Singhna Ranma in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | સિંઘના રણમાં

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

સિંઘના રણમાં

સિંધના રણમાં

ગર્જનકનું સૈન્ય આગળ વધી રહ્યું હતું. આસપાસ ક્યાંયથી કોઈ પણ જાણકાર માણસ મળી જાય, તો જ આ રણ પાર થાય તેવું હતું. સવારથી સાંજ સુધી કૂચ કર્યા પછી કેવળ રેતી જ રેતી દેખાતી રહે, તો બે-ચાર દિવસમાં હવે સૈન્યની જે દશા થાય, તેનો વિચાર આવતાં સુલતાન પોતે રાતે ઝબકીને જાગી જતો હતો. એને થયું કે પેલા ભોમિયાઓએ એને ગજબના ભયંકર માર્ગે દોર્યો હતો.

પણ હવે એમાંથી રસ્તો કાઢ્યે જ છૂટકો હતો.

એક દિવસ સુલતાને વહેલી પ્રભાતમાં પોતાની સાંઢણી મારી મૂકી. તે પશ્ચિમ દિશામાં આગળ ને આગળ વધતો ગયો. પણ ચારે બાજુ રેતી સિવાય બીજું કાંઈ દેખાતું જ ન હતું. એવામાં અચાનક એક પંખીને એણે આકાશમાં જતું જોયું. એને વિચાર આવ્યો કે જ્યાં પંખી જાય ત્યાં પાણી હોવું જ જોઈએ.

તેણે પંખીની દિશા પકડી. કેટલો વખત ગયો તે તેને ધ્યાન રહ્યું નહિ, પણ એનું બધું ધ્યાન પાણીની શોધમાં હતું. એ આવડા મોટા સૈન્યને દોરીને આંહીં લઈ આવ્યો હતો. સેંકડો અને હજારો જાન જોખમમાં હતા. લડાઈમાં મરવું એ જુદું હતું. પાણી વિના તરફડીને મરવું એ તો ભયંકર હતું, આ સંકટમાંથી પોતે રસ્તો કાઢી શકે તો એને માટે સૌના માનનો અને વિશ્વાસનો વિષય બનતો હતો. એમ થાય તો જ એ આ બાજુ ફરકી શકે.

રસ્તો કાપતાં કાપતાં સુલતાન એક ઠેકાણે આવી પહોંચ્યો. ત્યાં પાણીનો મહાસાગર રેલાઈ રહ્યો હતો. સુલતાનના આનંદનો પાર ન રહ્યો. તે સાંઢણીને દોડાવીને પાણીના કિનારા ઉપર પહોંચી ગયો. ચારે તરફ એણે દૃષ્ટિ કરી સામેનો કાંઠો ન દેખાય એટલે દૂર સુધી પાણી જ પાણી દેખાતાં હતાં. રેતપટમાં વહેતી નદીની કોઈ નાની શાખા પાણીથી છલકાઈ ગઈ હતી.

સુલતાનને લાગ્યું કે આ જ નીલઆબ કહે છે, તેની શાખા હોવી જોઈએ.

એનાં તમામ સંકટોનો પાર આવી જતો હતો. તે ખુશ ખુશ થઈ ગયો. તેણે સાંઢણીને ઝોકારી. પોતે નીચે ઊતર્યો, પાણી ખોબામાં લીધું. પણ હોઠે અડાડતાં જ એનાથી ‘યા... પરવરદિગાર !’ થઈ ગયું. ભયંકર રીતે ખારું કડવું, પાણી વહી રહ્યું હતું !

પણ સુલતાને નિશ્ચય કર્યો હતો કે આજે પાણી શોધ્યે જ છૂટકો છે. તે તરત, નદીનું વહેણ જે બાજુથી આવતું હતું તે તરફ વળ્યો. થોડે દૂર આગળ જતાં એક નાનું સરખું ગામડા જેવું કાંઈક દેખાયું. કોઈ મુસાફરો તંબુઓ ઠોકીને પડ્યા હોય તેમ લાગ્યું. તે તેમની તરફ ગયો. એના આનંદનો પાર રહ્યો નહિ. જાતભાઈઓની એક નાનકડી મંડળી આંહીં થાક લેવા રાત રહી ગઈ હોય તેમ જણાયું.

