Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩ : સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા

I pass, like night, from land to land;

I have strange power of speech;

That moment that his face I see,

I know the man that must hear me;

To him may tale I teach.

-Coleridge’s Ancient Mariner.

શુશ્રુવે પ્રિયજનસ્ય કારતમ્‌

વિપ્રલમ્ભપરિશંકિની વચઃ ।।

-રઘુવંશ :

આશાબન્ધઃ કુસુમસદૃશં પ્રાયશોડહ્યડ્‌ગનાનામ્‌

સધઃ પાતિ પ્રણાચિ હૃદયં વિપ્રયોગે રુણદ્ધિ ।।

- મેઘદૂત

ભગવી કથા ધારી કુમુદ સાધ્વીઓ સાથે ગઈ અને સરસ્વતીચંદ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા ઉપર બેસી પોતે જોયેલાં સ્વપ્નોના પોતે લખેલા ઇતિહાસ વાંચવા લાગ્યો અને પોતાના દેશનું અને દેશની વસ્તીનું કલ્યાણ શામાં છે અને કેવાં સાધનથી સાધ્ય છે તેના વિચાર કરવા લાગ્યો. વિચારે વિચારે એની સ્વપ્નસામગ્રી સહાયભૂત થઈ ને આખો દિવસ પ્રસન્ન ચિંતામાં ગયો. ભોજનકાળ વિના એમાં બીજું વિઘ્ન આવ્યું નહીં અને કુમુદના વિના બીજા સત્ત્વે તેમાં વ્યવધાનશક્તિ બતાવી નહીં. અપ્રત્યક્ષ રહીને પણ અત્યારે કુમુદ જે વ્યવધાનશક્તિ બતાવતી હતી તે પણ સાત્ત્વિક પ્રીતિના સંસ્કારોનાં જાગૃત સ્વપ્નો ઉત્પન્ન કરીને જ બતાવતી હતી, અને જેવી રીતે તે સ્વપ્નમાં સહચારિણી થઈ હતી તેવી રીતે આજના જાગૃત વિચારોમાં પણ માત્ર વિચારરૂપે જ સહચારિણી થતી. સૂર્યાસ્તથી પાંચ-છ ઘડી પહેલાં તેના વિચાર સમાપ્ત થયા ને તેને અંતે પોતાની ગુફાની ઉપલી અગાશીમાં ચડી ચારેપાસના સૃષ્ટિસૌંદર્યને આ પુરુષ જોવા અને ભોગવવા લાગ્યો. એ ભોગ-મેઘના ઉપર વીજળી જેવી વાણી ચમકવા લાગી.

‘શરીરની શક્તિઓ શરીરના ભોગથી વધે છે ઘટે છે, તેમ મનની શક્તિઓ મનના ભોગથી વધે છે ઘટે છે, અને શરીર અને મનના વિવાહથી સંયુક્ત અવસ્થાને પામેલી શક્તિઓ એ બેના સંયુક્ત ભોગથી વધે છે ઘટે છે. અમુક માત્રામાં ભોગને રાખવાથી આ સર્વ શક્તિઓ વધે છે ને તે માત્રાની મર્યાદા તોડવાથી એ જ શક્તિઓને એ જ ભોગ ક્ષીણ કરે છે. આ માત્રાનું તારતમ્ય અહીંની સાધુજનો જાણે છે, પ્રાચીન આર્યો જાણતા અને આજના પાશ્ચાત્ય લોક જાણે છે. એ શક્તિઓના વિકાસથી ને સદુપયોગથી લોકનું કલ્યાણ છે. સર્વ શ્રમમાં, સર્વ તપમાં, સર્વ ઉદ્યોગમાં, સર્વ સુખમાં, સર્વ દુઃખમાં, સર્વ ભોગમાં અને સર્વ ત્યાગમાં, યોગ્ય માત્રા રાખ્યાથી આ કલ્યાણ સધાય છે અને તોડ્યાથી અકલ્યાણ સધાય છે. મારા દેશમાં આ માત્રાના અજ્ઞાને દુઃખની હોળી સળગાવી છે ને મારા દેશી બંધુઓની સર્વ શક્તિઓને ક્ષીણ કરી દીધી છે. તે શક્તિ વધારવાને મારા વિદ્વાન બંધુઓના અને રાજ્યકર્તાઓના સર્વ પ્રયત્ન નિષ્ફળ થાય છે તેનું કારણ આ અજ્ઞાન અને આ અશક્તિ ! એ અજ્ઞાનનો ને અશક્તિનો નાશ અશક્ય નથી. આર્યલોક માનતા અને પાશ્ચાત્યો માને છે કે અગ્નિ દેખાતો હોય તો પણ કાષ્ઠમાત્રમાં ગૂઢ રહેલો છે તે પ્રમાણે આ દેશના આર્યોમાં જ્ઞાન અને શક્તિ સ્થળે સ્થળે ગૂઢ - ર્ઙ્ઘદ્બિટ્ઠહં રહેલાં છે

