21 mi sadi nu ver - 37 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 37

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 37

21મી સદીનું વેર

પ્રકરણ-37

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરૂ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે. અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે. તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટસ એપ નંબર પર મોકલજો.

***

કિશન સિવિલ હોસ્પીટલથી નીકળી સીધોજ તેની ઓફીસ પર ગયો. ગગનની વાત સાંભળ્યા પછી તેને કોર્ટ પર જઇ કામ કરવાની ઇચ્છા ન થઇ એટલે તે ઓફીસ પર આવ્યો. ગગન સાથે કરેલી વાત તેણે મોબાઇલમાં રેકોર્ડ કરેલી હતી. તે સાંભળવા માટે ઇયરફોન મોબાઇલ સાથે જોડ્યા. આરામ થી ખુરશીમાં બેસી અને રેકોર્ડીંગ સાંભળવા લાગ્યો.

ગગન શરૂઆતમાં તો કંઇ બોલ્યો નહી પણ જ્યારે કિશને તેને પોતાનુ વિઝીટીંગ કાર્ડ આપ્યુ અને કહ્યુ કે હું વકીલ છું. તમે ગભરાવ નહી. હું બનતી બધીજ મદદ તમને કરીશ. ત્યાર પછી તે બોલ્યો.

“ સાહેબ મારી બહેનને થોડા દિવસ પહેલાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો. એકાદ દિવસતો અમે ગામમાં આવતા ડોકટરની દવા લીધી પણ દુખાવામાં કોઇ ફેર પડતો નહોતો એટલે અમે બીજા દિવસે અમે વંથલી એક મોટા ડૉકટરને બતાવ્યુ. તો તેણે કહ્યુ કે “તારી બહેનને કિડનીનો પ્રોબ્લેમ હોય તેવુ લાગે છે આપણે થોડા રીપોર્ટ્સ કરવા પડશે. ”

એટલે અમે બધા રીપોર્ટસ કરાવ્યા અને એ લઇ ડોકટરને બતાવવા ગયા. એ રીપોર્ટ્સ જોઇ ડોક્ટરે કહ્યુ કે

“તારી બહેનનુ આ પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યુ હતુ તે તો તે મને કહ્યુ જ નહોતુ. ” આ સાંભળી મને ઝટકો લાગ્યો કેમકે આ પહેલા તો અમે કિડનીનુ કોઇ ઓપરેશન કરાવેલુ જ નહી. એટલે મે ડૉક્ટરને કહ્યુ

“સાહેબ તમારી કંઇક ભુલ થતી લાગે છે. અમે તો ક્યારેય કિડનીનુ ઓપરેશન કરાવ્યુજ નથી. આ પહેલા એક વાર એપેંડીક્ષનુ ઓપરેશન કરાવ્યુ હતુ. એ સિવાય કોઇ ઓપરેશન કરાવ્યુ નથી. ”

આ સાંભળી તે ડૉક્ટર વિચારમાં પડી ગયા. અને ડૉક્ટરે પુછ્યુ “આ એપેન્ડીક્ષનુ ઓપરેશન તમે કયાં કરાવ્યુ હતુ?. ” એટલે મે તેને કહ્યુ કે “ઓપરેશન અમે જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં કરાવ્યુ હતુ. ”

આ સાંભળી તે વિચારવા લાગ્યા પણ પછી તેણે જે પ્રશ્ન પુછ્યો એ સાંભળી મને આશ્ચર્ય થયુ.

આટલુ કહી ગગન રોકાયો એટલે કિશને કહ્યુ “કેમ એવુ તે શુ કહ્યુ ડૉક્ટરે?”

ડૉક્ટરે મને કહ્યુ કે “આ ઓપરેશન બાદ તમને કોઇએ પૈસા આપેલા?”

આ સાંભળીને મને નવાઇ લાગી કે ઓપરેશન પછી કોઇ શુ કામે પૈસા આપે? એટલે મે ડૉકટરને કહ્યુ

“ ના કેમ? ઓપરેશન પછી કોઇ પૈસા શુ કામે આપે?”

આ સાંભળી ડૉક્ટરે વાત બદલી નાખી અને મને કહ્યુ “તે ઓપરેશનની કોઇ ફાઇલ તમારી પાસે છે?”

