Saraswatichandra - 4.4 - 14 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 14

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૪ : આરાત્રિક અથવા આરતી

સુંદર વેણ વાગી ! વેણ વાગી !

વેણ વાગી ને હું જાગી ! - સુંદર ૦

(પ્રાસ્તાવિક)

શું નટવર વસંત થેઈ નાચી રહ્યો રે !

નાચી રહ્યો ! જગ નચાવી રહ્યો ! નટવર ૦

(પ્રાસ્તાવિક)

મને રાસ જોયાના કોડ, વહાલા !

મને રાસ રમ્યાના કોડ, વહાલા !

મને થેઈ થેઈ રાસ રમાડ, વહાલા !

(પ્રાસ્તાવિક)

વાંચનાર ! ઘણો લાંબો પ્રયાસ કરી આપણે પાછા મુંબઈનગરીમાં આવીએ છીએ. કુસુમને લઈ મુંબઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ પૂરું થઈ ગયું. એમના ઉપર ગુણસુંદરીના પત્રો આવતા તેથી એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી અને કુમુદના સ્વાસ્થ્યથી, એના સુખનો પ્યાલો ઊભરાતો હતો. રત્નનગરીમાં ગુણસુંદરીનો કાળ હવે વિદ્યાનંદમાં નિર્વિઘ્ન જતો હતો ને પરદેશ પડેલી ભત્રીજીઓની વાતો સુંદર ભાભીજીના કાનમાં આખો દિવસ ખુશ કર્યાં કરતી તે વિના ગુણસુંદરીને બીજી ચિંતા કે કામ રહ્યું નહીં. વિદ્યાચતુર રાજ્યકાર્યમાં રોકાયેલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતો; પણ જ્યારે કંઈ લખવાને અવકાશ મળતો અને એના પત્ર આવતા ત્યારે ત્યારે તે સુતા-જામાતાનાં કલ્યાણકાર્યની વૃદ્ધિના સમાચાર પૂછાવતો ને પોતાની ભણીની અનુભવભરી સૂચનાઓ કરતો. સુંદરગૌરી કુસુમ ઉપર પત્ર લખતી અને કાકીભત્રીજી વચ્ચે જુદી જાતની પણ ટપાટપી અને ટકોરો તો હજી સુધી ચાલ્યાં જ કરતી ને કુસુમ સરસ્વતીચંદ્રને વંચાવી વિનોદ આપતી હતી. સરસ્વતીચંદ્ર પાસે, શાસ્ત્રી ને સાધુજનો પાસે, ને મડમો પાસે પોતાનાં જ્ઞાન, કળાઓ અને ઉચ્ચગ્રાહ વધતાં હતાં તેનું કુસુમ પોતાના ઉત્તરમાં સવિસ્તર વર્ણન માતાને ને બહેનને લખતી હતી.

