Pincode - 101 - 110 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 110

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિન કોડ - 101 - 110

પિન કોડ - 101

પ્રકરણ-110

આશુ પટેલ

કાણિયાના અડ્ડામાં પ્રવેશવાના બેકરી બાજુના રસ્તા પર પોલીસના એક ડઝનથી વધુ વાહનો ખડકાઈ ગયા હતાં અને એમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા. પોલીસને આવેલી જોઈને કાણિયાના વફાદાર દુકાનદારો બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ પોલીસને જોઈને બેકરીમાં ઊભેલો અબ્દુલ અંદરની તરફ દોડ્યો હતો અને દોડતા દોડતા તેના એક માણસને બૂમ મારીને બેકરીનું શટર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેણે દોડતા દોડતા જ કોલ લગાવ્યો હતો અને કાણિયાના એક વફાદાર માણસને જાણ કરી હતી કે બેકરીની બહાર પોલીસ આવી ગઈ છે. તેને એમ હતું કે થોડા કલાકો પહેલા સાહિલ અને મોહિની ભાગી છૂટ્યાં એ વખતે ગોળીબાર થયો એના કારણે પોલીસ આવી ચડી છે.
અબ્દુલના માણસે બેકરીનું શટર બંધ કરી દીધું, પણ બીજી બાજુ કાણિયાએ તેના માણસને કહ્યું હતું કે તમે બેકરી તરફ દોડો અને અબ્દુલને કહો કે પોલીસને અંદર આવતા રોકે. એ સાથે તેણે તેની સામે ઊભેલા બીજા ગુંડાઓને પણ બેકરી તરફ ધસીને પોલીસને અટકાવવાની કોશિશ કરવા કહ્યું હતું. એ વખતે તે દિશાશૂન્ય થઈ ગયો હતો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ કહેવત સાર્થક કરતો હોય એમ તે બેકરીની પાછળના બાથરૂમમાં તાજી ચણાવેલી દીવાલ તોડવાનો આદેશ પણ આપી બેઠો હતો. એ પછી તે ઈશ્તિયાક સાથે ઝઘડવામાં વ્યસ્ત થઈ ગયો હતો એટલે તેને બીજી કોઈ સૂચના આપવાની તક મળી નહોતી.
કાણિયા અંદર ઈશ્તિયાક સાથે ભેજાફોડી કરી રહ્યો હતો એ દરમિયાન તેના કેટલાક ગુંડાઓ બેકરીની પાછળના ભાગમાં પેલા બાથરૂમની તાજી ચણેલી દીવાલ તોડવામાં વ્યસ્ત હતા. અને કાણિયાએ જેમને અંદરથી બહાર તરફ ધકેલ્યા હતા એ ગુંડાઓ એ રસ્તો ખુલ્લો થાય એની રાહ જોઈ રહ્યા હતા.
કાણિયાના આદેશને કારણે અબ્દુલે ફરી વાર અડધું શટર ખોલાવ્યું. અને તેણે પેનિક થઈને પોલીસ ટીમ તરફ ગોળીબાર કર્યો.
એ પછીની થોડી ક્ષણોમાં અબ્દુલ અને તેના સાથીદારોની લાશો પડી ગઈ હતી અને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર દીઘાવકરની આગેવાની હેઠળની સ્ટ્રાઈકિંગ ફોર્સના કમાન્ડો બેકરીની અંદરના ભાગમાં ધસી ગયા હતા. તેમણે બેકરીની પાછળના ભાગમાં છુપાયેલા અને પેલી તાજી ચણાયેલી દીવાલ તોડી રહેલા બદમાશોને પણ ગોળીએ દીધા હતા. અડધી તૂટેલી દીવાલમાંથી અંદરની બાજુએ ગોઠવાયેલા ગુંડાઓએ ગોળીબાર શરૂ કર્યો.
આ દરમિયાન બેકરી તરફની પોલીસ ફોર્સની આગેવાની સંભાળી રહેલા ડીસીપી વેંકટેશમના માર્ગદર્શન સાથે સિનિયર ઈન્સ્પેક્ટર અવચટની ક્રાઉડ કંટ્રોલ ટીમે બહાર જમા થયેલા દુકાનદારોને વિખેરી નાખ્યા હતા. દુકાનદારો અબ્દુલ અને તેના સાથીદારોની હાલત જોઈને ગભરાઈ ગયા એટલે મૌલવીના ઘર તરફ જે સ્થિતિ સર્જાઈ હતી એવી નોબત એ તરફ ઊભી ના થઈ.
