Dost sathe Dushmani in Gujarati Fiction Stories by Shah Jay books and stories PDF | દોસ્ત સાથે દુશ્મની

Featured Books
Categories
Share

દોસ્ત સાથે દુશ્મની

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૧

“હેય, ઉભો રહે? કોણ છે તું?”

અવાજ ગેટ નંબર-2 ના સિકયુરિટી ગાર્ડ નો હતો અને અવાજની દિશા અને ધ્યાન એ ભાગતા માણસ તરફ હતું.

MKC કંપનીનો ગેટ નં-2, વાપી જીઆઇડીસી ની સૌથી મોટી કંપની, માત્ર ઉત્પાદન માં જ નહિ પરંતુ કામદારોની સંખ્યા અને એરિયાની રીતે પણ. ૧૯૯૨ માં શરુ થયેલી કંપનીનું પૂરું નામ મુકેશ કાલીદાસ ચાની ના ટુંકાક્ષરે MKC હતું, પરંતુ ૧૯૯૮ માં કંપનીને થયેલા નુકસાનથી જ્યોતિષીઓના કહેવા પ્રમાણે ટૂંકાવીને માત્ર MKC રહેવા પામ્યું.

કંપનીનું મૂળ ઉત્પાદન તો પ્લાસ્ટીકના ના દાણા બનવાનું હતું. જેમાંથી આપણા રોજીંદા જીવનમાં ઉપયોગમા લેવાતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવા માટે થાય છે. સહેજે કંપનીનું ટર્નઓવર વર્ષે દહાડે ૫૦૦-૬૦૦ કરોડનું છે અને દરરોજ ના લગભગ ૧૫૦૦ ટન માર્કેટ માં ઠાલવે છે.

હમણાં કંપની પોતાનો એક નવો પ્લાન્ટ નાખી રહી છે. આ પ્લાન્ટ લગભગ ૨૦ એકર જમીન માં ફેલાયેલો છે. અને આ પ્લાન્ટ શરુ થતા જ કંપનીની ઉત્પાદનક્ષમતામાં ૨૦-૨૫% નો વધારો થશે. હાલમાં આ કંપની ની માર્કેટિંગ વેલ્યુ ૧૨૦૦ કરોડ જેટલી છે. કંપનીના મુખ્ય પ્લાન્ટમાં process2 (p2) એ સૌથી વધારે ઉત્પાદન કરતો પ્લાન્ટ છે. ઉપરાંત process1 અને process૩ તો ખરા જ. હમણાં આ નવો બનતો પ્લાન્ટ બેચ માં ચાલતો હોવાને લીધે એને બેચ process નામ આપ્યું છે જયારે બાકીના process 1,2 અને 3 તો continuous ચાલતા પ્લાન્ટ છે.

ગેટ માં પ્રવેશતા જ ડાબી બાજુએ કેન્ટીન અને પર્સનલ ડીપાર્ટમેન્ટ આવે અને એની પાછળ કંપનીનું ઘણું ખરું પેપરવર્ક કરતું એડમીન ડીપાર્ટમેન્ટ. જમણી બાજુ અને સીધા જતા p-1,2,3 ના ગોડાઉનથી લઈને તેના પેકીંગ અને માલ ને ટ્રકમાં ભરીને લઇ જવા માટે બેગીંગ એરિયા આવેલો છે.

“હેય, ઉભો રહે? કોણ છે તું? ક્યાં જાય છે?”

