Aapna chhana chhapna chhabchhabiya in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | આપણા છાના છપના છબછબિયાં...!

Featured Books
Categories
Share

આપણા છાના છપના છબછબિયાં...!

આપણા છાના છપના છબછબિયાં...!

વાત પાણીના છબછબિયાંની તો હોય જ નહિ. ને આપણે પણ ક્યાં ડાયપરધારી બાળક છે ? એટલે કોઈએ પણ એવાં અભિમાનમાં તો ધુણવું જ નહી કે, ચરણને પાણીમાં પલાળીયાં, એને જ છબછબીયું કહેવાય...! જેમ પાટલુનના કાયદેસરના ખિસ્સાં ઉપરાંત, વાઈફના હાથમાં નહિ આવે એવું, એકાદ ચોરખિસ્સું પણ હોય, એમ ઘણાની આંખમાં આવાં ‘ છબછબિયાં ‘ પણ લપાયને બેઠાં હોય. યાર....આંખ બધું જુએ, પણ સામાની આંખમાં બીજું શું સંતાયેલું છે, એ જોવા માટે આપણી આંખ વામણી પડે. ઘણાની આંખમાં ઝેરી બિનઝેરી સાપોલીયા રમતા હોય, પણ દેખાય નહિ. પણ આપણે વાત કરવી છે, ‘ મોહે લાગી લગન તોરી અખિયન કીની....! ‘ જેને આપણે કુણું ‘ છબછબીયું ‘ કહીએ તો ચાલે. ફાલતું ‘ છબછબિયાં ‘ કરવાનો તો હવે ‘ કાળ ‘ જ ક્યાં રહ્યો છે મામૂ....? વો ગલી તો હમ કબસે, પીછે છોડ કે ઇસ મુકામ પર આ ગયે...!

આ તો એવું છબછબીયું કે, જેની છાલક પડતાની સાથે, ડોલીબેન ‘ ડાર્લિંગ ‘ બની જાય, ને ફરસુભાઈ ‘ ફિયાન્સ ‘ બની જાય. કાંઠે આવી ગયાં છો, એવું તો બોલતાં જ નહિ. કારણ છબછબિયાંની છાલ્લક કાંઠે હોય ત્યારે જ નંખાય....! જેમ તુંડે તુંડે મતીર ભિન્ના હોય, એમ તુંડે તુંડે મતીર ‘ છબછબીયાં ‘ પણ હોય...! આવાં છબછબિયાંના સ્થાનક ત્યાં હોય, કે જેની આંખમા ફાગણ ને વસંતનો તલસાટ હોય, મલકાતા મ્હોરા હોય, ને પ્રત્યેક ઋતુમાં મેઘાવી વસંતના જ પમરાટ હોય, ત્યાં એનો ઘર નંબર હોય. એના નશાની ખુમારી તો એના ધારકને જ સમઝાય. ભલે ને આંખનો ડોકટર ગમે એવી એક્ષપર્ટ યુનિવર્સીટીમાંથી લાંબી ડીગ્રી લઇને આવ્યો હોય ? લેટેસ્ટ ટેકનોલોજીવાળી એની પાસે મશીનરી પણ કેમ ના હોય ? ખુદ એને પણ ખબર નહિ પડે કે, કોની આંખમાં કોનું ‘ છબછબીયું ‘ રમે છે...? ને એને નાબુદ્કાર્વાનો ઈલાજ શું....?

