હીંચકો
સવારનો સમય છે...ઘડીના પ્રથમ પ્રહરની શરૂઆત થઇ ચૂકી છે… સૂર્યદેવ પોતાનું આગમન કરતાં પોતાના કિરણોને આ ધરા તલે ધીરે ધીરે પ્રસરાવી રહ્યા છે. ડિસેમ્બરનો મધ્ય ભાગ હોવાથી હેમંત પૂર બહારમાં ખીલી છે. તેમજ પોતાની ઓસ મિશ્રિત શીતળતા અર્પીને વાતાવરણને વધુ આહ્લાદક બનાવી રહી છે. જ્યાં આ શાંત વાતાવરણમાં પણ પક્ષીઓ કલશોર કરીને ઉડાઉડ કરતાં જાણે પોતાની હયાતીની સાક્ષી પૂરી રહ્યાં છે. ત્યાં જ અચાનક મંદિરમાં થયેલ ઘંટારવથી પોતાની ઉંઘમાં ખલેલ પડી હોય તેમ ગરિમા ઉંઘમાં જ "આટલી સવાર સવારમાં કોણ ઘંટ વગાડે છે?" કહીને બબડતી પોતાની પથારીમાં બગાસા ખાતી અને આળસ મરડતી બેસી જાય છે. અને ધીમે ધીમે આંખ ઝબકાવતા પોતાના રૂમની બાલ્કનીમાંથી બહાર જોતાં ધુમ્મસ દેખીને અને પલંગની બાજુમાં પડેલ ટેબલ ક્લોકને જોઇને "હજુ તો સાડા છ જ વાગ્યા છે..." બોલતી પોતાના કાન પર રજાઇ મૂકીને સૂઇ જાય છે.
[ગરિમા...ગિરીશ અને રિધ્ધિમાં પારેખની ગર્વ લઇ શકાય તેવી એકલોતી સંતાન. જેણે એક વર્ષ પહેલાં જ એમ.બી.એ. કમ્પલિટ કરીને પોતાના પપ્પાની બેંકના મેનેજર તરીકેની કોઇ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર પોતાની હોંશિયારીના દમ પર જ હાલ અમદાવાદની જાણીતી કંપનીમાં “માર્કેટિંગ એક્ઝિક્યુટિવ” તરીકેની જોબ કરી રહી છે.]
પછી થોડાંક સમય બાદ અચાનક જ "ગરિમા… ઓ.. ગરિમા… ઉઠી જજે બેટા...! સવા આઠ વાગી ગયા છે..., નહિ તો ઓફિસ જવામાં મોડું થઇ જશે....ગરિમા... સાંભળે છે ને...! ગરિમા....!" નામના રસોડામાંથી આવતા મમ્મીના શબ્દો, ગરિમાના કાને અથડાતાં તે...સફાળી જાગી ને ઘડિયાળમાં જોય છે.
"ઓહ...સાડા આઠ વાગી ગયા...!! આજે પાછું મોડું થઇ જશે..." બોલતી… ગરિમા, ઝડપથી વોશરૂમમાં જાય છે.
તૈયાર થઇને ગરિમા, પોતાની ઓફિસની બેગ લઇને બહાર આવીને પોતાના મમ્મી-પપ્પાને "ગુડ મોર્નિંગ" કહીને ઝડપથી ચા-નાસ્તો કરીને રસોડામાં ગયેલા પોતાના મમ્મીને બૂમ પાડતાં કહે છે કે...
"મમ્મી જલ્દી જલ્દી મને ટિફિન આપો... આમ પણ ઓફિસ જવામાં મને મોડું થઇ ગયું છે અને વધારે મોડું કરાવવા માટે તો છે જ પેલાં હીંચકાવાળા દાદી...!!"
ગરિમાના પપ્પા તેને તરત જ તેમ ન બોલવા જણાવે છે અને તેના મમ્મી પણ તેને ટીફીન આપતા હળવેકથી ઠપકારતા કહે છે કે, "એમને નહિ કોસ...તારે વહેલાં ઉઠીને તૈયાર થવું હતું ને..?!" ત્યારે ગરિમા ટીફીન બેગમાં મૂક્તા " ઠીક છે...બાય..." કહીને ઝડપથી સીડીઓ ઉતરવા માંડે છે.
પછી ગરિમાના મમ્મી-પપ્પા એકબીજાની સામે જોય છે; કેમકે તેમને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગરિમા જ સાચી પણ છે. પરંતુ તેઓ કંઇ કરી શકે તેમ નથી.
જ્યાં બીજી તરફ ગરિમા, જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય છે કે ત્યાં જ તેના કાને શબ્દો અથડાય છે, "કઠે જાવો...?" અને ગરિમા અકળાતી- ચિડાતી પાછું ફરીને જોય છે, તો એક… ૮૦-૮૫ વર્ષના, આંખ પર કાળી ફ્રેમના ડાબલા જેવા ચશ્માં પહેરેલાં, થોડાંક પતળા પણ મજબુત બાંધાના, કરચલીવાળા હાથોથી ઇંઢોણી બનાવતા અને મારવાડી પરિવેશમાં સજ્જ...હીંચકા પર બેસેલ એક હસમુખ વૃદ્ધા તેને પૂછી રહ્યાં છે.
