Kaalratri - 24 in Gujarati Biography by Narendrasinh Rana books and stories PDF | કાળરાત્રી-24

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

કાળરાત્રી-24

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે, બુચેનવાલ્ડ પહોંચીને લેખકના પિતા અંતે હિંમત હારી જાય છે. તેમની તબિયત લથડે છે. હવે, આગળ વાંચો...)

એક દિવસ ભોજન માટે બ્રેડ લઈને હું મારા પિતા પાસે પહોંચ્યો તો તેઓ રડી રહ્યા હતા. મેં તેમને કારણ પૂછ્યું.

"એલિઝાર, આ દર્દીઓ મને મારે છે." તેમણે આસપાસના દર્દીઓ તરફ આંગળી ચીંધી.

હું આસપાસના દર્દીઓ પર ગુસ્સે ભરાયો. તેઓ મને જોઈને હસવા લાગ્યા. મેં તેમને મારા પિતાને સાચવવાના બદલામાં બ્રેડ અને સૂપની ઓફર કરી તો તેઓએ મારી મશ્કરી કરી.

મારા પિતા અશક્તિ અને મરડાને કારણે પથારીમાં મળત્યાગ કરતા, તેના કારણે તેઓ મારા પિતાને મારતા હતા.

તેના પછીના દિવસે તેમણે બીજી ફરિયાદ કરી. તેમણે ફરિયાદ કરી કે, આસપાસના દર્દીઓ તેમની બ્રેડ અને સૂપ ખાઈ ગયા.

"તમે સુઈ ગયા પછી તેમણે ચોરી કરી?" મેં પૂછ્યું.

"ના, હું જાગતો હતો ત્યારે તેમણે મારા પર હુમલો કર્યો અને મારી પાસેથી બ્રેડ અને સૂપ લઇ ગયા. હું હવે વધારે નથી જીવવાનો. મને પાણી પીવા આપ."

મને ખબર હતી કે પાણી તેમના માટે ઝેર સમાન છે. માટે મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો પણ તેઓ ન માન્યા. મને પણ અંદાજો આવી ગયો હતો કે તેમને પાણી દેવા કે નહીં દેવાથી કોઈ ફેર પડવાનો નહોંતો. મેં તેમને થોડું પાણી આપ્યું.

"તને કમસે કમ મારા પર દયા તો આવે છે."

તેઓ પોતાના એકમાત્ર પુત્રને આ વાત કહી રહ્યા હતા.

એક અઠવાડિયું આમ જ પસાર થયું.

એક દિવસ મારા બ્લોકનો પ્રમુખ મારી પાસે આવ્યો.

"આ તારા પિતા છે?" તેણે પૂછ્યું.

"હાં."

"તેઓ બહું બીમાર છે."

"ડોક્ટર તેમની દવા નથી કરી રહ્યા."

"ડોક્ટર હવે કંઈ કરી શકે તેમ નથી."

તે મારા ખભા પર હાથ મૂકીને બોલ્યો," જો છોકરા, હું તને એક સલાહ આપું છું. તું અહીંયા કોન્સન્ટ્રેશન કેમ્પમાં છે. અહીંયા કોઈ કોઈનું સગુ નથી. કોઈ ભાઈ, બાપ કે પુત્ર નથી. અહીંયા દરેક વ્યક્તિ એકલો છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. માટે તારા મરી રહેલા પિતાને તારા ભાગની બ્રેડ અને સૂપ આપવાનું બંધ કરી દે. તારી પોતાની જાતનો પણ વિચાર કર. મારા મતે તારે તેની વધારે જરૂર છે. હવે તું તારા પિતાને મદદ કરી શકે તેમ નથી. મારા મતે તારા પિતાને મળતું રાસન પણ તારે લઇ લેવું જોઈએ."

મેં તેની વાત સાંભળી. ઊંડે ઊંડે મને તેની વાત સાચી લાગી. મને પણ એમ લાગતું હતું કે હું મારા પિતાને હવે બચાવી શકું તેમ નથી. બે જણાના રાસનનો વિચાર મને યોગ્ય લાગ્યો.

