Aafat - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | આફત - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

આફત - 2

આફત

કનુ ભગદેવ

2: રહસ્યમય લંગડો

બીજી તરફ સુનિતાએ છૂપાઈને તેમની વાતો સાંભળી લીધી છે એની ખબર હિરાલાલને કે બીજા કોઈનેય નહોતી પડી.

અચાનક અમર બાથરૂમ જવા માટે ઊભો થઈને બહાર નીકળ્યો. એ જ વખતે તે એકદમ ચમકી ગયો. એની નજર સામે દેખાતા કંપાઉન્ડમાં સ્થિર થઈ ગઈ.

ત્યાં એક આકૃતિ ઝડપભેર કંપાઉન્ડ વોલ તરફ દોડતી હતી. દોડતી વખતે આકૃતિનો એક પગ લંગડાતો હતો.

અમર તેની પાછળ જવાને બદલે સીધો જ રૂમમાં પાછો ફર્યો. એના ચ્હેરાનો રંગ ઊડી ગયો હતો.

‘અરે... તમને શું થયું મોટાભાઈ...?’ અમરને અચાનક તરત જ રૂમમાં પાછો ફરેલો જોઈને રાજેશે આશ્ચર્યથી પૂછ્યું, ‘તમારા ચ્હેરાનો રંગ શા માટે ઊડી ગયો છે? તમે તો બાથરૂમ જવાનું કહી ગયા હતા ને?’

‘ર...રાજેશે...’ અમરે ધ્રુજતાં અવાજે જવાબ આપ્યો. ભયના અતિરકથી તેનો ચ્હેરો તરડાઈ ગયો હતો., ‘હમણાં જ મેં એક લંગડા માણસને આ રૂમમાં બારણા પાસેથી દોડીને કંપાઉન્ડમાં જતો જોયો હતો. એણે છૂપાઈને આપણી બધી વાતો સાંભળી લીધી હોય એવું મને લાગે છે.’

‘આ તું શું બકે છે અમર...?’ હિરાલાલ ચમકીને ઉછળી પડતાં બોલ્યો. પછી તે ઝડપથી બહાર નીકળતાં નીકળતાં બબડયો, ‘કોઈ, લંગડા સાથે ભલા આપણે શી લેવાદેવા?’

માત્ર હિરાલાલ જ નહીં, કમલા, મધુ રાજેશ અને અમર પણ ગભરાઈને રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા.

ડિસેમ્બર મહિનો ચાલતો હતો અને ખૂબ જ ઠંડી પડતી હતી. બહારની ઠંડી હવાનાં તીવ્ર સપાટાથી તેઓ ધ્રુજી ઊઠ્યા. મધુ તો તરત જ ત્યાંથી પોતાની રૂમમાં પાછી ફરી, પગથી માથાં સુધી ઓઢીને સૂઈ ગઈ.

રાજેશ આખા કંપાઉન્ડમાં ફરી વળ્યો. પરંતુ તેને કોઈ કરતાં કોઈ જ દેખાયું નહીં. છેવટે કંટાળીને તે વરંડામાં બધાં ઊભા હતાં તેમની પાસે આવ્યો.

‘મોટાભાઈ, મેં બધે તપાસ કરી લીધી છે, અહીં તો કોઈ જ નથી. કદાચ નશાને કારણે તમને ભ્રમ થયો હશે. કંપાઉન્ડમાં તો કોઈ લંગડો યે નથી ને સાજો પણ નથી.’

‘હું...હું સાચું કહું છું રાજેશ!’ અમર ભયભીત અવાજે બોલ્યો, ‘મેં મારી સગી આંખે તેને બંગલાંના કંપાઉન્ડની દીવાલ તરફ નસી જતો જોયો હતો. અને તું માને છે એટલો નશામાં હું નથી.’

‘તો પછી એ ક્યાં ગયો? તમારા કહેવા મુજબ તે એક પગે લંગડો હતો. અને કોઈ લંગડો માણસ આટલી થોડી પળોમાં, આ પાંચ ફૂટ ઊંચી દીવાલ કૂદી શકે જ નહીં’રાજેશે કહ્યું.

‘હવે આ વાતની હું તમને કઈ રીતે ખાતરી કરાવું?’ અમર પાગલની જેમ પોતાનું માથું ધુણાવતાં બોલ્યો, ‘મેં મારી સગી આંખે તેને જોયો હતો. અને આ વાત હું તારા સોગંદ ખાઈને કહું છું. એણે પોતાના પહોળા ખભા પર શાલ વીંટેલી હતી. દોડતી વખતે તેનો પગ લંગડાતો હતો.’

