An afair in Gujarati Short Stories by Parth Toroneel books and stories PDF | એન અફેર - 2

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

એન અફેર - 2

એન અફેર

પાર્ટ – ૨

(નિલેશ અને કામિની વચ્ચેનું સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ હોય એવું લાગે છે. લગ્ન પછી કામિનીને નિલેશનો સ્વભાવ અને વર્તન બદલાયેલું લાગે છે. બંને વચ્ચેના સંબંધોમાં પહેલા જેટલી આત્મીયતા અને સ્નેહભાવ રહ્યો નથી એવું કામિનીને લાગે છે. નિલેશ ઓફિસે જતી વખતે પણ રોમેન્ટીક રિલેશન ખિલવવાનું ટાળતો હોય એવું લાગતું હતું. કામિની બાલ્કની આગળ ફૂલોના કુંડામાં ફુવારાથી પાણી છાંટતી વખતે નિલેશ સાથે સુકાતા જતાં સંબંધોના વિચારવનમાં સરી પડે છે...)

હવે આગળ,

બીજા દિવસે પણ એ જ વિચારોની માયાજાળમાં તેનું મનમાં ગૂંચવાઈ ગયું. ફૂલ-છોડને પાણી છાંટીને તે બેડરૂમનો મોટો અરીસો લૂછતી. અરીસા પર ફુવારાની પિચકારી મારી, કોરા કપડાથી અરીસો લૂછતાં કામિની તેનું પ્રતિબિંબ અરીસામાં દેખે જતી. અરીસા આગળ ઊભી રહી અલગ અલગ એંગલે ત્રાંસી વળીને સુડોળ શરીરના વળાંકો નિરખતી. હજુ પણ એવી જ ભરાવદાર ઊંચકાયેલી છાતી હતી. પેટ પર જરાક ચરબી હતી, પણ એતો તેના કમર અને પેટને વધુ માદક દેખાવ આપતી હતી. અરીસામાં પ્રતિબિંબાતો તેનો સુંદર ચહેરો જરાક અલગ અલગ બાજુએ ફેરવીને જોયો. ગુલાબની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ. નીચલા હોઠના જમણા ખૂણે - કાળા તલનું ટપકું તેની સૌંદર્યતામાં વધારો કરતું હતું. તેના પ્રતિબિંબ સામે જોઈને તેના હોઠ પર સાહજિકપણે સ્મિત રેલાઇ ગયું. બેડરૂમની બારી આગળ મૂકેલા ગુલાબના ફૂલોને તે પાણી છાંટવા લાગી. ગુલાબની સુગંધિત સુવાસ નાકમાં પ્રવેશતાં જ તે કોલેજના દિવસોમાં નિલેશે પ્રપોઝ કર્યું હતું એ ક્ષણોમાં સરી પડી... ગુલાબી હોઠ પર જરાક વધારે લાંબુ સ્મિત ખેંચાયું અને વાસ્તવિકતાનો ઘંટરાવ તેના કાનમાં ગુંજી ઉઠ્યો...

કામિનીની સ્થિર આંખો પર પોપચું નિસાસો નાંખીને ઢળી પડ્યું. તેના હાથની આંગળીઓ હજુ પણ ફુવારાના હેન્ડલને આગળ-પાછળ દબાવતી... ફુવારામાંથી છૂટતા એકધારા ફોર્સથી સરસ ખીલેલા ગુલાબની દાંડી તૂટી જતાં તે ઢળીને લટકી પડ્યું! અચાનક ફુવારાનું હેન્ડલ દબાવતા એક-બે નાની પિચકારી છૂટી ને પાણી કુંડાની બહાર જ દદળી પડ્યું...