“હા છે પણ અહી નથી ઘરે છે. ”

ડૉકટરે કહ્યુ “ તમારી બહેનને કિડનીની કોઇ તકલીફ લાગે છે. કાલે તમે ફાઇલ લઇને આવજો એટલે હું તમારા તે ડૉકટર સાથે વાત કરી લઇશ અને પછી આગળ વધીશુ. ”

ત્યારબાદ ડૉકટરે થોડી દવાઓ લખી આપી તે લઇને અમે ઘરે ગયા. બીજા દિવસે અમે તે ડૉકટરને મળવા ગયા તો તેણે તે ફાઇલ જોઇને અમને કહ્યુ કે

“તમે અહીંથી સીધા જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં જાવ ત્યાં ડૉકટર રામાનંદીને મળજો. તેની સાથે મારે વાત થઇ ગઇ છે. ”

ત્યારબાદ અમે અહીં આવ્યા અને ડૉકટરને મળ્યા તો તેણે એડમીટ થઇ જવા કહ્યુ. એટલે અમે એડમીટ થઇ ગયા. પણ અહી અમને કોઇ કાંઇ કહેતુ નથી કે મારી બહેનને શું થયુ છે?

વાત પુરી કરી ગગન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કિશને થોડીવાર તેને રડવા દીધો પછી તેના ખભા પર હાથ મુકી કહ્યુ

“ગગન તું આમ રડ નહી હિંમત રાખ. તારી બહેનને સારૂ થઇ જશે. હું તને બધીજ મદદ કરીશ. પહેલા હું તને થોડા સવાલ પુછુ છું તેના જવાબ આપ. ”

આ સાંભળી ગગનને થોડી હિંમત આવી એટલે એકાદ મિનીટમાં શાંત થઇ ગયો અને બોલ્યો “પુછો તમારે શું પુછવુ છે?

“તારી બહેનનું નામ શું છે?”

“ સપના”

“સપનાનું ઓપરેશન ક્યારે કરાવ્યુ હતુ?”

“ લગભગ દશેક વર્ષ થઇ ગયા. ”

“આ ઓપરેશન કરાવ્યુ ત્યારે તુ તેની સાથે હતો?”

“ના, મારી બહેન સ્કુલના કોઇ રમતોત્સવમાં ભાગ લેવા અહી જુનાગઢ આવી હતી. ત્યાં તેને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પીટલમાં દાખલ કરવી પડી હતી. પછી તેના શિક્ષકનો ફોન આવ્યો હતો એટલે અમે અહી હોસ્પીટલ પર આવી પહોંચ્યા હતા. પછી તેનુ ઓપરેશન કરવુ પડે એમ છે એવુ ડૉક્ટરે કહ્યુ હતુ એટલે ઓપરેશન કરાવ્યુ હતુ. ”ગગને કહ્યુ.

“કયા ડૉકટરે ઓપરેશન કર્યુ હતુ?”

“એ તો આટલા બધા સમય પછી યાદ નથી. પણ અમારી પાસે ફાઇલ હતી તેમાં તેનુ નામ તો હશેજ ને. ”

“એ ફાઇલ ક્યાં છે?”

ગગન થોડો અચકાઇને બોલ્યો “એ તો વંથલી પેલા ડૉક્ટરે ને આપેલી. ”

“તારી પાસે તેની કોઇ કોપી ઘરે છે?” કિશનને ફાઇલનુ મહત્વ સમજાતા પુછ્યુ.

“ના એની તો ક્યારેય જરૂર પડી નથી. એટલે કોપી કરાવીજ નથી. કદાચ હોય તો પણ અત્યારે ખબર નથી. ”

“કાંઇ વાંધો નહી એ પછી જરૂર પડશે તો શોધીશુ. પણ તુ એ કહે કે વંથલી તમે કયા ડૉક્ટરને બતાવ્યુ હતુ. ”

“ ડૉ. હિમાંશુ મકવાણા. ”ગગને કહ્યુ.

કિશનને હવે કાંઇ વધારે યાદ ના આવ્યુ એટલે તેણે છેલ્લો સવાલ કર્યો

“તારા ગામનું નામ શું છે?”