‘અમર...’ હિરાલાલે કઠોર અવાજે કહ્યું, ‘તને જરૂર ભ્રમ થયો હતો. મને લાગે છે કે હવે કાં તો તારે શરાબ ઢીંચવાનું ઓછું કરી નાખવું પડશે અથવા તો પછી ચશ્મા કઢાવવા પડશે. અરે મૂરખ આટલી કડકડતી ઠંડીમાં અહીં આવવા માટે કોણ નવરૂં હતું? અને કદાચ ચોરીછૂપીથી આવે તો પણ લંગડો માણસ? ના અત્યારે કોઈ લંગડા માણસને તે અહીં જોયો હતો તેવી તારી વાત મારી ગળે નથી ઉતરતી.’

ત્યારબાદ બધાં રૂમમાં પાછાં ફર્યા.

અમર કપાળ કૂટીને રહી ગયો. કોઈ તેની વાત પર ભરોસો કરવા તૈયાર જ નહોતું એનો ચ્હેરો હજુ પણ ઊતરી ગયેલો જ હતો. એની આંખો સામે રહી રહીને એ લંગડા માણસની આકૃતિ ઊપસી આવતી હતી.

***

એ લોકોની વાત સાંભળીને સુનિતા રૂમમાં પહોચંતા જ કપાયેલાં વૃક્ષની જેમ પલંગ પર ઢળી પડી અને રડવા લાગી. એનાં આસું ઓશિકાને ભીંજવવા લાગ્યા.

સુનિતા...! પચીસેક વર્ષની ઉંમર ધરાવતી એક ખૂબસૂરત યુવતી હતી. ભગવાને એનામાં યૌવન ઠાંસી ઠાંસીને ભર્યું હતું. કુદરતે ખૂબ જ નિરાંતે તેને બનાવી હતી.

અને કુદરતની આ ખૂબસૂરત કૃતિ, એક નવવધૂ પોતાની કમનસીબી પર અત્યારે આંસુ આરતી હતી. હજુ તો તેનાં લગ્ન થયાને માત્ર છ મહિના જ વીત્યા હતા. બીજા અર્થમાં કહીએ તો હજુ તેના હાથની મહેંદી પણ ભૂંસાઈ નહોતી. લગ્ન થયાં પછી એક નવવધૂ પોતાનાં સુખી સંસારનાં જે સપનાંઓ જુએ છે એવાં જ સપનાંઓ તેણે પણ જોયાં હતા. પરંતુ એ સપનાંઓ સાકાર થાય તે પહેલાં જ તેનાં પર દુ:ખને અને જુલામનાં પહાડો તૂટી ગયા હતા. પોતાનાં પતિ પાસેથી તેને પ્રેમ નહીં પણ તિરસ્કાર અને અપમાન જ મળ્યા હતા. એનાં સાસુ-સસરા, કે જેને તે પોતાનાં મા-બાપ કરતાં ય વધુ માન આપતી હતી, તેમના તરફથી તેને જુલમ સિવાય બીજું કશું યે નહોતું મળ્યું. પોતાની નણંદ મધુને તે સગી બહેન જેવી માનતી હતી એ જ મધુ તેને ઘરની નોકરાણી ગણતી હતી અને વાત વાતમાં તેને હડધૂત કરતી હતી. અને દિયર રાજેશ...! અની તો વાત જ જવા દો. ભાભીને મા સમાન સમજીને જે રીતે તેની સામે જોવું જોઈએ, તેનો આદાર કરવો જોઈએ. એ રીતે વર્તવાને બદલે સુનિતા જાણે કોઈ ખૂબસૂરત રમકડું હોય એ રીતે તેની સામે જોતો હતો. બજારમાં કોઈ દુકાનમાં કોઈક સુંદર ચીજ બધાંને દેખાય તે રીતે ગોઠવી હોય અને ત્યાંથી પસાર થનાર જે લલચામણી નજરે એ વસ્તુને જુએ તેવી જ નજરે તે સુનિતા સામે જોતો હતો. અને આવી જ વાસનાભરી ચમક એણે ઘણીવાર પોતાનાં સસરા હિરાલાલની આંખમાં પણ પથરાયેલી જોઈ હતી. એ જ હિરાલાલ કે જે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂક્યો હતો અને જેને ઘરે સુનિતા જેવડી જ દિકરી હતી!

કમનસીબ સુનિતા પોતાની હાલતની ફરિયાદ કોને કરે? એનો પતિ, એનો સુહાગ રાત્રે જ્યારે ઘેર આવે ત્યારે હંમેશા નશામાં ચકચૂર હોય. એ તેના બૂટ ઉતરતી. તેને સરખી રીતે પલંગ પર સૂવાડતી. અને જો એનું મન હોય તો તે બીજી તરફ પડખું ફરીને સૂઈ જતો એને મન પડે તો સુનિતાને પોતાની નજીક ખેંચી લેતો! એનાં હૃદયમાં જાણે કે લાગણી નામની કોઈ ચીજ જ નહોતી. સુનિતાને તો તે માત્ર ચાવી દીધેલું રમકડું જ માનતો હતો કે જેનાથી મન ફાવે ત્યારે રમી શકાય!