કામિનીએ ફુવારા સામે જોઈને બે ત્રણવાર હેન્ડલ દબાવ્યું... ને ફરી પાછી પાણીની દદૂડી દદડી પડી. તેણે મસોતું લઈને બારીના કિનારે અને ભોંયતળિયા પર ઢળેલું પાણી લૂછી લીધું. બગડી ગયેલા ફુવારાની પિચકારી સામે તે એવી વેધક નજરે જોઈ રહી, કે જાણે બે વર્ષમાં નિલેશના ઝાંખા પડી ગયેલા પ્રેમ માટે એ પિચકારી જ જવાબદાર ન હોય! તેણે ફુવારો હાથમાં લઈ, તેની આગળની ટોપી ફેરવીને હેન્ડલ દબાવ્યું – પાણીની ધાર છૂટવાને બદલે ફરી પાછું પાણી દદડી પડ્યું... તેણે ફુવારામાં ભરેલું પાણી જોયું. પાણી તો અડધો અડધ ભરેલું હતું. ફુવારાના હેંડલની ટોટી પણ અંદર પૂરેપુરી ડૂબેલી હતી. અચાનક આ સાજાનરવા ફુવારાને શું થઇ ગયું? એક ક્ષણ માટે તેના મનમાં નિલેશનો ચહેરો યાદ આવી ગયો... કામિની અકળાઈને હેન્ડલ જોરજોરથી દબાવતી ગઈને અને આગળની ટોપી ક્લોકવાઈજ એન્ટિક્લોકવાઈજ ફેરવતી રહી... પાણીની ધાર છૂટવાને બદલે જરીક પાણી નીકળીને દદડી પડતું અને ફ્લોર પાછું ભીનુંભીનું થઈ જતું. કામિનીને ફુવારા પર ગુસ્સો ચડી આવ્યો. કામની વસ્તુઓ બગડી જતી ત્યારે કામિનીને તે વસ્તુ પર ચીડ થઈ જતી. આવેશમાં આવી તેણે ફુવારો ખૂણામાં છૂટ્ટો નાંખી દીધો. લપસી ન જવાય એટ્લે તેણે ભોંયતળિયા પર ફરીથી મસોતું ફેરવી લીધું. ખૂણામાં ઉંધા પડેલા ફુવારા પર વેધક નજર નાંખી તે ઘરના બીજા કામ કરવામાં જોતરાઈ ગઈ.

***

શનિવારે રજા હતી એટ્લે નિલેશ દસ વાગે ઉઠ્યો. નાહીં-ધોઈને તૈયાર થતાં બાર વાગ્યા. સોફામાં આડો પડી ટીવી ચાલુ કર્યું. થોડીક વાર બાદ પાડોશીના ઘરમાંથી દિપુ દડબડ દડબડ દોડતો હૉલની વચ્ચે આવીને સૂનમૂન ઊભો રહ્યો. મોઢામાં તર્જની આંગળી નાંખી, જાણે મોટો ગુનો કર્યો હોય એમ પપ્પાને ભોળી આંખે જોઈ રહ્યો. રાખોડી રંગની લેંગી વચ્ચેથી ઘટ્ટ રંગનો શેરડો પડવાનો શરૂ થયો. પેશાબનો રેલો બે પગ વચ્ચેથી નીતરવા લાગ્યો. અડધી મિનિટમાં તો દિપુએ આછા પીળા રંગનું તળાવ ભરી દીધું! ઊંઘે ઊંઘે ટીવી દેખતા નિલેશની નજર ફરી પાછી દિપુ પર પડી. દિપુ મોઢામાં આંગળી નાંખી જાણે ગલૂડિયું એની માં-થી વિખૂટું પડી ગયું હોય એવી કાળી માસૂમ આંખે અને ગરીબડાભાવે પપ્પાને જોઈ રહ્યો. નિલેશે હાથ લાંબો કરીને પ્રેમભર્યા અવાજમાં કહ્યું, “આવતો મારી જોડે... આવતો રે આવતો રે...”

મોઢામાં આંગળી રાખીને તેણે માથું ધુણાવી ના કહી. પછી ભીની આંગળી બહાર કાઢીને ગુનો કબૂલ્યો, “મમ્મી... પીપી...”

નિલેશની નજર ભોંતળિયા પર લસરતા જતાં પીળાશ પડતા રેલા પર પડી....

“અરે રે...! કામિની... દિપુ એ અહીં પેશાબ કર્યો. જો...” સોફામાંથી બેઠા થતાં કહ્યું.

રસોડામાંથી કામિની સાડીના પાલવે હાથ લૂછતી ઉતાવળા પગે આવી.

ચૂપચાપ ઉભેલા દિપુને જોઈને તેણે કંટાળીને કપાળ પર હથેળી પછાડી. નિસાસો નાંખી માથું ધૂણાવ્યું. મમ્મીનો ખીજાયેલો ચહેરો જોઈને દિપુ રડવા જેવો થઈ ગયો. ફૂલ-ગુલાબી ટચૂકડા હોઠ નીચે વંકાઈ જાણે રડવાની નજીક પહોંચી ગયા.

“મોઢેથી બોલાતું નથી કે મમ્મી પીપી આવી... વગર જોઈતા કામ વધારાવે છે... બેડ બોય!” ઊંચા અવાજમાં દિપુને ઠપકો આપ્યો.

