Kaalratri - 22 in Gujarati Biography by Narendrasinh Rana books and stories PDF | કાળરાત્રી-22

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

કાળરાત્રી-22

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે, યુદ્ધ મોરચો નજીક આવતા જર્મનોએ કેદીઓને જર્મનીના અંદરના ભાગમાં લઇ જવાનું નક્કી કર્યું. આ માટે તેમને એક ટ્રેનમાં ચડાવવામાં આવ્યા. હવે, આગળ વાંચો...)

પશુઓ ભરવાના ખુલ્લા ડબ્બાઓમાં, સુકલકડી શરીરોના માલિકો, ઠંડીથી બચવા એકબીજા સાથે ચોંટીને પડ્યા હતા. અમારા મગજ યાતનાઓ સહન કરી કરીને બહેર મારી ગયા હતા. અમારી પૂર્વજીવનની સ્મૃતિઓ નાશ પામી હતી. અમારુ સમગ્ર અસ્તિત્વ એક ભ્રમણા માત્ર હતું. અહીંયા આ ડબ્બામાં ઠંડીથી મરવું કે બીજી કોઈ જગ્યાએ મરવું? આવા પશ્નોનો અમારા માટે હવે કોઈ અર્થ નહોતો. અમારા માટે કાળરાત્રી અંત હીન અને અસહ્ય બની ચુકી હતી.

જયારે ક્ષિતિજમાં સૂર્યનું પહેલું કિરણ દેખાયું ત્યારે મેં મારી આસપાસ પડેલા આકારોને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એ માનવ શરીરો જ હતા. તેમના મસ્તક ઢળી પડેલા હતા. મેં મૃત્યુ પામેલા અને જીવિત વચ્ચેનો ફરક જોવાનો પ્રયત્ન કર્યો. મને કોઈ જ ફરક ન દેખાયો. બધાના શરીર પર બરફની ચાદર વીંટળાયેલી હતી. ઘણાની આંખો ખુલ્લી હતી. આ લાંબી કાળરાત્રીએ તેમની આંખોમાંથી જીવન ચૂસી લીધું હતું. તેમની યાતનાઓના કારણે તેઓ મૃત્યુથી પણ આગળ નીકળી ગયા હતા.

મારા પિતા મારી બાજુમાં ચોંટીને પડ્યા હતા. તેમના ધાબળામાં લપેટાયેલા શરીર પર બરફ જામેલો હતો. શું તેઓ પણ બીજાઓની જેમ મૃત્યુ પામ્યા હતા? મેં તેમને બોલાવ્યા. મને કોઈ જ જવાબ ન મળ્યો. હું ગભરાયો. મેં તેમના કાન પાસે જોરથી રાડ પાડી. ફરી કોઈ જવાબ ન મળ્યો.

મને લાગ્યું જાણે મારી જીવવાની આશા મરી પરવારી હોય. મારો જીવન સંઘર્ષ જાણે પૂરો થયો. તેમની સાથે મારી જીજીવિષા પણ મરી પરવારી.

અચાનક ટ્રેન એક ખેતર વચ્ચે ઉભી રહી ગઈ. કેટલાક કેદીઓ જાગી અને આમ તેમ જોવા લાગ્યા. એસ.એસ.ના સૈનિકો આવ્યા. આદેશ છૂટ્યો,"જેટલા મરી ગયા છે તેમને બહાર ફેંકી દો."

જીવતા હતા એ ખુશ થયા. ડબ્બામાં જગ્યા થવાની હતી. તેમને મરેલાંનાં કપડાં અને વસ્તુઓ મળવાના હતા. તેમની જીવતા રહેવાની સંભાવનાઓ વધી જવાની હતી. થોડા સ્વયંસેવકો આ કામ માટે તૈયાર થયા. જે કેદીઓ ઉભા નહોતા થઇ રહ્યા તેમને ઢંઢોળવાનું શરૂ થયું. મડદાંઓને કોઈ પણ દયા વગર નીચે ફેંકવાનું શરૂ થયું.

"અહીંયા પણ એક છે."

કેદીઓ પોતાની પાસે પડેલા પોતાના સાથીના મડદાને બતાવતા. પછી મરી ગયેલા કેદીના કપડાં અને વસ્તુઓની વહેંચણી થતી અને અંતે મડદાને અનાજ ભરેલા કોથળાની જેમ બહાર ફેંકી દેવામાં આવતું.

ચારે તરફ બૂમો પડી રહી હતી," અહીંયા આવો. આ મારી બાજુમાં સૂતેલો છે એ નથી ઉઠી રહ્યો. તેને લઇ જાવ."

બે કેદીઓ મારા પિતા પાસે આવ્યા. હું મારા પિતાના શરીર પર સુઈ ગયો. મેં તેમને ઝાપટો મારવાની શરૂ કરી. તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું.

મેં તેમના હાથ અને પગના તળિયા ઘસવાનું શરૂ કર્યું. હું રડી રહ્યો હતો,"પિતાજી, ઉઠો. મહેરબાની કરીને ઉઠી જાવ. નહીંતર આ લોકો તમને બહાર ફેંકી દેશે."