- અલખ રહેલાં છે. તે ગૂઢ દૈવતને પ્રકટ કરવાં, અલખને લખ કરવાં, કરાવવાં એ હવે મારો અભિલાષ, મારો ધર્મ, અને મારે પ્રકટવાનો મહાયજ્ઞ - તે અભિલાષની સિદ્ધિને માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ, એ ધર્મવિચારના આચાર પાળીશ, અને મહાયજ્ઞમાં આહુતિઓ આપીશ.

અલખ રહ્યાં ગુણ શક્તિ નિરંતર

દેશકાળમાં સ્થળે સ્થળે;

તે સહુ અલખ જગાવું હવે હું !

અલખ બનો લખ ! ભલે ભલે !

અલખ જગાવા હું અધિકારી !

લક્ષ્મી મારી ભસ્મ કરું !

જનતા તે મુજ ભવ્ય દેહ, ત્યા ં

ભસ્મ વિભૂતિ ધરી ફરું !

એ સંન્યાસ થકી પરિવ્રાજક

હું સંસાર-સ્મશાન તણો !

અલક ખેલનો સાક્ષી બનું છું.

ભેખ રક્ત વૈરાગ્ય તણો.’

આ કવિતા ગાતાં ગાતાં સરસ્વતીચંદ્ર ઊભો થયો હતો. ઉત્સાહમાં આવી હાથ ઊંચા કરી કરી ફરી ફરી ગાતો હતો, અને પોતે ગાય છે તે કોઈ સાંભળે છે કે નહીં તેનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્વરે આકાશ સામું જોઈ ગાતો હતો. પણ એનાં સ્વગતવાક્યોના આરંભકાળથી જ કન્થાધારિણી શોકગ્રસ્ત કુમુદ એની પાછળ આવી, બોલ્યાચાલ્યા વિના આવી, ઊભી રહી હતી, ક્ષણમાં ઊભી ઊભી આંસુ સારતી હતી તો ક્ષણમાં નીચું જોઈ વિચારમાં પડતી હતી, ક્ષણ વાર સરસ્વતીચંદ્રના પૃષ્ઠભાગનું દર્શન કરી પ્રતિમાદર્શનકાળના જેવા યોગમાં લીન થતી હતી તો ક્ષણ વાર નિઃશ્વાસ મૂકતી હતી, અને પવનથી હાલતી કૂંપળ પોતાની ડાળને વળગી રહે તેમ આ સર્વ અવસ્થામાં એમની એમ એક જ સ્થાને ઊભી રહી હતી અંતે દીર્ઘ નિઃશ્વાસ મૂકી આંસુ લોહી, આગળ આવી અને સરસ્વતીચંદ્રને પગે પડી.

સરસ્વતીચંદ્ર કંઈક ચમક્યો પણ સ્વસ્થ બની પોતાને પગેથી કુમુદને ઊંચી કરવા નીચો પડ્યો અને કોમળ કંપતી દેહલતાને હાથમાં સાહી ઉઠાડવા લાગ્યો.

‘કુમુદસુંદરી ! સાધુજનોમાં આ આચાર પ્રશસ્ત નથી એવું ચંદ્રાવલી મૈયાનું જ વાક્ય છે માટે તમે ઊઠો.’

કુમુદ ઊઠતી ઊઠતી બોલવા લાગી : ‘મને દીક્ષા આપો, મારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો; હું હજી સંસારિણી જ છું. ને આ કન્થા પહેરવાથી કંઈ ઉત્કર્ષને પામી નથી. આપના ચરણસ્પર્શે એક વાર મને આપના મહાસ્વપ્નમાં સહચારિણી કરી પવિત્ર કરી છે તો બીજી વાર આ પવિત્ર ઉત્કર્ષ ચરણનો સ્પર્શ કરું છું. તે એવા અભિલાષથી કે મારા ઉદ્ધારના કોઈ અતિ પવિત્ર માર્ગે આપ મને લઈ જાવ, અને જેમાં સંસાર કે સાધુજન કોઈ દોષ ન દેખે અને મારું કલ્યાણ થાય એવું ફળ આપો. સંસારને આપ સ્મશાન ગણો છો તો હું પણ તેને સ્મશાન જ ગણું છું, પણ મારા શોકને બળવાની ચિતા તેમાં સળગતી નથી ને એક વાર સળગી તો આ પવનને ઝપાટે વધારે લાગવાને ઠેકાણે હોલવાઈ ગઈ ! મારો દુર્ગન્ધી શોક એ ચિતા ઉપર એવો ને એવો પડેલો દેખાય છે. મારા શોકને, મારા વિકારને, અને મારાં કલંકને હવે આપ ભસ્મરૂપ કરો અને માત્ર એ ભસ્મની પેઠે જ આપના સહવાસમાં ઊડવાની શક્તિ આપો ! એ વિના વધારે જીવન મારે હવે નથી જોઈતું.’