ગરિમા હેલ્મેટ કાઢીને પોતાની અકળામણ મોઢા પર ન કળાવા દેતાં થોડુંક હસતું મોઢું રાખવાની કોશિશ કરતી "દાદી...ઓફિસ...!" કહીને ઝડપથી હેલ્મેટ પહેરીને દાદી આગળ કંઇ પણ બોલે તે પહેલાં જ સ્કૂટી સ્ટાર્ટ કરીને ત્યાંથી રવાના થઇ જાય છે.
ઓફિસ પહોંચીને પોતાની સ્કૂટી પાર્ક કરીને મોડું થઇ ગયું હોવાથી ઝડપથી સીડીઓ ચઢતી ગરિમા જેવી ઓફિસમાં પગ મૂકે છે કે ત્યાં જ તેના બોસ જાણે કે તેનું સ્વાગત કરવા માટે જ ઉભા હોય તેમ ગુસ્સામાં ઉભેલા જોવા મળે છે.
જેવી ગરિમા પોતાના બોસને "ગુડ મોર્નિંગ..." કહેવા જાય છે કે તરત જ તેના બોસ...તેને ઇશારાથી ઘડિયાળ બતાવતા પૂછે છે કે, "કેટલા વાગ્યા...?" જેવો ગરિમા કંઇ જવાબ આપે તે પહેલાં જ તેના બોસ તેને આખા સ્ટાફની વચ્ચે ખખડાવે છે અને તેને જણાવે છે કે તેની મોડી આવવાની આદતના કારણે તેની બુદ્ધિ-શક્તિ અને કાર્યક્ષમતા બંનેમાં ઘટાડો થઇ રહ્યો છે, તેમજ તે પોતાની કંપનીની સર્વિસિસને અન્ય કંપનીઓ સામે વ્યવસ્થિત પ્રેઝેન્ટ ન કરી શકવાના કારણે કંપની પર પણ અસર થઇ રહી છે; અને તેને જોઇને બીજા સ્ટાફ મેમ્બર્સ પણ પોત-પોતાની મનમાની કરી રહ્યાં છે. જેથી કંપની પણ ધીરે-ધીરે પોતાના ગ્રાહકો ગુમાવી રહી છે.
માટે બોસ તેને છેલ્લો ચાન્સ આપતા જણાવે છે કે, સૌ પ્રથમ તો તે તેની મોડાં આવવાની આદત સુધારે; ત્યારબાદ પોતાના કામ પર ફોકસ કરે. અને જો તે તેની કોઇ પણ આદત સુધારવા ન માંગતી હોય તો બહેતર છે કે તે બીજા દિવસથી ઓફિસ જ ન આવે..!!
બોસ પાસેથી ઠપકાર મેળવીને ગરિમા ત્યારે તો કશું જ નથી બોલી શક્તી અને પોતાના સ્ટાફ મેમ્બર્સની સામે રડી પણ નથી શક્તી. બસ, પોતાના આંસુ ગળીને અને પોતાના કલિગ્સની હૈયાધારણા મેળવીને આખો દિવસ તનાવગ્રસ્ત સ્થિતિમાં જ માંડ માંડ કાઢે છે.
ઓફિસનો સમય પસાર કરીને વ્યગ્ર સ્થિતિમાં જ ગરિમા ઘરે આવવા નીકળે છે.
અને ઘરે આવીને જેવી સ્કૂટી પાર્ક કરે છે કે તરત જ હીંચકાવાળા દાદી, "આ ગઇ...?" કહીને પૂછે છે.
ગરિમા હેલ્મેટ ઉતારતી દાદી ની પાસે જાય છે અને પોતાના ગુસ્સા અને સંયમનો બાંધ તોડતા ચિડાઇને દાદીને કહે છે કે, "હા...આવી ગઇ...! અને હવે અહીંયા જ રહેવાની છું...! ખુશ...?!" અને તેમના લીધે જ આજે તેની નોકરી ખતરામાં છે તેવું કડક શબ્દોમાં જણાવીને પગ પછાડતી પછાડતી દાદર પર ચડતી તનાવગ્રસ્ત સ્થિતિમાં જ ઘરે આવે છે.
પોતાની દીકરીના પગરવ સાંભળીને તેની મનઃસ્થિતિથી વાકેફ ગરિમાના મમ્મી તેના માટે રસોડામાંથી પાણીનો ગ્લાસ લઇને આવે છે. અને જેવી તે પાણી પીને થોડીક સ્થિર થાય છે તેવા તરત જ તેના મમ્મી તેને શાંતિથી પૂછે છે કે, "શું વાત છે ? કેમ આટલી બધી ચિંતિત છે ?" ત્યારે શરૂઆતમાં તો તે કશું જ નથી બોલી શક્તી પરંતુ ત્યારબાદ રડમસ અવાજે જ ઓફિસમાં જે કંઇ પણ થયું તેનાથી પોતાના મમ્મીને માહિતગાર કરે છે.
