Bhomiyani bhulthapbo bhed in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | ભોમિયાની ભૂલથાપનો ભેદ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ભોમિયાની ભૂલથાપનો ભેદ

ભોમિયાની ભૂલથાપનો ભેદ

ગર્જનકે દુર્લભરાજને પાટણની ગાદી સોંપી દીધી. પછી એને જવાની ઉતાવળ જ હતી. ખુરાસાનમાં ભયંકર તોફાન ફાટ્યાના સમાચાર હતા. શાહજાદો મહમદ ત્યાં ગીજનીમાં હતો, પણ એનું એ કામ ન હતું. સિપાહસાલાર મસઉદ વિના ખુરાસાન કબજે રાખવું મુશ્કિલ હતું. ગર્જનકે જવાની ઉતાવળ માંડી. એને વખત પણ ઘણો થઈ ગયો હતો. હજી લાંબો ભયંકર વિકટ રણનો રસ્તો આડે પડ્યો હતો. અને એ રસ્તામાં પણ દુશ્મનો ફૂટી નીકળવાનો સંભવ હતો.

પણ ગર્જનકની તૈયારી જબ્બર હતી. એની સાથે નાના મોટા થઈને* બે લાખ જીવ હતા. સેંકડો ઘોડાં હતાં. હજારો સાંઢણીઓ હતી. ભાર ઉપાડવાના ઊંટો જુદા જ હતા. તે મક્કમતાથી આગળ વધ્યો.

પહેલે દિવસે તો સુલતાનને ઠીક ઠીક રસ્તો જણાયો ખારીકાબા અવારનવાર આવતા હતા, એટલે પાણીનો સવાલ ઊભો થાય તેમ ન હતું. બે-ત્રણ દિવસ તો સુખમાં ગયા. રણ ઉજ્જડ ને શૂન્ય જણાતું હતું. ઠેકાણે ઠેકાણે રેતીના મોટા ઢગ પડ્યા હતા. કોઈ જગ્યાએ ખારું કડવું પાણી આવતું. ને વનસ્પતિ જણાતી. રણથાક્યો મુસાફર દોડે અને ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે, ભયંકર રામબાવળિયાની કાંટ માત્ર ત્યાં હતી ! જે ન છાંયો આપે, ન છાંયો લેવા દે. રણની મુશ્કેલીનો ગર્જનકને ખ્યાલ હતો. આવી તો અનેક મુશ્કેલીઓ એણે જોઈ કાઢી હતી. એટલે એ આગળ વધ્યો.

-------------------

*ફરુંખી, જે સુલતાન સાથે હતો, તેણે તેના કસીદામાં આપ્યું છે. રણદ્વીપો.

સત્યપુર*થી ભોમિયાઓએ રસ્તો બદલ્યો હતો. ભિન્નમાલ જનારો માર્ગ છોડી દીધો. એમણે ટૂંકો માર્ગ બતાવ્યો. લુણસાગરને વટાવી એમણે થલ કા ટીંબા ઉપર નજર દોડાવી. ત્યાંથી લોદ્રવા પહોંચવું એ છોકરીનો ખેલ હતો. આ ભયંકર રણમાં સુલતાનના સૈન્યે પ્રવેશ કર્યો, હજી કોઈ કોઈ ખારીકાબા જણાઈ આવતા હતા.

પણ ત્રીજો દિવસ પૂરો થયો, ને ચોથા દિવસની શરૂઆત થઈ, તેની સાથે થલ કા ટીંબાનો પરિચય મળવા માંડ્યો.

ખારીકાબાનું નામનિશાન હવે ક્યાંય દેખાતું ન હતું. ચારે તરફ રેતીનો મહાસાગર જાણે રેલાઈ રહ્યો હતો. જ્યાં નજર કરે ત્યાં રેતી જ રેતી ! પર્વતો રેતીના, ખીણો રેતીની, રૂપાળી છાયા આપતી ટેકરીઓ પણ રેતીની. રસ્તાઓ તો ભયંકર રેતીના, કોઈક જગ્યા એવી પણ આવે, જ્યાં જરાજેટલી ભૂલ કરે કે ઘોડેસવાર ઘોડા સહિત ગેબ ! કોઈ કહેતાં કોઈ જાણે નહિ કે ઘોડેસવાર ક્યાં ગયો ? એવી ભયંકર પોલી રેતીની ખીણો ધરતીમાં નીચે પડી હતી.