“ઝાંપાગઢ” ગગને કહ્યુ.

આ સાંભળતાજ કિશન ચોંકી ગયો કેમકે ઝાંપાગઢ અને કિશનનુ ગામ ડુંગરપુર વચ્ચે માત્ર બેજ કિલોમીટરનુ અંતર હતુ. અને ડુંગરપુર જતા ઝાંપાગઢ રસ્તામાંજ આવતુ હતુ. કિશનને થયુ કે જરૂર આ કેસની અહીંથીજ કાંઈક મારી સાથે લીંક થતી હશે.

ત્યારબાદ કિશને ગગનને કહ્યુ “જો તને એવુ કંઇ યાદ આવતુ હોય આ બાબતમાં કે જે આપણને ઉપયોગી થાય તો મને કહે. ”

આ સાંભળી ગગને કહ્યુ “ના એવુ તો કંઇ યાદ આવતુ નથી. અને જે કંઇ હતુ તે મે તમને જણાવી દીધુ. ”

કિશને કહ્યુ “ઓકે કાંઇ વાંધો નહી. મે તને મારૂ વિઝીટીંગ કાર્ડ આપ્યુ છે તેમા મારો નંબર છે જો તને કાંઇ પણ નવુ જાણવા મળે અથવા કાંઇ પણ મારી જરૂર હોય તો તે નંબર પર કોઇ જાતના સંકોચ વગર ફોન કરજે. અને તારો મોબાઇલ નંબર પણ મને આપી દે જેથી હું કંઇ માહિતી મળે તો તારો કોન્ટેક્ટ કરી શકુ. ”

ત્યારબાદ કિશને ગગનનો મોબાઇલ નંબર સેવ કરી લીધો અને પછી કિશને ખીસ્સામાંથી બે હજાર રૂપીયા કાઢી ગગને આપતા કહ્યુ “આ લે રાખ. કામ લાગશે. ”

રૂપીયા જોઇ ગગન તો કિશન સામે જ જોઇ રહ્યો અને બોલ્યો “ ના ના આ હું કઇ રીતે લઇ શકુ?”

કિશને રૂપીયા તેના હાથમાં પકડાવતા કહ્યુ “અરે ગગન આજથી આપણે મિત્રો છીએ. અને એક મિત્ર બીજા મિત્રની મદદતો કરીજ શકેને. અને હું ક્યાં તને રાખી લેવાનુ કહુ છું. તારી બહેનની તબિયત સારી થઇ જાય અને તારી પાસે વ્યવસ્થા થાય ત્યારે પાછા આપી દે જે. ઉધાર સમજી લે. ”

ગગન આભારવશ નજરે કિશન સામે જોઇ રહ્યો. એટલે કિશને કહ્યુ “જો ગગન હું તને શક્ય એટલી મદદ કરીશ. પણ હમણા તારે મારા વિશે કોઇને કંઇ કહેવાનુ નહી. અને હું સપનાને એક્ઝેટ શું તકલીફ છે એ જાણવાની કોશિશ કરૂ છું. તું પણ તારી રીતે આંખ અને કાન ખુલ્લા રાખજે. મને આમા કંઇક રંધાતુ હોય તેવુ લાગે છે. ” એમ કહી કિશન ત્યાંથી નીકળી ગયો. આ સાથે મોબાઇલમાં રેકોર્ડીંગ પણ પુરૂ થઇ ગયુ એટલે કિશને કાનમાંથી ઇયરફોન કાઢીને ટેબલ પર મુક્યા અને વિચારવા લાગ્યો. આ સપનાની બિમારી ને મારી સાથે શું સંબંધ હશે? પેલી સ્ત્રીએ મને તેને મળવા શું કામ મોક્લ્યો હશે? સપનાને એકઝેટ શું બિમારી હશે? કિશન આમને આમ વિચાર કરતો હતો ત્યાં તેને કંઇક યાદ આવતા તેણે ગણેશને ફોન કર્યો અને કહ્યુ

“ગણેશ આપણે બે મોરચા ખોલવા પડે એમ છે. તો હવે શું કરીશુ? તું બે જગ્યાએ કઇ રીતે પહોંચીશ?”

