21 mi Sadi nu ver - 45 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 45

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 45

21મી સદીનું વેર

પ્રકરણ-45

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

બે દિવસ રોકાઇને ઇશિતા જતી રહી તે પહેલા ઇશિતા અને કિશને મળીને કિશનના પેન્ટાહાઉસમાં સામાન ગોઠવી દીધો. ઇશિતાએ બધીજ વસ્તુઓ જાતે ગોઠવીને પેન્ટહાઉસને વ્યવસ્થિત કરી દીધુ. આ જોઇ કિશને ઇશિતાને કહ્યુ “ઇશિ, યાર અત્યાર સુધી આ એક મકાન હતુ. તે તેમા પ્રાણ ફુકીને ઘર બનાવી દીધુ. તારો હાથ ફરતાજ અહીની રોનક બદલાઇ ગઇ. જો કે તારા આવવાથી મારી જીંદગીની પણ આજ રીતે રોનક બદલાઇ ગઇ છે. ”

આ સાંભળી ઇશિતાએ કહ્યુ “કિશુ,આ આપણુ ઘર છે. હું ખુશ નસીબ છુ કે મને લગ્ન પહેલાજ મારૂ ઘર સજાવવાનો મોકો મળ્યો છે. ”

લગ્નની વાત સાંભળતાજ કિશનને સ્મૃતિમેડમને મળવા જવાનું યાદ આવ્યુ એટલે તેણે સ્મૃતિમેડમની ઓફીસ પર ફોન કર્યો તો ત્યાંથી જાણવા મળ્યુ કે મેડમ ત્રણ દિવસ માટે અમદાવાદ ગયા છે. એટલે કિશને ઇશિતાને કહ્યુ “હવે તારે છેલ્લા બે મહિના જ બેગ્લોરમાં બાકી રહ્યા છે તે પુરા કરીલે પછી જ તારા પપ્પાને વાત કરીશું. ”

બે દિવસ કિશન અને ઇશિતાએ સાથે મુવી જોઇ અને ખુબ ફર્યા. પછી ઇશિતા બેંગ્લોર જતી રહી. એ પછીના એક અઠવાડીયામાં કિશને તેની ઓફીસ પણ ચેન્જ કરી નાખી અને મોહિતે તેના ન્યુઝપેપરમાં તેની જાહેરાત પણ આપી દીધી. બધુ જ વ્યવસ્થિત ગોઠવાઇ ગયુ ત્યાં એક દિવસ ગણેશે આવીને કિશનને કહ્યુ “તમે પેલા બે ફોન નંબરની તપાસ કરવાનુ કહ્યુ હતુ. તે બન્ને નંબર મોટેભાગે ગીરનાર તળેટીમાં આવેલ ભારતી આશ્રમમાંથીજ ઉપયોગમાં લેવામાં આવેલા. તેનુ છેલ્લુ લોકેશન પણ ત્યાંનુજ બતાવે છે. ”

આ સાંભળી કિશન વિચારમાં પડી ગયો. ભવનાથ મંદિરની પાસે આવેલ ભારતી આશ્રમ ખુબ મોટો અને પ્રખ્યાત હતો. તે આશ્રમનુ સંચાલન ભારતીબાપુ નામના સંત કરતા. ભારતીબાપુ ના ઘણા બધા શિષ્યો છે. જેમા થોડી સ્ત્રીઓ તથા અમુક વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. તથા ઘણી મહિલાઓ ત્યાં સ્વેચ્છાએ સેવા આપવા જાય છે. કિશન આ આશ્રમથી ખુબ પરીચિત હતો કેમકે તેના પિતાને ભારતી બાપુમાં ખુબ શ્રધ્ધા હતી. કિશન તેના પિતા સાથે ઘણીવાર તે આશ્રમમાં ગયો હતો. ત્યારે આશ્રમનું નવુ બિલ્ડીંગ બંધાયુ ન હતુ. કિશન તેના પપ્પા સાથે ત્યાં જતો ત્યારે તેના પપ્પા ભારતી બાપુ સાથે વેદ અને ઉપનિષદની ચર્ચા કરતા અને કિશન બહાર રહેલ મોટા ઝાડ અને વૃક્ષોથી ઘેરાયેલા મેદાનમાં રમતો. અત્યારે કિશનની નજર સામે તે દ્રશ્ય ઉભુ થઇ ગયુ. કિશન વિચારવા લાગ્યો કે કોણ હોઇ શકે જે ત્યાંથી મને ફોન કરતુ હોય. ત્યાં તો ઘણીબધી સ્ત્રીઓ હોય છે. અચાનક કંઇક યાદ આવતા કિશને ગણેશને પુછ્યુ “તે બન્ને નંબરમાંથી એકેય ચાલુ છે?”