એને વાંસે હાથ મૂકી સરસ્વતીચંદ્ર કહેવા લાગ્યો : “કુમુદસુંદરી ! તમારો શોક તમને પાવન કરે છે તે પ્રત્યક્ષ કરો. આ મારા હાથનો ને તમારા શરીરનો સ્પર્શ બે દિવ્સ ઉપર આપણને વિકારથી ભરતો હતો તે બેને અત્યારે પ્રકૃત અવસ્થામાં રહેવા દે છે - આ તમારા શોકનું શુભ પરિણામ આપણે બે જણ આપણા સૂક્ષ્મ અદ્વૈતને બળે અનુભવીએ છીએ. એથી વધારે ફળ આ શોક આપે એમ નથી માટે તેને હવે નિષ્કારણ ગણી ત્યજો. કાલ પ્રાતઃકાળે ચંદ્રકાન્ત અત્રે આવે છે ને મારે તમારે કંઈ પણ એકાંત વાર્તા કરવાનો પ્રસંગ તે પછી ન્યૂન થશે. માટે, શોકને શમાવી દઈ, મળી વેળાનો ઉપયોગ કરો તો સારું.’

કુમુદ ઊંચું જોઈ બાવરી બની બોલી : ‘ચંદ્રકાંતભાઈ ભલે આવે. આપણે શી વાત કરવી તે મને કંઈ સૂઝવાની નથી.’

સરસ્વતીચંદ્ર - ‘તમે શાંત સ્વસ્થ થઈ બેસો તો હું સુઝાડું.’

કુમુદસુંદરી - ‘આપ બેસો એટલે હું બેસીશ.’

સરસ્વતીચંદ્ર - ‘ચાલો. બે જણ બેઠાં. પ્રથમ કહો કે સાધુજનોએ તમને શો ઉપદેશ કર્યો ?’

કુમુદસુંદરી - ‘તેઓ મારા સ્વામીને સ્વામી ગણતાંનથી તો તેમના ઉપદેશ શા કામના ?’

સરસ્વતીચંદ્ર - ‘પણ તે સ્વામી હોય તો શા વિધિ આવે પ્રસંગે પાળે છે ?’

કુમુદસુંદરી - ‘સંસારીજન સાધુ થાય તે કાળે તેની પાસે સંસારનું સ્નાન કરાવે છે; ને એમનો સંપ્રદાય આવે પ્રસંગે તો શબનો સ્પર્શ કરનારને જ સ્નાન કરાવે છે. સ્થૂળ શરીર પાછળ સાધુજનો શોક કરતા નથી. વિધવાઓ પતિના સૂક્ષ્મ શરીરને અમર ગણી તેના સ્થૂળ શરીરના મૃત્યુને માત્ર ક્ષણિક વિયોગરૂપ ગણે છે અને સ્થૂળ શરીરના કોઈ પણ અંશનો ક્ષય કરતી નથી. કેશકલાપ અને કરકંકણને, પતિસંયોગના સંસ્કારોનાં સ્મારક ગણી, પતિના જીવની પેઠે જાળવી મૂકે છે, અને બાકીના કૃત્રિમ અલંકારોને તો તેઓ સંયોગકાળે પણ પહેરતાં નથી તો વિયોગમાં તેનો ત્યાગ બાકી રહેતો નથી. આમરણાંત બાહ્ય શોકનો ત્યાગ કરવો એ સાધુજીવનનું રહસ્ય ગણાય છે અને અંતઃશોકને પતિના સૂક્ષ્મ શરીરના યોગ વડે શમાવે છે. તેમની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતથી આ યોગ વૈધવ્યકાળની સાથે જાતે પ્રાપ્ત થાય છે ને પ્રાપ્ત કરવો પડતો નથી. એમના વચનમાં શ્રદ્ધાથી અને આપની આજ્ઞાથી તેમનું વચન પાળી આ કન્થા મેં ધારી છે.’