સુંદરગિરિ ઉપર બુદ્ધિધન અને નરભેરામ બે આવ્યા હતા. તે પાછા સુવર્ણપુર ગયા ત્યારે માર્ગમાં વાત નીકળતાં નરભેરામે કબૂલ કર્યું હતું કે પ્રમાદધનને વિદ્યાચતુરની સૂચના પ્રમાણે રાખ્યો હોત તો સુંદર ફળ નીવડત ને વિદ્યાચતુરને લાગ્યું હતું કે વધારે સૂક્ષ્મ ચતુરતા વાપરી હોત તો ન્યાય થાત, પ્રમાદ સુધરી જીવત, ને કુમુદ સુખી થાત. કુમુદસુંદરી સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો; અને નણંદભોજાઈ બુદ્ધિધન સ્વસ્થતાથી કારભાર કરે એમ એની સંભાળ રાખવા - ને દેવીએ મૂકેલા બાળકને રમાડી કલ્લોલ કરવા - લાગ્યાં. અને એ બાળક મોટો થાય તેમ તેમ શી શી ચિંતાઓ કરવી તે કદી કદી આજથી વિચારતાં. સંસ્કૃત અને અંગ્રેજી પુસ્તકોમાંથી અનેક જ્ઞાનવાર્તાઓ અને શૃંગાર વિનાના સર્વ વિષયો કુમુદસુંદરી ઘરમાં બેસી વાંચતી, ને અનેક સ્ત્રીઓ આવતી તેને સમજાવતી અને શીખવતી. થોડો કાળ એ ગુણસુંદરી પાસે જઈ આવતી અને સુંદરગિરિ ઉપર પરિવ્રાજિકાશ્રમની - તેમ સુભદ્રાના મુખ આગળ માતાના બેટમાં જઈ પોતાના સરસ્વતીચંદ્રના, અને સંસારના કલ્યાણનું બીજ વાવનારી ચંદ્રાવલીની - અતિથિ થઈ આવતી અને એ પરમ સાધુજન પાસેથી એ નવાનવા ઉપદેશ આણતી ત્યારે કોઈ કોઈ વેળા અલકકિશોરી પણ એની સાથે જતી. હવે તો કુસુમનાથી છૂટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા, તેથી મુંબઈ જઈ આવવાનું ઉઘાડું ધાર્યું. બાકી કુસુમનું સુખ, સરસ્વતીચંદ્રની સ્વસ્થતા અને જીવનસફળતા, અને કલ્યાણગામના મનોરાજયના મહાયજ્ઞની જ્વાળાઓ અને તેનાં હોમહવનકાર્યની વૃદ્ધિ - સર્વ વિષયે સરસ્વતીચંદ્રના સ્વહસ્તાક્ષર સહિત કુસુમના બીજેત્રીજે સવિસ્તર પત્ર આવતા. એ પત્રોમાંના સમાચારના વિષય પ્રત્યક્ષ કરવા એ બે જણ કુમુદને મુંબઈ આવવા ફરી ફરી લખતાં હતાં. પોતાને પણ એ સમારંભમાં ગંગા જેવી કુસુમનું યમુનાકૃત્ય કરવાનો અભિલાષ હતો તે સિદ્ધ કરવા મુંબઈ જવાનો કુમુદના મનમાં ઘણા દિવસનો સંકલ્પ હતો તે આ પ્રસંગથી ઉઘાડો કરવાનું નિમિત્ત મળ્યું. કુમુદની સાથે અલકકિશોરીને પણ મુંબઈ આવવા તેડાં થતાં હતાં અને તેને પોતાની સાથે મોકલવા કુમુદે શ્વસુર પાસે માગી લીધું હતું એટલે પોતાના ઘરમાં નવીનચંદ્ર થઈ ઠગ પેઠે વેશ ધારી રહી ગયેલાને મહેણાં દેવાને અલકે પણ ભાભીની સાથે મુંબઈ જવાનું ધાર્યું.