જ્યાં થોડોક સમય તો વાતાવરણમાં ગમગીની છવાઇ જાય છે.
પછી તુરંત જ ગરિમાના મમ્મી વાતાવરણમાં હળવાશ લાવવા પોતાનું મૌન તોડતાં ગરિમાને ચિંતા ન કરવા જણાવે છે અને પોતાની દીકરીનો મૂડ ઠીક કરવા તેની માટે ગરમાગરમ ચા લઇને આવે છે.
ગરિમા ચાની ચૂસ્કી લેતાં લેતાં પાછી દાદીને યાદ કરતાં બોલે છે કે, "આ બધું પેલા હીંચકાવાળા દાદીના લીધે જ થયું છે." અને તરત જ ગરિમાને અટકાવતા તેના મમ્મી આ બાબતમાં દાદીને વચ્ચે ન લાવવાનું જણાવે છે.
જેનાથી ભડકેલી ગરિમા તેના મમ્મી પર ચિડાતા તેમને જણાવે છે કે, "કેમ ન લાવે દાદીને વચ્ચે...? આજે તેમના લીધે જ તો તેની નોકરી ખતરામાં છે... અને શું તે રેઝિગ્નેશનની રાહ જોય..? જે તેને બહુ જલ્દી જ મળવાનું પણ છે..!" પછી આગળ કોઇ વાત ન વધારતાં તે પોતાના રૂમમાં જાય છે અને ત્યાંની બાલ્કનીમાં ઉભી રહીને આસપાસના વાતાવરણને અને લોકોને જોઇને પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે; પરંતુ તેની નજર એકાએક જ હીંચકામાં બેસેલા દાદી પર મંડાઇ જાય છે અને ચિડાતી તે બાલ્કનીમાંથી પરત આવીને પલંગ પર આંખ મીંચીને આડી પડી જાય છે.
જ્યાં ગરિમાના મગજમાં આજે ઓફિસમાં જે કંઇ પણ થયું તે અને તેના બોસના કહેલા શબ્દો જ ઘૂમરાયા કરે છે. આ વિચારવમળનો અંત ત્યારે આવે છે, જ્યારે તેના પપ્પા તેના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં, "ગરિમા...ગરિમા...!" કહીને તેને જમવા માટે બોલાવવા આવે છે.
ગરિમા આંખ ખોલે છે અને બાજુમાં તેના વ્હાલ વરસાવતાં પપ્પાને જોય છે તેમજ દરવાજા પર તેના મમ્મી કે જે પોતાની દીકરીના સ્વભાવને પહેલેથી જ જાણતાં હોવાથી પોતાની દીકરીના પહેલાંના જોમ-જુસ્સા અને ઉત્સાહને યાદ કરતાં અત્યારે પોતાની દીકરીને આવી સ્થિતિમાં જોઇને ઉદાસ ઊભેલા જોવા મળે છે.
તે ઉભી થઇ જાય છે અને હાથ મોઢું ધોઇને જમવાના ટેબલ પર આવીને બેસે છે, પરંતુ થોડુંક જ ખાઇને તેને ઉંઘ આવે છે..એમ કહીને થોડુંક પાણી પીને તે ઉભી થઇ જાય છે; જ્યાં તેના મમ્મી-પપ્પા પણ તેને વધારે કંઇ પૂછ્યા કે સમજાવ્યા વગર પોતાના રૂમમાં જવા દે છે.
ગરિમા રૂમમાં આવે છે અને પાછી પલંગ પર આડી પડીને વિચારોના વમળમાં અટવાઇ જાય છે. તેને પોતાના વહાલસોયા મમ્મી-પપ્પાને જોઇને પોતાની જાત પર જ ગુસ્સો આવે છે. તેને નથી સમજાતું કે શું કરી રહી છે તે આ બધું...? અને તેનો ગુસ્સો અચાનક ફંટાતા ફરી પાછો પેલાં હીંચકાવાળા દાદી પર આવીને સ્થિર થઇ જાય છે. તે વિચારે છે કે જ્યારે પહેલાં તે તેમની જિંદગીમાં નહિ હતા ત્યારે તેઓ કેટલા સુખી હતા. અને પોતાના ભૂતકાળને વાગોળતા ગરિમા યાદ કરે છે કે પહેલાં તે કેવી હતી.
પહેલેથી જ ભણવામાં હોંશિયાર ગરિમા કેવી રીતે દરેક ધોરણમાં પહેલો નંબર લાવીને પોતાના મમ્મી-પપ્પા, ટીચર્સ તેમજ અન્ય વડીલોની માનીતી હતી અને એટલી જ વિદ્યાર્થી વર્ગમાં પણ લોકપ્રિય હતી. કોલેજકાળમાં પણ તેણે પોતાનો પહેલો નંબર જાળવીને જ અમદાવાદની જાણીતી ઇન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી હતી અને પોતાની જાતમહેનતે જ પોતાના પપ્પાની કોઇ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર અમદાવાદની જાણીતી કંપનીમાં "માર્કેટિંગ એક્ઝિક્યુટિવ" તરીકે જોડાઇ હતી. અને તેના મમ્મી-પપ્પા તેના પર ગર્વ લઇ શકે તેવો એક ઓર કારનામો પોતાની સફળતાની લિસ્ટમાં જોડ્યો હતો.