સરસ્વતીચંદ્ર - ‘પ્રિયજનના મૃત્યુને ક્ષણિક વિયોગ ગણી તેઓ એકવેણી કેશકલાપ રાખે છે ને કેશનો ત્યાગ કરતાં નથી એવું મારા સમજ્યામાં છે. વિયોગકાળે એવી એકવેણી રાખવાનો સંપ્રદાય મેઘદૂતમાં છે તે અહીં પળાય છે.’

કુમુદસુંદરી - ‘તે સત્ય છે. સંસારિણીઓ નથી સમજતી વિયોગના ધર્મને નથી સમજતી સંયોગના મર્મ ! દુષ્ટ સંસાર પતિવત્સલા પત્નીને વરઘેલી ગણી વખોડે છે ને દંપતીની પ્રીતિ જરી પણ પ્રકાશ પામે તો તેને સ્ત્રીચરિતના ચાળા ગણે છે ! સાધુજનો એથી ઊલટા માર્ગને પ્રમાણે છે. મને તો કંઈ સમજણ ન પડતાં આ કન્થા ધારી અહીં આવી છું. મારા કેશ છે કે નહીં તેનો હું વિચાર કરતી નથી. મારા અંતઃશોકમાં ડૂબી બહારના વિધિની વાત ભૂલી જાઉં છું.’

સરસ્વતીચંદ્ર - ‘તેથી જ તમે સાધુતાને પામો છો. તમે સાધુ છો.’

કુમુદસુંદરી - ‘જો આપનો એવો વિશ્વાસ હોય તો મારો શોક સરી જશે.’

સરસ્વતીચંદ્ર - ‘હું માનું છું તે કહું છું.’

કુમુદસુંદરી - ‘આપની જેવા સાધુજનમાં અન્ય સંભાવના સર્વથા અયોગ્ય છે તે મારાશોકે મને પળવાર કરાવી.’

સરસ્વતીચંદ્ર - ‘તો વિચાર આરંભો અને છેલ્લો નિર્ણય કરી કહો કે આપણે હવે કેવી રીતે રહેવું છે ને કેવો આચાર પાળવો છે ? કાલ સવારે ચંદ્રકાન્ત આવશે તેની પાસે હું તો પ્રકટ જ છું પણ તમારે ગુપ્ત કે પ્રક્ટ રહેવું અનુકૂળ છે ?’

કુમુદસુંદરી - ‘આપના મિત્ર આપના જેવા જ સાધુજન હશે. પણ મારા ચિત્તમાંથી સંસારની લજ્જા ને સંસારનો ભય ખસતો નથી. મનેમરેલી કલ્પનાર માતાપિતા મને જીવતી અહીં આમ રહેલી જાણશે તો મારે માટે શી શી કલ્પના નહીં કરે ? અતુલ મનોબળથી આપ જાતે શુદ્ધ રહી મારી વિશુદ્ધિનું પોષણ કરી રહ્યા છો તો કોણ માનશે ? આપણને આશ્રય આપનાર સાધુજનોની કેટલી અપકીર્તિ થશે ? આ પરંપરાને અનેક પ્રશ્નો મારા હૃદયમાં ઊઠે છે ને મને કંપાવે છે. મારાં માતાપિતા આ સર્વ જાણી કેટલાં દુખી થશે ને પોતાની પ્રતિષ્ઠાનો કેવો નાશ થયો માનશે તે વિચારું છું ત્યારે તો હૃદય કોઈ રીતે કહ્યું નથી માનતું. મારા દુઃખી સસરાજી કેટલા દુઃખી થશે તેની કલ્પના તો કરી પણ જાય એમ નથી, સંસાર દુષ્ટ કુમુદને મૂએલી જાણે તેમાં સર્વનું કલ્યાણ છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે કહો છો તે સત્ય છે ને તે પ્રમાણે કરવાનો માર્ગ તો એટલો જ છે કે ચાહો તો પરિવ્રાજિકાશ્રમમાં ને ચાહો તો ચંદ્રાવલીમૈયા પાસે તમારે આયુષ્યશેષ ગાળવું ને આપણે ચંદ્રકુમુદની કેવળ દૃષ્ટિની જ પ્રીતિથી સંતોષ માનવો.’

કુમુદસુંદરી - ‘હરિ ! હરિ ! તું જે કરે તે ખરું.’

સરસ્વતીચંદ્ર - ‘નિરાશ ન થશો. મેં તમારા મનનું લક્ષ્ય સાધવાનો એક માર્ગ બતાવ્યો.’