મુંબઈમાં સરસ્વતીચંદ્રના કલ્યાણગ્રામની યોજના ચર્ચાઈ ચર્ચાઈને પૂરી થવા આવી હતી, અને તેના ‘ટ્રસ્ટ’ના લેખ ઉપર પિતાપુત્રની સહીઓ પણ થઈ ગઈ હતી. હવે મુંબઈની ભરવસ્તીથી આઘે સ્વચ્છ સુંદર સ્થાને સમુદ્રની પાસે એ ગ્રામ માટે જગા વેચાતી રાખવાનો વિચાર ચાલતો હતો. કોટમાં સરસ્વતીચંદ્રની ઑફિસને માટે એક આખો પથ્થરનો મહેલ રાખવામાં આવ્યો હતો - તેમાં લક્ષ્મીનંદનની ‘મિલ’ની ‘ઑફિસ’ હતી, એના બીજા વ્યાપારની ‘ઑફિસ’ હતી, અનેક દેશના વિદ્વાનોને અને દેશભક્ત જનોને તેમ આ દેશના હિતચિંતક પરદેશીઓને એકઠાં મળવાને અને લોકહિતના વિચાર ચર્ચવાને માટે પણ એક ‘ઑફિસ’ હતી, એ ઑફિસોનું નામ ‘કક્ષાઓ’ પાડ્યું હતું, અને સૂત્રયંત્રકક્ષા, વ્યાપારકક્ષા અને સમાજકક્ષા નામોથી એ ઑફિસો ઓળખાતી હતી. આખા મહેલનું નામ ‘લક્ષ્મી-સરસ્વતી-વિલાસ-મંદિર’ રાખ્યું હતું. એ મંદિરના ગોપુરદ્વારને શિખરભાગે લક્ષ્મીનંદનની મુખાકૃતિ કોતરી હતી. અને પહેલે માળે એક આગલી કક્ષા કલ્યાણગ્રામના સ્થપતિઓ-ટ્ઠષ્ઠિરૈીંષ્ઠંજ - ને માટે હતી. વિદ્વાન દીર્ઘદર્શી સ્થપતિઓ તેમાં આખો દિવસ બેસી, નકશાઓ લઈ યોજનાઓ કરતા ને આ કક્ષાને સામાન્ય મનુષ્યો ઇજનેરી ઑફિસને નામે ઓળખતાં. તેની જોડે એક બીજી કક્ષામાં કલ્યાણગ્રામના આશ્રમીઓને અને અંતેવાસીઓને માટે યોજનાઓ થતી અને તેમાં દેશદેશના અને ભાતભાતના સમર્થ વ્યાપારીઓ અને વિદ્વાનો ભરાતા અને ચર્ચામાં ભળતા. સૌની પાછળ એક મોટી કક્ષા સરસ્વતીચંદ્રને પોતાને બેસવાની હતી. તેમાં બે ખંડ હતા. તેમાંથી એકમાં પોતે બેસતો, અન્ય કક્ષાઓના કાર્યની નિરીક્ષા રાખતો, ને વિહારપુરી અને જ્ઞાનભારતીદ્વારા વિષ્ણુદાસજી સાથે જ્ઞાનમાર્ગનો પત્રવ્યવહાર રાખતો. બીજા ખંડમાં કુસુમ અને તેને મળવા આવનારી સ્ત્રીઓ બેસતી. આ બે ખંડનાં પાછલાં દ્વાર સમુદ્ર ભણી પડતાં અને તેમની ને સમુદ્રની વચ્ચે કોઈ પડદો ન હતો. ગુમાન આવતી ત્યારે કુસુમની સાથે બેસતી ને કલ્યાણગ્રામની યોજનાઓ સમજતી. લક્ષ્મીનંદન આવતા ત્યારે નીચેની અને ઉપરની સર્વ કક્ષાઓમાં ફરતા અને દેખરેખ રાખતા, પણ એનું મુખ્ય પ્રધાન પુત્રના મહાકાર્યમાં વાપરવાનું સરવાયું જોવામાં હતું, અને એને પણ એ કાર્યમાં અંશભાગી થવાનો અને આવા પરોપકારી પુત્રને જોઈ કૃતકૃત્યતા માનવાનો અભિલાષ થયો હતો. આ સરવાયું પૂરું તો નીકળ્યું ન હતું પણ અડસટ્ટે લોકમાં માત્ર દસપંદર લાખ ગણાતી મિલકતની ઊપજ જ બેત્રણ લાખની જણાઈ, અને પાંચેક લાખની મિલકત તો ઊપજ વિનાની હતી. તે ઉપરાંત સરસ્વતીચંદ્રની પાસેથી મિલકત જુદી અને કુસુમને મળેલાં કન્યાદાન ને મણિરાજના કર્મભવનમાંથી મળવાનું હતું તે જુદું.