સિનિયર ઈન્સ્પેક્ટર દીઘાવકરે ડીસીપી વેંકટેશમને કહ્યું કે બેકરીની પાછળના બાથરૂમની અડધી તૂટેલી દીવાલ પાછળથી પોલીસ પર ફાયરિંગ થઈ રહ્યું છે. વેંકટેશમે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને લો ઈન્ટેન્સિટીના હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો. બધા પોલીસમેન બાથરૂમથી થોડા મીટરના અંતરે ઊભા રહી ગયા અને એન્ટિ ટેરર સેલના એક તાલીમબદ્ધ કમાન્ડોએ હેન્ડ ગ્રેનેડની પીન ખેંચીને એને બેકરીની પાછળના બાથરૂમમાં પેલી અડધી તૂટેલી દીવાલ તરફ ફેંક્યો. અને પછી તે પણ પાછલા પગે બાથરૂમથી થોડા મીટર દૂર હટી ગયો. હેન્ડ ગ્રેનેડનો જોરદાર વિસ્ફોટ થયો એ સાથે પેલી અડધી તૂટેલી દીવાલની સાથે પોલીસમેન ઊભા હતા એ દિશાની દીવાલ પણ ફૂંકાઈ ગઈ. અને તેની પાછળ છુપાયેલા બદમાશોમાંથી બેની ખોપડીના પણ ફુરચા ઊડી ગયા. અંદરની દીવાલના ઉડેલા અવશેષોએ અંદરથી ગોળીબાર કરી રહેલા બદમાશોમાંથી બેને જખમી કરી દીધા. બહારની દીવાલના અવશેષો પણ ભારે વેગ સાથે ઊડ્યા અને એમાંનો એક ટુકડો દીઘાવકરને જાંઘમાં વાગ્યો અને બીજો ટુકડો એક કમાન્ડોના કપાળમાં અથડાયો.
હાથબૉમ્બના વિસ્ફોટને કારણે બે બદમાશો માર્યા ગયા એ જોઈને તેમના બચી ગયેલા સાથીદારો ડઘાઈ ગયા. તેમને મોત નજર સામે દેખાઈ ગયું અને તેઓ પોલીસનો સામનો કરવાને બદલે પાછા ઈશ્તિયાક અને કાણિયા હતા એ રૂમ તરફ દોડ્યા.
* * *
ઓમર હાશમીએ વાઘમારેને કહ્યું કે બાથરૂમમાં દરવાજો છે. વાઘમારેએ તેને આગળ ધકેલ્યો. ઓમરે ડરતાં ડરતાં વોર્ડરોબનો દરવાજો ખોલ્યો. તે આખો ધ્રૂજી રહ્યો હતો. તેને પોલીસ સાથે આવેલો જોઇને ભાઇજાન અને કાણિયા જીવતો છોડશે નહીં એવી તેને ખાતરી હતી. પણ તે રસ્તો ના બતાવે તો પોલીસ તેને મારી નાખશે એવો ભય પણ તેના પર તોળાઇ રહ્યો હતો. તેણે વોર્ડરોબમાથી કપડાં હટાવ્યાં અને પાછળનો ગુપ્ત દરવાજો ખોલ્યો. એ સાથે અંધાધૂંધ ગોળીઓ છૂટી. આગળ ઊભેલા ઓમર હાશમીને કારણે વાઘમારે બચી ગયા. તેમની બાજુમાં ઊભેલા એક કમાન્ડોની છાતીમાં જમણી બાજુ એક ગોળી વાગી, પણ તે કમાન્ડોએ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું એટલે તે બચી ગયો. પેલા બદમાશોને તક મળે એ પહેલાં તેણે પોતાની એકે ફિફ્ટી સિક્સમાંથી ગોળીબાર કરીને બે બદમાશોને ઢાળી દીધા. ઓમર હાશમીની આડશ લઇને વાઘમારેએ એક બદમાશને ગોળી મારી દીધી. એ દરમિયાન એક ગોળી તેમની જમણા હાથની આંગળીને છરકો કરીને તેમની પાછળ ઊભેલા એક કમાન્ડોના બુલેટપ્રૂફ જેકેટમાં અથડાઈને નીચે પડી. એ વખતે એ રૂમની વચ્ચેના ગુપ્ત દરવાજામાંથી ઉપર આવી રહેલા બે બદમાશ જીવ બચાવવા પાછા ભાગ્યા. વાઘમારેએ ગોળીઓથી વીંધાઇ ગયેલા ઓમર હાશમીને ફર્શ પર પડતો મૂક્યો અને પેલા બદમાશો એ દરવાજો બંધ કરે એ પહેલા તેમણે ઉપરથી તેમના પર ગોળીબાર ર્ક્યો. એક બદમાશ નીચે પટકાયો. બીજો બદમાશ કાણિયા જે જગ્યાનો ઓફિસ તરીકે ઉપયોગ કરતો હતો એ હોલ તરફ ભાગ્યો.