ભોમિયાઓ એમાં કુશળતાથી માર્ગ બતાવી રહ્યા હતા. સૌને આશા હતી કે થલ કા ટીંબા પૂરો થશે, એટલે મીઠો મહેરામણ રેલાતો હશે. નીલ આબ દેખાશે. એને કાંઠે કાંઠે મુલતાન સુધી પહોંચી જવાશે. મુલતાન પહોંચ્યા એટલે તો કાબુલિસ્તાન આવી ગયું સમજો ને ! સોનાંરૂપાં, મણિ, મોતી, હીરા, જાતજાતનાં કાપડ ને ઢગલેંઢગલા વસ્તુઓ જોઈને ગીજનીવાળા છક્ક થઈ જશે.

એવી મીઠી આશામાં સૌ રસ્તો કાપી રહ્યા હતા.

ભોમિયા ખરેખર હોંશિયાર હતા. રસ્તા ઉપરનો દ્રમપ્રદેશ તો આંખને પલકારે ઓળખી કાઢીને સૌને ચેતાવી દેતા હતા.

પણ જ્યારે રેતીના રણનો કોઈ પાર જ નહિ, આમ નજર કરો કે આમ, દસ દસ હજાર ઓરસચોરસ અર્ધકોશનું રણ જ રણ દેખાવા માંડ્યું. એમાં ક્યાંય ઝાડ, પાન, છોડ, પાણી, છાયા, આરામનું થળ, ગામડું, ભીંતડું, તંબુ, ડેરા કાંઈ કહેતાં કાંઈ મળે નહિ ત્યારે સુલતાનના સૈનિકો ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા

-------------------

*સાચોર. થલ એટલે રેતી. માઇલ.

માંડ્યા. પાણીના એક એક બુંદ માટે પડાપડી થવા મંડી. ચારે તરફ માણસો નજર કરે અને દેખાવ જોઈને ઘેલાઘેલા થઈ જાય. કેવળ ખાર જ ખાર બધે ચળક્યા કરે. ક્યાંક પાણી નીકળે તો સૌ દોડે, પાણીના ઘડા ભરી લે. ખારું હોય તો ખાર બેસી જાશે એવી કલ્પના કરીને ઘડાના ઘડા રાખી મૂકે. સવારે જુએ ત્યાં ઘડો આખો મીઠના મોટા ગાંગડાથી ભર્યો હોય ! માણસ એ જુએ ને ગાંડો થઈ જાય !

સુલતાનને મનમાં શંકા પડી ગઈ. એ ઘા ખાઈ ગયો. ભોમિયા જ ભયંકર હતા. તેમણે જાણી જોઈને આખા સેનને આડે રસ્તે દોર્યું હોવું જોઈએ. પણ એણે ત્રીસ વર્ષ જુદ્ધનાં જોયાં હતાં. પોતે નબળાઈ જરા જેટલી બતાવે, એટલે શું થાય તે એ સમજતો હતો. એણે અજબ જેવી વીરતાથી રસ્તો કાપવા માંડ્યો. એ સમજતો હતો, કે આ બાજુ ક્યાંક પણ નીલ આબ દેખાશે જ દેખાશે.

એક દિવસ સાંજે એની નજરે એક ભાંગેલો તૂટેલો ગઢ પડ્યો. રણમાં કોઈકે ઊભો કર્યો હશે, ને પછી છોડી દીધેલો લાગ્યો. તે પોતે ગઢ ઉપર ચડ્યો. દૂર દૂર ક્ષિતિજમાં એની નજર ગઈ. ચારે તરફ એણે દૃષ્ટિ કરી.

ક્ષિતિજમાં દૂર દૂર, ભવ્ય મહાલયો દેખાતા હતા. ત્યાં ગગનચુંબી ગુમ્બજોની હારની હાર લાગી ગઈ હતી. એવી તો સુંદર આકર્ષક બનઘટા ત્યાં દેખાતી હતી કે સુલતાનના મનમાં આનંદ આનંદ થઈ ગયો. નાનાં રૂપાળાં મકાનો હતાં. મોટાં મહાલયો હતાં. વૃક્ષકુંજો હતી. આકાશ અડતા સુંદર સ્તમ્બો હતા. વાદળઘેરી મહેલાતો હતી. દૃશ્ય જોઈને સુલતાન ડોલી ઊઠ્યો, એને લાગ્યું કે પોતે કોઈ મોટા નગરની સમીપ આવી પહોંચ્યો છે. ખાર નદી પરનું ભાલોત્રા તો ક્યારનું વટાવી દીધું હતું. એટલે એને લાગ્યું કે આ મનસુરા હોવું જોઈએ. તો તો ભટિંદા, ચીકુદમ, લોદરવા, મુલતાન.

