Batatani best vangaio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | બટાટાની બેસ્ટ વાનગીઓ

Featured Books
Categories
Share

બટાટાની બેસ્ટ વાનગીઓ

બટાટાની બેસ્ટ વાનગીઓ

ભાગ-૨

મીતલ ઠક્કર

અહીં બટાટાની વિવિધ પ્રકારની અનેક વાનગીઓ આપવામાં આવી છે, જે ટેસ્ટી હોવાની સાથે સાથે નાસ્તા અને શાક માટેનો બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. બટાટાની આ વિવિધ વાન સાથે જો કોઇ ચીજ સૌથી સારી રીતે ટેસ્ટ વધારી શકતી હોય તો તે દહીં અને વિવિધ પ્રકારની ચટણી અને સોસ છે. તેની સાથે તમે બટાટાની વનગીઓ અને શાકની મજા માણી શકો છો. આપના માટે બટાટાની બેસ્ટ વાનગીઓ અને નાસ્તા પસંદ કરીને સંકલિત કરી અહી રજૂ કર્યા છે.

બટાટા અને મોરિયાના ઢોંસા

સામગ્રી: 1કિ.ગ્રા. બટાકા, 2 વાડકી મોરિયો, 100 ગ્રામ સીંગતેલ, 3 નંગ લીલાં મરચાં, 1 ચમચી જીરૂં, ફરાળી મીઠું સ્વાદાનુસાર, કોથમીર, લીમડો.

રીત-સૌપ્રથમ મોરિયાને પાણીમાં પલાળો અને ફરાળી મીઠું નાખીને મિક્સરમાં વાટી લો. ઘાટ્ટુ ખીરું તૈયાર કરો. ત્યાર બાદ બટાકાને બાફીને છોલી લો. તેના નાના ટુકડા કરો. તેલમાં જીરુ તતડાવીને લીલાં મરચાં, મીઠું, લીમડો અને બટાકા નાખીને મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીલા ધાણા ભભરાવી દો. હવે મોરિયાના મિશ્રણથી તવા પર ઢોંસા બનાવો ઉપરથી બટાકાનું મિશ્રણ નાખીને ઢોંસા સર્વ કરો. આની સાથે ચટણી જોઈતી હોય તો લીલા કોપરામાં લીલા મરચા અને લીલા ધાણા નાખીને બનાવી શકાય. દાળની જગ્યાએ મોળા દહીંમાં સીંગદાણાનો ભૂકો નાખીને કઢી બનાવી શકાય.

*

દિલ્હીવાળી આલુ ચાટ

સામગ્રી: એક નંગ બટાટું બાફીને કટ કરેલું, એક ટેબલસ્પૂન કોથમીર સમારેલી, એક ટેબલસ્પૂન ગ્રીન ચટણી, અડધી ટેબલસ્પૂન આંબલીની ચટણી, એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, અડધી ટીસ્પૂન લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, ચાટ મસાલો સ્વાદાનુસાર, સેવ ગાર્નિશીંગ માટે.

રીત: સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકા લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરો. હવે એક સર્વિંગ બાઉલમાં ફ્રાય કરેલા બટાટા, ડુંગળી, કોથમીર, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ, ગ્રીન ચટણી અને છેલ્લે આંબલીની ચટણી ઉમેરો. બધું જ બરાબર મિક્ષ કરી લો. છેલ્લે સેવથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ જ સર્વ કરો.

*

આલુ પરાઠા

પડ માટે સામગ્રી: એક કપ ઘઉંનો લોટ, એક ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદાનુસાર, પાણી જરૂર મુજબ,

સ્ટફિંગ માટે સામગ્રી: ત્રણ નંગ મોટા બાફેલા બટાકા, બે થી ત્રણ ટેબલસ્પૂન કોથમીર, ચાર - પાંચ નંગ લીલા મરચા, અડધી ટીસ્પૂન અજમો, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ પડ માટેની બધી જ સામગ્રી એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કડક પણ નહીં એ પ્રકારની કણક તૈયાર કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દો. સ્ટફિંગ માટેના બટાકાને બાફીને મેશ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, અજમો, મરચાંની પેસ્ટ અને કોથમીર જેવી બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે આમચૂર પાવડર ઉમેરી શકો છો. હવે તૈયાર કરેલી કણકમાંથી મધ્યમ સાઈઝના લુઆ બનાવી લો. એવી જ રીતે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી પણ મધ્યમ સાઈઝના લુઆ તૈયાર કરી લે. હવે લોટનો લુઓ લઈને તેમાંથી મધ્યમ કદની જાડી પૂરી વળી લો. ત્યારબાદ તેમાં બટાટાનું મિશ્રણ ઉમેરીને કચોરીની જેમ સીલ કરી લો. આ લુઆને અટામણની મદદથી રોલ કરીને જાડું પરાઠું વળી લો. આ દરમિયાન એક નોનસ્ટિક તવીને ગરમ કરો. તેમાં તૈયાર કરેલા પરાઠાને બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તેલ અથવા તો બટરની મદદથી શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પરાઠા. ગરમા-ગરમ સર્વ કરો.