સુલતાન ત્યાં ઊતર્યો. એક જુવાન ત્યાં બેઠો હતો. સુલતાને તેને આ પાણીની પાર શી રીતે જવાય તે પૂછ્યું. પણ જુવાન ટગર ટગર તેની સામે જોઈ રહ્યો. તેને કોઈ વાતની ખબર હોય તેમ જણાયું નહિ.

પણ આ કોઈ મહાન માણસ સંકટમાં છે એમ ધારીને, જુવાન બોલ્યો : ‘પાસેના ગામડામાં એક વૃદ્ધ રહે છે. તેને ઈ બધા રસ્તાઓની માહિતી છે. તે વૃદ્ધ * અલ્વીને આપણે મળીએ !

સુલતાનની સાંઢણી ઉપર જ પેલો જુવાન ચડી બેઠો. પાણી જો ઓળંગી શકાય તો સુલતાનને ખાતરી હતી કે તેને નીલઆબનાં મીઠાં પાણી મળી જાય. ગામમાં એમને આવેલા જોઈને કેટલાય માણસો ભેગાં થઈ ગયાં. સુલતાને તેમને પાણીવાળા રસ્તાનું પૂછ્યું. પણ એમાંના કોઈને કાંઈ માહિતી ન હતી. એમનાં ગામ એટલે તંબુઓના ડેરા. એ તો આજ આંહીં પડતા કાલે ત્યાંથી ઊપડી જતા !

---------------------

*ઇલિયટ ।। ૧૯૨. જામે-ઉલ-હિકાયત.

થોડી વારમાં વૃદ્ધ અલ્વી આવતો દેખાયો. તેના હાથમાં લાકડાનું એક ઠૂંઠું હતું. તે માંડ માંડ ચાલતો આવી રહ્યો હતો.

સુલતાને તેને પાસે બેસાર્યો. વાત કહી, પોતે ભૂલો પડ્યો હતો. નીલઆબનાં પાણી એ શોધી રહ્યો હતો. વૃદ્ધે ડોકું ધુણાવ્યું : ‘નીલઆબનાં પાણી, આ રસ્તે ક્યાંયનાં ક્યાંય રહ્યાં ! ત્યાં કોઈનાથી ન પહોંચાય !’

‘પણ આ પાણી દેખાય છે તે શાનાં છે ?’

‘એ તો એની કુંવરી છે. નીલઆબની. પણ નીલઆબ તો મીઠો મે’રામણ છે. આ તો રાંડ ખારાં કડવાં પાણી લાવે છે !’

‘આને ઓળંગાય કે નહિ ?’

વૃદ્ધ બોલ્યાચાલ્યા વિના કેટલીયે વાર સુધી બેસી રહ્યો, તે કાંઈક સંભારતો લાગ્યો : ‘આને ઓળંગાય ? મેં કોઈને કોઈ દિવસ ઓળંગતો દીઠો નથી. આને શી રીતે ઓળંગાય ?’

‘ક્યાંય રસ્તો નહિ હોય ?’

અલ્વી વળી વિચારમાં પડી ગયો. પછી તે ધીમેથી ઊઠ્યો. ‘એક વખત એક જણે આ રસ્તો ઓળંગ્યો હતો. તે જગ્યા આંહીં ક્યાંય છે. જો ત્યાંથી ઓળંગાય તો !’

સુલતાને એને તરત સાંઢણી ઉપર લીધો. તે કોરીના કિનારા ઉપર આવ્યા. કિનારા ઉપર સૂઈઘાસ પથરાયેલું પડ્યું હતું. એમાં કોઈ છૂપાવા હોય તો પત્તો ન લાગે. સુલતાને તેને પૂછ્યું : ‘ક્યાંથી, આંહીંથી ઓળંગાય ?’