અંગ્રેજી વધુ સમજતા દિપુને ‘બેડ બોય’ કહેતા ખૂબ લાગી આવ્યું. આંસુઓનો વધતો જતો પ્રવાહ આંખોમાં રોકી ન શકાયો. આંસુનો ધોધ પાંપણો કૂદીને રતુંબડા ગાલ પર દડદડ વહેવા લાગ્યો.

કામિનીએ ગુસ્સાથી દિપુને એક હાથથી ઊંચકી બાથરૂમ તરફ ઢસેડતી લઈ ગઈ ત્યારે તેના પગ હવામાં લબડતા જતા. તોછડા વર્તનથી દિપુ ભેંકડો તાણી મોટા અવાજે રડવા લાગ્યો.

કામિનીએ તેને ચોખ્ખો કરી બહાર નીતરવા ઊભો રાખ્યો. ડૂસકાં ભરતો દિપુ ચૂપચાપ ઊભો રહ્યો. કામિનીએ ઉભડક બેસી નવી લેંગીનું ઇલાસ્ટિક બે હાથથી ખેંચીને પહોળું કર્યું. દિપુએ મમ્મીના ખભા પર બે હાથ મૂકી, ડગુમગુ ઉભો રહી, લેંગીમાં પગ નાંખી પહેરી લીધી. આંખો લૂછી, હીબકાં ભરતાં તે બોલ્યો, “મમ્મી, આ...આઈ એમ એ ગુડ બો...બોય... સો...સોરી મ...મમ્મી...”

દિપુના નાકકડા મોઢેથી ‘સોરી’ સાંભળીને કામિનીનું હૈયું તરત જ માતૃવાત્સલ્યથી ભરાઈ આવ્યું. તેના રતુંબડા ગાલ પરથી આંસુ લૂછી, બંને ગાલ ચૂમી લઈ વ્હાલથી ભીના કર્યા.

“માય સ્વીટ ગુડ બોય...”, કપાળે ચૂમી લેતા કહ્યું, “...ગુડ બોય ડોન્ટ ક્રાય...”

“આઈ એમ નોટ ક્રાઇંગ મ...મ્મી...” ડૂસકું ભરી ભીની આંખે દિપુ ફૂલ-ગુલાબી હોઠમાં પરાણે હસ્યો.

***

ત્રણેય ડાઈનિંગ પર સાથે બેસીના જમ્યા. દિપુ જમીને એના રૂમમાં રમકડાં રમતો રમતો ત્યાં જ સૂઈ ગયો.

રસોડાનું કામ કરતાં કામિનીના મનમાં વારે વારે પેલા ફુવારાની બગડેલી ચાંચ ડંખી જતી. તેણે હૉલમાં આવીને કહ્યું, “સાંભળો છો, પેલો ફુવારો સરખો કરી આપજો... અંદરથી પાણીની ધાર છૂટતી જ નથી. સરખું કરી કરીને હું તો ચાર-પાંચ દિવસથી ત્રાસી ગઈ છું! ફુવારા વગર બિચારા ફૂલ-છોડ પણ મુરજાઈ ગયા. પાણીના ટબથીયે પૂરેપુરું બધે છંટાતું નથી. કાચની બારીઓ પણ બબ્બે કપડાં લઈને સાફ કરવી પડે છે. પછી ઊંઘજો તમે, પહેલા એ ફુવારો સરખો કરી આપજો, નહીંતર સાંજે બજારમાંથી બીજો ફુવારો લેતી આવું. આ ફુવારાની પિચકારી પહેલા જેવી બરોબર નહીં છૂટે તો મને ચેન નહીં પડે. ઘરમાં વસ્તુઓ જે કામ માટે રાખી હોય એ કામમાં ન આવે તો એને કરવાની શું!??”

“હા હા… ભાઇ... થોડીક ઠંડી પડ. શ્વાસ લે... તું તો મને ધમકાવતી હોય એમ કરે છે...!” નિલેશે તેને શાંત પાડવા હાથથી ઈશારો કર્યો. પછી ફુવારો હાથમાં લઈને હેન્ડલ દબાવ્યું. પાણીની નાની દદૂડી દદડી પડતાં જ તેનું પેન્ટ જરીક પલડી ગયું. કામિનીએ ફુવારાની પિચકારી પર ખોડાયેલી વેધક નજર હટાવી ગુસ્સાથી નિલેશ સામે એવી રીતે જોઈ રહી જાણે ફુવારો એણે જ બગાડયો ન હોય! નિલેશે ફુવારો ખોલી – પિચકારી છોડતી ટોપી ફેરવીને તપાસી જોયો. દસ-પંદર મિનિટ મથ્યા પછી પણ ફુવારો સરખો ન થયો. આખરે ફુવારો વાખી દઈને તેણે કહ્યું, “ટોટીમાં કચરો ફસાઈ ગયો હોય એવું લાગે છે...”