“ના એ બન્ને નંબર બંધ છે અને તે બન્ને પરથી છેલ્લો ફોન તમનેજ થયો હતો. ”

“તે નંબર કોના નામ પર છે તે વિશે કંઇ જાણવા મળ્યુ?” કિશને પુછ્યુ.

“હા તે બન્ને સિમકાર્ડ યુપીના કોઇ વ્યક્તિના નામે હતા. ”

આ સાંભળી કિશન વિચારવા લાગ્યો કોઇ યુપીના વ્યક્તિના નામે સીમકાર્ડ લઇ મને શું કામ ફોન કરે? કોણ હોઇ શકે આ મહિલા જે મને દરેક વખતે ઉપયોગી થાય છે? અચાનક કંઇક યાદ આવતા કિશને ગણેશને કહ્યુ “એક કામ કર ચાલ ગાડી કાઢ ભારતી આશ્રમ જઇ આવીએ. ”

આ સાંભળી ગણેશ કાર લેવા ગયો અને કિશન બાજુની નેહાની કેબીનમાં ગયો. કિશનને જોઇ નેહા ઉભી થઇ ગઇ.

“હું થોડા કામ માટે બહાર જાઉં છું. કલાકમાં આવી જઇશ.” એમ કહી કિશન ત્યાંથી નીકળી બહાર આવ્યો ત્યાં ગણેશ કાર લઇને આવી ગયો હતો. કિશન બેઠો એટલે ગણેશે કારને કાળવા ચોક તરફ જવા દીધી. 10 મિનિટ પછી કાર ભારતી આશ્રમ પાસે પહોંચી.

“તુ તારૂ પેલુ ગેઝેટ્સમાં જોતો રહેજે અને વાતચીત રેકોર્ડ કરજે.” એમ કહી કિશન કારમાંથી ઉતરી આશ્રમના ગેટમાં દાખલ થયો ત્યાં એક વોચમેન તેની પાસે આવ્યો એટલે કિશને તેને કહ્યુ “ભારતીબાપુને મળવુ છે. ”

કિશનનો દેખાવ અને વ્યક્તિત્વ જોઇ પેલાએ કંઇ વધુ પુછ પરછ ન કરી અને કહ્યુ “સામેના બીંલ્ડીંગમાં પહેલા માળ પર જતા રહો. ”

આ સાંભળી કિશન આજુબાજુ નજર નાખતો આગળ વધ્યો. ગીરનારની વનરાજી વચ્ચે એકદમ શાંત વાતાવરણ હતુ. કિશને વિચાર્યુ અહી કોઇ સ્ત્રીતો દેખાતીજ નથી. કિશન પહેલા માળે ગયો ત્યાં તેને એક સંન્યાસી યુવાન સામે મળ્યો એટલે કિશને તેને કહ્યુ “મારે ભારતી બાપુને મળવુ છે. ”

આ સાંભળી પેલા યુવાને કહ્યુ “ગુરૂજીતો અત્યારે ધ્યાનમાં બેઠા છે તમે એક કામ કરો ત્યાં સામે છેલ્લે જે ઓફીસ છે તેમાં માતા બેઠા છે તેને મળી લો. ”

આ સાંભળી કિશન વિચારવા લાગ્યો આ માતા કોણ છે? તે અહી શુ કરતા હશે? આમ વિચારતો કિશન તે ઓફીસમાં દાખલ થયો સામે એક ટેબલ અને ખુરશી હતા જેના પર એક યુવતી બેઠી હતી જેણે સફેદ કપડા પહેર્યા હતા. કિશન તેની પાસે ગયો અને કહ્યુ “મારે માતાને મળવુ છે. ”