કુમુદસુંદરી - ‘આપણે ઘણો વિચાર કરી નિર્ણય કર્યો હતો કે આપ કહો છો એવું આયુષ્ય માત્ર બે વર્ષ સુધી ગાળવું. ને તે પછીનું આયુષ્ય જુદી રીતે ગાળવું. હવે આપ કાંઈ જુદો જ માર્ગ બતાવો છો. મારું કોઈ નથી. આપ કહેશો તેમ કરવા હું તૈયાર છું.’

સરસ્વતીચંદ્ર - ‘હું દ્વૈઘીભાવ રાખી બોલતો નથી. આપણાં ખરા નામ વિનાની આપણી સર્વ કથા સુંદરગિરિ ઉપર પ્રસિદ્ધ થઈ ગઈ છે ને જે કાળે મારું નામ પ્રગટ થશે તે કાળે તમારું પણ વગર કહ્યે પ્રસિદ્ધ થવાનું. મનેતમને જાણનાર સ્નેહીજનોને અનુમાન કરવાનું કાંઈ બાકી નહીં રહે ને તમારાં માતાપિતા તમને ઓળખી કાઢશે ને મારા સમાગમમાં રહેલાં જાણી તેમની જે મનોવ્યથા તમે ટાળવા ઇચ્છો છો તે વ્યથાને તેઓ પામશે. મને પોતાને સંસારનો કે કોઈનો ભય નથી. સાધુજનો આપણા જે અદ્વૈતને માને છે તેને સ્વીકારી બે વર્ષ પછી પ્રસિદ્ધપણે તમારું પાણિગ્રહણ કરી મુંબઈ નગરીમાં જઈને પ્રક્ટપણે રહીશું તો તેમ કરવા સર્વ સાધન મારી પાસે છે ને મારા પ્રાયશ્ચિતની પૂર્ણાહુતિ તો તે વિના બીજી કોઈ પણ નથી. તેમાં મને ભય નથી પણ આવો લાભ છે, ને તમારાં માતાપિતાને મેં કહ્યો તે ભય છે. આ માર્ગોમાંથી જે તમને પ્રિય ને મને પ્રિય થશે.’

કુમુદે નિઃશ્વાસ મૂક્યો. ‘આપની વાસના પ્રાયશ્ચિત શોધનમાં જ સમાપ્ત થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘આટલું અદ્વૈત અનુભવ્યા પછી દ્વૈતશંકા શા માટે કરો છો ? એક માર્ગે અનેક ફળ મળતાં હોય તો શા માટે લેવાં નહીં ? મારી વાસના કે પ્રીતિ કે જે કહો તે તમે પ્રત્યક્ષ કરી છે તો હવે તેમાંશા કારણથી શંકા રાખો છો ? પ્રીતિની સિદ્ધિ સાથે પ્રાયશ્ચિત્તની પણ સિદ્ધિ સાથેસાથે થઈ જતી હોય તો શા માટે ન શોધવી ? તમારો વિશ્વાસ ખોવા જેવું કાંઈ નવું કૃત્ય મેં કર્યું મને સાંભરતું નથી.’

કુમુદસુંદરી - ‘તો આ પ્રાયશ્ચિત્તનું નામ દેવું પડતું મૂકો અને એનો સંકલ્પ પણ તમારા મનમાંથી દૂર જાય તેને જ ગમે તો પ્રાયશ્ચિત માનો ને ગમે તો મારા ઉપર પ્રીતિ કે કૃપા કરી માનો. મારે માટે આટલું દુષ્કર કરો.’

સરસ્વતીચંદ્ર - ‘એ પણ રમણીય કહ્યું અને હું તેમ વર્તવા પ્રતિજ્ઞા લઉં છું. તમારી પ્રીતિના બળ આગળ આટલામાં હવે મને કંઈ દુષ્કર નથી.’

કુમુદસુંદરી - ‘આજ સુધી એમ થતું હતું કે બે વર્ષ પછીનું આયુષ્ય કેવી રીતે ગાળવું તે વિચારવાને બે વર્ષ ઘણાં છે, ને તે વિચારવાની આજથી શી ઉતાવળ છે ? હવે આજથી જ એ વાત વિચારવાની આતુરતા આપે ઉત્પન્ન કરી છે.’

સરસ્વતીચંદ્ર - ‘જો હું પ્રક્ટ થાઉં છું તો તમારે સંબંધ ગમે તો પ્રક્ટ કરવો પડશે ને ગમે તો ગુપ્ત રાખવો પડશે. તે બેમાંથી શું કરવું એ પ્રશ્નને અંગે આ બધા ભવિષ્યનો વિચાર કંઈક પ્રાપ્ત થયો તે તમને પૂછ્યો.’

