Open hart, Open Maind in Gujarati Letter by Rohit Suthar books and stories PDF | ઓપન હાર્ટ, ઓપન માઈન્ડ

Featured Books
Categories
Share

ઓપન હાર્ટ, ઓપન માઈન્ડ

One Heart, One Mind

રોહિત સુથાર

ડિયર કેસર,

તું મારાથી નારાજ હોઈશ, એ મને ખબર છે. બે દિવસથી તારી સાથે વાત જ ન કરી એટલે. હું પણ વિચારતો જ હતો કે કઈ રીતે વાત કરું? હવે વાત કરવી જરૂરી છે. તું પણ વિચારતી હોઈશ કે મોબાઈલના આ જમાનામાં હું ક્યાં પત્ર લખવા બેઠો. પણ સાચું કહું તો, આ વાત કહેતી વખતે હું તને ફેસ નહિ કરી શકું.

યાદ છે કેસર? જ્યારે કોલેજના બીજા વર્ષમાં આપણી દોસ્તી પ્રેમમાં પરિણમી હતી, ત્યારે તે મારી પાસેથી વચન લીધું હતું કે, જીવનમાં મને તારા સિવાય જ્યારે કોઈ બીજી છોકરી ગમશે ત્યારે સૌથી પહેલા આ વાત હું તને જ જણાવીશ. ત્યારે મેં નહોતું વિચાર્યું કે આવો પણ દિવસ આવશે. પણ આ દિવસ આવી ગયો.

હા કેસર! તે સાચું જ વાંચ્યું. મને એક છોકરી ગમી ગઈ છે. ગયા રવિવારે મારા પપ્પાના દબાણવશ થઈને હું છોકરી જોવા ગયો હતો. તું તો જાણે છે ને કે હજુ આપણે બન્નેએ ઘરમાં જાણ નથી કરી, તો પછી હું એ સમયે કેવી રીતે કહી શકત કે હું કેસરના પ્રેમમાં છું. નાછૂટકે મારે છોકરી જોવા જવું જ પડ્યું. મનથી તો એમ જ વિચાર્યું હતું કે એ છોકરી સાથે મળ્યા બાદ હું એને રિજેક્ટ કરી દઈશ. પણ એનાથી સાવ વિપરીત બન્યું.

એ છોકરીનું નામ પલક છે. તે દેખાવે સામાન્ય જ છે. પણ મને તેના દેખાવ કરતા વિચારો વધુ ગમી ગયા. પહેલી જ મુલાકાતમાં હું જાણે તેનો ફેન થઈ ગયો. હું મારી ભાવિ પત્નીમાં જેવા ગુણ ઈચ્છતો હતો, તેવા તમામ ગુણો એમાં મોજુદ છે. હું એવું માનું છું કે અમે બન્ને એકબીજા સાથે હંમેશા ખુશ રહીશું.

હું જાણું છું કેસર, કે આ બધું વાંચીને તને દુઃખ થયું હશે. પણ તું જ વિચાર આપણા રિલેશનને ત્રણ વર્ષ થયાં, પણ આ દરમિયાન નાની-મોટી વાતે આપણે કેટલા ઝઘડ્યા હોઈશું. અત્યારે આપણને લાગે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વિના જીવી નહિ શકીએ. પણ આ તદ્દન ખોટું છે.

હવે તને કારણ કહું? લગ્ન બાદ જો વારંવાર ઝઘડાઓ થતા રહે ને તો ભલે પતિ-પત્ની વચ્ચે કેટલો પણ પ્રેમ કેમ ન હોય, પણ ધીમે ધીમે અંતર વધવા લાગે છે. લાઈફ એકદમ નીરસ લાગવા લાગે છે. બાળકો થયા બાદ પણ જો ઝઘડાઓ થાય ને તો એમના બાળમાનસ પર ખૂબ ખરાબ અસર પડે છે. તેઓ ડિપ્રેસનનો શિકાર પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ થાય છે કે એ બાળક મોટું થઈને લગ્ન કરવાનું પણ માંડી વાળે છે. શું તું ઈચ્છીશ કે આપણા બાળકો સાથે પણ એવું થાય?

હજુ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ છતાંય અઠવાડિયામાં એક કે બે વાર તો લડી જ લઈએ છીએ. લગ્ન બાદ જીવનસાથી તરફથી પ્રેમની ખૂબ જરૂરિયાત હોય છે. જીવનમાં ઘણી નાની-મોટી મુસીબતો પણ આવે છે. જો આ બધામાં આપણો પાર્ટનર સાથ આપે ને, તો તમામ મુસીબતો ખૂબ નાની લાગે છે. તને પણ થતું હશે કે આજે આટલી બધી જ્ઞાનવાળી વાતો હું ક્યાંથી કરવા લાગ્યો વળી? આ બધી વાતો મેં પલક સાથે મુલાકાત કરી એ સમયે જ શીખ્યો.

હું એમ નથી કહેતો કે તું ઝઘડાળું છે, પણ આપણા વિચારો ન મળવાને કારણે, મેચ્યોરીટી ન હોવાને કારણે, આપણે લડી પડીએ છીએ. અને દરેક વખતે તું જાણે છે ને, કે હું જ તને મનાઉ છું. પછી ભૂલ તારી કેમ ન હોય? જીવનમાં માત્ર બે શરીરનું સાથે રહેવું જરૂરી નથી, પણ બે મનનું સાથે રહેવું જરૂરી છે.

આ ત્રણ વર્ષના પ્રેમસંબંધ દરમિયાન લગભગ સો વાર આપણું બ્રેકઅપ પણ થયું અને પેચઅપ પણ. કેમ કે આપણે બે દિવસથી વધુ એકબીજાથી દૂર નહોતા રહી શકતા. આજે પણ એવું જ છે ને. આ કારણે હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. હું શું કરું, એ જ મને નથી સમજાઈ રહ્યું યાર. તું જ મારી મદદ કર ને?

હું જાણું છું કે આ બધું વાંચીને તને દુઃખ થયું હશે, પણ મારા દિલમાં જે કઈ પણ હતું તે આ પત્ર દ્રારા તને કહી દીધું. જો તું એમ કહીશ કે હું તારી સાથે જ રહું, તો પણ હું તૈયાર છું. કેમ કે હું તને ક્યારેય દુઃખી ન જોઈ શકું. હું તારા પત્રની રાહ જોઇશ.

તારો બેસ્ટી,

રવિ