પેલી યુવતી એ કિશન સામે જોયુ. કિશનનું થોડુ નીરીક્ષણ કરી અને સામે એક દરવાજા તરફ આગળી ચીંધી કહ્યુ “ત્યાં અંદર જતા રહો. આ સાંભળી કિશન તે દરવાજા પાસે ગયો અને થોડો દરવાજો ખોલી જોયુ તો એક અધેડ વયની સફેદ સાડી પહેરેલી મહિલા એક ખુરશીમાં બેસી કંઇક વાંચતી હતી અને તેની સામે એક નાનુ ટેબલ અને ચાર પાંચ ખુરશી પડી હતી. કિશને કહ્યુ “હું અંદર આવી શકુ?” આ સાંભળી તે મહિલાએ કિશન સામે જોયુ એ સાથેજ તેની આંખમાં એક ચમકારો થયો પણ તરતજ તેણે કહ્યુ “આવ દિકરા અંદર આવ. અહી પરવાનગી લેવાની જરૂર જ નથી. અહી બધા માટે સદાય દરવાજા ખુલ્લાજ છે. ” એકદમ મીઠો અને પ્રેમાળ અવાજ સાંભળી કિશનને એક અલગ પ્રકારનું આકર્ષણ અનુભવાયુ. તે અંદર ગયો અને સામે પડેલી ખુરશીમાંથી એકમાં બેઠો. માતાને જોઇ તે એકદમ પ્રભાવિત થઇ ગયો હતો. એકદમ સૌમ્ય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માત્ર આંખથીજ લોકોને વશમાં કરીલે તેવી પ્રેમાળ આંખો. એકદમ સપ્રમાણ દેહ. કિશનને વિચારતો જોઇ માતાએ કહ્યુ “બોલ દિકરા કેમ મારી પાસે આવવુ પડ્યુ કંઇ કામ હતુ?”

માતા એકદમ આત્મિયતાથી વાત કરતા હતા. જાણે કિશનને તે વર્ષોથી ઓળખતા હોય. તેની વાણી સાંભળી કિશનના બધાજ પ્રશ્નો ભુલાઇ ગયા તે માત્ર એટલુજ બોલી શક્યો “મારે બાપુને મળવુ હતુ. ”

“ બાપુતો અત્યારે ધ્યાનમાં બેઠા છે. જો કંઇ કામ હોય તો મને કહી શકે છે. ”

કિશન વિચારવા લાગ્યો કે હવે શું કહેવુ. અચાનક કંઇક યાદ આવતા તેણે કહ્યુ “મારૂ નામ કિશન પંડ્યા છે. મારા પપ્પા કૃષ્ણકાંત પંડ્યાને બાપુ પર ખુબ શ્રધ્ધા હતી. આજે તેની પુણ્યતિથી છે એટલે તે નિમિતે થોડુ દાન આપવુ હતુ. ” આટલુ બોલી કિશન માતાનો પ્રતિભાવ સાંભળવા રોકાયો.

“દિકરા દાન આપવુ એતો પ્રભુની કૃપા હોય તોજ થઇ શકે એવુ કામ છે. તારા પિતાના સદાય તારા પર આશીર્વાદ છે એટલેજ તું અત્યારે અહી આવ્યો છે. ”માતા આંખો બંધ કરીને બોલતા હતા.

પછી તેણે આંખો ખોલીને એક બેલ મારી એટલે પેલી બહાર બેઠેલી યુવતી અંદર આવી. માતાએ તેને કહ્યુ “ આ ભાઇ દાન આપવા માગે છે એટલે તેને પ્રસાદી અને રસીદ આપી દેજે. ” ત્યારબાદ કિશન તે યુવતી સાથે બહાર આવ્યો. તેણે 1000 રૂપીયા દાન આપ્યુ એટલે પેલી યુવતિએ પ્રસાદી આપી. ત્યાં ફરીથી માતાએ બેલ વગાડી એટલે પેલી યુવતી અંદર ગઇ અને બે મિનિટ પછી એક કવર સાથે બહાર આવીને કિશનને આપતા બોલી “આમાં તમારા દાનની રસીદ છે. ” કિશન કવર લઇને બહાર નીકળ્યો અને કારમાં બેઠો એટલે ગણેશે ફરીથી કારને ઓફીસ તરફ જવા દીધી. કિશન આંખો બંધ કરીને વિચારવા લાગ્યો આ માતા કોણ છે? ખુબજ પ્રભાવશાળી મહિલા છે. તે આવા આશ્રમમાં કેમ હશે? આમને આમ તે વિચારતો રહ્યો ત્યાં ઓફીસ આવી ગઇ એટલે કારમાંથી ઉતરતા તેણે કહ્યુ “ઉપર આવ પેલુ રેકોર્ડીંગ મારે સાંભળવુ છે. ”

કિશન ઉપર આવી પોતાની ચેમ્બરમાં બેઠો અને નેહાને બોલાવી કહ્યુ “ગણેશ હમણા એક વોઇઝ રેકોર્ડીંગ લઇ આવશે તે લઇ અહી સિસ્ટમમાં સાલુ કરી દે. ”કિશને નવી ઓફીસમાં એક સાઉંન્ડ સિસ્ટમ મુકાવેલી જેમાં તે બધા કેસને લગતા રેકોર્ડીંગ સાંભળતો અને ફ્રી હોય ત્યારે પ્રખ્યાત વક્તાઓની સ્પીચ પણ સાંભળતો.