“એતો મનેયે ખબર છે કે કચરો ફસાઈ ગયો છે. પહેલાં જેવી પિચકારી છૂટે એવું કંઈક કરો તમે... તો મને હાશકારો થશે. વસ્તુની જરૂર હોયને કામમાં ન તો એને કરવાનું શું? તમારાથી સરખું ના થાય તો બોલો... સાંજે બજારમાં જઇ સરસ નવો ફુવારો લેતી આવું. એવી પિચકારી વાળો કે જેની ધાર છૂટતા જ પુષ્પો ખીલીને મહેંકી ઊઠે...” આખરી વાક્ય બોલતા કામિનીના હોઠ આછું મલકી ઉઠ્યા.

નિલેશે બગડેલો ફુવારો ટીપોઇ પર મૂકી સોફામાં લંબાવ્યું. કામિનીની ધૂંધવાયેલી નજર નિલેશના ભીના પેન્ટ પર પડી, પછી તેણે ફુવારાની પિચકારી સામે નિસાસાભરી નજરે દેખીને આંખો ત્યાંથી ફેરવી લીધી.

***

સાંજે પાંચેક વાગતાના ઠંડા પહોરે કામિનીએ નિલેશને દિપુ સાથે થોડોક સમય ગાર્ડનમાં પસાર કરવાનું કહી તે એક્ટિવા લઈને બજારમાં નીકળી. આછું અંધારું થતાં તે બજારમાંથી રસોડાની સામગ્રી, શાક, ફ્રૂટ્સ અને સરસ મજાનો ફુવારો લેતી આવી. સોસાયટીના ગેટમાં પ્રવેશીને એક-બે હોર્ન માર્યા. એક્ટિવા ફ્લેટ નીચે પાર્ક કરીને નિલેશ અને દિપુને શોધતી નજર ગાર્ડનમાં ફેરવી જોઇ. દિપુની નજર મમ્મી પર પડતાં ખિલખિલ હસી તાળી પાડવા લાગ્યો. મમ્મી...મમ્મી કરતો તે નાનકડા ડગલાં ભરી દોડ્યો. કામિનીએ હસીને હાથ વેવ કરી તેનો ઉત્સાહ વધાર્યો. પડોશના દાદીએ દોડતા દિપુને ક્યાંક ઠેસ વાગીને પડી ન જાય એટ્લે તરત જ તેને પકડીને તેડી લીધો.

કામિનીએ ધૂંધવાયેલા મને નિલેશને ફોન કર્યો. દિપુ મમ્મી સામે બે હાથ લંબાવી મમ્મી તેને તેડી લે એ માટે દાદીના હાથમાં કુદવા લાગ્યો. કામિનીએ તેને તેડી લઈ ચૂમી ભરી કપાળ પર ઉતરી આવેલા રેશમી વાળની લટ સરખી કરી. થોડીક વારમાં નિલેશ લિફ્ટમાં નીચે આવ્યો. દાદી બાજુમાં ઊભા હતા એટ્લે કામિનીએ તેના ધૂંધવાયેલા મન પર કાબૂ રાખી નિલેશને ચાવી આપતા કહ્યું, “આટલો સામાન હું એકલી કેવી રીતે ઉપાડીને ઉપર જઇ શકું...? જરા હેલ્પ કરો એટ્લે તમને બોલાવ્યા.”

ઉપાડી શકાય એવી બે થેલીઓ જોઈને નિલેશને દલીલ કરવાની ઈચ્છા થઈ પણ... દાદીને ઉભેલા જોઈને તે દબાયેલી દાઢમાં જરાક હસ્યો. નિલેશ બે થેલીઓ ઉપાડી લિફ્ટમાં ઉપર ગયો. કામિની દિપુને લઈને થોડુંક ગાર્ડનમાં ફરી. અંધારું થતાં તે દિપુને તેડીને ઘરે ગઈ. સોફામાં ઊંઘે ઊંઘે નિલેશ ટીવી જોતો હતો. કામિની દિપુને નીચે મૂકી કતરાતી નજર એમના પર ફેરવી રસોડામાં જતી રહી.

“એટલું વજન ઊપાડતાં શું જોર આવતું હતું તે ખોટો નીચે ધક્કો ખવડાવ્યો?” નિલેશે ધૂંધવાયેલા મને ઊભરો કાઢ્યો.