“કેમ શુ થયુ? ક્યાં બે મોરચા?” ગણેશે સામે પુછ્યુ એટલે કિશને તેને રાત્રે આવેલા ફોનની અને પછી હોસ્પીટલની બધીજ વાત કરી અને કહ્યુ “હવે આપણે સીવીલમાં આ છોકરીની આજુબાજુ શું થાય છે તે ખાસ ધ્યાન રાખવુ પડશે. ”

“કોઇવાંધો નહી કિશનભાઇ હવે આમ પણ કાના આહીરની ચેનમાં આપણે ઇંન્સ્ટ્રુમેન્ટ ફીટ કરી દીધુ છે એટલે હવે તેની પાછળ રહેવાની બહુ જરૂર નથી. હું અહી મારો એક ખાસ માણસ મુકી આપુ છું અને હું સિવિલમાં સંભાળી લઇશ. ”

કિશને કહ્યુ “પણ જોજે તે માણસ વિશ્વાશુ છે ને વળી ક્યાંક સામેવાળાને જાણ ના થઇ જાય અને હા, કોઇ પણ માહિતી આપણા હાથમાંથી છટકવી ના જોઇએ. ”

“ તમે ચિંતા ના કરો. એ બધુ હું સંભાળી લઇશ. તમે ખાલી મને સીવીલની માહિતી મોકલી આપો. ”

ત્યારબાદ કિશને ગણેશને સીવીલ હોસ્પીટલનો વોર્ડ નંબર, બેડ નંબર તથા સપના અને ગગનનુ નામ અને ગગનના મોબાઇલ નંબર ગણેશને વોટ્સએપ પર મોકલી આપ્યા. ત્યાંજ નેહા ઓફીસમાં દાખલ થઇ અને કિશનની સામેની ખુરશીમાં બેસતા બોલી

“શિખરભાઇનો ફોન હતો તે તમને મળવા માગે છે. તેણે તમને કેટલા ફોન કર્યા પણ તમારો ફોન આઉટ ઓફ કવરેજ બતાવતો હતો. ”

કિશનને યાદ આવ્યુકે ગગનની વાત મોબાઇલમાં રેકોર્ડ કરતો હતો ત્યારે તેણે મોબાઇલ એરપ્લેન મોડમાં કરી નાખ્યો હતો. ત્યારેજ શિખર ફોન કરતો હશે એટલે તેણે નેહાને કહ્યુ

“હા થોડા કામમાં હતો એટલે મોબાઇલ બંધ હતો. હવે શિખરને ફોન કરીને મળવા બોલાવી લે. ”

નેહાએ ફોન કરી શિખરને ઓફીસ પર આવી જવા કહ્યુ અને ત્યારબાદ બન્ને બાકી રહેલ કામ પતાવવામાં લાગી ગયા. શિખરે આવીને દરવાજા પર ટકોરા માર્યા ત્યારે બન્ને ને ખબર પડીકે તે એકાદ કલાક થી કામ કરી રહ્યા છે. શિખર ને જોઇ કિશન ઉભો થઇ ગયો અને બોલ્યો “આવો આવો શિખરભાઇ “

શિખરે કિશન સાથે હાથ મિલાવ્યા અને બોલ્યો “કિશનભાઇ જો મને મિત્ર માનતા હોય તો પછી આજથી તમારે મને શિખર જ કહેવાનો. અને આપણી ઉંમર પણ લગભગ સરખીજ છે. ”

કિશન હસતા હસતા કહ્યુ “તો પછી તારે પણ મિત્રતા નીભાવવી પડશે અને મને પણ કિશનજ કહેવો પડશે. ”

આ સાંભળી શિખરે કહ્યુ “ પ્રોમીસ”

પછી બન્ને હસી પડ્યા.

કિશને નેહાને કહ્યુ “ચાલ પહેલા ચા નાસ્તાનો ઓર્ડર આપી દે ભુખ પણ લાગી છે. પછીજ વાતો કરીશુ. ”

નેહાએ ફોન કરી ચા અને નાસ્તાનો ઓર્ડર આપી દીધો. એટલે શિખરે નેહાને કહ્યુ

“કેમ છે નેહા? તબિયત પાણી તો સારાને?”