થોડીવાર બાદ નેહા આવી અને તે રેકોર્ડીંગ ચાલુ કરી જતી રહી એટલે કિશન પોતાની ચેરમાં ટેકો દઇને આંખો બંધ કરીને સાંભળવા લાગ્યો. શરૂઆતમાં તો કિશનની ચોકીદાર સાથેની વાતચીત આવી પછી યુવાન સાથેની વાતચીત આવી. પછી જેવી પેલી રીસેપ્શનિસ્ટ સાથેની વાતચીત આવી કે કિશન એકદમ ધ્યાનથી સાંભળવા લાગ્યો. તે જે ચકાસણી કરવા માંગતો હતો તેના માટે હવે પછીનું રેકોર્ડીંગ જ અગત્યનું હતુ. જેવો માતાનો અવાજ સાઉન્ડ સીસ્ટમમાં સંભળાયો કે તરતજ બાજુ માં પડેલ હેડફોન કિશને પહેરી લીધુ અને માતા સાથેની વાતચીત એકદમ ધ્યાનથી તે સાંભળવા લાગ્યો. જેમ જેમ રેકોર્ડીંગ સાંભળતો ગયો તેમતેમ તે તેના નિર્ણય પર આવતો ગયો. રેકોર્ડીંગ પુરૂ થયુ એટલે કિશને હેડફોન ટેબલ મુકી દીધા અને પોતાની ચેરને ટેકો દઇને વિચારવા લાગ્યો કે રેકોર્ડીંગ પરથી એટલુ તો ચોક્કશ ખબર પડી જાય છે કે મને શુભચિંતક તરીકે જે ફોન કરે છે તે માતા જ છે કેમકે તેનો અવાજ અને લહેકો રેકોર્ડીંગ સાથે એકદમ મેચ થાય છે અને ખાસ તો તેની દિકરા બોલવાની જે રીત છે તેના પરથી ચોક્કશ કહી શકાય એમ છે કે મને જે ફોન આવે છે તે માતાએજ કરેલા છે. માતા મને શુ કામ ફોન કરે? હું તો આ પહેલા ક્યારેય તેને મળ્યો પણ નથી. તે શુ કામ મને મદદ કરે છે? તેમાં તેનો શું સ્વાર્થ હોઇ શકે? કિશન આમ વિચારતો હતો ત્યાં તેને અચાનક યાદ આવતા તેણે તેના ખીસ્સામાંથી રીશેપ્સનીસ્ટે આપેલ રસીદનું કવર કાઢ્યુ. કવરમાં બે કાગળ હતા જેમા એક તો કિશને આપેલા દાનની રસીદ હતી પણ બીજો કાગળ હાથે લખેલ હતો. કાગળ ખોલી કિશને વાંચવાનું શરૂ કર્યુ “ દિકરા, તું સાચા રસ્તા પર છે. તને જોતાજ મને સમજાઇ ગયેલુ કે તું હવે પુરતો સક્ષમ થઇ ગયો છે કે જેથી અહી સુધી આવી ગયો. તને તારી નવી ઓફીસ અને ઘર માટે ખુબ ખુબ અભિનંદન. હવે એ સમય ખુબ ઝડપથી આવશે કે મારે તને તારૂ સંપુર્ણ રહશ્ય કહી દેવુ પડશે પણ તે માટે તારી બુધ્ધીથી જેમ અહી પહોંચ્યો તેમ ત્યાં પહોંચવુ પડશે. દર વખતની જેમ લીંક તારી બુધ્ધીથી શોધ. મારા આશીર્વાદ તારી સાથે છે. ભગવાન તારૂ ભલુ કરે. ”