વાઘમારે અને એન્ટી ટેરરિસ્ટ સેલના કમાન્ડોઝ ધડાધડ એ રૂમમાંથી નીચે ઊતરીને તેની પાછળ ધસ્યા. પેલો બદમાશ કાણિયા અને ઇશ્તિયાક હતા એ રૂમ તરફ દોડ્યો.
* * *
ઇશ્તિયાકે નતાશાને લાવવાનો આદેશ આપ્યો એટલે એક બદમાશ લોડેડ પિસ્તોલ સાથે નતાશાના રૂમ તરફ દોડ્યો. સામાન્ય રીતે બે જણા નતાશાને, મોહિનીને કે સાહિલને લેવા જતા હતા, પણ અત્યારે જુદી સ્થિતિ હતી. ઈશ્તિયાકે પોતાના એક સાથીદારને ગળું ચીરીને મારી નાખ્યો હતો અને સાહિલને કારણે આઠ બદમાશો માર્યા ગયા હતા. બીજી બાજુ પોલીસને અટકાવવા માટે કેટલાક ગુંડાઓને મૌલવીના ઘર તરફ અને બેકરી તરફ, બંને બાજુએ ધસી જવાનો આદેશ કાણિયાએ આપ્યો હતો.
ઇશ્તિયાક જે રૂમ વાપરતો હતો એ રૂમમાં હવે ઇશ્તિયાક અને કાણિયા તથા પેલો વૈજ્ઞાનિક અને એના સહાયકો તથા બે ડૉક્ટર જ હતા.
તે ગુંડો લોડેડ પિસ્તોલ સાથે નતાશાને જ્યા રખાઈ હતી રૂમ તરફ દોડ્યો. પેસેજમાં જે રૂમમાં નતાશાને રખાઇ હતી એ રૂમનો દરવાજો બહારથી ખોલીને તે બદમાશ અંદર ધસ્યો.
પોલીસે બધી બાજુથી ઘેરી લીધા છે એ જાણીને એ બદમાશ પણ પેનિક થઇ ગયો હતો. તેણે ભયમિશ્રિત રોષ સાથે બૂમ પાડી: ‘બહાર નિકલ સાલી કુત્તી.’
નતાશા સમજી કે આ બદમાશ તેને મારી નાખવા આવ્યો છે. સાહિલને જે વિચાર થોડા કલાકો પહેલા આવ્યો હતો એવો જ વિચાર નતાશાના મનમાં ત્રાટક્યો. તેણે સેક્ધડના છઠ્ઠા ભાગમાં તેનો સામનો કરવાનો નિર્ણય લઇ લીધો. આમ પણ મરવાનું જ હતું તો બચવાની કોશિશ કેમ ના કરવી? જો કે તેણે દેખાવ એવો ર્ક્યો કે તે જાણે અત્યંત ડરી ગઇ હોય. તે બેડ પરથી ઊભી થઇ. પેલો બદમાશ તેની નજીક આવી ગયો હતો. તેણે તેની સામે પિસ્તોલ તાકીને કહ્યું, ‘આગળ ચાલવા માંડ.’