*

બટાકાની પૂરી

સામગ્રી: અઢીસો ગ્રામ બટાકા, ત્રણ લીલાં મરચાં, કટકો આદું, અડધી ટીસ્પૂન અજમાનો પાઉડર, ઘઉંનો લોટ – બટાકામાં સમાય તેટલો, મીઠું, હળદર, ખાંડ, લીંબુ, તેલ જરૂર મુજબ.
રીત: બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. તેમાં મીઠું, હળદર, વાટેલા આદું-મરચાં, અજમાનો ભૂકો, થોડી ખાંડ, લીંબુનો રસ નાંખી હલાવી, કઠણ કણક બંધાય તેટલો ઘઉંનો લોટ તેલથી મોઈને નાંખવો. પાણી નાંખવાનું નહીં. પછી તેની પૂરી વણી, તેલમાં તળી લેવી. સાથે દહીંની ચટણી બનાવવી.

*

બટાકાનું શાક

સામગ્રી: બટાકા - અડધો કિલો ગ્રામ, ટામેટાં - અઢીસો ગ્રામ, ડુંગળી - બે નંગ, ધાણા પાઉડર -એક ચમચી, આદું - નાનો ટુકડો, આમચૂર - એક ચમચી, મરચું - એક ચમચી, વાટેલો અજમો એક ચમચી, ખસખસ - દોઢ ચમચી, હળદર - પા ચમચી, લીંબુ - એક નંગ, દૂધ – અડધો, લીટર

રીત: બટાકાને મીઠાવાળા પાણીમાં બાફીને છોલી લો. એક તપેલીમાં આદુંની પેસ્ટ, મરચું, થોડું મીઠું અને બટાકાને બરાબર મિક્સ કરી એક એક બટાકાને બદામી રંગના સાંતળો. ખસખસને બારીક ક્રશ કરો. તપેલીમાં ઘી ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી સાંતળો. પછી તેમાં ટામેટા નાખી કોરો મસાલો મિક્સ કરી ઘી છુટું પડે ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં દૂધ રેડી તેમાં સાંતળેલા બટાકા નાખી ધીમી આંચે થોડી વાર રાખી પછી નીચે ઉતારી લો. લીંબુનો રસ છાંટી કોથમીરથી સજાવટ કરો.

*

દમ આલુ

સામગ્રી: બસો ગ્રામ નાની બટાકી, ચોથા ભાગની ટી સ્પૂન હળદર, એક ટી સ્પૂન કસૂરી મેથી, બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર , બે ટેબલ સ્પૂન ક્રીમ , તેલ પ્રમાણસર, મીઠું સ્વાદ અનુસાર, રેડ ગ્રેવી.

રેડ ગ્રેવીની સામગ્રી: ત્રણ ટેબલ સ્પૂન તેલ, ચોથા ભાગની ટી સ્પૂન જીરું, ચોથા ભાગની ટી સ્પૂન હિંગ , પાંચ લાલ કાશ્મીરી મરચાં, ત્રણ તજ, ત્રણ લવિંગ, ચોથા ભાગની ટી સ્પૂન ધાણા, એક ટી સ્પૂન આદુની પેસ્ટ , દસ નંગ લસણની પેસ્ટ, બે ટામેટાનો પલ્પ, એક ટેબલ સ્પૂન ઘાણાજીરુ, એક ટી સ્પૂન ગરમ મસાલો , અડધી ટી સ્પૂન લાલ મરચું, અડધી ટી સ્પૂન હળદર, એક ટેબલ સ્પૂન કાજુ, મગજતરીના બી અને ખસખસની પેસ્ટ , એક ટેબલ સ્પૂન માખણ, એક ટેબલ સ્પૂન દહીં, પાંચ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ, એક ટેબલ સ્પૂન ક્રીમ.