જ્યાં આ કંપનીમાં પણ તેણી તેનામાં આવેલ પપ્પાની હોંશિયારી અને પ્રામાણિક્તા તેમજ માતાની બીજાને સારી રીતે સમજી શકવાની આવડત અને સરળ સ્વભાવના ગુણથી અને પોતાની સારી કોમ્યુનિકેશન સ્કીલ તથા સાલસ સ્વભાવથી અમુક જ મહિનામાં પોતાની કંપની તરફ અન્ય કંપનીઓને ડીલ કરવામાં, પોતાની કંપનીના પ્રોડક્ટ્સ યુઝ કરવા માટે ગ્રાહકોને આકર્ષવામાં અને કંપનીને નફો કરાવવામાં પણ સફળ રહી હતી. તેમજ પોતાની કંપનીમાં પણ માનને પાત્ર બની હતી.
પરંતુ જ્યારથી તે આ દાદીના સંપર્કમાં આવી હતી ત્યારથી દાદીના તેને રોજ ઓફિસ જતાં ઝડપી પાડીને તેની સાથે વાતો કરવાના સ્વભાવને કારણે અને તેમને ટાળી પણ ન શકવાના કારણે તેને ઓફિસ જવામાં મોડું થતાં અને પોતાના કાર્ય પ્રત્યે પણ પૂરતું ધ્યાન ન આપી શકવાના કારણે પોતાના બોસના ગુસ્સાનો શિકાર રોજ બનતી.
આ રોજના ઠપકાઓથી ત્રસ્ત તે પોતાના કામ પર પણ ધ્યાન નહોતી આપી શક્તી અને તેણી પોતાનો મૂળ સ્વભાવ છોડીને હવે ચિડચીડી બની ગઇ હતી.
પછી પાછી વર્તમાનમાં આવીને તે વિચારે છે કે કેવી થઇ ગઇ છે તે...? આવા પ્રશ્નો ખુદને જ પૂછતી અને તેની પરિસ્થિતિઓ માટે દાદીને જવાબદાર ઠેરવતી અને કોસતી તે સૂઇ જાય છે.
સવારે ઉઠીને તૈયાર થઇને આવીને રોજિંદા ક્રમ મુજબ જ ગરિમા... મમ્મી-પપ્પાને ગુડ મોર્નિંગ કહીને, ચા-નાસ્તો કરીને, ટીફીન લઇને બાય કરતી ઝડપથી ઘરની સીડીઓ ઉતરવા માંડે છે. અને જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય છે કે ત્યાં જ કોઇ શબ્દો કાને ન અથડાતા આશ્વર્યથી પાછળ ફરીને જોય છે, તો હીંચકો ખાલી જોઇને "દાદી....ક્યાં....?" ના વિચારને બ્રેક મારતાં હાશકરો અને આનંદ અનુભવતી ત્યાંથી રવાના થાય છે. અને જેવી ઓફિસ પહોંચે છે કે તેને ઓફિસ વહેલી આવેલી જોઇને તેના બોસ પણ તેને ઠપકો ન આપતા ગરિમા પોતાનો આજનો દિવસ ખુશી ખુશી હળવાશથી પસાર કરે છે.
ખુશ થતી જ ગરિમા પોતાના ઘરે આવીને સ્કૂટી પાર્ક કરીને ઘરે જવા માટે જેવા પગ માંડે છે કે ત્યાં જ તેની નજર ફરીથી સામેના ઘર પર દાદીના દાદી વગરના ખાલી હીંચકા પર પડે છે. અને દાદી વગરનો હજુ પણ ખાલી હીંચકો જોઇને આશ્વર્યથી જ પોતાના ઘરના દાદર ચડવા માંડે છે.
જેવી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે કે તેની નજર ચિંતામાં કશેક ઉતાવળે જવાની તૈયારી કરતાં તેના મમ્મી-પપ્પા પર પડે છે.
તે પૂછે છે કે, "શું થયું છે ?" અને "તેઓ આટલી ચિંતામાં ક્યાં જઇ રહ્યાં છે ?" ત્યારે તેના મમ્મી તેને જતાં-જતાં જણાવે છે કે, "તેઓ હોસ્પિટલ જાય છે; હીંચકાવાળા દાદીને હાર્ટ-એટેક આવ્યો છે અને તે હૉસ્પિટલાઇઝ્ડ છે." ગરિમા આગળ કંઇ પણ પ્રશ્ન પૂછે તે પહેલાં જ તેના મમ્મી-પપ્પા તેને ફોન પર કોન્ટેક્ટમાં રહેશે કહીને ત્યાંથી રવાના થાય છે.