આ ઉપરાંત બહારકોટમાં, વાલકેશ્વર અને મહાલક્ષ્મી આગળ પણ શેઠના બંગલા હતા. તેમાંથી જ્યાં જ્યાં પોતે જાય ત્યાં ત્યાં આઘેની ને પાડોશમાંની સર્વ સ્ત્રીઓને બોલાવી, આકર્ષી, કુસુમ તેમને વિદ્યા, કળા અને વિનોદની રસિયણ કરી દેતી હતી. સરસ્વતીચંદ્રને માટે વાલકેશ્વરનો બંગલો રાખેલો હતો અને તેના શૃંગારની યોજના કરવામાં ગુમાન પોતાનો બધો કાળ ગાળતી. ભાઈને આ જોઈશે ને વહુને આ દીપશે - આ ચિંતામાં ગુમાન ઝવેરીઓને ત્યાં અને કાપડિયાઓને ત્યાં અથડાતી. વાલકેશ્વરના બંગલાના ખંડેખંડમાં ફરી વળતી, અને તેની સામગ્રીમાં દેશી સ્ત્રીઓ, પારસી ‘બાનુઓ’ અને અંગ્રેજ મડમોના બંગલા અને તેના ખંડો જોઈ જોઈ રોજરોજ નવા ફેરફાર કરાવતી. ગુમાન, અદેખી અપરમાતા મટી, વહુઘેલી સગી માતાની પેઠે હવેરી હવેરી ફરતી અને આવી અનેક મેડમોને અને દેશી હિંદુ સ્ત્રીઓને પૂછી કુસુમના ને એના ગૃહના શૃંગાર વધારતી. કુસુમને પગલે લક્ષ્મીનંદનના મંદિરમાં આનંદની અહોનિશ વૃષ્ટિ થઈ રહી ને ધનાઢ્ય શેઠની વૃદ્ધાવસ્થામાં ઉદ્યોગ, સુખ અને શાંની વ્યવસ્થા દેખી હરિદાસ પણ પોતાની સેવા સફળ થઈ માનતો.

એ સર્વ સુખમાં લક્ષ્મીનંદનને માત્ર એકબે વાતનો ઊંડો અસંતોષ હતો. જે ખંડમાં સરસ્વતીચંદ્રે કુમુદસુંદરીની મોટી છબી રાખી હતી તે ખંડમાં એ છબી આગળ કન્થા પહેરી ઊભો રહેતો અને કવચિત્‌ અશ્રુપાત કરતો એને લક્ષ્મીનંદને દીઠેલો હતો. તેમ કેટલીક વાર તો કુસુમની પાસે પણ કન્થા પહેરીને ફરતો.

વળી થોડા દિવસ થતાં તો કુસુમને માટે પણ કન્થા કરાવી હતી ને કુમુદસુંદરીની કન્થા પહેરેલી એક મોટી છબી કઢાવી વરકન્યા સજોડે ભગવી કન્થા પહેરી આ છબી પાસે ઊભાં રહીને પગે લાગતાં હતાં ને એક વેળા તો પાદરી લોકની પેઠે ઘૂંટણે પડી હાથ જોડી આ છબી પાસે કંઈ ભાષણ કરતાં હતાં એવું નોકરોએ શેઠના કાનમાં કહ્યું હતું. આ સર્વ વિચારી લક્ષ્મીનંદનનું પૌત્રલાલસાવાળું હૃદય ચિંતાતુર રહેતું, અને ચંદ્રાવલી અને વિહારપુરી પેઠે રહેવાની લાલસા પોતાનાં પુત્ર-વધૂમાં છે જાણીને તો છેક નિરાશ રહેતો ને કળે કળે નિમિત્તે નિમિત્તે ગુમાન કુસુમવહુને ઉપદેશ અને ઉદ્દપન કરવાને ચૂકતી નહીં.

અંતે સરસ્વતીચંદ્રના લગ્નનું વર્ષ પૂરું થયું તે દિવસે ગુમાને વાલકેશ્વરની મહાપૂજા કરાવી ને બંગલામાં પોતાની ઇષ્ટસિદ્ધિ થઈ માની સત્યનારાયણની પૂજા કરી હરદાસની કથા માંડી તેમાં પુત્રના સર્વ મિત્રોને ને આશ્રિતોને આમંત્ર્યા. વાલકેશ્વરના બંગલામાં બે મડમો કુસુમને અંગ્રેજી કલાઓ શીખવવાને આવતી ને અંગ્રેજ, પારસી, મુસલમાન વિદ્વાન ગુણી મિત્રો આવા તેમને માટે પણ ‘પાર્ટી’ આરંભી. ત્યાં ‘પીઆનો’નું ગાયન આરંભાયું ને શ્રીમતી ત્યાંના અતિથિમંડળનું અતિથેય કરતી હતી.