પણ આ વિચાર મારા મનમાં એક ક્ષણ માટે જ રહ્યો. મને મારી જાત પર આવો વિચાર કરવા માટે ઘૃણા ઉપજી. હું ઝડપથી બહાર ગયો અને મારા પિતા માટે મારા ભાગનું સૂપ લઇ આવ્યો. તેમને સૂપ નહોતું પીવું. તેઓ પાણીની માંગણી કરી રહ્યા હતા.

"તમે સૂપ પીવો...પાણી નહીં."

"ના, મારુ આખું શરીર બળી રહ્યું છે. મારા પર દયા કર. મને પાણી દે." તેમણે આજીજી કરી.

મેં તેમને પાણી લાવી આપ્યું. પછી હું હાજરી પુરાવવા બ્લોકની બહાર ગયો અને થોડીવારમાં પાછો આવ્યો. બીમાર કેદીઓને હાજરી પૂરાવવાની જરૂર નહોતી પડતી. તે દિવસે હું બીમાર બની ગયો. હું મારા પિતાને આજે એકલા મુકવા નહોતો માંગતો. હું તેમના પલંગની ઉપરના બંક બેડ પર સુઈ ગયો.

"એલિઝાર, મને પાણી આપ, બેટા." મારા પિતા હજુ રાડો પાડી રહ્યા હતા.

ત્યાંથી પસાર થતા એક જર્મન ઓફિસરે તેમની રાડો સાંભળી. તેણે મારા પિતાને ચૂપ રહેવા આદેશ આપ્યો. પણ મારા પિતા તેની વાત નહોતા સાંભળી રહ્યા. જર્મન ઓફિસરે તેમને પોતાની પાસે રહેલા દંડાથી માથામાં મારવાનું શરૂ કર્યું.

હું મારી પથારીમાં થીજી ગયો. મને બહુ બીક લાગી. મને તે ઓફિસર માથામાં મારશે તેવું લાગ્યું.

મારા પિતા હજુ પણ મારા નામની રાડો પાડી રહ્યા હતા. એક દીકરો પોતાના મરણ પથારીએ પડેલા પિતાને મારથી ન બચાવી શક્યો.

ઓફિસરના ગયા પછી હું તરત જ મારા બંક બેડ પરથી નીચે ઉતર્યો. હું લગભગ એક કલાક સુધી તેમની બાજુમાં બેસી રહ્યો. હું તેમના ચેહરા પરથી લોહી લૂછતો રહ્યો. તેમનો શ્વાસ હજુ ચાલી રહ્યો હતો. અંતે હું મોડી રાત્રે મારા, છેલ્લા શ્વાસ લઇ રહેલા પિતાના પલંગ ઉપર રહેલા બંક બેડ પર સુઈ ગયો. એ તારીખ હતી, 28 જાન્યુઆરી, 1945.

હું જયારે 29 જાન્યુઆરીની વહેલી સવારે ઉઠ્યો ત્યારે મારા પિતાની જગ્યાએ નવો દર્દી આવી ગયો હતો. તેઓ કદાચ મારા પિતાને વહેલી સવારે ભઠ્ઠીમાં ફેંકવા લઇ ગયા હતા. કદાચ તેમને ભઠ્ઠીમાં ફેંકવામાં આવ્યા હશે ત્યારે તેમના શ્વાસ ચાલતા હશે.

તેમની પાછળ કોઈએ પ્રાર્થના ન કરી. તેમની યાદમાં કોઈએ મીણબત્તીઓ ન સળગાવી. તેમના છેલ્લા શબ્દો મારુ નામ હતા. તેઓ મને મારથી બચવા બોલાવી રહ્યા હતા અને હું તેમને જવાબ નહોતો આપી શક્યો.

હું તેમની પાછળ રડ્યો નહીં. મને તેમની પાછળ રડી નહીં શકવાનું દુઃખ થયું. મારા આંસુઓ સુકાઈ ગયા હતા. કદાચ મેં મારી આત્માની અંદર ઊંડે શોધ કરી હોત તો મને "આખરે છૂટ્યો" તેવી લાગણી પણ કદાચ મળી હોત.