કુમુદસુંદરી - ‘હું તો મારી જાતને અને જીવનને ગુપ્ત રાખવા જ ઇચ્છું છું. જગત મને મૂએલી જાણે નહીં તો મારે જીવવાનો સંદેહ સમજવો. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે પ્રકટપણે રહી કેવળ સૂક્ષ્મપ્રીતિનો સંબંધ રાખીશ તો પણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતાને અને સસરાજીને દુઃખ થશે તે જોવાની સહનશક્તિ મારામાં નથી - તે જોવા કરતાં મરવું સારું.’

સરસ્વતીચંદ્ર - ‘વાણી અને સ્ત્રી બેની સાધુતાને માટે આ દેશના જન ભવભૂતિ જેવાના કાળથી શંકાશીલ અને દુર્જન જણાયા છે તેમ હજી પણ જણાશે એવી તમને બીક લાગે છે.’

કુમુદસુંદરી - ‘એ બીક ખોટી નથી.’

સરસ્વતીચંદ્ર - ‘કાળ આવ્યે એ બીકનો ઉપાય કરીશું.’

કુમુદસુંદરી - ‘આપની છાતી એટલી ચાલતી હશે. મારી તો રજ પણ ચાલવાની નથી.’

સરસ્વતીચંદ્ર - ‘આપણા લોકને સ્ત્રીમાં સાધુચરિત સમજાવવા આપણે પ્રયત્ન કરીશું.’

કુમુદસુંદરી - ‘તેમ કરવા જતાં આપ રાફડાની ધૂળમાં દટાઈ જશો ને સ્વપ્નમાં એ ધૂળ પાસે જવાનાં સાધન હતાં તેમાંનું એક પણ આ જાગૃતમાં મારી પાસે આવે એમ નથી. મારું હૃદય તો એ કલ્પનાથી જ કંપે છે. અમે અબલાજાતિ સ્વભાવથી બીકણ છીએ તેથી સારું કામ પણ ગુપ્તપણે કરી સ્વસ્થ રહીએ છીએ ને તેને પ્રકટ કરવાથી ડરીએ છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘એ અનુભવ આજ તમે કરાવો છો તો કહો કે તમારા હૃદયને કયા માર્ગથી સ્વસ્થતા મળશે ? જ્યાં મારી બુદ્ધિ નકામી છે ત્યાં તમારા હૃદયને પૂછવામાં કાંઈ બાધ નથી ને તેના વિના બીજા કોઈને પૂછવાનું ઠેકાણું નથી.’

કુમુદસુંદરી - ‘શું કરવામાં મારી છાતી નહીં ચાલે તે હું જાણું છું, પણ શું કરવામાં ચાલશે તે સૂઝતું નથી. આમ લોકનું કલ્યાણ કરવાને શક્તીમાન થઈ શકશો - પણ તે, લોકમાં પ્રગટ થયા વિના, બને એમ નથી. ને એવે કાળે આપની સર્વ નાની નાની વાતોની સંભાળ રાખવાને આપને કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ જ્ઞાતિબહાર થશો, લોકની નીંદાના પાત્ર થશો, ને આપે લોકને પહેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી દેશે. હું એવું ઇચ્છું છું કે આપ સંસારમાં પ્રગટપણે રહો ને લોકનું કલ્યાણ કરો - પણ મારો સહવાસ આપે સ્વીકારવાથી એ વાત આપને નિષ્ફળ થશે ને મારો સહવાસ ત્યજવાથી આપના મનનું સ્વાસ્થ્ય થવાનું નથી ને આપના વિના મારી પોતાની દશાની તો વાત જ શી પૂછવી ? મારી ઇચ્છા એવી છે કે આપ ચંદ્રકાંતભાઈ જોડે જઈ મુંબઈમાં પ્રકટપણે રહો ને મારા જેવી પણ અકલંકિત અખંડિત કોઈ અન્ય સહચારિણીને ભાગ્યશાળી કરો ને મારા શૂદ્ર દુષ્ટ શરીરને આ ગિરિરાજના ખડકોની કોઈ ઊંડી ખોમાં કે પેલા સમુદ્રમાં બહુ જ સમાસ મળશે ! મારે માટે હવે સંસારમાં કોઈ પણ સ્થાન ખાલી નથી ને મારા શબને માટે કોઈ પણ સ્થાન નાનું પડે એમ નથી. ઓ મારા વ્હાલા! હું કહું છું એ જ સત્ય છે ને સર્વને માટે કલ્યાણકારક છે. હું તમને છેલ્લા પ્રણામ કરી લેવાની આજ્ઞા માગું છું ને ઊઠું છું. મેં આપને ઘણા દુઃખી કર્યા છે તે સર્વથા ક્ષમા કરો એવા આપ ઉદાર છો. ઓ મારા વ્હાલા ! મને ઊઠવા દો ! આ એક કામમાં મારી છાતી ચાલે છે.’