હરિદાસ કુસુમને લઈ સ્ટેશન ઉપર ગયો હતો - કુમુદ અને તેની સાથનું મંડળ મુંબઈ આવી માંહ્યમાંહ્યથી નાશક યાત્રાર્થે ગયું હતું તે અત્યારે આવવાનું હતું.

પોતાની દેશપ્રીતિના મનોરાજ્યના પ્રથમ ઉદયકાળે કરેલી કલ્પના પ્રમાણે ઉદ્ધતલાલે વ્યાપાર શીખવા વિલાયત અને અમેરિકા જવાનું સ્વીકાર્યું હતું. તરંગશંકર અને વીરરાવે કલ્યાણગ્રામમાં સહકુટુંબ રહેવાનું સ્વીકાર્યું હતું. ચંદ્રકાંતે વકીલાત છોડી કલ્યાણગ્રામની વ્યવસ્થાના તંત્રીનું કામ સ્વીકાર્યું હતું, ને ગંગાભાભી સાથે એ ગ્રામમાં રહેવાને એ બંધાઈ ચૂક્યો હતો. આ મંડળ, અને ભૂત તથા વર્તમાનમાં સરસ્વતીચંદ્રની ગુણજ્ઞ ઉદારતાએ ઉપકૃત કરેલું વિદ્વાન કારીગરો - ને - વ્યાપારીઓનું મંડળ આજ ભેગું થયું હતું.

કુમુદ અને તેની સાથેના મંડળને લઈ કુસુમ અને હરિદાસ આવ્યાં તેની સાથે ગુમાનની આજ્ઞાથી વાજાવાળાનું ‘બૅન્ડ’ વાગવા માંડ્યું. કુમુદ વિના બીજા કોઈને ન દેખતી ઘેલી કુસુમ બંગલામાં એની સાથે લપાઈ લપાઈને વાતો કરતી ચડી. પોતાના બંગલાની એક પાસ વેલાઓ વચ્ચે માંડવામાં ઊભો ઊભો ચંદનીના અજવાળામાં અત્યારે સરસ્વતીચંદ્ર કાશીનગરીથી પોતે આમંત્રેલા એક પરમહંસ પરમજ્ઞાનરૂપ જીવન્મુક્ત મહાત્મા પાસેથી કંઈ ઊંડો બોધ લેતો હતો તે બેન્ડ સંભળાતાં એ મહાત્માની આજ્ઞાથી ઊઠ્યો અને, સામો જઈ, કુમુદનું કુશળ પૂછી, કુમુદ-કુસુમની પાછળ અલકબહેનની સાથે વાતો કરતો કરતો પોતાનાં પગથિયાં પર ચડવા લાગ્યો અને સૌભાગ્યદેવીના બાળક પુત્રને માં પોતાના હાથમાં લઈ તેને પ્રીતિથી વિનોદપ્રશ્ન પૂછવા લાગ્યો.

જુદાજુદા ખંડમાં મેવા મીઠાઈ, હરિકથા, કીર્તન, ધૂપ, અત્તર, ‘સેન્ટ’, ગાનતાન અને અનેક જાતના વિનોદમાં રાત્રિનો દોઢ પ્રહર વીત્યો ને ધીમે ધીમે સર્વ વેરાયાં. સ્ત્રીમંડળનો મોટો ભાગ કથામાં હતો તે પૂરી થતાં સુધી સમુદ્રભણીની બારીઓ ઉઘાડી મૂકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસના ઉપર પડ્યોપડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લહેરોથી નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને પાંચ મિનિટ સ્વપ્ન થયું તેમાં તે સુંદરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઊભેલી કુસુમને કહેતો હતો : ‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ? ભૂતલશય્યા તરુતલવાસઃ કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ’ આટલું બોલે છે તેની સાથે પલંગનો પથરો થઈ ગયો અને બેનાં શરીર ઉપર વસ્ત્રોની કન્થાઓ થઈ ગઈ ને સ્વપ્ન પૂરું થયું.