મારા પિતાના મૃત્યુ પછી હું બુચેનવાલ્ડના કેમ્પમાં 11 એપ્રિલ સુધી રહ્યો. આ સમય દરમ્યાન મારુ જીવન સાવ બદલાઈ ગયું હતું. હું મારા પિતાને યાદ નહોતો કરી રહ્યો. હું માત્ર એક આત્મા વગરનું શરીર બની ગયો હતો. મારા જીવનનું કોઈ જ મહત્વ રહ્યું નહોતું.

મને બાળકોના બ્લોકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં અમે છસો બાળકો હતા.

યુદ્ધ મોરચો નજીક આવી રહ્યો હતો.

મેં મારા માતા પિતા વિશે વચારવાનું છોડી દીધું હતું. હું આખો દિવસ પડ્યો રહેતો. બ્રેડ અને સૂપ જ મારી એકમાત્ર ચિંતા હતા.

પાંચમી એપ્રિલે ઇતિહાસે ફરી કરવટ બદલી, મોડી સાંજનો સમય હતો. અમેં અમારા બ્લોકમાં ઉભા ઉભા અમારી ગણતરી કરવા આવનારા એસ.એસ.ના ઓફિસરની રાહ જોઈ રહ્યા હતા. પહેલી વાર એવું બન્યું હતું કે ઓફિસર મોડો પડ્યો હતો. આવું પહેલા ક્યારેય નહોતું બન્યું. કઈંક એવું થયું હતું કે જેના કારણે ઓફિસર મોડો પડ્યો હતો.

બે કલાક પછી જાહેરાત થઇ કે બધા જ યહૂદીઓને મેદાનમાં લાવવામાં આવે.

આ કદાચ અમારો અંત હતો. કદાચ હિટલર તેનું વચન પૂરું કરવા જઈ રહ્યો હતો. અમેં બધા ગભરાઈ ગયા.

અમારા બ્લોકના બાળકોને, મળેલા હુકમ પ્રમાણે, અમારો બ્લોક ઓફિસર મારી મારીને મેદાનમાં લઇ જવા લાગ્યો. રસ્તામાં મળતા કેટલાક કેદીઓએ અમને કહ્યું કે," પાછા જાઓ. જર્મનો તમને ગોળી મારી દેશે. તમારા બ્લોકમાં જ રહો." અમેં ગભરાઈને અમારા બ્લોકમાં પાછા ફર્યા.

સમગ્ર કેમ્પમાં અસમંજસનું વાતાવરણ હતું. એવા સમાચાર આવ્યા કે, કેમ્પમાં ભૂગર્ભમાં રહેલા વિદ્રોહીઓ જર્મનો અમને મારી નાખે, તેના પક્ષમાં નહોંતા. ઘણા યહૂદીઓ મોતથી બચવા, બિન યહૂદીઓ તરીકે નામ નોંધાવી રહ્યા હતા. આ કારણે કેમ્પના પ્રમુખે બીજા દિવસે બધાની હાજરી લેવાનું નક્કી કર્યું. બધાએ ફરજીયાત હાજર રહેવાનું હતું.

બીજા દિવસે અમારી હાજરી લેવાઈ. કેમ્પ પ્રમુખે જાહેરાત કરી કે દરરોજ બ્લોક નંબર પ્રમાણે કેદીઓને કેમ્પમાંથી બહાર લઇ જઈને મારી નાખવામાં આવશે. આ પ્રક્રિયાની શરૂઆત સાથે જ અમને બ્રેડ અને સૂપ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું. આ રીતે કેમ્પ ખાલી કરવાની શરૂઆત થઇ. દરરોજ હજારો કેદીઓ કેમ્પના મુખ્ય દરવાજાની બહાર ફરી ક્યારેય પાછા નહીં ફરવા માટે નીકળતા.

દસમી એપ્રિલે, હજું કેમ્પમાં વીસેક હજાર કેદીઓ અને સો એક બાળકો હતા. તે દિવસે તેમણે અમને બધાને એક સાથે કેમ્પમાંથી બહાર કાઢીને મારી નાખવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેઓ કેમ્પને ઉડાવી દેવાના હતા. અમેં બધા એકસાથે કેમ્પની બહાર જવા માટે મુખ્ય મેદાનમાં ભેગા થયા હતા. અમેં મુખ્ય દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. અચાનક સાયરન વાગવાના શરૂ થયા. અમને ખબર ન પડી કે શું થયું. ફરી કેમ્પમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. અમેં અમારા બ્લોકમાં પાછા ફર્યા. તેમણે અમને મારવાનું બીજા દિવસ પર મુલતવી રાખ્યું.