સિક્યુરિટીની વ્હીસલ અને બુમ સાંભળીને એના આસપાસ કામ કરતા મજુરો અને વર્કરો નું ધ્યાન પણ ત્યાં ગયું. શું થયું, કોણ કેમ બુમો પડે છે એ જાણવા બધા ની નજર સિક્યુરિટી તરફ અને એણે ચીંધેલી આંગળી તરફ દોડતા જતા વ્યક્તિ ઉપર ગઈ. બધા થોડા આશ્ચર્યમાં હતા. કારણકે, કોઈ પણ વ્યક્તિ ગેટમાં પ્રવેશે એ પહેલા એનો સિક્યુરિટી ઓફીસમાંથી gatepass બનતો જ, અને એમાં એનું પોતાનું નામ, કોને મળવું છે, કેમ મળવું છે અને છેલ્લે એને મળ્યાની ખાતરી માટે એની સહી વગેરે gatepass માં રહેતું. અને વળી જે પણ વ્યક્તિ ગેટ માંથી પસાર થાય એણે સૌથી પેહલા તો સિક્યુરિટી ચેકઅપ માંથી નીકળવું જ પડતું અને એટલા જ માટે કંપનીએ ત્યાં પ્રોજેક્ટ વર્ક કરતા મજુરોને પણ હંગામી ધોરણનું i-card બનાવી આપ્યું હતું.

ગેટના સિક્યુરિટીની બુમ અને વ્હીસલ સાંભળીને p1 ગોડાઉનનો સિક્યુરિટી કે જેની સામે જ પેલો અજાણ્યો વ્યક્તિ દોડતો આવતો હતો તેણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ અજાણ્યા વ્યક્તિના એક જ મુક્કાએ એને જમીનદોસ્ત કરી નાખ્યો અને અજાણ્યો વ્યક્તિ પ્લાન્ટ માં કોઈ જગ્યા એ ગાયબ થઇ ગયો. ગેટ સિક્યુરિટી અને આ ઘટના જોતા બધા વર્કરો કંઇક અજુગતું અને અણધાર્યું જોઈ રહ્યા. આ જોતા તરત જ એમના હેડ મિસ્ટર ગગનદીપ શર્માને ફોન કરીને જણાવ્યું. મિસ્ટર શર્મા એ આવીને તરત જ એમના સત્તાવાહી અવાજ માં પૂછ્યું :

“ક્યા ચલ રહ હૈ યહા પર?”

“કુછ નહિ સાહેબ, વો કોઇ આદમી અંદર કી ઔર ભાગ કે ચલા ગયા.” સિક્યુરિટીએ ગભરાતા કીધું. વળી સંતોષ-સિક્યુરિટી ગાર્ડ ને અહિયાં નોકરી કરવાને શરુ કર્યા ને હજી એક-બે મહિના જ થયા હતા. અને એને બધા પ્લાન્ટ ના નામ પણ વ્યવસ્થિત યાદ નહોતા.

“કહાં ગયા દેખા નહિ ક્યાં તુને? ઔર તું યહાં પે અકેલા ક્યા કર રહા હૈ, બાકી ચાર લોગ કહાં ગયે?’’ મિસ્ટર શર્મા એ ગુસ્સામાં સંતોષ-સિક્યુરીટી ગાર્ડ ને પૂછ્યું.

“સાહબ સબ લોગ ખાના ખાને કેન્ટીન મેં ગયે હૈ.” સંતોષે સામે કીધું.

“અભી તો ૧૨:૩૦ હિ હુઈ હૈ, ઔર લંચ તો ૧ બજે શુરુ હોતા હૈ.” શર્મા હવે વધારે ગુસ્સામાં બોલ્યા.

ત્યાં સુધીમાં તો કેન્ટીન માં જમવા બેઠેલા સિક્યુરિટીવાળાઓને પણ વાત ની જાણ થતા જમવાનું અધૂરું મુકીને શર્મા ની સામે અદબ વાળીને એમની ગાળો સાંભળવા તૈયાર થઇ ને ઉભા રહી ગયા. શર્માજીએ ખાલી એક જ વાક્ય માં કીધું, “યા તો ઉસકો પકડ કે લાઓ વરના તુમ લોગ ભી મત દિખના.”