કિશનને કાગળ વાંચતા જ ખબર પડી ગઇ કે આ કાગળ માતાએ લખેલો છે અને પોતે જે ધારણા પર આવ્યો છે તે એકદમ સાચી છે. તેની શુભચિંતક બીજુ કોઇ નહી પણ માતાજ છે. તેણે બીજી વખત કાગળ વાંચ્યો અને એક વાક્ય પર આવી રોકાઇ ગયો જેમાં લખ્યુ હતુ કે “જેમ અહી પહોચ્યો તેમ ત્યાં પહોંચવુ પડશે. લીંક તારી બુધ્ધીથી શોધ. ” આ વાંચી કિશન વિચારવા લાગ્યો કે આ વાક્ય શું કહેવા માગે છે? એક વાત તો સીધીજ સમજાતી હતી કે તેને કોઇ સ્થળ પર પહોંચવાનુ હતુ જ્યાથી તેને બધા પ્રશ્નો અને રહસ્યોના જવાબ મળવાના હતા. પણ બીજુ વાક્ય કે જેમાં લખ્યુ હતુ “લીંક તારી રીતે શોધ” તેનો મતલબ શું થાય? કિશન ઘણીવાર વિચાર કર્યો અને પછી તેણે તેના ટેબલમાંથી મેગ્નીફાઇંગ ગ્લાસ (બીલોરી કાચ) કાઢ્યો અને કાગળને તેનાથી જોવા લાગ્યો. કિશને દશેક મિનિટ આજ રીતે મથામણ કરી. રસીદ અને પેલો લખેલો કાગળ તેણે બે થી ત્રણ વાર મેગ્નીફાઇંગ ગ્લાસથી ચેક કર્યા પણ તેને કાંઇ મળ્યુ નહી તેથી તે કંટાળીને કાગળ કવરમાં મુકવા જતો હતો ત્યાં તેના મનમાં એક વિચાર ઝબક્યો એટલે તેણે મેગ્નીફાઇંગ ગ્લાસથી કવરને ચેક કર્યુ પણ કંઇ મળ્યુ નહી. પછી તેણે કવરને સાવચેતીથી બોર્ડર પરથી ફાળીને એક સીધો કાગળ બનાવ્યુ અને પછી કવરના અંદરના ભાગની સપાટીને મેગ્નીફાઇંગ ગ્લાસથી ચેક કરવા લાગ્યો ત્યાં એક જગ્યા પર તેની નજર રોકાઇ. આ જગ્યા પર થોડા આંકડા લખ્યા હતા. કિશન તે આંકડા તેની ડાયરીમાં નોંધવા લાગ્યો “81844XXXX-9 75” આ નોંધી કિશને તે આંકડાનો ફોટો પણ મોબાઇલમાં પાડી લીધો અને પછી તે કવર તેના ડ્રોઅરમાં મુકી દીધુ. ડાયરીમાં રહેલ આંકડા જોઇ કિશન વિચારવા લાગ્યો કે આ શું હોઇ શકે? નવ આંકડા સાથે લખેલા છે અને દશમો આંકડો ડેશ કરી અલગ રાખેલો છે અને બીજા બે આંકડા તો તદન અલગ લખેલા છે. કિશનને પહેલા તો મોબાઇલ નંબર હોવાની શંકા ગઇ પણ તેમાં દશ આંકડા સાથેજ લખેલા જોઇએ. થોડુ વિચારતા કિશન એ તારણ પર આવ્યોકે આ મોબાઇલ નંબર તો નથીજ. તો પછી શુ હોઇ શકે? કોઇ એરીયાનો પીનકોડ? ના, પીનકોડ તો છ અક્ષરનોજ હોય છે. તો પછી આધાર કાર્ડ કે પછી પાન કાર્ડ શું હોઇ શકે? કિશન એક પછી એક બધા માટે ચેક કરતો ગયો. આધાર કાર્ડતો 12 આંકડાનો હોઇ અને તે સળંગ હોઇ. પાન કાર્ડમાં તો સાથે અગ્રેજી મુળાક્ષર પણ હોયજ. છેલ્લે કિશન એ તારણ પર આવ્યો કે ના આ એવી કોઇ આઇડેંટી કાર્ડ સાથે જોડાયેલી વિગતતો નથીજ. તો આ નંબર શેનો હશે? કિશન અંતે વિચાર કરીને કંટાળ્યો એટલે તેણે છેલ્લે વિચાર્યુ કે કદાચ આ કોઇ લીંક ના પણ હોય અને કવર બનાવવા વાળી કંપનીની કામની કોઇ વિગત હોઇ. એમ વિચારી તેણે આ વાત મગજમાંથી ખંખેરી નાખી અને હવે શું કરવુ તે વિચારવા લાગ્યો. અને કંઇક યાદ આવતા કિશને ગણેશને કોલ કરી સપનાની ફાઇલ લઇ ઓફીસમાં આવવા કહ્યુ. થોડીવારમાં ગણેશ બે ફાઇલ સાથે ઓફીસમાં દાખલ થયો. અને કિશનની સામેની ખુરશીમાં બેઠો. કિશને તેની પાસેથી બન્ને ફાઇલ લીધી અને જોવા લાગ્યો. બે ફાઇલમાં એક ફાઇલ સીવિલ હોસ્પીટલમાંથી આપેલી ફાઇલ હતી અને બીજી ફાઇલ કિશને પછી સપનાના રીપોર્ટ પ્રાઇવેટ ક્લીનીકમાં કરાવેલા તેની હતી. કિશને બન્ને ફાઇલ જોઇ અને હવે શુ કરવુ તેનો વિચાર કરતો હતો ત્યાં તેને એક વિચાર આવ્યો કે આ બન્ને રીપોર્ટસ સરખા છેકે નહી તે ચેક કરાવવુ જોઇએ અને જો તેમાં કંઇ ખોટુ લાગે તો સિવિલ હોસ્પીટલના ડોક્ટરને આપણી પકડમાં લેવાનો મોકો મળી જાય. આમ વિચારી કિશને તેનો મોબાઇલ હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે કિશને કહ્યુ “હાલો સંજય, કિશન પંડ્યા બોલુ છું. ”