‘શું સ્ત્રી માત્ર એક રમકડું જ છે? ફક્ત એક રમવાની અને દિલ બહેલાવવાની જ વસ્તુ છે? ધ્રુસકાં ભરતાં ભરતાં સુનિતા બબડી. અને આ વિચાર આવતાં જ તેનું હૃદય પીડાથી ભરાઈ ગયું. એની આંખોમાંથી અવિરત આંસુઓ વહેતાં હતાં. રડતાં રડતાં જ તે એકદમ વિચારમાં ડૂબી ગઈ.

એની આંખો સામે છ મહિના પહેલાંની એક સાંજ ચલચિત્રની જેમ ઉપસી આવી.

એ સાંજે તે પોતાના પ્રેમી ડૉક્ટર આનંદને છેલ્લી જ વાર મળી હતી.

એ દિવસે એ બંને વચ્ચે થયેલી વાતો સુનિતાને યાદ આવતી હતી.

આજથી છ મહિના પહેંલાની એ ખુશનુમા સાંજ બીજાઓ માટે ભલે સારી હોય, પરંતુ સુનિતા માટે ગમગીન, દુ:ખદાયી અને ઉદાસ સાંજ હતી.

આવી જ હાલત ડૉક્ટર આનંદની હતી.

આનંદ અને સુનિતા વિશાળગઢના પબ્લિક ગાર્ડનની એક ખેંચ પર બેઠા હતા. બંને એકદમ ચૂપ હતા. વાતચીત કરવા માટે કોઈ વિષય ન સૂઝતો હોય એમ બંને શાંત બેઠા હતા. ધીમે ધીમે ઠંડો પવન ફૂંકાતો હતો અને સુનિતાના વાળની લટ આમથી તેમ ઊડતી હતી.

‘આજે વાતાવરણ કેટલું સુંદર છે...!’ છેવટે સુનિતાએ ચુપકીદીનો ભંગ કરતાં કહ્યું. પરંતુ જાણે પરાણે પરાણે બોલી હોય એવો તેનો સૂર હતો.

જવાબમાં આનંદે મોં ફેરવીને તેની સામે જોયું અને પછી એકીટશે તેના ચ્હેરા સામે તાકી રહ્યો.

એની આંખોના તાપ સુનિતાથી જીરવાયો નહીં. તે નીચું જોઈ ગઈ.તે નીચું જોઈ ગઈ.

‘તું...તું આમ ઘુરકીને મારી સામે શા માટે જુએ છે...?’ સુનિતાએ ધ્રુજતાં અવાજે પૂછ્યું.

‘કંઈ નહીં...હું તો વિચાર કરતો હતો...’ આનંદ ભાવહિન અવાજે જવાબ આપ્યો.

‘શું વિચારે છે?’

‘એજ કે જ્યારે સામ-સામે બેઠેલાં બે માણસો જ્યારે કોઈ અર્થ વગરની વાતો શરૂ કરી દે ત્યારે માની લેવું જોઈએ કે તેમની વચ્ચે હવે કોઈ ગાઢ સંબંધ રહ્યો નથી. બંને એકબીજાથી લગભગ અજાણ્યા જેવા જ બની ગયા છે.’

‘અ...આનંદ...’ સુનિતાની આખોંમાંથી આંસુ સરકીને ગાલ પર ઘસી આવ્યા. તે પોતાનો હોડ કરડતાં બોલી, ‘ત...તું મારાથી નારાજ છે...?’

‘નારાજ...?’ જવાબમાં આનંદે સુનિતાએ આપેલું લગ્નનું આમંત્રણ કાર્ડ પોતાની મુઠ્ઠીમાં મસળતાં કહ્યું, ‘ના રે ના... તારા લગ્નનું આમંત્રણ કાર્ડ જોઈને હું તો ખૂબ જ રાજી થયો છું. ગમે તેમ તો યે મારી પ્રેમિકાંના લગ્ન બીજે થાય છે એટલે મારે ખુશ તો થવું જ જોઈએ ને? તારો શું મત છે?’

આનંદની વાત સાંભળીને સુનિતા ચોધાર આંસુએ રડવા લાગી.

‘તું...તું ફરિયાદ કરે છે...?’ એણે ધ્રુસકા ભરતાં ભરતાં પૂછ્યું.