હજી તો પ્લાન્ટ માં કામ કરતા વર્કરો, કોઈ વ્યક્તિએ સિક્યુરિટીગાર્ડ ને મુક્કો માર્યો એ વાત ને આશ્ચર્યથી સાંભળતા હતા ત્યાં જ એક ભયાનક અવાજ આવ્યો. કંપનીના p1 પ્લાન્ટ માંથી કંઈક અવાજ આવ્યો, તરત જ પ્રોસેસ ડીપાર્ટમેન્ટના એન્જીનીયર શું થયું એ જોવા બહાર આવ્યા, રસ્તા માં આવતા બધા વર્કરો કંઇક ફાટ્યું તો કંઇક બળ્યું કે કોઈકએ કઈક પડવાનો અવાજ સાંભળ્યો. p1 પ્લાન્ટ માંથી ઈમરજન્સી અલાર્મ શરુ થઇ ગયો હતો એટલે સેફટી રુલ્સ પ્રમાણે બધા વર્કરો બહાર નીકળીને એક નિશ્ચિત જગ્યા- અસેમ્બલી પોઈન્ટ ઉપર એકઠા થવા દોડ્યા. હજી વર્કરો p1 પ્લાન્ટ માંથી બહાર અવે ત્યાં એમને એની પાછળના Utility પ્લાન્ટ માંથી ગેસ લીકેજ અને આગ ના ધુમાડા દેખાયા.

દક્ષ, જે હજી MKC કંપનીમાં ઇન્સટ્રુમેન્ટ એન્જીનીયર તરીકે જોડાયાને લગભગ એક મહિનો જ થયો હતો. તેણે પણ આ અવાજ સાંભળ્યો અને લોકો ને ભાગતા જોઇને એ પણ ભાગવા લાગ્યો. દરરોજ લિફ્ટનો ઉપયોગ કરતા દક્ષ ને આજે ત્રીજા માળેથી સેફટી બૂટ પેહરીને દાદર ઉતરીને નીચે આવવાનું બહુ અઘરું લાગ્યું. વળી ઉતાવળમાં બે દાદર કૂદી જતા પડ્યો એટલે એ બહુ જ ગભરાઈ ગયો. અને આ જ ગભરાટમાં અને ઉતાવળમાં ગેટ તરફ જવાને બદલે એ પ્લાન્ટ માં અંદર ની બાજુ Utility પ્લાન્ટ તરફ દોડવા લાગ્યો, આ સમયે ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટના વર્કર આનંદભાઈ એ દક્ષ ને જોયો અને કીધું “દક્ષભાઈ ઉધર નહિ, ઇધર જાને કા હૈ.” પરંતુ ઉતાવળ માં દક્ષ માત્ર ભાગતો જ રહ્યો.

સિક્યુરિટીએ ઈમરજન્સી અલાર્મ વગાડતા જ બધા વર્કરો કંપનીના અસેમ્બલી પોઈન્ટ પાસે આવી ગયા. અસેમ્બલી પોઈન્ટ એટલે એકઠા થવા માટેની સલામત જગ્યા. જયારે પણ કંપનીમાં આવી કોઈ ઈમરજન્સી આવે ત્યારે બધા વર્કરો ને ત્યાં આવવા માટે ની સુચના સેફટી ડીપાર્ટમેન્ટ દ્વારા પહેલેથી જ આપી દીધી હોય છે. કંપનીમાં 2 અસેમ્બલી પોઈન્ટ છે, એક તો એડમીન ડીપાર્ટમેન્ટની સામે અને બીજો p1 અને p૩ ગોડાઉન ના વચ્ચે ના એરિયામાં. અસેમ્બલી પોઈન્ટ પ્લાન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવવાની શક્યતા હોય એવા વિસ્તારથી થોડા દુર એટલે એકદમ સલામત જગ્યા કહેવાય. એના બે ફાયદા, ત્યાં ભેગા થવાથી જાનહાની થવાની શક્યતા ઘટે અને બીજું બધા વર્કરો ત્યાં ભેગા થઇ જાય પછી દુર્ઘટનાને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા લોકો ને કોઇ કનડગત ના રહે અને કોણ કોણ ફસાઈ ગયું હશે એની પણ જાણ રહે. બધા વર્કરો ને અસેમ્બલી પોઈન્ટ પર આવી દેવાયા બાદ સિક્યુરિટી હેડ શર્મા એ બધા ને મેઈન ગેટ માંથી પ્લાન્ટ ની બહાર નીકળી જવાની સુચના આપી.