“ ભાઇ એ કહેવાની જરૂર નથી. તારા જેવા મહાન વકીલનો નંબર તો અમારે સેવ રાખવો જ પડેને. અને આજે અમારા તો નસીબ ખુલી ગયા કે તારા જેવા મહાન માણસોએ અમને યાદ કર્યા. ” સંજયે હળવી શરૂઆત કરતા કહ્યુ.

સંજય ધડુક અને કિશન 8 થી 10 ધોરણ સુધી સાથે ભણતા અને હોસ્ટેલમાં એકજ રૂમમાં રહેતા એટલે ખુબ સારી મિત્રતા હતી. પણ પછી તે લોકોનો કોંટેક્ટ છુટી ગયેલો પણ નુરીવાળા કેસમાં કિશનનો ફોટો અને લેખ છપાયા હતા તે જોઇ સંજયે કિશનને અભિનંદન માટે ફોન કરેલો અને પછી બન્ને મિત્રો ફરીથી એકબીજાના સંપર્કમાં આવેલા. તે પછી તો બન્ને ઘણીવાર મળતા હતા અને કિશન એક વખત સંજયના ક્લીનીક પર પણ જઇ આવ્યો હતો. આજે આ રીપોર્ટસ જોઇ તેને સંજય યાદ આવતા કિશને તેને ફોન કર્યો હતો.

“ના યાર આજતો વકીલને ડોક્ટરની જરૂર પડી છે. એટલે તને ફોન કર્યો છે. ”

“યાર આપણા બન્નેનો ધંધોજ એવો છેકે માણસ જરૂર પડે તોજ પરાણે યાદ કરે. કોઇ પ્રેમથી ક્યારેય ફરવા દવાખાને કે કોર્ટમાં આવતુ નથી. બોલ બોલ શું કામ હતુ?” સંજયે મજાક કરતા કહ્યુ.

ત્યારબાદ કિશને સપનાના કેસની વાત કરી અને કહ્યુ “મારે ચેક કરાવવુ છે કે સિવિલમાંથી આપેલ રીપોર્ટ્સ અને મે કરાવેલા રીપોર્ટસ સરખા છે કે નહી. ”

“ સારૂ તારૂ કામ થઇ જશે બન્ને ફાઇલ મારા ક્લીનીક પર મોકલાવી આપ. અને એક શરત છે કે ફાઇલ લેવા તારે સમય લઇને આવવુ પડશે. બન્ને મિત્રો ગપ્પા મારીશુ. ”

