગગી? મને બોલાવી તેં?”

“હા, થોડું કહેવું છે.”

“કહે.”

“મને વચન આપો, કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી નહીં જાય. સૌ છોડે તોય મને તમે નહીં છોડો.”

“વચન આપવું બાકી છે, ગગી? સૌને છોડીને તને સાચવતી શું હું નથી બેઠી?”

“ને ભાભુ,” સુશીલાને જૂની વાત યાદ આવી: “ઓલ્યાં હેમીબેનની જેમ તમે દીક્ષા લેશો ને, તો હુંયે તમારી સાથે દીક્ષા લઈશ. પછી છે કાંઈ?”

“ઘેલી થઈ? દીક્ષા! જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને! ઘર જેવું કોઈ દેવસ્થાન છે, ગગી? બીક રાખ્યા વગર સૂઈ જા.”

નવાઈ તો લાગે જ ને, કે બે જ પળમાં બેઉ શહેરી માનવીઓ તાજાં જન્મેલાં બાળકોના જેવી નીંદરમાં પડ્યાં.

જે નિદ્રા આ બે સરલહૃદયા સ્ત્રીઓને મળી હતી તેણે તદ્દન નજીકના શેઠના શયનાગારમાં એક મટકું પણ નહોતું મોકલ્યું. વિચારોનાં સરપગૂંચળાં ચંપક શેઠના મસ્તકમાં સળવળતાં જ રહ્યાં. આખરે એને મોટામાં મોટા એક ભયની છાયા પડી. ટેલિફોનની ઘંટડી વાગી: “હું વિજયચંદ્ર બોલું છું. આવું હોય કે શેઠ? ટેલિફોન કરી કરી થાકી ગયો, આખરે માંડ કોઈકને જામીન કરી છૂટ્યો છું. આપે મને મદદ કરવી જ જોશે; મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે; કાલે સવારે દસ વાગ્યે મળવા આવું છું,” વગેરે.

અવાજમાં આદેશના જ સ્વરો હતા.

શેઠને ભય પેસી ગયો. આ વિજયચંદ્ર પોતાના બચાવ માટે મને તેમ જ સુશીલાને પોતાના સાહેદરૂપે અદાલતમાં ખેંચાવશે તો? સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કોર્ટમાં મારી સુશીલા? હજાર આંખોનાં ભોંકાતાં ભાલાં વચ્ચે મારી દીકરી? મારી લાડીલી સુશીલા?

એના દર્પનો તો ચૂરો થઈ ચૂક્યો હતો. આ ભગ્નગૌરવના ઉકરડા ઉપર બેઠેલું એનું હૃદય પોતાને ખાલી ખાલી અને સૂનું સૂનું ન લાગે તેટલા ખાતર, હજુ પોતાની પ્રત્યે થોડો દર્પ ધારણ કરી રાખવા મથતું હતું. પણ અદાલતમાં વિજયચંદ્રને હાથે સુશીલાના ઘસડાવાનો વિચાર, સંસારની આ એકની એક સ્ત્રી પરના તેના સ્વામિત્વના દર્પને દળી નાખી તેના મગજમાં એવી રીતે ઘૂમી રહ્યો, જે રીતે આપણે સૂતા હોઈએ ને ઘરના ખપેડામાં કાળો નાગ આંટા મારતો હોય.

રાત્રી ઝમ ઝમ ચાલી જતી હતી, શ્વાસોચ્છ્વાસના અવાજ પણ સિસકારા મારતા સરપો સમા થતા હતા. પોતે વાદળી ગ્લોબવાળી બત્તી પેટાવીને પત્નીના ઓરડા તરફ ગયો, હૈયા પર લળીને ધીમેથી પૂછ્યું: “જાગો છો?”

પત્નીએ આંખો ક્યારે ઉઘાડી એની તો ખબર પણ પડી નહીં. “આવી હો!” એટલા જ શબ્દો, જરાકે નીંદેભર્યા નહીં પણ રાતરાણીનાં ફૂલો જેવા સંભળાયા. સુશીલા ન જાગી જાય તેવી સલૂકાઈથી તે પતિના પલંગ પાસે જઈને ઊભી રહી.

પતિએ નજીક ખેંચી કે પોતે એના સ્પર્શમાત્રથી આપોઆપ ખેંચાઈ ગઈ? એ તો વીજળીનો વાદળરંગી દીવો જાણે—આપણને શી ખબર!

“બચાડા જીવ!” ભાભુ-હૃદયનો એ શબ્દ જગતનાં સૌ કોઈને માટે નીકળતો હતો. એ ઉદ્ગાર અત્યારે નીકળ્યા વગર જ આત્માના ઘુમ્મટમાં ઘૂમરાટ કરતો રહ્યો, ને એણે પતિના શરીરે હાથ પસાર્યો.

… કેટલાં વર્ષ પછી?

પતિએ કહ્યું: “સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જશો?”

એ જ વાક્ય રાતે કહ્યું હતું, ત્યારે તરત જ પગનો ચંપલ છૂટ્યો હતો! એ જ વાક્ય અત્યારે બોલાયું. પણ ત્યારે તો પત્નીના કંઠ ફરતી પતિના કરની માળા રચાઈ.

***