નેહાએ હસતા હસતા કહ્યુ “હા, હો સારા છે,તમને કેમ છે?”

“બસ મજામાં. ” પછી કિશન સામે જોઇને બોલ્યો “મિત્રો આપણા પ્રોબ્લેમ સંભાળતા હોય પછી આપણે શું કામ ટેન્સન લેવાનુ. ”

આ સાંભળી કિશને કહ્યુ “હા ભાઇ તારો પ્રોબ્લેમ બસ હવે પુરોજ સમજ. હવે આપણો દાવ લેવાનો વારો આવ્યો છે એટલે બરાબર દાવ લઇશુ. ”

ત્યાં ચા અને નાસ્તો આવી ગયો એટલે નાસ્તો કરતા કરતા કિશને સુરતની આખી વાત શિખરને કહી. વાત પુરી થઇ એટલે શિખરે કિશનને કહ્યુ “એક મિનિટ ઉભો થા”

કિશનને નવાઇ લાગી એટલે પુછ્યુ “કેમ,શું થયુ?”

“ એ પછી કહુ છું પહેલા ઉભો થા ને. ”

કિશન ઉભો થયો એટલે શિખર પણ ઉભો થયો અને કિશનને ભેટી પડ્યો અને બોલ્યો “યાર તે તો મિત્રતા દિલ ખોલીને નિભાવી. આટલુ જોરદાર પ્લાનીંગ તો હું ક્યારેય કરી શક્યો ના હોત. તું તો જેમ્સ બોંન્ડ જેવુ કામ કરી આવ્યો છો. ખરેખર તુ એક જીનીયસ અને દિલદાર માણસ છે. ”

આ સાંભળી કિશને કહ્યુ “બસ ભાઇ, નહીતર પછી મારામાં બહુજ હવા ભરાઇ જશે. અને પછી ધડાકો થઇ જશે. ”

આ સાંભળી શિખરે કહ્યુ “ના યાર ખરેખર દિલથી કહુ છું. તું જોરદાર કામ કરી લાવ્યો છે અને તે તારા કાર્યક્ષેત્ર સિવાયનુ કામ પણ દોસ્તી માટે કર્યુ છે. બાકી તું કહી શક્યો હોત કે હું તો કોર્ટના કેસ લડી શકુ આ મારૂ કામ નહી. ”

આ સાંભળી કિશને કહ્યુ “યાર,સમાજમાં ખરાબ માણસોને સબક શિખવવાનું કામ તો દરેક નાગરીકનું છે. તે પછી વકીલ હોય કે ડૉકટર તેનાથી કોઇ ફેર પડતો નથી. અને તે મારા પર એટલો વિશ્વાસ મુક્યો હતો કે મારે ગમે તેમ કરીને આ કામ કરવુજ પડે એમ હતુ. ”

બન્ને ને આ રીતે વાતો કરતા જોઇ નેહા બોલી “કિશનભાઇ શિખરભાઇની આ વાત સાથે તો હું પણ સંમત છું કે તમે ખરેખર જીનીયસ છો. અત્યારે ગુડ લુકીંગ દિલદાર અને બુદ્ધીશાળી માણસ આ દુનિયામાં શોધવા મુશ્કેલ છે. તમે એક પરફેક્ટ જેન્ટલમેન છો. ”

આ સાંભળી કિશન હસતા હસતા કહ્યુ “તમે બન્ને યાર હવે ઓવર થઇ રહ્યા છો. હું કાંઇ પરફેક્ટ નથી. પણ જેને આપણે ચાહતા હોઇ તેવી વ્યક્તિઓની કમીઓ આપણને દેખાતી નથી. અને મારી આજુબાજુ બધાજ સારા માણસો છે એટલે હું પણ સારો છું. આ સારો માણસ અને જેન્ટલમેન એ બધુ સાપેક્ષ હોય છે. હવે તમેજ વિચાર કરો આ શિતલ અને રૂપેશને કાંઇ હું સીધો જેન્ટલમેન લાગીશ?. અને હવે તમે મારા વખાણ કરવાના બંધ કરી બીજી કોઇ વાત કરો. નહીતર આ સીધો માણસ તમને બન્ને ને ઓફીસ બહાર કાઢી મુકશે. ”

આ સાંભળી શિખર હસતા હસતા બોલ્યો “ સારૂ ભાઇ હવે અમારે ઓફીસ બહાર નથી નીકળવુ એટલે એ કહે કે હવે આ કેસમાં આગળ આપણે શું કરવાનું છે?”

