નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશભાઇ
તહેવારોનું સાચુ મહત્વ
વિષય: ધાર્મિક
આપણે વર્ષ દરમિયાન ઘણાં બધા તહેવારો ઉજવીએ છીએ.આપણા એ તહેવારોનું લીસ્ટ બનાવવા જઇએ તો એક પેઇજ ટુંકુ પડે.વળી, એ તહેવારો પાછળ થતા ખર્ચાઓનો હિસાબ માંડીએ તો આંકડો આપણી કલ્પનાથી પણ કયાંય વધારે અને આશ્ચર્યચકિત કરનારો નીકળે. આપણે આપણા દરેક તહેવારો ખર્ચાળ રીતે ઉજવીએ છીએ. નવરાત્રી પર મોટા મોટા મંડપ , રોજ લાઇટીંગ તથા ડેકોરેશન પર કરોડોના ખર્ચા કરીએ છીએ.શ્રાવણ માસ માં શિવપૂજા પર, તેમજ દિવાળી પર ફટાકડા અને રોશની પાછળ, હોળી પર રંગોના નામે અઢળક રૂપિયા ખર્ચી નાખીએ છે.
એક કુંટુબનો વર્ષ દરમિયાન બધા તહેવાર પાછળ થતો ખર્ચનો અંદાજ કરીએ તો એ આંકડો પણ આપણી કલ્પના બહાર નો નીકળે તો આખા દેશમાં તહેવારોની ઉજવણી માટે કરાતા ખર્ચાનો આંકડો તો કેવડો મોટો હશે!!!!!
આ બધુ શા માટે? તહેવારોની ઉજવણી શું ખરેખર જરૂરી છે? તહેવારની ઉજવણીથી મળતા ક્ષણિક આનંદથી આપણા જીવનની મુશ્કેલીઓ, ચિંતાઓ, તકલીફો શું દુર થઇ શકશે ખરા??? તહેવારની મજા કે આનંદ કંઇ શોરબકોર , ધુમાડા કે રંગોમાં રહેલા છે? કયારેય વિચારીયુ છે ખરૂ??? આપણે તહેવારો નો મુળ હાર્દ ભુલવા લાગ્યા છીએ. તહેવારની ઉજવણી પાછળના મુળભુત હેતુઓને વિસરી ગયા છીએ. બસ શોરબકોર, ધમાલ અને ધુમધડાકાને જ તહેવારનો આનંદ સમજીએ છીએ. પરંતુ, એ ખરો આનંદ છે જ નહી. આટલી રાડારાડીને શોરબકોરથી ઉજવેલા તહેવારથી માનસિક શાંતિ તો મળતી જ નથી.ફક્ત છેલ્લે માથાનો દુખાવો જ મળે છે. સમાજમાં જયાં અમુક બિચારા ગરીબ, લાચાર લોકો પાસે બે ટંક ખાવા પૂરતા પણ પૈસા નથી ત્યારે આપણે તહેવારના નામે લાખોનો ધુમાડો કરતાં અચકાતા નથી. અમુક વર્ગના લોકો દવાના પૈસા ન હોવાને કારણે નાનકડી બિમારીમાં મુત્યુ પામે છે અને આપણે શોરબકોર તથા ખર્ચા કરીને તહેવાર ઉજવીએ છીએ. બિચારા પછાત આદીવાસી લોકો શિક્ષણના અભાવે હજુ પણ જુના પુરાના યુગમાં જીવે છે. બિચારા નાના નાના બાળકો પોતાની મુળભુત જરૂરિયાતો પૂરી કરવા દિવસ ના અઢાર અઢાર કલાક કામ કરે છે. આપણે તહેવારના નામે કે ભગવાનની પુજાના નામે લખલુટ ખર્ચાને બદલે આવા લોકોની મુળભુત જરૂરિયાતો પૂર્ણ કરવા વાપરીએ તો સમાજમાં સુચારુ વ્યવસ્થા કાયમ જળવાઇ રહે. પરંતુ એનો મતલબ એમ નથી કે તહેવારો ઉજવવા જ નહી કે ભગવાનની પુજા કરવી જ નહી. મારી વાતોની જરા પણ ગેરસમજ કરતા નહી. આપણી આસ્થા તથા વિશ્વાસ અતુટ હોઇ તો સાચા હ્રદયથી સાદાઇપુર્વક કરેલી પૂજા અને તહેવારની ઉજવણી ઇશ્વર સ્વીકારે જ છે. સમાજમાં થતા વધારે પડતા ગુનાઓ પાછળનું મુખ્ય કારણ લોકોની મુળભુત જરૂરિયાતો પુરી ન થવી કે શિક્ષણનો અભાવ જ છે. આપણે આપણા તહેવારની ઉજવણી સાદાઇપૂર્વક કરી તેમજ મોજ શોખમાંથી થોડા પૈસા બચાવીને સમાજમાં રહેલા જરૂરિયાતમંદ લોકોને આપીએ તો સમાજમાં ગુના વધતા અટકાવી શકિએ તેમજ નાણાનાં