કથાને અંતે ઘીની વાટોથી ને કપૂરથી પ્રકટેલી ઘણાં ખાનાંવાળી મોટી ચાંદીની આરતી ઉપર હાથ ફેરવી - ઓવારણાં લઈ - સર્વ મંડળે નીરાજનનું વંદન કરી આંખે લીધું. તે આરતી લઈ ગુમાને કુસુમને સરસ્વતીચંદ્ર પાસે મોકલી. સરસ્વતીચંદ્ર એકલો આરામાસનમાં નિદ્રાવશ સુખી થઈ સૂતો હતો તેના સામી આરતી લઈ કુસુમ ઊભી, પણ એ જાગ્યો નહીં. એના મુખ ઉપર આરતીનો પ્રકાશ પડતાં કુસુમ એ મુખ ઉપર મોહિત થઈ એમની એમ ઊભી રહી.

પ્રિયમુખ જોતાં એનું પોતાનું મુખ આનંદથી મલકાતું હતું, પણ તેનું એને ભાન ન હતું. દેવને કરવાની આરતી પતિદેવને જ કરવા ઇચ્છતી હોય -સર્વ દેવના કરતાં પતિદેવને જ શ્રેષ્ઠ અને પ્રિયતમ ગણતી હોય - તેમ - અથવા એમ ગણીને જ - માત્ર પતિમુખ ભણી આરતી ધરીને - આરતીના અનેક દીવાઓના એક થયેલા પ્રકાશથી એ મુખને જોતી જોતી ઊભી જ રહી ને ગણગણી :

‘વ્રજ વહાલું રે ! વૈકુંઠે નથી જાવું !

ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું ? - વ્રજ૦ ’

ઘણાંને એ આરતીનું વંદન લેવું રહી ગયું હતું ને વહુ પાછી આવી નહીં એટલે ગુમાન એને તેડવા ઉપર આવી અને દૂરથી આ દેખાવ જોઈ પગ અટકાવી આનંદના ઉમળકાથી જોઈ રહી, અંતે કુસુમને બોલાવવાનું ભૂલી શેઠની ચિંતા દૂર કરનાર આ દેખાવની વધામણી ખાવા દોડી ગઈ, દોડતાં દોડતાં પડતી પડતી રહી જઈ શેઠ પાસે પહોંચી ગઈ. બધાં બેઠાં હતાં એટલે શેઠના કાનમાં જ ઉતાવળું કંઈક અમૃતવચન કહી દીધું.

કુમુદે સુંદરગિરિ છોડ્યા પછી પણ ભગવી કંથા મૂકી ન હતી તે પહેરીને, અત્યારે કુસુમ એખલી હશે જાણી, એને ખોળતી ખોળતી એ ઉપર આવી અને કુસુમના દ્વાર આગળ આવી ઊભી. પોતાના સ્વાર્પણનું - પોતાની પૂર્ણાહુતિનું - પુણ્યફલ દેખી અંજાઈ ગઈ હોય એમ પ્રતિમા પેઠે સ્તબ્ધ થઈ એક કમાડમાં લપાઈ રહી ઊભી જ રહી.

ઘેલી કુસુમ હજી સુધી આરતી લઈ મલકાતી મલકાતી પતિમુખને ન્યાળી રહી હતી તે અચિન્તી કાંઈ ઊર્મિ ઊઠવાથી - એ ઊર્મિના અસહ્ય વેગના હેલારાથી - દેવની આરતી વડે જ પતિદૈવતની આરતી ઉતારવા મંડી ગઈ, પતિના મિત્રો અનો આશ્રિતોની ચારે દિશાઓમાં નીચે તરવરતી દીઠેલી મોટી સંખ્યાને સ્મરતી સ્મરતી, એના આધારભૂત પોતાના પતિના ગર્વથી ફૂલતી ફૂલતી, આરતી ઉતારતી ઉતારતી ગાવા લાગી :

‘જાગો કન્થા...ધા...રી !