રસોડામાંથી ખેંચાયેલી પણછમાંથી દલીલ છેદતું તીર છૂટ્યું, “દિપુ જોડે કલાક ગાર્ડનમાં બેસતા તમને શાનું જોર આવે છે? આખો દિવસ ઘરમાં જ બેસ્યા રહો છો! કોઈક વાર તો મોબાઈલ, લેપટોપ છોડી ઘર બહાર નીકળો. લોકો જોડે હળો-મળો તો કંઈક ઓળખાણ થાય. માં-બાપ જોડે છોકરું રમે-ફરે તો એને પણ ગમે. થોડોક સમય બાળક માટે ફાળવવાની તો જવાબદારી સમજો...”

“હું એને લઈને નીચે જતો જ હતો ને દાદીને લિફ્ટમાં આવતા જોઈને દિપુ તરત જ એમની પાસે દોડી ગયો. દાદીએ મને કહ્યું કે હું એને નીચે રમાડવા લઈ જઉં છું, પછી હું શું કહું?? ના પાડું એમને?! કે દિપુને રમાડવા તો હું જ લઈ જઈશ…!!”

દલીલમાં ટ્વિસ્ટ આવતાં કામિની કશું આગળ બોલી ન શકી. સોફાની બાજુમાં રમકડાના ઢગલામાં દિપુ એકલો એકલો રમતો હતો. બન્નેની દલીલનો અંત આવતા કામિની રસોડામાં રસોઈ કરવા જતી રહી. નિલેશ સોફામાં આડો પડી ટીવી જોવા લાગ્યો.

ડિનર કરતાં બન્નેની નજર એકબીજાને ટકરાતી, પણ મનમાં ચાલતું કશુંયે કહ્યા વિના બન્ને મૌન રહ્યા. જમીને નિલેશે ટીવી ઓન કર્યું. દિપુને ખોળામાં લઈને તે સોફામાં બેઠો. કામિની રસોડાનું કામ પરવારી સોફામાં તેની બાજુમાં બેસતા બન્નેની મૌન નજરો ફરીથી ટકરાઇ. કામિનીએ બન્ને હોઠ દબાવીને સ્મિત કરતાં કહ્યું, “આઈ એમ સોરી... મને ખબર નહતી કે દાદી એને રમાડવા લઈ ગયા હશે.”

“ઇટ્સ ઓકે, બટ મી ટુ સોરી. મારે તારી એટલી નાની હેલ્પમાં ઇરિટેટ નહતું થવું જોઈતું.” જરાક સ્મિત કરીને કહ્યું.

કામિનીએ સ્મિત કરી નિલેશના હાથ પર હાથ મૂક્યો. બન્નેએ એકબીજાની આંખોમાં જોયું. કામિનીની આંખમાં નિલેશ વધુ ક્ષણ દેખી ન શક્યો. તેણે નજર ફેરવી ખોળામાં બેઠેલા દિપુ સામે જોયું. દિપુ ખોળામાં બેઠો બેઠો રિમોટને રમકડું સમજી રમી રહ્યો હતો.

કામિનીના મનમાં ઘણા સમયથી અનેક સવાલોના સાપોલિયાં સળવળતા હતા. તે દિવસે તેમના ફોનમાં એ સ્ત્રીનો કોલ જોઈને તેના મનમાં શંકાનો કાંટો ચુભવા લાગ્યો હતો. નિલેશને દોડતો ફોન લેવા આવતો જોઈને તેની શંકા વધુ મજબૂત બની હતી. કામિની ટીવી સામે જોઈ રહી પણ તેના મનમાં કંઈક અલગ જ ચિત્રો ભજવાતા હતા.

( નિલેશ અને કામિની વચ્ચેના સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ છે તેને એક મેટાફોરિક રીતે, લેખક પડદા પાછળની વાતને આડકતરી રીતે ફુવારાનું રૂપક લઈને સમજાવે છે. કામિની નિલેશના રહસ્યમય છુપા મહોરા પાછળનો વાસ્તવિક ચહેરો જાણવા બેચેન બની રહી છે. નિલેશ કશુંક કામિનીથી છુપાવે એવી ફિલિંગ તેને ભીતરમાં ડંખ દે છે, અને તેથી જ તે કામિનીની આંખોમાં વધુ વાર દેખી ન શક્યો... કામિનીના મનમાં નિલેશ વિશેના અનેક સવાલો મનમાં મૂંઝવે છે... આખરે એવું તો શું છે જે નિલેશ કામિનીથી છુપાવે છે??)

આગળ જાણવા વાંચો પાર્ટ – ૩

( ક્રમશ: )