ગરિમા દરવાજો બંધ કરીને વિચારોના ચકરાવે ચડી જાય છે. અને ચાલતાં-ચાલતાં અચાનક સોફા પર ધબ્બ દઇને બેસી જાય છે. દાદી વિશે સાંભળીને તેને દુઃખ થાય છે અને પોતે દાદી સાથે કરેલા ખરાબ વર્તનને યાદ કરતાં પછ્તાય છે. પછી વિચારે છે કે, ક્યાંક મારા ગમે-તેમ બોલવાથી જ તો તેમને એટેક નહિ આવ્યો હોય ને...!! અને તેની આંખોમાંથી આંસુ નીકળી જાય છે.
થોડાંક સમય પછી પોતાના આંસુ લૂછીને ટેબલ પરથી પાણી લઇને પીએ છે.
ત્યાં જ તેના મમ્મીનો ફોન આવે છે અને તે ગરિમાને દાદીની ખબર આપતા જણાવે છે કે, "દાદીને હવે સારું છે અને હાલ બેહોશ છે; સમયસર દાખલ કર્યા એટલે બચી ગયા. બીજી વાત ઘરે આવીને જણાવશે." એમ કહીને ફોન મૂકી દે છે.
મમ્મીની આ વાત સાંભળીને ગરિમાને થોડોક હાશકારો થાય છે. અને થોડીક સ્વસ્થતા મેળવીને તે પોતાના રૂમમાં જઇને બાલ્કનીમાંથી દાદી વગરના હીંચકાને જોયા કરે છે....અને ભૂતકાળની યાદોમાં ખોવાઇ જાય છે.
તેને યાદ આવે છે કે, કેવી રીતે છ મહિના પહેલાં તે તેના મમ્મી-પપ્પા સાથે આ સોસાયટીમાં ઘર જોવા માટે આવી હતી; ત્યારે પહેલીવાર તેણે આ હીંચકાવાળા દાદીને આરામથી પોતાના હીંચકા પર નીંદર કાઢતા જોય હતા. ત્યારબાદ આ સોસાયટીમાં તેમના ઘરની સામે જ સૅકન્ડ ફ્લોર પર તેમણે ઘર લેવાનું થયું. ત્યારે શરૂ-શરૂમાં તો તે તેમની સાથે એટલી બધી વાત નહોતી કરતી પરંતુ તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવને કારણે તેમજ તેના મમ્મી-પપ્પાના તેમના પ્રત્યેના ઝૂકાવ અને આદરને કારણે તેને પણ તેમને જાણવાનો મોકો મળ્યો હતો..!!
તેમનો બહોળો મારવાડી પરિવાર. જેમાં તેમના છોકરાઓ-વહુઓ, તેમના પૌત્ર-પૌત્રી, અને તેમના પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ મળીને કુલ વીસ-પચ્ચીસ જણાનો સમાવેશ થતો હતો. પોતાના ઘરની સામેનો આખો બ્લૉક તેમનો હતો. આ ઉપરાંત તેમની અહીં જ અમદાવાદમાં કાપડની છ દુકાનો તેમજ ગામમાં પણ પુસ્તેની મકાન, ખેતી, અને જમીન હતાં. ટૂંકમાં પૈસે-ટકે પણ સુખી-સંપન્ન પરિવાર કહી શકાય.
અને તેમનું રૂટીન જોઇએ તો, સવારે ઉઠીને વહુ-દીકરી અને નોકર-ચાકર હોવા છતાં પણ આખા ઘરનો કચરો વાળવો. ત્યારબાદ નાહી કરીને ભગવાનના પૂજા-પાઠ પતાવીને ઘરની નજીકમાં જ આવેલા મંદિરે જવાનું અને બધાંને બોલાવતાં-બોલાવતાં ઘરે પરત આવીને પોતાના પ્રિય હીંચકા પર સમય પસાર કરવો અને જો ફાજલ સમય મળે તો ઇંઢોણી બનાવવી. તેમને હીંચકા પ્રત્યેનું વળગણ એટલું બધું હતું કે તે ખાલી ખાવાં-પીવાં માટે જ ઘરે જતાં બાકીનો સમય હીંચકા પર જ પસાર કરતાં.
જોકે આખી સોસાયટીમાં તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવના કારણે જ બધાં તેમને અને તે બધાંને ઓળખતા. કોઇ બહારનું વ્યક્તિ પણ જો સોસાયટીમાં આવે તો તેમને મળ્યા વગર ન જાય તેવો તેમનો સ્વભાવ હતો. નાના-મોટા સૌ કોઇનો તેમના હીંચકાની આસપાસ મેળાવડો જોવા મળતો. કારણ કે તે ક્યારેક લોકોના 'ટ્રબલ શૂટર' તરીકે પણ કાર્ય કરતાં. અને વાતોનો તો તેમની પાસે હંમેશા જ ખજાનો રહેતો. આમ સૌ કોઇના ચહીતા હોવાથી બધાં તેમને "હીંચકાવાળા દાદી" તરીકે જ બોલાવતા પણ...!