‘ફરિયાદ તો જે પોતાનાં હોય એને જ કરી શકાય છે. સુનિતા, પારકાને નહીં!’ આનંદના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

એની આ કટાક્ષ ભરેલી વાત સુનિતાનાં કાનમાં પીગળેલા સીસાની જેમ ઉતરી ગઈ. એને પોતાના હૃદયનાં ટૂકડે ટૂકડાં થવા લાગ્યા.

‘આજે...આજે...’ એ હોઠ કરડતાં બોલી, ‘હું તારે માટે એટલી બધી પારકી બની ગઈ છું કે તું મને આવા મહેણાં મારે છે?’

‘ભવિષ્યમાં જે છોકરી બીજે લગ્ન કરીને મારે માટે હંમેશા પારકી બની જવાની છે મારાથી દૂર થઈ જવાની છે તેને મારી કઈ રીતે અને શા માટે માનું?’

‘ત... તારી વાત સાચી છે.તને ફરિયાદ કરવાનો પૂરેપૂરો હક અને અધિકાર છે આનંદ! પરંતુ તારા સોગંદ...હું લાચા છું... મજબૂર છું...’

‘લાચાર...મજબૂર...’ આનંદ હોઠ કરડતાં બોલ્યો, ‘પ્રેમ કોઈ રીત –રિવાજ, કોઈ મજબૂરી કે લાચારીને નથી માનતો... આ શબ્દો કોના હતા એ તને યાદ છે?’

સુનિતા નીચું જોઈ ગઈ. કારણકે એક દિવસ એણે પોતે જ પોતાનાં પ્રેમની મક્કમતા વ્યક્ત કરવા માટે આનંદના ખભા પર માથું ઢાળીને આ શબ્દો કહ્યા. બોલતી વખતે, એ નહોતી જાણતી કે એની મા સાવિત્રીદેવી, જો તે હિરાલાલના દિકરા અમર સાથે લગ્ન નહીં કરે તો પોતે ઝેર પીને મરી જશે એવું સ્વષ્ટ રીતે કહી દેશે.

‘ક...કાશ...તું મારી લાચારી સમજી શકયો હોત આનંદ...!’ સુનિતાએ કહ્યું, ‘મારી માએ સ્પષ્ટ શબ્દોમાં મને કહ્યું છે કે જો હું તેની પસંદગીનાં છોકરા સાથે લગ્ન નહીં કરું તો પોતે ઝેર ખાઈને આપઘાત કરી લેશે. બોલ, આનંદ! આ સંજોગોમાં હું શું કરું?’

‘તો પછી માની લે તારી માની વાત અને મને મધદરિયે એકલો-અટૂલો છોડીને કરી લે એ કહે ત્યાં લગ્ન!’ આનંદ બેંચ પરથી ઊભો થઈને પીડાભર્યા અવાજે બોલ્યો. ‘પરંતુ એક વાત તું હંમેશા યાદ રાખજે સુનિતા! તેં મારું મંદિર જેવું પવિત્ર દિલ તોડયું છે. તારા થકી મેં સપનાનો જે મહેલ બાંધ્યો હતો તે પત્તાનાં મહેલની જેમ તૂટી પડયો છે. તેં મારા પ્રેમનું અપમાન કર્યું છે. તને પણ જિંદગીભર કયાંય ચેન નહીં પડે. હું તો આખો દિવસ તારા વિયોગમાં તડપીશ. સાથે તું પણ મને તડપાવીને મારી યાદમાં આંસુ સારીશ. આજે તું મારી પાસે તારી માનું બહાનું કાઢે છે. પરંતુ જે દિવસે તેં મારી સામે તારો પ્રેમનો હાથ લંબાવ્યો ત્યારે પણ તેં તારી માને પૂછ્યું હતું કે મા, હું આનંદને પ્રેમ કરું કે નહીં? આજે...આજે તને માત્ર તારી માનો જ વિચાર આવે છે. તારા વગર હું મારી જિંદગી કઈ રીતે વિતાવીશ એનો વિચાર તને આવે છે. ખરો?’ તું બેવફા છે, સ્વાર્થી છેં. મેં તારી જેમ પ્રેંમનું નાટક નહોતું કર્યું. મેં તો મારી આંખી જિંદગી તારા નામ પર કરી દીધી હતી. અને આજે તું મારું દિલ દુભાવીને, મારા જીવન સાથે રમત કરીને બીજાનો હાથ પકડવાનું વિચારે છે?’