અમારા માટે ભૂખ અસહ્ય થઇ પડી હતી. ઘાંસ અને રસોડાની જમીન પર પડેલી બટેટાની છાલ સિવાય અમેં, છ દિવસથી કોઈ જ વસ્તુ ખાધી ન હતી.

બીજા દિવસે સવારે દસ વાગે એસ.એસ.ના સૈનિકો અમને ફરી મુખ્ય મેદાન પર ભેગા કરવા લાગ્યા. અમારામાં રહેલા વિદ્રોહીઓએ હુમલો કરવાનું નક્કી કર્યું. અચાનક ચારે તરફથી હથિયારધારી કેદીઓ ફૂટી નીકળ્યા. તેમણે એસ.એસ.ના સૈનિકો પર ગોળીબાર ચાલુ કર્યો. બન્ને તરફથી ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા. અમેં બાળકો, ગોળીબારથી બચવા, જમીન પર સુઈ ગયા. લડાઈ લાંબી ન ચાલી. બપોરે બધું જ પાછું શાંત થઈ ગયું. એસ.એસ.ના સૈનિકો ભાગી છૂટ્યા હતા. વિદ્રોહીઓએ કેમ્પ પર કબજો કરી લીધો હતો. સાંજે છ વાગ્યે અમેરિકન ટેન્કો કેમ્પના દરવાજા સામે ઉભી હતી.

જર્મનોની પકડમાંથી છૂટ્યા પછી અમે સૌથી પહેલું કામ કેમ્પના અનાજ અને બ્રેડના ભંડાર લૂંટવાનું કર્યું. બદલો લેવો જોઈએ કે જર્મનોને મારવા જોઈએ, એવા વિચારો અમારા મનમાં ન આવ્યા. બધા સૌથી પહેલા પોતાના પેટની આગ ઠારવા માંગતા હતા.

અમારી ભૂખ સંતોષાઈ ગયા પછી પણ અમારામાં બદલાની ભાવના ન જાગી. બીજા દિવસે કેટલાક યુવાનો શહેરમાં ખોરાક, કપડાં અને સ્ત્રીઓની શોધમાં નીકળી પડ્યા. જર્મનો સામે બદલો લેવાની ભાવના સાવ ભુલાઈ ગઈ.

બુચેનવાલ્ડ કેમ્પની આઝાદીના ત્રણ દિવસ પછી હું સખત બીમાર પડી ગયો. મને ભૂખને કારણે ઝેરી અસર થઇ હતી. મને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં હું બે અઠવાડીયા સુધી મોત સામે લડતો રહ્યો.

એક દિવસ જયારે મારામાં પથારીમાંથી ઉભા થવાની શક્તિ આવી ત્યારે મેં મારું પ્રતિબિંબ સામેની દીવાલ પર લટકેલા અરીસામાં જોવાનું નક્કી કર્યું. મેં મારો ચહેરો અરીસામાં, ઝુંપડપટ્ટી મુક્યા પછી, નહોંતો જોયો.

અરીસાના ઊંડાણમાંથી એક અર્ધ મરેલા માણસનો ચહેરો મને જોઈ રહ્યો હતો. તે એકદમ અજાણ્યો માણસ હતો. લાંબી કાળરાત્રીએ તેને બદલી નાખ્યો હતો. તેની આંખોમાં રહેલા ભાવ આજીવન મારી સાથે રહ્યા.

(સમાપ્ત)

(આ સંપૂર્ણ અનુવાદને ધીરજ પૂર્વક વાંચનારા દરેક વાંચકનો હૃદયપૂર્વક આભાર. તમારા રસને કારણે જ આ ભગીરથ કાર્ય તેના અંત સુધી પહોંચી શક્યું. ફરી એકવાર થેન્ક યુ.)