વધારે છગદુ તો શું કરવાનું ? અમુકના તો ધબકારા પણ ધગ ધગ થતાં હશે, કે આજે મામૂ... ‘ છબછબિયાં ‘ વાળા સંવેદનશીલ મુદ્દા ક્યાં છેડવા બેઠાં ? માનસિક છબછબિયાંની તો વાત જ ન્યારી. પ્રણયના આટાપાટા જ્યારે આંખમાં રમવા માંડે, ત્યારે ‘ ઓખી ‘ નું તોફાન પણ ઘરની ‘ બોખી ‘ આગળ વામણું લાગે. આવાં ‘ છબછબીયાં ‘ ની ખૂબી એવી કે, એને ઉમર સાથે ભલે સ્નાન સુતકનો કોઈ સંબંધ ના હોય, પણ પાસબુક કરતાં શ્વાસબુક કીમતી બની જાય ખરી. એકવાર આંખને ‘ ગુલાટીયું ‘ મારવાનો મોકો જ મળવો જોઈએ. એટલે ‘ છબછબીયું ‘ સ્ટાર્ટ...! ‘ નહિ એમાં કોઈ ચોઘડિયા જોવાની વિધિ આવે, કે નહિ કોઈ ડર આવે. જો ચોઘડિયા જોવા ગયાં તો ‘ છબછબિયું ‘ તો ઠીક, પંચામૃતનો છાંટો પણ ના મળે. તમે જ કહો, પાણીના છબછબીયામાં તો લેવાનું પણ શું ? ખાલી ‘ ટાંટિયા ‘ જ પલાળવાના ને મામૂ....!

આ તો માણસ છે ભાઈ....! બચ્ચારો....સીધી લીટીમાં ચાલીને થાકી જાય, ત્યારે ક્યારેક ત્રાંસી નજર પણ થઇ જાય. સમાપ્તિકાળ સુધી કોઈથી હનુમાન ભક્ત નહિ પણ રહેવાય. બીજું કે, હનુમાનજી જંગલમાં રહેલાં, ઝાકમઝોળ અયોધ્યામાં ક્યાં કોઈ હનુમાનજી હતાં...? ભલે ને માણસ બહારથી લોખંડી પુરુષ લાગતો હોય, પણ અંદરથી તો એ ખીલેલા ગુલાબના ગોટા જેવો જ હોય. આ તો બધું બે નંબરના હિશાબ જેવું છે. ટેક્ષના મામલાથી છટકવા માટે, જેમ બે નંબરના ચોપડાં રાખવા પડે, એમ..… સમઝી ગયાં ? સ્ત્રી ભલે પુરુષ સમોવડી હોય, પણ ત્ત્રાંસી નજર કરવાની આવડત તો પુરુષમાં હોય. એકવાર ચોકમાં ઉગતો ચાંદલીયો દેખાવો જ જોઈએ, એટલે આપોઆપ હોઠ ફફડવા માંડે કે, ‘ આજા સનમ મધુર ચાંદનીમે હમ....! ( લ્યો....તમે તો ગણગણવા પણ માંડ્યાં. આને કહેવાય ‘ છબછબીયું....! ‘ )

ભાઈની આંખમાં છબછબીયું છે કે કેમ એ જાણવાનો કોઈ ઈલાજ નથી. છતાં, જે દિવસે એવું લાગે કે, કોઇપણ જાતની ભૂલ વગર પણ આ ભાઈ ઘરમાં ‘ ભડાકા ‘ કરે, તો માનવું કે, ભાઈમા કોઈના ‘ છબછબીયાં ‘ ની છાયા પ્રવેશી છે. એવું નાતી કે, બધાને મંગળ જ નડે, શની નડે, રાહુ નડે કે કેતુ નડે...! પ્રણયની ‘ ઓખી ‘ આવી જાય તો, ઘુમરી ખાતું કોઈ ‘ છબછબીયું ‘ પણ નડી જાય....!

ચોકમાં ઉગતા ચાંદાને જોઈને મલકાતા મનની તો વાત જ નોખી. મદમસ્તીમાં ઉઠતાં તોફાનોમાં લેવાતી મેઘધનુષી અંગડાઈઓની આ વાત છે. શાંત સરોવરમાં પથ્થર પડતાંની સાથે જ ઉભરતા ઝંઝાવાતી આંદોલનની આ વાત છે. જેમ ઓખીનો ઝંઝાવાત નહિ સંતાડાય, એમ આંખમા ઉઠેલા તોફાન ક્યારેય છાના છપના રહે નહિ. ઘોડો હોય તો આંખે ડાબલાં પણ બંધાય. માણસને ક્યાં આવાં ડાબલાં ટાંગવા જઈએ ? જાત સાચવવી બહુ અઘરી છે મામૂ....! ક્યારે કોની આંખમાં કોની સુંદરતાનું ગ્રહણ લાગી જાય, ને ક્યારે છબછબિયું ‘ ડાઉનલોડ ‘ થઇ જાય એનો તો વળી કોઈ ભરોસો છે....? એના કપાળમાં કાંદા ફોડું, “ યે છબછબીયાં બહુત બુરી ચીજ હૈ જાલિમ...! “