જ્યાં શરૂઆતમાં તેને પોતાને પણ આ દાદી મિલનસાર સ્વભાવ અને કામ કરવાનું જોમ જોઈને ઊર્જાથી ભરપૂર પ્રેરણાનો સ્ત્રોત લાગ્યા હતા. અને ઘણીવાર તેને પણ તેમની પરિસ્થિતિઓને ટેકલ કરવાની સૂઝબૂઝ પૂર્વકની વાતોથી પોતાની સામે આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે રસ્તો કાઢવો તેના આઇડિયાઝ મળતાં હોવાથી પોતાને પણ દાદી 'ટ્રબલ શૂટર' લાગ્યા હતા. અને પોતે પણ તેમને પોતાની અને પોતાની ઓફિસની વાતો કરતી હોવાથી તેનું અને દાદીનું ટ્યૂનિંગ પણ સારું થઇ ગયું હતું.
પરંતુ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ દાદીની તેની અને તેના ઓફિસની વાતો જાણવાની તાલાવેલી વધવા લાગી હતી. માટે કશેક પણ કામ માટે બહાર જવાનું થતું ત્યારે તેમની "કઠે જાવો...??" કહીને પાછળથી ટોકવાની અને આવે ત્યારે "આ ગઇ...!!" કહીને શું કામ કરીને આવી તે જાણવાની તાલાવેલી જોતાં હવે 'દાદી' તેને 'પંચાત' અને 'જબરા' લાગવા માંડ્યા હતાં.
અને પછી હદ તો ત્યારે થઇ કે, જ્યારે ઓફિસ જવાના સમયે જ દાદી તેને બોલાવીને વાતોમાં આરામથી પંદર-વીસ મિનિટ ખેંચી કાઢતા. આમ, ઓફિસે જતાં પોતાને ઝડપી પાડવાનો દાદીનો નિત્યક્રમ થઇ ગયો હોવાથી અને પોતે પણ કામ બરાબર ન કરી શકવાને કારણે બોસનો ઓફિસમાં રોજ ઠપકો મળતાં , તેને દાદી હવે 'ટ્રબલ શૂટર' નહિ પણ 'ટ્રબલ મેકર' લાગવા લાગ્યા હતાં.
અને જ્યાં બીજી બાજું, નાનપણમાં જે હીંચકો તેને તેના દાદા-દાદી સાથેની યાદો માટેનું પસંદીદા સાધન લાગતું હતું; તેની જગ્યાએ તે જોઇને તેને હવે ધૃણા થવા લાગી હતી.
પછી અચાનક જ તેને ડોરબેલનો અવાજ સંભળાય છે અને પાછી તે વર્તમાનમાં આવી જાય છે.
અને દરવાજો ખોલે છે...!
મમ્મી-પપ્પાને થાકેલાં જોઇને તેમની માટે પાણી લઇ આવે છે અને પૂછે છે કે, "દાદીને કેમ છે...?" ત્યારે ગરિમાના પપ્પા તેને જણાવે છે કે..."હવે સારું છે. કાલે એવું હોય, તો તું મળી આવજે..! અઠવાડિયા પછી રજા આપવાના છે."
અને ગરિમા 'હમમ' કરીને મમ્મી-પપ્પાને 'ગુડ નાઇટ' કહીને પાણીનો ગ્લાસ લઇને રસોડામાં જાય છે.
ઘડિયાળમાં રાતના ૧૨:૩૦ વાગ્યે પણ તેને ઊંઘ નથી આવતી. તે પાછી બહાર બાલ્કનીમાં જાય છે. હીંચકો જોય છે. અંદર આવીને તેના મમ્મી-પપ્પાને જોય છે. અને બહાર હૉલમાં હાર ચઢેલાં પોતાના દાદા-દાદીના ફોટાને જોય છે. થોડીકવાર ચૂપચાપ ત્યાં જ ઊભી રહે છે અને પછી પાછી પોતાના રૂમમાં આવી જાય છે.
પલંગ પર આડી પડે છે. અને જેવી આંખ મીંચે છે કે તેને તરત જ તેના દાદા-દાદી યાદ આવી જાય છે. તેમની સાથે નાનપણમાં કરેલી મોજ-મસ્તી યાદ આવે છે. તેને યાદ આવે છે કે નાનપણમાં કેવી રીતે તેને તેના દાદા-દાદી હીંચકા પર બેસાડતાં અને તેને હીંચકાવવા માટે પણ બાખડી પડતાં. દાદા-દાદી પણ ઘરના કેન્દ્રસ્થાને આવેલ હીંચકા પર જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરતાં. અને પોતે પણ તેમની સાથે બેસીને કાલીઘેલી ભાષામાં અલક-મલકની વાતો કરતી. અને તેમના ખોળામાં જ તેમની સાથે વાર્તા સાંભળતા વાતો કરતાં સૂઇ જતી. જ્યાં મોટા થતાં પણ આ જ નિત્યક્રમ ચાલુ રહ્યો હતો. અને એક દિવસ અચાનક કેવી રીતે દાદાનું તે હીંચકા પર જ કુદરતી રીતે મોત થયું હતું અને તેના પછી તેમની પાછળ જ દાદી પણ જતાં રહ્યાં હતાં. બસ, તેમની યાદો તેની પાસે અકબંધ હતી. જેને તે ગમે ત્યારે ખોલી શકતી જેમ અત્યારે ખોલી રહી હતી.