ગ્રેવીની રીત: ગેસ પર કઢાઈમાં તેલ મુકો તેમા જીરું નાખી તતડે એટલે હિંગ નાખો. લાલ મરચાંને પાણીમાં થોડીક વાર પલાળી મિક્સરમાં ક્રશ કરી લો તેમાં તજ-લવિંગ ધાણા નાંખી વાટી પેસ્ટ બનાવી લો. પેસ્ટ તથા આદુ-લસણની પેસ્ટ નાંખી તેને હલાવો. ડુંગળીની પેસ્ટ નાંખી મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો તથા થોડુ પાણી નાંખવું. કાજુ-મગજતરીના બી અને ખસખસની પેસ્ટ નાખી હલાવો. માખણ, દહીં, ટામેટા કેચપ નાખી તેને ખુબ હલાવો. કોથમીર, કસૂરી મેથી અને સહેજ ગરમ મસાલો નાંખી ફ્રેશ ક્રીમ ઉમેરવું. આ રેડ ગ્રેવી તમે કોઈપણ શાક માટે વાપરી શકો છો.

રીત: નાની બટાકી છોલી, કાંટાથી કાણા પાડી લો અડધો કલાક મીઠા-હળદરના પાણીમાં બટાકીઓ રાખી મુકો. આ બટાકીઓને ગરમ તેલમાં તળી નાંખો. હવે રેડ ગ્રેવીને ગરમ કરવા મુકો તેમાં તળેલી બટાકી, કસૂરી મેથી તથા જરૂર પ્રમાણે પાણી ઉમેરો. દસ મિનિટ સુધી તેને ખદખદવા દો. બાદમાં તેને કોથમીર અને ક્રિમથી ગાર્નિશ કરી સર્વ કરો.

*

આલુ ચાટ

સામગ્રી: અઢીસો ગ્રામ નાની બટાકી, લીલી ચટણી બે ચમચા (આદુ, મરચાં અને કોથમીરની ચટણી તેમાં મીઠું અને લીંબુ નાંખવું જરૂરી છે.), ગળી ચટણી બે ચમચાં (ગોળ અને આમલીની), ચાટ મસાલો એક ચમચી.

રીત: નાના બટાકાને કૂકરમાં બાફી લો. છોલી લો અને તેમાં ચપ્પાંથી કાણાં પાડી તળી લો. ઠંડી પડે પછી લીલી ચટણી ગળી ચટણીમાં રગદોળી લો. ઉપરથી ચાટ મસાલો નાંખીને ડીશમાં મૂકીને પીરસો. આ વાનગી પૌષ્ટિક છે.

*

લસણીયા બટાકા અને તળેલા ભૂંગળા

સામગ્રી : 12-14 બેબી પોટેટો, 12-15 લસણની કળી, 1 ડુંગળી ઝીણી સમારેલી, 1 ઈંચ આદુનો ટુકડો, 3 સુકા લાલ મરચા, 1 ટમેટું ઝીણુ સમારેલુ, 2 ચમચી ધાણાજીરૂ, 1 ચમચી જીરૂ, ½ ચમચી લાલ મરચું પાઉડર, 1/8 ચમચી હળદર, ½ ચમચી ચાટ મસાલો, ½ ચમચી ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ, 1 ચમચો+4 ચમચા તેલ, કોથમીર સમારેલી.

રીત : સુકા લાલ મરચાને 2 ચમચા પાણીમાં 10 મિનીટ પલાળી લો. બટેટાને બાફી લો. બાફતી વખતે થોડુ મીઠુ ઉમેરવું જેથી સ્વાદ વધશે. આદુ, લસણ, પલાળેલા મરચા, ટમેટા, ધાણાજીરૂ, હળદર અને મીઠુ મિક્સ કરી એકસાથે મિક્સરમાં ક્રશ કરી લો. એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરી તેમાં બાફેલા બટેટાને 2 મિનીટ મધ્યમ તાપે સાંતળી લો. હવે તેને એક પ્લેટમાં કાઢી લો. કડાઈમાં 4 ચમચા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે તેમાં ટમેટા અને લસણની પેસ્ટ ઉમેરો અને તેમાંથી તેલ છુટે એટલે તેમાં લાલ મરચુ પાઉડર ઉમેરો પછી તેમાં સાંતળેલા બટેટા મિક્સ કરીને 3-4 મિનીટ પકાવો. ગેસ બંધ કરી તેને ઉતારી લો અને કોથમીરથી ગાર્નિશ કરો. ભુંગળા તો માર્કેટમાં મળે છે, તૈયાર લઈને તળી લેવા ! આ કોમ્બીનેશન સ્પાઈસી ખાવા વાળાને બહુ જ ગમશે !