“હા ભાઇ આ કામના બદલામાં તને સહન તો કરવોજ પડશેને. ” કિશને હસતા હસતા કહ્યુ એટલે સંજય પણ હસી પડ્યો અને પછી કિશને ફોન મુકી દીધો. કિશને ગણેશને બન્ને ફાઇલ લઇને સંજયની ક્લીનીક પર મોકલ્યો. ગણેશના ગયા પછી કિશને નેહાને બોલાવી અને બન્ને બીજા કેસના કામ પતાવવા લાગ્યા ધીમે ધીમે કામ ખુબ વધી ગયુ હતુ. કેમ કે શિખરના બે ત્રણ ઓળખીતા બીલ્ડર પણ હવે કિશન પાસે કામ કરાવતા હતા. કિશનની ચોકસાઇ,સમયપાલન અને સ્વાભાવને લીધે બીલ્ડર લોબીમાં પણ કિશન પ્રખ્યાત થઇ ગયો હતો. કામ વધતા આવકની સાથે સાથે વર્કલોડ પણ વધી રહ્યો હતો. કિશન અને નેહાએ ત્રણ ચાર કલાક સતત કામ કર્યુ અંતે કિશન થાક્યો એટલે તેણે નેહાને ચા નાસ્તાનો ઓર્ડર આપવા કહ્યુ. નેહાએ ફોન કરી ચા અને નાસ્તાનો ઓર્ડર આપ્યો અને કામ પતાવવા લાગી. ચા નાસ્તો આવી જતા બન્ને નાસ્તો કરવા લાગ્યા એટલે કિશને કહ્યુ “નેહા,એક કામ કરીએ હવે કામ ખુબ વધી ગયુ છે એટલે એક નવી એપોઇંટમેન્ટ કરી દઇએ જેથી આપણો વર્કલોડ થોડો હળવો થાય અને આ વખતે એક યુવાનની ભરતી કરીએ જેથી તે તને મદદ કરવાની સાથેસાથે બહારના કામ પણ પતાવે અને તેમાંથી તને મુક્તિ મળે. ”

“હા,એ વાત સાચી. ” નેહાએ સહમત થતા કહ્યુ. એટલે કિશને મોહિતને ફોન લગાવ્યો અને કહ્યુ

“શુ કરે છે ભાઇ અત્યારે?”

“ અરે ભાઇ મજુરી કરૂ છું. અમારે કંઇ તમારા જેવા જલસા થોડા છે કે એસી ઓફીસમાં બેસીને ઓર્ડર મારવાના. ” મોહિતે હસતા હસતા કહ્યુ.

“હા ભાઇ તને એક ઓર્ડર કરવાજ ફોન કર્યો છે. ”

“હા,બોલો સાહેબ અમારા તો નસીબજ ખરાબ છે ઘરે ઘરવાળી ઓર્ડર કરે, ઓફીસમાં બોસ ઓર્ડર કરે, અને બાકી રહી ગયુ હોય તેમ તમારા જેવા મિત્રો ઓર્ડર કરીને તે કમી પુરી કરીદે. ”

“હવે ખોટી વાતો કરી બીચારા અમારા સીધા સાદા ભાભીને બદનામ શું કામ કરે છે?” કિશને મજાક આગળ વધારતા કહ્યુ.

“એ ભાઇ એ કંઇ સીધી સાદી નથી. એતો તુ એકવાર જ મળ્યો છે એટલે એવુ લાગે પેલી કહેવત છે ને ‘દુરથી ડુંગર રળીયામણા. ’ બાકી તો બધી મનેજ ખબર છે. એતો દિકરા તુ નસીબદાર છે કે તને પાર્ટટાઇમ પ્રેમિકા મળી છે. ” મોહિતે હસતા હસતા કહ્યુ

કિશન પણ પાર્ટ ટાઇમ પ્રેમિકા સાંભળી ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો.

“ તો એમાં ખોટુ શુ છે? તારા જેવા પનારે પડે તો પછી ભાભીને થોડુ આડુ થવુજ પડેને?”

“બસને આટલીજ કદર કરીને મારી. પેલુ ગીત તમારા જેવા મિત્રો માટેજ લખાયેલુ છે “દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હે. ઉમ્રભરકા ગમ હમે ઇનામ દિયા હૈ. ” આ સાંભળી કિશનતો જોરથી હસી પડ્યો અને બોલ્યો “બસ હવે તારી આ નોટંકી બંધ કર અને સાંભળ તારા પેપરમાં એક જાહેરાત આપવાની છે તેની મેટર નેહા તને હમણા વોટ્સએપ પર મોકલશે. તે કાલના પેપરમાં આપી દેજે. ”

ત્યારબાદ કિશને ફોન મુકી દીધો અને નેહાને કહ્યુ “તુ એક જાહેરાતનુ ફોર્મેટ તૈયાર કરી મોહિતને મોકલી દેજે. નીચે આપણુ એડ્રેસ પણ લખી નાખજે જેથી તેની જાહેરાત બીજી વાર થઇ જાય અને હા નીચે એક ખાસ નોંધ લખજે કે ફ્રેસર્સ યુવાનને અગ્રીમતા આપવામાં આવશે. ”

આ સાંભળી નેહાને આશ્ચર્ય થયુ એટલે તેણે પુછ્યુ “કેમ તેનુ કોઇ ખાસ કારણ છે?”