આટલું બોલતી બોલતી આંસુથી ઊભરાતી રોતી કુમુદ ઊઠી હતી ને પાછી ફરી અગાશીનો દાદર ભણી જવા લાગી. સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ ઊભરાયાં. આ કરુણ દર્શન તે વધારે વાર જોઈ શક્યો નહીં, ને ધર્માધર્મની સર્વ શંકાઓને ગુફાની બહારના ખડકો ઉપર ફેંકી દઈ, કુમુદની પાછળ જઈ એને પોતાની બાથમાં લઈ લીધી ને અગાશીના મધ્ય ભાગમાં એને છાતી સરસી દાબી એનાં આંસુ લોહવા લાગ્યો, ને આંસુ લોહી એને છાતીથી જરીક દૂર કરી એનું મુખ પોતાના મુખ સામું ધરી પૂછવા જાય છે ત્યાં કુમુદ શબ જેવી થઈ પૃથ્વી ઉપર ઢળી પડી ને સરસ્વતીચંદ્રે પોતાના હાથમાં ઝાલી લીધી ન હોત તો અગાશીની બહાર વીસ હાથ નીચે પડી જાત ને એ નાજુક બાળા ચૂરેચૂરા થઈ જાત.

સરસ્વતીચંદ્ર હાથમાંની બાળાના મુખ ઉપર પોતાના મુખને નિઃશંક લટકાવતો લટકાવતો અને તેનાં બિડાયેલાં નેત્રમાં પોતાનાં નેત્રની અશ્રુધારા સારતો સારતો કહેવા લાગ્યો : ‘ઓ મારા ચન્દનવૃક્ષ ! ઓ મારી કુમુદ ! હવે કાંઈ વિચારવાનું રહ્યું નથી, તારે વિચારવાનો કંઈ પણ શ્રમ લેવાનો બાકી નથી ! સંસારના સર્વ પ્રકારોથી તું પોતાને મુક્ત થઈ સમજ - મને કોઈનો ભય નથી, હું કોઈ સાધુધર્મનું ઉલ્લંઘન કરતો નથી ! એવા ભય વિના, એવા ઉલ્લંઘન વિના, હું સર્વ રીતે તારો છું અને સર્વાવસ્થામાં લોકકલ્યાણ કરવાને સમર્થ છું તેમાં તારો સહવાસ વિઘ્નરૂપ નથી એટલું જ નહીં પણ તારું અદ્વૈત મારા મંગલ કાર્યમાં આવશ્યક છે. તારું આયુષ્ય તારે માટે નહીં - પણ મારે અને મારા સદ્‌ભિલાષોની સિદ્ધિને માટે આવશ્યક છે ! ઓ મારી કુમુદ ! તું હવે ઉચ્છ્‌વાસ પામ ! હું તારો જ છું! તું મારી જ છે ! પવિત્ર સાધુજનોએ, દિવ્ય સિદ્ધાંગનાઓએ, અને ચિરંજીવોના દર્શનાધિકારે જે વાત સિદ્ધ કરી છે તેમાં રજ પણ શંકા ન કરીશ.’

આ શબ્દોમાંના આશ્વાસનથી કે એ બોલનારના શબ્દોચ્ચાર સાથે નીકળતા શ્વાસથી, એના હૃદયના અંતર્ભાગના સ્પર્શથી કે પ્રાણવિનિયમથી, એની પ્રીતિના સંપૂર્ણ વિકાસથી કે પોતાના કરમાઈ જતા આશા-પુષ્પ ઉપર પડતી મેઘવૃષ્ટિથી કુમુદ જાગૃત થઈ, સરસ્વતીચંદ્રના સ્કંધ ઉપર પોતાના હસ્ત ટેકવી એના જ કંઠના આધારથી, નીસરણી ઉપરથી પાછે પગલે બાળક ઊતરે તેમ, સરસ્વતીચંદ્રના હાથમાંથી નીચે ઊતરી સામી ઊભી રહી ને હાથ દૂર લઈ, આંસુ લોહી બોલવા લાગી.