મનસુરામાં સરદાર ખારીફ હતો. એની સાથે લડી લેવું એ કાંઈ મોટી વાત ન હતી.

તેણે તિલકને બોલાવ્યો. ભોમિયા પંડિત ધૂર્જટિને બોલાવવાનું એને કહ્યું.

પંડિત ધૂર્જટિ આવ્યા. સુલતાને તેની સામે જોયું. તેની આંખમાં હજારો ઝેરની પ્યાલી દેખાતી હતી. સુલતાન ચોંકી ગયો. આ માણસ ભંયકર હતો. દેખાતો હતો. સૌમ્ય, પણ એ તો જીવતા અગ્નિ જેવો હતો. ગર્જનકે તિલકને કહ્યું : ‘એને પૂછી જો તિલક ! આ સામે દેખાય છે, તે કયું નગર ?’

પંડિત ધૂર્જટિ સવાલ સાંભળીને મોટેથી હસી પડ્યો. એના હાસ્યમાં ભયંકર નિષ્ઠુરતા હતી. ગર્જનકની બેઅદબી તો હતી જ. પણ એ વિશે અત્યારે કોઈએ એને કાંઈ કહ્યું નહિ. તિલકેપૂછ્યું, તેના જવાબમાં પણ તે બેદરકારીથી બોલ્યો : ‘એ મુસાફરોનું મરણ નગર છે.’

‘મરણ નગર ! એ શું ?’

‘નામદાર ! આ સામે દેખાય છે. તેમાંથી એકે વાત સાચી નથી. ત્યાં કાંઈ નથી.’

‘કાંઈ નથી ? ખરેખર !’ સુલતાન પહેલાં માની શક્યો નહિ. ‘આ નગર દેખાય છે, ત્યાં ત્યારે છે શું ?

‘કેવળ ખોટી આશાના મિનારા.’ અને પછી પંડિત મનમાં બોલ્યો : ‘જે તમે બાંધી રહ્યો છો !’

‘તિલક ! એને પૂછી જો, આપણે ક્યાં છીએ ?’

‘આપણે ? રેતીના રણમાં !’ ધૂર્જટિએ જવાબ વાળ્યો.

સુલતાન ભોમિયા પંડિતનો જવાબ સાંભળીને એનો હેતુ પામી ગયો. તે વાતને સમજી ગયો. આ ભોમિયાઓએ દગો કર્યો લાગે છે. પણ ત્રીસ ત્રીસ વરસના લડાઈના જીવનઅનુભવે એને શીખવ્યું હતું કે સંગ્રામમાં એ જીતે છે. જે નિર્ભય રહી શકે છે. નિર્ભયતા જ જીવન છે. એણે લેશ પણ ગભરાટ વિના પુછાવ્યું :

‘આ રેતીના રણનો ક્યારે પાર આવશે ?’

પંડિત ધૂર્જટિ હસી પડ્યો. તે ઉપેક્ષાથી બોલ્યો : ‘આનો હવે પાર નહિ આવે. આ રેતીનાં રણ ચારે તરફ ફેલાયેલાં છે. આગળ જતાં તો ભયંકર માથાડૂબ ખારાં પાણી આવવાનાં છે.

‘ત્યારે તું અને આંહીં લાવ્યો શું કરવા ?’

વધારે નિર્ભયતાથી, વધારે વધારે બેદરકારીથી, વધારે ઉપેક્ષાથી, વધારે આનંદના ઉમળકાથી, પંડિતે ડંખીલો જવાબ વાળ્યો :

‘ભગવાન સોમનાથની એ આજ્ઞા હતી.’

તિલક તો આ સાંભળીને ધૂંઆપૂંઆ થઈ ગયો. એને લાગ્યું કે આ માણસ જ દગાખોર છે. તેનો હાથ તલવાર ઉપર ગયો. સુલતાને તેને રોક્યો. ‘તિલક ! એને પૂછી જો, સોમનાથની ભલે આજ્ઞા હોય, પણ આવો ભયંકર વિશ્વાસઘાત તેં શા માટે કર્યો ?’