“હા,કેમકે અત્યારે બધાજ નોકરીના ઇંટરવ્યુમાં પહેલાજ અનુભવ પુછે છે અને અનુભવવાળાને પહેલા ચાન્સ આપે છે. પણ કોઇ એ વિચારતુ નથી કે જો કોઇ ફ્રેસર્સને નોકરી આપશેજ નહી તો અનુભવ થશે કયાંથી. એટલે કોઇએ તો નવા યુવાનોને ચાન્સ આપવો પડશે ને? તો પછી તે કામ હુંજ શુ કામે ના કરૂ?”

આ સાંભળી નેહા એ કહ્યુ “કિશનભાઇ તમે તો યુનિક છો હો. બધીજ બાબતમાં તમારી વિચારશરણી હંમેશા અલગ અને સમાજને લાભકારી હોય છે. ”

“બસ હવે મસ્કા ન માર અને કામ પતાવ. હું આ સાંભળીને કંઇ તારો પગાર વધારી નહી આપુ. ” કિશને હસતા હસતા કહ્યુ એટલે નેહા પણ હસી પડી અને બોલી. ”તમારા જેવા માણસને પગાર વધારા માટે મસ્કા મારવા પડેજ નહી. ” અને જવા લાગી એટલે કિશને કહ્યુ “આ એક વધારે મસ્કો. ” આ સાંભળી નેહા હસી પડી અને તેની ઓફીસમાં જતી રહી.

ત્યારબાદ ગણેશ આવ્યો એટલે કિશને નેહાને કહ્યુ “હવે આ કામ પતાવી તુ જજે. હું ઉપર જઉં છું. ” એમ કહી કિશન ઓફીસમાંથી નીકળી પેંટહાઉસ પર આવ્યો અને ન્હાઇને ફ્રેસ થઇ ગયો. હવે કિશને રેગ્યુલર એક ટીફીન બંધાવી લીધુ હતુ. એક છોકરો આવીને રોજ સાંજે ટીફીન આપી જતો. ગણેશ અને કિશન બન્ને સાથે જમતા. પછી કિશન પેન્ટાહાઉસની બહાર મુકેલી ઇઝીચેરમાં બેસતો સામે રહેલ નરસિંહ મેહતા તળાવનું દ્રશ્ય જોતો જોતો વાંચતો. આ તેનો ફેવરીટ ટાઇમપાસ હતો. પેન્ટાહાઉસમાં આવ્યા પછી કિશને એક રૂમમાં પાર્ટીશન કરી તેમા લાઇબ્રેરી બનાવી હતી જેમા ચોપડીઓ મુકવા માટે બુકસેલ્ફ બનાવ્યો હતો અને વચ્ચે એક ઇઝીચેર હતી. આજે પણ કિશન અને ગણેશ સાથે જમ્યા પછી ગણેશ નીચે ઓફીસની બાજુમાં આવેલ રૂમમાં રોજની જેમ સુવા ગયો. અને કિશન જય વસાવડાની સાયન્સ સમંદર બુક લઇને પેન્ટાહાઉસ બહાર પડેલી ઇઝી ચેરમાં બેઠો અને ઇશિતાને ફોન કર્યો અને વાતો કરી અને પછી ફરી વાંચવા લાગ્યો. કિશનના મનપસંદ લેખકોમાં ચંદ્રકાંત બક્ષી,ઓશો, અશ્વિનીભટ્ટ, જય વસાવડા, કાઝલ ઓઝા વૈદ્ય વગેરેનો સમાવેશ થતો. અંગ્રેજીમાં અશ્વિન સાંઘી,નોવોનીલ ચક્રવર્તી, અગાથા ક્રીસ્ટી, જ્હોન ગ્રીસમ, વિશ ધામીજા,જેફ્રી આર્ચર વગેરે લેખકો કિશનના પ્રિય હતા. અત્યારે કિશન જય વસાવડાની લાક્ષણીક શૈલીમાં લખાયેલી સાયન્સ સમંદર વાંચી રહ્યો હતો. મોડે સુધી તે વાંચતો રહ્યો અને પછી તેણે ઉઘી જવાનુ વિચારીને બુક બંધ કરી અને બુક સેલ્ફમાં મુકવા જતો હતો ત્યાં તેની નજર બુકના પાછળના પાના પર પડી એ સાથેજ તેની આંખમાં ચમકારો થયો. કિશને ફરીથી બુક હાથમાં લઇ બુકનુ બેક કવર જોયુ તે સાથેજ તેના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તેને પેલા કવરમાંથી મળેલ નંબરનું રહસ્ય સમજાઇ ગયુ.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Email id:- hirenami. jnd@gmail. com

Facebook id:- hirenami_jnd@yahoo. in