અભાવે થતા મ્રુત્યુ રોકી શકિએ. ભલે મોટા મોટા દાન ના કરી શકીએ તો કંઇ નહી પરંતુ સમાજમાં દરેક વ્યકિત નાનું નાનું કાર્ય કરે તો પણ સળી સળી મળીને સાવરણા જેવુ બની જાય . આપણે રોજ પશું-પંખીઓને થોડુ ખાવાનું પુરૂ પાડવાનો નિયમ લઇએ. મજુરીએ જતા બાળકોમાંથી એકાદ બાળકને શાળાએ મોકલીએ અને તેનો શિક્ષણ ખર્ચ ઉઠાવીએ. ગરીબોના વિસ્તારમાં જઇ તેઓને અનાજ, કપડાંનુ વિતરણ વારંવાર કરીએ. આવા નાના મોટા કાર્યો સમાજમાં રહેલા તમામ કરે તો સમાજમાં પ્રેમ તથા ભાઇચારાની સુવાસ ચોમેર ફેલાઇ રહે. ખાલી તહેવારો ઉજવવાથી જ ભગવાન ખુશ થતા નથી પરંતુ આપણા આવા સમાજમાં સુવાસ ફેલાવાનાં કાર્યોથી પણ ઇશ્વર પ્રસન્ન થાય જ છે. પ્રાચીન યુગમાં આપણા વડવાઓ દરેક તહેવારના દિવસે અચૂક દાન કરતા અરે તહેવાર શું દરેક સારા માઠા પ્રસંગે જરૂરિયાત મંદોને દાન પુણ્યના કાર્યો કરવામાં આવતા અને ત્યારે જ સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહેતી.
આજે આપણે રાડો પાડી છીએ કે કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો પરંતુ, કળિયુગ કયાંયથી આવ્યો નથી આપણી વિચારસરણીને કારણે આપણે કળિયુગને લઇ આવ્યા છીએ. આપણે થોડીક આપણી વિચારસરણીમાં બદલાવ લાવ્યે અને આપણા વર્તણુકમાં સુધારો લાવીએ તો કોઇ યુગ કે ખરાબ શકિતની હિંમત નથી કે આપણને દુખ પહોચાડે. સમાજમાં રહેલા બધા વ્યકિત વિશે તો આપણે કદાચ ન વિચારી શકીએ. પરંતુ આપણી આસપાસ રહેલા પશું પંખીઓ અને ગરીબો માટે તો કાંઇક કરી જ શકીએ ને. આપણા તહેવારો સાદાઇ થી ઉજવીશુ અને ઇશ્વરની પુજા સાદાઇ થી કરીશું તો કદાચ ઇશ્વર નારાજ નહી થાઇ પરંતુ બિચારા કટકુ રોટલા માટે જયારે કોઇક જીવ મુત્યુ ને ભેટે છે ત્યારે ઇશ્વર જરૂર નારાજ થાય જ છે .સમાજમાં રહીને આપણા બધાની જવાબદારી સમાજ પ્રત્યે છે.
આપણે આપણી જવાબદારી સમજીને આપણું કાર્ય કરવુ જોઇએ. જેમ એક કવિએ કહ્યુ છે ને કે,“વિશાળ આ સ્રુષ્ટિમાં નથી એક માનવી,પશુ છે પંખી છે”
આપણા કોઇ પણ ધર્મ ગ્રંથોમાં તહેવાર પાછળ લખલૂટ ખર્ચ કરવાનું કહેવામાં આવ્યુ નથી બસ દિલમાં ખુશી સાથે ઉજવેલી દરેક પળએ તહેવાર સમાન જ છે તેના માટે કોઇ ચોક્કસ તારીખ કે તિથિની જરૂરિયાત નથી. સાચી ખુશી તો અંતરમન ની ખુશી છે અને તે જ આપણી સાથે આવશે અને તે ખુશી કોઇક ના દિલમાં ખુશીની લહેર ફેલાવાથી જ મળશે.બાકી ક્ષણિક ખુશી તો અહી જ રહી જવાની છે અને ક્ષણમાં જ વીસરાઇ જશે. માટે ક્ષણિક ખુશી પાછળ ઘેલાના બનીએ અને મહામૂલ્ય અને મોંઘા માનવ દેહ થી સારા કાર્યો કરીએ અને આપણો જન્મારો ક્ષણિક આવેગ પાછળ ના વેડફીએ.
તો આજે જ જાગ્રુત બનીએ અને સમાજમાં સુવાસ ફેલાવવા માટે કાર્યરત બનીએ. તમે અને હું સાથે મળીને ટીપું ટીપું ભેગુ કરીને ચાલોને પ્રેમ તથા બંધુતાનું સરોવર બનાવીએ. સમાજમાં જરૂરિયાતમંદ જીવોની બની શકે તેટલી મદદ કરીએ અને તેમના જીવનમાં પણ ખુશીની લહેર ફેલાવીએ.