ધૂર્જટિએ જવાબ વાળ્યો : ‘જે તમને અગ્નિથી બાળે તેને અગ્નિથી બાળો, જે વિશ્વાસઘાત કરે તેને વિશ્વાસઘાતથી મારો, જે ચોરી ને લૂંટ કરવા આવે તેને ગમે તે રીતે હણી નાખો. જે મૈત્રી આપે તેને જ મૈત્રી આપો. જે રાજનીતિની વાત કરે તેની સાથે જ રાજનીતિની વાત કરો. ગમે તેની સાથે રાજનીતિની વાત કરવા નીકળનારો મોટામાં મોટો બબુચક છે. અમારે મોટા બબુચકોનો ખપ ન હતો. એટલે અમે આ કર્યું. સેંકડો જોજન દૂર બેઠેલાને, આંહીંના માણસને હણવામાં મજા આવી, લૂંટવામાં મજા આવી, મઝહબને બા’ને મારી નાખવામાં મજા આવી, અને હવે તમે કહેવા નીકળ્યા છો કે મેં આ વિશ્વાસઘાત શા માટે કર્યો ? આને વિશ્વાસઘાટ કોણ કહે ?’ પંડિતે ઉગ્રતાથી સવાલ કર્યો. અને પછી હસીને ઉમેર્યું : ‘ભગવાન સોમનાથ પોતે જ, ક્યારેક સંહારલીલા સરજે છે. ભગવાન રુદ્ર એક વખત સૌનો સંહાર કરે છે. એ પોતાનો પણ સંહાર કરે છે. તમે ભગવાન રુદ્રની એક લીલા સરજી ગયા. આ બીજી, હું સરજું છું. જે મજા આતતાયીને હણવામાં છે, તે મજા ખુદ શંકરભક્તિમાં પણ નથી. હું પોતે જ તમને અવળે માર્ગે લાવ્યો છું. ભગવાનની એ આજ્ઞા હતી, ભીમદેવ મહારાજનો એ હુકમ હતો. આમાંથી હવે તમે ઊગરી રહ્યા ! ચારે તરફ જોજનો વિસ્તારમાં પાણીનું એક ટીપું નહિ મળે. વેંત ઊંચો એક છોડવો નહિ મળે. પંખીનો એક પડછાયો નહિ જડે. સુલતાન ! સિત્તેર સિત્તેર શેર હીરા, માણેક, મોતી ને કરોડોનું સોનું આંહીં રેતીમાં વેરાઈ જશે. આંહીં તમને એક જ આશ્વાસન મળશે.’

લેશ પણ ગભરાટ વિના, મોંની એક રેખાને પણ બદલાવ્યા વિના, સામાનાં હાડ ઠારી નાખે, એનો વૈરનો આનંદ જ ઉડાડી મૂકે, એવી અજબ જેવી શાંતિ ભરેલી ધીરજથી ગર્જનકે પૂછ્યું : ‘શું ?’

‘આંહીં તમને કેવળ રડ્યાંખડ્યાં ગોરખોર* મળશે. આશ્વાસન માટે એ ખોટાં નથી.’ ધૂર્જટિએ ઠંડી ક્રૂરતાથી કહ્યું : ‘અને પૂર્વ દિશા તરફ આંગળી લાંબી કરી. ‘એ ત્યાં એક રખડે જુઓ ! એ ત્યાં રખડે, જુઓ...’

પણ ધૂર્જટિએ પોતે ત્યાં નજર કરી, અને તેની આંગળી, પક્ષાઘાત થયો હોય તેમ જડ બની ગઈ. તેની નજર એ દિશામાં ચોંટી ગઈ. કેટલાક માણસો ગાંડાની માફક આમતેમ દોડી રહેલાં એની નજરે પડ્યાં. કેટલાંક દોડતાં હતાં. પછડાટ ખાતાં હતાં. કૂદતાં હતાં, ઊલળતાં હતાં. આકાશ સામે જોઈને રાડારાડ કરતાં હતાં. ‘પાણી ! પાણી ! પાણી !’ ની બૂમો ચારે તરફથી આવી રહી હતી.

એમના તુમુલ અને ભયંકર અમાનવી અવાજથી હવા ભરાઈ ગઈ હતી. રેતપટમાં સૂતેલી ભૂતાવળ જાગી હોય તેમ એ બધા દિશાવિહોણા આમતેમ દોડી રહ્યા હતા. ઘોડાં, ઊંટ, સાંઢણીઓ, માણસો આમથી તેમ ને તેમથી આમ દોડતાં હતાં. માણસો બૂમાબૂમ કરતાં હતાં. પ્રાણીઓ ભયંકર વેદનાભર્યા અવાજો આપતાં હતાં. રેતીના થરો ઊડીને એમની વચ્ચે ને આસપાસ દોડતા હતા. પવન સૂસવાટા કરતો હતો. આકાશ ભયંકર જણાતા આસમાની રંગમાં જાણે મૃત્યુનું ગાન કરતું હતું.