દસ મિનિટ-પંદર મિનિટ –એક કલાક-બે કલાક. પ્લાન્ટ માં ધડાકા થયા ને બે કલાક થયા પણ હજીએ અજાણ્યા માણસનો કંઈ અતોપતો નહોતો. બપોરના અઢી થવા આવ્યા હતા. ભાદરવાની ગરમી અને સિક્યુરિટી હેડ શર્મા ની ગરમીની તુલના કરવામાં આવે તો ભાદરવાની ગરમી પણ ઠંડી લાગે.

મિસ્ટર શર્મા દર બે મિનિટએ તેમના સિક્યુરિટીને ફોન પર, બુમો પાડીને અલગ અલગ આદેશો આપતા હતા. મિસ્ટર શર્મા ખુદ પણ આખો પ્લાન્ટ ફરી ચુક્યા હતા પણ અજાણ્યો માણસ જાણે કોઈક પાતાળમાં સમાઈ ગયો હોય એમ જડતો જ નહોતો. આ દરમિયાન તેમના ઉપર MKC ના વાઈસ પ્રેસીડેન્ટ મિસ્ટર કુમારનો પણ વારંવાર ફોન આવતો હતો અને મિસ્ટર શર્માનો ચેહરો જ બધું કહેતો હતો.

આમ તો આ કંપનીની પ્રાઈવેટ સિક્યુરિટીની જવાબદારી CHETAK કરીને મૂળ મહારાષ્ટ્રની કંપનીની છે અને આ કંપનીનો ચાર્જ મિસ્ટર શર્માના હાથ માં હતો. જયારે વાત વધારે વણસી ગઈ છે એમ લાગતા મિસ્ટર કુમાર એ મિસ્ટર શર્મા ને લોકલ પોલીસની મદદ લેવાનું સુચન કર્યું.

અને વળી MKC કંપનીનો ભૂતકાળ પણ કઈ એકદમ સાફ તો નહોતો જ. બે વર્ષ પહેલા જમીન અને માલ ની ગુણવત્તા ને લઈને વાપી GIDC ની જ SHREE INDUSTRIES કે જેનો મેનેજર મિસ્ટર અંશુ શાહ MKC કંપનીનો જ ભૂતપૂર્વ ઇન્સટ્રુમેન્ટ એન્જીનીયર હતો, તેમની સાથે થયો હતો. એમાં તો કોર્ટ ના લફડા ને લીધે બંને કંપનીએ પણ ઘણું સહન કરવું પડ્યું હતું. આ વાત ચાલતી હતી ત્યાં જ કંપનીમાં રો-મટીરીયલ્સ લઈને આવતી બે ટ્રકના ડ્રાઈવર વચ્ચે થયેલી બોલાચાલી અને પછી મારામારી નો કિસ્સો તો ત્યાના લોકલ સમાચારપત્રોમાં આવ્યો હતો જેથી કંપનીની શાખ ને પણ અસર થઇ હતી.

નજીક ના પોલીસ સ્ટેશન વાપી GIDC ના ઇનચાર્જ ઇન્સ્પેકટર માથુર કુલાડી હતા. એ આવ્યા ત્યારે ઘડિયાળ 3:૧૦ નો સમય બતાવતી હતી મતલબ ઘટના બન્યાને લગભગ 3 કલાક વીતી ગયા હતા. ઇન્સ્પેકટરએ ત્યાં આવીને પ્રાથમિક માહિતી લીધી, રિપોર્ટ બનાવ્યો અને તરત જ ઘાયલ થયેલા ને નજીક ની હોસ્પિટલ - હરિયા હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. આમ તો ખાસ કોઈને વાગ્યું નહોતું, સિવાય બે મજુરોને. એક અવાજ સાંભળીને ગભરાટ માં દાદર ચુકી જતા પડ્યો હતો અને એક મજુર Utility પ્લાન્ટ માં કોલમ ઉપર કામ કરતો હતો એટલે ત્યાંથી નીચે પટકાતા માથું ફાટી ગયું હતું અને એની પરીસ્થિતિ થોડીક નાજુક હતી.