‘મને...મને માફ કરી દે આનંદ...!’ સુનિતા ધ્રુસકા વચ્ચે ત્રુટક અવાજે બોલી, ‘મારું ચાલત તો હું તને ક્યારેય આ રીતે આપણા પ્રેમ રૂપી સાગરની વચ્ચે એકલોઅટૂલો ન છોડત! પણ હું...હું...’ પછી આનંદને જતો જોઈને એણે જોરથી કહ્યું, ‘મારાથી આ રીતે નારાજ થઈને જ જા આનંદ! મારું હૃદય પીડાથી ફાટી પડે છે. હું...હું... લાચાર છું... તું જ કહે કે હું શું કરું? તારી આ કમનસીબ સુનિતા શું કરે?’

‘તારે શું કરવું એ કહું...?’ આગળ વધતાં અટકી, પીઠ ફેરવીને આનંદે કહ્યું, ‘તારે શું કરવું એ જો તું મને જ પૂછતી હો તો હું એ જ કહીશ કે તું આ દુનિયાના તમામ રીત-રિવાજો, બંધનો તોડીને મારી સાથે નાસી. જા...!’

‘ના...ના...!’ સુનિતા પોતાના કાન પર હાથ મૂકીને ચીસ જેવા અવાજે બોલી, ‘તું કહે છે, તેવું મારાથી થઈ શકે તમે નથી. હું મારી મા પર કલંક લાગે તેમ નથી ઈચ્છતી...હું ઘર છોડીને તારી સાથે આવી શકું તેમ નથી. મારી માએ ખૂબ જ મુશ્કેલી ભોગવીને, તકલીફો વેઠીને મને મોટી કરી છે.. હું...હું તેની સાથે વિશ્વાઘાત કરી શકું તેમ નથી.’

‘અને મારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે ખરું ને?’ આનંદે ક્રોધથી દાંત કચકચાવતાં કઠોર અવાજે પૂછ્યું ક્રોધથી એનું મોં લાલચોળ બની ગયું હતું. ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો સખત બની ગયો હોત એ બોલ્યો ત્યારે એના મોં માંથી શબ્દો રૂપ બાણ નીકળીને સુનિતાના હૃદયમાં તીરની માફક ખૂંચી ગયા, ‘ખૂબસૂરત, ઝેરીલી નાગણ... તેં મારા પવિત્ર પ્રેમને અપમાન રૂપી ડંખ માર્યો છે. તારી ફેણ કચડી નાંખવાનું... તને મારી નાંખવાનું મન થાય છે જેથી ભવિષ્યમાં મારી જેમ કોઈ બીજા સાથે વિશ્વાસઘાત ન કરી શકે બીજા કોઈના વિશ્વાસને ડંખ ન મારી શકે. અત્યારે તારુ ગળુ દબાવી દેવા માટે મારું રોમેરોમે ઉછાળા મારી રહ્યું છે. મારા દિમાગ ઉપરથી મેં કંટ્રોલ ગુમાવી દીધો છે. તું હમણા જ મારી નજર સામેથી દૂર થઈ જા... નાહક જ મારા હાથેથી તારું ખૂન થઈ જશે.’ આનંદના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પરંતુ સુનિતા કંઈ કહે તે પહેલાં જ એ ઝડપથી બગીચાના દ્વાર તરફ દોડી ગયો.

સુનિતા તેની પીઠ તરફ તાકી રહી. પછી તે ધ્રુસકાં ભરતી ભરતી પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ.

ઘેર જઈને તે પોતાની માને પૂછવા માંગતી હતી કે એક મા થઈને એણે પોતાની દિકરીના, પ્રેમમાં માર્ગમાં કાંટા શા માટે પાથરી દીધાં? શા માટે એક ગરીબ, વિધવા હોવા છતાં યે કાંઈક અમીર કુટુંબના નબીરા સાથે પોતાને પૂછ્યા વગર જ પોતાનાં લગ્ન નક્કી કરી નાખ્યા?

શા માટે...? શા માટે...?

અને ઘેર જઈને જ્યારે એણે આ સવાલો પોતાની માને પૂછયા ત્યારે એણે કહ્યું.

તારા આ સવાલોના મારી પાસે કોઈ જવાબ નથી સુનિતા...! અને કદાચ જો કોઈ જવાબ હોય તો તે એક જ હોય છે દિકરી! પોતાની દિકરીના લગ્ન કોઈક એવા પૈસાદાર કુટુંબમાં થાય કે જ્યાં તેને દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિઓ મળે, એવી દરેક માની ઇચ્છા છે અને એટલા માટે જ મેં તારા લગ્ન પૈસાદાર કુટુંબમાં કરવાનુ નક્કી કર્યું. છે તું આનંદની વાત કરે છે. પરંતુ આનંદ પાસે શું હતું? તેની પાસે ડૉક્ટરની ડીગ્રી સિવાય બીજુ કશુંય નથી. એની પાસે પોતાના બાપની સારવાર કરાવવા જેટલા પણ પૈસા નથી. એ તને શું ધૂળ સુખી કરી શકશે?’