કિશન સહેજ હસ્યો અને પછી બોલ્યો “ જો હવે પછી શું કરવુ તેનો આધાર તો તે લોકો શું કરે છે તેના પર છે. પણ મને એવુ લાગે છે કે તે તને ફોન કરશે અને પૈસા માગશે. ”

શિખરને કાંઇ સમજાયુ નહી એટલે તેણે કહ્યુ “કેમ? મારી પાસેથી પૈસા માગશે એવુ તુ શેના આધારે કહે છે?”

“હું શેનાય આધાર પર નથી કહેતો. હું તો આ આખા પ્લાનમાં સામેવાળો કઇ ચાલ ચાલશે એ નક્કી કરવા માટે એજ વિચારતો કે હું શિતલ અને રૂપેશની જગ્યા પર હોય તો શું કરુ?”

“ હા, તો કહે કે તુ તેની જગ્યાએ હોય તો શુ કરે?” શિખરે હસતા હસતા પુછ્યુ.

“ જો હું તેની જગ્યાએ હોય તો મને મળેલી 15 દિવસની મહોલત પહેલા તારી સાથે સોદો પાડવાની કોશિશ કરૂ. કેમકે જો આપણો સોદો થઇ જાય અને તું મને બ્લેકમેઇલર કરતા ઘણા વધુ રૂપીયા આપી દે તો પછી બ્લેકમેઇલર મારૂ કાંઇ બગાડી શકે નહી. અથવા તેની પાસે કોઇ એવી વસ્તુ હોય કે પછી પણ મને નુકશાન જાય. તો તારી પાસેથી લીધેલા રૂપીયામાંથી બ્લેકમેઇલરને તેના રૂપીયા આપી શકુ. ”

આ સાંભળી શિખરે કહ્યુ “યાર તુ ગજબનુ વિચારે છે હો. હવે ખબર પડી કે વકીલ લોકો કેમ સલાહ આપવાના પણ પૈસા લે છે. ”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “હવે તારે એકજ કામ કરવાનુ છે ગમે તેમ કરીને તારે પંદર દિવસ સુધી તેને લલચાવ્યા રાખવાના છે અને તેને વિશ્વાસ થઇ જવો જોઇએ કે તું તેને પૈસા ચોક્કશ આપીશ. અને છેલ્લે તારે 20માં દિવસનો વાયદો કરવાનો. બાકીનું બધુ હું સંભાળી લઇશ. મને એવુ લાગે છે કે એકાદ દિવસમાંજ તેનો ફોન આવશે. હવે આખા પ્લાનનો આધાર તારા પર છે. ”

ત્યારબાદ થોડી આડા અવળી વાતો કરીને શિખર નીકળી ગયો.

તે પછી કિશન અને નેહા પાછા પેન્ડીંગ કામ પતાવવામાં લાગી ગયા. બન્ને એ કેસના બાકી પેમેન્ટનો હિસાબ કર્યો અને બધાજ આવક જાવકનાં આંકડા ચેક કર્યા. કિશનને આવક-જાવકનાં આંકડા ચેક કરતા ખબર પડી કે તેની આવક ગયા વર્ષ કરતા 5 ગણી વધી ગઇ છે. એ હવે અપર મીડલ ક્લાસમાં આવી ગયો છે. આંકડા જોઇ નેહા પણ બોલી “ વાવ કિશનભાઇ તમે તો એકજ વર્ષમાં લાખોપતી થઇ ગયા. થોડા વર્ષોમાં કરોડ પતિ થઇ જશો. ”

આ સાંભળી કિશન જોરથી હસી પડ્યો અને બોલ્યો “નેહા આનો શ્રેય તને જાય છે તું પુરતી નિષ્ઠાથી કાર્ય કરે છે એટલેજ આપણે પ્રગતિ કરી શક્યા. ”