મજા કેવળ ગોરખરને - જંગલી ગધેડાને હતી. તે આનંદમાં આવી જઈને આમથી તેમ ભૂંકતો પાછલા પગ ઉડાડી રહ્યો હતો. વર્ષો પછી આવી ભયંકરસંહારલીલા એને જોવા મળી એનો એના મનમાં આનંદ ઊભરાઈ ગયો હતો.

સુલતાન મહમૂદ ગઝનવ ધીર, વીર ને ધીટ યોદ્ધો હતો. તે જાણતો હતો. પોતે જરા જેટલી નબળાઈ બતાવશે, તો સૈનિકોની રહીસહી ધીરજ ખૂટી જશે.

તેણે કાંઈ જ ન હોય તેમ કહ્યું :

‘પૂજારી ! તું શું એમ માને છે કે વિશ્વાસઘાતનો ઘા લડાઈના ઘા કરતાં વધારે આકરો નીવડે ? વિશ્વાસઘાત પણ એક જગ્યાએ સાવ નમાલો નીવડે છે, એ તને ખબર નહિ હોય. નસીબ પાસે, લડાઈ ને વિશ્વાસઘાત બંને, નાનકડી

---------------

*જંગલી ગધેડાં.

છોકરી જેટલું પણ બળ ધરાવતાં નથી. જા, તિલક ! આને લઈ જા. કાલે સવારે એનો વિચાર કરીશું, અને આગળ વધવા કરતાં આંહીં જ મુકામ નાખી દ્યો ?’

‘આના કરતાં વધારે સારું સ્થળ છે. નામદાર’ ધ્રૂર્જટિ બોલ્યો.

‘કયું ?’

‘પેલો સામે ક્ષિતિજમાં દેખાય છે તે *સી-કોટ ! આ તો મરુસ્થળી છે. આંહીં એવા એવા મહાલયો ઊભા છે કે જેની પાસે સુલતાનના મોટા મહેલો પણ કાંઈ હિસાબમાં ન હોય ! આ તો ઉમરાસુમરાની ભોમકા છે. આંહીં મહાલયોનો, વનકુંજોનો, પાણીના સાગરોનો કોઈ પાર નથી. અને એમાંનું એક પણ સાચું નથી. સાચું તો કેવળ એક જ છે, મૃત્યુ !’

‘પૂજારીના છોકરા !’ સુલતાને ભયરહિત અવાજે કહ્યું, ‘તને સુલતાનના બળની ખબર નથી. એના નસીબનો સિતારો તું જાણતો નથી. એ આ બધું તરી જવા માટે છે. જા, ખુદાની એક બંદગી, અને આમાંનું આવતી કાલે સવારે કાંઈ નહિ હોય... અને જો તું પણ નહિ હોય.’ સુલતાને છેલ્લો શબ્દ દેખીતી કડકાઈથી ફરી વાર કહ્યો : અને તું પણ નહિ હોય... સમજ્યો ?’

જવાબમાં આકાશમાં પડઘા પાડતું એક મુક્ત, ભયંકર, બેપરવાઈ ભરેલું ધૂર્જટિનું હાસ્ય સંભળાયું : ‘હું વળી ક્યારે હતો ગર્જનરાજ ! કે હવે હું નહિ હોઉં ? હું પણ આ રણરેતના ઉમરાસુમરાનું જ એક સ્વપ્નું છું. હું હતો, એ ભયંકર ભ્રમ હતો; અને હવે હું નહિ હોઉં, એ વળી એના કરતાં પણ મોટો ભ્રમ હશે !’

તિલકે તેનો ખભો હલાવીને કહ્યું : ‘ચાલ ચાલ, પૂજારી ! આ લવારો જવા દે ! કાલે સૌથી પહેલો તું જ રેતમાં દટાઈ જશે. ચાલ...’

--------------------------

*ઉૈહીંિ ઝ્રટ્ઠજંઙ્મીજ - રેતરણમાં દેખાતા મૃગજળી દેખાવો માટેનો સ્થાનિક શબ્દ સીકોતર એમ આપણે બોલીએ છીએ તે આમાંથી ન હોય ?