‘તારું દિમાગ ફરી ગયું લાગે છેં મા..!’ સુનિચા ચીસ જેવા અવાજે બોલી, ‘આપણા સમાજમાં તો લગ્નમાં બંને કુટુંબો દરેક રીતે બરોબરીયા હોવા જોઈએ, એક ગરીબ કુટુંબની દિકરી, પૈસાદાર કુટુંબની વહુ બન્યા પછી ક્યારેય સુખી નથી થતી. તેને હંમેશા કરિયાવર ન લાવવાના અથવા તે ઓછું લાવવાના મ્હેણાં સહન કરવાં પડે છે.

‘સુનિતા, હું પણ એક માં છું. અને કોઈ મા આવી વાતને કઈ રીતે ભૂલી શકે? મેં બધુ સમજી વિચારીને જ આ લગ્ન નક્કી કર્યા છેં.’ સાવિત્રીએ શાંત અને ગંભીર અવાજે કહ્યું.

‘શુ...શું...?’ સુનિતા એકીટશે સાવિત્રીના ગંભીર ર્હેરા સામે તાકી રહી. પછી નર્યા-નિતર્યા અચરજથી બોલી, ‘પરંતુ આટલા પૈસાદાર કુટુંબમાં મારા લગ્ન કરવા માટે ઘણું કરિયાવર જોઈશે. અને આટલું બધું કરિયાવર તું ક્યાંથી એનો કંઈ વિચાર કર્યો છે તેં?’

‘તું શા માટે ફિકર કરે છે? મેં બધી જ વ્યવસ્થા કરી રાખી છે. કહીને સાવિત્રી તેનો હાથ પકડીને એક જૂતી-પુરાણી લોખંડની પેટી પાસે લઈ ગઈ. આ પેટી પર સુનિતાએ હંમેશા તાળું જ લટકતું જોયું હતું અને તેની હાજરીમાં સાવિત્રીએ ક્યારેય એ પેટી ઊઘાડી નહોતી. સાવિત્રીએ પોતાની કમ્મર પર લટકતા ઝુમખામાંની એક ચાવી વડે પેટીનું તાળું ખોલ્યું. પછી તેનું ઢાંકણ ઊઘાડતાં એણે કહ્યું, ‘જોઈ લે આ સોનાના દાગીનાઓ...’ તેણે પેટીના અંદરના ભાગ તરફ સંકેત કર્યો, ‘આ દાગીનાની કિંમત એક લાખ રૂપિયા છે. અને આ જે નોટોની થપ્પી પડી છેં, એ પૂરા ત્રણ લાખ રૂપિયા રોકડ છે. અને હિરાલાલે આટલા જ માંગ્યા છે અને...’

‘પ...પણ...’ સાવિત્રીની વાત વચ્ચેથી કાપીને સુનિતા, ફાટી આંખે ઘડીક ઉઘાડી પેટી તરફ તો ઘડીક તેની તરફ તાકી રહેતાં ધ્રુજતા અવાજે બોલી, ‘આ... આટલી બધી રકમ અને દાગીનાઓ અચાનક તારી પાસે ક્યાંથી આવ્યા?’ મેં તો હંમેશા તને અડધી અડધી રાતે સુધી સાંચો ચલાવીને લોકોનાં કપડાં સીવતાં જ જોઈ છેં. તેં દિવસ-રાત, ટાઢ-તડકો સહન કરી મહેનત-મજૂરી કરીને મને કોલેજ સુધી ભણાવી છેં. અને પાળી-પોષીને મોટી કરી છેં. તો પછી આટલા બધા રૂપિયા તમારી પાસે ક્યાંથી આવ્યા? અને...’

‘આ દાગીના અને રૂપિયા મેં તારા પિતાજી પાસેથી...’ કહેતાં કહેતાં અચાનક જ સાવિત્રી બોલતી બંધ થઈ ગઈ. જાણે પોતે કોઈક ગુનાની કબૂલાત કરવા જતી હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા. એણે સખ્તાઈથી પોતાના હોઠ બંધ કરી દીધા. પછી તે નીચું જોઈને, સુનિતાથી મોં છૂપાવવા માગતી હોય એમ ભારે પગલે પોતાના રૂમ તરફ આગળ વધી.

પરંતુ સુનિતાએ ઝડપથી તેનું કાંડું પકડી લીધું પછી સાવિત્રીનો ચ્હેરો ઊંચો કરીને તેની અશ્રુભરી આંખોમાં પોતાની નજર પરોવતાં ચીસ જેવા અવાજે કહ્યું, ‘તું બોલતાં બોલતાં શા માટે અટકી ગઈ? મેં બચપણથી જ તારો સેંથો સિંદૂર વગરનો કોરો જ જોયો છે. અને જ્યારે પણ મેં તને મારા પિતાજી વિશે પૂછ્યું છે, તો દરેક વખતે તે એક જ જવાબ આપ્યો છે. કે ‘તારા મા-બાપ, બંને હું જ છું.’ તો પછી આજે અચાનક જ તારી જીભે મારા પિતાજીની વાત કઈ રીતે ચડી ગઈ? બોલ, કોણ છે મારા પિતા? એ ક્યાં છે?’