*

આલુ મસાલા

સામગ્રી: 1 રતલ આલુ(બટાકા) નાના નાના લાલ, કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે), મીઠું, લીંબુનો રસ, કોથમીર ઝીણી સમારેલી, ટુથપીક, તેલ, મેથીયાનો મસાલો, તલ,
રીત: સૌપ્રથમ બટાકાને બાફવા. તેલમાં સાંતળીને જરાક કડક કરવા. સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી મેથીનો મસાલો ભભરાવવો. લીંબુ નીચોવી સર્વીંગ ડીશમાં ગોઠવવા. જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી ભભરાવવી. દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી. તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ ભભરાવવું. ઉપર તલ પણ જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.

*

આલુ-તલની ટીક્કી

સામગ્રી: 6 નંગ બટાકા, 1/2 કપ શેકેલા તલ, 1 ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ, 1/2 કપ સમારેલી કોથમીર, 1 ટી સ્પૂન હળદર, 1 કપ ઝીણી સેવ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત: સૌપ્રથમ બટાકા બાફી લેવા અને પછી ઠંડા પડે એટલે તેને મસળીને માવો બનાવી લેવો. ત્યાર બાદ તેમાં શેકેલા તલ, વાટેલાં આદું-મરચાં, સમારેલી કોથમીર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિકસ કરો. તેમાંથી ગોળ આકારની ટીક્કી બનાવી લો. દરેક ટીક્કીને સેવમાં રગદોળો. એક કડાઇમાં તેલ ગરમ કરી બધી ટીક્કીને આછા બ્રાઉન રંગની તળી લો. ગરમાગરમ ટીક્કીને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

*

સ્પાઇસી આલુ સ્લાઇઝ

સામગ્રી: 3 નંગ મોટા કઠણ બટાકા, 1/2 કપ ચોખાનો લોટ અથવા ચણાનો લોટ, 2 મોટી ચમચી, આદું-મરચા-લસણની પેસ્ટ, સીંગદાણા ઝીણાં ક્રશ કરેલા, -ચપટીક હળદર, ચપટીક હીંગ, તેલ તળવા માટે, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ બટાકાને છોલીને એકદમ પાતળી નહીં અને જાડી પણ નહી તેવી સ્લાઇઝ કરી લો. હવે થોડો ચોખાનો લોટ તથા ચણાનો લોટ લઇને તેમાં પ્રમાણસરનું પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં મીઠું, મરચું, હીંગ તથા અજમો નાખવો. હવે બટાકાની ચિપ્સ લઇને તેની બંને તરફ આદું-મરચાં-લસણ તથા સિંગની બનાવેલી ચટણી લગાવો. ત્યાર બાદ તેની પર બીજી એક સ્લાઇસ લગાવી લો. બંને જોઇન્ટ કરેલી સ્લાઇઝને ખીરામાં પલાળીને તેલમાં તળવી. જ્યાં સુધી સ્લાઇઝ કરકરી ન થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે તળવી. આ રીતે બધા ભજિયા તળીને કીચન પેપર પર મૂકવા જેથી વધારાનું તેલ શોષાઈ જાય. આલુ સ્લાઇઝ ભજિયાને તમે કોથમીર કે લસણની ચટણી કે ગળી ચટણી સાથે સર્વ કરી શકો છો.

*

દૂરી બનારસી આલુ

સામગ્રી : 100 ગ્રામ નાના બટાટા, 250 ગ્રામ દહીં, 25 ગ્રામ આદું-લસણની પેસ્ટ, 15 ગ્રામ લાલ મરચું પાવડર, 75 ગ્રામ તેલ, 25 ગ્રામ ગરમ મસાલો, 250 ગ્રામ સૂંઠ ચટણી, 25 ગ્રામ આદું, 10 ગ્રામ મેથી, 35 ગ્રામ કોથમીર, 15 ગ્રામ લસણ, મીઠું સ્વાદાનુસાર.

રીત : સૌપ્રથમ બેબી બટાટાને આદું-લસણની પેસ્ટ, તેલ, લાલ મરચું પાવડર અને મીઠાના મિશ્રણમાં મેરિનેટ કરી દો. હવે તેને થોડું પાણી નાખીને લગાનમાં થોડા સમય માટે સાંતળી લો. ત્યાર બાદ તેને ઠંડા થવા દો. હવે બટાટામાં તંદૂરી મસાલો એટલે કે દહીં, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, તેલ અને મેથી નાખીને બરાબર મિક્ષ કરીને નાખો. બટાટાને બરાબર મિક્ષ કરીને એક સળિયામાં ભરાવીને તંદૂરમાં શેકી લો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યારે તેને તંદૂરમાંથી બહાર કાઢો. હવે આ બટાટાને વચ્ચે કાપો મૂકીને બે કટકા કરો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું અને લસણ નાખીને સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ સૂંઠ ચટણી, બટાટા અને ચાટ મસાલો નાખીને બરાબર સાંતળો. એકાદ મિનિટ બાદ કોથમીરથી ગાર્નિશ કરીને તંદૂરી બનારસી આલુ સર્વ કરો.