અલ્વીએ માથું ધુણાવ્યું : ‘દરિયા આઝીમ ઓળંગાય તો આંહીંથી ઓળંગાય, બીજે ક્યાંયથી નહિ.’ અને પછી તે પાણીમાં આવતા અનેક પરપોટ જોઈ રહ્યો. ‘આ પાણી ઓળંગાય તો આજકાલમાં, પછી તો આ પણ નહિ ઓળંગાય !’

‘કેમ ?’

‘પાણી વધી રહ્યાં છે. ઉપરવાસ પૂર આવતું લાગે છે. એક-બે દિવસમાં એ આંહીં આવી જશે. પછી આ પણ ઓળંગી શકાય નહિ !’

સુલતાને ચારે તરફ દૃષ્ટિ કરી. ભયંકર રણની શૂન્યતા ચારે તરફ વેરાયેલી પડી હતી. તેણે સામેના પાણીનું માપ કાઢવા પ્રયત્ન કર્યો. અતળ ઊંડાણવાળાં ખારાં પાણી એની સામે જાણે હસતાં હસતાં દોડી રહ્યાં હતાં !

પણ તે છતાં તેણે જોયું કે ાસપાસનાં બધાં સ્થળ કરતાં આ જગ્યાએથી જ પાણી ઓળંગવાની શક્યતા હતી. તેણે અલ્વીને ઇનામ આપવા હાથ લાંબો કર્યો, પણ વૃદ્ધ ડોસાએ આકાશ સામે હાથ ઊંચો કર્યો, ‘દેવાવાળો, આના કરતાં કોઈ મોટો નથી !’ એવો એની નિશાનીનો અર્થ હતો.

સુલતાનને ઘણો વખત થઈ ગયો હતો, એટલે તે ઝડપથી પાછો ફર્યો.

પોતાની છાવણીથી થોડે દૂર હતો ત્યાં તેણે ચારે પાસેથી દોડતા આવત સાંઢણીવાળા જોયા. છાવણીમાંથી ચારે તરફ પાણીની શોધ માટે ઝડપી સાંઢણીવાળાઓ જતા હતા, તે જ એ હોવા જોઈએ.

સુલતાનને જોઈને એ થોભી ગયા. તેમના ચહેરા ગભરાયેલા હતા. તે ઉતાવળે કાંઈક કહેવા માટે અધીરા બની ગયા રહ્યા હતા.

‘શું છે ?’ સુલતાને ઉતાવળથી પૂછ્યું.

‘નામદાર ! નહરવાલાનો રાય, આટલામાં ક્યાંક આવી ચડ્યો લાગે છે. તેની સાથે મજબૂત સાંઢણીદળ છે. આપણે નપાણિયા મૂલકમાં છીએ તે જોઈને હમણાં રાહ જોતો પડ્યો છે.’

‘તમે કેમ જાણ્યું ?’

‘એનો એક માણસ અમે આંહીં પકડી આવ્યો છે !’

થોડી વારમાં સુલતાનની સામે એક માણસ રજૂ થયો. તેનાં વસ્ત્રો ફાટી ગયાં હતાં. તેને અસંખ્ય ઉઝરડા થયા હતા. તેની આંખો ઊંડી ઊતરી ગઈ હતી.

‘અલ્યા, ક્યાંથી આવ્યો ?’

‘નહરવાલાથી !’ પેલાએ જવાબ વાળ્યો.

‘રાય ક્યાં છે ?’

‘બે મુકામ દૂર !’ તેણે જવાબ વાળ્યો.

‘તમારા ભેગું પાણી છે ?’

તેણે ડોકું ધુણાવ્યું.

સુલતાનને સાંભર્યું કે એણે હવે વખત ગુમાવવાનો ન હતો. રાય આવ્યો હોય તોપણ હજી બે મુકામ દૂર પડ્યો હતો. પોતે ઝપાટાબંધ અત્યારે ઊપડે તો જ રાત આખી ને કાલનો આખો દિવસ એમ કરીને પેલાં ખારાં પાણી પાર કરી જાય. કદાચ અત્યારે વખત ગુમાવવાનો કાંઈ અર્થ ન હતો.