‘એ...એ હું તને કહી શકું તેમ નથી...હું તને કંઈ જ કહી શકું તેમ નથી.’ સાવિત્રીએ ધ્રુસકાં ભરતાં ભરતાં કહ્યું. પછી એણે સાડીનો છેડો મોંમાં દબાવી દીધો.

સુનિતા તેની વાત સાંભળીને દિગ્મૂઢ બની ગઈ. પછી એ સાવિત્રીના ખભા પકડીને તેને હચમચાવતાં બોલી, ‘તારે ન કહ્યું હોય તો કંઈ નહીં. પણ તું વિધવા છો કે સોહાગણ એ તો કહીશ ને?’

‘ના...હું વિધવા યે નથી અને સોહાગણ પણ નથી! હું... હું અભાગણી છું.’ સાવિત્રીએ કંપતા અવાજે કહ્યું. પછી સુનિતા પાસેથી પોતાનો હાથ છોડાવીને પોતાની રૂમ તરફ જતાં એ બોલી, ‘અને...અને... તને આ કમનસીબમાં સમ છેં. તું તારા પ્રેમને... તારા આનંદને ભૂલીને ચૂપચાપ લગ્નમંડપમાં બેસી જશે. અને જો તારી જીદને કારણે આ લગ્ન નહીં થાય તો તારી આ કમનસીબ માનું જરૂર થઈ જશેં’

‘ન...ના...!’ સુનિતા રડમસ અવાજે બોલી. સાવિત્રી ઝડપથી પોતાની રૂમમાં ચાલી ગઈ. એના ગયા બાદ સુનિતા પાગલની જેમ પોતાનું માથું ફૂટવા લાગી.

‘હું શું કરું આનંદ...? હું શું કરું?’

ત્યારબાદ તે ક્યાંય સુધી રડતી રહી.

પણ તેના આંસુ લૂછવાવાળું ત્યાં કોઈ જ નહોતું.

ત્રણ દિવસ પછી-

આજે સુનિતાનાં લગ્ન હતા.

જાન આવી પહોંચી હતી.

એક રૂમમાં અત્યારે સાવિત્રી અને હિરાલાલ સામસામે બેઠાં હતા.

સાવિત્રીનો ચ્હેરા પરથી લોહી ઊડી ગયું હતું. તે એકદમ નિરાશ અને ચિંતીત દેખાતી હતી.

‘હું...હું સાચું જ કહું છું હિરાલાલ શેઠ...!’ તે રડમસ અવાજે બોલી.

‘કરિયાવરમાં તમારે શું કરવાનું છે એ મેં પહેલાંથી જ તમને કહ્યું હતું સાવિત્રી દેવી!’ હિરાલાલે કઠોર અવાજે કહ્યું, ‘કરિયાવરમાં ત્રણ લાખ આપવાની આપણી વચ્ચે ચોખ્ખી શરત થઈ હતી. અને ત્રણ લાખ આપવા માટે તમે કબૂલ પણ થયાં હતા. પરંતુ હવે છેવટની ઘડીએ તમે એ શરતનું પાલન નથી કરતાં. તમે તમારા વચનમાંથી ફરી જાઓ છોં. જો મને ત્રણ લાખ નહીં મળે તો હું આ લગ્ન અટકાવીને સુનિતાને વહુ બનાવ્યા વગર જાન પાછી લઈ જઈશ.’

‘આવું...આવું ન કહો શેઠ...! જો જાન એમ ને એમ પાછી જશે તો મારી આબરૂ પર પાણી ફરી વળશે અને પછી સુનિતાનો હોથ પકડવા માટે કોઈ તૈયાર નહીં થાય!’ સાવિત્રી, હિરાલાલના પગમાં પડીને ધ્રુસકાં ભરતા બોલી, ‘હું મારી એકની એક વ્હાલસોયી દિકરીનો સમ ખાઈને કહું છું કે મેં તમને આપવા માટે ખરેખર જ ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખી હતી, પરંતુ હમણા થોડી વાર પહેલાં જ તમને રૂપિયા આપવા માટે જ્યારે હું તે લેવા માટે ગઈ ત્યારે મેં જે પેટીમાં એ રકમ રાખી હતી, તેનું તાળુ તૂટેલું હતું અને તેમાંથી એ રકમ ગુમ થઈ ગઈ હતી. ઈશ્વરનો એટલો પાડ કે દાગીના તો મેં રાત્રે જ તેમાંથી કાઢી લીધા હતાં નહીં તો રૂપિયાની સાથે સાથે તે પણ ચોરાઈ જાત! હું સાચું જ કહું છું જો આ જાન એમને એમ સુનિતાને લીધા વગર પાછી જશે તો પછી મારે માટે આપઘાત કરવા સિવાય બીજો કોઈ જ માર્ગ નહીં રહે.’ સાવિત્રી રાંકની જેમ કરગરતી હતી.