‘ક્ષમા રકજો ! વિચાર ન પહોંચવાથી હું આ દશાને પામી હતી. હું મૂર્છાવશ ન હતી પણ વિચારવશ હતી ને આપનું કહેલું સાંભળ્યું પણ ખરું ને વિચાર સૂઝ્‌યો છે પણ ખરો. આપના યોગને પામી, આપની સેવાનો અધિકાર પામી આપના દુઃખનું કારણભૂત થનારી આત્મહત્યાને હવે હું શોધવાની નથી. સાધુજનો જે સત્ય ધર્મ પાળે છે તે ધર્મને માની હું સત્ય બોલવા, અને છું તેવી જગતની આંખે દેખાવા હવે તત્પર છું. જો સનાતન ધર્મ પ્રમાણે આપણું અદ્વૈત છે, જો આપણે વરણવિધાન વિના હૃદયના વિવાહથી વરી ચૂકેલાં લીએ અને એ વરણ આટલું અનિવાર્ય નીવડ્યું છે, જો આપ મારા હૃદયના સ્વામી છો, તો પછી પૃથ્વી જેવી હું જ્યાં દૃષ્ટિ કરીશ ત્યાં દ્યૌ જેવા આપને જ દેખીશ ! માતાપિતા કરતાં અને એમનાં સુખદુઃખ કરતાં પતિવ્રતાને મન સ્વામી જ વિશેષ છે, તો હું પણ એ ધર્મને અનુસરીને કંઈ પણ અન્ય વિચાર ન કરતાં લોકલજ્જાને કે કૃત્રિમ શાસ્ત્રોને ન સ્વીકારતાં, સર્વ શાસ્ત્રનું શાસ્ત્ર આપણી પ્રીતિ છે તેને જ વશ થાઉં છું ! એ પ્રીતિ પિતાએ જ ઉત્પન્ન કરી છે, લોકવ્યવહારથી ભૂલ ખાઈ આપેલું દાન ન આપ્યું ગણી મારા કન્યાશરીરનું એ જ પિતાએ અન્યત્ર દાન કર્યું તે દાનના લેનાર પ્રતિ મારો ધર્મ સમાપ્ત થયો છે, અને હૃદય તો પિતાએ મૂળ પ્રકટ કરેલા યજ્ઞની વેદી ઉપર જ હોમાયું છે - અને આપના જેવા આટલા મનોબળવાળા સાધુજન એ હોમને ધર્મ્ય ગણો છો ! - તો હવે હું કાંઈ વિચારતી નથી. આપના સન્મિત્ર પાસે મારાં નામરૂપ પ્રકટ કરો ને આપને અહીં સુધી શોધવા આવનાર મિત્ર આપના જેવા જ સજ્જન હશે અને કંઈ પણ સદ્ધિચાર બતાવશે. મારું સર્વ આયુષ્ય આપની સૂક્ષ્મ પ્રીતિથી તૃપ્ત થશે ને સ્થૂળ

પ્રીતિના સ્થૂળ ભોગની વાસનાને આપના આશ્રયથી દૂર રાખી શકીશ ! મારા હૃદયમાંથી પ્રીતિનું વૃક્ષ ઉખાડી શકતી નથી ને કોઈ ઉખાડી શકે એમ નથી. આપની છાયાની પેઠે હું ચુડુબોધિની ધર્મપત્ની પેઠે, સૂર્ય પૃથ્વીને રાખે છે તે પૃથ્વીની પેઠે હું આપનો ધર્મસહચાર કરીશ. સંસાર કહેશે તે સાંભળી રહીશ, પિતામાતાનાં દુઃખ જોઈ લોઈ રહીશ, પણ મારો ધર્મ તો આ દેખું છું તે જ પાળીશ. ઓ મારા પ્રાણનાથ ! આપ હવે મારા સર્વ વિચારનો ત્યાગ કરી કેવળ લોકકલ્યાણના જ વિચાર કરો. આપના હૃદયમાં જે દેશ અને લોક વસી રહ્યા છે તેમની હું સપત્ની નહીં થાઉં - પણ એ દેશ અને લોકની સેવાને અર્થે આપ જે યજ્ઞ માંડશો તેમાં હું આપની સહધર્મચારિણી થઈશ ! આજની રાત્રિ એ યજ્ઞના વિધિ સમજાવવામાં ગાળો. પ્રાતઃકાળે ચંદ્રકાન્તભાઈ પાસે વગર શંકાએ મને બોલાવજો ! આ સિદ્ધમંદિરની પવિત્ર છાયાઓ મારા હૃદયનો સ્પર્શ કરતી અત્યારે હું અનુભવું છું ને એ સ્પર્શના તાત્પર્યના બોધને આપનો ચિંતામણિ પ્રકટ કરશે. તે આપણા સંસ્કારોને શુદ્ધ કરશે. આપણા વ્યવહારનો નિશ્ચય તો આપના તટસ્થ મિત્રને જ સોંપજો.’