‘એને જાપ્તામાં રાખો. અને આપણે નગારાં વગડાવો. આપણે હમણાં ઊપડવાનું છે. પાણી મળે તેમ છે. મીઠો મે’રામણ આપણા રસ્તામાં છે, પણ આપણે તરત ઊપડીએ તો. સિપાહસાલારને ખબર કરો. તિલકને બોલાવો. અને આને જાપ્તામાં રાખો.’

સુલતાનની આજ્ઞા પ્રમાણે સૈન્ય તરત ઊપડ્યું.

પણ સુલતાન સાથે અસંખ્ય સૈનિકો હતા. એને અત્યારે કોઈને ક્યાંય લડાઈ આપવી ન હતી. દરિયા આઝીમને ઓળંગ્યા વિના એ ક્યાંય થોભવા માગતો ન હતો. નહરવાલાનો બરમદેવ નજીક હતો, ને તેની સાથે રા’ હતો. મહમૂદ અત્યારે એમની સાથે ઝઘડવા તૈયાર ન હતો. એની સાથે અપાર દોલત હતી. ગમે તે પળે ઉપરના ભાગમાં વરસાદ તૂટી પડે, તો પોતાનો રસ્તો કપાઈ જતો હતો, એણે એ અનુભવ એક વખત લીધો હતો. એમાં પણ જો આ રણ રેલાઈ જાય !

એક પળના પણ વિલંબ વિના એ દરિયા આઝીમને ઓળંગવા દોડ્યો.

દરિયા આઝીમ પાસે તેનું મહાન દળ આવીને ઊભું રહ્યું, ત્યારે તરત એ પોતે આગળ વધ્યો. જે જગ્યા અલ્વીએ બતાવી હતી તે એણે બરાબર ધ્યાનમાં રાખી હતી.

સુલતાનની સાંઢણીને પાણીમાં જતી જોઈને સેંકડો સૈનિકો મોંમાં આંગળાં નાખી ગયા.

તિલક, સેવંતરાય, સિપાહસાલાર મસઉદ, વઝીર હઝનક બધા નામદાર સુલતાનને વારવા દોડ્યા, પણ સુલતાન સમજતો હતો. દરિયા આઝીમ કાલે ઓળંગાય કે નહિ તે કોઈ જાણતું ન હતું. એવામાં જો નહરવાલાનો રાય આવી ચડે તો મફતનું જુદ્ધ આપવું પડે. તેણે કોઈ પણ જોખમે પાણી ઓળંગવું જ રહ્યું.

સુલતાનની સાંઢણી ચાલી. સૌ જોતા રહ્યા. એક પ્રકારની સનસનાટી ફેલાઈ ગઈ. સુલતાનની જબ્બર હિંમત જોઈને સૌ છક્ક થઈ ગયા. પણ અજાણ્યાં ઊંડાં પાણીમાં પ્રવેશ કરવાની કોઈની હિંમત ચાલતી ન હતી. એટલામાં સુલતાને તેમને હાથની નિશાની આપી, મોટેથી કહ્યું : ‘ખુદા જેટલો આસ્માનમાં છે, જેટલો જમીંમાં છે, તેટલો જ આંહીં છે. ચાલ્યા આવો !’

સુલતાનના શબ્દ સાંભળીને તરત જ સિપાહસાલારે ઝુકાવ્યું. વજીર, સેવંતરાય, તિલક, એક પછી એક તમામ સાંઢણીઓ ને ઘોડા અંદર પ્રવેશ કરવા માંડ્યાં.

સમૃદ્ધિ ભરેલાં ઘણાં ખરાં ઊંટ તો આગળ નીકળી ગયાં. પણ થોડાં પાછળ પણ રહ્યાં હતાં. તેમના રક્ષણ માટે ઘોડેસવારો હતા, સાંઢણીઓ હતી. બીજા માણસો પણ હતા. સુલતાનની સેનાનો આગલો ભાગ દરિયા આઝીમને સહીસલામત પસાર કરી ગયો. કેટલુંક સૈન્ય વચ્ચે હતું. છેવાડાઓ ભાગ પોતાનું રક્ષણ કરતો જાગ્રત ઊભો હતો.