“ના કિશનભાઇ ખોટુ નહી બોલો આ તો તમારી ઇમાનદારી અને મહેનતનુ ફળ છે. ”

“જો નેહા કોનુ નસીબ કામ કરતુ હોય એ કેમ ખબર પડે કદાચ એવુ પણ બને કે તારૂ નસીબ સારૂ હોય તેનુ વળતર પણ મને મળતુ હોય. અને આવતા મહિનાથી તારા પગારમાં 4000નો વધારો કરીને લઇ લેજે. ”

“ અરે ના કિશનભાઇ તમે મને પહેલેથીજ ખુબ સારો પગાર આપ્યો છે. આ વધારાની કોઇ જરૂર નથી. ”

“આ વધારો તારા માટે નથી. પણ તારા મમ્મી માટે છે જે મને ઘણી વાર મસ્ત ટીફીન જમાડે છે. ”

આ સાંભળી નેહા બોલી “ કિશનભાઇ તમે મારા ઘરે જમવા આવશો તોજ હું આ પૈસા લઇશ. ”

કિશને કહ્યુ “પાકુ હું મને ટાઇમ મળશે એટલે આવીશ પણ પગાર તો તું લઇ જ લેજે. ”

ત્યારબાદ 8-30 વાગ્યા સુધી બધુ કામ કર્યુ પછી બન્ને ઘરે જવા નીકળ્યા. આજે નાસ્તો કર્યો હોવાથી કિશનને બહુ ભુખ લાગી નહોતી તેથી તે કાળવા ચોકમાં આવેલ “મોર્ડન ફરાળી હાઉસ” માં ગયો. આ દુકાનમાં બધીજ ફરાળની આઇટમ મળે છે. તેની ફરાળી પેટીશ અને લસ્સી ખુબજ પ્રખ્યાત છે. શ્રાવણ મહીનામાં તો ત્યાં ફરાળી આઇટમ લેવા ભીડ જામતી હોય છે. મોર્ડન જુનાગઢના હાર્દસમા કાળવા ચોકમાં આગળ જતા સર્કલ પરજ બે માળની દુકાન છે. આ સર્કલ પર ડૉ. આંબેડકરનું પુતળુ છે જેમાં આંબેડકર સાહેબ તેની આંગળી મોર્ડન તરફ ચીંધીને ઉભા છે. એટલે કિશન ઘણી વાર મોર્ડનનાં માલીક ગીરીશભાઇને મજાકમાં કહેતો “તમે તો આંબેડકર સાહેબ પાસે પણ તમારી દુકાનનું માર્કેટીંગ કરાવી લીધુ હો. ”

આ સાંભળી ગીરીશભાઇ હસી પડતા અને કહેતા “તમે વકીલો પણ ક્યાં ક્યાંથી નવુ શોધી લાવો છો. ”

કિશને મોર્ડન પાસે જઇને બાઇક પાર્ક કરી. અને મોર્ડનના ઉપરના માળ પરના ટેબલ પર જઇને બેઠો અને એક લસ્સીનો ઓર્ડર આપ્યો. લસ્સી આવી એટલે પીતા પીતા તે ગગન સાથેની વાત ફરીથી યાદ કરવા લાગ્યો. મારે ગગન સાથે કઇ બાબત સંબંધ જોડાતો હશે? તે યાદ કરતો હતો ત્યાં એક વાત પર આવી તેને ઝબકારો થયો. એ મનોમન બોલી પડ્યો “ યસ યસ આજ જગ્યાએથીજ તેનો મારી સાથે સંબંધ શરૂ થતો હશે. ” એ વાત યાદ આવતાજ તેણે નક્કી કરી લીધુ કે કાલે મારે ફરીથી ગગનને મળવુ પડશે. ત્યારબાદ તે રૂમ પર ગયો અને આખા દિવસનો થાકેલો હોવાથી નાઇટડ્રેશ પહેરી ઉંઘી ગયો.

***

ગગનનો અને સપનાનો કિશન સાથે શુ સંબંધ હશે? ફોન કરવાવાળી સ્ત્રી કોણ હશે? કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શુ કરશે? કિશનનો શુ પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160