જ્યાં ફરી તેને પેલાં હીંચકાવાળા દાદી યાદ આવી જાય છે અને તે વિચારે છે કે, એમને અચાનક કેવી રીતે એટેક આવી ગયો ? તે તો સ્વસ્થ જ જણાતા હતાં..! અને તેમને તો એવું કોઇ દુઃખ પણ નહિ હતું...! પછી તરત વિચારે છે કે શું મારા જ વર્તનના કારણે તો એટેક નહિ આવ્યો હશે ને...? પછી આગળ વિચારે છે કે સવાર પડતાં જ તે હૉસ્પિટલ જઇને તેમની ખબર અંતર પૂછીને તેમની માફી માંગી લેશે. અને પછી સૂઇ જાય છે.
તે સવારે ઊઠે છે, તૈયાર થાય છે. ત્યારબાદ થોડુંક શાંત-ચિત્ રાખી ઓફિસની બેગ લઇને બહાર આવે છે. બહાર આવીને ચા પીને ટીફીન લઇને મમ્મી-પપ્પાને હૉસ્પિટલ જઇને ઓફિસ જશે તેમ જણાવીને 'બાય...!' કહીને નીકળી પડે છે.
જતાં-જતાં હીંચકા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊંડો શ્વાસ લઇને હોસ્પિટલ જવા રવાના થાય છે.
હૉસ્પિટલ જાય છે. રિસેપ્શન કાઉન્ટર પર જઇને પૂછે છે, "એક્સક્યૂઝ મી...ભગવતી દેવી રાજપૂત...??", "હા, એક મિનિટ... અમમમ્...રૂમ નં.૧૩, સૅકન્ડ ફ્લોર." રિસેપ્શનિસ્ટ જવાબ આપે છે.
'થૅન્ક્સ !' કહીને ગરિમા ઉપર જાય છે. તેમના રૂમની બહાર તેમના પરિવારના સભ્યો અને સગાં-સંબંધીઓને જોય છે.
તે રૂમમાં પ્રવેશે છે, તો દાદી આડા પડ્યાં હોય છે; તેમની બે વહુઓ તેમનું માથું અને પગ દબાવતી હોય છે. ગરિમાના આવ્યાની આહટ થતાં જ દાદી આંખ ખોલીને તેને જોતાં જ ઊઠી જાય છે અને ખુશ થઇ જાય છે. ગરિમા તેમને "કૈસે હો દાદી...??" કહીને ખબર-અંતર પૂછે છે. અને આગલા દિવસે કરેલા ગુસ્સાની માફી પણ માંગે છે. દાદી તેને ઓફિસ જવાનું મોડું થઇ જશે કહીને ત્યાંથી હસ્તાં મોઢે વિદાય કરે છે.
ગરિમા બહાર નીકળે છે કે તેને કાને દાદીના કોઇક સગાં દ્વારા બોલાતાં શબ્દો અથડાય છે...
"આ ડોકરી કને ઘણાં રૂપિયા હૈ..જણ વાસ્તે રોજ ટંટો વે ઘરમાં..પસી ડોકરી દવાખાને જ જાય. આ તો...દુરથી ડુંગરો રણિયામણો..!" અને ગરિમાને બધું જ સમજાઇ જાય છે. તે ખિન્ન થતી ત્યાંથી ઓફિસ જવા માટે નીકળે છે. અને વિચારતી-વિચારતી જ ઓફિસે પણ પહોંચે છે.
બોસ ગુસ્સામાં જ તેને ઘડિયાળ બતાવતાં તાડૂકે છે, "મેં તને કહ્યું હતું કે તારી આદત સુધાર...પણ તું તો સુધરવાની જગ્યાએ....!!"
અને તેના બોસ તેને આગળ કંઇ પણ કહે તે પહેલાં જ તેમને અટકાવતા તે કહે છે કે, "મને યાદ છે સર, કે તમે શું કહ્યું હતું..!"
ત્યારબાદ ડેસ્ક પર જઇને પોતાનો બધો સામાન સમેટવા માંડે છે. જ્યાં તેના બોસ અને અન્ય સ્ટાફ મેમ્બર્સ તેને તેમ કરતાં જોવા લાગે છે. પછી તેના બોસ તેને કંઇ પણ કહેવા જાય તે પહેલાં જ તે પોતાનો સામાન લઇને ત્યાંથી નીકળી જાય છે.
સાંજના...ગરિમા પોતાની મનગમતી જગ્યા જ્યાં તે પોતાનું મન બહેલાવવા અવારનવાર તેના દાદા-દાદી સાથે આવતી હતી તે ઉદ્યાનના એક બાંકડે બેસીને પોતાના વિચાર વમળનો અંત આણવા પોતાના મગજને શાંત કરવાનો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ દાદી અંગેના વિચારો તેનો પીછો જ નથી છોડતાં.