‘રૂપિયા ચોરાઈ ગયા છે એ તમે સાચું જ કહો છો?’

‘હા...’

‘તો ત્રણ લાખ તમે મને પછી આપી દેશો એમને...?’ હિરાલાલે વેધક નજરે સાવિત્રી સામે જોતાં પૂછ્યું.

‘હું...હું ઈશ્વારના સમ ખાઈને કહું છું હિરાલાલ શેઠ કે એ રૂપિયા ખરેખર જ ચોરાઈ ગયા છે. અને હું જેમ બંને તેમ જલ્દીથી એ તમને આપી દઈશ. પણ ભગવાનને ખાતર જાન પાછી લઈ જવાની વાત કરશો નહીં. મારી દિકરી કયાંયની નહીં રહેં.’

‘ઠીક છે...મને તમારી વાત પર ભરોસો છે.’ હિરાલાલ જાણે સાવિત્રી પર કોઈ મોટો ઉપકાર કરતો હોય એવા અવાજે બોલ્યો, મને તમારા પર દયા આવે છે. ખેર, અત્યારે હું રંગમાં ભંગ કરવા નથી માગતો તથા જાન પણ પાછી નથી લઈ જતો, અને લગ્ન થવા દઉં છું. પણ એક વાત યાદ રાખજો. તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવાના રહેશે. અને આ ત્રણ લાખ રૂપિયા તમે કેટલાં ઝડપથી આપો છો એનાં પર જ તમારી દિકરીની ખુશીનો તેનાં સુખનો આધાર છે સમજયાં?’

‘સમજી ગઈ... હું જેમ બંને તેમ ઝડપથી ત્રણ લાખ ચુકવી દઈશ...’ સાવિત્રીએ આનંદભર્યા અવાજે કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર હિરાલાલ શેઠ! આજે તમે મારી આબરૂ જતી બચાવી લીધી છે તમારા આ ઉપકાર છું જિંદગીભર નહીં ભૂલું...’

અને ત્યારબાદ હિરાલાલે અમર અને સુનિતાના લગ્નની મંજુરી આપી દીધી.

બંનેનાં લગ્ન કશી યે અડચણ વગર થઈ ગયા.

પરંતુ પોતાને કરીયાવરમાં આપવાના ત્રણ લાખ રૂપિયા પેટીમાંથી ચોરાઈ ગયા છે, એ વાતથી સુનિતા તદ્દન અજાણ હતી.

અને આવા શુભ પ્રસંગે દિકરીનું દિલ ન દુભાય એટલા માટે સાવિત્રીએ પણ તેને રકમની ચોરી અંગે કંઈ જ નહોતું કહ્યું. અને આમે ય ચોરીની વાત કરવાથી સુનિતા તેમાં શું કરી શકે તેમ હતી? વાત કરવાથી પણ કંઈજ લાભ નહોતો થવાનો.

આ રીતે સુનિતા અમરની પત્નિ બનીને શેઠ હિરાલાલના વિશાળ બંગલામાં આવી ગઈ હતી. પરંતુ હિરાલાલને કરીયાવરના ત્રણ લાખ રૂપિયા નહોંતા મળ્યા એટલે લગ્નનાં થોડા દિવસ પછી જ સુનિતા પર જુલમ થઈ ગયો હતો. બંગલાની દીવાલ તેને કરડવા દોડતી હતી. ખૂબસૂરત રીતે સજાવેલા રૂમો તેને હવે કેદખાના જેવા લાગતા હતા.

એના અરમાનો તો પહેલા જ શરણાઈઓની ગુંજ વચ્ચે દબાઈ ગયા હતા. અને હવે તેની લગ્ન પછીની જિંદગી પણ કરિયાવર રૂપી રાક્ષસને બલિ તરીકે ચડી જવાની હતી.

એના હાથની મહેંદી સળગતા કોલસા જેવી બની ગઈ હતી. એના સેંથાનું કંકુ સળગી ઊઠ્યું હતું.

હવે એની જિંદગીમાં આંસુ સારવા બીજું કશું યે બાકી નહોતું રહ્યું.

***