મારા પ્રયત્નો છતાં તેમના શરીરમાં કોઈ જ જાતનો સંચાર ન થયો.

મારા પિતાને લઇ જવા આવેલા એક કેદીએ મને પકડીને મારા પિતાના શરીર પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

"છોકરા, એ મરી ગયો છે."

"ના, ના, મારા પિતા હજુ જીવે છે. થોડીવાર ઉભા રહો." મેં રડતા રડતા મારા પિતાની છાતી પર પ્રહાર કરવાનું શરૂ કર્યું.

અચાનક મારા પિતાએ આંખો ખોલી. હું ખુશ થયો. તેમના શ્વાસ બહુ ધીરે ચાલી રહ્યા હતા. હું તેમને વળગી પડ્યો. મારો સંઘર્ષ પાછો ફર્યો હતો.

બન્ને કેદીઓ ચાલ્યા ગયા.

અમારા ડબ્બા માંથી વીસ મડદાઓ બહાર ફેંકવામાં આવ્યા હતા. દરેક ડબ્બા માંથી ફેંકાયેલા નગ્ન, નિર્જીવ શરીરોને છોડીને અમારી ટ્રેન આગળ ચાલી.

અમને કોઈ જ પ્રકારનું ભોજન આપવામાં નોહતું આવ્યું. અમેં બરફ ખાઈને જીવી રહ્યા હતા. બ્રેડનું સ્થાન બરફે લીધું હતું. દિવસો અને રાતો પસાર થઇ રહ્યા હતા. દિવસ રાત જેવા લાગી રહ્યા હતા અને રાત અમારા જીવનના અંધકારમાં વધારો કરી રહી હતી. અમેં બરફવર્ષા અને કાતિલ ઠંડીનો માર સહન કરી રહ્યા હતા. બરફ વરસવાનું ક્યારેય બંધ નહોતું થયું. ટ્રેન પણ બહુ ધીમી ચાલતી હતી. ક્યારેક કલાકો સુધી ઉભી રહી જતી. થોડા સમયના અંતરે દરેક ડબ્બામાંથી મડદાંઓને નીચે ફેંકવા ટ્રેન ઉભી રહેતી.

ક્યારેક, વહેલા પરોઢિયે ટ્રેન જર્મન ગામો માંથી પસાર થતી. વહેલા કામ પર જઈ રહેલા જર્મન મજૂરો અમને કોઈ પણ જાતના આશ્ચર્ય વગર જોઈ રહેતા. કદાચ તેમણે આવી હાડપિંજરો જેવા માણસો ભરેલી બીજી ટ્રેનસ પણ જોઈ હશે.

એકવાર એક જર્મન મજુરે પોતાની થેલીમાંથી બ્રેડનો ટુકડો કાઢીને ટ્રેનના એક ડબ્બામાં ફેંક્યો. ડબ્બામાં એ બ્રેડનો ટુકડો મેળવવા અફરાતફરી મચી ગઈ. લગભગ ડઝનેક ભૂખ્યા કેદીઓ કૂતરાની જેમ એ ટુકડા માટે લડ્યા. પેલો જર્મન મજુર આખો તમાશો ચુપચાપ જોઈ રહ્યો.

જ્યાં બ્રેડનો ટુકડો પડ્યો હતો ત્યાં લડાઈ ચાલુ થઇ ગઈ હતી. કેદીઓ એકબીજાને બ્રેડના એ ટુકડા માટે મુક્કા મારી રહ્યા હતા. એકબીજાને પછાડી રહ્યા હતા. એકબીજાને બટકા ભરી રહ્યા હતા. તેમની આંખોમાં એક પશુતા હતી. તેમના અને પશુઓ વચ્ચે કોઈ જ અંતર નહોતું રહ્યું.

બહાર ઉભેલા મજૂરોને આ તમાશો જોવાની મજા પડી રહી હતી. પછી તો દરેક ડબ્બા પર બ્રેડના ટુકડાઓ ફેંકાવા લાગ્યા. અમારા પ્રેક્ષકોને બ્રેડના ટુકડાઓ માટે લડતા અશક્ત પ્રાણીઓ જોવાની મજા પડવા લાગી. લોકો ધીરે ધીરે ટ્રેનના ડબ્બાઓની આસપાસ આ તમાશો જોવા એકઠા થવા લાગ્યા.

એક ટુકડો અમારા ડબ્બામાં પણ આવીને પડ્યો. હું ઉભો ન થયો. હું જાણતો હતો કે એ ટુકડા માટે ડઝન હિંસક પશુઓ જેવા કેદીઓ સાથે લડવા જેટલો સશક્ત હું નહોતો. મેં મારી બાજુમાં એક વૃદ્ધને ઢસડાઈને ટુકડા માટે લડી રહેલા ટોળા તરફ જતા જોયો. એ પાછો ફર્યો ત્યારે તેનો એક હાથ તેની છાતી પર હતો. પહેલા મને એમ લાગ્યું કે વૃદ્ધને છાતી પર વાગ્યું હશે. પણ થોડીવારમાં સમજાઈ ગયું કે તે પેલો બ્રેડનો ટુકડો પોતાના શર્ટમાં સંતાડીને લાવ્યો હતો. તેણે કોઈની નજર ન પડે તેમ બ્રેડનો ટુકડો કાઢ્યો અને વીજળીની ઝડપે પોતાના મોઢામાં મુક્યો. એક પડછાયો અચાનક તેના પર ત્રાટક્યો. તે વૃદ્ધને બ્રેડના ટુકડા માટે મારવા લાગ્યો.