*

આલુ બાસ્કેટ ચાટ

સામગ્રી: 500 ગ્રામ નાના બટેટા, 200 ગ્રામ ઉગાડેલા મગ-મઠ, 1 નંગ કાકડી, 2 નંગ ટમેટા, 1 નંગ દાડમ, 100 ગ્રામ ઝીણી સેવ, 1 વાટકી ગળી ચટણી, 2 ચમચા તીખી ચટણી, 1 ચમચો કોથમીર, 1 ચમચો ચાટ મસાલો, 1 ચમચો જીરૂં પાવડર, ફૂડ કલર પ્રમાણસર, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ બટેટા ધોઈને મીઠું નાખીને બાફી લો. તેના બે ભાગ કરો. છાલ ઉતારી લો. અડધા-અડધા બટેટાને વચ્ચેથી સ્કુપ કરીને વચ્ચેનો ગર કાઢી લો. તેથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. તેના ત્રણ ભાગ પાડો. રેડ-ગ્રીન-યલો ફુટ કલર જરા જરા લો તેમાં પાણી મીક્સ કરો અને તેમાંથી બાસ્કેટને કલર કરો. તેથી રંગ બેરંગી આલુ બાસ્કેટ તૈયાર થશે. મગ-મઠ બાફી લો. કાકડી ટમેટાના નાના-નાના પીસ કરો. દાડમ છોલી લો. આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો તેના ઉપર મગ-મઠ નાખો. તેના ઉપર કાકડી ટમેટાના ઝીણા પીસ નાખો. તેમાં મીઠુ-જીરૂંનો પાવડર નાખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ, ચાટ મસાલો, ગળી ચટણી, તીખી ચટણી, કોશમીર નાખીને બધા બાસ્કેટ તૈયાર કરો. બીજી રીતે બાસ્કેટ ગોઠવવા હોય તો ત્રણ કલરના બાસ્કેટ મૂકો. તેની અંદર તીખી ચટણી લગાડો. તેમાં મગ-મઠ-ગળી ચટણી અને સેવ નાખો. પ્લેટમાં બાસ્કેટ મૂકીને આજુબાજુ કાકડી-ટમેટાના પીસ, દાડમના દાણા, ગળી ચટણી, સેવ, કોશમીર, સ્કુપ બટેટાના પીસ ગોઠવો. સર્વ કરો. ફુડ કલરની બદલે બીટનો રસ- કેસર અને ગ્રીન ચટણી વાપરીને કલરફુલ બાસ્ટેક બનાવી શકાય.

*

આલુ બિરયાની

સામગ્રી: 500 ગ્રામ બાસમતી ચોખા, 300 ગ્રામ બટાકા, 100 ગ્રામ ટામેટા, 2 ડુંગળી, 7 કળી લસણ, 3 લીલાં મરચાં, 1 કટકો આદું, 1/2 ઝૂડી લીલા ધાણા, 1/2 કપ દહીં, 2 ટેબલ સ્પૂન માખણ, 1 ટી સ્પૂન ગરમ મસાલો, 1 ટી સ્પૂન ધાણાનો પાઉડર, 1 ટી સ્પૂન જીરુંનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર, હળદર, ખાંડ, તેલ.

રીત: સૌપ્રથમ ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊકળે એટલે ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા. બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરું નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો. એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. ઉપર માખણ અને લીલા ધાણા નાખવા. પ્રિહીટેડ ઓવનમાં 2000 ફે. તાપે 10 મીનીટ રાખી બરાબર સિઝી જાય એટલે કાઢી લેવી.

*

આલુ રાયતું

સામગ્રી : 2 કપ દહીં, 2 નંગ બાફેલા બટાટા, 1 નંગ લીલું મરચું, 1 ટી સ્પૂ શેકેલું જીરું, 1/4 ટી સ્પૂન લાલ મરચું પાઉડર, 1/2 ટી સ્પૂન સમારેલી કોથમીર.

રીત: સૌપ્રથમ દહીંની સ્મૂધ પેસ્ટ બનાવી લો. તેમાં મીઠું, લાલ મરચું, લીલાં મરચાં અને જીરું પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે દહીંમાં બાફેલા બટાટા મિક્સ કરી લો. રાયતાને સમારેલી કોથમીર, લાલ મરચું અને જીરું સાથે ગાર્નિશ કરી સર્વ કરો.

***