હવે મારા જાગો કન્થા...ધા...રી ! ’

વળી આરતીનો વેગ વધારતી વધારતી ગાતી ગઈ, ને શ્રીકૃષ્ણને કરવાનું સંબોધન પતિને જ સંબોધી, તેમાંથી ત્રીજી પંક્તિ ગાતાં તો આરતીવાળો હાથ, બારી ભણી કાંઈ બતાવતી હોય તેમ લંબાવ્યો :

‘જયતિ તેડધિકં જન્મના જગત્‌

શ્રયત ઈન્દિરા શશ્વદત્ર વૈ ।

યદતિ દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્‌

ત્વય ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ।।

‘વિચિન્તે’ શબ્દ બોલતાં પહેલાં તો તેનાથી રહેવાયું નહીં ને આરતી ફેંકી દઈ, ‘ઇન્દિરાના - લક્ષ્મીના - શાશ્વત આશ્રય’ રૂપ માનેલા પતિ-ઉર ભણી, નદી સમુદ્રમાં ધસે તેમ, ધસતી અધીરી બનેલી મુગ્ધા, લજ્જાને પ્રથમ છોડી, સૂતેલા પતિના રાત્રિના કમળપુટ પેઠે બિડાયેલાં અધરપુટ ઉપર પોતાના અધરને બીજી આરતી પેઠે ધરવા જાય છે ને એનું પોપચું કંઈક ઊઘડતું દેખે છે ત્યાં એને ચમકાવનાર શબ્દ પોતાની પાછળ સંભળાયો.

કુમુદ, આ સુખસ્વપ્નથી પોતાની મર્યાદા ભૂલી જઈ ઊભી રહી હતી તે હજી વધારે ભૂલી ને તેનાથી હસી પડાયું. પરમ આનંદનાં આંસુ તેની આંખોમાં આવી ગયાં ને મુખ વડે મોટેથી કહેવાઈ જવાયું - ત્યાંથી તો તે પાછે પગલે ખસી ગઈ પણ ખસતાં યે કહેવાઈ જવાયું કે ‘ઘેલી મારી કુસુમ !’

પ્રિય વાંચનાર ! પંદર વર્ષે આપણો સમાગમ હવે સમાપ્ત થાય છે. તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો, રાજા હો કે પ્રજા હો, શ્રીમાન હો કે રંક હો, ત્યાગી હો કે ભોગી હો, જૂના સંપ્રદાયનો હો કે નવા વિચારનો હો - હો તે હો - સર્વથા તું જે હો તેને માટે યથાશક્તિ યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રંથના કોઈક કોઈક પાનામાં તને મળી આવે, કે કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી કેવળ નિરાહાર પાછાં જવાનો વારો તારે ન આવે, તારે જોઈતા પદાર્થથી આવે સ્થાને બની શકે એટલી તૃપ્તિ અને એટલો બોધ અને બોધ નહીં તો સૂચનો ને સૂચના નહીં તો અભિલાષસ્થાન પણ તને આ ચારે ગ્રંથોમાંથી મળી આવે, અને મનની જે વાતો પૂછવાને તારા મનને કોઈ અનુભવી, રસિક કે જ્ઞાની સન્મિત્રની અપેક્ષા હોય એ વાતોનાં સમાધાન કંઈક કરવાને તને આ ગ્રંથો કોઈ સ્થાને કંઈક અંશે મિત્ર જેવા નીવડ્યા હોય, તો આપણી મિત્રતા અને તારી સેવા કંઈક થઈ છે એમ સમજાશે; અને તેનું શુભ ફળ તારા આયુષ્યમાં કાંઈ પણ સુખનો અને કલ્યાણનો અંશ ભરશે તો આ લેખ સફળ થશે. અને નવલકથાનો લેખક તે કોઈનું એથી વધારે કલ્યાણ શું કરી શકે ? - અથવા કરવાનો અધિકારી હોઈ શકે ?

Farewell ! A word that must be, and hath been

A sound which makes us linger, - yet farewell !

Ye who have traced the Pilgrim to the scene

Which is his last, if in your memory dwell

A thought which once was his, if on ye swell

A single recollection not, in vain

He wore his sandal-shoon and scallop-shell;

Farewell I with him alone may rest the pain.

If such there were-with you, the moral of his strain.

- Byron’s Childe Harold’s Pilgrimage