"બેટા, હું છું...જો હું તારા માટે પણ ખાવા બ્રેડ લાવ્યો છું." વૃદ્વ પોતાને મારી રહેલા પોતાના પુત્રને રડતા રડતા કહેવા લાગ્યો.

પણ દીકરાએ તેની વાત ન સાંભળી. વૃદ્ધ પડ્યો ત્યારે પેલો ટુકડો તેની મુઠ્ઠીમાં જ હતો. તે હજું તે ટુકડાને ખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. તેનો દીકરો મૃત પિતાના હાથમાંથી એ બ્રેડનો ટુકડો લઈને ખાવા લાગ્યો. પણ તેના નસીબ પણ ખરાબ હતા. બે કેદીઓ તેના પાસેથી એ ટુકડો ઝુંટવી લેવા તેના પર તૂટી પડ્યા. જયારે તેઓ છુટા પડ્યા ત્યારે મારી પાસે પિતા અને પુત્રના મડદા પડ્યા હતા.

મારી ઉંમર ત્યારે માત્ર સોળ વર્ષની હતી.

અમારા ડબ્બામાં મેઈર કાત્ઝ નામનો મારા પિતાનો મિત્ર પણ હતો. તે શરીરે ખુબ જ સશક્ત હતો. અમારા બધામાં કેમ્પની સૌથી ઓછી અસર તેના શરીર પર પડી હતી. તે બૂનાના કેમ્પમાં માળી તરીકે કામ કરતો ત્યારે અમારા માટે ઘણી વાર શાકભાજી પણ લાવતો. તેને અમારા ડબ્બાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેણે ડબ્બામાં એકરાતે, મારુ ગળું દબાવી રહેલા કેદીની પકડમાંથી મને બચાવેલો.

ડબ્બામાં થોડા દિવસો પસાર કર્યા પછી એક દિવસ તે મારા પિતા પાસે આવ્યો.

"મિત્ર, હું હવે વધારે સહન નથી કરી શકતો. તેઓ આપણને મારી કેમ નથી નાખતા? આ ભૂખ, તરસ અને કાતિલ ઠંડીની યાતના નથી સહન થતી. મારી શક્તિ અને ધીરજનો અંત આવી ચુક્યો છે."

"મેઇર, ધીરજ રાખ અને હિંમત ન હાર.આપણા દુઃખોનો અંત એક દિવસ જરૂર આવશે." મારા પિતાએ તેને દિલાસો આપ્યો.

તે મારા પિતા પાસે એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. અમારા બધામાં સૌથી મજબૂત ગણાતો વ્યક્તિ કે જે પોતાના એકના એક દીકરાને ભઠ્ઠીમાં નાખવામાં આવ્યો ત્યારે પણ નહોતો રડ્યો, તે આજે હારી ચુક્યો હતો.

અમારી યાત્રાના છેલ્લા દિવસે, કાતિલ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. બરફવર્ષા તેની ચરમસીમાએ હતી. અમારા માટે છાપરા વગરના ડબ્બામાં ઠંડી સહન કરવાનું અસહ્ય થઇ પડ્યું. અમેં જાણે અમારા અંત તરફ જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. કોઈએ સૂચન કર્યું કે ઉભા થઈને ચાલો નહિતર ઠંડીમાં ઠુંઠવાઇ જશો. જે ઉભા રહી શકે તેમ હતા તે તમામ ઉભા થઇ ગયા.

અચાનક, કોઈએ ચીસ પાડી. એ કોઈની મરણ ચીસ હતી. ડબ્બામાં તે સામાન્ય ઘટના હતી. પણ તે ક્ષણે તે ચીસનો પડઘો પડ્યો. ઉભેલા કેદીઓ પણ ચીસો પાડવા લાગ્યા. બધા ડબ્બાઓમાંથી ચીસોના અવાજો આવવા લાગ્યા. એ અમારી સહનશક્તિનો અંત હતો. અમે બધા જ જાણે અમારા અંત તરફ જઈ રહ્યા હતા.

તે રાત્રે ટ્રેન અમારા છેલ્લા સ્ટેશને પહોંચી ગઈ. અમને નીચે ઉતારવામાં આવ્યા. મૃત્યુ પામેલાઓને ફરી ડબ્બામાં જ રાખી મુકવામાં આવ્યા. મેઇર કાત્ઝ પણ તેમાનો એક હતો. અમારા ડબ્બામાં ચડેલા સો કેદીઓમાંથી માત્ર બાર જ બચ્યા હતા. જેમાં હું અને મારા પિતા પણ હતા.

અમે બુચેનવાલ્ડ પહોંચી ગયા હતા.

(ક્રમશ:)