પોલીસ ઇન્સ્પેકટર મિસ્ટર કુલાડીએ આવતાની સાથે સિકયુરિટી પાસેથી બધી ડીટેઈલ્સ લઈને તપાસ શરુ કરી દીધી. ઘટનાના ત્રણ કલાક પછી પણ કોઈ સમાચાર ના મળતા કંપનીના ડિરેક્ટર મિસ્ટર ભટ્ટ મુંબઈથી કંપની ઉપર પહોંચી ગયા હતા અને પોલીસ ના કામમાં પુરો સહકાર આપવાની ખાતરી પણ આપી. કંપનીનું પ્રોડક્શન છેલ્લા બે કલાક થી એકદમ બંધ હતું. p1 પ્લાન્ટ અને utility પ્લાન્ટ માં થયેલા ધડાકાને લીધે સલામતીના કારણોસર p2 અને p3 પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. કંપનીના p-૧,2,3 પ્લાન્ટ કોઈ દિવસ બંધ ના થાય એમાંના હતા, દિવાળી, હોળી કે નવરાત્રી, કોઈ દિવસ બંધ ના રેહતા. એમને માત્ર નકકી કરેલ અમુક 2-3 વર્ષે શટડાઉન આપી બંધ કરાતા. પરંતુ આજે કંપનીના આટલા વર્ષોના ઈતિહાસમાં પહેલી વાર એકસાથે આ બધા પ્લાન્ટ બંધ રહ્યા હતા.

કંપનીને ઓછામાં ઓછુ નુકસાન થાય અને આ પ્રોબ્લેમ ઉકેલાય એ હેતુથી કંપનીના ડિરેક્ટર મિસ્ટર ભટ્ટ ની આગેવાનીમાં વાઈસ પ્રેસીડેન્ટ મિસ્ટર કુમાર, દરેક ડીપાર્ટમેન્ટના હેડ અને ઇન્સ્પેકટર કુલાડી સાથે એક તાત્કાલિક મીટીંગ કરી અને કંપનીના નીતિ-નિયમો પ્રમાણે શું કરી શકાય એના વિષે ઇન્સ્પેકટર કુલાડી સાથે ચર્ચા કરી.

(કોણ હશે આ અજાણ્યો વ્યક્તિ, એનો કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ કરવા પાછળ નું કારણ શું અને એનો મુખ્ય સુત્રધાર કોણ? ઇન્સ્પેકટર કુલાડી આ કેસને ક્યાં સુધી લઇ જાય છે?, શંકાના દાયરામાં કોણ કેવી રીતે આવે છે? આ સવાલોના જવાબ ભાગ 2 માં. ત્યાં સુધી વાંચો, લખો અને મોજ કરો.)

આ ભાગમાં આવતા પાત્રો ના નામ અને ટુંક માં પરિચય:

દક્ષ- MKC માં નવો જોઈન્ટ થયેલો ઇન્સટ્રુમેન્ટ એન્જીનીયર

સંતોષ- સિક્યુરિટી ગાર્ડ

મિસ્ટર શર્મા- CHETAK સિક્યુરિટીના MKC કંપનીના ઇન-ચાર્જ સિક્યુરિટી હેડ

મિસ્ટર કુમાર- MKC ના વાઈસ પ્રેસીડન્ટ

મિસ્ટર ભટ્ટ- MKC ના ડિરેક્ટર

મિસ્ટર કુલાડી- વાપી GIDC પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જ

મિસ્ટર અંશુ- MKC કંપની નો ભુતપૂર્વ ઇન્સટ્રુમેન્ટ એન્જીનીયર અને હાલમાં SHREE INDUSTRIES નો મેનેજર

આનંદભાઈ- ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટના હેલ્પર.

***