તે વિચારે છે કે, કેટલો સુખી લાગતો હતો આ પરિવાર પણ અંદર તો બધું ખોખલું જ નીકળ્યુ. અને દાદીને જોઇને મને પણ એવો જ ભ્રમ થયો કે તે કેટલા સુખી છે અને મારો એમ જ ટાઇમ વેસ્ટ કરાવે છે પરંતુ એ તો પોતાના બૂઢાપાના ઝુરાપાને ઝેલવા માટે કોઇકનો સાથ ઇચ્છતાં હતાં. જ્યાં હું તેમના ઘરના લોકોના દેખીતા જ તેમને નિગ્લેક્ટ કરતાં વ્યવહારને જોઇ જ ના શકી...! મેં તો જોયા છે એમને રાત્રે એકલા અંધારામાં બેસેલા..!! અને જોયા છે...ઉપર... પોત-પોતાનામાં મશગૂલ.... તેમના પરિવારના સભ્યોને....! અને એ દિવસે જ્યારે મેં તેમની સાથે અભદ્ર વર્તન કર્યું ત્યારે પણ તો તેમનો પક્ષ લેવા કોઇ નીચે નહોતું આવ્યું.... બસ..., તેમના બેસવા માટે એક હીંચકો આપી દીધો...પણ પોતાના હ્રદયમાં સ્થાન નહિ….!!
પછી દુઃખી થતી અને પછ્તાતી ગરિમા વિચારે છે કે, લોકો..., એક્ચ્યુઅલી એવા જ થઇ ગયા છે... બહાર કંઇક અંદર કંઇક...!! અને સંતાનો તો ખાસ... બહારના 'સો કૉલ્ડ' સમાજમાં એવું જ બતાવશે કે જુઓ અમારા 'માતા-પિતા' અમારી સાથે જ રહે છે. અને ખુશ છે. જ્યાં માતા-પિતા પણ અથવા તો કંઇ નથી બોલતા ચૂપ રહી જાય છે અથવા તો પોતાના સંતાનોની હકીકતોનો ઢાંકપિછોડો કરતાં હામી ભરી દે છે. જ્યાં અસલિયતની અંદરખાને બંનેને જ ખબર હોય છે. પછી પરિસ્થિતિ એવી પેદા થાય છે કે સંતાનો માતા-પિતાની બધી પ્રોપર્ટી હડપી લઇને તેમને.. અથવા તો, વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે અથવા સમાજને બતાવવા માટે ઘરમાં જ રાખે છે. બસ, ફરક માત્ર એટલો જ કે, વૃધ્ધાશ્રમમાં જઇને માતા-પિતા ઍટલિસ્ટ પોતાના સંતાનોને કોસીને લોકોની સામે તેમની કરતૂતોને ઉજાગર કરી પોતાની હૈયાવરાળ કાઢી શકે છે. જ્યાં બીજી બાજુ, સંતાનો પોતાના માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં તો નથી મૂકતા પણ તેમના બધાં જ હકો છીનવી લઇને તેમને બધી જ રીતે પાંગળા બનાવી દે છે. અને માતા-પિતા પણ બધાંના દેખતાં પોતાના સંતાનોને કોસી પણ નથી શકતા અને તેમની હકીકતો આ 'સો કોલ્ડ' સમાજની સામે ઉજાગર પણ નથી કરી શકતા. બસ...આ બધું ચૂપચાપ સહન કર્યા કરે છે, દાદીની જેમ જ…!!
ત્યારબાદ ભગ્ન હ્રદયી ગરિમા પોતાના માથા પર બે હાથ મૂકીને હતાશ થઇ જાય છે.
ત્યાં જ આસપાસ.. અચાનકથી વધી ગયેલા બાળકોના રમવાના અવાજથી તેનું ધ્યાન તેમના પર અને ત્યારબાદ આસપાસના વાતાવરણ પર પડે છે. તે જોય છે; ખિલખિલાહટ કરતાં બાળકોને તેમની સાથે આવેલ તેમના સ્વજનોને તેમને જોઇને જ હાસ્ય રેલાવતાં...! પછી તે વિચારે છે કે, આ દરેક હસતાં ચહેરાં બાહ્ય રીતે ભલે ક્ષણિક હાસ્ય રેલાવતાં હોય પણ અંદર તો અગાધ લાગણીઓનો સાગર લઇને જ ફરે છે. અને એવું પણ નથી જ કે અહીં હસતી દરેક વ્યક્તિ સુખી પણ છે...!! પરંતુ તેઓ જીવવાનું તો નથી ભૂલ્યા...અને એવી જ રીતે હસવાનું પણ નથી ભૂલ્યા... દાદીની જેમ જ...!! તો તે પણ આવી રીતે માથે હાથ રાખીને હારીને ન જ બેસી શકે. તે નિશ્વય કરે છે કે તે જરૂર આ બાબતમાં કંઇક કરશે અને ઊભી થઇને સામે આવેલા એક હીંચકા પર બેસી જાય છે. અને પોતાના દાદા-દાદી ને યાદ કરતી હતાશાઓને પગના ઠેકે હડસેલીને નિશ્વય કરતી પોતાને હાસ્યના હીંચકે હીંડોળે છે...!!"
( જ્યાં અત્યારે ગરિમાના બોસ તેને કૉલ કરી રહ્યાં છે અને તેનો ફોન સાયલન્ટ પર છે...)
***