એટલામાં રણરેતમાં દૂર દૂર ક્ષિતિજ ઉપર નજર ગઈ. જેમ ઘેરાં વાદળો ચઢી આવતાં હોય તેમ સાંઢણીઓની સાંઢણીઓ આવતી દેખાઈ. રાયનું સેન હોવું જોઈએ. સૌના મનમાં ધ્રાસકો બેસી ગયો. હજી આ કાંઠે ઊભેલાઓ માટે વિકટ કોયડો થઈ ગયો. સુલતાને સામે કાંઠેથી તે જોયું. એનું જે સેન દરિયા આઝીમમાં હજી વચ્ચે હતું, તેણે ત્વરાથી પાણી ઓળંગવા માંડ્યાં. કાંઠા ઉપર રહેલા સૌ એકદમ લડાઈ માટે સાવધ ને તૈયાર થઈ ગયા.

એટલામાં સાંઢની વાંઢ ઝપાટાબંધ પાસે આવી પહોંચી. અને તરત સૌ ચેતી ગયા. નહરવાલાનો રાય જ હોઈ શકે. એણે આવતાંવેંત પડકાર ફેંક્યો. રણશીંગાં ફૂંકાયાં. શંખગર્જના થઈ. એક મોટી યુદ્ધઘોષણા થતાંની સાથે જ તીરો પણ શરૂ થઈ ગયાં.

કુદરતે પણ આ દૃશ્યને વધાવવાનું કર્યું હોય તેમ પોતાના પાણીનો પુરવઠો ઝપાટાબંધ વધારી દીધો હતો.

હવે ઘોડાપુર પાણી વધતાં હતાં. ઉપરથી પાણી આવી રહ્યું હતું. પેલું કાળું પાણી ઝપાટાબંધ દરિયા આઝીમમાં ધસી આવ્યું હતું. સુલતાનનાં ત્યાં ઊભેલા માણસો સમજી ગયાં. યુદ્ધ જ અનિવાર્ય હતું. એ એકદમ વ્યવસ્થિત થઈ ગયાં. કટોકટી શરૂ થઈ. હવે એક બાજુ દરિયા આઝીમનાં પાણી હતાં, બીજી બાજુ રાય ને રા’ નું સાંઢણીદળ હતું. દરિયા આઝીમમાં પસાર થવું હવે અશક્ય બની ગયું હતું. આ કાંઠે રહેલાં માણસો મરણિયાં થઈ ગયાં. સામે પાર ગયેલું સુલતાનનું સૈન્ય કેવળ પ્રેક્ષક સમું થઈ જાય, એ સ્થિતિ થઈ ગઈ. તેમણે તીરો ચલાવ્યાં. પણ દરિયા આઝીમ એ બધાને ગળી ગયો.

મહારાજ ભીમદેવ ને રા’ નવઘણ પણ સુલતાનના અપરંપાર સૈન્યને જોઈ રહ્યા. ઘણુંખરું સામે પાર પહોંચી ગયું હતું. વચ્ચે દરિયા આઝીમ રેલાઈ રહ્યો હતો. પાણીનાં પૂર વધતાં હતાં. એકાદ જણાએ એનું માપ કાઢવા પ્રયત્ન કર્યો, પણ તે તરત ભયથી પાછો હઠી ગયો.

પાણી હવે ઘૂઘવાટે ચડ્યાં હતાં. રા’ નવઘણે અને ભીમદેવ મહારાજે, જે સેન આ બાજુ રહી ગયું, તેની સાથે લડી લેવું રહ્યું.

નિયમિત યુદ્ધ જ ચાલ્યું. કાંઈ ન બને એવી સ્થિતિમાં સામે કાંઠેથી બધા આ યુદ્ધ જોઈ જ રહ્યા.

દરિયા આઝીમનાં પાણી એ જોઈને કિલ્લોલતાં હતાં. રેતીના ધોરા આનંદ પામતા હતા. રેતસાગર ઘેરા ગાનથી મરણનું જીવન ગાઈ રહ્યો હતો.

જીવનમરણનું એક ભયંકર યુદ્ધ ત્યાં શરૂ થઈ ગયું.