આને કહેવાય નશીલી આંખના કારસ્તાન. એ પાકિસ્તાન કરતાં પણ કાતિલ હોય. કહ્યું ને કે, માણસ એવું પ્રેમાળ પ્રાણી છે કે, જેને ગુલાબ કરતાં ગુલકંદમાં, કેરી કરતાં કેરીના અથાણાંમાં, થાપણ કરતાં એના વ્યાજમાં, ને પત્ની કરતાં પ્રેયસીમાં રસ તો વધારે રહેવાનો જ. તમે તારક મહેતાવાળા જેઠાલાલનો જ દાખલો લ્યો ને...? જેઠાલાલ ને બબીતાનો પ્રણયપાઠ જોઈને ઘોડીયામાં સુતેલું ‘ ટાબેરીયું ‘ પણ ડાયપર ખેંચીને ‘ ખીખીખીખી ‘ કરીને હસતું હોય. જેઠાકાકાનું એ લફરું વાસ્તવમાં ‘ છબછબીયું ‘ જ છે....!

આપણે થોડાં સંસ્કારી રહ્યાં એટલે, ભોળી-ભાલી દયાબેન ( બેન જ કહેવાય બુઠ્ઠા...! ) ઉપર આપણને દયા તો આવે, પણ કરી પણ શું શકીએ ? જોવાની ખૂબી એ છે કે, જેઠો દયાને એની ગંધ પણ આવવા દેતો નથી. દયાએ કે ચંપકલાલ ગડાએ ક્યારેય જેઠાને એવો ઠપકો આપ્યો કે, ‘ જેઠીયા....તું બબીતા સાથે કાયમ ‘ ઓન લાઈન ‘ કેમ રહે છે...? આને કહેવાય ‘ છબછબિયું...! દિલ ભિન્ના કરવાની મૌસમ એકવાર અંદરથી છલકી, એટલે સુકા લાકડામાંથી પણ કુંપણ ફૂટવા માંડે, ને પાનખરમાં પણ વસંત મ્હોરવા માંડે.

આવાં છબછબીયાંમા, જાતિ ધરમ વર્ણ કે રંગ ભેદની આડશો આવે એ જરૂરી છે....? પ્યોર સર્વધર્મ સમભાવ...! ઉમરના જેમ પ્હોર બદલાય, એમ છબછબીયાંના પણ આકાર પ્રકાર ને વિકારમા ‘ ચેઈન્જ ‘ આવતાં જાય. મધપુડાના નીતરતા મધને પામવું હોય તો. મધમાખીના ડંખની પણ તૈયારી રાખવી પડે, ને ક્યારેક ભૂકંપ પણ ઝીલવાના આવે. બસ...આટલી જ ખુમારી. આ બધું પેલાં જેવું છે, “ માહીં પડ્યા તે મહાસુખ માણે, ને દેખનહારા દાઝે જો ને...? “ એકવાર ઉપડવી જ જોઈએ. પછી તો છબછબીયું ભલું ને એની મૌજ ભલી....! આંધુકીયા જ કરવાના ને મામૂ....?

શરીરના રોગો જ ચેપી હોય, એ માન્યતા સાચી, પણ મનના મેલવણો પણ કંઈ કમ નહિ. પ્રેમ, લાગણી, લફરું, આ બધી એવી ચેપી માયાજાળ છે કે, વળગે તો એવી વળગે કે, જલ્દી ફીટે નહિ.....! ને આ બધું ક્યાં નવું છે...?. આદિકાળમાં ઋષિ જેવા ઋષિમુનિ ‘ એલ.બી.ડબ્લ્યુ. ‘ થઇ ગયેલા, તો રસીકભાઈના શું ગજા....? કહેવાય છે ને કે,

કબ હુ મન રંગત રંગ ચઢે કબ હુ મન સૌચત હૈ મનકો

કબહુ મન માનુની દેખ ચલે કબહુ મન સૌચત હૈ ધનકો

***