નતાશાએ તેના આદેશનું પાલન ર્ક્યું. તે દરવાજા તરફ આગળ વધી. તે દરવાજાથી એકાદ ફૂટ પહોંચી ત્યારે તેણે પોતાના જમણા પગથી વીજળીવેગે પાછળની તરફ લાત મારી. તેનો પગ પ્રચંડ વેગ સાથે તેની પાછળ ચાલી રહેલા બદમાશના જમણા ઘૂંટણમાં અથડાયો. પેલો હજી કંઇ સમજે એ પહેલાં તો તે નીચે પટકાયો. તેણે ઘાંઘા થઇને ટ્રિગર પર આંગળી દબાવી દીધી. પિસ્તોલમાંથી ગોળી છૂટી પણ એ વખતે તે ફર્શ પર પટકાઇ રહ્યો હતો એટલે તેની પિસ્તોલમાંથી છૂટેલી ગોળી રૂમની છત સાથે અથડાઇને નીચે પડી. તે બદમાશ પીઠભેર ફર્શ પર પડ્યો અને તેની કરોડરજ્જુમાં માર પડ્યો. તેનાથી ચીસ પડાઇ ગઇ. તેને કલ્પના પણ નહોતી કે આ રૂપાળી અને સેક્સી લાગતી છોકરી આટલી આક્રમક હશે અને આ રીતે તેના પર હુમલો કરી દેશે.
તે બદમાશને નતાશાના અણધાર્યા પ્રહારથી શારીરિક રીતે અને માનસિક રીતે કળ વળે એ પહેલાં માર્શલ આર્ટ ચેમ્પિયન નતાશા તેના પર ગજબનાક ઝડપે ત્રાટકી. તેણે તેના બે પગ વચ્ચે પૂરી તાકાતથી લાત મારી. તે બદમાશ બેવડો વળી ગયો. તેની પિસ્તોલ પરથી પકડ ઢીલી થઇ ગઇ. એજ વખતે નતાશાએ તેના નાક પર અને પછી તેના હાથ પર લાત મારી. તે બદમાશના હાથમાંથી પિસ્તોલ છટકી ગઇ. વેદનાથી કણસી રહેલો બદમાશ કંઇ સમજી શકે એ પહેલાં તો નતાશાએ તે પિસ્તોલ પોતાના હાથમાં લઇ લીધી. નતાશા નેશનલ શૂટિંગ ક્લબમાં તાલીમ લઇ ચૂકી હતી. એ તાલીમ તેને અત્યારે કામ લાગી. તેણે તે બદમાશની છાતીમાં અને કપાળમાં ગોળી ધરબી દીધી.
માણસ મરણિયો બને ત્યારે પરિણામની પરવા નથી કરતો. અને નતાશા માટે તો આ છેલ્લી તક હતી. વળી તેને એ પણ ચિંતા હતી કે આ બદમાશોની ધમકીને કારણે સાહિલ પાછો આવશે તો આ બદમાશો તેને પણ મારી નાખશે.
તે પિસ્તોલ સાથે બહાર નીકળી. તેણે પેસેજના જમણા છેડે ઇશ્તિયાકના રૂમનો દરવાજો ખુલ્લો જોયો અને ત્યાંથી ઊંચા અવાજે બોલાતા શબ્દો સાંભળ્યા. તે બીજું કશું જ વિચાર્યા વિના એ તરફ દોડી. ગજબનો જોગાનુજોગ સર્જાયો હતો. સાહિલે જે રીતે તેના રૂમમાં આવેલા બદમાશોને મારી નાખ્યા હતા એ જ રીતે નતાશાએ પણ તેના રૂમમાં આવેલા બદમાશને મારી નાખ્યો હતો. અને પછી સાહિલ જે રીતે પેલા બદમાશોની પિસ્તોલ સાથે બહાર ધસી ગયો હતો એ જ રીતે નતાશા પણ ધસી ગઈ હતી. ફરક એટલો હતો કે સાહિલ એ રીતે ધસી ગયો એ વખતે ઈશ્તિયાક અને કાણિયા સહિત બધા બદમાશો ગાફેલ હતા. પણ અત્યારે બહાર પોલીસ આવી ગઈ હતી એને કારણે ઈશ્તિયાક, કાણિયા અને તમામ બદમાશો એકદમ એલર્ટ હતા!

(ક્રમશ:)